
શ્રેણિક રાજા એમના પરિવાર સાથે શ્રી મહાવીર સ્વામીને વાંદવા ગયા હતા. ત્યાં જ શ્રેણિક મહારાજાના બે પુત્રો મેઘકુમાર અને નંદીષેણ ભગવાન મહાવીરને સમર્પિત થઈને દીક્ષિત થયા. અહીં, આપણે શ્રેણિક મહારાજાની પટરાણી દુર્ગંધાનો પરિચય મેળવીએ.
મગધ દેશના શ્રેણિક મહારાજાની રાજધાની રાજગૃહી નગરી હતી. એક વખત ભગવાન મહાવીર ત્યાંથી વિચરતા હતા. એક ઉદ્યાનમાં ભગવાનનું સમવસરણ રચાયું હતું. ભગવાન મહાવીર પોતાની નગરીમાં પધાર્યા છે એ જાણીને શ્રેણિક મહારાજા પોતાના બધાં જ સૈનિકો, લાવલશ્કર અને પરિવાર સાથે ખૂબ જ ઉલ્લાસ અને આનંદથી ભગવાનને વાંદવા ગયા.
ભગવાન મહાવીરને વંદન કરવા જતાં, રસ્તામાં શ્રેણિક મહારાજે જોયું કે બધાં સૈનિકો એક નવજાત બાળકી પાસે ભેગા થયા હતા. એ બાળકીના શરીરમાંથી માથું ફાટી જાય એવી, સહન ના થાય એટલી બધી દુર્ગંધ આવતી હતી. બધા મોઢું બગાડીને, પોતાનું નાક દબાવીને એ બાળકીને જોઈને નીકળી જતા હતા. શ્રેણિક મહારાજાએ તો ભગવાન મહાવીર પાસેથી બાર ભાવના સાંભળેલી હતી અને એમને અંદર સમકિત પ્રાપ્ત થયું હોવાથી એ નવજાત બાળકીને જોઈને એમને કોઈપણ પ્રકારની જુગુપ્સા ઉત્પન્ન ન થઈ. શ્રેણિક મહારાજા રસ્તામાં બધો વિચાર કરતા હતા, “આટલી બધી દુર્ગંધ આ બાળિકાના શરીરમાંથી કયા આધારે નીકળતી હશે!” ભગવાન પાસે પહોંચીને એમણે પ્રશ્ન પૂછ્યો કે, “એક બાળિકા મને આજે રસ્તામાં મળી, એનામાંથી આટલી બધી દુર્ગંધ કેમ આવતી હશે? એનો શું દોષ હશે?” પછી ભગવાન મહાવીરે પોતાના કેવળજ્ઞાનમાં જોઈને બાળિકાના પૂર્વભવની બધી વાત કરી. શાલિગ્રામ નામના ગામમાં એક વાણિયો રહેતો હતો. તેને ધનશ્રી નામની એક પુત્રી હતી. ધનશ્રી જ્યારે યુવાન થઈ ત્યારે એક વખત અમુક સાધુઓ વહોરાવવા માટે એને ત્યાં આવ્યા હતા. જ્યારે ધનશ્રી સાધુઓને વહોરાવવા એમની પાસે ગઈ ત્યારે એ સાધુઓમાંથી દુર્ગંધ એને આવી. સાધુ મહારાજ તો સ્નાન કરે નહીં અને ચાલીને વિહાર કરવાનો હોવાથી, સ્વાભાવિક રીતે એમનાં શરીરમાંથી થોડી વાસ આવે જ. ધનશ્રીથી આ દુર્ગંધ સહન ના થઈ, એને ગમ્યું નહીં એટલે એણે મોઢું બગાડ્યું. એને અંદર વિચાર આવ્યો, “તીર્થંકર ભગવાને બધી વાત તો બરાબર કરી છે પણ એક સાધુ મહારાજને સ્નાન માટેની છૂટ કેમ ના આપી અને જો છૂટ આપી હોય તો શું વાંધો હતો? તેઓ ચોખ્ખા તો રહે.”
ધનશ્રીએ પોતાના આ વિચારનું આગળ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ના લીધું એટલે તે ઘડીએ એનું જે કર્મ બંધાયું, તેનું ફળ એને આ રીતે ભોગવવાનું આવ્યું. પોતાના શરીરમાંથી દુર્ગંધ થાય એવો જન્મ એને મળ્યો. ધનશ્રીનું આયુષ્ય પૂરું થયા બાદ એનો જીવ વેશ્યાના ગર્ભમાં રહ્યો અને જન્મતાંની સાથે જ માથું ફાડી નાખે એવી દુર્ગંધ એના શરીરમાંથી આવતી હતી. એટલે વેશ્યાએ એને આ જંગલમાં નાખી દીધી હતી અને તમે તે ઘડીએ ત્યાંથી પસાર થતા હતા. પછી એ બાળકીને કો’ક વાણિયો લઈ જશે અને એને ઉછેરશે. પછી આ જ દુર્ગંધા તમારી પટરાણી થશે! આ સાંભળીને મહારાજા એકદમ સડાક થઈ ગયા અને ભગવાનને કહ્યું કે, “શું વાત કરો છો? આટલી દુર્ગંધી મારી પટરાણી?” તો ભગવાને કહ્યું કે, “હા, જે કર્મ એણે બાંધ્યું હતું એ પૂરું થઈ જશે અને પછી પાછી એ બહુ સરસ થઈ જશે.”
