Related Questions

કોઇ આપણને દગો કરી ગયો હોય એ વર્તમાનમાં યાદ આવ્યા કરે, ત્યારે શું કરવું? કઈ રીતે પૂર્વગ્રહ રહિત થવાય?

અભિપ્રાય કેવી રીતે છૂટે?

કોઇ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઇ લેવાનું, નહીં તો 'પ્રેજ્યુડીસ' કહેવાય.

પ્રશ્નકર્તા: પણ ધ્યાનમાં તો રાખવું જોઇએને એ?

દાદાશ્રી: એ તો એની મેળે હોય જ. ધ્યાનમાં રાખીએ તો 'પ્રેજ્યુડીસ' થાય. 'પ્રેજ્યુડીસ'થી તો ફરી સંસાર બગડે. આપણે વીતરાગ ભાવે રહેવું.  પાછલું લક્ષમાં રહે જ, પણ એ કંઇ 'હેલ્પિંગ' વસ્તુ નથી. આપણા કર્મના ઉદય એવા હતા તેથી એણે આપણી જોડે એવું વર્તન કર્યું.  ઉદય સારા હશે તો ઊંચું વર્તન કરશે. 'પ્રેજ્યુડીસ' માટે રાખશો નહીં. તમને શું ખબર પડે કે પહેલાં છેતરી ગયેલો આજે નફો આપવા આવ્યો છે કે નહીં? અને તમારે એની જોડે વ્યવહાર કરવો હોય તો કરો ને ના કરવો હોય તો ના કરશો, પણ 'પ્રેજ્યુડીસ' ના રાખશો! અને વખતે વ્યવહાર કરવાનો વખત આવે તો તો બિલકુલ 'પ્રેજ્યુડીસ' ના રાખશો.

પ્રશ્નકર્તા: અભિપ્રાય વીતરાગતા તોડે છે?

દાદાશ્રી: હા. આપણને અભિપ્રાય ના હોવા જોઇએ. અભિપ્રાય અનાત્મ વિભાગના છે, તે તમારે 'જાણવું' કે તે ખોટો છે, નુકસાનકારક છે. પોતાના દોષે, પોતાની ભૂલે, પોતાના 'વ્યુપોઇન્ટ'થી અભિપ્રાય બાંધે છે. તમને અભિપ્રાય બાંધવાનો શો 'રાઇટ' (અધિકાર) છે?

પ્રશ્નકર્તા: અભિપ્રાય બંધાઇ જાય અને તે ભૂંસાય નહીં, તો નવું કર્મ બંધાય?

દાદાશ્રી: અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. હા, અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકુય કર્મ બંધાય નહીં અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરેય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ.

જન્મથી તે મૃત્યુ પર્યંત બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના હાથમાં છે, તો અભિપ્રાય રાખવાની જરૂર જ ક્યાં છે? સ્વરૂપજ્ઞાન મળ્યા પછી, જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ પ્રાપ્ત થયા પછી બે-પાંચ અભિપ્રાયો પડ્યા હોય તેને કાઢી નાખીએ એટલે 'વીથ ઓનર્સ' (માનભેર) પાસ થઇએ આપણે!

અભિપ્રાયને લીધે જેમ છે તેમ જોઇ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી, કારણ કે અભિપ્રાયનું આવરણ છે. અભિપ્રાય જ ના રહે ત્યારે નિર્દોષ થવાય. સ્વરૂપજ્ઞાન પછી અભિપ્રાય છે ત્યાં સુધી તમે મુક્ત કહેવાઓ, પણ મહામુક્ત ના કહેવાઓ. અભિપ્રાયને લીધે જ અનંત સમાધિ અટકી છે.

પહેલાં જે 'કોઝિઝ' હતા તેની અત્યારે 'ઇફેક્ટ' આવે છે. પણ એ 'ઇફેક્ટ' પર 'સારું છે, ખોટું છે' એ અભિપ્રાય આપે છે, એનાથી રાગદ્વેષ થાય છે. ક્રિયાથી 'કોઝિઝ' નથી બંધાતા, પણ અભિપ્રાયથી 'કોઝિઝ' બંધાય છે.

×
Share on