Related Questions

વ્યસનના કારણો કયા કયા છે? વ્યસન કઈ રીતે શરૂ થાય છે?

મોટેભાગે યુવાનોમાં દેખાદેખીથી વ્યસનની લત લાગતી હોય છે. આજકાલના યુવાનોને સાચી દિશા બતાવનારું કોઈ નથી. મા-બાપ કે શિક્ષકો પણ નહીં. કેટલાક બાળકો જેઓ ધર્મના માર્ગે વળ્યા છે તેમને કદાચ રસ્તો મળી રહે છે.  એ સિવાય ઘણાં પરિબળો એવા હોય છે જેનાથી તેમના જીવનમાં વ્યસન પેસે છે.

દુઃખો ભૂલાવવા

મોટેભાગે મનુષ્યોને જીવનમાં કોઈક ને કોઈક પ્રકારનું દુઃખ પડે છે, પછી તે દુઃખને ભૂલાવવા માટે નશો કરે છે, જેનાથી બેભાનપણું આવતાં તેને થોડો વખત માટે દુઃખ ભૂલાઈ જાય છે.  પછી તે નશાનું વ્યસન થઈ જાય છે.

બાળકો અને યુવાનો વ્યસનના આડે રસ્તે ફંટાઈ જવાનું મુખ્ય કારણ છે, મા-બાપ દ્વારા તેમના ઉછેરમાં પ્રેમ અને હૂંફની ઊણપ. માતા-પિતા આખો દિવસ બાળકોને ટોક ટોક કરતા હોય છે, કચકચ કરતા હોય છે એટલે બાળકોનું મન વિકૃત થઈ જાય છે. મા-બાપનો તાપ રહેવો જોઈએ તેને બદલે બાળકોને તેમના પ્રત્યે અભાવ થઈ જાય છે. ક્યારેક બાળકો સામા પણ થઈ જાય છે અને મા-બાપની એકેય વાત સાંભળતા નથી. 

આ ઉપરાંત, ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, બાળકોની અન્ય બાળકો સાથે મા-બાપ દ્વારા સતત સરખામણી થતી હોય, બાળકોને મા-બાપ તરફથી પૂરતું ધ્યાન અને પ્રેમ નથી મળતા,  ઘરમાં દુઃખ પડે, સુખ નથી મળતું એટલે પછી બહાર સુખ ખોળવા જાય છે. ત્યાં કુસંગ મળે છે અને પછી વ્યસન પેસી જાય છે. 

દેખાદેખી

સ્કૂલ કે કૉલેજમાં મિત્રો ભેગા મળીને બહાર ફરવા, ફિલ્મ જોવા કે પિકનિકમાં જાય ત્યારે તેમાંના કેટલાક મિત્રો સિગરેટ પીતા હોય. એમાં જે મિત્ર ન પીતો હોય તેને એ લોકો કહે કે, “એક દમ તો મારી જો, કેટલી મજા આવશે!” એટલે થાય કે, “લાવ ટ્રાય કરી જોઉં. ” એમાં પોતાનું હિત કે અહિત ના જોઈ શકે. મિત્રો કહે કહે કરે એટલે પોતે પણ નક્કી કરે કે, “હા લઈશ! લે, હું પણ દમ મારું!” પણ પહેલી વાર તો માથામાં તમરી ચડે ને ખાંસી આવે, તોયે તેને ગાંઠે નહીં.  દમ માર્યા પછી લાગે કે, “આમાં તો કંઈ મજા નથી આવતી”. પણ મિત્રો ઉશ્કેરે કે, “એકમાં શું થાય, બીજો દમ માર!” એટલે એમ કરતા કરતા બીજો, ત્રીજો દમ મારે. પછી સાયકોલોજીકલ ઈફેક્ટ થવાથી મજા આવી એવું લાગે. 

આમ, બીજાનું જોઈ જોઈને પોતે વ્યસન કરવાનું શીખી જાય. એક વખત વ્યસનની લત પેઠી, પછી મિત્રો તો સાથે રહે કે ના પણ રહે, પણ પોતે એમાં ફસાઈ જાય. કેટલાક તો દિવસમાં વીસ-વીસ સિગરેટ ફૂંકવા માંડે. 

