પોતાના કર્મો ખપાવવા શ્રી મહાવીર ભગવાન અનાર્યદેશમાં વિચર્યા અને ત્યાં એમને પૂર્વભવે બંધાયેલા વેરના પરિણામે કટપૂતના વ્યંતરી દેવીએ શીત ઉપસર્ગ કર્યો. પૂર્વે એ કાળે પ્રદેશોના થયેલા વિભાજન પ્રમાણે દક્ષિણ ભારતમાં દ્રવિડ એ અનાર્ય પ્રદેશમાં ગણાતો હતો. ભગવાનને તે કાળમાં લોકો તરફથી ખૂબ અપમાન અને કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો. અહીં, ગોશાળાએ એકાંતે પકડી લીધેલો નિયતિવાદ અને ભગવાન મહાવીરે આપેલા પાંચ સમવાય કારણો વિશે જાણીએ.
ભગવાન મહાવીર જ્યારે આર્યદેશ છોડીને અનાર્યદેશ તરફ વિચર્યા ત્યારે અનાર્યદેશમાં વધુ પડતા કષ્ટોને કારણે ગોશાળાને ગમતું ન હતું. છતાં તે કમને ભગવાનની પાછળ-પાછળ ગયો.
ત્યાં ગોશાળા સાથે બે-ત્રણ પ્રસંગો એવા બન્યા કે એણે મક્કમ રીતે નિયતિવાદને પકડી લીધો. એક વખત ગોશાળાએ પોતાની કુમતિથી ભગવાન મહાવીરની કસોટી કરવાનું નક્કી કર્યું. એક વખત, તે જ્યારે ભગવાન સાથે એક ખેતર પાસેથી પસાર થયો ત્યારે એણે એક તલનો છોડ જોયો. એ છોડ ફળશે કે નહીં અને એમાંથી તલના કેટલા દાણા અંકુરિત થશે એ અંગે તેણે ભગવાનને પૂછા કરી. તે સમયે ભગવાન મહાવીરે મૌન ધારણ કર્યું હતું. છતાં તેમણે પોતાનું મૌન તોડીને ગોશાળાને જવાબ આપ્યો, ”આમાં સાત તલના દાણા નીકળશે.” ભગવાન મહાવીરે પ્રથમ જ્યારે ગોશાળાએ એમને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા માટે બહુ વિનંતી કરી હતી ત્યારે મૌન તોડ્યું. અને બીજી વખત એમના સાડા બાર વર્ષના કેવળજ્ઞાન થતાં પહેલાંના વર્ષોમાં ગોશાળા સાથેના તલના છોડના પ્રસંગમાં જવાબ આપીને તોડ્યું.
ગોશાળાએ ભગવાનના જવાબને ખોટા પાડવા, ધીમે રહીને પેલો છોડવો તોડીને દૂર ફગાવી દીધો અને પાછા વળતાં યુક્તિ કરીને જ્યાં એણે તલનો છોડ ઉખેડ્યો હતો, ત્યાં થઈને જ ભગવાનને લાવ્યો. ભગવાન તો વીતરાગ હતા, એમને અવધિજ્ઞાનમાં આ બધું જ દેખાતું હતું, પણ એમને કશી ડખોડખલ હતી જ નહીં. જ્ઞાનીઓ અને તીર્થંકર ભગવંતોને એમના કર્મની નિર્જરા થવાની હોય ત્યારે આગળથી જ ખબર પડે કે કંઈ સારું કે ખરાબ આવવાનું કર્મ છે, એવા સંકેતો એમને આગાઉથી જ મળી જાય.
ગોશાળાએ કઈ રીતે ભગવાનને ખોટા પાડવા માટે યુક્તિથી તલના છોડને ફગાવી દીધો હતો, છતાં તે છોડ ઊગ્યો અને એમાંથી સાત તલના દાણા નીકળ્યા તે યથાર્થરૂપે ભગવાને કહ્યું. ગોશાળાએ તત્ત્વજ્ઞાનની વાત ઊંધી પકડી લીધી હતી. ગોશાળો નિયતિવાદને જે રીતે સમજતો હતો, એ સમજણ ભગવાનની ન હતી. એણે નિયતિવાદ એકાંતે પકડી લીધો હતો. ગોશાળા અને મહાવીર સ્વામીના પ્રસંગોનું વિસ્તૃત આલેખન અહીં કરેલું છે.
નિયતિવાદ એટલે આપણા જીવનમાં કે જગતમાં જે કંઈ પણ બને છે, જે કંઈ પણ બનનાર છે તે બનનાર જ છે, એમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં; એ ફરનાર નથી. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે ક્યારેય બનનાર નથી. આવું એકાંતે આ નિયતિવાદની સમજણ લઈ આવે છે. ખરેખર એકાંતે નિયતિવાદ છે જ નહીં. ભગવાન મહાવીરનો તો અનેકાંતવાદ છે. કોઈ પણ કાર્ય નિયતિના હિસાબે નથી થતું પણ ભગવાને વર્ણન કર્યા પ્રમાણે પાંચ સમવાય કારણો ભેગા થાય ત્યારે એ રૂપકમાં આવે છે, કાર્ય થાય છે, પરિણામ આવે છે.
