સંબંધોમાં અપેક્ષાનું સ્વરૂપ:

જેટલા સંબંધો હોય તેટલા અપેક્ષાના જાળા ગૂંથાયેલા હોય. ઘરમાં બાળકો, પતિ-પત્ની, મા-બાપ કે સાસુ-સસરા પાસે, બહાર મિત્રો અને સંબંધીઓ પાસે, ઓફિસમાં ઉપરી, અન્ડરહેન્ડ કે સાથે કામ કરનારા પાસે અપેક્ષાઓ હોય છે. આ દરેક સંબંધમાં અપેક્ષાનું સ્વરૂપ જુદું જુદું હોય છે.

પતિ-પત્નીમાં અપેક્ષા

સૌથી વધારે અપેક્ષાઓ પતિ-પત્નીના સંબંધમાં હોય છે. આ સંબંધના મૂળમાં હૂંફ છે. “મને ક્યાંથી સુખ મળશે?”, “મારું કોણ?”, “શેનાથી મારી સલામતી?” એના આધારે બંને પરણે. પછી એકબીજાને સુખ આપીશું, આખી જિંદગી સુખી રહીશું એવી અપેક્ષા રહે. ધીમે ધીમે એકબીજા માટે માલિકીભાવ બેસે અને હક્ક બજાવવાનું શરૂ થાય.

પત્નીની અપેક્ષાનું મોટું લિસ્ટ હોય કે પતિએ મારું આટલું કરવું જોઈએ, મારું આટલું ધ્યાન રાખવું જોઈએ, હું માંદી હોઉં તો મને સાચવવી જોઈએ, મને ટાઈમ આપવો જોઈએ, મારી સાથે આવી રીતે વાતો કરવી જોઈએ, ગમે તેવી રસોઈ બનાવું તોય કાયમ વખાણવી જોઈએ, બાળકો સાથે આમ વાત કરવી જોઈએ, મહેમાનો સાથે આમ વર્તવું જોઈએ, ક્યાંય જવું હોય તો મને લેવા મૂકવા આવવું જોઈએ વગેરે. પત્નીને સાસુ સાથે બનતું ના હોય તો અપેક્ષા રહે કે પતિએ મારો પક્ષ લેવો જોઈએ, એની મા કરતાં મને વધારે મહત્ત્વ આપવું જોઈએ. એમ ન થાય તો પત્નીને “પતિ માવડિયો છે” એમ ફરિયાદ રહે. ઘણી પત્નીને એમ પણ હોય કે પતિ નોકરી-ધંધામાં શું કરે છે, કેટલું કમાય છે, ક્યાં ખર્ચ કરે છે એ બધું જણાવવું જોઈએ, અને જો પતિ ન જણાવે કે પત્નીની જાણ બહાર કોઈને પૈસા આપે તો ઘરમાં તોફાન ઊભું થઈ જાય કે મારાથી છૂપું રાખો છો.

expectation

પતિને પણ પત્ની પાસેથી અપેક્ષાઓનું લિસ્ટ હોય કે પત્ની મને સરસ જમવાનું આપે, ગરમાગરમ જમાડે, કપડાં ઈસ્ત્રી કરીને આપે, આટલા વાગ્યે આ વસ્તુ તૈયાર રાખે, ઓફિસથી આવું તો મને હસીને આવકારે, મારા માટે, મારા ભાઈ-બહેન, મા-બાપ માટે આટલું આટલું કરે, બાળકોને સાચવે, એમનું ધ્યાન રાખે વગેરે. પતિની કોઈ વસ્તુ આઘીપાછી થઈ હોય તો પત્ની ઉપર બૂમાબૂમ કરી મૂકે કે “તું ધ્યાન નથી રાખતી.”

