Related Questions

દાન કઈ રીતે આપવું?

આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ અહીં મળે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એક બાજુ બહાર મંદિરમાં કે ધર્માદામાં દાન માટે પૈસા ખર્ચી નાખીએ ને બીજી બાજુ ઘરના ઘરડાં મા-બાપ કે કુટુંબીજનોને કે આપણા હાથ નીચે કામ કરનારાને પછી પૈસા માટે કકળાવીએ, તો એવું દાન કોઈ કામનું નથી. નજીકની વ્યક્તિઓને પહેલાં સાચવીને પછી બહાર દાન આપવું જોઈએ.

દાન આપવું, મન બગાડ્યા વગર

દાન મન બગાડ્યા વગર આપવું જોઈએ. પોતાને ધર્માદામાં આપવાની ઈચ્છા હોય, પણ મન બગડે તો એક પૈસો પણ અપાય નહીં. કેટલાક લોકો વર્ષો સુધી આવકનો અમુક ભાગ દાન-ધર્માદામાં આપતા હોય, ને અચાનક આપવાનું અટકી જાય. તેનું કારણ મન બગડી જાય તે છે. 

જો મન-વચન અને કાયાની એકતા સાથે દાન આપે તો એની વાત જ જુદી હોય. ઘણાંને મનમાં દાન આપવાનો ભાવ જ ના હોય, પણ વાણીમાં બોલ્યા કરે કે “મારે આપવું છે” અને વર્તનમાં દાન આપી પણ દે. તેમ છતાં, મનમાં નહીં આપવાનો ભાવ હોય એટલે એ દાનનું ફળ ના મળે! 

બીજી બાજુ, કોઈ મનથી દાન આપવાના ચોખ્ખા ભાવ કરે, વાણીથી પણ બોલે કે “મારે આપવું છે”, પણ સંજોગોવશાત્ વર્તનમાં આપી શકાતું નથી, તો એ ભાવ આવતા ભવ માટે જમા થાય! જેમ કે, દેરાસરમાં કોઈ શેઠને હજારની નોટો દાનપેટીમાં નાખતા જોઈને કોઈને જો મનમાં થાય કે, “અરે! મારી પાસે પૈસા હોત તો હું પણ આપત!” તો એનું ફળ આવતા ભવમાં મળે. 

આપવા ખાતર દાન આપવાનો પણ કોઈ અર્થ નથી. આપણી ગાય મરવાની થઈ હોય અને તેને દાનમાં આપીએ તો દાન લેવાવાળાને કોઈ ફાયદો ન થાય. એના કરતા દાન ન આપવું સારું. ઘરમાં વધેલું અન્ન ભિખારીને ખવડાવીએ અને નવું બનાવીને પ્રેમથી જમાડીએ એ બેઉમાં ઘણો ફરક છે. તેમ છતાં, વધેલા અનાજનો બગાડ થાય તેના કરતા ભૂખ્યાને જમાડવું સારું છે.

દાનમાં વસ્તુ કરતા ભાવની કિંમત વધુ

દાન આપતી વખતે આપેલ વસ્તુની કિંમત નથી, પણ ભાવની કિંમત છે. જેમ કે, એક ધનાઢ્ય વ્યક્તિ કોઈના દબાણથી પાંચ લાખ રૂપિયાનું દાન કરે, પણ મનમાં ભાવ કરે કે, “એક પૈસોય આપવા જેવો નહોતો!” તો તેને તેવા ભાવનું ફળ મળે અને બીજે ભવ એક પૈસો પણ દાનમાં આપી ન શકે. જ્યારે ફક્ત પાંચસો રૂપિયા દાન કરનાર સાધારણ વ્યક્તિ મનમાં ભાવ કરે કે, “આ પાંચસો છે, લઈ લો. પણ આજે મારી પાસે પાંચ લાખ હોત તો બધા જ આપી દેત!” તો તેને ઊંચું ફળ મળે ને આવતા ભવે પાંચ લાખ આપી શકે! જેણે અવળો ભાવ કર્યો તેણે લાખો રૂપિયા આપવા છતાં તેનું દાન વ્યર્થ ગયું! દાનના બદલામાં અત્યારે ‘વાહ વાહ’ મળે પણ આવતા ભવની કમાણી ઝીરો થઈ ગઈ. 

મનુષ્યનો સ્વભાવ એવો છે કે પૈસા ના હોય ત્યારે વિચાર કરે કે, “પૈસા આવે એટલે મારે દાનમાં આપવા છે.” પછી પૈસા આવે ત્યારે વિચારે કે, “હમણાં દોઢ લાખ થયા છે, બે લાખ થાય એટલે આપીશું.” અને એ વિચારનું પડીકું વાળીને બાજુમાં મૂકી દે. કમાણી થાય ત્યારે એને પૈસાની માયા મૂંઝવે અને દાન અપાય નહીં. એમ કરતા કરતા કાયમ માટે આંખો મીંચાઈ જાય ને બધું એમનું એમ રહી જાય. એના કરતા જ્યારે ભાવ થાય ત્યારે ગજા પ્રમાણે દાન આપી દેવું.

