મનુષ્યને જ્યારે જીવનમાં સફળતા ન મળે, ધાર્યા પ્રમાણે ન બને, આજુબાજુના લોકો પોતાની વાત ન માને, ત્યારે નિરાશા સાંપડે છે અને પોતે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે.

મોટેભાગે કારકિર્દીમાં કે ધંધામાં જોઈતી સફળતા ન મળે, અણધાર્યું પરિણામ આવે કે પરિવારમાં એકથી વધુ મુશ્કેલીઓ એક સાથે આવે, ત્યારે મનુષ્ય નિરાશ થઈ જાય છે કે મારી સાથે બધું જ ખરાબ થઈ રહ્યું છે, એકપણ સારી વસ્તુ જીવનમાં નથી બનતી. પછી તેઓ ઈમોશનલ થઈને ખૂબ ભોગવટામાં રહે છે, દુઃખી થાય છે.

Hopeless

પછી એ સેટબેકમાં ડાયવર્ઝન લેવા લોકો સિનેમા, ખાવા-પીવા, ફરવા જેવા મોહના સાધનોનો અતિરેક કરીને શાંતિ મેળવવા જાય છે. પણ શાંતિ મળતી નથી.

આજકાલ યુવાનોને પણ બહુ જલ્દી ફ્રસ્ટ્રેશન કે નિરાશા આવી જાય છે. તેઓ નાની પરિસ્થિતિમાં પણ હારી જાય છે અને તેને મોટું સ્વરૂપ આપી દે છે. વિકટ પરિસ્થિતિમાં ઉપાય શોધવાને બદલે હતાશ અને ડિપ્રેસ થઈ જાય છે, તો ક્યારેક આપઘાત જેવા પગલાં લેતા પણ અચકાતા નથી.

આશા ત્યાં નિરાશા

મનનો સ્વભાવ જ એવો છે કે ધાર્યું ન થાય એટલે નિરાશ થઈ જાય. જ્યાં આશાના મહેલ બાંધ્યા હોય ત્યાં નિરાશા આવ્યા વગર રહે નહીં.

સંસારમાં કોઈપણ પ્રકારની ઈચ્છાઓ રાખીએ, લાલચ ઊભી થાય અને તે પૂરી ન થાય ત્યારે નિરાશા આવે છે. આપણે આશા રાખી હોય કે હું કમાઈને મોંધી ગાડી મેળવીશ કે મિલકતમાં આટલો ભાગ મળે, પછી જો ઈચ્છા પ્રમાણે ન મળે, તો નિરાશા આવ્યા વગર રહેતી નથી. ધંધામાં આશા રાખી હોય કે નફો જ મળે ને ખોટ ન આવે, પછી ખોટ આવે ત્યારે ખૂબ નિરાશ થવાય છે.

વાસ્તવિકતામાં આશા રાખીએ કે ન રાખીએ, આપણા કર્મના હિસાબ પ્રમાણે જે મળવાનું છે તે જ મળે છે, તો પછી નકામી આશા રાખીને દુઃખી થવાનો શો અર્થ?

પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. તેઓશ્રી કહેતા કે, “અમે ધંધો કેવી રીતે કરીએ એ ખબર છે? ધંધાની સ્ટીમરને દરિયામાં તરતી મૂકતા પહેલાં પૂજાવિધિ કરાવીને સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ, ‘તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી.’ પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે ‘એડજસ્ટમેન્ટ’ લઈ લઈએ કે છ મહિના તો ચાલ્યું! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં.”

આપણે પણ આપણા કોઈપણ કાર્યમાં આવું એડજસ્ટમેન્ટ લઈએ કે, “કામમાં નિષ્ફળતા મળે એવી મારી ઈચ્છા નથી, પછી જે પરિણામ આવવું હોય તે આવજો.” એવી તૈયારી રાખી હોય તો પછી નિષ્ફળતા આવે ત્યારે આપણે દુઃખી ન થઈએ.

Hopeless

મા-બાપ એવી આશા રાખે કે સંતાનો મોટા થાય પછી ઘડપણમાં અમારી સેવા-ચાકરી કરે. પણ પછી સંતાનો મા-બાપની ‘ચાકરી’ કરે કે ‘ભાખરી’ કરે એ કંઈ કહેવાય નહીં. જેમ લોકો આંબા શા માટે ઉછેરે છે? એ મોટો થાય પછી તેની કેરીઓ ખાવા. તેવી જ રીતે આજકાલ લોકો ફળની આશાથી બાળકોને ઉછેરે છે કે, તેઓ ઘૈડપણમાં સેવા-ચાકરી કરશે, હૂંફ આપશે, પૈસાની મદદ કરશે. આવી આશા રાખી હોય, પછી બાળકો ઘડપણમાં મા-બાપને સાચવે નહીં ત્યારે તેઓ નિરાશ થાય છે. સંતાનોની પૂરેપૂરી ફરજ છે કે ઘડપણમાં માતા-પિતાની કાળજી રાખવી, તેમની દિલથી સેવા કરવી. પણ મા-બાપ જો આશા રાખીને બેઠા હોય ને બાળકો એવું ન કરે તો ખૂબ દુઃખી દુઃખી થઈ જાય. એના બદલે, મા-બાપે ઘરના બાજરાથી ભરાતું હોય તો સંતાનોના બાસમતીની આશા ન રાખવી. એટલે કે, પોતે પોતાનું ગુજરાન ચલાવી શકવા સક્ષમ હોય તો માતા-પિતાએ તેમાં સંતોષ રાખીને સંતાનો પાસેથી વધુ મેળવવાની આશા ન રાખવી.