મા-બાપ છોકરાંઓમાં અપેક્ષા

બાળક ગર્ભમાં હોય ત્યારથી મા-બાપને અપેક્ષા શરૂ થઈ ગઈ હોય. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ મા-બાપને અપેક્ષાઓ હોય કે તે આમ ભણે, હોશિયાર થાય, એણે આવું તો કરવું જ જોઈએ, અમારો વિનય રાખવો જોઈએ, કહ્યું માનવું જોઈએ, કુસંગમાં ન પેસે, જૂઠું કે અપશબ્દો ન બોલે, મોટા થઈને આ જ ભણવું જોઈએ, ડોક્ટર, એન્જિનિયર કે CA થવું જોઈએ, રાત્રે મોડા ન આવવું જોઈએ, વહેલા સૂઈ ને વહેલા ઊઠવું જોઈએ વગેરે. છોકરીની જાતને આમ કામ કરવું જોઈએ, આમ સંસ્કારી અને મર્યાદામાં રહેવી જોઈએ. એમાં સહેજ વહેલું-મોડું થાય તો મા-બાપને શંકા થાય કે ક્યાં ગઈ હતી, કોની સાથે હતી વગેરે. મા-બાપ હોશિયાર હોય ને બાળક નબળું હોય તો બીજાના બાળકો સાથે સરખામણી કર્યા કરે. પિતાનો ધંધો હોય તો અપેક્ષા રહે કે બાળકોએ ધંધામાં આટલી મદદ કરવી જોઈએ, પછી બાળકોને બીજું કંઈક કરવું હોય તો ઘરમાં કકળાટ થાય.

બાળકો ભણીને મોટા થાય અને જુદા રહેવા જાય ત્યારે અપેક્ષા ઊભી થાય કે તેમણે વારંવાર ફોન કરવો જોઈએ. પરણેલા છોકરાઓ પાસે અપેક્ષા હોય કે મા-બાપ સાથે આમ રહેવું, વહુ સાથે આમ રાખવું, વહુએ આમ રહેવું કે આમ ન રહેવું જોઈએ. એમાંય દીકરો વહુનું માને તો માતાને થાય કે “દીકરો વહુઘેલો થઈ ગયો.” પરણેલા બાળકોને ત્યાં બાળક જન્મે તો અપેક્ષા જન્મે કે અમને આમ રમાડવા દે, દાદા-દાદીને ત્યાં રાખે, સાચવવા દે વગેરે.

મા-બાપની અપેક્ષા પ્રમાણે બાળકો વર્તન ન કરે તો તેઓ સંભળાવે કે, “અમે તમારા માટે આટલું બધું કર્યું, તમે અમારા માટે આટલું નથી કરતા!” એટલે સામે બાળકો પણ રિએક્ટ થાય કે, “તમે અમારા માટે કર્યું જ શું છે? ”

expectation

મિત્રો અને સંબંધીઓ પ્રત્યે અપેક્ષા

મિત્રો અને સંબંધીઓમાં જ્યાં આપણને વધુ અટેચમેન્ટ કે રાગ હોય, ત્યાં અપેક્ષા ઊભી થાય કે, મેં તમારા માટે આટલું બધું કર્યું, તો તમારે મારા માટે કરવું જોઈએ. ખાસ કરીને એ લોકોને જરૂર હોય ત્યારે આપણે મદદ કરી હોય, પછી આપણને જરૂર ઊભી થાય ત્યારે “મને મદદ કરવી જોઈએ” એવી અપેક્ષા ઊભી થાય અને કોઈ મદદ ન કરી શકે તો નોંધમાં રાખીએ કે કોઈ મદદમાં આવ્યું નહીં.

જે વ્યક્તિ માટે રાગ હોય ત્યાં એના વગર ગમે જ નહીં, એ ભેગી ન થાય ત્યાં સુધી યાદ આવ્યા કરે, પછી વ્યક્તિ ભેગી થાય તો તું મને મદદ કર, મારી સાથે ફરવા આવ, મારી સાથે કામ કરવા આવ એવી અપેક્ષાઓ રહ્યા કરે. સામી વ્યક્તિ સમય ન આપી શકે તો તેના માટે દ્વેષ થાય, ફરિયાદ રહે.

મિત્રો ને સંબંધીઓ પ્રત્યેની આપણી અપેક્ષા પૂરી ના થાય તો તેમની સાથે ઝઘડો થઈ જાય, ભેદ પડી જાય. ઘણીવાર તો સંબંધ એટલો વણસે કે વર્ષો સુધી એકબીજા સાથે અબોલા રહે.

