ઈચ્છાની ઓળખાણ

ઈચ્છા એટલે પ્રગટ અગ્નિ. ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે બળતરા ઉત્પન્ન થાય. જેની ઈચ્છા કરી તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંદર બળ્યા કરે, એટલે ભોગવટા ઉત્પન્ન થાય.

જેમ રૂને જરાક અગ્નિ અડે તો પછી એ અડધું સળગે કે આખેઆખું? જ્યાં સુધી આખું રૂ બળીને રાખ ના થાય ત્યાં સુધી સળગ્યા જ કરે. તેમ એક વખત કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા સળગે પછી એ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી, “ક્યારે મળે? ક્યારે મળે?” એમ સળગ્યા જ કરે, ચેન ના પડે, પોતે એની પાછળ જ પડી જાય. માટે જ ઈચ્છાને પ્રગટ અગ્નિ કહેવાય છે.

desires

કેટલાકને લગ્ન કરવાની ઈચ્છા હોય, સારો પતિ કે સારી પત્ની મેળવવાની ઈચ્છા હોય. કેટલાક દંપતીને લગ્નના વર્ષો પછી પણ સંતાન ન થાય તો પુત્રેષણા (સંતાન પ્રાપ્તિની ઈચ્છા) ઊભી થાય. કેટલાકને ખૂબ પૈસા કમાવાની, સારું ઘર બનાવવાની, મોંઘી ગાડી લેવાની ઈચ્છા હોય. સ્ત્રીઓને સોના અને હીરાના દાગીના કે મોંઘા કપડા પહેરવાની ઈચ્છા હોય. કેટલાકને સમાજમાં માન-કીર્તિ મેળવવાની ઈચ્છા હોય.

ઈચ્છાના કારણો

ઈચ્છા કેમ ઊભી થાય છે? તેનું ઘણું ઊંડું રહસ્ય છે. જે પણ કંઈક જોઈએ છે, ભોગવવું છે, મેળવવું છે, વગેરે ઈચ્છાઓ થાય છે તેનું કારણ એ છે કે મનુષ્યને અંતરસુખ નથી મળતું, એટલે એ બહારથી સુખ લેવા જાય છે. પણ બહારના સાધનો કે વ્યક્તિઓમાં કાયમનું સુખ મળતું નથી, એટલે અસંતોષ ઊભો થાય છે.

મૂળમાં, ઈચ્છા મોહમાંથી ઊભી થાય છે. ઈચ્છા પૂરી થાય તો મોહ વધે, ના પૂરી થાય તો બળતરા રહ્યા કરે.

ઈચ્છાનો કાયદો એવો છે કે એક સાંસારિક ઈચ્છા પૂરી થાય, એટલે પછી એનાથી પણ વધારે મેળવવાની બીજી ઈચ્છા સળગાવીને જાય. બીજી ઈચ્છા ઓલવાય ત્યાં ત્રીજી સળગે. આમ ઈચ્છાઓનો અંત જ ન આવે.

જેમ કે, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ હોય તો એ પૂરી થાય ને તરત નક્કી કરે, “આવતા રવિવારે પાછું ખાઈશું, મજા આવશે.” એટલે બીજી ઈચ્છા સળગાવીને એક ઈચ્છા ઓલવાય. પછી બીજી વખત આઈસ્ક્રીમ ખાધા પછી થાય કે, “આપણે ચાઈનીઝ ખાવા જઈશું, મજા આવશે.” આમ એક વસ્તુનો સંતોષ થયો, પણ બીજી ઈચ્છા સળગી એટલે એ મળે નહીં ત્યાં સુધી અસંતોષ રહે. વળી પાછું ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં ખાધું ને જો મજા ન આવી, સંતોષ ના થયો, તો પાછી અકળામણ રહ્યા કરે.

desires

જીવનમાં એક જગ્યાએ સફળતા પ્રાપ્ત થાય, પછી વધુ કંઈક સફળતા મેળવવાની ઈચ્છા જાગે. પછી એ પ્રાપ્ત થાય તો ત્યાં પહોંચીને એવું લાગે કે હજુ કંઈક મેળવવાનું બાકી છે. પૈસાની બાબતમાં પાંચ લાખ કમાતા હોઈએ તો ઈચ્છા થાય કે દસ લાખ કમાઈએ. પછી દસ લાખ કમાતા થઈએ તો ખર્ચા પણ વધતા જાય, એટલે ઈચ્છા થાય કે વધુ કમાઈએ. કેટલાકને નોકરીમાં પ્રમોશન મળે, પછી આગળ વધુ પ્રમોશન થાય અને વધુ પગાર વધે તેની ઈચ્છાઓ રહ્યા કરે. પરિણામે આખો દિવસ એના જ વિચારો ચાલ્યા કરે, એના માટે જ દોડાદોડ કરી મૂકીએ.

