ઈરિટેશનનો અર્થ
ઈરિટેશન એટલે અકળામણ. ઈરિટેશન એ ક્રોધનો પ્રકાર છે.
ક્રોધ એ ઉઘાડો, બહાર દેખાય એવો હોય છે. જ્યારે ઈરિટેશન એટલે કે, અકળામણ એ સૂક્ષ્મમાં ક્રોધ છે, જેમાં મોઢેથી કશું ના બોલે પણ અંદર અકળામણ થઈ જાય.
અકળામણ બહાર આવી જાય, વ્યક્ત થઈ જાય તો પછી ક્રોધ થઈ ગયો કહેવાય. પણ ઈરિટેશનમાં તો અંદર ને અંદર ચૂન ચૂન થયા કરે, મહીં ચરચરી જાય. જેને આપણે ઈરિટેટ થઈ જવાય, અકળાઈ જવાય એમ કહીએ છીએ.
સફોકેશન અને ઈરિટેશન બેઉ જુદા છે. સફોકેશન એટલે ગૂંગળામણ, જેમાં ન કહેવાય, ન સહેવાય એવી પરિસ્થિતિ હોય છે. પણ ઈરિટેશન એટલે અંદર ને અંદર અકળામણ થવી તે.
ઈરિટેશનની જગ્યાઓ
કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય કે એ વાત વાતમાં ઈરિટેટ થઈ જાય. જ્યારે કેટલાકનો સ્વભાવ એવો હોય કે એમની બોલચાલથી જ આજુબાજુ બધા ઈરિટેટ થઈ જાય.
સવારથી સાંજ સુધીમાં વાતવાતમાં ઈરિટેશન થયા કરતું હોય છે, પછી એ કોઈ વ્યક્તિથી હોય કે પરિસ્થિતિથી. પણ પોતાને એની ખબર નથી પડતી.
ડગલે ને પગલે, બાળકોથી, પતિ કે પત્નીથી, નોકરોથી, આડોશ-પાડોશના લોકોથી, ધંધામાં કે ઓફિસમાં, સગાંવહાલાંને કારણે આપણને ઈરિટેશન થતું હોય છે.
જેમ કે, બધા જમવા બેઠા હોય ત્યારે કોઈ રૂમાલ કાઢીને જોરથી નાક છીંકે એટલે આજુબાજુવાળા ઈરિટેટ થઈ જાય. કરનારને પોતાને ખબર જ ના હોય કે એનાથી બીજા ઈરિટેટ થાય છે. એ તો પોતાની ધૂનમાં જ હોય. આપણે શાંતિથી જમતા હોઈએ ને કોઈ માથે આવીને ઊભું રહે એટલે ઈરિટેશન થાય ને શાંતિથી જમાય પણ નહીં.
કેટલાક લોકોને દાંતને બદલે ચોકઠું હોય ને બરાબર જમવાના ટેબલ ઉપર પહેરે, ને જમવાનું પૂરું થાય એટલે થાળીમાં કાઢીને ધોવા માંડે. એટલે આજુબાજુવાળાને ઈરિટેશન થાય ને ખાવાનું ગળે ન ઊતરે. એમનું મોઢું પણ બગડે પણ બહાર કશું બોલી ન શકે.
કેટલાક લોકોને વાતવાતમાં ડબકું મૂકવાની ટેવ હોય. બે જણ શાંતિથી વાતો કરતા હોય ને ત્રીજી વ્યક્તિ આવીને તૃતીયમ જ વાત શરૂ કરે. કોઈએ પૂછ્યું ના હોય કે કોઈ લેવાદેવા ના હોય તોય વાત શરૂ કરે. એમાંય બે જણને એમની વાત પૂરી કરવાની ઉતાવળ હોય ને આ વચ્ચે ડખલ કરે એટલે બેઉ ઈરિટેટ થાય, કંટાળે.
ઘણા લોકોને બોલ બોલ કરવાની આદત હોય એનાથી લોકો ઈરિટેટ થઈ જાય ને એમનું માથું દુઃખી જાય. પાછું ઢંગધડા વગરનું નોન-સ્ટોપ બોલે! લોકો પણ કહે કે બોલવાનું ઓછું કરો, પણ એમને મગજમાં ઊતરે જ નહીં, રેડિયો બંધ ના થાય.
