Related Questions

દાન એટલે શું? તેનું મહત્ત્વ શું છે?

દાન એટલે પારકાંને આપણું પોતાનું કંઈક પણ આપીને તેને સુખ આપવું તે.

બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય, તેમને સુખ આપવું એનું નામ દાન. પોતાની પાસે જે છે તે લોકો માટે, સારા કામ માટે ભેલાડી દેવું એ સાચું દાન.

જરૂરિયાતવાળા લોકોને પૈસા, ખાવાનું, પહેરવા-ઓઢવાનું, દવા વગેરે આપીને દુઃખના સમયમાં રાહત આપવી; મંદિરના બાંધકામ અને જાળવણી, મૂક પશુઓના રક્ષણ, ધર્મના પ્રસાર જેવા કાર્યો માટે ખર્ચ ઉપાડવો; શાળાઓ કે હોસ્પિટલો બંધાવીને ગરીબ વર્ગને સહાય આપવી વગેરે દાનમાં સમાય છે. ટૂંકમાં, પોતાના ઘર કે કુટુંબીજનો સિવાય, પારકાંના સુખ માટે જે કંઈ કરવામાં આવે છે તે બધું જ દાન છે.

દાનનું ફળ સુખ અને શાંતિ

બીજાને સુખ આપ્યું એટલે એના 'રિએક્શન'માં આપણને સુખ જ આવે, એ પણ તરત જ, ઘરબેઠાં! દાન આપવાથી એટલે કે, પોતાની વસ્તુ, પોતાના રૂપિયા બીજાને આપી દઈએ તો પણ અંદર સુખ ઊભું થાય, કારણ કે આપણે સારું કામ કર્યું. જે આપીએ તે મળે એવો નિયમ છે. બીજી બાજુ, કોઈનું પડાવી લઈએ તો આપણું પણ જતું રહે. સારું કામ કરીએ તો સુખ થાય અને ખરાબ કામ કરીએ તો દુઃખ થાય. એટલે સુખ અને દુઃખ પરથી આપણને ઓળખાય કે શું સારું ને શું ખરાબ.

મોટેભાગે દાન લક્ષ્મીથી હોય છે. પારકાં માટે અથવા ધર્મના કાર્યો માટે લક્ષ્મીનો ઉપયોગ થાય તો તે સદુપયોગ કહેવાય. દાન એટલે ખેતરમાં પુણ્ય વાવવું, પછી એ પુણ્યનું ફળ લણવું. પોતાના પૈસા પારકાં માટે વાપરવાથી આપણને અત્યારે સુખ તો મળે જ છે, સાથે સાથે પરભવની સેફસાઈડ પણ થાય છે.

દાન એ માનસિક શાંતિ મેળવવાનો અનોખો રસ્તો છે. પરમ પૂજ્ય દાદાશ્રી તે માટે દાનનું માહાત્મ્ય સમજાવે છે.

પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી કે કોઈને દાન આપવું? શું કરવું?

દાદાશ્રી: માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા.

એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે, તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય.

હમણે કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું હોય, તે ફાડીને તું બાંધે પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.

સાચી સમાધિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે સંસારમાં આપણને જેની ઉપર સૌથી વધારે વહાલ છે એ વહેતું મૂકવામાં આવે. સંસારમાં લોકોને લક્ષ્મી ઉપર અતિશય વહાલ છે. એને વહેતી મૂકીએ તો સમાધિ થાય.

દાનથી લક્ષ્મી વળે સવળે રસ્તે

લક્ષ્મીને ધર્મમાં વાળવી, કારણ કે, મુશ્કેલીના સમયે ધર્મ જ આપણને ધરી રાખશે.

પૈસાનો સ્વભાવ ચંચળ છે. એક દિવસ આવે, અને એક દિવસ બધા જતાં રહે. માટે પૈસા લોકોના હિત માટે વાપરવા જોઈએ. કારણ કે, જીવનમાં ગમે તેવા કર્મોના ઉદય વચ્ચે કે મુશ્કેલીના સમયમાં, પૂર્વે લોકોને જે મદદ કરી હશે તે કર્મનું ફળ અત્યારે આપણી મદદ કરશે.

જો લક્ષ્મીને સારા રસ્તે નહીં વાપરીએ તો જીવનમાં મોજશોખ માટે કે અવળે રસ્તે વપરાયેલી લક્ષ્મી અંતે ગટરમાં જશે! જેમની લક્ષ્મી સત્કાર્યોમાં ખર્ચાય એ મહાપુણ્યશાળી છે. માટે, મનુષ્યએ ખોટે રસ્તે ખર્ચ કરવામાં કંટ્રોલ કરવો જોઈએ, અને સારા રસ્તે ખર્ચ કરવામાં ડીકંટ્રોલ કરવો જોઈએ.

