બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન: જીવનચરિત્ર

શ્રી નેમિનાથ ભગવાન વર્તમાન કાળચક્રના બાવીસમા તીર્થંકર હતા. ભગવાનની કાયા શ્યામવર્ણી અને દેહપ્રમાણ ૧૦ ધનુષનું હતું. નેમિનાથ ભગવાનનું લાંછન શંખ છે. ગોમેધ યક્ષ દેવ અને અંબિકા દેવી ભગવાનના શાસન દેવ-દેવી છે.

neminathbhagwan-lanchchan

નેમ-રાજુલનું આઠ ભવોનું ઋણાનુબંધ

શ્રી નેમિનાથ ભગવાનનાં એમના અંતિમ ભવમાં રાજકુંવરી રાજુલ સાથે સગાઈ થઈ હતી. પાછલા આઠ ભવોથી પ્રત્યેક ભવમાં તેઓ પતિ-પત્ની તરીકે સાથે જ રહ્યાં હતાં. સામાન્ય રીતે આઠ ભવ સુધી પતિ-પત્નીનું એક સાથે જન્મ લેવું શક્ય જ નથી. જો પતિને પત્નીના અને પત્નીને પતિના એકપણ નેગેટિવ ના દેખાય અને એમણે એવા ભાવ કર્યા હોય કે આવતા ભવે ફરી આ જ મળે તો આવતા ભવે તેઓ ફરી ભેગા થાય; નહીં તો શક્ય જ નથી. બહુત્યારે એકાદ ભવ ભેગા થાય. જ્યારે આમનું નવ-નવ ભવો સુધી સાથે રહેવું એ આધ્યાત્મિક ઇતિહાસમાં અજોડ વાત છે. મનુષ્યનો જન્મ કર્મની ગતિ પ્રમાણે થાય છે. નેમિનાથ ભગવાન અને રાજુલે એમના પૂર્વભવોમાં ક્યારેય એકબીજાનો એક પણ દોષ જોયો ન હતો, એમનો પ્રેમ એકધારો હતો એટલે આઠ ભવો સુધી એકબીજાનાં પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં.

યાદવકુળનો પરિચય

નેમિનાથ ભગવાનનો જન્મ યાદવકુળમાં થયો હતો. યાદવકુળમાં નેમિનાથ ભગવાનના પિતા રાજા સમુદ્રવિજય દસ ભાઈઓમાં સૌથી મોટા હતા અને દસમા ભાઈ વસુદેવ એટલે કે શ્રીકૃષ્ણ ભગવાનના પિતા હતા. એમનું કુટુંબ શામળું હતું. વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાન અને નેમિનાથ ભગવાન પિતરાઈ ભાઈઓ હતા અને બંને શ્યામવર્ણના હતા. આજે પણ આપણે જ્યાં જ્યાં નેમિનાથ ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ તો એમની બધી જ મૂર્તિઓ શ્યામવર્ણની હોય છે.

જન્મથી જ અપાર અહિંસા

નેમિનાથ ભગવાનની સૌથી મોટી ખાસિયત હતી કે જન્મથી જ તેઓ ખૂબ જ અહિંસાપ્રેમી હતા. અહિંસા ધર્મ જન્મથી જ એમની પાસે હતો. અહિંસા પ્રત્યે તેઓ અત્યંત જાગૃત હતા. એમની દયા અને કરુણા અજોડ હતી. નેમિનાથ ભગવાન રાજાના કુંવર હોવાથી યાદવ કુળમાં જ્યારે યુદ્ધ થાય તો બધાની સાથે એમને પણ યુદ્ધમાં જોડાવું પડતું હતું. એક તીર્થંકર તરીકે જન્મ્યા હોવા છતાં તેઓ અહિંસક રીતે યુદ્ધમાં સહભાગી થતા હતા. ભગવાન પોતે તીર્થંકર હતા એટલે એમનું બળ ચક્રવર્તી રાજા કરતા પણ અનેકગણું વધારે હતું. એમનું બધું જ બળ આત્મપ્રાપ્તિ અને કષાયોને જીતવા માટે હતું નહીં કે શત્રુઓને જીતવા માટે. પોતાના ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોને જીતીને તેઓ અજિત થયા. જે સર્વ કષાયોથી મુક્ત થાય ત્યારે જ એમને તીર્થંકર કહેવાય છે; ત્યારે જ તેઓ કેવળજ્ઞાનને પામે છે અને મોક્ષે જવા માટેના લાયક થઈ ગયા કહેવાય છે.

અહિંસા બની ઉત્કૃષ્ટ વૈરાગ્યનું નિમિત્ત

પાછલા આઠ ભવોની પ્રીત જેમની સાથે હતી એ જ નેમિકુમાર અને રાજુલ નવમાં ભવે ફરી પાછા ભેગા થયા. પણ એમનો સંબંધ વિવાહમાં પરિણમે એના પહેલાં એક વૈરાગ્યમય પ્રસંગ બન્યો.

