Related Questions

પૈસાનો લોભ એટલે શું? તે કઈ રીતે ઓળખાય?

લોભની વ્યાખ્યા શું? પોતાની પાસે ઘણા પૈસા હોય, છતાં રાત-દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય; “ક્યાંથી પૈસા ભેગા કરું?”, “કઈ રીતે વધારે ધન કમાઈ લઉં?”, “કઈ રીતે એને સાચવું?”, “ક્યાં જમા કરાવું જેથી વધુ વળતર મળે?” એ બધામાં જ નિરંતર ધ્યાન રહે તે લોભ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય!” 

લોભી વ્યક્તિ સવારમાં ઊઠે ત્યારથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભના વિચારોમાં જ હોય. ક્યાં કેટલા રૂપિયા પડ્યા છે, બેંકમાં કેટલા છે, બીજે-ત્રીજે કેટલા છે એ સતત પોતાના લક્ષમાં જ હોય. લોભી વ્યક્તિ દરેક વસ્તુ સસ્તી શોધી કાઢે. શાક માર્કેટમાં જાય તો પાંચ મિનિટ વધારે ફરીનેય સસ્તું શાક શોધે. પછી શાક સારું ના હોય તો બગડેલો ભાગ કાપીને વાપરે. પાન ખાવું હોય કે ચા પીવી હોય તો સસ્તામાં સસ્તું ક્યાં મળે એ શોધી કાઢે. નહાવા-ધોવામાં સાબુ અને પાણી પણ ઓછું વાપરે. કોઈ મહેમાન એમના ઘરે નહાવા ગયા હોય તો પાછળથી જુએ કે કેટલો સાબુ વપરાઈ ગયો! ભગવાનનો દીવો પ્રગટાવવામાં દીવાસળી પણ કળાથી સળગાવે જેથી બીજી દીવાસળી ના બગડે. વાળ લાંબા થયા હોય તો એને કપાવવામાં પણ લોભ કરે કે હજુ બાવીસ દિવસ થયા છે, મહિનો પૂરો થાય પછી કપાવું. લોભી વ્યક્તિના હાથમાં હજાર રૂપિયા હોય તોય વાપરે નહીં. શરીરમાં ચાલીને જવાય એટલી તાકાત ન હોય તોય પચાસ-સો રૂપિયાની રિક્ષા ન કરે. એમાંય જો કદી પૈસા આપવાના આવે તો તે દિવસે જમવાનું ન ભાવે.  પોતાના લગ્ન વખતે પણ ચિત્ત એમાં જ હોય કે કેટલો ખર્ચ થઈ ગયો!  કંજૂસ વ્યક્તિને જોઈને જ આસપાસના લોકોને પણ ગમે નહીં, ઊલટું ચીડ ચડે.

જેટલો લોભ વધે તેટલી બળતરા વધે. એટલું જ નહીં, લોભની ગાંઠ એટલી પજવે કે કોઈ વ્યક્તિ યોગ્ય જગ્યાએ સ્વેચ્છાએ દાન આપે તો તેમને પણ રોકે કે, “આ લોકો માંગતા નથી તો શું કામ આપો છો?” જેથી પોતાને આપવાનો વારો ન આવે. આમ લોભી વ્યક્તિ ચોગરદમ લોભનું રક્ષણ કરે.  લોભી વ્યક્તિ પાસે લાખો રૂપિયા હોય તોય દાનમાં સો રૂપિયા આપવામાં તો જાણે તાવ ચડી જાય.  ખિસ્સામાં પૈસા હોય છતાં પરિસ્થિતિ અનૂકુળ ના હોય અને મંદિરમાં દાન આપતા સંકોચ થાય તો એ લોભ નથી. પરિસ્થિતિ સારી હશે તો અપાશે જ. પણ લાખો રૂપિયા કમાતા હોય ને મનમાં પૈસા દાનમાં આપવાનો ભાવ થાય પણ સો રૂપિયા પણ અપાય નહીં એ લોભની ગાંઠ.

લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં ને લોભમાં જ રહે. છેવટે સ્મશાનમાં જાય ત્યારે અંત આવે.  કેટલાક લોકો એવા પણ હોય છે કે એમનું ચિત્ત પૈસામાં ને પૈસામાં જ હોય, બીજે પહેરવા-ઓઢવામાં વાપરે નહીં. પણ દસ લાખ કમાયા હોય તો દોઢ લાખ ધર્મના કામોમાં દાન આપી દે, તેથી પુણ્ય કમાય અને એમને વધુ લક્ષ્મી આવ્યા કરે.

ભારતમાં મનુષ્યો ડેવલપ થયેલા છે એટલે લોભ વધુ હોય. ફોરેનના લોકો બહુ પૈસા સંઘરી ન શકે, આવે એટલે વાપરી નાખે. હિન્દુસ્તાનમાં તો લોભ સાત-સાત પેઢી સુધીનો હોય એટલે, પોતાની સાત પેઢી સુખી રહે એના માટે મિલકત અને જમીનો સાચવી રાખે. એક પ્રચલિત વાર્તામાં આપણે સાંભળ્યું છે કે એક આંધળા વાણિયાએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે, “મારી સાતમી પેઢીના છોકરાની વહુ મહેલના સાતમા માળે સોનાની ગોળીમાં છાશ વલોવે તે હું અહીં રહીને દેખું!” એવો લોભ હોય.

