ખણખોદ એટલે શું?

ખણખોદ એટલે કોઈપણ વ્યક્તિ માટે કે તેની પરિસ્થિતિ માટે નેગેટિવ અથવા વ્યર્થ ચર્ચા.

gossip

“તેં સાંભળ્યું, આણે આવું કર્યું?”

“હેં! બહુ ખરાબ કહેવાય!”

“આવું તે કરાતું હશે? હું તો આવું કરું જ નહીં!”

“ફલાણાનું શું થયું?”

કોઈ એક સામાન્ય વાત હોય, પછી એમાં પાછું મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, મરી, તજ, લવિંગ, આદુ વગેરે નાખીને વઘાર થાય! એ જ્યારે પાછું વ્યક્તિ પાસે આવે તો એને લાગે કે, આ શું થયું? મૂળ વાત જ બદલાઈ ગઈ હોય! 

એક વાર્તા બહુ પ્રચલિત છે. એક ઉંદરને સાત પૂંછડીઓ હતી. તો આજુબાજુ બધા એને “ઉંદર સાત પૂંછડિયો, ઉંદર સાત પૂંછડિયો” એમ કહીને ચીડવતા. એટલે ઉંદરને થયું કે આપણે પૂંછડી કપાવી નાખીએ એટલે લોકો કહેવાનું બંધ કરશે. એટલે એણે એક પૂંછડી કપાવી નાખી. તો લોકોનું ચીડવવાનું બંધ ના થયું ને લોકો એને “ઉંદર છ પૂંછડિયો, ઉંદર છ પૂંછડિયો” એમ કહેવા લાગ્યા. બિચારા ઉંદરે હેરાન થઈને એક-એક કરતાં કરતાં બધી પૂંછડીઓ કપાવી નાખી. પણ લોકો તો ત્યાંય ન અટક્યા. બધાએ એને “ઉંદર બાંડો, ઉંદર બાંડો” એમ કહેવાનું ચાલુ રાખ્યું.

ખણખોદમાં પણ આવું જ હોય છે, જેમાં કોઈ તથ્ય કે કારણ વિના વ્યક્તિઓ વિશે નેગેટિવ વાતો કરવાનું ચાલુ જ રહે છે.

ખણખોદનાં લક્ષણો

ખણખોદ શબ્દમાં ખણવું એટલે ખોદી ખોદીને ખંજવાળ આવેને એવું કરી નાખવું. જેમ વાનર ઘા કહેવાય છે, તેવો આ પણ એક જાતનો ઘા હોય છે.

એટલું જ નહીં, આ ઘા પડ્યો હોય તો બધા ભેગા થઈને એને મોટો કરે. એટલે બળતરા રૂઝાવાને બદલે વધતી જાય ને માણસ બેબાકળો થઈ જાય.

“તમે કેમ આજે ફલાણા પ્રસંગમાં ન આવ્યા? તમને ના પાડી? કોઈની સાથે ઝઘડો થયો છે?”

“તમારા બાળકો મંદિરમાં કેમ નથી આવતા? માનતા નથી ભગવાનમાં?”

“તમારા હસબન્ડ ના આવ્યા, બહુ ખોટું કહેવાય! બધાના આવ્યા છે.”

“તમે ત્યાં એકલા રહો છો? ને તમારી વાઈફ અહીંયા એકલી રહે છે?”

“તમે હોસ્પિટલમાં રહ્યા હતા? શું કામ રહેવું પડ્યું? તમારી તબિયત બગડી હતી?”

“તમે બંગડી નથી પહેરી? ચાંદલો નથી કર્યો? બધું સારા વાના છે ને? આપણે તો સૌભાગ્યવંતી કહેવાઈએ, પહેરવું પડે.”

“તમે સાવ સુકાઈ ગયા છો? તબિયત સારી છે ને? કંઈક કેન્સર-બેન્સર તો થયું નથી ને?” એવું પૂછે કે સામો ગભરાઈ જ જાય!

સતત પ્રશ્નો પૂછ્યા જ કરે કે, “ફલાણી વ્યક્તિ કોણ છે? એને ફલાણી વ્યક્તિ સાથે શું સંબંધ છે? ફલાણા શા માટે અહીં આવ્યા છે?”

