
શ્રેણિક રાજા એક રાજા અને મગધપતિ હોવા છતાં પણ તેઓ શ્રી મહાવીર ભગવાનની નિકટ ગયા અને એમણે ભગવાનનો ખૂબ રાજીપો મેળવ્યો. એમના જીવનચરિત્રમાંથી ખૂબ બોધ લેવા જેવો છે.
શ્રેણિક રાજાનો પૂર્વભવ સુમંગલ રાજાનો હતો. મંત્રીપુત્ર તાપસે સુમંગલ રાજા સાથે વેર બાંધ્યું હતું કે, “ગમે તે કરીને આવતા ભવે હું સુમંગલને મારીને જ રહીશ; એને હું જીવતો નહીં રાખું.” આ પૂર્વભવનું વેર વસૂલ કરવા માટે આગળ જતાં, શ્રેણિક રાજાના મૃત્યુનું નિમિત્ત બનવા માટે તાપસ જેવી તેવી રીતે નહીં પણ શ્રેણિક રાજાના પુત્ર કુણિક તરીકે જન્મ્યો.
શ્રેણિક રાજાના ખૂબ પ્રિય પટરાણી ચેલણા રાણી ગર્ભવતી થયાં. પૂર્વભવના વેરવી તાપસ, કે જેણે શ્રેણિક રાજા સાથે વેરનું નિયાણું બાંધ્યું હતું, તે વેર વસૂલ કરવા ચેલણા રાણીના ગર્ભમાં આવ્યો. હંમેશા, વેર દૂરથી વસૂલ ના થાય; નજીકમાં નજીક આવે ત્યારે જ વેર વસૂલ કરવાનું મોકળું મેદાન મળે! ગર્ભને થોડો કાળ વીત્યા બાદ ચેલણા રાણીને અંદરથી દોહદ થયો, એટલે કે ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા થઈ. ચેલણા રાણીને એમના પતિ શ્રેણિક રાજાના શરીરનું માંસ ખાવાની ઈચ્છા થઈ.
ચેલણા રાણી સાધ્વી જેવાં સતી હતાં, તેઓ ભગવાન મહાવીરની જબરજસ્ત ભક્તિમાં હતાં તથા ખૂબ પતિવ્રતા અને સાત્ત્વિક હતાં. જે રાણી કંદમૂળ પણ ન ખાય એમને પોતાના પતિનું માંસ ખાવાના વિચારો આવ્યા. એ વિચારોથી રાણીને અંદર બહુ બળતરા અને ભોગવટો આવ્યો કારણ કે, એમની ઈચ્છા એટલી તીવ્ર હતી કે જેને પોતે પણ રોકી શકે એમ ન હતાં. એક બાજુ એમના અંદરનો ગર્ભ એમને માંસ ખાવા માટે જબરજસ્ત ધક્કો મારતો હતો અને બીજી બાજુ એમનું પતિવ્રતાપણું એમને આ બાબત માટે રોકતું હતું. એમને સામસામે આ બે વસ્તુનું ઘર્ષણ રાતદિવસ ચાલતું હતું, રાણીને આ બાબતનો પશ્ચાત્તાપ પણ હતો. એ સમયે એમની માનસિક સ્થિતિ કેવી થઈ હશે! કોઈ સ્ત્રીને એના પતિનું માંસ ખાવાની ઈચ્છા થાય, એ કોઈની કલ્પનામાં પણ ના આવી શકે! આ બધાની અસર રાણીના શરીર પર થઈ; કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં; શું કરે? એમનું શરીર સુકાવા માંડ્યું અને તેઓ ખૂબ દૂબળા પડી ગયાં.
શ્રેણિક રાજાને ચેલણા રાણીના સ્વાસ્થ્ય માટે બહુ ચિંતા થવા લાગી, કારણ કે ચેલણા રાણી એમના પ્રિયમાં પ્રિય હતાં. રાજાએ ખૂબ આગ્રહ કરીને રાણીને સ્વાસ્થ્ય કથળવા પાછળનું કારણ પૂછ્યું. પછી રાણીએ કારણ કહ્યું, “મને અંદરથી આપનું માંસ ખાવાની ઈચ્છા થાય છે અને એના લીધે આવું થાય છે.” એમને અંદરથી ખૂબ દુઃખ હતું કે મને આવું કેમ થાય છે. રાજાએ પોતાના પુત્ર અભયકુમારને બોલાવીને ચેલણા રાણીના દોહદ અંગે વાત કરી અને આનો કંઈક માર્ગ કાઢવા કહ્યું. રાજાને થયું કે આ દોહદ પૂર્ણ નહીં થાય તો આમાં ને આમાં રાણી મૃત્યુ પામશે.
