કબીર સાહેબે કહ્યું છે કે,
“પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.”
આ પુસ્તક પઢી પઢીને તો જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી. શાસ્ત્રોના શાસ્ત્રો વાંચ્યા પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં ને રખડી મર્યા. પણ જેને પ્રેમના બસ અઢી અક્ષર સમજાઈ જાય તે પંડિત થઈ ગયો. પોતે પ્રેમસ્વરૂપ થાય ત્યાં આખું શાસ્ત્ર પૂરું થઈ જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનને પણ નાનપણથી આ પ્રશ્ન થતો હતો કે પ્રેમની વ્યાખ્યા શું? છેવટે તેમને પ્રેમ શબ્દની વ્યાખ્યા મળી.
દાદાશ્રી: વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ?
પ્રશ્નકર્તા: મને ખબર નથી. એ સમજાવો.
દાદાશ્રી: અરે, હું જ નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ખોળતો હતો ને! મને થયું, પ્રેમ શું હશે? આ લોકો ‘પ્રેમ પ્રેમ’ કર્યા કરે છે તે પ્રેમ શું હશે? તે પછી બધા પુસ્તકો જોયા, બધા શાસ્ત્રો વાંચ્યા, પણ પ્રેમની વ્યાખ્યા કોઈ જગ્યાએ જડે નહીં. મને અજાયબી લાગી કે કોઈ શાસ્ત્રોએ પ્રેમ શું છે એવી વ્યાખ્યા જ નથી કરી! પછી જ્યારે કબીર સાહેબનું પુસ્તક જોયું ત્યારે દિલ ઠર્યું કે પ્રેમની વ્યાખ્યા તો આમણે કરી છે. એ વ્યાખ્યા મને કામ લાગી. એ શું કહે છે કે,
“ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય
અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.”
એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, ‘કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે!’ આ સાચામાં સાચો પ્રેમ. ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય?
વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જે ચઢી જાય ને ઊતરી જાય એ પ્રેમ નહીં પણ આસક્તિ કહેવાય! જેમાં કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, ઘાટ નથી કે દોષદૃષ્ટિ નથી, નિરંતર એકધારો વહે, ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી, એવો અઘટ અને અઘાટ પ્રેમ એ જ શુદ્ધ પ્રેમ છે!
પ્રેમની યથાર્થ વ્યાખ્યા તો પ્રેમમૂર્તિ જ્ઞાની જ આપી શકે. આ વ્યાખ્યામાં સાચા પ્રેમનું થર્મોમીટર મળે છે. એ થર્મોમીટરથી માપીએ તો સંસારના તમામ સંબંધોમાં જે પ્રેમની વાત થાય છે, તે સાચો પ્રેમ નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન ખરું જ કહે છે કે પ્રેમ એ અલૌકિક ભાષાનો શબ્દ છે, પણ આ શબ્દ લોક વ્યવહારમાં વપરાઈ વપરાઈને ચવાઈ ગયો છે. સંસારમાં પ્રેમ હોઈ જ ના શકે. લોકો પ્રેમને સમજતા જ નથી.
તો પ્રેમને સમજવો કઈ રીતે? પ્રેમનું ટેસ્ટીંગ થાય અને જ્યાં ટેસ્ટના અવળા પરિણામ આવે ત્યાં પ્રેમ નથી એની ખાતરી થાય. એટલે કે પ્રેમ ક્યાં નથી એ સમજાય તો સાચો પ્રેમ કોને કહેવો એ સમજાઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “સ્વાર્થ હોય ત્યાં પ્રેમ રહી શકે નહીં, ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ રહી શકે નહીં.” જ્યાં ‘મારું-તારું’ છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે.
