Related Questions

બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?

તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ.

Parent Child

નીચેની પરિસ્થિતિ ધ્યાનમાં લો અને તે દરેક કાર્ય માટેનું શું કારણ હોઈ શકે તે વિચારો.

  • એક બાળક એક વૃદ્ધ માણસને મદદ કરે છે. તે માને છે કે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવી જોઈએ.
  • એક છોકરો તેની બહેન જ્યારે તેનો વિરોધ કરે છે, ત્યારે તેને મારે છે. તે એવું વિચારે છે કે પોતાનું ધાર્યું કરવા માટે આવું જ કરવું જોઈએ.
  • એક નાની છોકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે. તેનાથી તેને શાંતિ અનુભવાય છે. તેને આનાથી થતા ફાયદાઓ અનુભવ્યા છે.
  • એક છોકરો તેના સહાધ્યાયીના બેગમાંથી પૈસા ચોરી લે છે. તે માને છે કે તેને જે કંઈ જોઈતું હોય તે મેળવવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. તેને તેની જરૂરિયાતો માટે માતા-પિતા પાસે વિનંતિ કરવાની કે તેમને સમજાવવાની જરૂર નહીં રહે.

ઉપરની તમામ પરિસ્થિતિમાં, એવું કયું સામાન્ય પરિબળ છે જે બાળકોને આવું કરવા પ્રેરે છે?

‘સમજશક્તિ... કાર્ય વિશેનો અભિપ્રાય’

બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે છોડાવવું, તે માટે આ ચાવીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે કોઈ બાળક ચોરી કરે છે અથવા તેને કોઈ ખરાબ આદત છે, ત્યારે માતા-પિતાએ સૌ પ્રથમ તો તેને ઠપકો આપવો જોઈએ નહીં અને તેમની સમજણમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. દરેક કાર્ય એ પરિણામ છે. અને જ્યારે કારણ બદલાઈ જાય ત્યારે પરિણામ આપોઆપ બદલાઈ જાય છે. તેના બદલે તમે તો પરિણામ ઉપર જ ધ્યાન આપો છો અને કહેતા ફરો છો કે, “મારું બાળક સાવ આવું છે; સાવ નકામો છે, ચોર છે”, પછી બાળક શું કરે? તે મનમાં ગાંઠ વાળે છે કે, ‘તેઓને જે ગમે તે બોલવા દો, હું તો આવું જ કરીશ.’ આ રીતે, માતા-પિતા તેઓના બાળકને વધુ ને વધુ ચોર બનાવી રહ્યા છે. માટે, તેણે જે કંઈ કર્યું છે તે વાતને છોડી દો અને અત્યારે તો એના ભાવને બદલવાનો પ્રયાસ કરો! તેઓના અભિપ્રાયમાં બદલાવ લાવો!

તેઓના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવો અને કહો, “અહીં આવ બેટા! જે રીતે તું કોઈના લઈ લે છે, તે રીતે જો કોઈ તારા ખિસ્સામાંથી પૈસા લઈ લે તો તને સારું લાગે, તે સમયે તને કેટલું દુ:ખ થાય? તે જ રીતે, શું તેને પણ દુ:ખ નહીં થતું હોય?” તમારે આ રીતે બાળકને વિગતવાર સમજાવવું જોઈએ. જ્યારે તમે તેના ઉપર હાથ મૂકો છો, ત્યારે તે બાળકને ખૂબ જ સારું લાગે છે. તેનું હૃદય પણ શાંત થશે. પછી કહેવું કે, “બેટા, આપણે પ્રતિષ્ઠિત કુટુંબના છીએ”, પછી તે તેનો ભાવ ફેરવશે કે, ‘આવું કરવું ખરેખર યોગ્ય નથી.’

વધુમાં, તમે નીચે દર્શાવેલ પદ્ધતિથી બાળકને ખરાબ આદતોમાંથી મુક્ત કરવામાં મદદ કરી શકશો.

સ્ટેપ-૧: અભિપ્રાય બદલો

બાળક એવું માનવા લાગવું જોઈએ કે ચોરી કરવી એ યોગ્ય નથી. તે આપણે આગળ વાંચીશું અને એનાથી વધુ દૃઢ બનાવીશું.