ગાડી ક્યાંથી ઊપડી, કયા પાટે ચડી, ક્યાં લઈ જવાની છે એનું ભાન જ ના હોય! નાહકનો સમય અને શક્તિ વપરાઈ જાય.

આમ, સંસારમાં વાતેવાતે સામસામે અસરોનું આદાનપ્રદાન થયા કરે. એક પ્રકારની નેગેટિવ ભાવ પ્રતિષ્ઠા થયા કરે. જેની વાત થતી હોય એને થાય કે “મેં કંઈક ખોટું કર્યું?” અને એના ભોગવટા ચાલુ થઈ જાય.

ખણખોદનું બીજું લક્ષણ છે, વાતનું વતેસર થઈ જવું. આ સમજાવતી એક રસપ્રદ વાર્તા છે. એક પંડિત રસ્તામાં ચાલતા જતા હતા. ત્યારે એમના મોઢામાંથી કંઈક નીકળ્યું. કાઢીને જોયું તો મરઘાનું પીંછું હતું. એમને નવાઈ લાગી કે આ કઈ રીતે મોઢામાં આવ્યું? એ બહુ ચિંતિત થઈ ગયા. ઘરે પહોંચ્યા ત્યારે એમણે જઈને પત્નીને આ વાત કહી. પત્નીને પણ નવાઈ લાગી. પંડિતે પત્નીને કહ્યું કે ધ્યાન રાખજે આ વાત ક્યારેય કોઈનેય ખબર ના પડે નહીં તો લોકો એનો ઊંધો અર્થ કાઢશે. પત્નીએ કહ્યું કે, “હું સમ ખાઉં છું કે કોઈને નહીં કહું.”

પણ પત્નીને થોડી વારમાં વિચાર આવ્યો કે, “આ વાત હું મારા સુધી નહીં રાખી શકું, મારું તો માથું ફાટી રહ્યું છે! કાનમાંથી ધુમાડા નીકળે છે! એક કામ કરું, હું મારી વિશ્વાસુ પાડોશીને આ વાત કહીને હળવી થઈ જાઉ.” પછી પત્નીએ એની વિશ્વાસુ પાડોશીને આ વાત કહી અને પ્રોમિસ લીધું કે એ આ વાત કોઈને નહીં કહે. પણ પત્નીની વાત કહેવાની રીતમાં ફેર થયો કે પડોશીની વાત સમજવામાં. વાત એમ પહોંચી કે પંડિતના મોઢામાંથી ઘણા બધા પીંછા નીકળ્યા. પાડોશીને ખૂબ નવાઈ લાગી, પણ તોય એણે પત્નીને આશ્વાસન આપ્યું કે એ ચિંતા ના કરે, આવું તો થયા કરે. અને વચન આપ્યું કે “ચિંતા ન કર, મેં મારા હોઠ સીવી લીધા છે. હું આ વાત કોઈને નહીં કરું!”

તરત પાડોશીને ઈચ્છા થઈ કે એ આ વાત કોઈને કહે. ત્યાં જ એક ધોબણને જતા જોઈ, ને એને આ વાત કહી. પણ વાત એવી રીતે થઈ કે જાણે પંડિતના મોઢામાંથી આખો મરઘો જ નીકળ્યો હોય! ધોબણને પણ આશ્ચર્ય થયું કે મારા માનવામાં નથી આવતું, કેમ કે પંડિત તો શાકાહારી છે! એણે પણ વચન આપ્યું કે આ વાત કોઈને નહીં કરે અને રસ્તામાં જ એની બહેનપણી મળી ત્યાં આ વાત કરી નાખી. પણ જોશમાં આવીને એણે મરઘો ને બદલે મરઘા કહી દીધું. પછી એ બહેનપણીએ આ વાત એના પતિને કહી ત્યારે તો જાણે પંડિતના મોઢામાંથી એકને બદલે આખું મરઘાઓનું ઝૂંડ નીકળ્યું હોય એવું સમજાયું.

