Related Questions

સફળ લગ્નજીવન માટે કેવી રીતે પતિ-પત્નીએ એડજસ્ટ થવું?

માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ એવરીવ્હેર!’ ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેરમાં કલેશ ના હોવો જોઈએ. એડજસ્ટમેન્ટથી જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એકતા આવશે.  

તમારે શા માટે તમારા પત્ની (વાઈફ) સાથે એડજસ્ટ થવું જોઈએ?

adjust

તમારે એડજસ્ટ થવું જોઈએ, કારણ કે આ જગતના બધા જ પ્રસંગોનો અંત આવશે; તેનો અંત આવવાનો જ છે, પણ જો તે લાબું ચાલે અને તમે તેને એડજસ્ટ ના થાવ, તો પછી તમે પોતે અને તમારા જીવનસાથી બંને દુઃખી થશો.

જો તમે સામી વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ થાવ છો તો, જીવન કેટલું સુંદર બની જશે. છેલ્લે તો આપણે મરવાના જ છીએ, તો આપણી સાથે શું આવવાનું છે? કોઈ કહેશે કે, 'ભઈ, તમારા જીવનસાથીને તમારે સીધા કરવા જોઈએ.' અરે, એને સીધા કરવા જઈશું તો આપણે જ વાંકા થઈ જઈશું. માટે તમારા ‘જીવનસાથી’ને સીધા કરવા જશો નહીં, જેવા હોય તેવા તેને 'કરેક્ટ' કહીએ. આપણે એની જોડે કાયમનું સાઢું-સહિયારું હોય તો વાત જુદી છે, આ તો આ એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ જઈશું. બંનેના મરણકાળ જુદા, બંનેના કરમ જુદા! કશું લેવાય નહીં ને દેવાય નહીં! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર? આપણે સીધા કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે!

માટે તમારે તેમને સુધારવાના પ્રયત્નો ના કરવા જોઈએ. તેમણે પણ તમને સુધારવાના પ્રયત્નો ના કરવા જોઈએ. તેઓ જેવા હોય એવા, તમે તમારી જાતને કહો કે, ‘આ જેવા છે, તેવા સોનાના છે.’ તમે ગમે તેટલા સખત પ્રયત્નો કરશો, તો પણ તમે કોઈની પ્રકૃતિને કે જન્મજાત લક્ષણોને સુધારી નહીં શકો. જેમ તમે ગમે તેટલા પ્રયત્નો કરો, કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે છે. માટે ચેતીને ચાલો, એ જેમ ચાલે તેમ ચાલવા દો. એડજસ્ટ એવરીવ્હેર.

તો ચાલો, આપણે લગ્નજીવનમાં ઉભી થતી જુદી જુદી પરિસ્થિતિઓને જોઈએ અને એક સફળ લગ્નજીવન માટે કેવી રીતે એડજસ્ટ થવું તે સમજીએ:

બળતામાં ઘી ના હોમો

ધારો કે, તમારા જીવનસાથીનો કોઈની સાથે ઝઘડો થઈ ગયો છે અને એ એટલા બધા ગુસ્સામાં છે કે તમે જ્યારે ઘરે આવો ત્યારે, તમારી સામે પણ મોટે મોટેથી બોલવા લાગે છે. હવે વિચારો કે, તેઓ એક પ્રેશર કૂકરની જેમ છે, તે નીચેથી ગરમ થાય છે. પરંતુ, બધી ગરમી વ્હીસલ દ્વારા ઉપર આવી જાય છે, તો તમારે શું કરવું જોઈએ? શું તમારે પણ ગરમ થવું જોઈએ? જ્યારે આવો બનાવ બને, ત્યારે તમારે એડજસ્ટ થઈને આગળ વધવું જોઈએ. તમને ખબર નથી કે કોણે અને કઈ વસ્તુએ તેમને આટલા બધા ઉગ્ર બનાવ્યા હશે. તેથી તમારે કોઈ વિવાદ ઊભો ના કરવો જોઈએ. જો એ તમારી સાથે દલીલ કરવા લાગે તો, તમારે તેમને શાંત કરવા જોઈએ.

