કુટુંબમાં આપણે એકબીજા સાથે રાત-દિવસ એક છત નીચે રહેતાં હોઈએ એટલે નાની-મોટી અથડામણ થયા વગર રહે નહીં. તેવા સમયે કઈ સમજણ હાજર રાખવી જેથી અથડામણ ન થાય અને સંબંધો સચવાય તેની અહીં વિગત મળે છે.
પરિવારમાં મતભેદ એટલે અથડામણ! દરેકની પ્રકૃતિ અને વિચારસરણી જુદા જુદા હોવાથી સંજોગોવશાત્ મતભેદ થઈ જાય છે. માટે, ઘરમાં દરેક વ્યક્તિની પ્રકૃતિ ઓળખીને કામ લેવું. જેમ આપણે કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રાચારી કરવી હોય તો તેની ઓળખાણ પડે તે માટે ઝીણવટથી નિરીક્ષણ કરીએ અને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વગેરેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. પણ પતિ-પત્ની કે બાળકો સાથેના વ્યવહારમાં આપણે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લઈએ છીએ અને પ્રકૃતિનું ઝીણવટથી નિરીક્ષણ નથી કરતા. પરિવારમાં બહુ બધા માણસો હોય, તે દરેકની સાથે મેળ નથી પડતો. પરિણામે વાતેવાતે અથડામણ થઈ જાય છે.
કુટુંબની દરેક વ્યક્તિના પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઈએ. આપણે મોટેભાગે વ્યક્તિની પ્રકૃતિના દોષ જોઈએ છીએ, તેથી તેમના પ્રત્યે અભાવ થયા કરે. તેના બદલે જો સારા ગુણોને જોઈએ તો કોઈ દોષિત ન દેખાય. ધારો કે, એક બગીચામાં જુદાં-જુદાં ફૂલો એકબીજા સાથે વાતો કરી શકતા હોય અને તેમાં જો ચંપો ગુલાબને કહે કે, “તારામાં ભલીવાર નથી, તારામાં તો કાંટા છે”. તો સામે ગુલાબ ચંપાને કહે કે, “તું તો જરાય સારો નથી દેખાતો.” અને પરિણામે બંનેમાં વઢંવઢા થઈ જાય. તેવી જ રીતે આ સંસાર પણ બગીચો છે. તેમાં જો આપણે એકબીજાની ભૂલો કાઢીએ તો ઝઘડા વધ્યા જ કરે.
ઘરની વ્યક્તિઓમાં મતભેદ ન પડવા દેવો. મતભેદ થઈ જાય તો વાળી લેવું. એટલે કે, આપણો મત છોડી દેવો અને વ્યક્તિ સાથે ભેદ ન પડે તેમ સાચવી લેવું. એકબીજાની પ્રકૃતિ જુદી જુદી હોય, વિચારો જુદા જુદા હોય, ત્યારે આપણે સામાના વિચારોને તોડી ન પાડવા. ઘરની કોઈ વ્યક્તિથી વસ્તુનું, કામકાજને લગતું કે પૈસાનું નુકસાન થતું હોય, ત્યારે ધીરજથી કામ લેવું જોઈએ. આપણે જો વ્યક્તિની ભૂલ કાઢીને ગુસ્સો કરી મૂકીએ, તો વ્યક્તિનું દિલ તૂટી જશે.
દરેક સંબંધમાં એક સૂત્ર અપનાવી લેવું જોઈએ કે, “વસ્તુની કિંમત નથી, વ્યક્તિની કિંમત છે.” લાખોનું નુકસાન થાય તો પણ ઘરની વ્યક્તિઓના દિલને સહેજ પણ ઠેસ ના વાગે તે રીતે સોલ્યુશન લાવવું જોઈએ. ઘરની વ્યક્તિઓ પ્રેમથી જીતાશે તો ફરીથી ભૂલ કરતાં અટકશે અને તેમનો ઉત્સાહ ટકી રહેશે.
ઉપરની ચાવીઓ આપણને સામાન્ય રીતે કોઈપણ સંબંધમાં અથડામણ અને ક્લેશ ટાળવામાં મદદરૂપ થાય છે. તેમ છતાં, કેટલાક સંબંધો જેમ કે, પતિ-પત્ની, મા-બાપ અને બાળકો, સગાં ભાઈ-બહેન તેમજ સાસુ-વહુ વગેરેમાં કેટલીક અનોખી સમજણ હાજર રાખવી પડે છે, જેથી સંબંધોમાં પ્રેમ અને આદર જળવાઈ રહે. પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી પ્રાપ્ત એવી જ કેટલીક સચોટ સમજણ નીચે દર્શાવેલ છે.