કેટલાક લોકો એવા વિચિત્ર રાગમાં ગાતા હોય કે સાંભળનાર કંટાળે. ગાનારને પોતાને ખબર જ ના પડે ને પોતે તાનમાં ને તાનમાં એમ જ માને કે હું લતા મંગેશકર કે મહમ્મદ રફી જેવું ગાઉં છું. એમાંય માઈક હાથમાં આવે તો છોડે જ નહીં, એક ને બદલે સાત-આઠ ગીત ગાઈ કાઢે. એટલે સાંભળનાર બધા ઈરિટેટ થતા હોય.
હસબન્ડ-વાઈફને પણ વાતવાતમાં એકબીજાથી ઈરિટેટ થયા કરતું હોય. જેમ કે, વાઈફને બરાબર ઊંઘ આવતી હોય ને હસબન્ડ વારેવારે રૂમમાંથી બાથરૂમમાં આવ-જા કરે કે પછી અવાજ કરીને બ્રશ કરે, ખોંખારો કરીને ગળફા કાઢે, નાક સાફ કરે એટલે વાઈફ ઈરિટેટ થઈ જાય. પછી ઘરમાં બીજી રૂમ હોય તો બંને જુદા જુદા રૂમમાં સૂઈ જાય.
હસબન્ડ ઘરને અસ્તવ્યસ્ત કરી નાખે, કપડાં વ્યવસ્થિત રાખે નહીં, નાહવા જાય તો અચૂક ટોવેલ ભૂલી જાય ને પછી બૂમાબૂમ કરે. વાઈફ રસોઈ કરતી હોય ને દોડીને એને ટોવેલ આપવા જવું પડે. આ બધી નાની નાની બાબતો હોય, પણ વાઈફને ઈરિટેટ થયા કરતું હોય છે.
રાત્રે રૂમમાં જોડે સૂતા હોય ને કોઈના જોરજોરથી નસકોરાં બોલે, એટલે બાજુવાળાને ઊંઘ ના આવે, આખી રાત ઈરિટેટ થયા કરે. એક તો નસકોરાંને કારણે ઊંઘ ના આવે, પછી ઈરિટેશનને કારણે ઊંઘ ના આવે. પછી સવારે એ વ્યક્તિ પર તૂટી પડે કે તમારા કારણે મારી ઊંઘ બગડે છે.
આજકાલના છોકરાંઓ મા-બાપથી બહુ જલદી ઈરિટેટ થઈ જતાં હોય છે. ઘરમાં ઘરડાં મા-બાપ કે સાસુ-સસરા હોય તો એમની આદતો જૂનવાણી હોય. જ્યારે એમના સંતાનોની આદતો આધુનિક હોય. એટલે સંતાનોને બહુ ઈરિટેશન થયા કરે. એમને બ્રશ કરવા જોઈતું હોય ને વડીલોને દાતણ કરવા જોઈએ, તો સંતાનોને એમાં ગંદવાડો લાગે.
કેટલીક સાસુઓ રસોડામાં વહુ કામ કરતી હોય તો વચ્ચે જઈને ડખો કર્યા કરે, એટલે વહુ ઈરિટેટ થઈ જાય. વહુ સાસુને કહે કે, “તમે શાંતિથી બેસી રહો, તમને જે માંગો એ હાજર કરીશું.” તોય સાસુ સખણા બેસી ના રહી શકે.
દરેક માને એના બાળકોને જમાડવાનો મોહ હોય. પછી બાળકો મોટી ઉંમરના થઈ જાય તો પણ વધુ પડતી લાગણીથી આગ્રહ કરીને ખવડાવ ખવડાવ કરે. એટલે બાળકો ઈરિટેટ થયા કરે.
ઓફિસમાં કોઈને કામ સોંપ્યું હોય અને એ કામ ના કરે તોય અંદર ઈરિટેશન થયા કરે. ઘરમાં દેરાણી કામ ન કરે અને જેઠાણીને ભાગે જ કામ આવ્યા કરે તોય તે અંદર ઈરિટેટ થયા કરે.
કેટલાક લોકોને કંઈક કામ સોંપ્યું હોય અને ભૂલી જ ગયા હોય. ઉપરથી, પોતે કબૂલ ના કરે કે ભૂલી ગયા ને કહે કે તમે કહ્યું જ નહોતું. પછી સામેવાળા ઈરિટેટ થઈ જાય.
