www.dadabhagwan.in
                   
ગીતાનું રહસ્ય

ગીતાનું રહસ્ય બે જ શબ્દોમાં !

ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, 'હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવાં એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવાં એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવાં એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે !' એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડા ત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે ?

કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઇનું કામ નહીં. આજે 'અમે' જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે.

કૃષ્ણ ભગવાન શું કહેવા માગે છે ? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, 'મહીંથી જતા રહ્યા,' તે શું છે ? તે 'માલ' છે અને અહીં પડ્યું રહે છે તે 'ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં 'માલ' છે, મટીરીયલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં 'માલ' ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલું ય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં 'માલ' બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના 'માલ'નાં દર્શન કરી લેવાનાં.

કૃષ્ણ ભગવાન કહે છે કે, 'મહીં જે 'માલ' છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ. એટલે ઉકેલ આવશે તારો. બાકી, લાખ અવતાર તું ગીતાના શ્શલોક ગાઇશ તો ય તારો ઉકેલ નહીં આવે !' 'ખોખું' અને 'માલ' - આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે અને તેમાં જ કૃષ્ણ ભગવાનનો 'અંતર આશય' સમાઇ જાય છે.

ભગવાને ગીતામાં કહ્યું છે કે, 'અભ્યાસ કરજે'. તે અત્યારે ગીતાનો એટલો બધો અભ્યાસ કર્યો કે અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો. અધ્યાસ છોડવા માટે ભગવાને અભ્યાસ કરવાનો કહ્યો, તો અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો

ગીતામાં 'હું' એટલે કોણ ?

પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે એનો નાશ કરવા માટે 'હું' જન્મ લઉં છું, તે 'હું' કોણ ?

દાદાશ્રી : એને જ આત્મા કહે છે, હું એટલે કૃષ્ણ નહીં. 'હું' એટલે જ આત્મા. નિયમ એવો છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે ત્યારે કોઈ મહાન પુરુષનો જન્મ થઈ જ જાય. એટલે યુગે યુગે મહાન પુરુષનો જન્મ થાય છે.

પ્રશ્નકર્તા : એવું કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી, તેનું શું કારણ ?

દાદાશ્રી : ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા ? એ તો બધી વાર્તાઓ છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી દુરુપયોગ કર્યો.

કૃષ્ણનું બે રીતે આરાધન કરવામાં આવે છે. બાળમંદિરના મનુષ્યો છે, એમણે બાળકૃષ્ણનાં દર્શન કરવાં અને વૈકુંઠમાં જવું હોય એણે યોગેશ્વર કૃષ્ણનાં દર્શન કરવાં.

આત્મા તરફ વાળ...

પ્રશ્નકર્તા : ગીતાજીમાં એમ કેમ કહ્યું છે તારું મન, બુધ્ધિ તરફથી વાળ અને મારામાં જોડ, તો હું તને દેખાઈશ.

દાદાશ્રી : ખરું કહે છે એ. એ તદ્ન સત્ય વાક્ય છે. આ બુધ્ધિને છોડી દે મન, અને જો એમના તરફ વાળે એટલે આત્મા તરફ વાળે તો કૃષ્ણ ભગવાન દેખાય. સાચી વાત છે. કૃષ્ણ ભગવાને ખરી વાત લખી છે. લોકોને સમજણ ફેર જ છે. સમજણ ફેર થાય ત્યારે ઊંધું થાય. ચોપડવાનું પી જાય. અને પછી કહેશે, મને આમ થયું. બુધ્ધિથી છેટો થા, એમ કહે છે.

શ્રી કૃષ્ણે કહી એને વ્યભિચારિણી !

સત્ પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે સાંભળવાથી જે બુધ્ધિ સ્વચ્છ થાય છે, તે અવ્યભિચારિણી બુધ્ધિ કહેવાય. આ બધાને વિપરીત બુધ્ધિ છે. કૃષ્ણ ભગવાને કહ્યું, અવ્યભિચારિણી બુધ્ધિ જોઈશે. વ્યભિચારિણી એટલે વિપરીત બુધ્ધિ. આ બધાને જગતમાં અત્યારે વિપરીત બુધ્ધિ જ છે, જે પોતાનું નિરંતર અહિત કરી રહ્યો છે. એક ક્ષણવાર એ પોતાનું હિત કરી રહ્યો નથી અને એ વિપરીત બુધ્ધિને જ સમ્યક્ માને છે !

ચિંતા અને અહંકાર !

શ્રીકૃષ્ણ કહે છે : 'જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.'

ત્યારે આ શું કહે છે ખબર છે ? કૃષ્ણ તો કહે, એમને જે કહેવું હોય તે. પણ આ સંસાર ચલાવવાનો, તે ચિંતા કર્યા વગર ઓછું ચાલે ? તે લોકોએ ચિંતાનાં કારખાનાં કાઢ્યાં છે ! એ માલે ય વેચાતો નથી. ક્યાંથી વેચાય ? જ્યાં વેચવા જાય ત્યાં ય તેનું કારખાનું તો હોય જ ને ! આ જગતમાં એક પણ એવો માણસ ખોળી લાવો કે જેને ચિંતા ના થતી હોય.

એક બાજુ કહે છે 'શ્રીકૃષ્ણઃ શરણં મમ' ને બીજી બાજુ કહે છે કે, 'હે કૃષ્ણ ! તું મારા શરણે થા.' જો કૃષ્ણનું શરણું લીધું છે, તો પછી ચિંતા શેની ? મહાવીર ભગવાને ય ચિંતા કરવાની ના કહી છે. તેમણે તો એક ચિંતાનું ફળ તિર્યંચ ગતિ કહ્યું છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. 'હું જ આ બધું ચલાવું છું.' એમ જબરજસ્ત રહ્યા કરે ને તેના ફળ રૂપે ચિંતા ઊભી થાય.

ભગવાનનો સાચો ભક્ત તો ચિંતા થાય તો ભગવાનને ય ટૈડકાવે. તમે ના કહો છો ને મને ચિંતા કેમ થાય છે ? જે ભગવાનને વઢતો નથી તે સાચો ભક્ત નથી. જો કંઈ ઉપાધિ આવે તો તમારા મહીં ભગવાન બેઠેલો છે તેમને ભાંડજો, દબડાવજો. ભગવાનને પણ ટૈડકાવે તે સાચો પ્રેમ કહેવાય. આજે તો આ ભગવાનનો સાચો ભક્ત જડવો ય મુશ્કેલ છે. સહુ પોતપોતાના ઘાટમાં ફરે છે.

 

google
Web www.dadabhagwan.in
show bar