Related Questions

લોકો શાં માટે જુઠ્ઠું બોલે છે?

પ્રશ્નકર્તા : માણસ જૂઠું શું કામ બોલે ?

દાદાશ્રી : મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે, દસ-બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે પચાસ વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે પચાસ વર્ષ સુધી મેં શું શું કર્યું બાર વર્ષથી તે બધું મને ખુલ્લું લખી આપે છે, નહીં તો આ દુનિયામાં બન્યું નથી, એવું. કોઈ સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું.

પ્રશ્નકર્તા : મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ?

દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે 'કોઈ મને શું કહેશે ?' એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.

પ્રશ્નકર્તા : આ સમાજમાં ઘણાં લોકો જૂઠું બોલે છે અને ચોરી-લબાડી બધું કરે છે, ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી ? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું ?

દાદાશ્રી : એવું છેને, પહેલા જૂઠું બોલ્યા હતા તેનું તો ફળ આવ્યું છે, અહીં ચાખો છો નિરાંતે(!) પેલો થોડું સાચું બોલ્યો હતો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. ન્યાય છે, બિલકુલ ન્યાય છે.

એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રખડ રખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જે આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ પુરુષાર્થ.

પ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ?!

દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એનાં પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય.

પ્રશ્નકર્તા : તો એને કંઈ નુકસાન નહીં ?

દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે !

×
Share on