એડજસ્ટમેન્ટની કળા

હવે માનો કે, તમારા વાઈફ તમારા પર ગુસ્સે છે કેમ કે, આપણે કંઈક કારણસર કામમાં રોકાઈ ગયા છો અને ઘરે આવતા મોડું થઈ ગયું છે અને તમારા વાઈફ તમને અવળું-સવળું બોલવા લાગે છે, 'આટલા મોડા આવો છો, હવે મને નહીં ફાવે ને આમ ને તેમ.' એ ખૂબ જ ગુસ્સામાં છે. તો આપણે કહીએ કે, 'હા, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો હું પાછો જાઉં, નહીં તો તું કહેતી હોય તો અંદર બેસું.' ત્યારે કહે, 'ના, પાછા ન જશો, અહીં સૂઈ જાવ છાનામાના!' પણ પછી આપણે કહીએ કે, 'તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં.' ત્યારે કહે, 'ના, ખાઈ લો.' એટલે આપણે શાંતિથી જમી લેવું. એટલે આપણે તો એમને એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો સામે અપ્પને પણ ગુસ્સો કરીએ ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આપે, તે ત્રણ દા'ડા સુધી આવું ચાલ્યા જ કરે.

તમને એમ થાય કે, ‘આ સ્ત્રીજાતિ આવી કેમ?’ પણ સ્ત્રીજાતિ તો તમારું 'કાઉન્ટર વેટ' છે.

પત્ની તો છે 'કાઉન્ટર વેટ'!

વાઈફ ઈઝ ધી કાઉન્ટર વેટ ઓફ મેન. એ જો, કાઉન્ટર વેટ ના હોય તો ગબડી પડે માણસ. આ ઈન્જિનમાં કાઉન્ટર વેટ મૂકવામાં આવે છે, નહીં તો ઈન્જિન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણુંય હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે કે?

જેમ ગાડાના બંને પૈડાએ બેલેન્સ રાખવું પડે અને આગળ ચાલવું પડે, તેવી રીતે જ મેરેજમાં પતિ અને પત્ની બંનેને ચાલવું પડે. હસબન્ડ એ ખરેખર તો વાઈફનું કાઉન્ટર વેટ છે, કેવી રીતે? કારણ કે, દરેકની પોતાની આગવી વિશિષ્ટતા અને લક્ષણો છે. તેમના ગુણો એકબીજાને પૂરક છે. જો આ વિશેષતાઓ સર્જનાત્મક અને રચનાત્મક રીતે ઉપયોગમાં લેવામાં આવે તો મેરેજ (વિવાહિત જીવન) ખીલી ઊઠશે.

તમારી સૌથી નજીકના સંબંધને ઓળખો

ધારો કે, તમે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે, તમે તમારા પત્ની સાથે સાંજે તમારા મિત્રના ઘરે જશો, પરંતુ જ્યારે તમે ઘરે પહોંચો છો, ત્યારે તમારા પત્ની ખૂબ થાકી ગયા હોય છે. હવે એમને બહાર ના જવું હોય તો તે વખતે તમે શું કરશો? તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મિત્રને આપેલા વચન રાખવા માટે તમારે તમારા પત્નીને પરાણે જવાનો આગ્રહ કરવાથી દુઃખ ના પહોંચે. એનું કારણ છે કે, જો તમે તમારા મિત્ર સાથે મુશ્કેલીમાં મૂકાઈ જાઓ છો, તો તે પછીથી જોઈ લેવાશે, પરંતુ ઘરે મુશ્કેલી ના નોતરવી જોઈએ. પોતાના મિત્ર પર પોતાની સારી છાપ પાડવા માટે, તમે બિનજરૂરી રીતે ઘરે પ્રોબ્લેમ્સ ઊભા કરો છો. ખરેખર તો તમારી પત્ની તમારા મિત્ર કરતા વધુ મહત્ત્વના છે. તેઓ તમારા સૌથી નજીકના ફેમિલી મેમ્બર છે, તો તમારે તમારી મિત્રાચારી તમારા પત્નીના ભોગે ના બચાવવી જોઈએ.

×
Share on