Related Questions

વર્તમાનમાં કેવી રીતે રેહવું?

વર્તે વર્તમાનમાં સદા

વર્તમાનમાં રહેવું એ જ વ્યવસ્થિત

હું શું કહું છું કે વર્તમાનમાં રહેતાં શીખો.

તમને વર્તમાનમાં રહેવા માટેનાં બધા રક્ષણો આપ્યા છે અને અમે વગર રક્ષણે રહીએ છીએ.

પ્રશ્નકર્તા: વર્તમાનમાં શી રીતે રહેવાય?

દાદાશ્રી: ભૂતકાળ ભૂલી જઈએ તો! ભૂતકાળ તો ગોન એને આજે યાદ કરીએ તો શું થાય? વર્તમાનનો નફો, ખોઈએ અને પેલું ખોટ તો છે જ.

ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો કહે, જે જે ભૂતકાળની ફાઈલો મનમાં ઊભી થઈ તે અત્યારે નિકાલ નહીં કરવાની? તો કહે, 'ના, એ તો રાતે દસ-અગિયાર વાગે આવો. એક કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું, અત્યારે નહીં.' અત્યારે તો પૈસાની ખોટેય આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ?

પ્રશ્નકર્તા: વર્તમાનમાં.

દાદાશ્રી: હં, ઘડીવાર પેલા અમને આમ કહી ગયા હતા, એવું હું યાદ કરું તો અત્યારે છે તે વર્તમાન, તેય ખોઈ નાખું. થઈ ગયું ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો.

અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું, બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી ચૂક્યા તો ચૂક્યા. એ થઈ ગયો ભૂતકાળ અને 'કોર્ટમાં શું થશે?' એ ભવિષ્યકાળ એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો! અમને તો આવું પૃથક્કરણ તરત જ થઈ જાય. અમને 'ઓન ધી મોમેન્ટ' બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય. તમને જરા વાર લાગે.

પ્રશ્નકર્તા: તમારી સાથે એક વાત થઈ હતી કે 'વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ.'

દાદાશ્રી: બધું જ્ઞાન, બધા પાંચેય વાક્ય હાજર રહેવા જોઈએ. જે હાજર રહે, એનું નામ જ જ્ઞાન.

પ્રશ્નકર્તા: તો અમારી એવી કઈ ભૂલ છે જેથી એટ એ ટાઈમ હાજર નથી રહેતું? પછી પાછળથી યાદ આવે છે? પછી સમભાવે નિકાલ થાય છે. એટલે આ બાબતમાં વધુ અમારે જાણવું છે.

દાદાશ્રી: મૂળ વસ્તુ તો વ્યવસ્થિત એટલે શું કે અવ્યવસ્થિત ગયું હવે અને આ વ્યવસ્થિત રહ્યું. અમારી લાઈફમાં હવે વ્યવસ્થિત રહ્યું બધું. એટલે એ વ્યવસ્થિત એટલે ભવિષ્યની ચિંતા કરવાની ન્હોય, ભૂતકાળ ભૂલી જવાનું અને નિરંતર વર્તમાનમાં રહેવું એ વ્યવસ્થિત.

અમે કેરી ખાતા હોઈએ અગર ખોરાક લેતા હોય, તે ઘડીએ આ સત્સંગ અમને યાદ ના રહે. તમે બહાર આવ્યા હોય ને, એ જ્ઞાન અમને કહ્યું હોય કે *ચંદુભાઈ આવ્યા છે, તો અમે જમતા હોય, તે ઘડીએ યાદ આવે ને તમારું, તો અમે એને કહીએ કે થોડીવાર પછી આવજો. હમણે જમી લેવા દો. તમે આવ્યા, એ તો ભૂતકાળ થઈ ગયો. એટલે અમે વર્તમાનમાં રહીએ. આ જમવાનું આવ્યું ને, હે ય... હાફુસની કેરીઓ ખાવ નિરાંતે! ખાવું થોડુંક, પણ ચાવી ચાવીને...

પ્રશ્નકર્તા: ઉપયોગપૂર્વક.

દાદાશ્રી: એ બીજું કશું નહીં, વર્તમાનમાં જ. અમે વર્તમાનમાં રહીએ. તેથી લોકો કહે, 'દાદા, તમે ટેન્શનરહિત છો!' મેં કહ્યું, 'શેનું ટેન્શન મૂઆ?' વર્તમાનમાં રહે તો ટેન્શન હોતું હશે? ટેન્શન ભૂતકાળમાં ખોવાઈ જાય તેને હોય. ભવિષ્યનું ગાંડપણ કરે તેને હોય, અમારે ટેન્શન શું?

વર્તમાનમાં રહે, એને ભગવાને 'જ્ઞાની' કહ્યા! વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંય! એટલે નિરંતર વર્તમાન વર્ત્યા કરે! એટલે હું વર્તમાનમાં રહું છું ને તમને વર્તમાનમાં રહેવાનું શીખવાડું છું. એમાં વાંધો છે? કાયદેસર છે પાછું. ભગવાને વર્તમાનમાં રહેવાનું જ કહ્યું છે.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું. 

×
Share on