વ્યવસાય ક્ષેત્રે અપેક્ષા

ઓફિસ કે ધંધામાં પણ આપણા ઉપરી કે સીનિયર્સ અને આપણા અન્ડરહેન્ડ કે જુનિયર્સ પાસે અપેક્ષાઓ હોય કે એ લોકોએ આમ કામ કરવું જોઈએ, આ રીતે રહેવું જોઈએ વગેરે. કોઈ જગ્યાએ આપણે ટ્રેનિંગ કે ઈન્ટર્નશિપમાં હોઈએ તો, કામ સોંપનારને અપેક્ષા હોય કે સારામાં સારું કામ થવું જોઈએ. સરકારી નોકરીમાં સ્ટાફને ઉપરી માટે અપેક્ષા રહેતી હોય કે સાહેબ મારી ફાવતી જગ્યાએ બદલી કરી આપે.

expectation

કર્મચારીઓને પ્રમોશન મેળવવાની, વધુ પૈસા કમાવાની અપેક્ષા હોય, તો બોસને ઓછા સમયમાં વધુ કામ થાય, ધંધામાં વધુ નફો મળે તેવી અપેક્ષા હોય અને બેમાંથી એકની અપેક્ષા પૂરી ન થાય તો મનદુઃખ ઊભાં થાય.

મહત્વાકાંક્ષી વ્યક્તિઓને પોતાની કારકિર્દીમાં અમુક ઊંચાઈએ પહોંચવાના સપના હોય, પણ વાસ્તવિકતામાં એવું  ન બને એટલે અસંતોષ રહે, ફ્રસ્ટ્રેશન આવે, ભોગવટા ઊભા થાય.

અપેક્ષાથી થતાં નુકસાન:

અપેક્ષા કોઈ દિવસ કોઈની પૂરી ના થાય. જ્યાં અપેક્ષા રાખીએ તો જેટલું મળશે એટલું ઓછું જ પડશે. અપેક્ષા રાખી હશે ત્યાંથી  દુઃખ પડશે, તે આપણને ભોગવટામાં નાખ્યા વગર રહેશે જ નહીં.

અપેક્ષા પૂરી થાય તો વ્યક્તિ પ્રત્યે રાગ, અટેચમેન્ટ વધે. પછી આગળ વધીને વ્યક્તિ માટે પઝેસિવનેસ વધે. જ્યારે અપેક્ષા પૂરી ન થાય તો વ્યક્તિને “મારી કોઈ વેલ્યૂ નથી”, “મારી પડી નથી”, “મને સપોર્ટ નથી કરતા” એમ આક્ષેપો આપી દેવાય, પરિણામે અથડામણ સર્જાય. પોતે પણ દુઃખી થાય ને સામાને પણ દુઃખ અપાઈ જાય. સંબંધોમાં રાગમાંથી દ્વેષ ઊભો થાય, નોંધ રહે, વ્યક્તિ સાથે ભેદ પડી જાય. સામી વ્યક્તિએ ૯૯ વખત આપણી અપેક્ષા મુજબ કર્યું હોય અને એક વખત ના થાય તો આગળનું બધું ધોવાઈ જાય.

પછી જેમ આપણને ધક્કો વાગે ને એ ધક્કો બીજાને આપીએ તેમ, એક વ્યક્તિથી દુઃખી થયા હોઈએ તો આપણે બીજા પર ગુસ્સો કાઢીએ. પરિણામે અથડામણ ટળે નહીં પણ વધ્યા જ કરે.

વ્યક્તિને આક્ષેપોરૂપી શબ્દોથી એવા ઘા મરાય કે પછી સામાના બારણા બંધ થઈ જાય, બહાર કંઈ ના બોલે પણ અંદર થાય કે “જવા દો, માથાકૂટ નથી કરવી. ” આક્ષેપથી સામાનું મન તૂટી જાય, ઊલટું એ અવળા ભાવ કરે અને અપેક્ષા પૂરી કરવાનો ભાવ હોય તેય તૂટી જાય.

અપેક્ષા રાખવી એ ફૂટબોલની રમત જેવું છે, જેમાં આપણે એક દડો નાખીશું તો સામેથી આવશે, બીજો નાખીશું તો સામેથી બીજો આવશે. એટલે કે, જેમ આપણે સામા માટે અપેક્ષાઓ રાખીએ કે સામો મારી અપેક્ષા પૂરી કરે, તેમ સામો પણ આપણા માટે અપેક્ષા રાખશે.

આપણે સામાની અપેક્ષા સંતોષીએ ને સામો આપણી અપેક્ષા પૂરી ન કરે તો તે ક્લેશ, ગૂંચવાડા અને કકળાટનું કારણ બને છે. એમાંય સામો કોઈ ત્રીજી વ્યક્તિની અપેક્ષા પૂરી કરે તો આપણને સરખામણી ઊભી થાય કે “મને પણ આવું મળવું જોઈએ, મને કેમ નથી આપતા?” અને એમાંથી ઝઘડા શરૂ થાય.