કોઈ વાહન આપણી ગાડીને ઓવરટેક કરી જાય, રોંગ સાઈડથી ચલાવે, કોઈ જોરજોરથી હોર્ન વગાડે, ખાસ કરીને ભારતમાં રસ્તામાં ગાયો-ભેંસો આવી જાય, તો ઈરિટેટ થઈ જવાય. એમાંય કોઈ ડ્રાઈવરની સીટની બાજુમાં બેસીને બૂમાબૂમ કરે કે “તમને ગાડી ચલાવતા નથી આવડતી.” તો એનાથી વધારે ઈરિટેટ થવાય.
કેટલાકને તો એટલું બધું ઈરિટેશન અંદર ઠાંસી ઠાંસીને ભરાઈ જાય કે રાતે ઊંઘવા ના દે અને મહીં એટલી બધી અકળામણ કરાવે કે, જ્યાં સુધી બૂમાબૂમ ના કરે ત્યાં સુધી એને ચેન ના પડે. રાતે બે વાગે ઊઠીને પોતે અકળાય, બૂમાબૂમ કરે અને બધાયને અકળાવી નાખે, એટલો બધો એનો ફોર્સ આવી જાય.
ઈરિટેશનનો રોગ ભારે છે. પોતાને અંદર ક્યાં પ્રોબ્લેમ છે એ ખબર જ ના પડે. મોઢે બોલાય નહીં પણ અંદર ગમે નહીં, અકળામણ થાય. પણ અકળામણનો ઉપાય શું એ જડે જ નહીં. પરિણામે ઈરિટેશન ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે. લગ્નને પચ્ચીસ-ત્રીસ વર્ષ થયા હોય તોય પતિ-પત્નીને એકબીજાથી ઈરિટેટ થવાનું બંધ જ ના થાય, રોજ કચકચ થાય.
ઈરિટેશનના કારણો
ઈરિટેશન થવા પાછળનું મુખ્ય કારણ સેન્સિટિવ પ્રકૃતિ છે. જેમની પ્રકૃતિ બહુ સેન્સિટિવ હોય, એ નાની નાની વાતમાં ઈરિટેટ થઈ જાય.
સેન્સિટિવ એટલે હોય એના કરતાં વધારે અસર થાય. સામેવાળો સ્વાભાવિક રીતે એની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, એને કશું ના થતું હોય, પણ સેન્સિટિવ પ્રકૃતિવાળાને નાની અસરનું મોટું સ્વરૂપ થઈ જાય.
બીજું, જ્યારે આપણા ધાર્યા પ્રમાણે ના થાય, આપણું ના ગમતું થાય, ત્યારે પણ અંદર ઈરિટેશન થાય. જેમ કે, ઘરમાં બાળકો કે મોટી ઉંમરના આપણું કહ્યું માને નહીં, આપણું ના ગમતું કરે ત્યારે ઈરિટેટ થઈ જવાય.
આપણા અભિપ્રાયોને કારણે પણ ઈરિટેશન થાય. એમાંય પતિ-પત્નીને એકબીજા માટે ખૂબ જ ઈરિટેશન થતું હોય. કારણ કે બંનેને એકબીજા માટે એટલા બધા અભિપ્રાય પડી ગયા હોય કે, “આ આમ જ કરશે. આ આવા જ છે.” વગેરે. એટલે આખો દિવસ જે-જે ક્રિયાઓ થાય, ખાવાની, સૂવાની, ઊઠવાની, છાપું વાંચવાની, નહાવા-ધોવાની, એમાં બંને એકબીજાથી સતત ઈરિટેટ થયા કરતા હોય. ઉપરાંત પુરુષો મોટેભાગે ભૂલકણા હોય અને એમના કામમાં સ્ત્રીઓ જેટલી ચોકસાઈ ન હોય. પત્નીએ કામ સોંપ્યું હોય એમાં પતિની ભૂલ થાય એટલે પત્નીને ઈરિટેશન થાય.
ઘણી વખત વિચારો અને ગ્રાસ્પિંગની ઝડપ જુદી જુદી હોય તો પણ બહુ જલ્દી ઈરિટેટ થઈ જવાય. વિચારોની સ્પીડને રિવોલ્યુશન કહે છે. એક વ્યક્તિના રિવોલ્યુશન્સ ઝડપી હોય, એ હાઈપર હોય અને સામાના રિવોલ્યુશન્સ ધીમા હોય, એટલે હાઈપર વ્યક્તિ કોઈ વાત કહે એને સામો સમજે નહીં અથવા તો તૃતીયમ અર્થ કાઢે તો તે તરત ઈરિટેટ થઈ જાય.
