
તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અને રાજકુંવરી રાજુલ આઠ ભવો સુધી એકબીજાના પતિ-પત્ની તરીકે રહ્યાં હતાં. મનુષ્યનો ભવ કર્મની ગતિ પ્રમાણે જ નક્કી થતો હોય છે પણ નેમિનાથ ભગવાન અને રાજકુંવરી રાજુલે એમના પૂર્વભવોમાં ક્યારેય એકબીજાનો એક પણ દોષ જોયો ન હતો, એમનો પ્રેમ એકધારો હતો એટલે આઠ ભવો સુધી એકબીજાનાં પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં. રાજુલ અને નેમના અપવાદરૂપ ઋણાનુબંધ વિશે વાંચીએ.
શ્રી નેમિનાથ ભગવાનનો પ્રથમ ભવ રાજા ધનપતિ તરીકેનો હતો. જ્યારે રાજા ધનપતિ તેમની માતાના ગર્ભમાં હતા, ત્યારે માતાને એક સપનું આવ્યું હતું. તે સપનામાં માતાએ આંબાનું એક જ વૃક્ષ નવ અલગ-અલગ જગ્યાએ રોપેલું જોયું હતું. જ્યારે માતાએ તેમના સપનાનો હેતુ અને પરિણામ વિશે પૂછ્યું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેમના ગર્ભમાં રહેલ બાળકના આ પછીના નવ ભવો એકથી એક ચડિયાતા હશે અને પ્રતાપી પુરુષ તરીકે જન્મ લેશે.
રાજકુમાર ધનપતિ યુવાનવયે ખૂબ જ રૂપવાન અને શૂરવીર હતા. બીજી તરફ, રાજુલ પ્રથમ ભવમાં એક સુંદર અને હોશિયાર ધનવતી નામની રાજકુમારી હતી. રાજકુમારી ધનવતીના પિતા માટે એની પુત્રીને યોગ્ય યુવક શોધવો અત્યંત કઠિન કાર્ય હતું. એક દિવસ, રાજકુમારી ધનવતી તેની સખીઓ સાથે બગીચામાં ગઈ હતી. ત્યાં તેણે જોયું કે એક ચિત્રકાર બહુ સુંદર એવા યુવકનું ચિત્ર દોરી રહ્યો હતો. તે ચિત્ર જોઈને રાજકુમારી ધનવતી સ્તબ્ધ થઈને એના પર મોહી પડી. જ્યારે ધનવતીએ ચિત્રકારને ચિત્રમાં રહેલ વ્યક્તિ વિશે પૂછ્યું, ત્યારે ચિત્રકારે જણાવ્યું કે તે ચિત્ર રાજકુમાર ધનપતિનું હતું. પરંતુ, તેઓ વાસ્તવમાં આ ચિત્ર કરતાં પણ વધુ સ્વરૂપવાન હતા.
રાજકુમારી ધનવતીએ તરત જ તેમને વરવાનો નિશ્ચય કરી લીધો. સદ્ભાગ્યે, તે બંનેના પિતા એકબીજાના પરસ્પર મિત્રો હતા. બંને રાજાઓએ તે બંનેનો સંબંધ નક્કી કર્યો; અંતે બંનેના લગ્ન થયા.
એક વખત એક મુનિ રાજકુમાર ધનપતિના રાજ્યમાં આવ્યા પણ બહુ જ માંદા હોવાને કારણે તેઓ બેભાન થઈ ગયા. રાજકુમાર ધનપતિ અને રાજકુમારી ધનવતીએ તે મુનિની ખૂબ જ કાળજી રાખી સેવા કરી. પછીથી, રાજકુમાર ધનપતિને ગાદી સોંપીને એમના પિતાએ મુનિ પાસેથી દીક્ષા ગ્રહણ કરી લીધી.
કેટલાક વર્ષો પછી તે જ મુનિ ફરીથી રાજા ધનપતિના રાજ્યમાં આવ્યા ત્યારે રાજા ધનપતિ અને રાણી ધનવતીએ પણ તે મુનિ પાસેથી દીક્ષા લીધી અને અત્યંત ભક્તિ-આરાધના કરીને એમનું આયુષ્ય પૂરું થયું.
