જીવનવ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્ત્વનું સાધન છે. પણ ક્યારેક જાણતાં-અજાણતાં વાણી અવળી રીતે અને અવળી જગ્યાએ વપરાય છે. અવળી વાણીના વિવિધ રંગરૂપમાં એક છે નિંદા-કૂથલી.
નિંદા એ રોજિંદા જીવનમાં સરળતાથી વણાયેલો દોષ છે. પહેલાં તો નિંદા ક્યારે થઈ જાય છે એ સમજવું અઘરું છે અને સમજાય પછી એને પકડવું ખૂબ અઘરું છે. અહીં નિંદાના સ્વરૂપ, તેની પાછળનાં કારણો, નિંદા કરવાના જોખમો અને તેમાંથી નીકળવાની સમજણ પ્રદાન થઈ છે.
નિંદા એટલે શું?
કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવી એ નિંદા કહેવાય. નિંદા ખાસ કરીને વ્યક્તિની પીઠ પાછળ, તેની ગેરહાજરીમાં થતી હોય છે. સામાને કંઈ પણ નુકસાન થાય, સામાને ખરાબ લાગે એવું વાક્ય બોલવું, એ બધું નિંદા જ કહેવાય.
ટીકા અને નિંદામાં ફેર છે. ટીકા એટલે સામાના દેખાતા દોષો ખુલ્લા કરવા. જ્યારે નિંદા એટલે સામામાં દેખાય કે ન દેખાય, તોય તેનું બધું અવળું જ બોલ બોલ કરવું.
નિંદાનાં લક્ષણો
આપણી આસપાસ આખો દિવસ નિંદા-કૂથલી ચાલ્યા જ કરતી હોય છે. પાડોશીની, કુટુંબીઓની, ઓફિસમાં લોકોની કે દેશના નેતાઓ અને ધર્મના વડાઓની નિંદા લોકો ડગલે ને પગલે કરતા જ હોય છે. લોકો નવરા હોય ત્યારે ઓટલા પરિષદ ભરાય અને નિંદા-કૂથલી ચાલુ થાય કે, “ફલાણાએ આમ કર્યું ને તેમ કર્યું.”
આ જગત પણ કેવું છે કે સાચી વાત સાંભળનાર કોઈ ના મળે ને જૂઠી વાત સાંભળનાર ઠેર ઠેર મળે. અરે, લોકો તો મૃત્યુ પામેલી વ્યક્તિની પણ નિંદા કરવાનું છોડતા નથી.
નિંદા કરવા પાછળના કારણો
લોકો નિંદા ક્યારે સૌથી વધારે કરે? જ્યારે કોઈ વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય હોય ત્યારે. અભિપ્રાય બંધાવાના અનેક કારણો હોઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ તરફથી અપમાન થયું હોય, આપણું ધાર્યું ના થયું હોય કે આપણું નુકસાન થયું હોય, ત્યારે નેગેટિવ અભિપ્રાય પડે. પછી રાગ-દ્વેષની પરંપરા સર્જાય અને તે નિંદારૂપે બહાર નીકળે.
મનુષ્યનો સ્વભાવ એવો છે કે બીજાને ખરાબ ઠેરવે, તો જ પોતે સાચો અને સારો ઠરે. એટલે પોતાને વધુ સારા અને ઊંચા સાબિત કરવા માટે નિંદા કે બદબોઈ કરીને આપણે બીજાને વગોવીએ છીએ.
નિંદાનું બીજું અને સૌથી મોટું કારણ છે સ્પર્ધા! મનુષ્યના જીવનમાં સ્પર્ધાથી પ્રગતિ થઈ અને પછી એ જ સ્પર્ધામાંથી નિંદાઓ શરૂ થઈ. સ્પર્ધાનો સદુપયોગ તે પ્રગતિ અને દુરુપયોગ એ નિંદા. જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે. હરિફાઈમાં પડેલા લોકો “હું મોટો ને પેલો છોટો” એમ સાબિત કરવા જ ફરતા હોય. ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને નીચા પાડવા, એ ડફોળ છે અને હું વધારે જાણું છું તે સાબિત કરવા તેમની નિંદા કરતા હોઈએ છીએ, જેમાં પોતાના સ્વભાવનું જ પ્રદર્શન થાય છે.
વાસ્તવિકતામાં પોતાને મહીં દુઃખ હોય છે, તેથી શાંતિ માટે સામાની નિંદા-કૂથલી અને ટીકા કરે છે. નિંદા કરનારને પોતે શું કરે છે તેનું ભાન જ નથી હોતું. સુખી માણસ કોઈ દિવસ બીજાની નિંદા કે ટીકા ન કરે.
નિંદાના જોખમ
નિંદા એ અધ્યાત્મ માર્ગે ખૂબ મોટો બાધક દોષ છે.
જગતનો વ્યવહાર એવો છે કે આપણે જે આપીશું તે આપણી પાસે આવશે. આપણે કોઈની નિંદા કરીશું તો આપણે નિંદ્ય થઈશું.
પોતાને ઊંચા સાબિત કરવા બીજાની નિંદા કરવાથી ખરેખર આપણે ઊંચા નથી આવતા કે આપણને સુખ નથી આવતું.