વ્યસનમાં પહેલા પોતે આપખુદી કરે છે, એટલે કે પોતાના શરીર ઉપર જોરજુલમ કરે છે. પછી તે સહજ થઈ જાય છે. કારણ કે શરીરનો સ્વભાવ એવો છે કે જેવી ટેવ પાડો તે રસ્તે આગળ વધે. 
વ્યસનીના ટોળામાં મોટેભાગે, “હું મજા કરું છું, તો તુંય મજા કર” એવી માન્યતા પ્રવર્તે છે. તેનાથી એકમાંથી બે જણ વ્યસનમાં ફસાય, બેમાંથી ચાર જણ ફસાય. પોતાનું જીવન તો બરબાદ થાય ને બીજાને પણ વ્યસનના રવાડે ચડાવવાથી બધા ગેરમાર્ગે દોરાય અને તેમનાં જીવન બરબાદ થાય. 

કુસંગનું વાતાવરણ

નિયમ એવો છે કે કોઈપણ વ્યસન એ લફરાં જેવું છે. ઘણાબધા પુરાવા ભેગા થાય પછી એ લફરું વળગી જાય. કુસંગી મિત્રોની સંગત ભેગી થાય તો જે વ્યસન ના કરતો હોય તેને પણ વળગી જાય. જ્યારે સારા મિત્રોનો સંગ હોય, જેઓ વ્યસન ના કરતા હોય તો વ્યસન ના વળગે. 

આજકાલના યુવાનો માટે બહાર વાતાવરણ બહુ ખરાબ હોય છે. વિષય-વિકારી ફિલ્મો, ટીવી અને ઈન્ટરનેટના પ્રભાવને કારણે બાળકો અને યુવાનો ચોરીછૂપીથી આડા ધંધામાં ફસાઈ જાય છે. મોટી મોટી કોસ્મોપોલિટન સ્કૂલોમાં અગિયાર-બાર વર્ષના બાળકોમાં જ ડ્રગ્સનું વ્યસન શરૂ થઈ ગયું હોય છે. ટીનેજર્સમાં સ્મોકિંગ અને આલ્કોહોલ ડ્રિંક્સ શરૂ થઈ જાય છે. પશ્ચિમના દેશોમાં તો આ બધું બહુ સામાન્ય થઈ ગયું છે. પછી આવા કુસંગી લોકોના ટોળાને જોઈજોઈને સંસ્કારી ઘરના છોકરાંઓ પણ શીખે છે. વખતે તેઓ દૂર રહે તો પણ પીઅર પ્રેશરથી વ્યસન કરવા પ્રેરાય છે ને પછી ફસાય છે. 

ધનાઢ્ય પરિવારોમાં મા-બાપ બહુ ઊંચા હોદ્દા પર કામ કરતા હોય, તેમની પાસે અઢળક પૈસા હોય એટલે ઘરમાં બાળકોને એટલી બધી છૂટ મળી જાય કે પછી ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કરવું, ડ્રિંક્સ લેવું એ બધું સામાન્ય થઈ જાય. ટીનેજ બાળકોમાં માત્ર મોજમસ્તી માટે શરૂ થયેલા સામાન્ય વ્યસન આગળ વધીને ડ્રગ્સ જેવા ગંભીર વ્યસનો સુધી પહોંચી જાય છે, જેનું તેમને પોતાને પણ ભાન નથી રહેતું. 

અભિપ્રાય

પહેલા પોતાને શ્રદ્ધા બેસે કે “વ્યસનમાં મજા છે.” લોકોના કહેવાથી એમાં સુખ ખોળે. પછી પોતે ચાખી જુએ. પછી અનુભવ થાય કે મજા તો આવે છે, એટલે વ્યસન પોતાને ચોંટે ને પછી ધીમે ધીમે વર્તનમાં આવી જાય. એક વખત વ્યસન શરૂ થયું, એટલે એ ભૂલ પેઠી, પછી ફરી ફરીને યાદ આવે, એનો બંધાણી થઈ જાય, પછી એના વગર રહી ના શકે. 

આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો, “વ્યસન કરવામાં વાંધો નથી”, “આમાં સુખ છે” એવા અભિપ્રાયના આધારે વ્યસન ભેગું થાય છે.  જેમ કે, કેટલાક લોકોએ આખી જિંદગીમાં વ્યસનને હાથ ન લગાડ્યો હોય, તો પણ ક્યારેક વિચાર આવી જાય કે, “આ કરવા જેવું છે.” ધારો કે, એ વ્યક્તિ કોઈ બ્રાન્ડી પીવાની ટેવ ધરાવતી વ્યક્તિ સાથે દારૂની દુકાનમાં એક-બે વખત જાય, પણ પોતે પીએ નહીં. પછી મનમાં એમ થાય કે, “પીવામાં શું વાંધો છે?” એમ અભિપ્રાય બદલાય ને પછી ધીમે ધીમે પોતાનું પીવાનું શરુ થઈ જાય. 

×
Share on