મા-બાપની બાળકો પર અપેક્ષાઓ ખૂબ હોય છે. ભણવાને લઈને કે સંસ્કાર આપવા માટે, મા-બાપ નાનપણથી જે કચકચ કરે છે તેનાથી બાળકોના માનસ ઉપર અત્યંત અવળી અસર પડે છે. નાનપણથી બાળકને “આમ કરવાનું, આમ નહીં કરવાનું” એમ દિવસમાં 25-50 વખત ટોક ટોક કરે એટલે બાળમાનસમાં ખીલા ભોંકાવા જેવું દુઃખ થાય.

expectation

બાળકો મા-બાપને આશ્રિત છે એટલે માને ખરા, પણ અંદરથી એમનું મગજ બંધ થઈ જાય, એમને ગૂંગળામણ શરૂ થાય. પોતાની પ્રકૃતિ ગુલાબ જેવી હોય તો તેને કહીએ ગુલાબ થા, પણ ખરેખર એની પ્રકૃતિ મોગરા જેવી હોય. પણ મા-બાપ બાળકોની પ્રકૃતિને પારખ્યા વગર, પોતાની ડિઝાઈન પ્રમાણેના બીબામાં બાળકોને ઢાળવા જાય છે. બાળકોને આદર્શ અને સંસ્કારી બનાવવાના તેમના દબાણને કારણે બંને વચ્ચે ઘર્ષણ, સંઘર્ષણ ચાલુ જ રહે છે.

મા-બાપને લાગે કે એમના ભલા માટે કહું છું. પણ સમય જતાં બાળકનું માનસ ડિફોર્મ થઈ જાય છે. પછી બાળકો મોટા થાય એટલે રિએક્શન આવે. જો બાળકનો અહંકાર સુપિરિયર હોય તો સામે થશે કે, “હું ગમે તે કરું, તમારે મને કહેવાની જરૂર નથી.” અને જો બાળકનો અહંકાર ઇન્ફીરિયર હશે તો તે અંદર ને અંદર મૂંઝાયા કરશે, ખૂણામાં બેસીને રડ્યા કરશે, અથવા હતાશામાં ગરકી જશે. આમ, બાળક નેગેટિવિટી, ડિપ્રેશન અને હિંસક વલણના શિકાર બને છે. પણ દુઃખની વાત એ છે કે મા-બાપને ખબર જ નથી પડતી કે તેમની અપેક્ષાઓને કારણે કંઈક ભૂલ થઈ રહી છે.

અપેક્ષાનું મૂળ:

અપેક્ષાનું મૂળ છે રાગ, મોહ. જે વ્યક્તિ પ્રત્યે ખૂબ રાગ હોય તેના પ્રત્યે “એણે આવું કરવું જોઈએ” એવી અપેક્ષા જન્મે. અપેક્ષા પ્રમાણે ન બને તો પોતાને દુઃખ થાય, વ્યક્તિ પર ગુસ્સો આવે, “તમે આવા છો, તેવા છો”, “આટલું નથી કરતા” એમ આક્ષેપ આપી દેવાય. ટૂંકમાં, અપેક્ષા પૂરી ના થાય એટલે દ્વેષ થાય.

રાગ ઓળખાવો મુશ્કેલ છે, પણ જ્યારે અપેક્ષા પૂરી ના થાય ત્યારે રિએક્શનમાં આપણને દ્વેષ થાય, ભોગવટો આવે, કકળાટ થાય ત્યારે સમજવું કે એની પાછળ રાગ છે.

અપેક્ષા સામે ઉપાયો:

અપેક્ષા સામે જીવનમાં એટલું સૂત્ર રાખવું કે આપણને જેટલું મળ્યું એટલું સાચું. કારણ કે અપેક્ષા રાખીએ કે ન રાખીએ તોય જે મળે છે તે એટલું જ મળશે. માટે, અપેક્ષા પૂરી ના થાય તેની તૈયારી રાખવી. નક્કી કરવું કે આપણી અપેક્ષા પૂરી ન થાય તો સામાને દુઃખ આપવું નથી, આક્ષેપો આપવા નથી.