ઈરિટેશન પોતાની નબળાઈ છે. છતાં તેમાં ઈરિટેટ કરનાર વ્યક્તિને દોષિત જોવાથી ઈરિટેશન બંધ થતું નથી અને ચાલુ જ રહે છે.
ઈરિટેશન સામે ઉપાયો
દિવસમાં આપણે ઘણી વખત ઈરિટેટ થઈ જતા હોઈએ છીએ, પણ ક્યારેય આ બાબત ઉપર વિચાર નથી કરતા.
ઈરિટેશન તરત બંધ કરવા જઈશું તો એ ક્યારેય બંધ નથી થાય. પણ ઈરિટેશનને ઓળખીએ અને તેની સામે આપણે જાગૃત રહીએ તો એમાંથી છૂટી શકીએ.
ઈરિટેટ થવું એ આપણી નબળાઈ છે. આપણે સેન્સિટિવ છીએ. સામાની પ્રકૃતિ તો છે જ ઈરિટેટ કરવાવાળી, એ આપણનેય કરે ને બીજા બધાનેય ઈરિટેટ કરતી હોય. પણ આપણે ઈરિટેટ થઈએ છીએ તે આપણી જ ભૂલ છે. પહેલાં તો આપણે નક્કી કરીએ કે આ નબળાઈ મારે કાઢવી જ છે.
આપણે એનાલિસિસ કરવું કે દિવસમાં ક્યાં ક્યાં, કોની જોડે અને કયા કારણથી ઈરિટેટ થવાય છે. કોઈ વ્યક્તિથી ઈરિટેટ થતું હોય, તો આપણે સમજવું કે આપણા અકળાવાથી સામાની પ્રકૃતિ સુધરી જશે એમ થવાનું નથી. ઊલટું, એ વ્યક્તિ વધારે ગૂંચાશે. કારણ કે એમનો આશય નથી ઈરિટેટ કરવાનો.
ઈરિટેટ કરનાર વ્યક્તિ નિર્દોષ છે એમ માનીશું તો જ આ નબળાઈ જશે. કારણ કે ઈરિટેટ કરનાર તો પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એ જાણીજોઈને નથી કરતા કે એને પોતાને ખબર પણ નથી પડતી કે મારાથી કોઈ ઈરિટેટ થાય છે.
આપણને કોઈ વ્યક્તિની એક આદતથી ઈરિટેશન થતું હોય અને આપણે તેમને સમજાવીને કહીએ, કડક શબ્દોમાં ઠપકો આપીને કહીએ, દસ વખત કહીએ તો પણ એમને સમજાય નહીં અને એ આદત ચાલુ જ રહે, તો આપણે ના સમજીએ કે સામી વ્યક્તિમાં કોઈ ફેરફાર થાય એવું નથી! આપણને તકલીફ થાય છે, માટે વાંક આપણો છે. માટે અંતર્મુખ થઈને આપણે પોતાની ભૂલ તપાસવી જોઈએ. જે કારણથી ઈરિટેશન થતું હોય, તેનું નિરાકરણ લાવવું જોઈએ.
ધારો કે, કોઈ વ્યક્તિ આપણી પાસે કશું શીખવા આવે અને આપણે એક વખત, બે વખત, ત્રણ વખત સમજાવીએ. તો પણ એ ના સમજે એટલે આપણી ધીરજ ખૂટી જાય ને તરત આપણે ઈરિટેટ થઈ જઈએ, પછી એ વ્યક્તિને સમજાવવાનું ટાળીએ. એનો સામાને પણ પડઘો પડે કે આ મને ટાળે છે, અંદર અકળાય છે. ત્યારે આપણે ઈરિટેટ થવાને બદલે વિચારવું કે આપણને સમજાવતા નથી આવડતું એ આપણી કચાશ છે. સામાને નથી સમજાતું, એટલે જ તો આપણી પાસે સમજવા આવે છે. એમની લાચારી છે, બીજે કોની પાસે શીખવા જાય? આપણે ઠંડા કલેજે, સમતાથી સાંભળીએ અને સમજાવીએ તો જ સામાને શીખવાડી શકીએ.
