દાન મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે.
એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.
આહારદાન એ પહેલા પ્રકારનું દાન છે. આહારદાનનો અર્થ છે ભૂખ્યાને જમાડવા. આજકાલ ઘણી ધાર્મિક સંસ્થાઓ અને સ્વયંસેવકો પોતાના વિસ્તાર કે શહેરમાં ભૂખ્યા લોકોને ભોજન કરાવવાના ઉત્તમ હેતુ અર્થે કાર્યરત છે. કેટલીક સંસ્થાઓ મફતમાં ભોજન પીરસે છે, તો કેટલાક અન્નનો બગાડ ના થાય તે હેતુથી રાહતદરે ભોજન પીરસે છે. તે બધું આહારદાનમાં જાય.
કોઈ માણસ આપણી પાસે આવીને કહે કે, “મને કંઈક આપો, હું ભૂખ્યો છું.” ત્યારે તેને જમવાનું લઈને આપીએ એ આહારદાનમાં સમાય. ઘણીવાર લોકો પોતાને ઘરે વધેલું ઘટેલું હોય તે ભિખારીને ખવડાવે છે, છતાં વધેલા અન્નનો સદુપયોગ થાય છે તે સારું છે. પણ ખરેખર તો નવું રાંધીને ભૂખ્યાને જમાડવું તેની વાત જ જુદી! કોઈ ભૂખ્યું આવે તેને આપણી પાસે જે તૈયાર હોય તે તરત આપવું જોઈએ.
સામાન્ય રીતે આહારદાન એકાદ ટંક માટે જ હોય છે, કાયમને માટે નથી હોતું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ભૂખ્યાને જમાડવું એ તેને એક દિવસનું જીવતદાન આપ્યા બરાબર છે. એક ટંક પેટ ભરીને જમે તો આજનો દિવસ તો એ જીવી જશે. પછી આવતીકાલે એને કોણ ખવડાવશે તેની ફિકર આપણે નહીં કરવાની. કાયમ અન્નદાન થાય કે ના થાય, પણ આપણી પાસે કોઈ માંગતું આવે, કે આપણા ધ્યાનમાં કોઈ ભૂખ્યું હોય તો તેને યથાશક્તિ જમાડવું.
બીજા પ્રકારનું દાન છે ઔષધદાન, એટલે કે, ઓછી સગવડવાળા મનુષ્યોને દવા લાવીને મફતમાં આપવી તે. ઔષધદાન આહારદાન કરતા ઉત્તમ ગણાય છે.
ઔષધદાનથી શું થાય? ધારો કે, કોઈ સાધારણ સ્થિતિના ઘરમાં વ્યક્તિ બીમાર હોય અને દવાખાનામાં ડોક્ટરને બતાવે, પછી ત્યાં તેને દવાનું પ્રિસ્ક્રિપ્શન મળે. પણ તેની પાસે દવા ખરીદવાના પૈસા જ ન હોય તો તે શું કરે? દવા જ ન ખરીદે. જો બીમારી વધતી જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. કોઈની આવી પરિસ્થિતિ આપણા ધ્યાનમાં આવે તો આપણે તેને દવા ખરીદવાના પૈસા આપીએ, અથવા ક્યાંકથી દવા લાવીને આપીએ અને પૈસા ન લઈએ, તો એ ઔષધદાન કહેવાય. કેટલાક દવાખાના અને હોસ્પિટલો પણ આવી વ્યક્તિઓને રાહતદરે તબીબી સારવાર અને દવાઓ પૂરાં પાડે છે, જે ઔષધદાનમાં સમાય.
આહારદાન મેળવનારને એકાદ-બે દિવસ પૂરતું જીવતદાન મળે છે. પરંતુ જો ઔષધદાનથી વ્યક્તિ સાજી થઈ જાય, તો બીજા મહિનાઓ કે વર્ષો સુધી જીવી જાય. તબીબી સારવાર કે દવામાં કરેલું દાન મનુષ્યને સ્વાસ્થ્ય બક્ષે અને વધુ લાંબો સમય જીવાડે છે. એટલું જ નહીં પણ તેને એટલો સમય વેદનામાંથી મુક્ત પણ કરે છે. માટે, આહારદાન કરતા ઔષધદાન વધારે કિંમતી કહેવાય છે.
ત્રીજા પ્રકારનું દાન છે જ્ઞાનદાન. લોકોને સન્માર્ગે વાળે તેવા પુસ્તકોનું દાન કરવું એ જ્ઞાનદાનમાં સમાય છે. તેને ઔષધદાન કરતા પણ ઊંચા પ્રકારનું દાન કહ્યું છે.
જે પુસ્તકો લોકોને સાચી સમજણ પાડી સાચા રસ્તે વાળે, અને લોકોનું કલ્યાણ થાય, તેવા પુસ્તકો છપાવવા, તેનું વિતરણ કરવું, લોકોને મફતમાં તે પુસ્તકો આપવા વગેરે જ્ઞાનદાનમાં સમાય છે. મફતમાં મળતા પુસ્તકોનો બગાડ ના થાય તે માટે રાહતદરે પુસ્તકો આપવા તે પણ જ્ઞાનદાનમાં સમાય.
જ્ઞાનદાનથી મળતાં પુસ્તકો થકી ધર્મની સાચી સમજણ મળે તો મનુષ્યનું વર્તમાન જીવન સુધરે, જીવનમાં ક્લેશ અને દુઃખો ઘટે. એટલું જ નહીં, આવતા ભવે ઊંચી ગતિમાં જન્મ થાય. તેમજ જો પુસ્તકમાં સત્ સમજણ મળે તો સુખ-દુઃખથી પર થઈને જીવન-મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષે જવાના દ્વાર પણ ખુલે. એક જ પુસ્તક કોઈના હાથમાં જાય તો કેટલો ફેરફાર થઈ શકે! જ્ઞાનદાનથી એક જ ભવ નહીં, ભવોભવનું કલ્યાણ થઈ શકે છે, માટે જ્ઞાનદાન દુનિયામાં બહુ ઊંચું ગણાય છે.
