Related Questions

અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્વપૂર્ણ તબક્કા આવે છે?

જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના મળે. તેવું આ મૂઢાત્માનું છે. મહીં તો અનંત જ્ઞાનપ્રકાશ છે, પણ આવરાયેલું હોવાથી અંધારું ઘોર છે. જ્ઞાની પુરુષની કૃપાથી, તેમની સિધ્ધિના બળથી માટલામાં જો સહેજ કાણું પડે, તો આખીય રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય. તેટલું આવરણ તૂટ્યું અને તેટલો ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થયો. જેમ જેમ આવરણ તૂટતાં જાય જેમ જેમ વધારે ને વધારે કાણાં પડતાં જાય, તેમ તેમ પ્રકાશ વધતો જાય અને જ્યારે આખુંય માટલું ફૂટી જાય અને બલ્બથી જુદું પડી જાય ત્યારે સંપૂર્ણ પ્રકાશ બધે ફેલાઈ જાય ! ઝગમગાટ થઈ જાય !! એવી જ રીતે જયારે અકર્મ વિજ્ઞાનમાં જયારે પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાન આપે છે ત્યારે ચંદ્ર રૂપી પ્રકાશ પ્રગટ થાય છે. તે પહેલું બીજના જેવું અજવાળું આવે અને આખુંય જ્ઞાન આપીએ ત્યારે મહીં પ્રગટ થાય કેટલું ? બીજના ચંદ્રમા જેટલું જ. પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરી લેવું. પછી બીજની ત્રીજી થાય, ચોથ થાય, ચોથની પાંચમ થાય.... ને પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયો ! એટલે કેવળજ્ઞાન થઈ ગયું.

પ્રજ્ઞા (આત્માનો ડાયરેક્ટ પ્રકાશ) તમને નિરંતર મહીંથી ચેતવે !

પ્રજ્ઞા એ આત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે! 'જ્ઞાન' મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં. અગર તો સમકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સમકિતમાં પ્રજ્ઞાની શરૂઆત કેવી રીતે થાય ? બીજના ચંદ્રમા જેવી શરૂઆત થાય. તે આપણા અહીં તો આખી ફુલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે જ એ ચેતવે છે.

દર્શન (સાચી સમજણ) એની મેળે જ જ્ઞાનમાં પરિણમે

સાચી સમજણ (દર્શન) પ્રાપ્ત થયા પછી તેને જ્ઞાનમાં (અનુભવ જ્ઞાન) પરિણામ પામવા કેટલો સમય લાગે ?

જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં 'ડેવલપમેન્ટ' થતું જાય. એ ક્યારે થશે એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું, એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે. તમારે કશું કરવાનું નહીં. ઊંઘમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાંય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે.

'દિલ્હી શી રીતે પહોંચાશે' એ વાતને સમજ એટલે દિલ્હી પહોંચાશે. સમજ એ બીજરૂપે છે અને જ્ઞાન એ વૃક્ષરૂપે છે. તમારે પાણીનો છંટકારો અને ભાવનાઓ જોઈએ.

વર્તનમાં લાવવાનું નથી, સમજમાં ફીટ કરી લેવાનું છે, સાચું જ્ઞાન ! સમજનું ફળ જ વર્તન ! સમજ્યો હોય, પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી દર્શન કહેવાય ને વર્તનમાં આવી ગયું તે જ્ઞાન કહેવાય. જ્ઞાનની માતા કોણ ? સમજ ! એ સમજ ક્યાંથી મળે ? જ્ઞાની પાસેથી. પૂર્ણ સમજ એ કેવળદર્શન ને તે વર્તનમાં આવે તે કેવળજ્ઞાન !

