ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી વ્યવહાર કુશળતાનો કેવી રીતે વિકાસ કરવો એ શીખવા માટે વર્કશોપ અને સેમિનારમાં ભાગ લેતા હોઈએ છીએ. પરંતુ, શું તમે આ કુશળતાનો પ્રયોગ તમારા પતિ/પત્ની સાથેના વ્યવહાર માટે કર્યો છે?
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “દુનિયાને નથી જીતવાનું, ઘરને જીતવાનું છે.”

ચાલો, આપણે નીચે દર્શાવેલ અનુભવો દ્વારા આપણા પતિ/પત્ની સાથેના વ્યવહારને ઉકેલવાની કળા શીખીએ. પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા સત્સંગોમાંથી લીધેલા આંશિક અવતરણો નીચે દર્શાવવામાં આવ્યા છે.
શું તમે જેની સાથે રહો છો, એમના વ્યક્તિત્વની ઓળખાણ ના કરવી જોઈએ? તમારા પતિ/પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ શીખવા માટે, સૌથી પ્રથમ તમારે એમના વ્યક્તિત્વના દરેક પાસાને સમજવાની જરૂર છે. આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થયા બાદ, જો તમે પ્રયત્ન કરો તો તમે એમના વ્યક્તિત્વને સરળતાથી ઓળખી શકશો. એકવાર તમે જો આ રીત અપનાવશો, તો તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરવાનું તમારી માટે સરળ થઈ જશે.
જ્યારે તમે તમારા જીવનસાથીના વ્યક્તિત્વનો અભ્યાસ કરશો, ત્યારે તમને એમના ગમા-અણગમા વિશે સમજાશે, જેથી તમે અથડામણ ટાળી શકાય તેવું વર્તન કરી શકશો. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ગુલાબને નજીકથી નિહાળીએ છીએ, ત્યારે આપણે એવી પણ તકેદારી રાખીએ છીએ કે એના કાંટા આપણને ના વાગે. તેવી જ રીતે, જો તમારા જીવનસાથીને સવારે વહેલા ઉઠવાની ટેવ હોય અને તમને મોડું ઉઠવું ગમતું હોય, તો એમાં તમે એમના સાથે એડજસ્ટ થતા શીખશો તો એનાથી સમસ્યાઓને ટાળી શકશો.
જો પતિ-પત્ની બંને એકબીજા સાથે એડજસ્ટ થવાનો દ્રઢપણે નિશ્ચય કરે, તો જ તેનો ઉકેલ આવશે. જો એક વ્યક્તિ પકડ રાખે છે, તો બીજાએ પોતાની વાત છોડીને એમને એડજસ્ટ થવું પડશે. જો તમે એડજસ્ટ નહીં થાઓ, તો તમે તમારું માનસિક સંતુલન ખોઈ બેસશો. કારણ કે, તમે જો બીજાને દુઃખ આપ્યું હશે, તો તમારે બહુ જ ઉદ્વેગ સહન કરવો પડે છે, એવો નિયમ છે. જો તમે કૂતરાને એકવાર, બેવાર અથવા તો ત્રણ વાર ઉશ્કેરશો, તો પણ તે તમને કશું નહીં કરે. પરંતુ, જો તમે એને હેરાન કર્યા જ કરશો, તો એ તમને કરડશે. કૂતરાને પણ એટલો ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ ગેરવર્તન કરે છે. આ સમજવા જેવું છે. કોઈને ઉશ્કેરવું નહીં. એડજસ્ટ એવરીવ્હેર.
પરણિત દંપતીના જુદા જુદા ઈન્ટરેસ્ટ હોવા સ્વાભાવિક છે, તો તેમાં તમે એવા કયા ઉપાય કરશો કે જેથી તમને ગમતી પ્રવૃત્તિનો આનંદ માણી શકો અને સાથે જ એવું કરો કે જેથી તમારી પતિ/પત્ની પણ ખુશ રહે? એકબીજાના ઈન્ટરેસ્ટ બદલ્યા વગર, એક નાની ચાવી વાપરો અને એ છે સમાધાનપૂર્વક ઉકેલ લાવો. તમને બહાર જવું ગમતું હોય અને તમારા પતિ/પત્નીને ઘરે સમય પસાર કરવાનું ગમતું હોય, તો એમાં તમે એવું કંઈક કરી શકો કે જેથી તમે બંને પોતાની રીતે આનંદ માણી શકો. અમુક રાતો ઘરે રહો અને અમુક રાતો બહાર જાઓ. આવી રીતે તમારા સંબંધ પર અસર ના થાય તેમ એકબીજાનો સાથ પણ માણી શકશો અને બંનેની ઈન્ટરેસ્ટ પણ જળવાઈ રહેશે. નિખાલસ પ્રેમ અને એકબીજાનો જેમ છે તેમ સ્વીકાર કરવો, એ જ સુખી લગ્નજીવનની રહસ્ય ચાવી છે.
તમારા પતિ/પત્ની સાથે વાત કરતી વખતે તમે જે શબ્દોનો પ્રયોગ કરો છો તેની સાથે, તમે એ વાતને કેવી રીતે કહો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. તમારે એવી રીતે બોલવું કે સામે પક્ષે કોઈ ઉશ્કેરાટ ઉત્પન્ન ના થાય. પ્રસ્તુત અર્કમાં એક બહેનનો, પરમ પૂજ્ય દાદાશ્રી સાથેનો અનુભવ દર્શાવ્યો છે.
"એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે, ગયા અવતારના. બેન બહુ સરસ, બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે, આ ધણી જોડે શી રીતે મેળ પડે છે? ત્યારે કહે, 'એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં.' ત્યારે મેં કહ્યું, 'કોઈક દહાડો કશુંક તો થતું હશે ને ?!'ત્યારે કહે, 'ના, કોઈક દહાડો ટોણો મારે.' હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછ્યું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં? ત્યારે એ કહે કે 'ના, હું એમને કહું કે કર્મના ઉદયે તમે અને હું ભેગા થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો?' શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે? આમાં કોઈનોય દોષ નથી. એ બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતા કર્મને આપણે ચૂકતે કરી નાખો ને! એ વઢવાડ સારી કહેવાયને! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ."
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય,આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલા જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલા જેવું ક્લેશવાળું જીવન આજે પણ જીવીએ એમાં શું ફાયદો? એનો અર્થ જ શું? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએ ને? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે, મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે કે, તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોય ને, તો છોકરાંના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરના છોકરાંય સારા થાય.”
પ્રશ્નકર્તા: અહીંયા અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરે ને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.
દાદાશ્રી: પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે! ગાડું સારું ચાલે ને? આ ગાડાના બળદ ઢીલા હોય તો સારું કે પાવરવાળા?
પ્રશ્નકર્તા: પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલે ને? પાવર સારો કરતા હોય તો સારું.
દાદાશ્રી: એવું છે ને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટનું પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.
પ્રશ્નકર્તા: તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.
દાદાશ્રી: સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને?
પ્રશ્નકર્તા: બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે.
દાદાશ્રી: ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.
પ્રશ્નકર્તા: હં... નહીં તો વધારે વંઠે.
દાદાશ્રી: આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો? માટે આ બે મિત્રો જ કહેવાય. સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે અને આવી દશા કરી નાખી. આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ગ્રીનકાર્ડવાળાને ?! આવું કરવા હારુ? તો પછી આ શોભે આપણને? તમને કેમ લાગે છે? ના શોભે આપણને! સંસ્કારી કોને કહેવાય? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે?
પ્રશ્નકર્તા: ક્લેશ ના થાય તેના માટે શું કરવાનું? એનો રસ્તો શું?
દાદાશ્રી: શેના માટે ક્લેશ થાય છે, એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં.
પ્રશ્નકર્તા: પૈસા માટે થાય છે, છોકરાંઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય.
દાદાશ્રી: પૈસા બાબતમાં શું થાય?
પ્રશ્નકર્તા: બચતા નથી ને, વપરાઈ જાય છે બધા.
દાદાશ્રી: એમાં ધણીનો શો ગુનો?
પ્રશ્નકર્તા: કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈવાર.
દાદાશ્રી: એટલે ક્લેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તોય ક્લેશ ના કરવો. કારણ કે, ક્લેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતા ડબલ કિંમતનો ક્લેશ થાય છે અને ચારસો ડૉલરનો ક્લેશ કરવો તેના કરતા બસો ડૉલર ગયા એ ગયા. પછી ક્લેશ ના કરવો. પછી વધવું-ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે.
કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્યૈ પાકે તો વારેય ના લાગે, પૈસા વધવાને. એટલે જે જે બાબતોમાં થાય તે મને કહો ને કે પૈસાની બાબતમાં થાય. તો પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે, છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ ક્લેશ કરીએ ને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો ક્લેશ થઈ જાય. એટલે ક્લેશ તો કરવો જ ના જોઈએ.

“પ્રોમિશ ટુ પે” (આપેલું નિયમબદ્ધ વચન)
હીરાબાની એક આંખ '૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું.
એટલે લોકોના મનમાં એમ કે આ 'નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને! અને કન્યાના મા-બાપની ઈચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, 'શું છે તમારે?' ત્યારે એ કહે, 'આવું તમારું થયું?' હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, 'કેમ તમે આમ પૂછવા આવ્યા છો?' ત્યારે એ કહે, 'એક તો હીરાબાની આંખ ગઈ છે, બીજું પ્રજા કશું નથી.' મેં કહ્યું, 'પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.' વળી તેમને મેં કહ્યું, કે 'હવે શેના હારુ તમે આ કહો છો? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે! બે જતી રહેશે તોય હાથ પકડીને હું દોરવીશ.' એ કહે, ‘તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું?’ મેં કહ્યું, ‘કૂવામાં નાખવી છે તમારી છોડીને? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને?’ અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, ‘હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ! કારણ કે, મેં પ્રોમિસ આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું! બીજા બધા બહુ અવતાર મળવાના છે! લગ્નમાં ચૉરીમાં હાથ આપ્યો હતો, આપણે હાથ આપ્યો તે પ્રોમિસ કર્યું આપણે. અને આ બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે!
પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાના હીરાબા સાથેના સંબંધોમાંથી આ તારણ કાઢેલું, એ કહેતા હતા, "મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં તોય એને અવળું પડી જાય, પછી એનો ઉપાય શું? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. મહત્ત્વનું તો એ છે કે જીવન ક્લેશ વગર જીવો."
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