કોઈ વ્યક્તિ દાન આપ્યા કરે, ધર્મ અને ભક્તિ કરે, મંદિરોમાં પૈસા આપે, તો જગતના લોકો કહે કે બહુ ધર્મિષ્ઠ છે! પણ જો એ વ્યક્તિને અંદરખાને એવા વિચારો આવે કે, “કેમ કરીને ધન ભેગું કરું ને કેમ કરીને ભોગવી લઉં!” તો ભગવાન એનો એક પૈસો પણ જમા નથી કરતા. વાસ્તવિકતામાં જે કર્મ અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર નથી, તેનું ફળ આવતા ભવે મળે છે. 

દાનમાં દાનતચોર ના રાખવી. એક તરફ કાળાબજાર, દાણચોરી બધું કરીને કરોડો રૂપિયા કમાય, અને બીજી બાજુ ફક્ત એક લાખ રૂપિયા દાન આપે, જેથી પોતાનું ખરાબ ના દેખાય, પોતાનું નામ ના બગડે. તેને એરણ (કેટલાક કિલોના વજનનું નક્કર લોખંડ) ચોરી અને સોયનું દાન કર્યું, એમ સરખાવવામાં આવે છે. એમાંય લોકો ચોપડા બહારનું જે કાળું નાણું આવ્યું છે તેનું દાન કરે છે. છતાંય ખોટે રસ્તે મેળવેલું નાણું સારા રસ્તે વાપર્યું તો એટલું પાપમાંથી મુક્ત થયો પોતે.

બે નંબરના પૈસા કોઈ માણસ ભૂખે મરતો હોય તેના માટે વાપરીને દાન કરે, તો ભૂખ્યાને ખાવાનું તો મળે. એટલે એનો એવો લાભ થાય. કારણ કે પોતાની પાસે જે આવ્યું તેનો ત્યાગ કર્યો. તેમાં જે હેતુ માટે વાપર્યું હોય તે પ્રમાણે પુણ્ય બંધાય.

દાનમાં અંતરાય ન પાડવા

કોઈ દાન આપતું હોય ત્યાં બીજી વ્યક્તિ બુદ્ધિ વાપરીને કહે કે, “આ તો ચોર કંપની છે, અહીં તો અપાતા હશે?” એમ દાનમાં અંતરાય પાડીએ. આપનાર આપે છે અને લેનાર લઈ લે છે, પણ પોતે વચ્ચે આવું બોલીને આંતરો નાખે, ને કોઈ લેવાદેવા વગર પોતાના માટે લક્ષ્મીના અંતરાય પાડે. બોલીને અંતરાય નાખીએ તેનું ફળ તો આ ભવમાં મળી જાય, પણ મન બગાડીએ તો ભારે અંતરાય પડે, જે આવતા ભવે ફલિત થાય. પછી એ અંતરાયનું ફળ એવું આવે કે એને દુઃખમાં પણ કોઈ દાતાર ન મળે.

પોતે નક્કી કરે કે મારે વધારાના પૈસા દાનમાં આપવા જ છે, તેનાથી અંતરાય તૂટે! જ્યારે નેગેટિવ વિચારો આવે, તેનો પસ્તાવો લઈને ધોઈ નાખે, તો અંતરાય પડતા અટકે. પહેલાં આપણે મનમાં વિચાર કર્યો હતો કે, “દાન આપવું ના જોઈએ” એની સામે હવે આપણે વિચાર કરીએ છીએ કે, “આ દાન આપવામાં સારું છે” એટલે આગળનું નેગેટિવ ભૂંસાઈ જાય. માટે શુભભાવ કર્યા કરવા કે વધારાનું નાણું સારા રસ્તે ખર્ચાય. પછી અપાયું કે ના અપાયું તે કુદરતના હાથમાં છે.

દાનમાં અપેક્ષા ન રાખવી

અપેક્ષા વિના કરેલું દાન તે ઉત્તમ છે. જ્યારે માન, કીર્તિ કે નામની અપેક્ષા સાથે કરેલું દાન સત્ત્વહીન સમ છે. દાન કીર્તિ માટે કરે તે આત્માર્થી માટે બહુ નુકસાનકારક છે. 

કેટલાક લોકો ભગવાનના મંદિરમાં દાન કરે, તો બદલામાં સંસારિક અપેક્ષાઓ રાખે છે. ભગવાન પાસે પૈસા કે બીજું કાંઈ મૂકે, તે બધું નિષ્કામ નહીં સકામ હોય. ભગવાનને પ્રાર્થના કરે કે, “હે ભગવાન, છોકરાને ઘેર એક છોકરો થઈ જાય!”, “મારો છોકરો પાસ થાય.”, “ઘરે ઘરડા બાપને પક્ષાઘાત થયો છે તે મટી જાય.” એમ માંગણી કરીને બસો-પાંચસો રૂપિયા મૂકે. 

