ચોવીસ તીર્થંકરોમાંથી પ્રથમ તીર્થંકર, શ્રી ઋષભદેવ ભગવાન આદિનાથ ભગવાન તરીકે પણ ઓળખાય છે. પ્રથમ ભવમાં મુનિઓની હૃદયપૂર્વક સેવા કરતાં તેમને સમકિત થયું. ચાલો, ભગવાનના ૧૨ પૂર્વભવો વિશે વાંચીએ.
તેમનો પહેલો ભવ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા પ્રસન્નચંદ્રના રાજ્યમાં ધનસાર્થવાહ શેઠ તરીકે થયો. ધનસાર્થવાહ શેઠ એ ખૂબ જ શ્રીમંત વેપારી હતા. તેઓ સાધુઓને દાન આપતા અને એમની ઘણી સેવા પણ કરતા.
એક વખત ધનસાર્થવાહ શેઠ વેપારના હેતુ માટે વસંતપુર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક જૈન મુનિઓએ તેમને પોતાના વિહાર માટે વિનંતી કરી. ધનસાર્થવાહ શેઠે વેપારી સંઘ સાથે જૈન મુનિઓને વિહાર કરાવ્યો અને રસ્તામાં બધી જ રીતે મુનિઓની ખૂબ જ કાળજીપૂર્વક અને હૃદયપૂર્વક સેવા કરી. મુનિઓ માટે યોગ્ય સ્થાને આશ્રમ જેવું બનાવી આપીને, શેઠ પોતે વેપાર હેતુ માટે બહાર ગયા. ત્યારબાદ શેઠ ધંધામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે તે મુનિઓ વિશે સાવ જ ભૂલી ગયા. અચાનક જ તેમને યાદ આવ્યું કે પોતે જૈન મુનિઓને સાથે લઈ આવ્યા હતા.
યાદ આવતા તુરંત જ ધનસાર્થવાહ શેઠ જૈન મુનિઓ પાસે ગયા અને તેમણે પોતાની ભૂલ ઉપર ખૂબ પસ્તાવો લીધો. તે વખતે જંગલમાં કશું હતું નહીં, એમની પાસે જે ઘી હતું એ હૃદયમાં પારાવાર પશ્ચાત્તાપ સાથે દિલથી અને ભાવથી વહોરાવ્યું. એના આધારે, એ જ વખતે ધનસાર્થવાહ શેઠને સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થઈ, કે જે કેવળજ્ઞાનનું પ્રથમ પગથિયું છે. ત્યાર પછી, શ્રાવક ધર્મ અંગીકાર કરીને તેમણે સંપૂર્ણ જીવન ધર્મમાં પસાર કર્યું. બાકી રહેલું આયુષ્ય, તેમણે લોકસેવામાં અને ખૂબ જ તપ-સાધનામાં વ્યતીત કર્યું.
પછીના ભવમાં તેમણે ત્રીજા આરામાં યુગલિક તરીકે જન્મ લીધો.
ભરતક્ષેત્રમાં વર્તમાન કાળચક્રના પ્રથમ આરાથી ત્રીજા આરાના અર્ધભાગ સુધીનો સમય યુગલિયા કાળ તરીકે ઓળખાય છે. યુગલિક સમયમાં, મનુષ્ય જોડિયા જ જન્મે, એક પુરૂષ અને એક સ્ત્રી. દરેક યુગલ પોતાનું આખું આયુષ્ય એકસાથે પસાર કરે. પછી એ જોડિયા બાળકો એકસાથે મોટા થઈ, યુવાન થાય અને સમય થતાં પરણે. તેઓ સુખી અને સંતુષ્ટ જીવન જીવે અને કુદરતી રીતે સાથે જ મૃત્યુ પામે. એ કાળ દરમિયાન, કોઈને તણાવ ન હોય, કોઈ દુઃખ ન હોય અને ખાવા માટે પણ ચિંતા ન હોય.
પ્રભુ ઋષભદેવનો યુગલિક કાળમાં જન્મ થયો હતો. ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાનનો ત્રીજો ભવ સૌધર્મ દેવલોકમાં થયો.
સૌધર્મ દેવલોકમાં અત્યંત સુખ અને વૈભવ ભોગવીને ભગવાન ઋષભદેવનો ચોથો ભવ મનુષ્ય તરીકે થયો. તેઓ રાજા શતબળ અને રાણી સ્વયંપ્રભાને ત્યાં મહાબળ નામના પુત્ર તરીકે જન્મ્યા. ઘણી બધી વિદ્યાઓમાં નિપુણ હોવાને કારણે તેઓ વિદ્યાધર તરીકે પણ ઓળખાતા હતા. સમય જતા માતા-પિતાને વૈરાગ્ય આવતાં તેમણે પોતાના પુત્ર મહાબળને રાજગાદી સોંપીને દીક્ષા ગ્રહણ કરી.