જેમની પાસે ધન વધુ હોય તે લોકોએ મુખ્ય જ્ઞાનદાનમાં લક્ષ્મી વાપરવી. પણ એ જ્ઞાન કેવું હોવું જોઈએ? જે જ્ઞાન લોકોને હિતકારી થાય તેવું જ્ઞાન. બહારવટિયાની કે વિષય-વિકારની વાતો છાપતાં પુસ્તકો, જેને વાંચીને મનુષ્યને આનંદ તો થાય પણ તે અધોગતિમાં લપસ્યા કરે, એને મફતમાં આપવા એ જ્ઞાનદાન નથી કહેવાતું.
એટલું જ નહીં, ધર્મના પુસ્તકો છપાવવા પાછળ પણ જો હેતુ કીર્તિ અને નામના મેળવવાનો હોય, તો તે ખરું જ્ઞાનદાન નથી ગણાતું. ધર્મનું પુસ્તક તો એવું હોય કે એમાંનું જ્ઞાન આપણને જીવનમાં કામ લાગે. નહીં તો બીજા ઢગલેબંધ પુસ્તકો છપાવીએ, પણ કોઈ વાંચે નહીં, અથવા એક વાર વાંચીને મૂકી દે અને તે જીવનમાં કામ ન લાગે તો તેનો કોઈ અર્થ નથી. પોતાના નામ અને કીર્તિ માટે પુસ્તકો છાપે તે નહીં, પણ લોકોને કામ લાગે તેવા પુસ્તકો વધુ છપાય તો જ્ઞાનદાનનું ફળ મળે.
સૌથી ઊંચામાં ઊંચું દાન અભયદાન કહેવાય છે. આપણા વર્તન, વિચાર ને વાણીથી કોઈપણ જીવને કિંચિત્માત્ર પણ ભય ના લાગે, ત્રાસ ના થાય એને કહેવાય અભયદાન. અભયદાન એકલું એવું દાન છે જેમાં પૈસાની જરૂર નથી પડતી.
પણ અભયદાન આપવું દરેકના હાથની વાત નથી. પરમ પૂજ્ય દાદાશ્રી પોતે, નાનપણમાં રાત્રે બાર વાગે ઘેર આવે તો બૂટ હાથમાં લઈને હળવેકથી આવે, જેથી કરીને રસ્તામાં સૂતેલા કૂતરાને પણ ઊંઘમાં ખલેલ ના પહોંચે. એ અભયદાનનું ઉદાહરણ છે.
અભયદાન સીધું વર્તનમાં આવે નહીં. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવા ભાવ પહેલા રાખવા. પછી જ એ ભાવ વર્તનમાં આવે. પણ ભાવ જ ન કર્યા હોય તો વર્તનમાં કઈ રીતે આવે? માટે અભયદાનને બહુ ઊંચું દાન કહ્યું છે.
સૌથી શ્રેષ્ઠ અભયદાન છે. પછી બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન આવે છે.
દાનમાં સીધેસીધા પૈસા આપવાને બદલે જરૂરિયાતવાળા લોકોને આ ચારમાંથી કોઈપણ પ્રકારે દાન કરી શકાય. ત્રણ પ્રકારના દાન જેમાં આહાર, ઔષધ અને પુસ્તકો આપીએ છીએ, તેમાં આડકતરી રીતે લક્ષ્મી ખર્ચાય છે.
જેમની પાસે સાધારણ પૈસા હોય તેમણે આહારદાન અને ઔષધદાન કરવા. વધુ પૈસા હોય તેમણે જ્ઞાનદાન આપવું. કારણ કે, વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. તેમજ બધાએ બને ત્યાં સુધી મનમાં અભયદાનની ભાવના ભાવ્યા કરવી. જેમની પાસે પૈસા ન હોય તેઓ પણ કોઈ જીવને દુઃખ ન થાય, ભય ન થાય એ રીતે જીવન જીવે તો એ અભયદાન કહેવાય છે.
કોઈપણ પ્રકારે કરેલું દાન એ ઉત્તમ જ છે. ટૂંકમાં, જ્યાં કોઈનું દુઃખ હોય, એ દુઃખ ઓછું કરવું, અને પૈસાને સન્માર્ગે વાપરવા તે બધું જ દાન છે.
Q. દાન એટલે શું? તેનું મહત્ત્વ શું છે?
A. દાન એટલે પારકાંને આપણું પોતાનું કંઈક પણ આપીને તેને સુખ આપવું તે. બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય... Read More
A. આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ... Read More
Q. દાન ક્યાં અને કેટલું આપવું?
A. આ કાળમાં દાન બહુ વિચારીને આપવા જેવું છે. પહેલાંના જમાનામાં સાચું નાણું આવતું, એટલે દાન પણ સાચું... Read More
Q. દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?
A. પ્રશ્નકર્તા: તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી? દાદાશ્રી: લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે... Read More
A. એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની... Read More
A. પ્રશ્નકર્તા: આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છે ને? દાદાશ્રી: કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે.... Read More
Q. મંદિરમાં શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપણે મંદિરોમાં ગયા'તા ને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને... Read More
Q. ગરીબોને શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની... Read More
Q. પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી... Read More
Q. શું કાળા નાણાંને દાનમાં આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે? દાદાશ્રી: દાન કરે છતાં નર્કે જાય એવાય... Read More
subscribe your email for our latest news and events