સ્ટેપ-૨: સારા-નરસા પાસાનું વિશ્લેષણ કરો

તેને એવું વિશ્લેષણ કરવા દો કે ચોરી કરવાથી શું ફાયદો થયો અને જો તે પકડાઈ જશે તો તેનું શું પરિણામ આવશે. દાખલા તરીકે, બાળકે તેના મિત્રના બેગમાંથી મીઠાઈ ખરીદવા ૧૦ રૂપિયા ચોરી લીધા. જે મીઠાઈ તેને જોઈતી હતી, તે ખરીદવાથી અને ખાવાથી તે ખુશ થશે. તેને પ્રેમથી પૂછો, જ્યારે તે ચોરી કરી રહ્યો હતો ત્યારે તેને કેવો અનુભવ થતો હતો. શું તેને પકડાવાનો ડર લાગતો હતો? ચોરી કરવાના પરિણામો વિશે તેણે વિચાર્યું હતું? સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું હૃદય ભારે હતું કે હળવું? જો પકડાઈ ગયો હોત તો તેના ક્લાસમાં તેની શી દશા થાત? શું કોઈ તેના પર ફરી વખત વિશ્વાસ કરશે, વગેરે.

તમારે તેને એવું કહીને ખાતરી આપવી જોઈએ કે, તેઓ પોતાની જાતને ગંભીર જોખમમાં મૂકવાને બદલે, જો તેમને કશું જોઈતું હોય, તો તે લઈ આપવા માટે તેમના માતા-પિતાને કહી શકે છે.

સ્ટેપ-૩: પ્રતિક્રમણ (પસ્તાવા સાથે માફી માંગવી)

પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સમજાવ્યા પ્રમાણે પ્રતિક્રમણ એ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે, જે બધી જ ભૂલો અને સામાને જે કંઈ પણ દુ:ખ આપ્યા હોય તે બધું ચોખ્ખું કરી દે છે. તે પછીના ભવ માટે વાવેલા કર્મોના હિસાબોને પણ મૂળમાંથી કાઢવામાં મદદ કરે છે.

  • આલોચના (કબૂલાત કરવી): જે કંઈ પણ ભૂલો થઈ છે તેને યાદ કરો (ચોરી કર્યાના બધા પ્રસંગો)
  • પ્રતિક્રમણ (માફી માગવી): જે ભગવાનમાં તમે માનો છો તે ભગવાન પાસે અથવા જે વ્યક્તિને તમે દુ:ખ પહોંચાડ્યું (ચોરી કરીને), તેની પાસે માફી માંગો.
  • પ્રત્યાખ્યાન (ફરી ન થાય એવો નિશ્ચય કરો): ભગવાન પાસે એવી શક્તિઓ માંગો કે ફરી આવી ભૂલો ક્યારેય ન થાય. આ રીતે, ભૂલો ધોવાઈ જશે. બાળકનું હૃદય ખૂબ હળવું થઈ જશે અને બધી આંતરિક પીડાઓ શાંત થઈ જશે. આવું ફરી ન થાય તે માટે તેને શક્તિઓ પણ મળશે.

સ્ટેપ-૪: ભૂલોના ઉપરાણા ન લો

જ્યારે પણ બાળક એકની એક ભૂલ ફરી વખત કરે છે, ત્યારે તેની ખાતરી લો કે તેઓ તેમની ભૂલનું રક્ષણ ન કરે. તેઓએ તે સ્વીકારવું જોઈએ કે આ તેમની જ ભૂલ છે અને ફરી ક્યારેય ન થાય. દાખલા તરીકે, જ્યારે તેઓ ચોરી કરે છે અને કહે છે કે પરીક્ષા માટે પેન ખરીદવી જરૂરી હતી અને તે સમયે આવું કરવું જરૂરી હતું. જ્યારે તેને એવું લાગે છે કે તે પરિસ્થિતિમાં ચોરી કરવી એ સાચી વાત હતી, તો તેઓ ભૂલનું રક્ષણ કરે છે. જે ભૂલનું રક્ષણ કરવામાં આવે છે તે ક્યારેય જતી નથી. તેથી, કારણ ગમે તે હોય, તેઓની માન્યતા એ જ હોવી જોઈએ કે ચોરી ક્યારેય ન કરવી જોઈએ. તેઓનો આવો શુદ્ધ ભાવ હોવા છતાં પણ એવું બનશે કે તેઓની ક્રિયા ખોટી હોય. પરંતુ, તેઓ ક્રિયાનો પક્ષ નહીં લે તો, તેઓની ભૂલની તીવ્રતા ઓછી થશે અને પછી તેનો અંત આવશે. માતા-પિતા પ્રેમાળ હોવા જોઈએ અને ધીરજ રાખવી જોઈએ, એવી ખાતરી રાખીને કે ઉપરના બધા જ સ્ટેપ્સ અનુસરવાથી બાળક તેમની ભૂલમાંથી બહાર આવશે જ.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on