દુઃખો ત્રણ પ્રકારના હોય છે. ૧) દેહના દુઃખ ૨) વાણીના દુઃખ અને 3) મનના દુઃખ. દેહના દુઃખોને ‘કષ્ટ’ કહે છે, જે પ્રત્યક્ષ દુઃખ કહેવાય. દાઢ દુઃખતી હોય, આંખો દુઃખતી હોય, પક્ષાઘાત થયો હોય એ બધા દેહના દુઃખો છે. પછી કોઈએ અપમાનજનક શબ્દો કહ્યા હોય તો વાણીના ‘ઘા’ પડે, જે હૃદયમાં પેસી જાય પછી ભૂલાય નહીં. એ વાણીના દુઃખો છે. ત્રીજા પ્રકારના દુઃખો એ મનના દુઃખો છે જેમાં “આમ થશે તો શું થશે?” એ વિચારોમાં વમળમાં અટવાઈને મનુષ્ય અસરમાં આવી જાય અને દુઃખી દુઃખી થઈ જાય.

suffering

ખરેખર દુઃખ કોને કહેવાય? જ્યાં ખાવા ન મળે, કપડાં પહેરવા ન મળે કે સૂવા ન મળે તે. રોટી, કપડાં અને મકાનના અભાવને દુઃખ કહેવાય. ટૂંકમાં, જે દુઃખ દેહને સ્પર્શે તે દુઃખ છે. પણ મનના અને વાણીના દુઃખો તો પોતે આમંત્રિત કરેલાં છે, જે ખરેખર દુઃખ જ નથી! આ સંસારરૂપી સાગરમાં દુષમ મનને લઈને બધા દુઃખો છે.

આમંત્રેલા દુઃખ એ દુઃખ નથી

કોઈ વ્યક્તિને ભૂખનું દુઃખ હોય, કાનમાં દુઃખતું હોય કે દાઢમાં સણકા વાગતા હોય તો તે દુઃખ માની લેવાય. પણ કોઈ ફરિયાદ કરે કે, “મારી ખીચડીમાં ઘી કેમ નથી?” અથવા “જમવાનું ભાવતું નથી.” તો એ ખરેખર દુઃખ નથી. કારણ કે દેહને આવી કોઈ ફરિયાદ નથી, પણ મનની બૂમ છે. વાળ કાપી નાખે એ દુઃખ નથી, પણ હા, કાનને કાતર અડી જાય અને વેદના થાય, તો એ દુઃખ છે. ધંધામાં ખોટ ગઈ છતાં જો રહેવા, ખાવા, પીવાનું મળી રહેતું હોય તો એ સાચું દુઃખ નથી. કેટલાક લોકોને ઓફિસના દુઃખો હોય કે બોસ ગમે તેમ વઢી મૂકે છે, બધાની વચ્ચે અપમાન કરે છે તો તે પણ દુઃખ ના કહેવાય. ત્યારે મનને વાળી લેવું કે, પગાર તો આપે છે અને ઘર તો ચાલે છે ને! તેવી જ રીતે કેટલાક સમાજના દુઃખો હોય કે આટલો વ્યવહાર નહીં કરીએ તો કેવું દેખાશે? પણ એ બધામાં ખરેખર દુઃખી થવા જેવું નથી. માન્યતાના દુઃખોને રડી રડીને ગુણાકાર કરીએ તો એ વધી જાય. એના કરતાં તેમનો હસીને ભાગાકાર કરવો એટલે દુઃખો ઊડી જાય.

મનુષ્યોની બુદ્ધિ તો વિકસિત થયેલી છે. પાડોશીમાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય અને જાણવા મળે કે એમને છાતીમાં દુઃખતું હતું, તો પછી પોતાને છાતીમાં દુઃખાવો થાય એટલે વિચાર આવે કે, “મને હાર્ટ એટેક આવશે તો?” આ મનના દુઃખો છે. એ સમયે વિચારોને કહેવાનું કે, “તમે બહાર જાઓ, અ દેહ જ્યારે જવાનો હશે ત્યારે જશે!” પણ દુષમ મન એ ના એ જ વિચારો કર્યા કરે કે “એમને આવું થયું હતું, માટે મને પણ થશે તો?” એટલે પછી એની અવળી અસરો થાય. એને જ દુઃખ માને અને એના જ વિચાર કર કર કરે તો પછી એમ ના બનવાનું હોય તો પણ બની જાય. એટલે નકારાત્મક વિચારોની અસરોથી જ બધું બગડે છે! જ્યાં વિચારો નહીં ત્યાં કામ સફળ થાય, અને જ્યાં બહુ વિચાર થયા કરે ત્યાં બગડે.

suffering

“આણે મને આમ કહ્યું ને તેમ કહ્યું” એ દેહને સ્પર્શતું નથી માટે દુઃખ નથી. “કાયમ આવું જ કરે છે, આવા છે ને તેવા છે” એવા વિચારો ચાલે અને મન બગડે. પછી ના હોય ત્યાંથી દુઃખોને આમંત્રણ આપે. આ રીતે મનુષ્યોને અજંપો રહ્યા કરે છે. મનના આવા વધારાના દુઃખોને તો ડિસમિસ કરી નાખવાના, અને ના થાય તો છેવટે તેમનો સ્વીકાર ના કરવો. નહીં તો, મનનું ચક્કર દુઃખદાયી થઈ પડશે.