લગ્નગ્રંથિથી જોડાયા પછી, એક છતની નીચે સાથે રહેતાં પતિ અને પત્નીના જીવનમાં ક્લેશ થયા વગર રહેતો નથી. તેવામાં કઈ સમજણ ગોઠવીએ જેથી જીવન ક્લેશરહિત અને સુંદર બને તે નીચે દર્શાવ્યા છે.
સુખી વૈવાહિક જીવન માટેની વિસ્તૃત સમજણ મેળવવા વાંચો, સુખી લગ્નજીવનની ચાવીઓ.
મા-બાપના બાળકો સાથેના ક્લેશરહિત વ્યવહારની વિસ્તૃત સમજણ માટે વાંચો પોઝિટિવ પેરેંટિંગ.
ભાઈ-ભાઈ, ભાઈ-બહેન કે બહેન-બહેન વચ્ચે કોઈ કારણોસર મનભેદ થયો હોય, એકબીજાને દુઃખ થયું હોય તેવા સમયે, કયાં કારણથી દુઃખ થયું અને તેનું કઈ રીતે નિવારણ કરવું તેની સાચી સમજણ મળે તો ભાઈ-બહેનના સંબંધોમાંથી પણ ક્લેશ દૂર થઈ શકે છે.
મોટેભાગે ઘરની નજીકની વ્યક્તિઓમાં રાગ-દ્વેષ વધુ હોય છે. વાસ્તવિકતામાં, પૂર્વે જેમની વચ્ચે હિસાબ બંધાયો હોય તેવા જીવો એક કુટુંબમાં જન્મ લે છે. પછી રાગથી કે દ્વેષથી એ હિસાબ ઊકલે છે. તેમાં જો દ્વેષનો હિસાબ બંધાયો હોય ત્યારે એકબીજાને દુઃખ આપી દે છે કે દોષિત જુએ છે. અહીં સગા ભાઈ કે સગી બહેન સાથેના સંબંધમાં અથડામણ કઈ રીતે ટાળી શકાય તેની સમજણ મળે છે.
દિલથી ઘરડાં મા-બાપની સેવા કરવી
ભાઈઓ બહેનોમાં મોટેભાગે ઘરડાં મા-બાપને સાચવવા માટે ઝઘડા થતાં હોય છે. માતા-પિતા ઘરડાં થાય, બીમાર પડે, ત્યારે ભાઈઓ બહેનો માતા-પિતાની ચાકરી એકબીજાને માથે ઢોળી દેતાં હોય છે. જે મા-બાપે આપણને મોટા થતાં સુધી આપણા ઉપર અનેક ઉપકાર કર્યાં, તેમને જ ઘરડે ઘડપણ લાચારી અનુભવવી પડે છે. કહે છે ને કે મા-બાપ ચાર બાળકોને સાચવીને ઉછેરે, પણ ચાર બાળકો મા-બાપને ના સાચવી શકે! વાસ્તવિકતામાં મા-બાપની સેવા કરતા ઊંચું બીજું કોઈ પુણ્ય નથી. એટલે આપણા ભાગે આ સેવા આવી પડે તો ધનભાગ્ય માનવું. કેટલાક દીકરા-વહુઓ ઘરડાં મા-બાપને તરછોડ મારીને, અવગણીને બહાર મોટા દાન પુણ્યના કામો કે જાત્રાઓ કરતાં હોય છે. જો ઘરના માતા-પિતા અંદર અંદર દુઃખમાં ટળવળતાં હોય, તેમને ખાવા-પીવાની તકલીફ હોય તો બીજા કોઈ પુણ્યના કાર્યો કરેલા ફળે નહીં. પણ જો ઘરડાં મા-બાપની સેવા કરીને તેમની આંતરડી ઠારી હોય તો તેમના આશીર્વાદ આપણા જીવનમાં ઊતરે અને ઊંચું પુણ્ય બંધાય.
મિલકતમાં ભાગ મેળવવા ક્લેશ ન કરવો
મા-બાપ ગુજરી જાય એટલે એમની મિલકતનો ભાગ પડાવવા માટે પણ ભાઈ-બહેનમાં ઝઘડા થાય છે. ભાઈ-બહેન વચ્ચે પૈસા કે પ્રોપર્ટી માટે ઝઘડા કરીએ ત્યારે એ સમજવું કે પ્રોપર્ટી અહીં જ પડી રહેશે, પણ જે વેર બાંધ્યું તે આવતે ભવ આપણી જોડે આવશે. વિચારણા કરીએ તો છતે પૈસે પણ કેટલા લોકો સુખી થયા છે? કરોડો રૂપિયા હોવા છતાં લોકો ડોક્ટરની ગોળીઓ ખાઈને જીવે છે. મિલકત મળી પણ જશે તોય શું આપણે એને ભોગવવા કાયમ અહીં રહીશું? છેવટે આપણે કશું પોતાની જોડે નહીં લઈ જઈએ, ઊલટું સાડા પાંચ ફૂટ જમીનને આપણો દેહ આપીને જઈશું. ઝઘડા કરીને કોર્ટે ચડવાને બદલે પ્રાર્થના કરવી કે ઘરમાં બધાને સદ્બુદ્ધિ આવે, શાંતિ થાય અને ઝઘડા ન થાય. આપણને ઓછું મળે, વધારે મળે કે ન મળે, પણ પ્રેમથી સમાધાન લાવવું અને શાંતિથી જીવવું.