કોઈનીય નિંદા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે! નિંદા અને ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે. આપણા સમય અને શક્તિ નાહકના વેડફાઈ જાય છે.
નિંદાના જોખમ માટે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “એક કલાકની નિંદામાં આઠ પશુઓનું આયુષ્ય મનુષ્ય બાંધે છે.” નિંદા કરીને મનુષ્ય ચાર ગતિમાં ભટક્યા કરે છે. એટલે નિંદા કરવી એ જોખમી વેપાર છે. વિચક્ષણ માણસ એને કહેવાય કે આ નિંદા કરવાથી શું પરિણામ આવશે એ એના લક્ષમાં હોય.
વાતાવરણ પરમાણુઓથી ભરેલું છે. આપણે એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો બોલીએ તો તેનાં સ્પંદનો સામાને પહોંચી જ જાય.
દરેક મનુષ્યમાં આત્મારૂપે ભગવાન રહેલા છે. મનુષ્યોની નિંદા કરવી એટલે ભગવાનની નિંદા કર્યા બરાબર છે. નિંદા એટલે હિંસા કર્યા બરાબર છે. કોઈ વ્યક્તિની નિંદા કરવી એ તેને માર્યા બરાબર છે.
નિંદા એ હિંસકભાવ છે, તેનાથી પાપકર્મ બંધાય છે. નિંદા કરવી ખોટી છે એમ સમજે અને નિંદા થયા પછી પસ્તાવા કરે, તો દિલ ચોખ્ખું થાય. પણ જો નિંદા કરવામાં આનંદ આવતો હોય, તો તે અધોગતિના કર્મ બાંધે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આ વાણી તો સરસ્વતી દેવી છે, નિંદા ના કરાય. જો દુરુપયોગ કરેને તો લક્ષ્મીજી રિસાય. તિરસ્કાર અને નિંદા જ્યાં હશે, ત્યાં લક્ષ્મી નહીં રહે. લક્ષ્મી ક્યારે ના મળે? લોકોની કૂથલી-નિંદામાં પડે ત્યારે. ત્યારે લક્ષ્મી આવતી બંધ થઈ જાય. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે!” માટે, નેગેટિવ વાણી, નિંદા કરનારી વાણી કે બીજાને દુઃખ આપનારી વાણી ના બોલવી જોઈએ.
નરસિંહ મહેતાએ કહ્યું છે કે,
“વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે”.
ફક્ત વૈષ્ણવ જ નહીં, ખરો માણસ એને કહેવાય જે કોઈની નિંદામાં ન પડે. એટલું જ નહીં, બધા લોકોના પોઝિટિવ ગુણો જોઈને તેને વંદન કરે. આપણે કોઈના ગુણગાન કરીએ તો નફો થાય અને નેગેટિવ બોલીએ તો આપણને ખોટ જાય. પણ મનુષ્યોને હિતાહિતનું ભાન નથી અને ઉઘાડી આંખે ઊંઘે તેવી દશા થઈ છે. નિંદા કરીને તેઓ પોતાનું અહિત જ કરી રહ્યા છે, જાણીજોઈને ખોટ ખાય છે.
નિંદામાંથી નીકળવાના ઉપાય
નિંદામાંથી નીકળવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પોઝિટિવ ચર્ચા. કોઈના નેગેટિવ જોઈને નેગેટિવ ચર્ચા કરવાને બદલે એના પોઝિટિવ શોધી કાઢવા અને પોઝિટિવ વાતો કરવી. આપણે બીજા વિશે સારું બોલીશું તો અંદરથી ખરું સુખ આવશે. પછી એ પકડીને ચાલવું જોઈએ.
બોલવું હોય તો કોઈનું સારું બોલવું, પણ ખરાબ ન જ બોલવું. ગમે તેટલો ખરાબ માણસ હોય પણ તેના જીવતેજીવ કે મૃત્યુ પામ્યા પછીયે તેના વિશે ભૂંડું ના બોલવું. આ દુનિયામાં પોતાની જ ભૂલો જોઈને તેને સુધારવા જેવું છે.
આપણે નિંદામાં ન પડીએ, પણ સામેથી કોઈ નિંદા કરતું આવે તો આપણે કોઈ બહાનું કાઢીને ઊઠી જવું, અથવા ત્યાં મૌન રહેવું, પણ નેગેટિવમાં સહમત ના થવું. આપણે નવરા હોઈએ તો પુસ્તક કે બીજું કંઈક લઈને બેસવું, પણ નિંદા ન કરવી.
લોકો આપણી નિંદા કરે તો તેની છૂટ રાખવી, વાંધો નહીં ઉઠાવવો અને શાંતિથી વિચારવું, પણ આપણે કોઈની નિંદામાં ન પડવું.
જે વ્યક્તિ હાજર ન હોય તેની બિલકુલ નેગેટિવ વાત ન કરવી. આપણી ઈચ્છા નથી છતાં થઈ જાય તો માફી માંગવી કે, “હે ભગવાન મારાથી નેગેટિવ બોલાઈ ગયું, તેની માફી માંગું છું. ફરી નહીં કરું એવો નિશ્ચય કરું છું. મને એ માટે શક્તિ આપો.” આમ પશ્ચાત્તાપ લેવાથી પણ નિંદાનું જોખમ ટાળી શકાય.