gossip

ધીમે ધીમે સાંજ સુધી આ વાત ગામમાં ફેલાતી ગઈ. પછી તો મરઘા કબૂતર, બતક ને ચકલીમાં ફેરવાઈ ગયા. રાત પડતા તો આખું ગામ આ ચમત્કારિક ઘટના જોવા પંડિતના ઘરની બહાર ભેગું થઈ ગયું. પંડિતે તરત આ વાત નકારી કે એના મોઢામાંથી કોઈ ચકલી બહાર નથી આવી. પણ કોઈ એની વાત માનવા તૈયાર નહોતું અને બધા આગ્રહ કરવા લાગ્યા કે એ એની ચમત્કારિક શક્તિ વાપરીને બધાને મોઢામાંથી ચકલી કાઢીને બતાવે. પંડિત ગુસ્સે થયા. પણ કોઈ છૂટકો નહોતો, એટલે એક યુક્તિ કરી. પંડિતે બધાને પોતાના ઘર સામે બેસવા કહ્યું અને ઘરમાં જઈને પાછલા બારણે ભાગીને જંગલમાં જતા રહ્યા! જ્યાં સુધી ગામના લોકો ઠંડા ના પડે અને એ માની ન લે કે આ વાત ખોટી હતી ત્યાં સુધી પાછા ઘરે ન ફરવાનું નક્કી કર્યું!

આમ, ખણખોદ પાછળ કોઈ કારણ નથી હોતું. હેતુ કે તર્ક વગરની વ્યર્થ ચર્ચા જ હોય છે. બિઝનેસની પાર્ટીઓમાં ને ખાસ કરીને બહેનોની કિટી પાર્ટીઓમાં આ જ બધું થતું હોય છે. નવરા પડીને બધા ભેગા થાય, ખાય, પીએ ને જુદી જુદી એક્ટિવિટી કરીને મજા કરે. પછી આવા ગપ્પાં ને ગોસિપ જ ચાલતા હોય. સામાન્ય રીતે પોતાની માન્યતા સાથે બીજાની માન્યતા ભળે, એટલે સરખી માન્યતાવાળા લોકોની ટોળકી ઊભી થાય.

ખણખોદનાં જોખમો

લોકોની ખણખોદ કરવી, નિંદા-કૂથલી કરવી, વાતનું વતેસર કરીને તેમાંથી આનંદ લેવો એ બહુ મોટું જોખમ છે.  આપણને કોઈ વ્યક્તિ માટે નેગેટિવ થયું હોય, પછી તે આપણે બીજાને કહીએ, બીજો ત્રીજાને કહે, એમાં બધાને કહેતા ફરીએ એનાથી અધોગતિના કર્મ બંધાય છે. 

gossip

વ્યર્થ નેગેટિવ ચર્ચાઓ કરવામાં મનુષ્યનો મોંઘો અવતાર પૂરો થઈ જાય છે.

નેગેટિવ કરવાથી પોતાને દુઃખ થાય ને સામાને પણ દુઃખ પહોંચે છે. જ્યારે પોઝિટિવ પોતાને પણ સુખ આપે ને સામાને પણ સુખી કરે છે. આવી નકામી ચર્ચામાં સુખ લેવામાં આપણે બધી રીતે પોતાનું જ નુકસાન કરીએ છીએ. 

કોઈપણ વ્યક્તિ માટે નેગેટિવ વાતો કરીએ એટલે એને દુઃખ પહોંચે છે. જેનો દંડ આપણને મળે ત્યારે આપણે જ દુઃખી થઈએ છીએ. દંડ ભોગવ્યા પછી પણ ખણખોદ કરવાની આદત ન જાય, તો પછી તેને કોઈ સુધારી ન શકે. 

gossip

એટલું જ નહીં, જે વ્યક્તિ પાસે આપણે કોઈની નેગેટિવ ચર્ચા કરીએ, તે વ્યક્તિના મગજમાં ખોટેખોટા નેગેટિવ અભિપ્રાય ઘૂસાડીએ છીએ. જેનાથી એ વ્યક્તિનું મગજ બગડે અને તેના નિમિત્ત આપણે બનીએ. 

અથવા કોઈ આપણી પાસે વ્યક્તિની નેગેટિવ વાત લઈને આવે, આપણું મન એના માટે ચોખ્ખું ચટ્ટ હોય, પણ પછી એમાં કચરો પેસી જાય. પરિણામે એનો આપણને જ ભાર ભાર લાગ્યા કરે, કારણ વગર ભોગવટા આવે.