અભયકુમારે એક રસ્તો કર્યો. એમણે રાજાને ઓઢાડીને સુવડાવ્યા અને એમની ઉપર એક મરેલું સસલું લાવીને મૂક્યું અને એ સસલાનું માંસ ચેલણા રાણીને ખાવા માટે કહ્યું. આ બધી ગોઠવણી એવી કરી હતી કે રાણી રાજાના પેટ પરથી તોડી તોડીને જાણે રાજાનું જ માંસ ખાતાં હોય એવું લાગે પણ ખરેખર એ સસલાનું માંસ હતું. સામે રાજા પણ નાટકીય રીતે મૂર્છિત થઈને ચીસો પાડતા હતા. આ પ્રમાણે યોજના ઘડીને રાજાને સુરક્ષિત રાખ્યા અને એકાંતમાં ચેલણા રાણી માટે આવી બધી રીતે ગોઠવણી કરી હતી. રાણી એક બાજુ માંસ ખાતાં હતાં અને બીજી બાજુ એમને જબરજસ્ત પશ્ચાત્તાપ થતો હતો કે આ હું શું કરી રહી છું.
માંસ ખાધા બાદ રાણીની અંદરની ઈચ્છા શમી ગઈ એટલે એમને વાસ્તવિકતાનું ભાન થતાં જ તેઓ ચક્કર ખાઈને બેભાન થઈ ગયાં કે મેં મારા પતિનું શું કર્યું. એમનો જબરજસ્ત અંદર સંઘર્ષ ચાલ્યો. રાણી ભાનમાં આવ્યાં ત્યારે એમણે ખૂબ જ કલ્પાંત કર્યો. પછી અભયકુમારે એમને સમજાવ્યું કે રાજાને તો કશું જ નથી થયું અને રાજા હસતા હસતા એમની સામે આવ્યા. એમને જોઈને ચેલણા રાણીને આનંદ થયો કે મારા પતિને કશી જ તકલીફ થઈ નથી.
નવ માસ પૂર્ણ થતાં ચેલણા રાણીના પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ થવાથી ચેલણા રાણીને જરાય આનંદ થયો નહીં. કોઈ માને પોતાની કૂખે બાળક જન્મે તો આનંદ ના થાય એવું બને? માતાને તો કેટલા બધા કોડ હોય! જ્યારે ચેલણા રાણીને તો આ પ્રથમ બાળક હોવા છતાં આનંદ થયો ન હતો. એનાથી વિરુદ્ધ એમને તો અંદરથી અત્યંત ભોગવટો હતો. રાણીએ નક્કી કર્યું હતું કે આ બાળક મારા પતિનો જબરજસ્ત વેરવી છે, માટે આને તો હું કોઈ કાળે નહીં સંઘરું. રાણીએ એમની દાસીઓને કહ્યું, “આ બાળકને ક્યાંક દૂર લઈ જઈને નાંખી આવો. જોઈએ જ નહીં આ.” રાણીએ દાસીઓ દ્વારા બાળકને વનમાં ફેંકાવી દીધું.
આ બાજુ, શ્રેણિક રાજાએ બાળકને વનમાં મૂકીને પાછી આવતી દાસીઓને જોઈને પૂછ્યું, “શું છે? ક્યાં ગઈ હતી તું?” રાજાએ દબડાવીને પૂછતાં જ દાસીઓએ ગભરાઈને બધી જ હકીકત રાજાને જણાવી દીધી. પછી શ્રેણિક રાજા દાસીને લઈને પાછા ગયા અને અશોકવૃક્ષની નીચે રહેલા નવજાત શિશુને લઈ આવ્યા. જંગલમાં કૂકડાએ બાળકની આંગળીઓ કરડી ખાધી હતી અને એમાંથી ખૂબ લોહી નીકળતું હતું. એ બાળક બહુ રડતું હતું. શ્રેણિક રાજાને એક પિતા તરીકે આ જોઈને સહન ન થતાં એમણે પોતાના નવજાત બાળકની આંગળી મોઢામાં રાખી. આમ કરવાથી એ બાળકને શાંતિ થઈ. આ રીતે, એક પિતા તરીકે શ્રેણિક રાજાએ પોતાના બાળકનું રક્ષણ કર્યું.
એમને બધી ખબર હતી કે આ જબરજસ્ત વેરવી છે. મને મારી નાખવા માટે રાણીને માંસ ખાવાના વિચારો, આ બધું ગર્ભમાં રહેલા બાળકને લીધે જ થયેલું. બધી ખબર હોવા છતાં પણ પોતાના બાળક માટે એમને એટલું બધું વહાલ હતું, મમતા હતી. એમની બાપ તરીકેની જબરજસ્ત મહાનતા હતી કે એમણે બાળકને બચાવી લીધું. રાજાએ પોતે બધું સહન કર્યું પણ આ પાપ ન બાંધ્યું અને નવજાત બાળકને પાછા મહેલમાં લઈ આવ્યા. એમણે ચેલણા રાણીને ખૂબ જ ઠપકો આપ્યો કે, “આવું કરાતું હશે? કોઈ કુલીનમાં કુલીન સ્ત્રી હોય તો પણ પોતાના બાળકને આવું ન કરે!” પછી એમણે રાણીને સમજાવીને બાળકને ઉછેરવાનું કહ્યું. પણ ચેલણા રાણીને ક્યારેય પણ પોતાના પુત્ર કુણિક માટે સારા ભાવ થયા જ નહીં.
