www.dadabhagwan.in
                   


   અક્રમ માર્ગ : અગિયારમું આશ્ચર્ય !


મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગ બે છે :

પ્રથમ 'ક્રમિક માર્ગ.' તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતાં કરતાં જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો 'અક્રમ માર્ગ.' 'આ' દસ લાખ વર્ષે નીકળે છે, જે વર્લ્ડનું આશ્ચર્ય છે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે 'આ' માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઇ જાય. 'આ' તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઇએ, તે 'આ' રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ.

'ક્રમિક માર્ગ'માં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયાં ચઢી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયાં ઊતરી પણ પડે. એમાં ઠેકાણું નહીં, અત્યંત કષ્ટ પડે અને આ 'અક્રમ માર્ગ' તો સેફ સાઇડ માર્ગ. લિફ્ટમાંથી પડવાનો ભો જ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય. ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે, લડાઇઓ લડતાં, રાજ ભોગવતાં મોક્ષ !

ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો, તેમાંથી નવ્વાણુંને તેમણે દીક્ષા આપીને મોક્ષ આપેલો. સૌથી મોટા પુત્ર તે ભરત ચક્રવર્તી. તેમને રાજ ચલાવવાનું સોંપ્યું. ભરત રાજા તો લડાઈઓ લડતા લડતા ને મહેલમાં તેરસો રાણીઓથી કંટાળી ગયા. તે ભગવાન પાસે ગયા ને તેમણે પણ દીક્ષા માગી ને મોક્ષ માગ્યો. ભગવાને કહ્યું કે, 'જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ કોણ સંભાળે ? માટે તારે તો રાજ સંભાળવું પડશે. પણ જોડે જોડે હું તને એવું 'અક્રમજ્ઞાન' આપીશ કે લડાઈઓ લડતાં, રાજ ભોગવતાં ને તેરસો રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય.' તે તેવું આશ્ચર્ય જ્ઞાન આપ્યું ! તે જ 'અક્રમ-જ્ઞાન'. તે જ ઋષભદેવ દાદા ભગવાનનું જ્ઞાન 'અમે' તમને કલાકમાં જ રોકડું આપીએ છીએ. પછી તમારે તમારો સંસાર-વહેવાર ચલાવવાનો, છોકરાં પરણાવવાનાં, બધું જ કરવાનું. કશું જૂનું છોડવાનું નથી કે નવું ગ્રહણ કરવાનું નથી. છોડવાનું અમે તમને છોડાવી આપીએ છીએ, અહંકાર અને મમતા છોડાવીએ છીએ ને 'શુધ્ધાત્મા' ગ્રહણ કરાવીએ છીએ. પછી ત્યાગ ગ્રહણ કશાનું કરવાનું બાકી રહેતું નથી. 'હું ચંદુલાલ' તે અહંકાર ઉઠાવી લઈએ છીએ ને 'હું શુધ્ધાત્મા છું' એ ગ્રહણ કરાવીએ છીએ. બસ, આમાં ગ્રહણ-ત્યાગ બધું જ આવી જાય છે !

ભરતરાજાને તો ચોવીસે ય કલાક માટે નોકરો રાખવા પડતા. તે દર પા પા કલાકે ઘંટ વગાડીને કહે, 'ભરત ચેત, ચેત, ચેત.' તો તે સાંભળી ભરત રાજા ગાફેલ થયા હોય તો પાછા જાગ્રત થઈ જાય. જયારે આજે તો તમે જ દોઢસોની નોકરી કરતા હો ત્યાં તમને એ નોકર શી રીતે પોષાય ? તેથી 'અમે' તમારી મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ ! તે તમને ક્ષણે ક્ષણે ચેતવ ચેતવ કરે ! અમે મહીં એવી પ્રજ્ઞા બેસાડી દઈએ છીએ કે નિરંતર જ્ઞાન અને અજ્ઞાન જુદું જ પાડી આપે !