એમાં નિયતિ એ પાંચ સમવાય કારણોમાંનું એક છે. જો એકાંતે નિયતિવાદ લઈને ચાલીશું તો માણસ આખો ગોશાળાની જેમ ગેરમાર્ગે દોરાશે. ભગવાને કહેલા પાંચ સમવાય કારણો અથવા સમુચ્ચય કારણો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
આ બધા પાંચ સમવાય કારણો ભેગા થાય ત્યારે એક પરિણામ રૂપકમાં આવે. આ બધાને આપણે એક આંબાના ઉદાહરણ દ્વારા સમજીએ.
એક આંબાનું ઝાડ છે. એ ઝાડનો સ્વભાવ શું છે? કેરી આપવાનો. એ કંઈ કડવી લીંબોળી ના આપે; એ કેરી જ આપે. એ એનો મૂળ બીજનો સ્વભાવ છે. એ દરેકમાં હોય છે.
પછી બીજો પુરુષાર્થ છે. એ આંબાને તમે ઉછેર્યો, પાણી આપી અને સીંચીને મોટો કર્યો - એ ઊગ્યો. આ બધો પુરુષાર્થ થયો.
પછી છેલ્લે પ્રારબ્ધ ભેગું થવું જોઈએ. ગમે એટલું આપણે કર્યું પણ પવન આવ્યો, વાવાઝોડું આવ્યું, આંબે મોર આવ્યા અને પેલો મોર બધો ખરી પડ્યો. તો આપણને કેરી ન મળે. માટે વાવાઝોડાનું એક નિમિત્ત છે. એ આખી નિયતિએ ફેરફાર કરી નાખ્યો. આપણે કેરી લેવા ગયા હોઈએ અને કેરીઓ ઊંચે લાગેલી હોય. આપણે નીચે ઊભા રહીને જોયા જ કરીએ. હાથમાં કેવી રીતે આવે? એટલામાં એક છોકરો દોડતો-દોડતો આવ્યો મોટું લાકડું લઈને અને ઝાડને હચમચાવીને બરાબર કેરીઓ પાડી અને આપણા હાથમાં આવીને ખાધી - એ પ્રારબ્ધ છે. જે અંત આવ્યો એટલે જે બન્યું એ કરેક્ટ, નેવર ઈનકરેક્ટ.
પછી ઘણુંબધું, ગમે તે કરે પણ શિયાળામાં તો પાકેલી કેરી ન જ મળે. એટલે એનો કાળ પણ એટલો જ અગત્યનો છે. કાળ પણ પાકવો જોઈએ. એ પણ એટલું જ અગત્યનું છે. એટલે બરાબર જૂન મહિનો થાય, ગરમીના વૈશાખ મહિનામાં સાખ પડે ને કેરી પાકે. એટલે કાળ પણ બરાબર જોઈએ.
નિયતિ એટલે પ્રવાહની જેમ ચાલ્યા જ કરે. એ પ્રવાહમાં અનંત જીવો તણાયા કરે છે. નિયતિ તો પાંચ સમવાય કારણોમાંનું એક કારણ છે; પરિણામ નથી. નિયતિ પ્રમાણે ચાલ્યા કરતું હોય, થયા કરતું હોય તો પછી પુરુષાર્થ જેવી વસ્તુ રહી જ નહીં. નિયતિવાદ ખાલી પ્રવાહ છે. આ સમસરણ માર્ગ એ આખો નિયતિનો પ્રવાહ છે. એ પ્રવાહમાં અનંતા જીવો બધા તણાયા કરે છે. જન્મ્યા ત્યારથી મરતા સુધી જે આપણા કર્મો છે, જે રૂપકમાં આવે છે, સ્થૂળ છે, પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે, એટલો જ ભાગ નિયતિવાદમાં જાય છે. એ જ નિશ્ચિત છે એવું કહેવાય છે.
આવી રીતે, પાંચ સમવાય કારણો દરેક કાર્યની પાછળ કામ કરતા હોય છે. આ ભગવાનનું ઝીણામાં ઝીણું તત્ત્વજ્ઞાન છે. એને જો યથાર્થ રીતે સમજવામાં આવે તો જીવનમાં કંઈ પણ સારું થાય કે ખરાબ થાય એમાં ક્યાંય હર્ષ કે શોક ના થાય અને આને જો કોઈ બીજી, ઊંધી રીતે સમજવામાં આવે તો આપણને બહુ હેરાન કરી નાખે અને બહુ ખરાબ કર્મો બંધાઈ જાય. જેમ ગોશાળાએ નિયતિવાદને એકાંતે પકડી લીધેલો.
વીરપ્રભુ એક વખત ઉદ્યાનમાં પોતાના આત્મધ્યાનમાં લીન હતા, ત્યારે ઈર્ષ્યાને કારણે સંગમ નામના દેવે ભગવાન પર અત્યંત ભયંકર એવા ઉપસર્ગો કર્યા, એ વિશે આગળ વાંચીએ.
subscribe your email for our latest news and events