સામો આપણી અપેક્ષા પૂરી ન કરી શકે, ત્યારે જોવું કે ૧૦ માંથી ૭ વખત અપેક્ષા પૂરી થઈ ને ૩ પૂરી ના થઈ, એટલે એમના દિલમાં તો છે જ કે અપેક્ષા પૂરી કરવી છે, પણ સંજોગવશાત્ નથી થઈ રહી એમ સમજવું. જેમ આપણે કોઈને કહ્યું હોય કે સાત વાગ્યે પહોંચી જઈશ, પણ પછી ટ્રાફિક નડે તો આપણને પહોંચવામાં મોડું થાય ને? તેવી જ રીતે કર્મોનો ટ્રાફિક નડે, એટલે કે વ્યક્તિ આપણી અપેક્ષા પૂરી કરવા માંગે છે પણ એ ના થઈ શકે તેવા સંજોગો ઊભાં થાય, તો આપણી અપેક્ષા સમયસર પૂરી ના પણ થાય.

જે અપેક્ષાથી આપણને અને સામાને દુઃખ ઊભા થાય, એ અપેક્ષા ઉપાડતા જવું. ધીમે ધીમે જેટલા ટકા અપેક્ષા ઉપાડી લીધી એટલા પ્રમાણમાં દુઃખ ઓછા થઈ જશે. અપેક્ષા બંધ તો નહીં થઈ જાય, પણ એક-એક કરતા અપેક્ષાઓ ઓછી તો થઈ શકે. જે બાબતમાં આપણી અપેક્ષા જ નહીં રહે તે બાબતને લઈને પછી કોઈ દુઃખ, આક્ષેપ, દોષદૃષ્ટિ કે ભૂલ કાઢવાની જ નહીં રહે.

જેમ ઝાડને આપણે કંઈ નથી આપતા, તોય એ પોતાના ફળ, ફૂલ, લાકડું લોકોને આપ્યા જ કરે છે, બદલામાં કોઈ અપેક્ષા વગર. તેમ આપણે પણ જીવનમાં લોકોને મદદ કરવાના સારા સંસ્કાર લાવ્યા હોઈએ, તો સામી વ્યક્તિ આપણને મદદ નથી કરતી એમ જોઈને મદદ કરવાનું બંધ ન કરવું. આપણા સમય, શક્તિ અને આવડત પ્રમાણે મદદ કર્યા કરવી.

આપણે બધાની અપેક્ષા પૂરી કરતા હોઈએ ને કોઈ આપણી અપેક્ષા પૂરી ન કરે તો સમજવું કે આપણું કર્મનું દેવું વધારે છે, એ ચૂકવ્યા કરવું. એમાં આપણને ખોટ જતી નથી, ઊલટું માણસો ઓળખાય છે, કામ કરવાની આવડત અને શક્તિ વધે, કોમનસેન્સ વધે, એડજસ્ટમેન્ટ લેવાની શક્તિઓ વધે છે. આપણો હિસાબ પૂરો થશે તો સામેથી લોકો આપણી અપેક્ષા પૂરી કરશે. માટે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. પછી મનમાં પણ નહીં રાખવાનું કે મેં તમારા માટે આટલું બધું કર્યું.

જેમ આપણે ધંધામાં કોઈ વેપારી પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા હોય, તો એ આપણને પાછા ચૂકવશે. જ્યારે બીજા વેપારી પાસેથી આપણે એક લાખ રૂપિયા લીધા હોય, તો તેને આપણે પાછા ચૂકવવા પડશે. હવે ચૂકવતી વખતે આપણે ફરિયાદ કરીએ કે આ વેપારી કેમ મને રૂપિયા આપતો નથી? તેવી જ રીતે વ્યક્તિઓ સાથે જેવા કર્મના હિસાબ બાંધ્યા હશે, તે પ્રમાણે અપેક્ષાનો હિસાબ ચૂકવાશે.

આધ્યાત્મની દૃષ્ટિએ જોઈએ, તો સામાની ૧૦૦% ઈચ્છા હોય તો પણ આપણો પુણ્યનો હિસાબ હશે તો અપેક્ષા પૂરી કરી શકશે અને આપણો પાપનો હિસાબ હશે તો પૂરી નહીં થાય. માટે, આપણી અપેક્ષા પૂરી ના થાય એમાં સામાનો દોષ નથી.

બધી સમજણ ફિટ કરવા છતાં, અપેક્ષા પૂરી ન થાય ને કોઈને દુઃખ થઈ જાય, તો આપણે તેમની માફી માંગી લેવી અને બને તો રૂબરૂ જઈને વાળી આવવું કે મારાથી ખોટું બોલાઈ ગયું. એમ કરવાથી સામાના ઘા રૂઝાશે. આપણે નક્કી કરવું કે ફરીથી આ ભૂલ ના થાય અને તે માટે જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પાસે શક્તિ માંગવી.