જેના માટે નેગેટિવ ચર્ચાઓ કરીએ તેનું જે નુકસાન થાય તેના આપણે નિમિત્ત બનીએ છીએ. કેટલાક લોકો સુખેથી રહેતા હોય, પણ એમના વિશે નેગેટિવ ચર્ચાઓ ચાલુ થાય પછી થોડા વખતમાં તો એ ડિપ્રેસ થઈ જાય, અપસેટ થઈ જાય અને ભોગવટામાં જતા રહે છે. એ લોકોને એવું લાગે છે કે “આ લોકોએ મને એકલો પાડી દીધો, મને જુદો ગણે છે.”

પોઝિટિવ શબ્દ બોલવાથી માણસ મજબૂત થઈ જાય જ્યારે નેગેટિવ શબ્દ માણસને ઢીલા પાડી દે છે.  “તું આવું કરે છે? આમ નથી કરવા જેવું.” જેવા ત્રણ-ચાર નેગેટિવ વાક્યોમાં તો આખી બિલીફ બગડી જાય. 

લોકોની ખણખોદ કઈ રીતે માણસની માન્યતા ફેરફાર કરી નાખે છે તેની એક આ દૃષ્ટાંત કથા છે. એક બ્રાહ્મણ ખભે બકરું લઈને જંગલના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં ત્રણ ઠગ આવ્યા. તેમણે વિચાર્યું કે આ બકરું પડાવી લેવું છે. એટલે ત્રણે બ્રાહ્મણના રસ્તે એક-એક કિલોમીટરના અંતરે ઊભા રહ્યા.

પહેલા ઠગે બ્રાહ્મણને રોક્યા અને પૂછ્યું, “મહારાજ! બ્રાહ્મણ થઈને ખભા ઉપર આ કૂતરું લઈને જાઓ છો?” એટલે બ્રાહ્મણ ચમક્યા અને કહ્યું, “ના, આ બકરું છે.”

એક કિલોમીટર જેટલું ચાલ્યા તો બીજો ઠગ મળ્યો અને કહ્યું, “મહારાજ! હાય હાય, આ શું અનર્થ કરો છો? બ્રાહ્મણના ખભે કૂતરું શોભે?” એટલે બ્રાહ્મણ થોડા ગભરાયા, પણ પછી બોલ્યા “આ કૂતરું નથી, બકરું છે.” તેઓ આગળ વધ્યા પણ મનમાં શંકા સળવળી.

એટલામાં ત્રીજો ઠગ આવ્યો ને કહ્યું, “મહારાજ! આ શું? ઘરે જઈને નહાવું પડશે તમારે. કૂતરાને આમ અડાતું હશે?” એટલે બ્રાહ્મણની માન્યતા ફરી કે, “બધા કહે છે એટલે કૂતરું જ છે.” અને તરત ખભેથી બકરું ઊતારીને ચાલતી પકડી. પછી તો ત્રણે ઠગોએ ભેગા થઈને બકરાનું શાક કરી નાખ્યું! 

gossip

સંસારમાં સામસામે નેગેટિવનું આદાનપ્રદાન થતું જ હોય છે. વ્યક્તિઓમાં નેગેટિવ ભાવ પ્રતિષ્ઠા કરીને પોતેય બગડે છે ને સામાને ડબલ બગાડે છે. નેગેટિવ સંસારમાં દુઃખી થવાનું કારણ છે.

ખણખોદની ટેવમાંથી નીકળવાના ઉપાયો

પોઝિટિવ એ સુખી થવાનું કારણ છે. આપણે પોઝિટિવમાં રહીશું, તો જબરજસ્ત શક્તિઓ વધતી જશે. જ્યારે નેગેટિવમાં તો શક્તિઓ તૂટી જાય છે. 

કોઈપણ ગામમાં મંદિર પણ હોય અને ઉકરડો પણ હોય. આપણી દૃષ્ટિ સારી વસ્તુ પર રાખવી અને ખરાબની અવગણના કરવી.