ઉદાહરણ તરીકે, બે વ્યક્તિ પ્રેમલગ્ન કરે અને થોડા વર્ષો પછી છૂટાછેડા થાય ત્યારે પ્રોપર્ટી માટે કોર્ટમાં દાવો માંડે. ધંધામાં બે ભાગીદારો એકબીજા સાથે મળીને ધંધો શરૂ કરે. શરૂઆતમાં તો બંને વચ્ચે ખૂબ પ્રેમવાળો સંબંધ દેખાય. પણ વર્ષો જતા ધીમે ધીમે નફામાં ‘મારું-તારું’ ઊભું થાય. વધુ કમાવાની લાલચે એક ભાગીદાર બીજા સાથે દગો કરે. ‘મારા’ ફેમિલીને વધુ લાભ મળે એમ વિચારીને ભાગીદારને ધંધામાંથી ખસેડી પણ નાખે. ત્યારે પાર્ટનરશીપમાં એટલો બધો દ્વેષ ઊભો થાય કે પ્રેમનો છાંટોય ન રહે. જો બંનેમાં પ્રેમ હતો તો ક્યાં ગયો?
એક જ ઘરમાં બે ભાઈઓ પ્રેમથી રહેતા હોય. પણ લગ્ન પછી બંને મા-બાપની મિલકત માટે ઝઘડે અને છૂટા પડે. અરે, મિલકત માટે મા-બાપને પણ ઘરમાંથી કાઢી મૂકે. ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી ઘરમાં રાખે, નહીં તો કતલખાનામાં મૂકી દે. એટલે કે, સ્વાર્થ સધાય ત્યાં સુધી પોતાના માને અને સ્વાર્થ ન સધાય ત્યારે પારકાં થઈ જાય. તો એને પ્રેમ ક્યાંથી કહેવાય?
જ્યાં પોતાનું બીજાને ન આપી શકે, ઊલટું બીજાનું પણ પોતે પડાવી લેવાની વૃત્તિ હોય, ત્યાં પ્રેમ હોઈ જ ન શકે. જ્યાં પોતાના જ ફાયદાનો વિચાર હોય, ત્યાં પ્રેમ ન હોય. આવી સ્વાર્થ બુદ્ધિ હોય ત્યાં મારા-તારાનો ભેદભાવ હોય. જ્યાં સ્વાર્થ છે ત્યાં પ્રેમ નથી.
સંબંધોમાં એકબીજા પાસે અપેક્ષા ઊભી થાય કે “હું તારા માટે આટલું બધું કરું છું, બદલામાં તે મારા માટે શું કર્યું?” દરેક વ્યક્તિને પોતે સારું કર્યું એના બદલામાં સામો કંઈ નહીં તો બે શબ્દ સારા બોલે, કામની કદર કરે એવી અપેક્ષા હોય. જ્યાં બદલાની અપેક્ષા છે ત્યાં પ્રેમ નથી.
જેના માટે રાગથી બધું કરી છૂટીએ, એ વ્યક્તિ આપણી અપેક્ષા પૂરી ના કરે તો એના માટે જ દ્વેષ થઈ જાય. બાળકોને ઉછેરીને મોટા કર્યા હોય તો એના બદલામાં એ લોકો આપણા કહ્યા પ્રમાણે કરે, સમાજમાં આપણું નામ ઉજાળે એવી મા-બાપને અપેક્ષા ઊભી થાય. છોકરાંઓ કંઈક અવળું કરે તો “તું મારા પેટે ના પાક્યો હોત તો સારું થાત!” એવા કડવાં વેણ નીકળી જાય. પતિ-પત્નીના સંબંધોમાં એકબીજા પાસેથી સુખ મેળવવાની અપેક્ષા હોય. પત્ની સારું સારું જમવાનું બનાવીને જમાડે એવી પતિને અથવા પતિ ઘરના કામમાં મદદ કરે, બહાર ધક્કા ખાય એવી પત્નીને અપેક્ષાઓ હોય. અપેક્ષા પૂરી ના થાય એટલે બંનેમાં કકળાટ શરૂ થાય. પત્ની પતિને કહે કે “તમે મને પ્રેમ નથી કરતા, તમે મારું ધ્યાન નથી રાખતા.” અને પતિને ફરિયાદ ઊભી થાય કે “તારી બધી અપેક્ષા મરી મરીને પૂરી કરું છું તોય તને સંતોષ નથી.” પરિણામે ઘરમાં ઝઘડા થાય.
સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. જ્યાં અપેક્ષા છે ત્યાં નરી આસક્તિ છે, મોહ છે.
