ઘરમાં કોઈ વ્યક્તિને વ્યસનની આદત હોય તો તેને સુધારવા માટે પહેલા પોતે સુધરવું પડે. જો આપણે આપણી સમજણ અને વર્તન સુધારીશું, તો પતિ, પત્ની, છોકરાંઓ કે બીજા કોઈની પણ વ્યસનની આદત ઓછી થતી થતી બંધ થઈ જશે.
પહેલા તો, ઘરમાં જ બધાને એવો પ્રેમ આપીએ કે તેમનું વ્યસન બંધ થઈ જાય. આ તો ઘરમાં પ્રેમ નથી દેખાતો એટલે લોકો બહાર જઈને વ્યસન કરી આવે છે. ઘરમાં કંકાસનું વાતાવરણ હોવાથી તેમને ઘરમાં રહેવું ગમતું જ નથી. ઘરમાં પ્રેમ વધારીએ તો તેઓ બહાર પ્રેમ શોધવા જે દોડધામ કરતા હોય એ બંધ કરી દે. પછી પ્રેમને ખાતર બધી વસ્તુ છોડી દેવા તૈયાર થાય.
ખાસ કરીને બાળકોને ઘરમાં પૂરતો પ્રેમ ન મળવાથી તેઓ બહાર કુસંગ ને વ્યસનના રસ્તે ચડી જાય છે. માતા-પિતાએ ઘરમાં બાળકોને ખૂબ પ્રેમ આપવો. તેમને દોષિત ન જોવા. બાળકોની ભૂલ બતાડવી પણ પ્રેમથી બતાડવી. પણ જો, માતા-પિતા આખો દિવસ ઘરમાં બાળકોને ટોક ટોક કરે કે, “વાંચવા બેસ, ટીવી ના જોઈશ, રમવા ના જઈશ, આમ ન કરીશ, આ મિત્રો સારા નથી.” તો રોજની કચકચથી બાળકો કંટાળી જાય ને પછી ઘરની બહાર રહે.
બાળકો સિગરેટ કે દારૂના વ્યસન પર ચડ્યા છે એવું આપણી જાણમાં આવે તો તેમને મારવા કે વઢવા નહીં. કારણ કે મારવાથી કે વઢવાથી તેમનું વ્યસન બંધ નહીં થાય. આપણે તેમને એટલું જ કહેવું કે, “આ આપણને શોભે નહીં, આપણે ખાનદાન કુટુંબના કહેવાઈએ.” બહુ ત્યારે વાતચીત કરીને વ્યસનથી થતા શારીરિક અને માનસિક નુકસાનની સમજણ આપીએ. તેમ છતાં તેઓ ન માને તો સમય આવ્યે ફરીથી પ્રેમથી સમજાવીએ, ફરી ન માને તો ફરીથી પ્રેમથી સમજાવીએ. આપણે સમજણ પાડીએ ત્યારે તેમના મનમાં નક્કી થતું જ હોય કે, “આમની વાત સાચી છે. પણ મારાથી આવું થઈ જાય છે, મારે નથી કરવું તોયે.” આ વાત સાચી છે, સાચી છે, એમ થતાં થતાં ક્યારેક શબ્દો ઊગી નીકળશે અને તેમનું વ્યસન કાયમને માટે છૂટી જશે.
જો આપણે બહુ ટોક ટોક કરીએ ને વઢીએ, ત્યારે ઊલટું વ્યસન કરનાર વ્યક્તિના મનમાં એમ થાય કે, “શું વઢ વઢ કરો છો? મારી વ્યસન કરવાની ઈચ્છા નથી, તોય તમે વઢો છો?” પછી એ અવળા ફરે. મનમાં નક્કી કરે કે, “અત્યારે તમ તમારે લઢો ને, હું તો વ્યસન કરીશ.” આમ એમને મનમાં જે ખોટું લાગતું હતું કે વ્યસન ખરાબ છે, તે પણ ફરી જાય અને “જાઓ, તમારે જે કરવું હોય તે કરજો, હું વ્યસન કરીશ જ” એવું દૃઢ નક્કી કરી નાખે.
સંસ્કારી ઘરની વ્યક્તિ કુસંગ અને વ્યસનના આડા રસ્તે ચડી જાય, ત્યારે ઘરમાં તેમને એક અક્ષરેય ન કહેવો. કહે કહે કરવાથી તેઓ સુધરતા નથી, ઊલટું તેના રિએક્શનમાં વધારે બગડે છે. આપણે વ્યસન સામે વાંધો ઉઠાવીશું તો સામો વધારે બગડશે અને આપણે તેમનું અહિત કરી બેસીશું. તેને બદલે એમ કહેવું કે “જે વ્યસન થયું હોય, તેના પસ્તાવા લીધા કરજે”.
વ્યસન કરનારને દોષિત ના જોઈએ. જેમ ટાઇફોઇડ રોગ છે અને એ રોગ થાય તો દર્દીને સારવાર આપીએ છીએ, તેમ વ્યસન પણ એક રોગ છે. કુસંગ અને બીજા સંજોગો ભેગા થવાથી વ્યક્તિ વ્યસનને રવાડે ચડી જાય છે. એમાં એનો શો દોષ? દરેકની અંદર આત્મારૂપી ભગવાન રહેલા છે. તે ભગવાનને સંભારીને વ્યક્તિ માટે પ્રાર્થના કરવી અને જે જે કચકચ કરી હોય, તેના બદલ દિવસ-રાત માફી માગ્યા કરવી.
આજકાલના યુવાનો સમજીને પોતાની મરજીથી ધર્મ અને અધ્યાત્મના રસ્તા પકડી રહ્યા છે. પછી તેઓ પોતાની જાતે જ વ્યસન છોડી દે છે. બહુ ત્યારે ઘરમાં એવું વાતાવરણ આપવું જેથી ઘરની વ્યક્તિઓ સારા રસ્તે ચડે અને તેમને પોતાને જ રિયલાઈઝ થાય ને વ્યસન છોડવાનું મન થાય. જ્યારે વ્યક્તિને પોતાને સમજાશે કે આ વ્યસન તો મારા માટે બંધન છે, આ વળગણ મને વળગ્યું છે, પછી તે પોતે જ એ વળગણથી છૂટા થશે.
Q. વ્યસન એટલે શું? વ્યસન કોને કહેવાય?
A. ચા-કૉફી જેવા કેફીનયુક્ત પીણાંથી લઈને સોપારી, તમાકુ અને તમાકુના અન્ય સ્વરૂપ જેમ કે, પાન, ગુટકા,... Read More
Q. વ્યસનના કારણો કયા કયા છે? વ્યસન કઈ રીતે શરૂ થાય છે?
A. મોટેભાગે યુવાનોમાં દેખાદેખીથી વ્યસનની લત લાગતી હોય છે. આજકાલના યુવાનોને સાચી દિશા બતાવનારું કોઈ... Read More
Q. વ્યસનના પરિણામો શું આવે છે? વ્યસનથી થતા નુકસાન કયા કયા છે?
A. વ્યસન એક ગંભીર રોગ છે, જેનાથી ફક્ત શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક નુકસાન જ નહીં, પરંતુ ધર્મ અને... Read More
Q. વ્યસન મુક્તિ માટે શું કરવું? વ્યસનથી કઈ રીતે છૂટવું?
A. વ્યસનથી છૂટવાના ઉપાયોમાં બે પ્રકારની સમજણ મળે છે. એક તો વ્યવહારમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જેથી... Read More
subscribe your email for our latest news and events