પરમ પૂજ્ય દાદાશ્રી સરળ ભાષામાં આ વાતને સમજાવતા કહે છે કે, “જે નાણું પારકાં માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોય પણ તમારી સિલક! પણ તમે ને તમારાં છોકરાંએ ખાધું, એ બધી તમારી સિલક ન હોય, એ બધું ગટરમાં ગયું.”

લાખો કમાતા હોઈએ તો વધારાની લક્ષ્મીનો કેટલોક ભાગ ધર્મમાં વાળી દેવો, એટલે આપણી જવાબદારી ન આવે. નહીં તો લક્ષ્મી સાચવવામાં બહુ જોખમ છે. તેમાંય આ કાળની લક્ષ્મી એક પેઢી પણ ટકતી નથી. પહેલાં તો લક્ષ્મી ત્રણ કે પાંચ પેઢી ટકતી હતી. કારણ કે આ કાળમાં મોટેભાગે લક્ષ્મી આવે તો પુણ્યથી છે, પણ ખર્ચાય ત્યારે પાપ બંધાવે એવી છે. માટે, જો સારા માર્ગે લક્ષ્મી નહીં જાય તો અંતે બધું ધૂળધાણી થઈને રહેશે.

નિયમ એવો છે કે આપણે જતા રહીશું, ત્યારે બેંકમાં જમા થયેલા પૈસા અહીના અહીં જ રહેશે. પણ જીવતેજીવ જે લક્ષ્મી આપણે ધર્મના કાર્યોમાં કે સત્કાર્યોમાં ખર્ચી હોય, તે આવતા ભવના ખાતામાં જમા થાય છે. જેનાથી લક્ષ્મીની કોઈ અડચણ પડશે નહીં.

લક્ષ્મી આપવાથી વધે

દાન એટલે આપીને લેવું. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે આપણે જે કરીએ તે આપણને પડઘારૂપે પાછું મળે છે, તે પણ વ્યાજ સાથે, અનેકગણું થઈને પાછું આવે છે. 

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “લક્ષ્મી તો આપવાની ઈચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે, છેતરાય, નોબિલિટી વાપરે ત્યાં આવે. આમ જતી રહેલી લાગે ખરી પણ આવીને પાછી ત્યાં ઊભી રહે.”

જેમ ઘરના સામસામે બે દરવાજા ખુલ્લા રાખીએ તો એક દરવાજાથી પવન અંદર આવે ને બીજેથી બહાર જાય. તેવી જ રીતે, લક્ષ્મીજી એક રસ્તે વપરાય તો બીજે રસ્તે બીજી આવ્યા કરે. પણ જો દરવાજા બંધ કરી દઈએ તો પવન રોકાઈ જાય. તેવી રીતે લક્ષ્મીજીને આંતરીએ તો એ એટલી ને એટલી જ રહે.

આપણે નક્કી કરવાનું છે કે કયા રસ્તે લક્ષ્મીને વાપરવી, સત્કાર્યોમાં અને પારકાં માટે દાનમાં કે પોતાના મોજશોખ અને કુટુંબીજનો માટે.

જે સાચો દાતાર છે તેને ત્યાં લક્ષ્મી ક્યારેય ખૂટે નહીં, પછી એ પાવડેથી ખોપી ખોપીને દાન ધર્માદા કરે તો પણ. સાચો દાતાર એટલે વર્ષમાં બે દિવસ ધર્માદા કરે એ નહીં, પણ આખી જિંદગી લોકોની મદદ જ કર્યા કરે. કેટલાક એવા દાતાર હોય છે, જેઓ સાત-સાત પેઢીથી લોકોને ધન આપ્યા જ કરતા હોય. જેમ કે, કોઈને દીકરી પરણાવવી છે તો તેને આપે. કોઈ બ્રાહ્મણ માંગતો આવે તો તેને આપે. કોઈને ઘર બનાવવા રૂપિયાની જરૂર હોય, સાધુ-સંતો માટે આશ્રમ બનાવવો હોય, ગરીબોને જમાડવાનું કાર્ય હોય, એ બધામાં જબરજસ્ત દાન આપ્યા જ કરે. તેથી એ દાતાર કહેવાય.

નાણાંનો સ્વભાવ એવો છે કે, જેમ બધાને આપ આપ કરે, તેમ નાણું વધ્યા કરે. એમાંય જો કદી સારી જગ્યાએ નાણું દાનમાં જાય તો પાર વગરનું વધે. પણ જો ચોરી કે અનીતિથી નાણું મેળવે તો એ ટકે નહીં.

જો કે, ધનના ઢગલા થતા હોય ત્યાં દાતાર થવાય. પણ ઘરમાં જ પૈસાની મુશ્કેલી હોય તો દાતાર થવા ન ફરવું. દાન આપવાનો આપણો ભાવ હોય તો ઘરમાં બધાની સંમતિ સાથે જ આપવું. ઘરની વ્યક્તિઓને કોઈ અડચણ નથી પડતી એની તપાસ કરીને પછી જ સન્માર્ગે પૈસા વાપરવા.

×
Share on