યુવાન વયથી પરમ પૂજ્ય દાદા ભગવાન કોન્ટ્રાક્ટર તરીકે કન્સ્ટ્ર્ક્શનના ધંધામાં હતા. સંસારી હોવા છતાં પણ, આસપાસના લોકોને તેઓ સુખી અને દૈવી લાગતા હતા. તેમને લોકો પર કરુણા અને પ્રેમ હતો. તેમનો ધંધો ખૂબ સારો ચાલતો હતો અને તેમણે ખોટી લક્ષ્મી ધંધામાં ન પેસવા નહોતી દીધી. છતાં સંજોગોવશાત્ જો પેસી જતી તો તેને ધંધામાં રહેવા દેતા, ઘરમાં પેસવા ન દેતા.
પરમ પૂજ્ય દાદા ભગવાને ધંધામાં જે નફો કે નુકસાન થાય તે ધંધામાં જ રાખવાનું નક્કી કર્યું હતું. તેઓ ઘરે માત્ર એટલા જ પૈસા લઈ જતા હતા, જેટલા તેઓ નોકરીમાંથી કમાઈ શકે! ધંધામાં કમાયેલા લાખો રૂપિયા તેમણે જ્યારે ધંધામાં અડચણ આવે ત્યારે જ વાપર્યા.
તેમણે ધંધાને કર્મના ખેલરૂપે જ જોયો હતો: નફો એ પુણ્યનું પરિણામ છે અને નુકસાન એ પાપનું પરિણામ છે. માટે જ તેઓ માનતા કે કોઈ અનીતિથી ધંધો કરે તોય તેનાથી નફામાં એક પૈસાનો પણ વધારો નહીં થાય. આ સિદ્ધાંતો સાથે ધંધો કરતાં, તેમણે લક્ષ્મીની ન તો ક્યારેય ભીડ જોઈ ન ભરાવો.
જ્ઞાન પહેલાં, પરમ પૂજ્ય દાદાશ્રીને ધંધામાં એક વખત નુકસાન થયું. એ પરિસ્થિતિનું પાછળથી એમણે વર્ણન કર્યું કે નુકસાનના કારણે તેમને ખૂબ ચિંતા થઈ અને આખી રાત ઊંઘ નહોતી આવી. પછી એમને વિચાર આવ્યો અને પોતાની જાતને પૂછ્યું કે બીજું કોઈ આ નુકસાનને કારણે ચિંતા કરી રહ્યું છે? પછી એમને સમજાયું કે ભાગીદાર તો ચિંતા ન પણ કરતા હોય અને એમના તથા દાદાશ્રીના પરિવારને તો નુકસાનની ખબર જ નહોતી. પછી તેમને થયું કે આ બધામાંથી કોઈ ચિંતા નથી કરતું તો હું એકલો જ શું કામ બધું માથે ઓઢું? તેમને ચિંતા અક્કલ વગરની લાગી. આવી પ્રેક્ટિકલ સમજણથી આ પછી દાદાશ્રીને ક્યારેય પણ ધંધામાં ચિંતા નહોતી થઈ.
પરમ પૂજ્ય દાદાશ્રીએ ક્યારેય પણ અત્યંત જરૂરી ખર્ચા માટે પણ કોઈની પાસેથી પૈસા લીધા ન હતા. આત્મજ્ઞાન બાદ, તેમણે સત્સંગ માટે ગાડી, ટ્રેન, કે પ્લેનમાં પોતાના જ પૈસે ખૂબ મુસાફરી કરી હતી. ઘણા મહાત્માઓ તેમને પૈસા અને સોનું આપતા હતા, પરંતુ તેઓ એ ક્યારેય સ્વીકારતા નહીં. જેમને આપવાની ખૂબ ઈચ્છા હોય તેમને પરમ પૂજ્ય દાદાશ્રી બીજાના હિત માટે, મંદિરોમાં કે ભૂખ્યા માટે આપવાનું કહેતા. જો આપનાર પોતાની ઈચ્છાથી આપતા હોય, તેઓ આપી શકે એમ હોય અને કુટુંબની સહમતિ હોય જ તેઓ આપનારને આવું કહેતા.
પરમ પૂજ્ય દાદાશ્રીએ ભાગીદાર જોડે એક મતભેદ પાડ્યા વગર પિસ્તાળીસ વર્ષ ભાગીદારી કરી. તેઓ માનતા કે ધંધામાં અંદરની મુશ્કેલીઓ તો આવ્યા જ કરશે, પણ મતભેદ પડવો એ ખોટો અભિગમ છે. ભાગીદાર ધંધામાં જોડે ને જોડે રહ્યા, છતાં એમણે દાદાશ્રી માટે નેગેટિવ નહોતું થયું. તેમને દાદાશ્રી માટે એટલો પૂજ્યભાવ હતો કે એમણે ધંધાની જવાબદારી સંભાળીને દાદાશ્રીને સત્સંગ માટે મુક્ત કર્યા હતા. તેઓ પોતાના છોકરાઓને કહેતા હતા કે દાદાશ્રીની હાજરી એ શ્રીમંતાઈ છે, એમને કોઈ દહાડોય પૈસા નહોતા ખૂટ્યા.
પરમ પૂજ્ય દાદાશ્રીએ, તેમના જ પોતાના જીવન અનુભવમાંથી ‘કાઉન્ટર પુલી’નો સિધ્ધાંત અપનાવ્યો હતો, જે લોકો સાથેના વ્યવહારમાં ઉપયોગી છે. એક એન્જિનનું દૃષ્ટાંત આપતા તેમણે સમજાવ્યું કે, જો એન્જિન અને પંપ સીધા જોડાયેલા હોય અને એન્જિન ૩૦૦૦ આરપીએમ (રિવોલ્યુશન પર મિનિટ)ની ઝડપે ચાલતું હોય તો તે ૧૫૦૦ આરપીએમની ઝડપે ચાલતા પંપને તોડી નાખે છે. આવામાં, પંપને ૧૫૦૦ આરપીએમ મળે તે માટે બંને વચ્ચે કાઉન્ટર પુલી મુકવાની જરૂર છે. આ જ રીતે, જે બુધ્ધિશાળી અને ધારણશક્તિ ઊંચી હોય એવી વ્યક્તિએ ઓછા રિવોલ્યુશનવાળી વ્યક્તિ સાથે વ્યવહાર કરતા પહેલાં કાઉન્ટર પુલી મૂકવી જરૂરી છે. આ એડજસ્ટમેન્ટથી, બીજાને દોષિત ન જોઈને અકળામણ ટાળી શકાય છે અને વ્યવહાર ક્લેશરહિત બનાવી શકાય છે.
subscribe your email for our latest news and events