ચેલણા રાણીને કુણિક સિવાય પણ બીજા પુત્રો થયા હતા. તેઓ બધું સારું સારું પોતાના બીજા બે પુત્રોને આપતાં અને કુણિકને બધું ખરાબ આપતાં. જો રાણી પોતાના બે પુત્રોને સાકરના લાડુ આપતાં તો એની સામે કુણિકને ગોળના લાડુ આપતાં. કુણિકને એમ થતું હતું કે આ બધું એના પિતા કરાવે છે. જ્યારે રાજાની તો કેટલી મહાનતા હતી કે કુણિકને પાછો લાવ્યા; એમને વાત્સલ્ય-મમતા પણ ખૂબ હતી. એમણે કુણિકને ખૂબ પ્રેમથી ઉછેર્યો, પણ જે વહેરોઆંતરો થયો એનાથી કુણિકને પોતાના પિતા માટે જ દ્વેષ થતો હતો. પૂર્વના વેરના કારણે કુણિકને સીધાનું પણ ઊંધું દેખાતું હતું.
આ બાજુ શ્રેણિક રાજા પોતાના રાજકારભારમાં ખૂબ જ વ્યસ્ત હતા અને બીજી બાજુ ચેલણા રાણી વારંવાર ભગવાન મહાવીર પાસે જતાં હતાં. આજે જે રાજગિરિ નામે ઓળખાય છે, જ્યાં પાંચ પહાડ છે અને મોટું તીર્થ છે, તે રાજગૃહી નગરી એ શ્રેણિક રાજાની રાજધાની હતી. ભગવાન મહાવીર વારંવાર રાજગૃહી નગરીમાં આવતા; ત્યાં આગળ ચોમાસું કરતા. ભગવાનનો ખૂબ લાંબો સમય ત્યાં પસાર થયો હતો. ચેલણા રાણી ખૂબ જ ભક્તિવાળાં હતાં. એમને ભગવાન મહાવીર પ્રત્યે ખૂબ જ ભક્તિ હતી. એટલે જ્યારે જ્યારે ભગવાન આવતા ત્યારે તેઓ ભગવાનની પાસે પહોંચી જતાં. બીજી બાજુ શ્રેણિક રાજાને એટલો બધો રસ નહોતો. ચેલણા રાણીએ ખૂબ જ પ્રયત્નો કરેલા કે કેમ કરીને મારા પતિને ભગવાન મહાવીરનું શરણું મળે અને કેમ કરીને એ પણ ધર્મના માર્ગે જાય.
એક વખત, શ્રેણિક રાજા અને ચેલણા રાણી સાથે મહાવીર ભગવાન પાસે ગયાં. રાજાએ બહુ ભક્તિભાવથી ભગવાન મહાવીરને વંદના કરી. ભગવાનને જોતાં જ એમને અંદરથી ખૂબ ઉછાળા આવ્યા અને ખૂબ આનંદ આનંદ થઈ ગયો. સાક્ષાત્ ભગવાનને જોતાં કોને આનંદ ના થાય! આપણે મંદિર કે દેરાસરમાં જઈએ તો ભગવાનની પ્રતિમા જોઈએ તોય આપણને અંદર આનંદ આનંદ થઈ જાય છે, તો આ તો સાક્ષાત્ તીર્થંકર, દેવાધિદેવ ભગવાન હતા; એમના દર્શન થતાં શું ના થાય!
શ્રેણિક રાજાની આમ પણ જબરજસ્ત પાત્રતા હતી. તેઓ ભગવાનને જોતાં જ ભાવવિભોર થઈ ગયા અને સાષ્ટાંગ પ્રણામ કરીને મહાવીર ભગવાનના ચરણોમાં ઝૂક્યા. ભગવાનના ચરણોમાં પડવાની વાત તો કેટલી ઊંચી કહેવાય! આ કોના ભાગે આવે! રાજાએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવથી ભગવાનને વાંદ્યું એનાથી એમનો આખો અહંકાર ખલાસ થઈ ગયો અને એમને ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું. એટલું જ નહીં પણ એમને જે ભગવાન માટે ઉત્કૃષ્ટ ભાવ થયો, એનાથી એમને તીર્થંકર ગોત્ર બંધાયું. તીર્થંકર ગોત્ર બંધાવાના વીસ સ્થાનકો છે એમાનું એક સ્થાનક તીર્થંકર ભગવાનની અનન્ય ભક્તિ પણ છે. ભગવાન મહાવીરને વાંદતાં જ શ્રેણિક રાજામાં એક મોટું પરિવર્તન આવ્યું. આ જ શ્રેણિક રાજા આપણા ભરતક્ષેત્રની આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ ભગવાન થશે.
નમવામાં કેટલું બધું બળ છે! કેટલી બધી શક્તિઓ મહીંથી પ્રગટ થાય છે. એટલે જ્યાં જ્યાં આપણું હૃદય ઝૂકી જાય ત્યાં આપણે દિલથી નમસ્કાર કરવા જોઈએ.
આગળ, શ્રેણિક મહારાજાના અન્ય બે પુત્રો - મેઘકુમાર અને નંદીષેણની દીક્ષા વિશે વાંચીએ.
subscribe your email for our latest news and events