બીજા ભવમાં, નેમિનાથ ભગવાને અને રાજુલે દેવ અને દેવી તરીકે જન્મ લીધો. ત્યાં પણ, બંનેએ એકબીજા સાથે સારો કાળ પસાર કર્યો.
ત્રીજા ભવમાં નેમિનાથ ભગવાને વિદ્યાધર ચિત્રગતિ તરીકે અને રાજુલે રાજકુમારી રત્નાવતી તરીકે જન્મ લીધો. રાજકુમારી રત્નાવતી અતિશય સ્વરૂપવાન અને બુદ્ધિમાન હતી.
રત્નાવતીનો જન્મ થયો ત્યારે એમના પિતાએ મુનિ મહારાજને પૂછ્યું હતું કે એમની પુત્રી કોને વરશે? ત્યારે મુનિ મહારાજે એમના પિતાને નીચે દર્શાવ્યા પ્રમાણે ત્રણ સંકેતો આપ્યા હતા; આ ત્રણ સંકેતો એકસાથે જે વ્યક્તિમાં દેખાશે એ જ વ્યક્તિ રત્નાવતીને વરવાને યોગ્ય કહેવાશે:
બીજી બાજુ સુમિત્ર નામે એક રાજકુમાર હતો. સુમિત્રની સાવકી માતાએ પોતાના પુત્રને રાજગાદી પર બેસાડવા માટે પોતાના સાવકા પુત્ર એટલે કે સુમિત્રને ઝેર આપ્યું હતું. ઝેરની અસરથી રાજકુમાર સુમિત્ર લાંબા કાળ સુધી બેભાન અવસ્થામાં હતો. તે સમયે ત્યાંથી પસાર થતાં વિદ્યાધર ચિત્રગતિને અમુક લોકોનું ટોળું શોકમગ્ન દેખાયું. વિદ્યાધરોને આકાશગમનની વિદ્યાઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થયેલ હોય છે. ચિત્રગતિએ બેભાન થયેલા રાજકુમાર સુમિત્રને પોતાની વિદ્યાથી ઇલાજ કરીને સાજા કર્યા. રાજકુમાર સુમિત્ર અને વિદ્યાધર ચિત્રગતિ એકબીજાના ગાઢ મિત્ર થઈ ગયા.
એક વખત બન્યું એવું કે રાજકુમાર સુમિત્રની પરિણીત બહેનનું રાજકુમારી રત્નાવતીના ભાઈએ અપહરણ કર્યું. અપહરણના દુઃખદ સમાચાર મળતાં જ રાજકુમાર સુમિત્ર ખૂબ જ વ્યથિત થયા અને મદદ માટે પોતાના મિત્ર વિદ્યાધર ચિત્રગતિને બોલાવ્યા. પછી ચિત્રગતિ અને રત્નાવતીના ભાઈ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને એમાં ચિત્રગતિનો વિજય થયો.
યુદ્ધમાં વિદ્યાધર ચિત્રગતિએ રાજકુંવરી રત્નાવતીના પિતાનું ખડ્ગ અંધારું કરીને છીનવ્યું અને સુમિત્રની બહેનનો બચાવ કર્યો. આથી રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું અને વિચારમાં પડ્યા કે તેમનું ખડ્ગ કે જે કોઈ ઊંચકી ન શકે તે ચિત્રગતિએ વિના ડરે ઊંચકીને યુદ્ધમાં વિજય મેળવ્યો.
બીજી તરફ, ચિત્રગતિના મિત્ર રાજકુમાર સુમિત્રએ સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ એક વખત જ્યારે સુમિત્ર મુનિ ભક્તિ-આરાધના કરતા હતા, ત્યારે એમના સાવકા ભાઈએ તેમને જોયા અને વેરભાવથી સુમિત્ર મુનિને બાણથી માર્યું. જો કે સુમિત્ર મુનિને તેમના સાવકા ભાઈ પ્રત્યે જરા પણ દ્વેષભાવ ન થયો અને બાણથી જે ઘા વાગ્યો, એ પોતાના કર્મનો ઉદય છે એમ સમજીને એ સમતાભાવે કર્મ પૂરું કર્યું. સમતામાં રહીને દેહત્યાગ થવાથી તેઓ દેવગતિમાં જન્મ પામ્યા.
