Related Questions

લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?

લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતાં આવડે નહીં અને ગૂંચાયા કરે. એના કરતાં, જેટલું સમજશો એટલી શ્રદ્ધા બેસશે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે. શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એમનું જીવન પણ સુખી થાય.

પરમ પૂજ્ય દાદાશ્રીએ લગ્નજીવનમાં થતા ક્લેશના સમાધાન માટે અને પતિ-પત્ની વચ્ચે થતી સમસ્યાઓ ટાળવા માટે અનેક રસ્તાઓ દર્શાવ્યા છે. એમની સાથે થયેલા સત્સંગોમાંથી અમુક અંશો જેમ છે તેમ નીચે મુજબ દર્શાવાયા છે, જે વાચકને લગ્નજીવનમાં ક્લેશ ટાળવામાં જરૂર મદદરૂપ થશે.

ઘરની વાત ઘરમાં જ રાખવી

આપણા ઘરની વાત ઘરમાં રહે એવું એક ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. આટલો ફેરફાર કરો તો પણ બહુ સારું કહેવાય. લગ્નજીવનમાં, ક્લેશ તો હોવો જ ના જોઈએ.

જીવનસાથી ક્રોધ કરે ત્યારે શાંત રહો

જ્યારે તમારા જીવનસાથી ક્રોધિત થાય, ત્યારે તમારે સાવધ અને શાંત રહેવું. તો જ પરણાય. જો એ પણ ક્રોધિત થાય અને આપણે પણ ક્રોધિત થઈએ, તો એ અસાવધપણું કહેવાય. એ ક્રોધિત થાય ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું.

પોઝિટિવ ગુણો તરફ લક્ષ રાખો

જ્યારે આપણે બીજાના સંપર્કમાં આવીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણને એમના પોઝિટિવ અને નેગેટિવ બંને ગુણો દેખાશે. મોટાભાગે આપણું ધ્યાન એમના પોઝિટિવ ગુણો જોવાના બદલે નેગેટિવ ગુણો પર જ રહેતું હોય છે. આનો ઉપાય એ છે કે આપણે એમના પોઝિટિવ ગુણોનું લિસ્ટ બનાવવું જોઈએ અને જ્યારે એમની સાથે કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે આપણે એ લિસ્ટને અચૂક વાંચવું જોઈએ. તમને ખરેખર આશ્ચર્ય થશે કે આવા નાના પગલાંથી પણ તમારા લગ્નજીવનમાં પોઝિટિવ બદલાવ આવશે.

સહન નહીં પણ સમાધાન લાવો

લગ્નજીવનમાં સહન કરવા કરતાં એકબીજા સાથે થતી સમસ્યાઓ અંગે વિચારવું સારું છે. વિચારીને સમસ્યાનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને તે સ્પ્રિંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્પ્રિંગ છે. સ્પ્રિંગ ઉપર લોડ નહીં મૂકવો કોઈ દહાડોય. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય? સ્પ્રિંગ કૂદે એ તો. અમુક હદ સુધી સહન કરવું.

વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે! એકલું સહન કર કર કરશો તો સ્પ્રિંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચારે કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે. એ બધું એનું સમાધાન કરી આપશે.

પાર્ટનર સાથે એડજસ્ટ થવું - એ છે સુખી જીવનની ચાવી

સંસાર તેનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં! આ ‘સમજણ’ મળે તો તેને એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર!’ માય ફેમિલીનો અર્થ શું કે અમારામાં ભાંજગડ નહીં કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાના ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ. જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં.

ઘરનાં પતિ-પત્ની બેઉ જણ નિશ્ચય કરે કે મારે ‘એડજસ્ટ’ થવું છે તો બંનેનો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો હતો, પણ આ વિશે તેણે કોઈને કહ્યું ન હતું. પછી તેણે પોતાના બીજા હાથેથી દુઃખતો હાથ દબાવીને ‘એડજસ્ટ’ કર્યું! એવું ‘એડજસ્ટ’ થઈએ તો ઉકેલ આવે. મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નહીં, છતાં મતભેદ પડી જાય છે ને? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઈએ ને ઓઢીને સૂઈ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય?

ક્લેશને સમાધાન પૂર્વક ઉકેલવાનો ભાવ રાખો

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે’ એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ’ કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષેય થશે. વાઈફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે ‘આપણે સમભાવે નિકાલ કરવો છે’ એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઈએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે ‘સમભાવે નિકાલ’ કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી.”

પ્રતિક્રમણ - એક શક્તિશાળી હથિયાર

જ્યારે તમે લગ્નજીવનમાં સંઘર્ષથી ઘેરાયેલા હો ત્યારે એની અસર તમારા પાર્ટનર સાથેના બાહ્ય વ્યવહાર પર ના થવી જોઈએ. આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝિઝ શું કર્યા હતા? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું. એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઈનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું.

અભેદતા રાખવી

મનથી પણ આપણા તરફથી એમને જુદાઈ ના લાગવી જોઈએ. આપણા પાર્ટનર ભલે અવળું બોલે તોય પણ બંને સરખાં હોય એવી રીતે આપણે વર્તન કરવું. જ્યારે તમને એવું લાગે કે તમારી બંને વચ્ચે મતભેદ ઊભો થઈ રહ્યો છે, તો તમે જ પહેલ કરીને એવી રીતે વાત કરો કે જાણે કંઈ બન્યું જ ન હોય. આ નાનું પગલું જ તમારા બંનેની અભેદતા તૂટવા નહીં દે.

મૌન એ ઉપાય નથી

એક મુમુક્ષુ સાથે લગ્નજીવનમાં થતાં મતભેદ વિશે વાતચીત કરતા પરમ પૂજ્ય દાદાશ્રી પૂછે છે:

દાદાશ્રી: ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો? દવાની બોટલ રાખો છો?

પ્રશ્નકર્તા: મતભેદની કોઈ દવા નથી.

દાદાશ્રી: હેં, શું કહો છો? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું? દવા ચોપડ્યા વગર? પછી એ શી રીતે મટી જતો હશે? ઘા રૂઝાઈ જતો હશે કે? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે? તે સવારમાંય ઘા રૂઝાતો નથી. સવારમાંય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમેય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે? આપણે બધા સરખા જ છીએ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે.

એક મુમુક્ષુ, પરમ પૂજ્ય દાદાશ્રીને પત્ની સાથે અબોલા લઈને સમાધાન લાવવા માટે પૂછે છે:

પ્રશ્નકર્તા: અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે?

દાદાશ્રી: ના થઈ શકે. આપણે તો સામો મળે તો ‘કેમ છો? કેમ નહીં?’ એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને ‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને! અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોંશિયાર-ભણેલા, તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.’ એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

આત્મજ્ઞાનની પ્રાપ્તિ

લગ્નજીવનમાં સમસ્યાઓ ઉકેલવા માટે સૌથી મહત્ત્વની ચાવી આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. લગ્નજીવનમાં થતા મતભેદોને સાચી સમજણથી ઉકેલવાની એક નવી જ દૃષ્ટિ આત્મજ્ઞાન થકી પ્રાપ્ત થશે.

×
Share on