જ્ઞાની પુરુષનાં પરિચયમાં રહેવું

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આ ‘અક્રમ વિજ્ઞાન’ થકી તમને પણ આત્માનુભવ જ પ્રાપ્ત થયો છે. પણ તે તમને સહજ પ્રાપ્ત થયેલો છે તેથી તમને પોતાને લાભ થાય, પ્રગતિ મંડાય. ‘જ્ઞાની’ના પરિચયમાં વિશેષ વિશેષ રહીને સમજી લેવાનું છે. આ જ્ઞાન ઝીણવટથી સમજી લેવું પડે. કારણ કે આ જ્ઞાન કલાકમાં જ આપેલું છે. કેવડું મોટું જ્ઞાન ! તે એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ જ્ઞાન અહીં માત્ર એક કલાકમાં થાય છે ! પણ બેઝિક (જ્ઞાન પ્રાપ્^ત) થાય છે. પછી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવાર સમજવા માટે તો તમે મારી પાસે બેસો ને પૂછપરછ કરો, ત્યારે હું તમને સમજાવું. એટલે અમે કહીએ છીએને કે સત્સંગની બહુ જ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા (ગૂંચવાડા) પૂછતા જાવને, તે આંકડા મહીં ખૂલતા જાય. એ તો જેને ખૂંચે, તેણે પૂછી લેવું જોઈએ.”

પ્રશ્નોત્તરી સત્સંગનું મહત્વ

જેવી રીતે બીજ વાવ્યા પછી તેને ઉગાડવા માટે પાણી છાંટવું જરૂરી છે તેવી જ રીતે કેવળજ્ઞાનની દશા પામવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન) પછી આધ્યાત્મિક માર્ગમાં સત્સંગ આવશ્યક છે.

આ માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ એમની દ્રષ્ટિ નીચે મુજબ દર્શાવી છે:

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી પણ ‘હું શુદ્ધાત્મા છું’ એવું ખ્યાલમાં લાવવું પડે છે એ થોડું અઘરું છે.

દાદાશ્રી : ના, એ થવું જોઈએ. રાખવું પડે નહીં, એની મેળે જ રહે. એ છે તે એને માટે શું કરવું પડે ? એ પછી મારી પાસે આવવું-જવું પડે, અને પાણી જે છાંટવાનું એ છંટાતું નથી. એટલે આ બધું એ અઘરું થઈ જાય છે. આપણે ધંધા ઉપર ધ્યાન ન રાખીએ તો શું થાય ધંધાનું ?

પ્રશ્નકર્તા : ડાઉન થઈ જાય.

દાદાશ્રી : હા, એવું આ પણ છે. જ્ઞાન લઈ આવ્યા, એટલે આને પાણી છાંટવું પડે, તો છોડવો ઊંચો થાય. છોડવો હોયને નાનો, તેનેય પાણી છાંટવું પડે. તે કોઈ દહાડો મહિને-બે મહિને જરા પાણી છાંટીએ આપણે.

પ્રશ્નકર્તા : ઘેર છાંટીએ છીએ.

દાદાશ્રી : ના, પણ એ ઘેર છે તે એવું ના ચાલે. એ ચાલતું હશે ?

ડીગ્રી વધવાથી આંતરિક દશામાં ફેરફાર થાય

પરમ પૂજ્ય દાદાશ્રી, આપણને જ્ઞાનવિધિમાં આખું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આપે છે. તે ઘડીએ સંપૂર્ણ કેવળ દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ વર્તમાન કાળચક્રના આધારે ત્રણસો સાઇઠ ડીગ્રીનું કેવળજ્ઞાન સંપૂર્ણ નથી પચતું.

જ્યારે આપણને જ્ઞાન મળે છે, ત્યારે આપણે 300 ડિગ્રી પર પહોંચીએ છીએ અને આ જાગૃતિ જેમ જેમ વધતી જાય તેમ આત્માનો અનુભવ વધતો જાય છે. જયારે તે 345 ડિગ્રી પર પહોંચે ત્યારે તેને જ્ઞાની પદ કહેવાય છે. જ્ઞાની પદ 359 ડિગ્રી સુધી રહે છે. જ્યારે 360 ડિગ્રી પ્રાપ્ત થાય ત્યારે કેવળજ્ઞાન પદ પર પહોંચે છે અને ભગવાન પદ પ્રાપ્ત થાય છે . કેવળજ્ઞાનીઓને દરેક જીવ નિર્દોષ દેખાય છે. એમની દ્રષ્ટિએ કોઈ જીવ દુઃખી નથી અને કોઈ સુખી નથી, બધું નિયમસર જ છે.

×
Share on