પોતાના મિત્રના મૃત્યુના સમાચાર સાંભળી વિદ્યાધર ચિત્રગતિ ખૂબ જ આઘાત પામ્યા, દુઃખી થયા અને જાત્રા કરવા નીકળી પડ્યા. જાત્રા દરમ્યાન તેઓ જિનમંદિરમાં ગયા અને ખૂબ ભક્તિ-આરાધના કરી. સુમિત્ર મુનિ જેઓ દેવગતિમાં દેવ હતા એમને પોતાના પરમમિત્ર વિદ્યાધર ચિત્રગતિને ભગવાનની ભક્તિ-આરાધનામાં એકાકાર થતાં જોઈ ખૂબ જ આનંદ થયો અને તેમણે ચિત્રગતિ પર હર્ષોલ્લાસ પામીને પુષ્પવૃષ્ટિ કરી. આ બધું જોતાં રત્નાવતીના પિતાને પોતાની પુત્રીના લગ્ન માટે અપાયેલ ત્રણમાંથી બે સંકેતો પૂરા થતા દેખાયા. અંતે તેઓ પોતાની પુત્રી રત્નાવતીને વિદ્યાધર ચિત્રગતિ પાસે લઈ ગયા અને તેમને જોતાં જ રત્નાવલી મોહિત થઈ ગઈ. ત્યારબાદ, વિદ્યાધર ચિત્રગતિ અને રાજકુમારી રત્નાવતીના લગ્ન થયા.
લાંબા કાળ સુધી ચિત્રગતિએ ખૂબ જ સુંદર રીતે રાજ ચલાવ્યું અને અમુક કાળ વીત્યા બાદ વિદ્યાધર ચિત્રગતિ અને રત્નાવતી બંનેએ દીક્ષા લીધી. તેમણે ખૂબ ભક્તિ-આરાધનાપૂર્વક આયુષ્ય પૂરું કર્યું.
નેમિનાથ ભગવાન અને રાજુલનો ચોથો ભવ અનુક્રમે દેવ અને દેવી તરીકે દેવગતિમાં થયો; ત્યાં લાંબો કાળ તેમણે એકબીજા સાથે પસાર કર્યો હતો.
નેમિનાથ ભગવાન અને રાજુલનો પાંચમો ભવ અનુક્રમે રાજા અપરાજિત અને રાણી પ્રીતિમતી તરીકે થયો.
રાણી પ્રીતિમતી, જ્યારે રાજકુંવરી હતા, ત્યારે તેમની સુંદરતાને કારણે બધા રાજાઓ તેમની સાથે લગ્ન કરવા ઇચ્છુક હતા. રાજકુમારી પ્રીતિમતી માટે સ્વયંવરનું આયોજન થયું અને બધા રાજાઓ તેમાં આમંત્રિત થયા. રાજકુમારીએ નક્કી કર્યું હતું કે, જે કોઈ એમના પ્રશ્નોના ઉત્તર યથાર્થ રીતે આપી શકશે, તેમની સાથે જ પોતે લગ્ન કરશે.
રાજકુમાર અપરાજિતે પણ તે સ્વયંવરમાં બેડોળરૂપ ધારણ કર્યું અને વેશપલટો કરીને હાજર હતા. જ્યારે બધા રાજાઓ રાજકુમારીના પ્રશ્નોના ઉત્તર આપી ન શક્યા, ત્યારે રાજકુમાર અપરાજિતએ બધા પ્રશ્નોના સચોટ ઉત્તર આપ્યા અને રાજકુમારીની બધી જ કસોટીમાંથી પાર ઊતર્યા. ત્યારબાદ, રાજકુમારી પ્રીતિમતીએ અપરાજિત રાજાના ગળામાં વરમાળા પહેરાવી.
