મોક્ષે જવાની ઈચ્છા કોને ન હોય ? પણ જવાનો માર્ગ સાંપડવો કઠીન છે. મોક્ષમાર્ગના નેતા સિવાય એ માર્ગે દોરી કોણ જાય ?
પૂર્વે જ્ઞાનીઓ, તીર્થંકરો થઈ ગયા ને કેટલાયનો મોક્ષનો ધ્યેય સિધ્ધ કરાવી ગયા. વર્તમાનમાં તરણતારણ જ્ઞાની પુરુષ 'દાદાશ્રી' થકી એ માર્ગ ખુલ્લો થાય છે, અક્રમ માર્ગ થકી ! ક્રમે ક્રમે ચઢવાનું ને અક્રમે ચઢવાનું, એમાં કયું સહેલું ? પગથિયાં કે લિફટ ? આ કાળમાં લિફટ જ પોષાયને સહુ કોઈને !
'આ કાળમાં આ ક્ષેત્રથી સીધો મોક્ષ નથી' એમ શાસ્ત્રો વદે છે. પણ વાયા મહાવિદેહ ક્ષેત્રથી શ્રી સીમંધર સ્વામીના દર્શનથી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ તો ચાલુ જ છેને, ઘણાકાળથી ! સંપૂજ્ય દાદાશ્રી એ માર્ગે મુમુક્ષુઓને પહોંચાડે છે, જેની પ્રાપ્તિની ખાત્રી મુમુક્ષુને નિશ્ચયથી વર્તાય છે.
આ કાળમાં આ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર છે નહીં, પણ આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી બિરાજે છે અને ભરત ક્ષેત્રના મોક્ષાર્થી જીવોને મોક્ષે પહોંચાડ્યા કરે છે. જ્ઞાનીઓ એ માર્ગથી પહોંચી અન્યને એ માર્ગ ચીંધે છે.
પ્રત્યક્ષ-પ્રગટ તીર્થંકરની ઓળખાણ થવી, તેમની ભક્તિ જાગવી ને તેમનું દિન-રાતનું અનુસંધાન કરી લેવું અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એ જ મોક્ષની પ્રથમથી અંતિમ કેડી છે, એમ જ્ઞાનીઓ સૂચવે છે.
શ્રી સીમંધર સ્વામીની આરાધના જેટલી વધુને વધુ થાય તેટલું તેમની સાથેનું અનુસંધાન સાતત્ય વિશેષ ને વિશેષ રહે, જેનાથી એમની સાથેનું ઋણાનુબંધ ગાઢ બને. અંતે પરમ અવગાઢ સુધી પહોંચી ને તેમના ચરણકમળમાં જ સ્થાનપ્રાપ્તિની મહોર મરાય છે !
શ્રી સીમંધર સ્વામી સુધી પહોંચવા પ્રથમ તો આ ભરત ક્ષેત્રના સર્વ ઋણાનુબંધોથી મુક્તિ મેળવવી જોઈએ. અને તે મળે અક્રમજ્ઞાન થકી પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન અને પાંચ આજ્ઞાઓના પાલન થકી ! અને શ્રી સીમંધર સ્વામીની અનન્ય ભક્તિ, આરાધન દિન-રાત કરતાં કરતાં તેમની જોડે ઋણાનુબંધ બંધાય છે, જે આ દેહ છૂટતાં જ ત્યાં જવાનો રસ્તો કરી આપે છે !
કુદરતી નિયમ એવો છે કે આંતરિક પરિણતીઓ જેવી હોય, તે મુજબ આવતો જન્મ નક્કી થાય. અત્યારે ભરતક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. મનુષ્યો બધા કળિયુગી છે. અક્રમ વિજ્ઞાન પામી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે ત્યારથી આંતરિક પરિણતીઓ એકદમ ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. કળિયુગમાંથી સત્યુગી બને છે. અંદર ચોથો આરો વર્તાય છે. બહાર પાંચમો ને અંદર ચોથો આરો ! અંદરની પરિણતીઓ ફેરફાર થવાથી જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં મૃત્યુ પછી આ જીવ ખેંચાય છે અને એમાં શ્રી સીમંધર સ્વામીની ભક્તિથી તેમની જોડેનું ઋણાનુબંધ ઑલ રેડી (પહેલેથી) બાંધી દીધેલું જ હોય છે તેથી તેમના સમીપમાં, ચરણોમાં ખેંચાય છે એ જીવ ! આ બધા નિયમો છે કુદરતના !
સંપૂજ્ય દાદાશ્રી કાયમ કહેતા કે મૂળનાયક સીમંધર સ્વામીના ઠેર ઠેર દેરાસરો બંધાશે, ભવ્ય દેરાસરો બંધાશે, ઘેર ઘેર સીમંધર સ્વામીની પૂજા-આરતીઓ થશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર થઈ ગયો હશે !
અને ભગવાન શ્રી સીમંધર વિશે જરાક વાત કરતાં જ લોકોના હ્રદયમાં તેમનાં પ્રત્યે ભક્તિ ચાલુ થઈ જાય છે ! દિનરાત સીમંધર સ્વામીને દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કર્યા કરવાના. દરરોજ સીમંધર સ્વામીની આરતી, ચાલીસ વખત નમસ્કાર કરવાના.
પરમ કૃપાળુ શ્રી દાદા ભગવાન સામાન્ય રીતે સર્વે મુમુક્ષુઓને સંધાન નીચે આપેલા નમસ્કારથી કરાવે છે.
''પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.''
આ શબ્દો એ સંધાન નથી જ. એ વખતે મુમુક્ષુઓને પોતે શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરતો હોય તેવી અનુભૂતિ થાય તે સંધાન છે.
'પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ' એવો શબ્દપ્રયોગ એટલાં માટે પ્રયોજવામાં આવ્યો છે કે જ્યાં સુધી મુમુક્ષુનો શ્રી સીમંધર સ્વામી સાથે સીધો તાર જોડાયો નથી, ત્યાં સુધી જેનો નિરંતર તાર તેમની સાથે સંધાયેલો છે એવા જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનના માધ્યમ દ્વારા આપણા નમસ્કાર આપણે શ્રી સીમંધર સ્વામીને પહોંચાડીએ છીએ. જેનું ફળ પ્રત્યક્ષ કરેલા નમસ્કાર જેટલું જ મળે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ સંદેશો અમેરિકા પહોંચાડવો છે, પણ તે આપણી મેળે પહોંચાડી શકીએ તેમ નથી એટલે આપણે આ સંદેશો પોસ્ટખાતાને સુપરત કરીને નિશ્ચિત બની જઈએ છીએ. આ જવાબદારી પોસ્ટખાતાની છે અને તે તેને પૂરી પણ કરે છે. આ જ રીતે પૂજ્ય દાદાશ્રી શ્રી સીમંધર સ્વામીને આપણે સંદેશો પહોંચાડવાની જવાબદારી પોતાના શિરે લે છે.
દાદા ભગવાનને સાક્ષી રાખી નમસ્કારવિધિ કરવી. આ નમસ્કારવિધિ જેમને સમ્યક્ દર્શન લાધ્યું છે, એવાં સમકિતી મહાત્માઓ સમજપૂર્વક કરે તો તેનું ફળ ઓર જ મળે છે ! મંત્ર બોલતાં અક્ષરેઅક્ષર વાંચવો જોઈએ. તેનાથી ચિત્ત સંપૂર્ણપણે શુધ્ધ રહે છે. સંપૂર્ણ ચિત્તશુધ્ધિપૂર્વક નમસ્કાર એટલે પોતાની જાતને શ્રી સીમંધર સ્વામીના મૂર્તિસ્વરૂપને પ્રત્યેક નમસ્કાર કરતી જોવી. પ્રત્યેક નમસ્કારે સાષ્ટાંગ વંદના કરતી દેખાવી જોઈએ. જ્યારે પ્રભુનું મૂર્તસ્વરૂપ દેખાય ને પ્રભુનું અમૂર્ત એવું કેવળજ્ઞાન સ્વરૂપ તેનાથી કઈ રીતે ભિન્ન છે, તે પણ સમજાઈ જાય ત્યારે માનવું કે શ્રી સીમંધર સ્વામીની નિકટ પહોંચી ગયા છીએ.
શ્રી દાદા ભગવાનના મુખેથી શ્રી સીમંધર સ્વામી સાથેના સંધાનની વાત સાંભળીને અનેક લોકોને આવી અનુભૂતિ થઈ છે.
આશા છે, જેને પ્રત્યક્ષ યોગ ના હોય, તેને આ પુસ્તિકા પરોક્ષ રીતે સંધાનની ભૂમિકા સ્પષ્ટ કરી આપશે. જે વ્યક્તિ ખરેખર મોક્ષની ઈચ્છુક હશે, તેનું શ્રી સીમંધર સ્વામી સાથે અવશ્ય સંધાન થઈ જશે. આ પહેલાં ક્યારેક ઉત્પન્ન થયું નહોતું, તેવું શ્રી સીમંધર સ્વામી પ્રત્યેનું જબરજસ્ત આકર્ષણ ઉત્પન્ન થાય તો જાણી લેવું કે પ્રભુનાં ચરણોમાં સ્થાન પામવાના નગારાં વાગવા માંડ્યા છે.
સીમંધર સ્વામીની પ્રાર્થના, વિધિ અને સીમંધર સ્વામીના ચરણોમાં સદા મસ્તક રાખી અનન્ય શરણાંની સતત ભાવનામાં રહેવું. સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ વારેવારે કહેલું છે કે અમે પણ સીમંધર સ્વામી પાસે જવાના ને તમે પણ ત્યાં જ પહોંચવાની તૈયારી કરો. એ સિવાય એકાવતારી કે બે અવતારી થવું મુશ્કેલ છે ! ફરી પાછો જન્મ જો આ જ ભરત ભૂમિમાં થાય તો હળહળતો પાંચમો આરો ચાલતો હોય ત્યાં મોક્ષની વાત તો બાજુએ રહી પણ પાછો મનુષ્યભવ મળવો પણ દુર્લભ છે ! એવા સંજોગોમાં અત્યારથી જ ચેતીને, જ્ઞાનીઓએ બતાવેલા માર્ગને પકડી લઈને, એકાવતારી પદની જ પ્રાપ્તિ કરી લઈએ ! ફરી ફરી આવો તાલ ખાય એવો નથી. વહેતાં પાણીના વહેણને ફરી પકડાય નહિ. વહેતો સમય પાછો પકડાય નહિ. આવેલી તક ગુમાવે, તેને ફરી તક મળવાનો તાલ ખાય નહિ. માટે આજથી જ મંડી પડીએ ને ગાયા કરીએ....