ચા-કૉફી જેવા કેફીનયુક્ત પીણાંથી લઈને સોપારી, તમાકુ અને તમાકુના અન્ય સ્વરૂપ જેમ કે, પાન, ગુટકા, બીડી, સિગરેટ તેમજ દારૂ (આલ્કોહોલ) અને તે ઉપરાંત ભાંગ, ચરસ, ગાંજો, હેરોઇન, બ્રાઉન સુગર, કોકેઈન જેવા ડ્રગ્સ એ વ્યસનકારક પદાર્થો છે, જેમનું વધુ પડતું સેવન વ્યસનમાં પરિણમે છે.
વ્યસન શબ્દ વિ-અસન શબ્દોથી બનેલો છે, જેનો અર્થ થાય છે વિશેષ અસન. અસન એટલે ખાવું અને વ્યસન એટલે વિશેષ ખોરાક કે અતિરેક, જેના વગર શરીર ચાલે એમ છે. શરીરને આવશ્યક એનું નામ ‘અસન’ કહેવાય અને અન્આવશ્યક એનું નામ ‘વ્યસન’ કહેવાય.
શરીરને ખોરાકની એટલે કે, અસનની જરૂર છે. કારણ કે ખોરાક વગર શરીરને પોષણ ન મળે અને તે ટકી ન શકે. પણ શરીરને ટકાવી રાખવા માટે વ્યસનની જરૂર નથી.
અસન એટલે કે ખોરાકમાં વિકલ્પ ચાલે જેમ કે, દૂધને બદલે ઉકાળો લઈએ તો ચાલે, દાળ-ભાતને બદલે ખીચડી-કઢી ચાલે, રોટલીને બદલે ભાખરી ચાલે. પણ વ્યસનમાં કોઈ વિકલ્પ ન ચાલે. ધારો કે, તમાકુના વ્યસનવાળાને કહીએ કે “ધાણાની દાળ” ખાઓ તો એ કહેશે કે, “ના, મારી નસો ખેંચાય છે.” એનો અર્થ કે વ્યસન પેઠું.
વ્યસન તો ખરેખર ઈન્ટૉક્સિકેશન એટલે કે નશો છે. તેની એક વખત લત પડે પછી તે આપણને પરવશ જ બનાવી દે, તેના વગર આપણને છૂટકો જ ના થાય. પોતાને વશ કરી લે એનું નામ વ્યસન.
વ્યસન મનને ખેંચી રાખે, ચિત્ત બગાડે, શરીરમાં તાણ ઊભી કરે, ના મળે ત્યારે યાદ આવ આવ કરે, એક વખત લીધા પછી એ વધારે ને વધારે જોઈએ.
બીડી, તમાકુ, દારૂ, ડ્રગ્સ જેવી વસ્તુઓથી જ્ઞાનતંતુઓને અસર થાય છે. સોપારી પણ જ્ઞાનતંતુને અસર કરે છે. ચા-કૉફી જેવા પીણા પણ જ્ઞાનતંતુને અસર કરે છે. દૂધ પીવાથી કે પછી દહીં, છાશ, આઈસ્ક્રીમ ખાવાથી જ્ઞાનતંતુને અસર નથી થતી. પણ ચા ન પીએ તો માથું દુઃખવા માંડે, માણસ તેના વગર બૂમાબૂમ કરી મૂકે.
ચા-કૉફી કરતાં તમાકુ વધારે અસર કરે છે, પછી તે બીડીમાં ભરીને પીવાય કે છીંકણીમાં સૂંઘવામાં લેવાય. એક વખત તમાકુ, બીડી, સિગરેટ, દારૂ કે ડ્રગ્સ લેવાની ટેવ પડી જાય, પછી તેના વગર ના ચાલે.
જેને આપણે ‘ટેવ પડી’ એમ કહીએ એ વ્યસન નથી. વ્યસન એ ખરેખર રોગ છે. લોકો એમ કહેતા હોય છે કે “દારૂ કે સિગરેટની ટેવ છોડી દો”, “વ્યસન છોડી દો”, “શું કામ વગર કામનું વ્યસન કરો છો?” પણ ત્યાં સમજવાની જરૂર છે કે, વ્યસન એ રોગ છે. જો ટેવ હોય તો જ્યારે બંધ કરવી હોય ત્યારે બંધ થાય. પણ રોગનો તો ઇલાજ કરવો પડે.
જે છોડી છૂટે તે ‘ટેવ’ કહેવાય અને છોડી છૂટે નહીં એ ‘રોગ’ કહેવાય . ધારો કે, આપણને સિનેમા જોવાની આદત પડી હોય, પણ ઘરમાં મહેમાન આવે તો આપણે તે આદત બંધ રાખી શકીએ, માટે તે વ્યસન નથી.
આધ્યાત્મની દૃષ્ટિએ બીડી-સિગરેટ, તમાકુ, દારૂ, ડ્રગ્સ વગેરેનું સેવન કરવાથી અંદર જે રોગ ઉત્પન્ન થાય છે, એ રોગ જ વધુ વ્યસન કરાવે છે. એ રોગ અમુક હદ સુધી થયેલો હોય ત્યાં સુધી છૂટી શકે. પછી એ રોગ વધી ગયો, પછી એ રોગ જ એને પકડી લે.
જેમ કે, સિગરેટ પીવી એ જ્ઞાનતંતુની નબળાઈનો રોગ છે. હવે જ્ઞાનતંતુની દવા આપવામાં આવે તો જ સિગરેટ બંધ થાય. જો એ રોગ નાશ કરવામાં આવે તો વ્યસન બંધ થઈ જાય. માટે આ વ્યસનને છોડ્યું છોડાય તેમ નથી. પણ એ રોગ છે, એને જો દવા આપવામાં આવે તો એ મટી જાય.
Q. વ્યસનના કારણો કયા કયા છે? વ્યસન કઈ રીતે શરૂ થાય છે?
A. મોટેભાગે યુવાનોમાં દેખાદેખીથી વ્યસનની લત લાગતી હોય છે. આજકાલના યુવાનોને સાચી દિશા બતાવનારું કોઈ... Read More
Q. વ્યસનના પરિણામો શું આવે છે? વ્યસનથી થતા નુકસાન કયા કયા છે?
A. વ્યસન એક ગંભીર રોગ છે, જેનાથી ફક્ત શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક નુકસાન જ નહીં, પરંતુ ધર્મ અને... Read More
Q. વ્યસન મુક્તિ માટે શું કરવું? વ્યસનથી કઈ રીતે છૂટવું?
A. વ્યસનથી છૂટવાના ઉપાયોમાં બે પ્રકારની સમજણ મળે છે. એક તો વ્યવહારમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જેથી... Read More
Q. કુટુંબમાં વ્યસની સાથે વ્યવહાર કેવી રીતે કરવો?
A. ઘરમાં કોઈ વ્યક્તિને વ્યસનની આદત હોય તો તેને સુધારવા માટે પહેલા પોતે સુધરવું પડે. જો આપણે આપણી સમજણ... Read More
subscribe your email for our latest news and events