પતિ-પત્નીએ એકબીજાના મિત્રની જેમ રહેવું, જેમાં એકબીજા પર વધુ પડતી અપેક્ષાઓ ન હોય. બંનેએ એકબીજાને પૂરક થવું. પૂરક એટલે એકથી આઠ કામ કરવાના હોય તો, એક જણ એક, બે, ત્રણ, ચાર કરે અને બીજું પાંચ, છ, સાત,આઠ પૂરા કરે, એમ પતિ-પત્નીમાં સંસાર ચાલ્યા કરે. જે કામોમાં પતિને સૂઝ ના પડતી હોય ત્યાં, “એમણે આ કરવું જોઈએ” એવી અપેક્ષા રાખવાને બદલે પત્નીએ સંભાળી લેવું, અને પતિએ ઘરમાં કે રસોડામાં કચકચ ન કરવી. બંનેએ એકબીજાના કામો વહેંચી નાખવા અને એકબીજાના કામમાં ડખલ ના કરવી, ભૂલ ન કાઢવી. શાંતિ જોઈતી હોય તો એડજસ્ટ થઈ જવું અને અથડામણ ટાળવી.

expectation

મા-બાપે બાળકોને ખીલવા દેવા અને એમની આવડત પ્રગટ થવા દેવી. પોતાની અપેક્ષા બાળકો ઉપર લાદવાને બદલે એમની પ્રકૃતિ ઓળખીને તે પ્રમાણે બાળકોનું ઘડતર કરવું. બાળકો સાથે પ્રેમ રાખવો, એમના પોઝિટિવ ગુણોને પ્રોત્સાહન આપવું અને નેગેટિવ ગુણોમાં મૌન રહેવું અથવા પ્રાર્થના કરવી. બે બાળકો હોય અને બંનેની પ્રકૃતિ જુદી હોય તો ક્યારેય તેમનામાં સરખામણી ન કરવી. પણ બેઉ માટે સમાનતા રાખીને આપણી ફરજ બજાવવી. ત્રણ બાબતોમાં બાળકોને સ્વતંત્રતા આપવી, ભણતર, લગ્ન અને ધર્મની પસંદગી. એમાં આપણે ઠોકી ન બેસાડવું.

expectation

મિત્રો કે સંબંધીઓમાં પણ સાધારણ એકબીજા સાથે રહેવું, હરવું-ફરવું, સાથે ભણવું અને પ્રેમથી વ્યવહાર રાખવો. પણ વધુ પડતું અટેચમેન્ટ રાખીને રાગ-દ્વેષમાં ન પડવું. સામો લાભ ઉઠાવીને પૈસા માંગે તો એ બાબતમાં બંધ રાખવું. સારા દેખાવા માટે થઈને વધુ પડતું પૈસાથી ન ઘસાવું. આપણને એમના માટે અપેક્ષા હોય તો સાધારણ ઈચ્છા બતાવવી કે આમ થાય તો સારું. પછી સામાના સંજોગ અનુકૂળ ના હોય તો તેમને પોતાની અપેક્ષામાંથી મુક્ત કરવા. પણ દુઃખી ન થવું કે વ્યક્તિ સાથે ભેદ ના પાડવા અને દોષ ન જોવા.

વ્યવસાયના કામોમાં  બોસને અન્ડરહેન્ડ પાસેથી અપેક્ષા હોય કે કામ સારું થવું જ જોઈએ, અને અન્ડરહેન્ડને બોસ માટે એવું હોય કે મને સારું માર્ગદર્શન આપે અને સારો પગાર આપે. પછી એ અપેક્ષા સંજોગોવશાત્ પૂરી ન થાય તો કોઈને દોષિત ન જોવા. વ્યવહારિક એડજસ્ટમેન્ટ લેવા, જેમ કે કામ પૂરું કરવાનો ખરેખર જે ટાર્ગેટ હોય એના થોડા વખત પહેલાંની ડેડલાઈન નક્કી કરવી. એટલે ડેડલાઈન કરતા થોડું મોડું થાય તો પણ કામ સમયસર પૂરું થઈ જશે. કામ મોડું-વહેલું થાય કે કામ બગડે તો બુદ્ધિથી કામકાજના સોલ્યુશન લાવવા કે કયા સંજોગથી બગડ્યું? શું ફેરફાર કરી શકાય? અહીં શું કરવું જોઈતું હતું? તો વ્યક્તિ જોડે ભેદ નહીં પડે.

×
Share on