સંજોગોનું દબાણ માણસને ઈચ્છા કરાવે છે. જેમ કે, કોઈ ભિખારી હોય તો તેને ઈચ્છા થાય કે આ ભીખ માંગી માંગીને તો થાકી ગયા, એના કરતા લોકોના ખિસ્સા કાપીને પૈસા કમાવા સારા. એટલે બીજે અવતાર એ ચોર થઈને ઊભો રહે. પછી ચોર થઈને બીજી નવી ઈચ્છાઓ કરે.

બીજું ઉદાહરણ લઈએ તો, આપણું બે બેડરૂમનું ઘર હોય અને ચાર બેડરૂમનું મોટું ઘર લેવાની ઈચ્છા થાય, પછી એ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી અંદર સળગતી હોય. એવામાં જો કોઈના ઘરના ઉદ્ઘાટનમાં ગયા હોઈએ અને તેનો ચાર-પાંચ રૂમનો બંગલો જોઈએ, તો પોતાને થાય કે, “મારે પણ આવું મોટું ઘર હોય તો કેવું સારું?”

desires

પછી ઘરમાં જે કમાતા હોય તેના ઉપર દબાણ કરવાનું શરૂ થાય. અથવા પોતાની ઈચ્છા પૂરી કરવા બીજા માધ્યમોને આગળ ધરીએ. જેમ કે, પત્ની એના પતિને કહેશે કે, “થોડી વધારે મહેનત કરો ને! આપણે ક્યાં સુધી આવા નાના ઘરમાં રહીશું? આ છોકરાઓ મોટા થાય છે, એમને જરૂર પડે ને?” એટલું જ નહીં, એમાં જો ક્યાંક જાહેરાત જોવામાં આવે કે, “સસ્તી લોન!” એટલે અંદર પૈસાનો લોભ અને ઘરનો મોહ બંને ફરી વળે. કેટલાક તો જાહેરાત સાચી છે કે ગોટાળાવાળી તે તપાસ કર્યા વગર ફસાય.

કોઈને સંતાન પ્રાપ્ત ન થતું હોય અને તેની ઈચ્છા રહ્યા કરતી હોય, તો સતત અંદર ભોગવટો રહ્યા કરે કે, “આટલા વર્ષો થયાં, બાળક નથી.” પછી કોઈ બીજાનું બાળક જુએ તો ચોંટી પડે, એને રમાડ્યા કરે. આખો દિવસ એના જ વિચારોમાં રહે. કેટલાક તો દોરા-ધાગા, પીરની માનતા રાખે કે જ્યોતિષ કે બાવાઓની પાછળ પડે. પોતાની પાસે પૂરતી સંપત્તિ હોય, પતિ-પત્નીને એકબીજાનો સપોર્ટ હોય, કુટુંબમાં ભાઈ-બહેનના બાળકોને રમાડી શકે એમ હોય, બીજા કોઈ પ્રકારે દુઃખ ન હોય તોય સંસાર ઝેર જેવો લાગ્યા કરે.

ઈચ્છાથી થતા નુકસાન

વૃત્તિઓ મોહ કે અતૃપ્ત ઈચ્છાઓ ભોગવવામાં પડી જાય, એટલે અંદર ક્યારેય સંતોષ નામનું પરિણામ ઊભું જ ના થાય. જેમ કે, કોઈ એક વ્યક્તિએ પોતાની થાળીમાં એક ગુલાબજાંબુ પીરસ્યું ને બાજુવાળાની થાળીમાં ત્રણ ગુલાબજાંબુ જુએ તો એને થાય, “મેં એક જ લીધું, હું પણ બીજા લઈ આવું.” કાયમ પારકે ભાણે લાડુ મોટો દેખાય. એટલે એક ગુલાબજાંબુ ખાતી વખતે પણ વૃત્તિઓ એના સ્વાદને માણવામાં ન હોય, સંતોષ ન પામે. ઉપરથી, વધારે મેળવવાની અસંતોષની ભૂખ ઊભી થાય.