તેમના રાજ દરબારમાં મોટાભાગના મંત્રીઓ કુસંગી અને ભોગવિલાસી જીવન જીવતા હતા. પરંતુ, તેમાંના એક મંત્રી સ્વયંબુદ્ધને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયેલું હતું. તેમનું જીવન અત્યંત સાત્વિક, ધર્મપરાયણ અને મોક્ષના હેતુ સહિતનું હતું. રાજ્યના ભોગવિલાસમાં ડૂબેલા રહેતા અન્ય મંત્રીઓનો રાજા મહાબળ પર સારો એવો પ્રભાવ હોવાને કારણે રાજા પોતે પણ કુસંગમાં લીન થઈ ગયા. રાજા મહાબળની બેદરકારીને લઈને આખા રાજ્યમાં અંધાધૂંધી થઈ ગઈ. આ બધું જોઈને સ્વયંબુદ્ધ મંત્રીનું હૃદય કકળી ઊઠ્યું.
એક વખત સ્વયંબુદ્ધ મંત્રીએ ખૂબ જ હિંમત કરી રાજ દરબારમાં રાજાને કહ્યું કે, “તમે જે કંઈ કરી રહ્યા છો તે યોગ્ય નથી. આપણે જીવન આ રીતે વ્યર્થ ન કરવું જોઈએ. આ બધું નાશવંત છે.” રાજા મહાબળે કહ્યું કે, “હજુ તો હું યુવાન છું અને મારે જીવનના સર્વ ભોગવિલાસનો આનંદ માણવો જ જોઈએ.”
હવે આગલા દિવસે જ એક જૈન મુનિ, કે જેઓ અવધિજ્ઞાન સહિત હતા, તેમણે સ્વયંબુદ્ધ મંત્રીને કહ્યું કે તેઓ મહાબળ વિશે ચિંતા ન કરે કારણ કે ભવિષ્યમાં જ મહાબળ રાજાનું હૃદય પરિવર્તન થશે અને તેઓ ખૂબ ઉચ્ચકોટિના જીવ થશે. પરંતુ અત્યારે તેમની પાસે પોતાના આયુષ્યમાંથી માત્ર એક જ મહિનાનો સમય બાકી હતો. પછી આ વાતની જાણ સ્વયંબુદ્ધ મંત્રીએ મહાબળ રાજાને કરી. સ્વયંબુદ્ધ મંત્રીની સલાહને લીધે મહાબળ રાજાનું સંપૂર્ણ હૃદય પરિવર્તન થયું. અંત સમય નજીક આવતા ખૂબ જ ભક્તિ-આરાધના કરીને પોતાના બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યું. આમ, અંત સમય ભક્તિ-આરાધનામાં પસાર થતાં, મૃત્યુ પામીને તેમનો જન્મ પાંચમા દેવલોકમાં થયો.
ઋષભદેવ ભગવાનનો પાંચમો ભવ દેવગતિમાં લલિતાંગ દેવ તરીકે થયો. ત્યાં ભગવાને દેવગતિના અપાર સુખો ભોગવ્યા. તેમણે સ્વયંપ્રભા દેવી સાથે અત્યંત રાગમાં આયુષ્યકાળ પસાર કર્યો. છેવટે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે એમનું દેવલોકનું આયુષ્ય હવે પૂરું થશે.
ભગવાનનો છઠ્ઠો ભવ દેવગતિમાંથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા સુવર્ણજંગ અને રાણી લક્ષ્મીદેવીના રાજકુંવર વજ્રજંગ તરીકે થયો. આ જ સમય દરમ્યાન, શ્રીમતી, કે જે પૂર્વભવમાં સ્વયંપ્રભા દેવી હતી, તેણે ચક્રવર્તી રાજા વજ્રસેન અને રાણી ગુણવંતીને ત્યાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જ જન્મ લીધો.
શ્રીમતી ચક્રવર્તી રાજાની પુત્રી હોવાને કારણે ખૂબ જ લાડકોડથી ઊછરી હતી. એક વખત શ્રીમતી એક ઉદ્યાનમાં જ્યાં મુનિઓને કેવળજ્ઞાન થયું હતું ત્યાં એમના દર્શન માટે તેની સખીઓ સાથે ગઈ. આ કેવળજ્ઞાની મુનિઓને જોતાવેંત જ તેને મૂર્છા થઈ અને જાતિસ્મરણ જ્ઞાન થયું. શ્રીમતીને જાતિસ્મરણ જ્ઞાનથી દેખાયું કે પૂર્વભવે દેવલોકમાં લલિતાંગ દેવ સાથે સ્વયંપ્રભા દેવી તરીકે પોતે ખૂબ જ રાગમાં લાંબો કાળ પસાર કર્યો હતો. આ બધું જાણતાં જ શ્રીમતીને લલિતાંગ દેવ પ્રત્યે ખૂબ જ વિરહ ઉત્પન્ન થયો. આ ભવમાં પણ એ જ પતિ તરીકે મળે એવું એમણે દ્રઢપણે નક્કી કર્યું.