પશુઓ સહજ હોય, એમને મન સીમિત હોય અને બુદ્ધિ પણ સીમિત હોય. માટે એમને મનુષ્ય જેવા દુઃખો ના હોય. આપણે ગાયને ખાવાનું આપીએ તો એ દોડતી આવે અને લાકડી બતાવીએ તો નાસી જાય. એટલું જ એમનું મન છે. એટલે ગાયને “આ લાકડી બતાવીને મારું અપમાન કરે છે!” એવા મનના દુઃખો ન હોય. આપણે પ્રાણીઓને ‘હુડ હુડ’ કરીને ભગાવી મૂકીએ તો એ ભયના માર્યા ભાગી જશે, પણ એમને શબ્દોની અસર કે એના પરિણામે દુઃખ નથી હોતા. મનુષ્યોમાં તો સારી રીતે રહેવાનું ઘર હોય, ખાવા-પીવાની કોઈ તકલીફ ન હોય, તો પણ દુષમ મન જ્યાં ત્યાંથી દુઃખોને ભેગા કરે છે. છેવટે, માનસિક દુઃખો સહન ન થતા, મનુષ્ય જીવન ટૂંકાવી દેવાનું પગલું ભરે છે. પણ તે અત્યંત જોખમી છે, તેના પરિણામ બહુ વસમાં આવે છે માટે એવો તો વિચાર જ ન કરવો. ધીરજ રાખીને એ સમય કાઢી નાખવો.

કુદરતનો નિયમ એવો છે કે, આપણે લોકોને સુખ આપીશું તો આપણને સુખ મળશે, અને દુઃખ આપીશું તો દુઃખ મળશે. માટે જો દુઃખ ના ગમતું હોય તો આજથી દુઃખ આપવાનું બંધ કરી દેવું. અપાઈ જાય તો પસ્તાવો કરીને પાછા વળવું.

ઉપાય હોય તે દુઃખ

પરમ પૂજ્ય દાદાશ્રી એક અનોખી વ્યાખ્યા આપતા કહે છે કે, જેના ઉપાય હોય તે જ દુઃખ કહેવાય, અને જેનો ઉપાય નથી એ દુઃખ જ ન કહેવાય. આ બહુ ઝીણી વાત છે. જેમ કે, કોઈ વ્યક્તિને એક આંગળી જન્મથી જ ઓછી છે તો એ દુઃખ ના કહેવાય, કારણ કે તેનો ઉપાય નથી. પણ પગે ગુમડું થયું હોય તો તે દુઃખ કહેવાય, કારણ કે તે મટાડી શકાય છે, તેનો ઉપાય છે. દાઢ દુઃખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડૉક્ટર પાસે જઈને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય.

ટૂંકમાં જે કોઈ પરિસ્થિતિ આવી પડે એમાં તપાસ કરવી કે એનો ઉપાય છે? જો છે તો ઉપાય કરવો અને દુઃખી ના થવું. જો એનો કોઈ ઉપાય જ નથી તો પરિસ્થિતિ બદલી નહીં શકાય, માટે સ્વીકારી લેવી. એટલે કોઈપણ રસ્તે દુઃખી ના થવું.

દુઃખોથી મુક્તિનો સાચો રસ્તો

આ કાળમાં મનુષ્યો મોટે ભાગે માનસિક અને શારીરિક દુઃખોથી આકુળવ્યાકુળ રહે છે. પરિણામે પૈસા કમાવામાં અને પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં સુખ ખોળે છે. એટલું જ નહીં, કેટલાક લોકો સાચું ખોટું કરીને, બીજાને છેતરીને, ઘરની વ્યક્તિઓને દુઃખી કરીને પણ અણહક્કની લક્ષ્મી અને વિષય-વિકાર ભોગવવામાં રચ્યાપચ્યા રહે છે. કોઈ તપાસ નથી કરતું કે આ બધાથી સુખ ખરેખર વધ્યું કે ઘટ્યું?

ખરેખર જો દુઃખોથી મુક્ત થવું હોય તો આજથી બીજાને દુઃખ આપવાનું બંધ કરી દેવું જોઈએ. અગાઉ જે દુઃખો આપ્યા હશે, તેના પરિણામે આજે આપણને દુઃખ આવી પડશે. તેનો સમતાભાવે નિકાલ કરવો અને નવા કારણો સુધારવા જોઈએ. જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો સરળ ઉપાય જણાવતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ મન-વચન-કાયા પારકાંના સુખને માટે વાપરો તો પોતાને સંસારમાં કોઈ દહાડો સુખની કમી નહીં પડે.”

suffering

છેવટે, મનુષ્ય આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરે તો જીવનમાં કાયમ માટે સનાતન સુખની પ્રાપ્તિ થાય છે. પણ જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર સાધ્ય નથી, ત્યાં સુધી સેવા અને પરોપકારના રસ્તે ચાલવાથી જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય છે.

×
Share on