Related Questions

મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?

ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે, આ જગતમાં કોઈ દોષિત જ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ સાબિત થાય.

બાકી, આ દુનિયામાં કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. પણ જે હિસાબ થઈ ગયો છે, એ છોડવાનો નથી. જે ગોટાળિયો હિસાબ થઈ ગયો છે, તે ગોટાળિયું ફળ આપ્યા વગર રહેવાનું નથી. પણ હવે નવેસરથી ગોટાળો કરશો નહીં, હવે અટકી જાવ. જ્યારથી આ જાણ્યું ત્યારથી અટકી જાવ. જૂના ગોટાળા થઈ ગયા, એ તો આપણે ચૂકવવા પડશે, પણ નવા ના થાય એ જોજો. સંપૂર્ણ જવાબદારી આપણી જ છે, ભગવાનની જવાબદારી છે નહીં. ભગવાન આમાં હાથ ઘાલતા નથી. એટલે ભગવાન પણ આને માફ કરી શકે નહીં. કેટલાંય ભક્તો એવું માને છે કે, 'હું પાપ કરું છું ને ભગવાન માફ કરશે.' ભગવાનને ત્યાં માફી ના હોય. દયાળુ લોકોને ત્યાં માફી હોય. દયાળુ માણસને કહીએ કે, 'સાહેબ, મેં તો તમારી બહુ ભૂલ કરી.' કે એ તરત જ માફ કરે.

આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે, પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે, એય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે, એય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે.

×
Share on