સામો આપણી અપેક્ષા પ્રમાણે વર્તે અને પ્રેમથી બોલાવે તો આપણે ખુશ થઈ જઈએ અને અપેક્ષાથી વિરુદ્ધ વર્તે, અપમાનથી બોલાવે તો આપણે દુઃખી થઈ જઈએ. પણ સામો આપણી અપેક્ષા પૂરી કરે કે ના કરે તેની પાછળનું રહસ્ય આપણે નથી જાણતા. આ રહસ્ય અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને જણાવે છે.
“લોકો પ્રેમની આશા રાખે એ મૂરખ છે બધા, ‘ફૂલીશ’ છે. તમારું પુણ્ય હશે તો પ્રેમથી કોઈ બોલાવશે. એ પુણ્યથી પ્રેમ છે અને તમારા પાપનો ઉદય થયો એટલે તમારો ભઈ જ કહેશે, ‘નાલાયક છે તું, આમ છે ને તેમ છે.’ ગમે તેટલા ઉપકાર કરો તોય. આ પુણ્ય ને પાપનું પ્રદર્શન છે અને આપણે જાણીએ કે એ જ આવું કરે છે.
એટલે આ તો પુણ્ય બોલી રહ્યું છે, માટે પ્રેમ તો હોય જ નહીં. ‘જ્ઞાની પુરુષ’ પાસે જાય ત્યારે પ્રેમ જેવી વસ્તુ દેખાય. બાકી, પ્રેમ તો જગતમાં કોઈ જગ્યાએ ના હોય.”
કોઈ વ્યક્તિ માટે “આ મને ભવિષ્યમાં કામ લાગશે.”, “આ મને ફાયદો કરાવશે.” એવા આશય સાથે પ્રેમવાળો વ્યવહાર કરીએ તેને ઘાટ કહેવાય. જેમ કે, કોઈ ડોક્ટર ઘરે આવે તો “આવો આવો” કહીને એમની આગતા-સ્વાગતા કરીએ. એની પાછળ ભવિષ્યમાં પોતાને મોટી બીમારી આવશે, તો આ ડોક્ટર કામ લાગશે એવી લાલચ હોય છે. જ્યારે ઘરના જ સાઢુભાઈ આવે તો એમની સામે જોઈએ પણ નહીં. કારણ કે, એ આપણને કોઈ લાભ નથી આપવાના. આમ, ભવિષ્યમાં લાભ મેળવવાનો ઘાટ રાખીએ છીએ. પણ ભવિષ્યની આપણને ખબર નથી. કઈ ઘડીએ મૃત્યુ આવી જશે કહેવાય નહીં, તો પછી ઘાટ રાખવાનો શો અર્થ?
એવો ઘાટવાળો જ્યાં વ્યવહાર હોય ત્યાં સામાને પણ એનો પડઘો પડે કે “આમની દાનત મારી પાસેથી કંઈક લાભ લેવાની છે.” પછી ત્યાં અરસપરસ પ્રેમ ના રહે. ઘાટ વગરનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ કહેવાય. ઊલટું સાચા પ્રેમમાં તો આપી છૂટવાની, બલિદાનની જ ભાવના હોય.
ઘણા કહે છે કે અમને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે. પણ સાચો પ્રેમ કંઈ પણ હેતુ વગરનો હોવો જોઈએ, અહેતુકી હોવો જોઈએ. જો ઈશ્વરની પૂજા-ભક્તિ-દર્શન પાછળ એમની પાસેથી કંઈક પણ મેળવવાની કામના કે ઇચ્છા છે, તો ઈશ્વર માટેનો પ્રેમ પણ સાચો પ્રેમ નથી. “ભલું આખી દુનિયાનું કરજો, શરૂઆત મારાથી કરજો” એવા ઘાટ સાથે ભગવાનને પ્રેમ કરીએ એમાં ભગવાન પ્રત્યે આપણને અનન્ય પ્રેમ નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમ એવી ચીજ છે કે દોષ ના દેખાય. માટે દોષ દેખાય છે એ પ્રેમ નહોતો.”