કેટલીક વ્યક્તિઓને આપણે અનેક વખત સમજાવીએ છતાં તે સમજે નહીં. એનું કારણ એવું હોય કે ઘણીવાર તેઓ સાંભળતા હોય, કાન આપણી વાતમાં હોય અને એમનું ધ્યાન ક્યાંક બીજે હોય. એટલે પછી આપણી વાત એમને રજિસ્ટર ના થાય. પછી આપણે કહ્યું હોય એનાથી કંઈક ઊંધું જ કરી આવે. તે વખતે સમજવું કે સામાને પહોંચતું નથી, એટલે એમનું ધ્યાન પડે એ રીતે બે-ત્રણ વખત સમજાવવું. જેમ કે, પલંગમાં સૂતા સૂતા એર કન્ડિશનરને રિમોટ કંટ્રોલથી ચાલુ કરવા જઈએ, પણ એની બેટરીનો પાવર ખલાસ થવા આવ્યો હોય કે એ.સી.નું સેન્સર નબળું હોય, તો આપણે ગમે એટલી વખત રિમોટની સ્વિચ દબાવીએ એ.સી. ચાલુ જ ના થાય. પછી આપણે રિમોટ એ.સી.ની નજીક લઈ જઈને બટન દબાવીએ તો એ ચાલુ થાય. તેવી રીતે, માણસોને આપણી વાત ન પહોંચે તો સમજવું કે રિસીવર નબળું છે. આપણે અકળામણ ન કરવી અને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરવો.
ધારો કે, પત્ની સરસ મજાનું જમવાનું બનાવીને પતિને પીરસે. પત્નીને ખૂબ ભાવ હોય કે પતિને ભાવે એવું બનાવીને જમાડું. પણ આખી થાળી પીરસી અને પાણી કે છાશનો ગ્લાસ મૂકવાનું ભૂલી જાય, તો પતિને અંદર ચૂન ચૂન ચાલુ થાય, ઈરિટેશન થાય. હવે એ વખતે પત્ની કેટલા ભાવથી જમાડે છે એ પોઝિટિવ જોવું. પોતે એડજસ્ટ થઈ જાય તો ઈરિટેશન ન થાય. જેમ કે, વરસાદમાં આપણે આખા રસ્તે માંડવો નથી બાંધતા, પણ છત્રી લઈને નીકળીએ છીએ, તેમ ઈરિટેશન થવાની જગ્યાએ આપણે એડજસ્ટ થઈ જવું.
ક્યારેક કોઈ વ્યક્તિ નહીં પણ પરિસ્થિતિ આપણને ઈરિટેટ કરી નાખે. જેમ કે, આપણે વાંચવા બેઠા હોઈએ ને કેલેન્ડરનું પાનું ઊડતું હોય, પ્લાસ્ટિકની કોથળીઓનો અવાજ આવતો હોય, કૂકરની સીટીનો અવાજ આવે તો આપણે અપસેટ થઈ જઈએ. આપણને શાંતિ જોઈતી હોય ત્યારે બહાર લાઉડસ્પીકરમાં જોર જોરથી ગીતો વાગે આપણે ઈરિટેટ થઈ જઈએ. એ વખતે નેગેટિવ થવાને બદલે આપણે પોઝિટિવ ગોઠવવું, કે બહુ સરસ અવાજ છે, બહુ સરસ અવાજ છે. પછી એ અવાજ આપણને નડતો બંધ થઈ જશે.
આપણને ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય અને રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય, ત્યારે આપણને અકળામણ થઈ જાય. પણ ત્યાં સમજવું કે આપણા અકળાઈ જવાથી ટ્રાફિક ઓછો નહીં થાય ને આપણે વહેલા નહીં પહોંચીએ. બને તો વહેલા નીકળવાનો ઉપાય કરવો. તેમ છતાં અટવાઈ ગયા, તો શાંતિથી ગાડીમાં મ્યુઝિક ચાલુ કરીને ધીરજથી રાહ જોવી, પણ અકળાવું નહીં.
ક્યારેક આપણી કોઈ ટેવથી સામી વ્યક્તિ ઈરિટેટ થતી હોય. હવે આપણી ઈચ્છા નથી તોય આપણાથી કોઈ ઈરિટેટ થાય છે અને આપણે ફેરફાર નથી કરી શકતા. તેવી રીતે સામાની ઈચ્છા નથી આપણને ઈરિટેટ કરવાની, તોય એનો ફેરફાર નહીં થાય. માટે આપણે અકળામણ નથી કરવી એમ નક્કી કરવું.