મોટેભાગે દાન આપનારાઓને બદલામાં નામના થાય, વાહ વાહ થાય, કીર્તિ બોલાય તેની જ ભીખ હોય છે. લાખો રૂપિયા દાનમાં આપે, એના બદલામાં કીર્તિ મળે એટલે બહુ થઈ ગયું. પાછા વ્યવહારમાં ઉપલક બોલે ખરા કે દાન ગુપ્ત રાખજો, પણ અંદરખાને કીર્તિની કામના હોય, તેથી જ આપે. પછી લોકો પણ વખાણ કરે કે, “ઓહોહો! લાખો રૂપિયાનું દાન આપ્યું.” એટલે દાનનો બદલો અહીંનો અહીં જ મળી ગયો.

કેટલાક લોકો નામ કાઢવા ગાંઠનું ગોપીચંદન કરે! લોકો ફૂલહાર કરે એટલા માટે દાન આપીએ એ કીર્તિ માટે દાન આપ્યું કહેવાય. કેટલાક લોકો તો જો દાન આપ્યાના બદલામાં નામ ના છપાયું હોય તો ફરી દાન આપે નહીં. મંદિરોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, હોસ્પિટલોમાં પાર વગરનું નાણું દાનમાં આપ્યું પણ એ બધું ઈગોઈઝમ (અહંકાર) છે. અહંકાર વગરનો પૈસો દાનમાં જાય તો સાચું દાન કહેવાય. નહીં તો એની કીર્તિ મળ્યા કરે તો એ અહંકાર પોષવાનું મુલાયમ સાધન બની રહે.

ગુપ્તદાનનું મહત્ત્વ

લાખ રૂપિયા દાનમાં આપે ને બદલામાં તકતી મૂકાવે, એની સામે ગુપ્તદાનમાં એક રૂપિયો જ આપે તો એ ગુપ્તદાનનો એક રૂપિયો વધુ કિંમતી ઠરે છે! કારણ કે આ તક્તી મૂકાવી એ તો ‘બેલન્સ શીટ’ પૂરી થઈ ગઈ. જેમ આપણે સોની નોટ કોઈને આપી અને એના છૂટા લીધા, તેમ દાનની સામે તકતી લીધી, એટલે હિસાબ ત્યાં નો ત્યાં પૂરો થઈ ગયો, પછી લેવા-દેવાનું કશું રહ્યું નહીં.

પણ જો એક જ રૂપિયો ખાનગીમાં આપ્યો હોય તો એનું બેલેન્સ બાકી રહ્યું, જે આવતા ભવે પાછું મળે છે. દાનના બદલામાં “વાહ વાહ” બોલાય તો દાન કરીને જે પુણ્ય કમાયા હોઈએ, એ પુણ્ય અહીનું અહીં ખર્ચાઈ જાય. ગુપ્ત રીતે દાન આપે તો પુણ્ય આવતા ભવે આપણી જોડે આવે.

કેટલાક લોકો મંદિરમાં ભગવાન પાસે કોઈને ખબર ના પડે એમ મોટું દાન આપી આવે છે, એ દાન આવતા ભવે ઊગે. જેણે ગુપ્ત રાખ્યું તેનો બદલો આવતા ભવે મળશે.

જાગૃતિપૂર્વકનું દાન આપવું

દાનનું શુભકાર્ય કરતી વખતે જાગૃતિ રહેવી જોઈએ. જાગૃતિપૂર્વકનું દાન હોય તો લોકોનું કલ્યાણ થાય. દાન આપતી વખતે આપણને કીર્તિ કે નામના પ્રાપ્ત ના થાય એવી રીતે ઢાંક્યું આપીએ, એ જાગૃતિપૂર્વકનું દાન કહેવાય! 

દાન આપનાર માટે લોકો તો “વાહ વાહ” કર્યા વગર રહે નહીં. પણ પોતે તેને સ્વીકારે તો રોગ પેસે, અને જાગૃત રહીને ના સ્વીકારે તો રોગ ના પેસે. જે દાન આપનારના વખાણ કરે એ સત્યકાર્યની અનુમોદનાનું પુણ્ય બાંધે છે. કારણ કે એના મનમાં સારા ભાવના બીજ પડે કે, “આ કરવા જેવું છે.” જ્યારે દાન આપનાર જો વખાણ સ્વીકારે તો તે ખોટ ખાય છે, એનું બધું પુણ્ય ધોવાઈ જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન જાગૃતિપૂર્વકના દાનને વિસ્તારથી સમજાવતા કહે છે કે, “જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય, નહીં તો ઊંઘમાં બધુંય જાય. આ દાન કર્યું તે બધું ઊંઘમાં ગયું! જાગતાં ચાર આનાય જાય તો બહુ થઈ ગયું! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઈચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં આવે છે એ જાગતો કહેવાય.”

×
Share on