વિવાહયોગ્ય આયુ થતાં શ્રીકૃષ્ણ ભગવાન અને અન્ય વડીલોની સલાહથી નેમિનાથ ભગવાનના લગ્ન રાજા ઉગ્રસેનના પુત્રી રાજકુંવરી રાજીમતી સાથે નક્કી થયા. રાજકુંવરી રાજીમતી સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાનના પટરાણી સત્યભામાનાં નાના બહેન થતાં હતાં. વિવાહના દિવસે જ્યારે નેમિકુમારની જાન નીકળી ત્યારે વચ્ચે રસ્તામાં જ ભયથી ફફડતાં નિર્દોષ પ્રાણીઓની ચિચિયારીઓ અને રુદન સાંભળીને નેમિકુમારનું હૃદય દ્રવી ઊઠ્યું. પ્રાણીઓના ભયનું કારણ પોતાનો જ લગ્નપ્રસંગ છે એની જાણ થતાં જ અત્યંત વૈરાગ પામતાં સંસાર ક્રૂર જણાતાં એમણે પોતાના લગ્નનો રથ પાછો વાળ્યો અને દીક્ષા લીધી.

નેમિકુમારનો રથ પાછો વળતાં રાજકુંવરી રાજીમતીને અત્યંત ભોગવટો આવ્યો. પોતે એક ક્ષત્રિયાણી હોવાથી મનથી તો તેઓ નેમિકુમારને વરી ચૂકયા હતા. રાજીમતીનું રુદન મહિનાઓ સુધી ચાલુ રહ્યું અને એનું કારણ નેમિકુમાર સાથે પાછલા આઠ ભવો સુધીનું એમનું ઋણાનુબંધ હતું. રાજીમતીએ પણ નેમિનાથ ભગવાનના પંથે ચાલીને મોક્ષમાર્ગ પકડ્યો અને નેમિનાથ ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરી. આમ ગતભવોના જે સંબંધથી સંસારની શરૂઆત થઈ હતી એ જ સંબંધ આજે એમના માટે વૈરાગ્ય અને મોક્ષનું ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યો.

શાસન દેવી અંબિકા માતા

અંબિકા માતા નેમિનાથ ભગવાનનાં શાસન દેવી છે. અંબામાને બધા જ ધર્મોએ સ્વીકાર્યા છે. વાસ્તવિકતામાં, દેવ-દેવીઓ પ્રકૃતિના પ્રતિક છે અને આત્મા પુરુષનું પ્રતિક છે. પુરુષ અને પ્રકૃતિના ભેદ પડે અને પુરષપદમાં રહીને પ્રકૃતિને સહજ કરવી એ માતાજીની ભક્તિ પાછળનો આશય એ છે. આની માટે માતાજીની ભક્તિ ખૂબ મદદરૂપ છે.

અત્યારે બધા શાસન દેવ-દેવીઓનો યથાર્થરૂપે ઉપયોગ કરવાને બદલે ભૌતિક વસ્તુઓની માંગણી માટે જ એમને ભજતા હોય છે, માનતા-બાધા રાખતા હોય છે.

આટલા ઉચ્ચ કક્ષાના દેવ-દેવીઓ સમકિતી છે, બધા મોક્ષે જનારા છે. એ અત્યારે આપણને મોક્ષમાર્ગ માટે મદદ કરે બાકી ભૌતિક માટે તેઓ મદદ કરે જ નહીં. ભૌતિકમાંથી બહાર કાઢવા એ જ તો એમનું કામ છે! શાસનનું રક્ષણ કરવું, શાસનની પ્રભાવના કરવી, લોકો મોક્ષ તરફ વળે, જ્ઞાનીઓ તથા તીર્થંકરોની વાણી સમજે અને આગળ વધે એની માટે રાત-દિવસ મથતાં હોય છે, નહીં કે આપણા સાંસારિક લાભ માટે. તેઓ માનતા માંગવા માટે નથી હોતા. મોક્ષ સિવાય દેવ-દેવીઓ પાસેથી આપણે કંઈ પણ મંગાય નહીં મોક્ષના હેતુથી આપણે એમને એવી પ્રાર્થના કરવી કે, ”તમે રાજી રહેજો. અમારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. અમારા પર કૃપા રાખજો.” શાસન દેવ-દેવીઓ રાજી હોય તો એથી વધારે બીજું શું જોઈએ! માંગવું જ હોય તો એવું માંગવું કે ફરી માંગવું ના પડે. જો આપણી પ્યૉરિટી હશે તો દેવ-દેવીઓ સામેથી બધું આપશે. આપણી દાનત ચોખ્ખી હોવી જોઈએ. આપણું જીવન તો પારકાં કાજે હોવું જોઈએ. માટે દેવ-દેવીઓની ઉપાસના ભૌતિક કોઈ વસ્તુ માટે નહીં પરંતુ સમજીને કરવી જોઈએ.