જેમની સાથે રાત-દિવસ સાથે રહેતા હોઈએ, એમના દોષ જોયા વગર કોઈ રહી નથી શકતું. “આમણે આમ ના કર્યું, તેમ ના રાખ્યું, આમ નથી કરતા, કાયમ આવું જ કરે છે.” નજીકની વ્યક્તિઓ પ્રત્યે આવી ફરિયાદો અવારનવાર થતી જ રહે છે અને આપણે માનીએ છીએ કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ.
ખરેખર, જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં સામો જે કંઈ કરે એ બધું જ સ્વીકાર્ય હોય. આ તો પત્ની સરસ ભજિયાં બનાવીને લાવે તો એના ઉપર પ્રેમ વધી જાય, પણ એ જ પત્ની હીરાનો મોંઘો સેટ લેવા જીદ કરે અને પતિ આપી ન શકે ત્યારે એ ભારોભાર દોષિત દેખાય. પછી પત્ની ઉપર પ્રેમ ટકે? છોકરો સ્પોર્ટ્સમાં ઈનામ લઈને આવે, તો મા-બાપ રાજી રાજી થઈ જાય અને એ જ છોકરો પરીક્ષામાં નાપાસ થાય તો ગુસ્સાથી ઠપકારે. એને પ્રેમ ક્યાંથી કહેવાય? નવી પરણેલી વહુ સાસરીમાં આવી હોય અને સાસુએ અપમાન કર્યું હોય તો વહુને એની નોંધ પડી જાય. પછી આખી જિંદગી યાદ રહે. એક નેગેટિવ નોંધ પડી હોય એમાંથી અભાવ, દ્વેષ, તિરસ્કાર થયા જ કરે.
જ્યાં સતત રાગ અને દ્વેષ થયા કરે ત્યાં પ્રેમ ના હોય. જેના ઉપર પ્રેમ હોય, એનો એકેય દોષ જ ના દેખાય. સામાની એક ભૂલ ના દેખાય.
જ્યાં પ્રેમ હોય ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય. પોતાના છોકરાંને રમકડાં લાવી આપે અને દેરાણીનો છોકરો રમવા આવે તો કહે, “જલદી જલદી આને છૂપાવી દે” તો એ પ્રેમ ના કહેવાય. પ્રેમવાળો તો બધા ઉપર સરખું રાખે અને વિશાળ હૃદયથી કોઈ ભેદભાવ વિના સૌને સમાવી લે.
સંકુચિતતાનું સુંદર ઉદાહરણ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને આપે છે.
પ્રશ્નકર્તા: પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે?
દાદાશ્રી: સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત હોય ને, કે આટલા ‘એરિયા’ પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું? ચાર ભાઈઓ હોય અને ચારેયને ત્રણ-ત્રણ છોકરાં હોય અને ભેગા રહેતા હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં ‘અમારું, અમારું’ બોલે. ‘અમારા પ્યાલા ફૂટ્યા’ બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થાય તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે ‘એ તમારું ને આ અમારું.’ આમ સંકુચિતતા આવતી જાય. એટલે આખા ઘરમાં પ્રેમ જે વિકાસ હતો, તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયું.
રાગ અને મોહને પણ સંસારમાં લોકો પ્રેમ માને છે! પણ એ બંનેમાં બદલાની આશા હોય અને બદલો ના મળે ત્યારે અંદર જે વલોપાત થાય, તેના ઉપરથી ખબર પડે કે આ શુદ્ધ પ્રેમ નહોતો!
જ્યાં મોહથી એકબીજા સાથે બંધાયા હોય, ત્યાં મોહ ઊતરી જતા છૂટા પડી જાય. ખરેખર સાચો પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ છૂટા પડે નહીં. રાગના સંબંધોમાં સવળું થાય તો પ્રેમ અચાનક વધી જાય અને અવળું થાય તો પ્રેમ અચાનક ઘટી જાય. આ બંને આસક્તિ કહેવાય, પ્રેમ નહીં.
જ્યાં કોઈ પણ પ્રકારની કામના છે કે “મારે જોઈએ છે, કંઈક મેળવવું છે” ત્યાં મોહ છે, આસક્તિ છે. આસક્તિમાં વધારે પડતું અટેચમેન્ટ હોય, વ્યક્તિ માટે પઝેસિવનેસ (માલિકીભાવ) હોય. સામો પણ ગૂંગળાઈને કંટાળી જાય અને રિએક્શનમાં તરછોડ મારી દે. પછી પોતે ફરિયાદ કરે છે કે “હું એને આટલો બધો પ્રેમ કરું છું, તોય એ તરછોડ મારે છે.” પણ સાચા પ્રેમને કોઈ તરછોડ મારી ના શકે.