સંસારમાં અસંતોષની ભૂખ મટતી જ નથી. ઈચ્છાઓ ઊભી થયા જ કરે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. જેમ કે, પહેલા પોતાનું ઘર બાંધવાની ઈચ્છા થાય. ઘર બંધાઈ જાય પછી ગાડી લેવાની ઈચ્છા થાય. ગાડી મળી જાય પછી જરા વધારે સારા ફીચર્સવાળી, વધારે મોંઘી ગાડી લેવાની ઈચ્છા થાય. આમ એક ઈચ્છા પૂરી થતાં બીજી ઈચ્છા સળગે અને ક્યારેય સંતોષ ના થાય.

desires

ખૂબ કમાઈ લીધું હોય, પોતાના પછી ત્રણ પેઢી ચાલે એટલી બચત કરી લીધી હોય, તો પણ આ અસંતોષની ભૂખ મનુષ્યને વધારે પૈસા કમાવા માટે દોડાવ્યા કરે. “પૈસાનો શો ભરોસો? કાલે ઊઠીને ઓછા થઈ જાય તો?” એમ કરીને રોજેરોજ ઓફિસમાં, ધંધામાં પોતે કુટાયા કરે.

ક્યાંક પોતાને ઓછું માન મળે કે બીજાને વધારે માન મળે તો પણ અસંતોષ ઊભો થાય. અસંતોષની ભૂખ માણસને દુઃખી ને દુઃખી જ રાખે. પોતાને સારામાં સારું મળ્યું હોય તો પણ બીજાનું જુએ એટલે થાય કે, “આનું તો વધારે સારું છે, મને ઓછું મળ્યું.” એટલે પાછું દુઃખ ચાલુ થાય. પરિણામે બીજા સાથે સરખામણીમાં પડી જઈએ, પોતે ભોગવટામાં રહીએ, બીજાને દુઃખ આપી દઈએ કે ઝઘડો પણ કરી નાખીએ.

પત્નીને હીરાના દાગીનાની ઈચ્છા હોય અને પતિ ન લાવી આપે ત્યાં સુધી કકળાટ રહે, “મેં કેટલી વખત કહ્યું તોય લાવી નથી આપતા.” અને બહાર કોઈને હીરાના દાગીના પહેરેલા જુએ તો અંદર લાય બળે, “કેટલા સરસ છે, મને મળતા નથી”.

desires

ઊંડાણથી સમજીએ તો ઈચ્છા પ્રમાણે ભેગું નથી થતું એ આપણા પ્રમાણે હિતકારી છે. જો આપણી ઈચ્છા પ્રમાણે બધું જ ભેગું થયા કરે ને, તો “હું કંઈક છું” એમ માનીને ફરીએ અને કોઈને ગાંઠીએ નહીં. ફટાફટ આપણી ઈચ્છા પ્રમાણે બનતું જાય પછી, “મને ઈચ્છા થઈ એટલે પૂરી થવી જ જોઈએ, કેમ ના થાય?, મને શા માટે અટકાવો છો?, આમ કરી નાખો, આમ પતાવો.” એમ મગજનો પારો ઉપર ચડી જાય.

એમાંય જો ઊંધા રસ્તે ઈચ્છાઓ કરી હોય અને તે પણ પૂરી થતી જાય, તો અવળે રસ્તે ચડતાં વાર ન લાગે. અવળે રસ્તે પછી આપણે માતા-પિતાનું કે પરિવારનું ધ્યાન ન રાખીએ, કોઈની સાડીબારી ન રાખીએ. પછી ક્યારે આખા ગેરમાર્ગે ફંટાઈ જઈએ એ કહેવાય નહીં. જેમ રસ્તામાં બધે જ ગ્રીન સિગ્નલ મળતું હોય ને આપણે ગાડી પૂરપાટ દોડાવીએ, પછી ક્યાંક રેડ સિગ્નલ આવે, તો પણ આપણે તેને ગણકારીએ નહીં ને ગાડી ચલાવ્યે રાખીએ તો શું થાય? અકસ્માત થઈ જાય. ટ્રાફિકમાં રેડ સિગ્નલ પર ગાડી રોકીએ તો તે આપણો જ અકસ્માત થતા અટકાવે છે. તેવી જ રીતે આપણી ઈચ્છાઓ તરત પૂરી નથી થતી એમાં કુદરત આપણને અવળે માર્ગે જતાં અટકાવે છે. ઈચ્છાઓ પૂરી થયા કરે તે આપણને પાડે છે.