પછી શ્રીમતીએ શ્રેષ્ઠ ચિત્રકારોને બોલાવીને દેવ-દેવીના ભવમાં જેટલા દેવ સાથેના વિશેષ પ્રસંગો હતા એ બધાથી ચિત્રકારોને માહિતગાર કર્યા. પછી લલિતાંગ દેવ સાથે પોતાના ગતભવના પ્રસંગોને આબેહૂબ ચિત્રરૂપે તૈયાર કરવાનું કહ્યું અને તેનું એક મોટું પ્રદર્શન ગોઠવ્યું. જે પણ વ્યક્તિ એ પ્રદર્શનને જુએ એ અત્યંત અહોભાવ વ્યક્ત કરી રહી હતી. વજ્રજંગ એટલે કે લલિતાંગ દેવ, જે શ્રીમતીના ગતભવના પતિ હતા, તે પણ પ્રદર્શન જોવા આવ્યા.
પ્રદર્શન જોઈને વજ્રજંગને પણ મૂર્છા આવી અને પોતાના પાછલા ભવો દેખાયા. પ્રદર્શનના ચિત્રોને જોતાં જ સ્વયંપ્રભા દેવી સાથેનો ગતભવ યાદ આવ્યો અને તેમની સાથે ભેટો થાય એવી ઈચ્છા ઊભી થઈ. આ બાજુ, શ્રીમતીએ એવી તૈયારી રાખી હતી કે આ પ્રદર્શનને જોતાં કોઈને કંઈ પણ થાય તો તેને તરત જ જાણ કરવામાં આવે. આમ, મૂર્છાની પૂછા કરતાં જ વજ્રજંગ રાજાએ સાચું કારણ કહ્યું અને એમને ચક્રવર્તી રાજા વજ્રસેન પાસે લઈ જવામાં આવ્યા. ત્યાં શ્રીમતી અને વજ્રજંગ રાજાની બધી જ વાતો સરખી આવી. ચક્રવર્તી રાજા વજ્રસેને પોતાની પુત્રી શ્રીમતી અને વજ્રજંગ રાજાના લગ્ન કરાવ્યા. પછી, રાજા વજ્રસેન પોતાનો રાજપાટ જમાઈ વજ્રજંગને સોંપીને દીક્ષા ગ્રહણ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જંગલ વાટે ગયા. વજ્રજંગ અને શ્રીમતી એક બીજા સાથે ખૂબ જ સુખપૂર્વક રહેતા હતા અને રાજ્યને ખૂબ સારી રીતે ચલાવતા હતા.
વજ્રજંગ રાજાને ત્યાં મુનિઓ આવ્યા અને રાજાને તેમનો ઉપદેશ સાંભળીને દીક્ષા લેવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાનું પાછલું જીવન ધર્મમાં વ્યતીત કરવા ઇચ્છ્યું. એક રાત્રિએ, વજ્રજંગ રાજાએ નક્કી કર્યું કે બીજે દિવસે દીક્ષા ગ્રહણ કરીને પોતાનું રાજ્ય પુત્રને સોંપી દેવું. તે દરમ્યાન જ તેમના પુત્રને એવો વિચાર આવ્યો કે પિતા તેને રાજગાદી સોંપતા નથી અને પોતાને રાજપાટ મળતું નથી. આ વાતનો બદલો લેવા તેણે તે જ રાત્રિએ પોતાના માતા-પિતા જ્યારે ગાઢ નિદ્રામાં હતા ત્યારે તેમને વિષમય વાયુ છોડી મારી નાખ્યા. આમ, વજ્રજંગ રાજા અને શ્રીમતી રાણીનું એકસાથે મૃત્યુ થયું.
ત્યારબાદ, સાતમા ભવમાં, શ્રીમતી રાણી અને વજ્રજંગ રાજા બન્ને યુગલિક તરીકે જનમ્યા, સાથે જીવ્યા અને મૃત્યુ પણ સાથે પામ્યા.
ત્યાર પછી, તેમનો આઠમો ભવ દેવગતિમાં દેવ તરીકે થયો. ત્યાં દેવગતિમાં તેમણે અપાર સુખ વૈભવ ભોગવ્યા.