આશા તો કેવી હોવી જોઈએ? જે આશા પરિપૂર્ણ થાય એવી. જે આશામાંથી નિરાશા ઊભી થતી હોય તેવી આશા રાખવાનું કોઈ કારણ નથી.

શક્તિઓ ઘટતાં નિરાશા વધે

પહેલાંના જમાનામાં સગવડતા ઓછી હતી, એટલે રોજબરોજના જીવનમાં નાની નાની મુશ્કેલીઓ પડ્યા જ કરતી. પછી તેનો ઉકેલ લાવવામાં, એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ અને સૂઝ ખીલતાં. પણ આજકાલ સગવડતા અને સુખ-સાહ્યબી ખૂબ વધ્યા છે. ઊપરથી ટીવી, ઈન્ટરનેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરે સાધનોમાં લોકો વધુ સમય વીતાવે છે અને જીવતી વ્યક્તિઓ સાથે કોમ્યુનિકેશન ઘટ્યું છે. પરિણામે આંતરિક શક્તિઓ ઘટી છે.

ખરેખર, ના ગમતી અને ના ફાવતી પરિસ્થિતિ આવે, તેમાં ડિસ્ટર્બ કે ફ્રસ્ટ્રેટ (નિરાશ) થયા વગર ઉકેલ લાવીએ, એડજસ્ટમેન્ટ લઈએ તો આંતરિક શક્તિઓ વધે છે. જીવનમાં બધું જ ગમતું, બધું જ ફાવતું મળ્યા કરે, ના ફાવતું ખસેડ્યા કરીએ, તો આપણી શક્તિઓ વધે કઈ રીતે? આજકાલ સુખ-સગવડ વધતા જરાક અમસ્તી મુશ્કેલી આવે તો સહન નથી થતી અને “શું થશે?”, “કઈ રીતે થશે?”, “નહીં થાય તો લોકો શું કહેશે?”, “મારું કેવું ખરાબ દેખાશે?” વગેરે ગૂંચવાડા ઊભા થાય છે. તેવામાં નિરાશ થવાને બદલે દરેક પરિસ્થિતિનો ઉકેલ લાવવો અને ઉકેલ ન આવે તો શક્તિઓ માંગવી.

આપણને સૂઝ ના પડે તો કોઈ ઘરમાં આપણા હિતેચ્છુ સાથે વાતચીત કરી શકાય કે “આમાં શું કરી શકાય?”, જેથી આપણને જે સમજણ ખૂટતી હશે તે એમની પાસેથી મળશે. ધીમે ધીમે આપણી શક્તિ, આપણી આવડત પ્રમાણે એક પરિસ્થિતિનો ઉકેલ આવશે તો બીજી વખત માટે આપણને અનુભવ થશે કે આ તો સરસ થઈ ગયું.

કર્મોના ટ્રાફિકમાં ધીરજ રાખવી

જીવનમાં પાંચ-છ પ્રશ્નો એકસાથે ઊભા થાય, તો તેને એકસાથે નથી ઉકેલવાના હોતા. પહેલા એકનું સોલ્યુશન લાવીએ, પછી બીજાને સોલ્વ કરીએ, ત્રીજાને, એમ કરતા કરતા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિઓ વધતી જશે. ત્યારે સમજવું કે સંજોગ ખૂટે છે, માટે ઉકેલ આવતો નથી. જેમ જેમ સંજોગો ભેગા થશે, કામ પૂરા થશે. ત્યાં સુધી આપણે ધીરજ પકડવી.

જેમ આપણે હાઈ-વે મારફતે અમદાવાદથી મુંબઈ જવું હોય અને રસ્તામાં ટ્રાફિક આવે તો આપણે રસ્તો છોડી દઈએ? ગાડીમાંથી ઊતરી પડીએ? કે “મુંબઈ નથી જવું” કરીને નિરાશ થઈને ઘરે પાછા ફરીએ? ના. ત્યારે આપણે કલાક, બે કલાક રાહ જોવી પડે તોય જોઈએ. ત્યાં આપણે સમજીએ છીએ કે ટ્રાફિક વહેલો-મોડો ક્લીઅર થશે ને આપણે આગળ વધીશું. તેવી જ રીતે જીવનમાં કર્મોનો ટ્રાફિક આવે ત્યારે આપણે ધીરજ ધરવી કે એક પછી એક સંજોગો આવશે અને કર્મોનો ઉકેલ આવશે. જેમ ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે બસવાળા, ટેક્સીવાળા, સ્કૂટર કે સાઈકલવાળાને ગાળો ભાંડીએ તો એનાથી ટ્રાફિક ક્લીઅર થતો નથી. તેવી જ રીતે આપણા જીવનમાં કર્મોનો ભીડો આવી પડે ત્યારે બીજાને દોષિત જોવાથી પરિસ્થિતિ સુધરી નથી જતી.ધીરજ રાખીશું તો સંજોગો વિખરાશે અને રસ્તો ખુલ્લો થશે.

જેમ લોકો સ્કાય ડાઈવિંગ કે બન્જી જમ્પિંગ કરવા જાય ત્યારે જુએ કે મારી આગળવાળા બે-ત્રણ જણને વાંધો ના આવ્યો, તો મને પણ વાંધો નહીં આવે. એમ કરીને પોતે પણ ઝંપલાવે છે. એમ હિંમત રાખીને આપણે આગળ વધવું.

×
Share on