શ્રેણિક રાજાને ભગવાન મહાવીરની આ વાત ઉપર જરાય શંકા આવી ન હતી. પછી રાજાએ તે ઘડીએ ભગવાનને પૂછ્યું કે, “ભગવાન, પણ આ દુર્ગંધા જ મારી પટરાણી થશે, એ મને કેવી રીતે ખબર પડશે?” તો પછી ભગવાન મહાવીરે કહ્યું કે, “તમારી બધી રાણીઓમાં જે રાણી તમારી પીઠ ઉપર બેસીને સવાર થાય, તો સમજી લેવાનું કે આ એ જ દુર્ગંધા છે.” આ સાંભળીને શ્રેણિક મહારાજાને ખૂબ આશ્ચર્ય થયું પછી અને તેઓ આગળ નીકળી ગયા.
ભગવાન મહાવીરની વાત પ્રમાણે એવું જ બન્યું કે એક વાણિયો એ જંગલમાંથી પસાર થયો અને એણે દુર્ગંધા બાળકીને જોતાં જ લઈ લીધી. કારણ કે એને બાળક હતું જ નહીં અને બાળકની ખૂબ જ તીવ્ર ઝંખના હતી. એટલે ચાલો જે હોય તે, મને કંઈક તો મળ્યું એમ કરીને એ બાળકીને પોતાને ત્યાં લઈ ગયો. વાણિયાએ એની પત્નીને કહ્યું કે, “આ બાળકી તારી કૂખે જન્મી છે. તું એને ઉછેરજે.” એણે પોતાના આજુબાજુવાળાને એવું કહ્યું કે, “આ બાળકીને મારી પત્નીએ જન્મ આપ્યો છે.” વાણિયાએ દુર્ગંધાનો ઉછેર કર્યો. અમુક કાળ પસાર થયા બાદ દુર્ગંધાનું કર્મ પૂરું થયું અને એના શરીરમાંથી બધી દુર્ગંધ જતી રહી. એ દેખાવમાં રૂપરૂપનો અંબાર હતી. પછી દુર્ગંધા જ્યારે યુવાનીમાં આવી ત્યારે બહુ સુંદર દેખાતી હતી.
એક વખત બંને મા-દીકરી મેળામાં ગયા હતા અને બીજી બાજુ શ્રેણિક મહારાજા પણ એમના પુત્ર અભયકુમારની સાથે એ જ મેળામાં આવ્યા હતા. મેળામાં ફરતા ફરતા શ્રેણિક મહારાજાની નજર દુર્ગંધા પર પડી. દુર્ગંધાને જોતાં જ શ્રેણિક મહારાજાને તેનું હરણ કરવાના ભાવ થયા. અંતે, અભયકુમારની યુક્તિથી શ્રેણિક રાજા અને દુર્ગંધાના લગ્ન થયાં. એમને કંઈ જ ખબર ન હતી કે એમની આ રાણી એ જ દુર્ગંધા છે.
એક વખત, શ્રેણિક મહારાજા પોતાની બધી રાણીઓ સાથે રમત રમતા હતા. એક પ્રકારની હારજીતની રમત હતી અને એમાં એવું હતું કે જે પણ હારે એને ઘોડો થવાનું આવે અને જે જીતે એણે જે ઘોડો બન્યું હોય એની પર બેસી જવાનું. બધી રાણીઓ જીતી ગઈ અને શ્રેણિક મહારાજાને ઘોડો થવાનો વખત આવ્યો. બીજી રાણીઓ તો ખાનદાન રાજકુટુંબની હોવાથી પોતાનો વારો આવ્યો ત્યારે પતિના પીઠ ઉપર બેસીને ઘોડો તો ના જ કર્યો અને પોતાની ફક્ત ઓઢણી રાજાના પીઠ ઉપર મૂકી દીધી હતી. પણ જ્યારે દુર્ગંધાનો વારો આવ્યો ત્યારે એ તો શ્રેણિક મહારાજાની પીઠ પર ઘોડો બનીને ચડી બેઠી. એ વેશ્યાના કૂખે જન્મેલી હોવાથી એને એવો વિચાર ના આવ્યો કે આવું કરાય કે ના કરાય.