દેવગતિમાં આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન ઋષભદેવનો નવમો ભવ મનુષ્ય તરીકે વૈદ્ય કુટુંબમાં થયો. તેમનું નામ જીવાનંદ હતું. તેઓ બધી વૈદ્યકીય વિદ્યાઓ પોતાના પિતા પાસેથી શીખ્યા. એક વખત જીવાનંદને એક મુનિ કે જેમનું શરીર આકરી તપશ્ચર્યાને કારણે ખૂબ કૃષકાય અને અનેક રોગોથી પીડાતું, કોઢયુક્ત થઈ ગયું હતું એમને જોઈને વૈદ્યકીય સેવા કરવાના ભાવ થયા. પછી મુનિ પાસે વિનંતી કરીને જીવાનંદે એમની ખૂબ સેવા કરી અને એમને બધી જ ઔષધિઓ પૂરી પાડી. આમ, જીવાનંદે તે મુનિને બધા જ રોગોથી મુક્ત કર્યા.
અત્યંત ભાવપૂર્વક સાધુઓની સેવા કરવાથી જીવાનંદનો આવતો ભવ દેવગતિમાં થયો. આ ભગવાનનો દસમો ભવ હતો.
ભગવાન ઋષભદેવનો અગિયારમો ભવ મહાવિદેહ ક્ષેત્રમાં, પુષ્પકલાવતી વિજયની (ક્ષેત્રની) પુંડરિકગિરી નગરીમાં, વજ્રનાભ નામના એક ચક્રવર્તી રાજા તરીકે થયો. પૂર્વભવમાં જે સ્વયંપ્રભા રાણીનો જીવ હતો તેણે વજ્રનાભ ચક્રવર્તીના ભાઈ કેશવ તરીકે જન્મ લીધો. કેટલાય ભવોથી આ જીવો સાથે ને સાથે જનમ્યા. બધા ભાઈઓને એકબીજા પ્રત્યે અત્યંત રાગ હતો. રાજા વજ્રનાભ તરીકે તેઓ ગરીબ અને અનાથ લોકોને મદદ કરતા.
તેમના પિતાએ પછી રાજ્યનો ત્યાગ કર્યો અને રાજગાદી વજ્રનાભને સોંપી. થોડા જ સમયમાં તેઓ છ ખંડના અધિપતિ થયા. આ રીતે તેઓ ચક્રવર્તી થયા. પછી તેમણે જુદા જુદા દેશો પોતાના મિત્રોને સોંપ્યા અને કેશવને પોતાના સારથી તરીકે રાખ્યા. ઘણાં વર્ષો સુધી ચક્રવર્તી તરીકે રાજ કર્યા બાદ વજ્રનાભે પણ ધર્મધ્યાન કરીને દીક્ષા ગ્રહણ કરી. તેમના મિત્રો અને તેમના સારથીએ પણ દીક્ષા ગ્રહણ કરી.
તેમણે ખૂબ સાધના, શાસ્ત્રોનો અભ્યાસ, તપ અને સંયમ કરીને ધર્મધ્યાનને પ્રાપ્ત કર્યું. વજ્રનાભને પણ જબરજસ્ત સંયમ, આરાધના, ત્યાગ અને તપ કરતાં કરતાં ખૂબ લબ્ધિઓ પ્રાપ્ત થઈ અને તેમણે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું. કેમ કરીને લોકો મોક્ષમાર્ગને પામે, કેમ કરીને લોકોને દુઃખોથી મુક્તિ થાય એવી ભાવના દિન-રાત નિરંતર થવાથી તીર્થંકર નામ ગોત્ર કર્મ બંધાય છે. આ ભાવના આધારે વીસ સ્થાનકોમાંથી કોઈપણ એક સ્થાનકની પ્રાપ્તિ થાય, તો એ વ્યક્તિને તીર્થંકર ગોત્ર બંધાય છે. વીસ સ્થાનકો જેવા કે, અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, ઉપાધ્યાય, આચાર્ય ભગવંત વગેરે જેવા પાંચ પરમેષ્ટિ ભગવંતોની આરાધના કરવાથી, જ્ઞાન-દર્શન-ચારિત્રને અંગીકાર કરવાથી, અને ખૂબ જ તપ, સંયમ પાળવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે.
આ પવિત્ર ભાવોને કારણે ભગવાનનો બારમો ભવ દેવગતિમાં સર્વાર્થસિદ્ધિ અનુત્તર વિમાનમાં દેવ તરીકે થયો. આ પૃથ્વી ઉપરના પહેલા તીર્થંકર થતાં પૂર્વેનો તેમનો બારમો ભવ હતો. આગળ વાંચો - ઋષભદેવ ભગવાનનું જીવનચરિત્ર.
subscribe your email for our latest news and events