આપણને જીવનમાં જ્યારે લક્ષ્મીના અંતરાય આવે, ત્યારે રાગ-દ્વેષ કરીને વધુ અંતરાય બાંધીએ છીએ. દાખલા તરીકે, નોકરીમાં પગાર ઓછો મળે કે બોનસ ન મળે તો બોસને દોષિત જોઈએ, નેગેટિવ બોલીએ, જેનાથી લક્ષ્મીના વધુ અંતરાય પડે છે.

ઈચ્છા સામે ઉપાય

ઘણા લોકો ઈચ્છાઓને બંધ કરવાનો પ્રયત્ન કરે છે. પણ ઈચ્છાઓને દબાવવી કે બંધ કરવી એ સાચો રસ્તો નથી. સંસારની એક ઈચ્છાને બંધ કરવા જઈએ તો બીજી ઈચ્છા પ્રગટ થઈ જશે. જેમ કે, મોટા ઘરની ઈચ્છા બંધ કરીએ તો મોંઘી ગાડીની ઈચ્છા પ્રગટ થશે, એ બંધ કરીશું તો ત્રીજી ઈચ્છા ઊભી થશે.

અસંતોષ અણસમજણમાંથી ઊભો થાય છે. “મને જોઈએ છે, મને મળો, કોઈને ન મળો.” એવી સંકુચિતતાથી અસંતોષ ઊભો થાય છે. સાચી સમજણ મળવાથી અસંતોષ ખલાસ થાય છે.

ઈચ્છા પૂરી થવી કે ન થવી એ આપણા હાથમાં નથી. ઈચ્છા ઊભી થાય પછી બહાર ઈચ્છા પૂરી કરવા અનુકૂળ સંજોગો ભેગા થશે તો તે પૂરી થશે અને સંજોગો પ્રતિકૂળ હશે તો ઈચ્છા પૂરી નહીં થાય. માટે ઈચ્છા પાછળ દોડવાની જરૂર નથી. ધંધામાં કોઈએ ખોટની ઈચ્છા નથી કરી હોતી, તોય ખોટ આવે છે, તેમ નફાની ઈચ્છા નહીં કરીએ તો પણ તે આવીને ઊભો રહેશે.

જ્યારે આપણી ધારણા પ્રમાણે ઈચ્છા પૂરી ન થાય તો ભોગવટા આવે, બીજાને દુઃખ આપી દઈએ. ધારો કે, આપણે બહાર ફરવા જવાની ઈચ્છા હોય, પણ કોઈ કારણોસર એ પૂરી ન થાય તો આપણને અકળામણ થાય. આપણી ઈચ્છા જતી કરવી પડે તો એમ થાય કે દરેક વખતે મારે જ જતું કરવાનું? ત્યારે આપણે સમજવું કે હજુ સંજોગો પાક્યા નથી. આપણે સામાન્ય ભાવે ઘરમાં કહી રાખવું કે “બહાર ફરવા જવું છે, ગોઠવજો ને.” પછી ઘરમાં બધા ભેગા મળીને વિચારીને નિર્ણય લે. આ વર્ષે નહીં તો બીજા કે ત્રીજા વર્ષે સંજોગો ભેગા થાય ને આપણી ઈચ્છા પૂરી થાય. કારણ કે સંજોગો નહીં મળવા પાછળ પૈસાનું, કામકાજનું, સમયનું કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે.