અભિપ્રાય અને પૂર્વગ્રહ ટાળવા
આપણી નજીકની વ્યક્તિઓ સાથે જ વધુ પડતા રાગ-દ્વેષ અને ક્યારેક વેર બંધાય છે. વ્યવહારમાં કંઈક બની જાય એટલે આપણને અભિપ્રાય પડી જાય કે “આ આવા જ છે, આવું જ કરે છે.” પછી એ અભિપ્રાય ગાઢ થાય એટલે પૂર્વગ્રહ બંધાય. સામો કંઈક કરે એ પહેલાં જ ઊભું થાય કે, “આ હમણાં આવું જ કરશે.” પાંચ પ્રસંગોમાંથી એકાદ-બે વખત આપણા પૂર્વગ્રહ પ્રમાણે બને, જ્યારે બાકીનો વખત એમ ના પણ બને. પણ આપણા અભિપ્રાય અને પૂર્વગ્રહને કારણે વ્યક્તિઓ સાથે ભેદ પડ્યા કરે અને પ્રેમ તૂટતો જાય. એટલું જ નહીં, આપણે આપણા અભિપ્રાયો ઘરમાં બીજા લોકોને કહીને સંભળાવીએ, એટલે એમના કાનમાં પણ ઝેર રેડાય.
ખરેખર તો દરેક વ્યક્તિ આપણા કર્મના હિસાબે વર્તન કરે છે. જેમ સવારે વાદળાં ઘેરાયાં હોય અને દસ મિનિટ પછી ખસી જાય તો સૂર્યનારાયણ દેખાય. તેવી જ રીતે કોઈપણ પરિસ્થિતિ કે વ્યક્તિ કાયમ એકસરખી નથી રહેતી. ધારો કે, આપણને કોઈ વ્યક્તિ ઉપર એક વખત ગુસ્સો આવી ગયો, પણ બીજી ક્ષણે આપણને પસ્તાવો થતો હોય કે “અરેરે, ખોટો ગુસ્સો થઈ ગયો.” ત્યારે જો સામી વ્યક્તિ એવો અભિપ્રાય રાખે કે આ વ્યક્તિ કાયમ ગુસ્સો જ કરે છે તો એ ખોટું ઠરે. એકાદ વખત બનેલો વ્યવહાર જોઈને કાયમ માટે “એ આવું જ કરશે” એવો અભિપ્રાય ન આપવો જોઈએ.
જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઉપર કોઈ કારણ વગર બૂમબરાડા કરે તો તેને પ્રેશર કૂકર જેવા સમજો, જે નીચેથી ગરમ થાય છે, પરંતુ બધી ગરમી સીટી દ્વારા ઉપરથી નીકળે છે. તમે તેમની હતાશાનું કારણ જાણતા નથી. તેથી તમારે દુ:ખી થવાનું કોઈ કારણ નથી, તે તો પહેલેથી દુ:ખી છે જ. આમ કરવાથી પરિસ્થિતિ બગડે છે. તેથી તમે વ્યક્તિની પરિસ્થિતિ સમજો અને અથડામણ ટાળો એ જ સારો રસ્તો છે.
પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું?
દાદાશ્રી: ડાહ્યો માણસ હોય ને તો લાખ રૂપિયા આપે તોય વઢવાડ ન કરે! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાર્ય ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠા અનાર્ય ક્ષેત્ર છે! કેવા ધન્ય ભાગ્ય! આ જ્ઞાન તો અત્યંત લાભદાયી છે કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે? એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિઓ વિશે વિચારીએ: “ધારો કે, તમે રસ્તા પર ચાલી... Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઈ રીતે મેળવવો? જો આપણે અથડામણ... Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઈએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થાય છે અને આપણે તેવી પરિસ્થિતિમાં કઈ રીતે વ્યવહાર કરવો... Read More
Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?
A. જ્યારે કોઈ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઈએ? એક બાજુ એક... Read More
Q. જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?
A. જો કોઈ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછી શકો કે શા માટે તે આવું કરે છે અને... Read More
Q. કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?
A. તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે: જ્યારે તમારો બોસ તમને... Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઈ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે. જો કે, અથડામણ નિવારવા... Read More
subscribe your email for our latest news and events