Related Questions

મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?

પ્રશ્નકર્તા: સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું? 

દાદાશ્રી: પરિણામ ગમે તે આવે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં અને નિકાલ થશે! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષેય થશે. વાઈફના ઋણાનુબંધ બહુ ચીકણા હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઈએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઈ જ જશે. ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે. પણ માંગનારો લઈ જ જશે. 

આ જગત ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવા બાંધ્યા તે જુદા. હવે આપણે નવા બાંધીએ નહીં ને જૂના આ ભવમાં ચૂકતે થઈ જ જવાના. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઈ ચાલ્યા નનામી લઈને! જ્યાં કંઈ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઈ જાય. પછી અહીં જેટલી ગૂંચો પાડી હોય તે જોડે લઈ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય.

×
Share on