જીવનમાં એક સિદ્ધાંત રાખવો. કોઈના કહેવાથી આપણે તેની વાતોમાં ન આવી જવું. કોઈની કાનભંભેરણીમાં આપણે આવી જઈએ, તો આપણામાં તેના માટેનો નેગેટિવ અભિપ્રાય પેસી જાય અને આપણું જ મગજ બગડે. એ મોટામાં મોટી મૂર્ખાઈ કહેવાય.

gossip

કોઈપણ નેગેટિવ વાતને ત્રણ ગળણે ગાળવી. આ વાત સાચી છે? સારી છે? અને કામની છે? જો આ ત્રણ ગળણામાંથી વાત પસાર ન થાય તો પછી એને સ્વીકારવી નહીં. મોટેભાગે લોકો પોતે સાંભળેલી વાતો કરતા હોય છે, એ સાચી છે કે નહીં તેની તેમણે ખાતરી નથી હોતી. વ્યક્તિની નેગેટિવ વાતો સારી તો ન જ હોય. તેમજ આ વાત કરવાથી કોઈને ફાયદો થશે, કામ લાગશે કે નહીં તે તપાસીએ તો ખબર પડે કે તેમાં ખાલી નાહકની ચર્ચા જ હોય છે.

કોઈ આપણી પાસે ખણખોદ કરવા કે વ્યક્તિની નેગેટિવ વાતો કરવા આવે તો આપણે તેમને ધીમેથી કહેવું કે, “એ વ્યક્તિનું આપણે માનીએ છીએ એવું નથી, પણ ઘણું પોઝિટિવ હોય છે. આપણે પોઝિટિવ ધ્યાનમાં લઈએ ને? નેગેટિવ કરીને શું કામ દોષમાં પડીએ?”

હતાશ થયેલી વ્યક્તિનું પણ સારું બોલીએ તો એ નોર્મલ થઈને પછી ખીલતા જાય. કોઈ એક નેગેટિવ કહે તો એની સામે એના પાંચ પોઝિટિવ બોલવાના. નેગેટિવને વાળી પણ લેવાય કે, “તમે કહો છો એવું નથી, હું એમને ઓળખું છું. થોડીઘણી ભૂલ બધાની થાય, પણ આફ્ટર ઓલ ઘણા સારા માણસ છે.

કોઈપણ જગ્યાએ પછી એ ઘર હોય, ઓફિસ હોય કે સમાજ. બધાએ ભેગા થઈને નક્કી કરવાનું કે આપણે ત્યાં ફક્ત પોઝિટિવ વાતો જ કરવાની. ભલે દસ વસ્તુ બગડી ગઈ હોય, પણ એકાદ વસ્તુ સારી થઈ હોય તો તેની પોઝિટિવ ચર્ચા કરવાની, નેગેટિવની ચર્ચા જ નહીં! કોઈ વ્યક્તિ નેગેટિવ કરતી આવે તો આજુબાજુવાળાએ તેમને ચેતવવા અને બને તો શાંતિથી બ્રેક મારવી.

બીજી બાજુ, કોઈ આપણું નેગેટિવ બોલતું હોય તો ત્યાં અસરમાં ન આવવું. જેમ શિયાળામાં આપણે ઠંડીને નથી કહેતા કે તું બંધ થા. શિયાળો ક્યારેય બદલાય કે સુધરે નહીં. આપણે જ એડજસ્ટ થઈને સ્વેટર પહેરવું પડે, તો ઠંડીથી બચી શકાય. તેવી જ રીતે, લોકોના નેગેટિવમાં આપણે સાચી સમજણનું બખતર પહેરીને જવું જેથી આપણી માન્યતા બગડે નહીં.

જ્યાં નેગેટિવ વાતોને આપણે રોકી ન શકીએ ત્યાં પ્રાર્થના અને પોઝિટિવ ભાવ કરવા કે, “હે ભગવાન! આમની કચાશો દૂર થાય, એમને પોતાને પોતાની ભૂલ દેખાય, એનાથી છૂટે અને પોતે શું બોલે છે તેમાં તેમની જાગૃતિ વધે.”

અત્યાર સુધી આપણે જે કોઈ નેગેટિવ બોલ્યા હોઈએ, તેના પ્રત્યાખ્યાન લેતા જવું કે, “આવું ક્યારેય બોલવું જ નથી. થાય તો બે સવળી વાત કરીશું, પણ અવળું તો બોલવું જ નથી.”

અવળું બોલીએ તો આપણું પણ નુકસાન થાય ને સામાનું પણ નુકસાન થાય છે. માટે, આપણી વાણીમાં શું બોલાય છે, તેની સામાને શું અવળી અસરો થાય છે, તેની પર આપણી જાગૃતિ આવવી જ જોઈએ.

×
Share on