બે વાસુદેવનો મિલાપ બન્યું આશ્ચર્ય

શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાન સાથે એક આશ્ચર્યકારક પ્રસંગ બન્યો હતો.

શ્રીકૃષ્ણ ભગવાન એ તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના પિતરાઈ ભાઈ અને નવમા વાસુદેવ હતા. વાસુદેવ એટલે કે અડધી પૃથ્વીના અધિપતિ હોવાથી તેઓ અત્યંત શક્તિશાળી હતા. જૈન શાસ્ત્રોમાં દસ મોટા આશ્ચર્યમાંથી એક આશ્ચર્ય શ્રીકૃષ્ણ ભગવાનનું ગણાય છે જે નેમિનાથ ભગવાનના સમયમાં થયું હતું.

એક વખત થયું એવું કે પૂર્વના વેરને કારણે દ્રૌપદીનું હરણ થયું. દેવ દ્વારા અપહરણ કરીને દ્રૌપદીને ધાતકીખંડના ભરતક્ષેત્રમાં લઈ ગયા. એ  ક્ષેત્રે સ્થૂળ દેહે જવું અશક્ય હતું પણ વાસુદેવ પદના ઉદયને કારણે શ્રીકૃષ્ણ વાસુદેવે એ ક્ષેત્રમાં જઈને દ્રૌપદીને પરત ભરતક્ષેત્રમાં લાવ્યા અને ધાતકીખંડના કપિલ વાસુદેવ સાથે શંખનાદ દ્વારા વર્તાલાપ કર્યો.

નિયમ પ્રમાણે એક જ કાળે, એક જ ક્ષેત્રમાં બે વાસુદેવનો મેળાપ ક્યારેય થતો નથી પણ નેમિનાથ ભગવાનના સમયમાં આ બન્યું એ આધ્યાત્મિક જગતમાં આશ્ચર્ય ગણાય છે.

ગજસુકુમારનું મોક્ષગમન

શ્રી નેમિનાથ ભગવાન સમયમાં મુનિ ગજસકુમાર થઈ ગયા; એમના કેવળજ્ઞાન સંબંધી એક અદ્ભુત પ્રસંગ બન્યો હતો. ગજસુકુમાર એ શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ હતા. ગજસુકુમાર જન્મથી જ સંસાર પ્રત્યે વિરક્ત હતા પણ માતા અને ભાઈના દબાણથી તેમના લગ્ન સોમદત્ત બ્રાહ્મણની પુત્રી સોમા સાથે થયા હતા. નેમિનાથ ભગવાન પાસેથી ગજસુકુમારે દીક્ષા ગ્રહણ કરી.

દીક્ષા લીધા બાદ જ્યારે તેઓ આત્મધ્યાનમાં લીન હતા ત્યારે તેમના સસરાએ અચાનક તેમને દીઠા અને પોતાની પુત્રીને લગ્ન બાદ ત્યજી દીધાના વેર બદલ એમને ગજસુકુમાર પ્રત્યે અત્યંત વેર ભભૂકી ઉઠ્યું. ક્રોધવશાત એમણે ગજસુકુમારના શિરે માટીનું કુલડું મૂકીને એમાં ધગધગતા અંગારા મૂક્યા. સામે ગજસુકુમાર તો મુનિ અવસ્થામાં હતા એમણે સસરાને નિર્દોષ જોયા અને મોક્ષ માટે અત્યંત ઉપકારી ગણ્યા. આવા બાહ્ય ઉપસર્ગ વખતે પણ તેઓ આત્મધ્યાનમાં જ લીન હતાં અને અંદર આત્મગુણોની ભજના કરતા મોક્ષમાર્ગની શ્રપકશ્રેણીઓ ચઢતા ગયા. અંતે આત્માના અવ્યાબાધ સ્વરૂપનો એમને અનુભવ થયો અને પરિણામ સ્વરૂપ કેવળજ્ઞાનને પામતા એમણે મોક્ષ સિધાવ્યો.

જ્ઞાનીઓ અને તીર્થંકરો સંસારના વ્યવહારો, ભૌતિક સુખો અને અનેક વિપરીત પરિસ્થિતિમાં રહીને પણ સમતાભાવથી પણ આગળ આત્મભાવમાં લીન રહીને પોતાનો મોક્ષપંથ પૂરો કરે છે.

બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના રાજીમતી સાથેના આઠ ભવોના ઋણાનુબંધ વિશે આગળ વાંચીએ.

×
Share on