શિવની ઓળખાણ !
પ્રશ્નકર્તા : શિવની ઓળખાણ શી છે ? શિવ ક્યાં છે ?
દાદાશ્રી : કલ્યાણ સ્વરૂપ થયેલો હોય, તે પુરુષ શિવ કહેવાય.
છે પોતે શિવ, પણ ભ્રાંતિમાં જીવ !
પ્રશ્નકર્તા : બ્રહ્મને જીવ કેમ થવું પડ્યું ?
દાદાશ્રી : તમે તો શિવ છો ! પણ તમને 'હું' શિવ નથી એવી ખાતરી થઈ ગઈ છે, ભ્રાંતિ પડી ગઈ છે તમને. 'હું' ચંદુભાઈ છું' એવું તમે માનો છો. આ લોકોએ નામ આપ્યું એટલે આપણે માની લેવાનું ? તમે શિવ જ છો, પણ જીવ-શિવનો ભેદ સમજાય તો ને ?
પ્રશ્નકર્તા : પછી અદ્વૈત થયું ને ?
દાદાશ્રી : જીવ-શિવનો ભેદ ના રહ્યો, એટલે પછી અદ્વૈત થાય. જીવ-શિવ એકરૂપ ભાસ્યા એ અદ્વૈત ! જીવ જુદો ને શિવ જુદો એ ભ્રાંતિ છે !
પ્રશ્નકર્તા : પણ આત્મા તો શિવ હોત, તે જીવ કઈ રીતે થયો ?
દાદાશ્રી : આ ઊંધી માન્યતાથી, 'રોંગ બિલિફથી'થી જીવ થઈ ગયો છે. જ્ઞાની પુરુષ આ 'રોંગ બિલિફો' ફ્રેકચર કરી આપે અને પછી 'રાઈટ બિલિફ' બેસાડી આપે. 'રાઈટ બિલિફ' બેસાડી આપે એટલે 'પોતે' 'આત્મા' જ થઈ જાય પાછો, શિવ સ્વરૂપે થઈ જાય.
જીવને શિવ થવામાં વાર નથી લાગતી. છે જ પોતે શિવ ! પણ એને આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટેલે 'રોંગ બિલિફ' બધી બેસી ગઈ છે. એ 'બિલિફ' બદલાય અને 'રાઈટ બિલિફ' બેઠી કે 'પઝલ સૉલ્વ' થઈ જાય.