'હું કોણ છું' એ નથી સમજાતું. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું. પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સરળ છે. પણ જ્ઞાન માટે 'જ્ઞાની'નું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. 'જ્ઞાની' પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય; એ તરણતારણ કહેવાય. અને આ કાળમાં આ 'અક્રમ માર્ગ' એ તો ગજબનો કુદરતી જ બની ગયો છે ! આ તો લિફટ માર્ગ ઊભો થઈ ગયો છે ! તે ભજિયાં-જલેબી ખાતાં, તપત્યાગ કર્યા વગર નિરંતર મોક્ષસુખમાં જ રહેવાય. 'ક્રમિક માર્ગ'માં ક્રમે ક્રમે તપ ત્યાગ કરતાં કરતાં, અહંકારને શુધ્ધ કરતાં કરતાં જવાનું. અહંકારને એટલો બધો શુધ્ધ કરવાનો કે માન આપે તો અડે નહીં. એવો અહંકાર શુધ્ધ થાય તો આત્મા પ્રાપ્ત થાય. અહંકાર શુધ્ધ કરતાં કરતાં એટલો બધો શુધ્ધ થાય કે શુધ્ધ અહંકાર ને શુધ્ધ આત્મા બેઉ ભેગા થઇ જાય! માન અને અહંકાર એ બે જુદી વસ્તુ છે. સ્વક્ષેત્રમાં 'પોતે' જયાં છે ત્યાં પોતે માને તે અહંકાર નથી. જયાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું તે અહંકાર કહેવાય. જયારે ક્રોધ, માન, માયા, લોભ એકુંય ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુધ્ધ થાય. 'ક્રમિક'માં ત્યાગ કરતાં કરતાં આગલા પદનું

ઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. એ બંને ય ક્રમિકમાં સાથે રહે અને ત્યાગ કરે તો ય પાછો અહંકાર તો રહે જ ! ને પાછો 'મેં ત્યાગ્યું' એનો કેફ ચઢે. આખું જગત જે માર્ગે ચાલ્યું છે એ 'ક્રમિક માર્ગ.' સ્ટેપ બાય સ્ટેપ જવાનું એમાં. અને એમાં કંઇક છોડતા જવાનું ને કંઇક ગ્રહણ કરવાનું, અને કોઇ કુસંગ મળે તો કેન્ટિનમાં લઇ જાય ને કહેશે, 'હેંડો, હું પૈસા ખર્ચીશ'. તે પોતાના પૈસા ખર્ચી કેન્ટિનમાં લઇ જાય ! એવો જોખમવાળો 'ક્રમિક માર્ગ' છે ! તેથી તો આ અનંત અવતાર ભટકી મર્યાં છે !

આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે 'ફાઇલો' રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તો ય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.

'ક્રમિક માર્ગ'માં આરંભ અને પરિગ્રહ, અહંકાર ને મમતા ઓછી કરતાં કરતાં જવાનું હોય. ત્યાગ કરે એટલે પરિગ્રહ ઓછો થાય અને એટલે મમતા ઓછી થાય. એમ આગળ વધવાનું ને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ન થાય તો ઠેઠ સુધી પહોંચી જાય ! નહીં તો એક જ કુસંગ પાછાં કેટલાય પગથિયાં ઉતારી દે ! 'ક્રમિક માર્ગ'માં તો છેલ્લા અવતાર સુધી આરંભ-પરિગ્રહ રહે પણ જેટલો આરંભ-પરિગ્રહ ઘટતો જાય તેટલા અંશે ક્રોધ, માન, માયા, લોભ ઘટતાં જાય. છતાં, મહીં અકળામણ રહ્યા કરે, ઠેઠ સુધી રહ્યા કરે. અને 'અક્રમ માર્ગ'માં ક્રોધ, માન, માયા, લોભ રહેતાં જ નથી, અને છતાં જે અસર માલૂમ પડે છે એ ક્રોધ નથી, એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે. એમાં આત્મા ભળે, 'તન્મયાકાર' થાય તો એ ક્રોધ કહેવાય. બન્ને ભેગા થાય ત્યાર પછી સળગે છે. અને 'અમે' તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે. એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બધું ય થાય, પણ તાંતો ના રહે. તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય.

લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે, પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. એમાં આત્મા ભળે તો રાગદ્વેષ છે. ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા ! આપણા શરીરમાં ઇલેકટ્રિકલ બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબક-પણાને લીધે આ દેહ ખેંચાય છે. તે એને કહે છે, 'હું ખેંચાયો!' તારી ઇચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ?

ક્રોધ, માન, માયા, લોભ 'અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે કયારે ય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. 'જગ્યા' છોડવાથી જ ડખો થાય. 'પોતાની જગ્યા' ના છોડવી જોઇએ. 'પોતાની જગ્યા' છોડવાથી નુકસાન કેટલું છે કે 'પોતાનું સુખ' અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ 'અમે' આપેલો આત્મા જરા ય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે પ્રતીતિ રુપે !