આપણે એવું માનીએ છીએ કે સંસારમાં જે માણસ ઈમોશનલ નથી એ પથ્થર જેવો છે. સંસારમાં લાગણી તો રાખવી જોઈએ. પણ ખરેખર ઈમોશનલપણું કે લાગણીવેડા એ આસક્તિ જ છે.
જેમ ટ્રેન મોશનમાં હોય, ગતિમાં હોય ત્યાં સુધી સલામત છે. પણ ટ્રેન ઈમોશનલ થઈ જાય, તો એક્સિડન્ટ થઈ જાય. તે જ રીતે મનુષ્ય સહજ હોય ત્યાં સુધી બધું બરાબર ચાલે છે, પણ જ્યારે ઈમોશનલ થાય, વધુ પડતી લાગણીથી ઉદ્વેગમાં આવે ત્યારે પ્રેમ તો દૂર રહ્યો, પોતાને અને સામાને દુઃખ આપી દેવાય છે.
સામો જરાક ધાર્યા પ્રમાણે ના કરે તો કમાન છટકે. જ્યાં વધારે પડતો મોહ હોય એમાં કંઈક છંછેડાય એટલે ઈમોશનલ થઈ જાય. સહજ વ્યવહારમાં બુદ્ધિ ડખો કર્યા કરે કે “આમ કરું કે ના કરું, સારું દેખાશે? ખરાબ દેખાશે?”, કોઈ ગણકારે નહીં તો “મને પૂછીને કેમ ના કર્યું? મારી કોઈ વેલ્યૂ જ નહીં?” આ બધું ઈમોશનલપણામાં જાય. ઈમોશનલ થવાથી શરીરમાં ઘણા જીવો મરી જાય છે.
ઈમોશનલપણું હોય કે લાગણી અને લાગણીવેડા, એ બંનેમાં પ્રેમ નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “કંઈ પણ લાગણી છે, આસક્તિ છે ત્યાં સુધી માણસને ‘ટેન્શન’ ઊભું થાય અને ‘ટેન્શન’થી પછી મોઢું બગડેલું હોય.”
પ્રેમની યથાર્થ વ્યાખ્યા પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આપણને સમજાવે છે.
પ્રેમ એટલે...
ટૂંકમાં, સાચા પ્રેમમાં અહંકાર-મમતા નથી. અઘટ અને અઘાટ પ્રેમ એ જ શુદ્ધ પ્રેમ છે! અને શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મ પ્રેમ છે.
Q. આસક્તિ અને પ્રેમમાં શું ફેર છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાનની દૃષ્ટિએ મોહ અને આસક્તિ એ પ્રેમ નથી. તેઓશ્રી આપણને લૌકિક માન્યતાથી વિરુદ્ધ... Read More
Q. કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું એટલે શું?
A. તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે... Read More
Q. લગ્નજીવનમાં પ્રેમ કઈ રીતે ટકે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આખી દુનિયા જીતવાની નથી, ઘર જ જીતવાનું છે.” ઘરમાં સૌથી નાજુક સંબંધ... Read More
Q. બાળકો પ્રત્યે પ્રેમથી કેવી રીતે વર્તવું?
A. વ્યવહારમાં બાળકો ફક્ત પ્રેમથી જ વશ થઈ શકે, ત્યાં બીજા બધા હથિયાર અંતે નકામા નીવડે. મા-બાપને એમ જ... Read More
Q. પરમાત્મ પ્રેમ એટલે શું? આવો પ્રેમ ક્યાં મળે?
A. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે!!! - પરમ પૂજ્ય દાદા ભગવાન શુદ્ધ પ્રેમ એ જ... Read More
Q. પ્રેમસ્વરૂપ કેવી રીતે થવાય?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમસ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે!” કારણ કે, આ જગત પ્રેમથી જ સુધરે... Read More
subscribe your email for our latest news and events