Related Questions

દાન ક્યાં અને કેટલું આપવું?

આ કાળમાં દાન બહુ વિચારીને આપવા જેવું છે. પહેલાંના જમાનામાં સાચું નાણું આવતું, એટલે દાન પણ સાચું થતું હતું. આજકાલ આવકમાં ખોટું નાણું વધારે આવે છે. તેમાં લક્ષ્મીનો સદુપયોગ થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો વધારે પડતી ખોટી લક્ષ્મી અધોગતિમાં ખેંચી જાય. માટે, ધર્મના શાસ્ત્રોમાં કહ્યું છે કે આવકનો અમુક ભાગ દાનમાં આપવો. પણ દરેકને દાન આપતા પહેલા એ પ્રશ્ન હોય છે કે દાન આપીએ એ નાણાનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ? એટલે દાન એવી જગ્યાએ આપવું જ્યાં આપણને ખાતરી થાય કે લક્ષ્મીનો સદુપયોગ થાય છે, અને જો દુરુપયોગ થતો હોય ત્યાં નહીં આપવું.

દાનમાં કેટલું આપવું? પોતાની બધી મિલકત વારસામાં બાળકો માટે મૂકી જવી કે દાનમાં આપવી? દાન ક્યાં અને કોને આપવું? એ તમામ પ્રશ્નોના જવાબ આપણને અહીં પરમ પૂજ્ય દાદાશ્રીની દૃષ્ટિએ મળે છે.

આવકનો પાંચમો ભાગ દાનમાં

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ જન્મમાં જે પૈસા આવે, તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો કે પછી લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફ્ટ પહોંચ્યો! ” એટલે કે, આ ભવમાં જે કમાણી થાય, તેનો પાંચમો ભાગ દાન જેવા સત્કાર્યોમાં વાપરીએ તો એટલું પુણ્ય આવતા ભવ માટે જમા થાય.

આવકમાંથી અમુક ભાગ દાન આપતાં પહેલાં એ ખ્યાલ રાખવો કે ઘર ચલાવવામાં તકલીફ ના પડે. એટલે દાન સરપ્લસ નાણાંનું આપવું. સરપ્લસ એટલે રોજિંદી જરૂરિયાત પૂરી થવામાં અડચણ ન પડે તેવું નાણું. આજે દાનમાં પૈસા આપી દઈએ ને આવતી કાલે ચિંતા થાય એવું ના કરવું જોઈએ. આવનારા છ મહિના સુધી તકલીફ નહીં પડે એવી ખાતરી થાય પછી જ દાનમાં પૈસા આપવા.

ભારતમાં કેટલીક જ્ઞાતિના લોકોમાં પેઢી દર પેઢી એવો રિવાજ હોય છે કે દર વર્ષે આવકના વીસ-પચ્ચીસ ટકા ભગવાનના મંદિરોમાં કે ધર્મના સ્થાનકોએ દાનમાં આપવા. જેમ ખેતરમાં દાણા વાવીએ તો એ ઊગી નીકળે અને આપણને અનેકગણા થઈને મળે, તેમ ધર્મના કાર્યોમાં લક્ષ્મી આપીએ તો પુણ્યના ફળરૂપે આવતા ભવે અનેકગણી લક્ષ્મી આવે. પાછો લક્ષ્મીનો અમુક ભાગ ધર્માદામાં આપે એટલે પુણ્ય કમાયા જ કરે.

બાળકોને આપવાનો વારસો

બાળકોને વારસામાં જો વધુ પડતી મિલકત મૂકી જઈએ, વૈભવમાં ઉછેરીએ તો એ લોકો દારૂ જેવા વ્યસનમાં અને આડા માર્ગે લક્ષ્મી વેડફી નાખે. એટલે એમને વધુ પૈસા આપવા એ ગુનો છે. એના કરતા આપણે છોકરાંઓને ભણાવી-ગણાવીને તેઓ નોકરી-ધંધે વળગે તેની બધી વ્યવસ્થા કરી આપવી. પછી મા-બાપની બહુ જવાબદારી નથી રહેતી. 