આ 'જ્ઞાન' આપ્યા પછી તાંતો ગયો, તંત ગયો. તાંતાને જ ક્રોધ, માયા, માન, લોભ કહે છે. જેનો તાંતો ગયો તેનો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ગયું ! કારણ અમે એનો આધાર જ કાઢી લઇએ છીએ. એટલે એ બધાં નિરાધાર થઇ જાય છે. ભગવાન શું કહે છે કે જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર જગત ઊભું રહ્યું છે. ક્રિયાઓ સારી છે કે ખોટી ? તો ભગવાન કહે છે કે ક્રિયાઓ સારી ય નથી કે ખોટી ય નથી. પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ અને કુટેવો કાઢ કાઢ કરીશ. પણ એ સુટેવો કે કુટેવો એના પોતાથી ઊભી રહી નથી, માટે તેના આધાર કાઢી નાખ તો એ સુટેવો ને કુટેવો એની મળે ખરીને પડી જશે.' આ જગતના લોકો સુટેવોને આધાર આપ આપ કરે છે ને કુટેવોને કાઢ કાઢ કરે છે, એટલે આધાર તો રહ્યો જ. અને આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. અને આ સંસારમાં તો અનંત ચીજો છે. તે 'પોતે' ના ખસે તો એક એક ચીજને કયારે ખસેડે ? પણ આધાર ગયો તો બધું જ ગયું. ઘરમાં બાર માણસમાં કમાનાર મરી જાય તો લોક કહેશે કે અમારો આધાર ગયો. આ 'નિશ્ચય'માં પણ એવું જ છે. આ સંસારમાં વાળે વાળે લોચ કરે તો ય કશું વળે એવું નથી. અનંતી ચીજો છે. તો એના કરતાં તું જ ખસી જા ને ! પછી માથે રાન હોય કે વેરાન હોય તો ય તેનો શો વાંધો ?

આ 'અક્રમ માર્ગ'માં પહેલું અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે. એટલે હું કયાં તમને કશું છોડવાનું કહું છું ? 'ક્રમિક'માં 'જ્ઞાની પુરુષ' આખી જિંદગીમાં બે શિષ્યોને ત્યાગ કરાવી શકે ! ને જોડે જોડે પોતાને પણ ત્યાગ કરવો પડે. નવું પગથિયું ગ્રહણ કરવાનું અને જૂનાનો ત્યાગ કરવાનો. ને અહીં અક્રમમાં તો આત્મા ગ્રહણ કરવાનો હતો તે થઇ ગયો ને અહંકાર ને મમતાનો ત્યાગ થઇ ગયો. ને કામ થઇ ગયું ! નહીં લોચ કે નહીં તપ-ત્યાગ કે ઉપવાસ ! 'ક્રમિક માર્ગ'માં પોતે તપનો આધાર થાય છે ! તે તેમાં 'હું' ને 'શુધ્ધાત્મા' જુદા હોય. કો'કે એમનાં શાસ્ત્રનાં પાનાં ફાડી નાખ્યા હોય તો તેમને મહીં ખેદ થાય કે, આ મારા ચોપડા ફાડી નાખ્યા ! બહાર તો, જાહેરમાં તો 'જ્ઞાની' હોય તેવું પદ રાખે. પણ મહીં 'હું' પણું સૂક્ષ્મપણે વર્ત્યા કરે. તેમનામાં 'હું' ને 'શુધ્ધાત્મા' જુદા હોય. એમને ઠેઠ સુધી 'હું' ખરો. એ 'ક્રમિક માર્ગ' શો છે ? અહંકારને શુધ્ધ કરો. વિભાવિક અહંકાર છે તે શુધ્ધ કરવાનો હોય તેમને.

પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું. આ તો રોંગ બીલિફ અને રોંગ જ્ઞાન છે અને તેથી રોંગ વર્તન થાય છે. રાઇટ જ્ઞાનદર્શન પોતાની જાતે ના થાય, અને એમાં પણ આ રોંગ બીલિફ તો કોઇ પણ પ્રકારે તૂટે નહીં. તેને માટે તો સાયન્ટિસ્ટ જોઇએ, 'જ્ઞાની પુરુષ' જોઇએ અને તે ય 'જ્ઞાની પુરુષ' પાછા સંપૂર્ણ જોઇએ તો જ આપણું કામ થાય.

વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાં ય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં ; અન્ય માર્ગ છે. 'જ્ઞાની પુરુષ' મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાં ય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારે ય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ 'જ્ઞાન' તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત 'અક્રમ' છે. દ્રષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાનીઓને 'શુધ્ધાત્મા'નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જયારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડયું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી કયારે ય પણ ચુકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

 

google
Web www.dadabhagwan.in
show bar