નક્કી કરવા છતાં ઈરિટેટ થઈ જવાય તો પસ્તાવો લેવો જોઈએ. જે વ્યક્તિથી ઈરિટેટ થવાય છે, જેમના પ્રત્યે અકળામણ થાય છે, તેમની અંદરખાને દિલથી માફી માંગવી જોઈએ. ફરી ઈરિટેટ નથી થવું એવો નિશ્ચય કરવો જોઈએ. જેટલી વખત ઈરિટેટ થવાય તેટલી વખત પસ્તાવો લેવાથી ધીમે ધીમે એ ઓછું થતું જશે.
કોઈને આપણાથી ઈરિટેશન થાય તેના ઉપાયો
આપણાથી કોઈ ઈરિટેટ થાય ત્યારે આપણને સમજાતું નથી. કારણ કે આપણી દૃષ્ટિ ઉપર એક મોટો પડદો હોય છે.
આપણાથી કોઈને ઈરિટેશન થાય છે, એ આપણને ખબર ના પડતી હોય ત્યારે કોઈ આપણને આવીને કહે કે ભાઈ, તારી આ આદતથી મને ઈરિટેટ થાય છે, તો તરત આપણે તેને પકડી લેવું અને તેની સામે જાગૃત થઈ જવું. આપણી ઈચ્છા કોઈને ઈરિટેટ કરવાની નથી એટલે આપણે એ આદત સુધારવા પ્રયત્ન કરવો.
આપણે કોઈને વણમાગી સલાહ આપીએ તેનાથી ડખોડખલ થઈ જાય ને સામો બહુ ઈરિટેટ થઈ જાય. એટલે કોઈ પૂછે નહીં, તો સલાહ આપવાનું બંધ રાખવું.
દરેક બાબતમાં કોઈ પૂછે કે કહે એ પહેલા આપણે ઊછળી પડીએ ને આપણું મંતવ્ય આપી દઈએ તેનાથી પણ સામા લોકો ઈરિટેટ થતા હોય છે. ત્યારે આપણે અંદર સેટ કરવું કે આપણું તો આપણને ખબર જ છે, બીજાને મોકો આપીએ ને એમને બોલવા દઈએ.
ઘરમાં આપણને જોર જોરથી મ્યુઝિક વગાડવાનો શોખ હોય અને તેનાથી ઘરના લોકોને મુશ્કેલી પડતી હોય તો આપણે એડજસ્ટમેન્ટ લેવું. આપણે કાનમાં હેડફોન કે ઈયરપ્લગ નાખીને મ્યુઝિક સાંભળવું અથવા ઘરમાં કોઈ ન હોય ત્યારે વગાડવું જેથી ઘરમાં બીજાને ડખલ ના થાય. એવું દરેક બાબત જેનાથી સામાને ઈરિટેટ થતું હોય તેમાં રસ્તો કાઢવો.
મોટેભાગે દરેક માને પોતાના બાળકોને જમાડવાનો આગ્રહ હોય તેનાથી બાળકો બહુ ઈરિટેટ થતાં હોય. ત્યાં સમજવું કે આપણી વધારે પડતી લાગણી છે, મોહ છે. વાસ્તવિકતામાં ઓછું ખાવાથી લોકો વધારે તંદુરસ્ત જીવન જીવે છે અને વધારે ખાવાથી તબિયત બગડે છે. એવી સમજણ સેટ કરવાથી આપણો આગ્રહ ઘટે ને સામો ઈરિટેટ ના થાય.
પતિ-પત્નીમાં પણ એકબીજાને સતત ઈરિટેશન થયા કરતું હોય તો સમજીને એકબીજાને એડજસ્ટ થવું. પતિની ભૂલવાની આદત હોય કે ઘર અસ્તવ્યસ્ત રહેતું હોય તો બધું બરાબર રાખવા પ્રયત્ન કરવો. સમજી લેવું કે સામાને કઈ કઈ બાબતમાં ઈરિટેટ થાય છે. પછી એ બાબત ઉપર ધ્યાન આપવું અને સુધારવું. નહીં તો નાની નાની બાબતમાં વગર કામનો આખો દિવસ કકળાટ થયા કરશે.
મોટેભાગે આપણને પોતે જે કરતા હોઈએ તે જ બરાબર છે એમ લાગ્યા કરતુ હોય એટલે સામાને શું થાય છે તેનો વિચાર જ ના આવે. ત્યારે આપણા વાણી કે વર્તનથી આપણી આજુબાજુવાળાને શું અસર થાય છે તેનો વિચાર કરીએ તો ઘણો ફેર પડી જાય.