વખતે બાળકો મુશ્કેલીમાં મૂકાય તે સમયે તેમને મદદ કરવા માટે બેંકમાં અમુક રકમ મૂકી રાખવી. પણ તેમને કહેવું નહીં કે આવી રકમ રાખી છે, નહીં તો જાણીને મુશ્કેલી ઊભી કરે. દીકરીઓને પરણાવવી અને સાથે સોનાના દાગીના ને બધું આપવું. છોકરાઓને ધંધો કરવો હોય તો તેમાં થોડીઘણી મદદ કરવી અને બાકીના પૈસા લોન પર લેવડાવવા. જેથી એમના માથે જવાબદારી રહે અને બેફામ ન થઈ જાય. જીવનમાં થોડોઘણો સંઘર્ષ હોય તો બાળકો ગેરમાર્ગે ન દોરાય. 

મા-બાપે પોતાના ભવિષ્યની સલામતી માટે પૂરતા પૈસા રાખીને પછી જ બાળકોને આપવા. વસિયતનામું પણ એવી રીતે બનાવવું જેથી છોકરાઓનું હિત પણ સચવાય અને પોતાનું પણ. વસિયતમાં અડધી મૂડી આપણી પાસે રાખી મૂકવી અને બીજી બધી જાહેર કરવી. જેટલું આપણા બાપ-દાદાએ આપણને વારસામાં આપ્યું, તેટલી જ કિંમતનો વારસો આપણા બાળકો માટે મૂકી જવો. એ સિવાયની બાકીની કમાણી પોતાના મૃત્યુ પછી ધર્મના કે લોકોના કલ્યાણના માર્ગે વપરાય એવું કરવું. 

દાન વિવેકપૂર્વક આપવું

દાન વિવેકપૂર્વક આપવું જોઈએ. રામાયણનો એક પ્રસંગ જોઈએ. જ્યારે રામ ભગવાન ચૌદ વર્ષ વનવાસ ગયા ત્યારે નાના ભાઈ ભરતને રાજ્ય સોંપીને કહ્યું હતું કે, “પ્રજાને દુઃખી ન થવા દઈશ.” એટલે ભરતે રાજ્યના લોકો પાસેથી વેરા લેવાના બંધ કર્યા અને રાજભંડાર ખાલી થાય તે હદ સુધી પ્રજામાં લક્ષ્મી લૂંટાવી દીધી. પરિણામે પ્રજા બેઠાડુ જીવન ગુજારવા લાગી અને અંતે પાયમાલ થઈ ગઈ.  જરૂરિયાતવાળા લોકોને રોકડા રૂપિયા આપવાને બદલે તેમને કઈ રીતે જીવનમાં સુખી થવાય, કઈ રીતે જીવન સારી રીતે ચલાવવું એનો માર્ગ બતાવવો જોઈએ. જો કોઈ ગરીબને હજારો રૂપિયા દાનમાં આપી દઈએ તો એ આળસુ થઈ જાય અને બીજે દિવસથી નોકરી-ધંધો બંધ કરી દે. જેવી કમાવાની નિરાંત થાય કે માણસ અવળે રસ્તે ચડી જાય. એના કરતા એવા લોકોને નોકરીએ લગાડવા કે નાનો ધંધો શરૂ કરવામાં મદદ કરવી જોઈએ. અથવા જરૂરિયાતની વસ્તુ લાવીને આપી દેવી. રોકડા રૂપિયા દાનમાં આપીએ અને પછી દારૂ ને જુગારમાં રૂપિયા વેડફી નાખે તો દાન વ્યર્થ જાય. 

