Related Questions

લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?

જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે પોતાના આવકની મર્યાદામાં રહીને જીવન જીવવું જોઈએ. પોતાનું ઘર કેટલા બજેટમાં જ ચલાવવું એ પહેલેથી જ નક્કી કરવું. જો પૈસાની તકલીફ હોય તો મોંઘી વસ્તુઓ ખરીદવાની ઉતાવળ ના કરવી જોઈએ. પૈસાની સગવડ હોય તો જ ખર્ચા કરવા જોઈએ.

પૈસા હાથવગા રાખવા

બંનેએ સાથે મળીને મહિનાના ઘરખર્ચનું જેટલું બજેટ નક્કી કર્યું હોય એટલા પૈસા જીવનસાથીને સરળતાથી મળી રહે એવી સગવડ આપણે રાખવી જોઈએ. એમને આપણી પાસે પૈસાની માંગણી કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી ના થવી જોઈએ.

કરકસરમાં ઉદારતા

પરમ પૂજ્ય દાદા ભગવાન કરકસર કેવી કરવી જોઈએ તેની અનોખી સમજણ આપતા કહે છે:

ઘરમાં કરકસર કેવી હોવી જોઈએ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

નબળી પરિસ્થિતિમાં ધીરજનું મહત્ત્વ

ચાલો જાણીએ કે લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓના નિવારણ માટે પરમ પૂજ્ય દાદાશ્રીનું શું કહેવું છે.

પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું?

દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.

આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે?

×
Share on