જો કે, ત્યાં હાજર રહેલા રાજાઓને આ વાત પસંદ ન આવી કારણ કે તેમના મતે રાજકુમાર અપરાજિત તો બેડોળ દેખાતા હતા. પરતું એવામાં જ રાજકુમાર અપરાજિતે પોતાનું અસલ રૂપ જાહેર કર્યું અને એ રૂપ જોઈ બધા રાજાઓ ચકિત થઈ ગયા. પછી રાજકુમાર અપરાજિતે બધા રાજાઓ સામે લડાઈ કરી વિજય મેળવ્યો અને પ્રીતિમતી સાથે એમના લગ્ન થયા. લગ્ન પછી અમુક કાળ વીત્યા બાદ રાજા અપરાજિત અને રાણી પ્રીતિમતીએ દીક્ષા લીધી અને તેમનું આયુષ્ય પૂરું થયું.
છઠ્ઠા ભવમાં, નેમિનાથ ભગવાન અને રાજુલના જીવે અનુક્રમે દેવ અને દેવી તરીકે જન્મ લીધો અને સાથે લાંબો આયુષ્યકાળ પસાર કર્યો.
નેમિનાથ ભગવાન અને રાજુલનો સાતમો ભવ રાજા શંખ અને રાણી યશોમતી તરીકે થયો.
એક વખત રાજકુમાર શંખ તેમના મિત્રો સાથે ફરતા-ફરતા રાજ્યથી દૂર નીકળી ગયા અને રાત્રિનો સમય થયો, ત્યારે એક જગ્યાએ પોતાનો પડાવ નાખ્યો. ત્યાં જ શંખકુમારે એકાએક એક સ્ત્રીનો મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. તપાસ કરતા જણાયું કે એ અવાજ એક આધેડ વયની સ્ત્રીનો હતો. શંખકુમારે તે સ્ત્રીને રડવા માટેનું કારણ પૂછ્યું. તપાસ કરતા જાણ્યું કે તે વૃદ્ધા સાથે યશોમતી નામની એક રાજકુમારી પણ હતી, પણ કોઈએ રાજકુમારી યશોમતીનું અપહરણ કર્યું. જેણે અપહરણ કર્યું એ એવું કહેતો ગયો કે તે પોતે રાજકુમારી યશોમતી સાથે લગ્ન પણ કરશે. વૃદ્ધા સ્ત્રીએ રાજકુમારી યશોમતીને પાછા લાવવા રાજકુમાર પાસે મદદની માંગણી કરી.
હજુ આગળ તપાસ કરતાં રાજકુમાર શંખે જાણ્યું કે કોઈ વિદ્યાધર દ્વારા રાજકુમારી યશોમતીનું અપહરણ થયું હતું. અંતે, રાજકુમાર શંખે અપહરણ કરનાર સાથે લડાઈ કરી એના પર વિજય મેળવ્યો અને રાજકુમારી યશોમતીને બચાવી લીધી. રાજકુમારી યશોમતીએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે જે વ્યક્તિ પર એની દ્રષ્ટિ પડતા જ પસંદ આવશે એની સાથે પોતે લગ્ન કરશે. પછી રાજકુમાર શંખ સાથે યશોમતીના લગ્ન થયા. રાજા શંખ અને રાણી યશોમતીએ લગ્ન બાદ લાંબા સમય સુધી સારી રીતે રાજ કર્યા બાદ દીક્ષા લીધી.
ભગવાનની અત્યંત ભક્તિ અને વીસ સ્થાનકોની આરાધના કરતા શંખ રાજાને તીર્થંકર નામગોત્ર બંધાયું.
આઠમા ભવમાં પણ, નેમિનાથ ભગવાન અને રાજુલના જીવે દેવ અને દેવી તરીકે જન્મ લીધો. ત્યાં પણ, બંનેએ એકબીજા સાથે લાંબો કાળ પસાર કર્યો.
આગળ, ભરતક્ષેત્રમાં શ્રી નેમિનાથ ભગવાનનો નવમો ભવ અને એ ભવમાં સંસારની મોહજાળ અને ભવભ્રમણમાંથી કેવી રીતે મુક્ત થયા એવા અદ્ભુત પ્રસંગો વાંચીએ.
subscribe your email for our latest news and events