વસ્તુનું દાન પણ કઈ રીતે આપવું એ સમજણ સહિત નક્કી કરવું. ઉદાહરણ તરીકે, એક માણસને ફૂટપાથ ઉપર સૂતેલા લોકોને જોઈને દયા આવી, અને એવો ભાવ થયો કે હિમ પડવાનો થયો છે, આ ઠંડીમાં ઘરમાં રહેવાતું નથી, તો આ લોકો ફૂટપાથ ઉપર કેમના રહેશે? એટલે એ પોતાના પૈસા ખર્ચીને સામાન્ય ગુણવત્તાના સો-સવાસો નવા ધાબળા વેચતા લઈ આવ્યા. વહેલી સવારે ચાર વાગ્યે જઈને બધા સૂતા હતા ત્યારે ગરીબોને ઓઢાડી આવ્યા. પણ પાંચ-સાત દિવસ પછી ત્યાં જઈને જોયું તો એકેય ધાબળો દેખાયો નહીં. તપાસ કરતા માલૂમ પડ્યું કે એ લોકો નવાનકોર ધાબળા વેચીને પૈસા લઈ આવ્યા. 

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, આવી રીતે વસ્તુનું દાન ન આપવું. એમને નવા ધાબળા આપવાને બદલે બજારમાંથી વ્યાજબી ભાવે જૂના કે વપરાયેલા ચોખ્ખા ધાબળા લાવીને આપવા. કારણ કે એને વેચવા જાય તો કોઈ ના લે. વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયાનું બજેટ રાખ્યું હોય, તો પાંચસોનો એક નવો ધાબળો લેવાને બદલે જૂનાં ત્રણ ધાબળા લાવીને આપવા. 

ઉપરાંત, કોઈને રોકડા રૂપિયા આપવાને બદલે ક્યાંકથી જમવાનું લાવીને જમાડી દેવા, અથવા મીઠાઈ લાવીને વહેંચી દેવી. મીઠાઈનું બોક્સ પણ ન આપવું, નહીં તો બીજાને અડધી કિંમતે મીઠાઈ વેચીને પૈસા ભેગા કરી દે. હિંસક વૃત્તિવાળા લોકોને દાનમાં રોકડા રૂપિયા આપીએ તો વધારે હિંસા કરશે. એટલે બહુ સમજી વિચારીને દાન આપવું, જેથી એનો દુરુપયોગ ના થાય. 

આજકાલ ગરીબ કોને કહેવો તે મુશ્કેલ છે! ભિખારીને પૈસા આપીએ પણ એની પાસે લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોય. ભિખારીના નામે પૈસા ભેગા કરવાનો પણ વેપાર ચાલે છે. ખરેખર દાનની કોને જરૂર છે? જે લોકો પૈસાની મુશ્કેલીમાં સપડાયા છે, પણ માંગી શકતા નથી, અંદરોઅંદર કચવાયા કરે છે અને દબાઈ દબાઈને ચાલે છે એવા મધ્યમવર્ગના લોકોને દાન આપવા જેવું છે.

સાચું દાન આપનાર વ્યક્તિ કુદરતી રીતે જ એક્સપર્ટ હોય. એ માણસને જોતાં જ સમજી જાય કે એની દાનત સાચી છે કે ખોટી. ધારો કે, કોઈ માણસ એની દીકરીના લગ્ન માટે રોકડા લેવા આવે, પણ એની દાનત ખોટી લાગે તો ત્યાં રોકડા આપવાને બદલે એની દીકરીને ઘરે બોલાવીને એને કપડાં, દાગીના વગેરે આપે અને એના સગાંવહાલાંને ત્યાં પોતાના ઘરેથી જ મીઠાઈ મોકલાવી આપે. એમ વ્યવહાર બધો સાચવે પણ હાથમાં રોકડા ન આપે.

દાન તો રાજીખુશીથી અપાય તો જ સારું. દાન માટે ઘી બોલવાનું કે એવી કોઈ સ્પર્ધા કરવી, સામેથી પૈસાની માંગણી કરવી વગેરે ન હોય તો એ ઉત્તમ દાન કહેવાય. ધર્મના સ્થાનકોએ પણ જ્યાં દાનની લક્ષ્મી પૂજનીય વ્યક્તિ પોતાના અંગત ખર્ચ કે લાભ માટે ન વાપરે, પણ ધર્મકાર્યોને ટેકો આપવા લક્ષ્મી વપરાય તેવી જગ્યાએ દાન આપવું એ ઉત્તમ ગણાય છે.

×
Share on