આવું બન્યું ત્યારે જ શ્રેણિક મહારાજાને ભગવાન મહાવીરની વાત તરત યાદ આવી, “ભગવાને મને કહ્યું હતું કે, જે કોઈ તમારી પીઠ પર ઘોડો બનીને ચડી બેસે તો એ રાણી દુર્ગંધા હશે!” આ ઓળખ મહારાજાને તરત જ પડી ગઈ અને એમને ખૂબ હસવું આવ્યું. શ્રેણિક મહારાજાને ભગવાનની વાત પર ખૂબ અહો અહો થયું કે, “ઓહોહો, ભગવાનની વાત તો ત્રિકાળ સત્ય હોય છે.” પછી દુર્ગંધા રાણીએ શ્રેણિક મહારાજાને એમના ખડખડાટ હાસ્યનું કારણ પૂછ્યું અને ત્યારે શ્રેણિક રાજાએ રાણીને ભગવાન મહાવીરે એના પૂર્વભવની વાત કરી હતી તે કીધી. આ સાંભળીને દુર્ગંધાને ખૂબ જ વૈરાગ આવ્યો અને એને ખૂબ પશ્ચાત્તાપ થયો કે અરેરે મેં આવું કર્યું હતું! દુર્ગંધા રાણી પણ પછી ભગવાન મહાવીર પાસે ગયા અને શ્રેણિક રાજા પાસેથી આજ્ઞા લઈને તેમણે દીક્ષા લીધી. દીક્ષા બાદ દુર્ગંધા રાણીએ વૈરાગ્યમય જીવન ગાળીને ખૂબ જ તપ કર્યું. ચંદના મહાસતીજી પાસે સાધ્વીના વૃંદમાં તેઓ ગોઠવાઈ ગયા.
આ પરથી આપણને ખ્યાલ આવે છે કે અભાવ અને તિરસ્કારથી કેવા ભયંકર કર્મ બંધાય છે. આપણી શક્તિ કેટલી બધી ક્ષીણ છે કે આપણે એ સહન નથી કરી શકતા. આપણા જીવનમાં જ્યારે આપણને અભાવ આવે ત્યારે દુર્ગંધાનાં આ પ્રસંગને યાદ કરવા જેવું છે કે જ્યારે દુર્ગંધાએ મોઢું બગાડ્યું અને એને જરાક અવળો વિચાર આવ્યો એમાં એને કેવો ખરાબ કર્મબંધ થઈ ગયો! આપણે તો કેટલી વાર આ ગંધ વિશે કેટલા આડા-અવળા વિચારો કરી નાખતા હોઈશું. આપણે પણ આપણા જીવનમાં તપાસ કરવી કે, ક્યાં ક્યાં આપણે પાંચ ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો છે અને લોકોના અભાવ-તિરસ્કાર કર્યા છે. આવા વિચારો કરતાંની સાથે જ આપણે તરત એનું પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ લેવું જોઈએ અને એ જો રહી ગયું હોય તો આપણને પણ આનું ફળ ભોગવ્યા વગર છૂટકો જ નથી.
આ દુર્ગંધાના એક દાખલા પરથી એના માટે જે યાદ આવે એ બધાના અંદર બેઠેલા પરમાત્માને નમસ્કાર કરી અને હૃદયથી માફી માંગવી કે, “હે પરમાત્મા, મારાથી આવો દોષ થઈ ગયો છે તેની માફી માંગું છું, હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરું છું અને ફરી આવું નહીં કરું એવું નક્કી કરું છું.” આમ કરવાથી બધા દોષો અચૂકપણે ધોવાઈ જશે. આપણે પ્રત્યક્ષમાં કોઈ વ્યક્તિ પાસે ક્ષમા ન મંગાય તો વાંધો નથી પણ આપણા મનમાં જ અંદરથી સામી વ્યકિતની માફી માંગવી; જેથી કરીને આપણા દોષો ધોવાઈ જાય. દુર્ગંધા આ કરવાનું ચૂકી ગઈ હતી એટલે એનું ફળ એને આવ્યા વગર રહ્યું જ નહીં. તો એના ઉપરથી આપણે ઉપદેશ લઈએ કે, આપણાથી ક્યાંય આવી ભૂલ થઈ ગઈ હોય અને કો’ક કુરૂપ વ્યક્તિ જતી હોય અને આપણે મોઢું બગાડ્યું હોય કે ભગવાને આને કેવી ઘડી હશે! એમ કરીને કેટલા આપણે કેટલા તિરસ્કાર કર્યા હશે એ બધાની હૃદયથી પશ્ચાત્તાપ કરી, માફી માંગીને બધા દોષોમાંથી મુક્ત થઈ જવા જેવું છે. આગળ, મહાવીર સ્વામીની દેશના વિશે તથા કેવી રીતે ભગવાનના મૂળ માતા-પિતાએ દીક્ષા લીધી એ વિશે જાણીએ.
subscribe your email for our latest news and events