કીડીઓને બહુ લોભ હોય. સવારના ચાર વાગ્યે જોઈએ તો પણ ખાંડનો દાણો લઈને દોડતી હોય. પછી ખાંડ પોતે ખાય નહીં, સ્ટોરમાં મૂકી આવે. ચોખા, બાજરી, ખાંડ, જીવડાની પાંખ એમ પંદર વર્ષનો સ્ટોક ભરી રાખ્યો હોય. ભેગું કરવામાં જ એને તન્મયતા હોય. રસ્તામાં કોઈ આવે તો ડંખ પણ મારી દે. પછી બે મોટા ઉંદરડા પેસીને બધું એક મિનિટમાં સાફ કરી જાય. જેમ લોભી માણસ રાત-દિવસ ભેગું કર કર કરે ને એક મોટી ખોટ આવે ને બધું સાફ થઈ જાય તેમ.

સામાન્ય રીતે લોભી વ્યક્તિ ક્રોધી ન હોય, પણ એ ક્રોધ કરે તો જાણવું કે લોભમાં કંઈક અડચણ પડી છે. કોઈને છેતરીને પૈસા પડાવી લે અને સામો એને ગાળો ભાંડતો હોય તો લોભી વ્યક્તિના મનમાં એમ હોય કે, “આપણને તો પૈસા મળી ગયા ને, છો ને એ બૂમાબૂમ કરતો!” એમ કપટ લોભનું રક્ષણ કરે. નફો થતો હોય ત્યાં એને માનતાનની પડેલી ના હોય. એટલે લોકો લોભી વ્યક્તિને નફ્ફટ કહે.

લોભિયો કોઈ રંગમાં રંગાય નહીં! ધર્મ કે સત્સંગમાં જવાનું હોય તોય અંદર ગણતરીઓ જ ચાલતી હોય કે કોની ગાડીમાં જવાનું મળે તો પાંચ રૂપિયા રિક્ષાના બચે! સત્સંગમાં હોય કે પરિવારજનો સાથે, પણ પૈસો ભૂલાય નહીં, કોઈ રંગે રંગાય નહીં, તેનું નામ લોભી!

આખા જગતે પૈસામાં જ સુખ છે એમ માન્યું છે. પણ વાસ્તવિકતામાં પૈસાથી જ સુખ હોય તો બધા ધનવાન લોકો સુખી હોવા જોઈએ, પણ એમ બનતું નથી. એટલે પૈસામાં સુખ છે એ ફક્ત લૌકિક માન્યતા જ છે કે, ભેગું કરેલું કામ લાગશે, કોઈ પાસે ઉછીના લેવા જવું નહીં પડે. અથવા બીજા ધનાઢ્ય લોકોને જોઈને માન્યતા થઈ પડી છે કે પૈસા સંઘરી રાખીશ તો મને કોઈ દિવસ દુઃખ નહીં પડે. એટલે લોકો બચાવી બચાવીને પૈસા ભેગા કરે છે જેનાથી લોભની ગાંઠ મોટી થતી જાય છે. મૂળ પોતાને સંતોષ નથી તેથી લોકસંજ્ઞા અસર કરે છે, જેને સંતોષ હોય તેને લૌકિક માન્યતા અડે નહીં.

કરકસર અને લોભમાં તફાવત

કરકસર એટલે લાખ રૂપિયા કમાય તો એંશી હજારમાં પૂરું કરે અને પચાસ હજાર કમાય તો ચાળીસ હજારમાં પૂરું કરે પણ દેવું કરીને પૈસા ન ખર્ચ કરે. જ્યારે પૈસાના લોભી તો લાખ કમાય કે બે લાખ, તો પણ ચાળીસ હજાર જ વાપરે. જે લોકોએ ગરીબીના દિવસો જોયા હોય તેમને કંજૂસાઈ કરવાની આદત પડી ગઈ હોય, પછી પૈસા આવે તોય કંજૂસાઈ કરે.

બહુ પૈસા ખર્ચ ના થાય એ રીતે સારું શાક લેવું એ કરકસર છે, પણ સસ્તું લેવા જતાં સડેલું શાક લઈ આવવું એ લોભ છે. દૂધ મંગાવીને ચા બનાવી, પછી બાકીનું દૂધ ફેંકી ન દઈએ અને ફ્રીજમાં રાખીએ કે કોઈને પીવડાવી દઈએ એ કરકસર કહેવાય. કોઈપણ વસ્તુ કરકસર કરીને બચાવીએ, જેથી જરૂર પડ્યે પોતાના માટે કે બીજા માટે વાપરી શકાય તો એ લોભ નથી. પૈસાનો સંગ્રહ કરવો, સેવિંગ્સ કરવું એમાં વાંધો નથી. એ આપણને મદદ કરશે. પણ આખો દિવસ કેટલું સેવિંગ્સ છે એને યાદ કરી કરીને ચીકણું ન કરવું.

પૈસામાં કરકસર (ઈકોનોમી) કરવાની છે, પણ લોભ નથી કરવાનો. કરકસર એ તો સારો ગુણ છે, મોટો આધાર છે. ઘરમાં બધી બાબતમાં કરકસર આવકાર્ય છે, માત્ર અપવાદરૂપ રાખવું રસોડું! કારણ કે, એનાથી મન બગડે. શરીર બાળીને કરકસર ના કરવી.

×
Share on