અગાઉ આપણી વીસમાંથી ઓગણીસ ઈચ્છાઓ પૂરી થઈ હોય પણ એક ઈચ્છા પૂરી ન થાય એમાં મહેણાં-ટોણાં મારીએ, નેગેટિવ કરીએ, લોકોને દુઃખ આપી દઈએ એમ ન કરવું. આપણો વ્યવહાર એવો રાખવો કે ઘરના લોકો રાજી થાય. પોઝિટિવ રહેવું કે અત્યાર સુધી આટલી ઈચ્છાઓ તો પૂરી થઈ છે, બધા આટલી મદદ કરે છે, તો આ પણ થશે એક દિવસ.

નિયમ એવો છે કે કુદરતના ઘેર આપણે મહેમાન છીએ. એક પછી એક બધી ઈચ્છાઓ પૂરી કરશે. પણ આપણે અગણિત ઈચ્છાઓ કરી હોય છે. ધારો કે, આપણે સો ઈચ્છાઓ કરી હોય તો એક પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ઈચ્છા પૂરી થતાં થતાં સોમી ઈચ્છા પૂરી થાય ત્યાં સુધી ટાઈમ લાગે. ત્યારે આપણને ધીરજ ન રહે અને ગૂંચવાડો વધતો જાય.

ઈચ્છા પ્રમાણે ભેગું ન થાય તો આપણે સ્વાભાવિક પ્રયત્નો કર્યા કરવા. પણ “નથી મળતું, ક્યારે મળશે?” એમ રાગ-દ્વેષ કરીને નવું ચીતરીએ તો પરિણામ સુધારવાને બદલે બગાડીએ છીએ. ઈચ્છા પ્રમાણે પૂરું થવું કે ન થવું એ સંજોગાધીન છે. પણ આપણે ઈચ્છા કર કર કર્યા કરીશું તો આપણને બળતરા રહેશે અને ઈચ્છા નહીં કરીએ તો આનંદમાં રહીશું.

સહેજાસહેજ શાંતિથી જેટલું મળતું હોય એટલું કમાવું. વધારે પૈસા કમાવાની ઈચ્છા પૂરી કરવા દોડાદોડી, ગડમથલ, કાળા-ધોળા કરવા જેવું નથી. મહિને એક લાખ કમાતા હોઈએ કે દસ લાખ, તોય ઓછું પડે એવું છે, કારણ કે ઈચ્છાઓનો અંત જ નથી. આજે મારુતિ લાવીશું તો કાલે મર્સિડીઝની ઈચ્છા થશે. એટલે વધુ કમાવા માટે દોડધામ કરવાને બદલે, ઘરમાં શાંતિથી રહી શકાય, ઘરના લોકોને ખવડાવવા-પીવડાવવાની તકલીફ ન હોય, બાળકોને સરસ ભણતર આપી શકાય એટલી કમાણી હોય તો તેમાં સંતોષ રાખવો.

નિયમ એવો છે કે લક્ષ્મીના વિચાર બંધ થાય તો ઢગલેબંધ નાણું આવીને પડશે. લક્ષ્મી એ પરિણામ છે, બાય પ્રોડક્શન છે. જેમ પરીક્ષામાં સારું ભણીએ તો રિઝલ્ટમાં સારા માર્ક્સ આવે. તેમ જીવનમાં મેઈન પ્રોડક્શનમાં કોઈને દુઃખ ના આપીએ, સેવા-પરોપકાર કરીએ, સારી ભાવનાઓ કરીએ તો તેના ફળરૂપે પુણ્ય બંધાય છે અને પુણ્યથી લક્ષ્મી, સુખ-શાંતિ, સંપત્તિ આવે છે.

desires

અંતે જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે તમામ સંસારી ઈચ્છાઓ આપોઆપ વિરમી જાય છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પોતાના સાચા સુખનો સ્વાદ આવે છે. આત્માના અવિનાશી, શાશ્વત અને અનંત સુખનો અનુભવ થાય પછી સાચી તૃપ્તિ થાય છે. સંસારમાં ખાઈએ, પીએ, ભોગવીએ તેનાથી સંતોષ તો બધાંને થાય, પણ તૃપ્તિ તો કો’કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય પણ તેની ઈચ્છા ફરી રહે. જ્યારે આત્મસાક્ષાત્કાર પછી તૃપ્તિ થાય અને પછી નવી ઈચ્છા જ ઊભી નથી થતી.

×
Share on