કળિયુગ એટલે કળ વળે નહીં એવો યુગ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરંતર ચાલુ જ હોય તેવા આ કાળમાં ચિંતા વગરનો એક દિવસ જવો મુશ્કેલ છે. પણ જો સાચી સમજણ મળે તો ચિંતાથી મુક્ત જીવન જીવવું શક્ય બને છે. એમાંય આત્મજ્ઞાન મળે તો આખા જીવન માટે ચિંતારહિત સ્થિતિ મળી જાય, જે મોટું આશ્ચર્ય જ કહેવાય.

એક પણ ચિંતા ન થાય, બાહ્ય આધિ, વ્યાધિ ને ઉપાધિની વચ્ચે પણ અંદર સમાધિ રહી શકે ત્યારે ચિંતા પેદા કરતો ગૂંચવાડો ગયો કહેવાય. બાકી શ્રીખંડ-પૂરી જમીને ઘસઘસાટ ઊંઘી જઈએ તોય બહારની ઉપાધિની વચ્ચે અંદર શાંતિ જેવું લાગે, પણ તે સાચી સમાધિ નથી. અહીં ચિંતાથી મુક્ત થવાની કેટલીક સાચી સમજણ પ્રાપ્ત થાય છે.
વિચાર કરવાનો વાંધો નથી. પણ એક વિચાર ચાલુ થાય અને તે એક હદ કરતા વધી જાય તો ચિંતા થઈ કહેવાય. જીવનમાં નોકરી-ધંધાની બાબત હોય, ઘરમાં કોઈ માંદગી આવે, અકસ્માત કે અન્ય કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો તેની વિચારણા શરૂ થાય. વિચાર કરવાનો અધિકાર છે, પણ ચિંતા કરવાનો અધિકાર નથી.
વિચારોની લિમિટ કેટલી રાખવી? એનો વળ ચડે નહીં એટલી. જેમ કપડું ધોયા પછી એને વળ ચડાવીને નિચોવીએ, એવું મનમાં વિચારોના વળ ચડે એટલે પોતે પણ નિચોવાતો જાય. જો વિચારોનો આમળો ચડે તો ટર્નિંગ પોઈન્ટ ઉપર પકડીને બંધ કરવા. દરિયાના પાણીમાં ગોળ ગોળ વમળો થાય ને વચ્ચે જો કોઈ ફસાય તો તણાઈને ડૂબી જાય, તેમ વિચારોના વમળોમાં પોતે તણાઈ જાય. માટે, વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવા જોઈએ, કારણ કે “એબોવ નોર્મલ” વિચાર એ ચિંતા કહેવાય છે. વધુ પડતા વિચારો થાય ને પેટમાં ગૂંચાય, “હવે શું થશે?” એ ન સમજાય, સૂઝ ન પડે, ઉકેલ ન આવે એટલે વિચારો બંધ કરી દેવા.
જેમ આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ આપણું મૃત્યુ થવાનું છે. પણ જ્યારે મૃત્યુના વિચારો આવે તો લોકો શું કરે? એને ધક્કો મારી દે. “મને કશું થઈ જશે તો?” એવો વિચાર આવે તો તેને ખસેડી દે. તેવી રીતે ચિંતા શરૂ થાય તો તેને પણ ધક્કો મારી દેવો.
અમુક કાળે સંજોગોના ગૂંચવાડા ઊભા થાય છે. પછી બીજા અમુક સંજોગો ભેગા થાય એટલે ગૂંચવાડા સોલ્વ થઈ જાય અને કાર્ય પૂરું થઈ જ જાય છે. માટે, વચ્ચેના સમયમાં આપણે ધીરજ ધરવી. ધારો કે, કોઈ વ્યક્તિ માર્ચ મહિનામાં વરસાદની આશા રાખે અને વરસાદ ના પડે એની ચિંતામાં રહે એ ખોટું કહેવાય. જૂન મહિનો આવે એટલે વાદળોના સંજોગ ભેગા થાય, વીજળીઓ થાય, વાતાવરણના ને બીજા સંજોગો ભેગા થઈને વરસાદ પડે જ.
સંતાનોની લગ્નની ઉંમર થઈ હોય પણ સંજોગો ભેગા ન થતા હોય ત્યાં મોટેભાગે લોકો ચિંતા કરે. પણ હકીકતમાં વિચારીએ તો સામે પાત્ર જન્મવાનું બાકી હશે? ના. ફક્ત એ પાત્ર ભેગું થાય એનો સમય પાકવાની જરૂર હોય છે. એ સંજોગ નથી મળતો ત્યાં સુધી ધીરજ ધરવી. પણ ચિંતા કરવાથી ઊલટું સંજોગ પણ ડિસ્ટર્બ થાય એટલે સમય વધારે લંબાય.

આપણે મોઢામાં જમવાનો કોળિયો નાખીએ પછી એને પચાવવા કંઈ કરવું પડે છે? આપણે જમીને નિરાંતે સૂઈ જઈએ, કંઈ ન કરીએ તો પણ કેટલું સરસ પાચનતંત્ર ચાલે છે! આપણે ચિંતા નથી કરવી પડતી કે હવે એનું લોહી થશે કે નહીં થાય. તેમ જીવનમાં પણ શ્રદ્ધા રાખવી અને ચિંતા કરવાને બદલે કુદરતને સોંપીને ધીરજ ધરીને બેસવું.

દુનિયામાં સૌથી કિંમતીમાં કિંમતી હવા, જેના વગર મનુષ્ય જીવી ન શકે તે તદ્દન મફતમાં ઉપલબ્ધ છે. એના પછી સૌથી જરૂરિયાતની વસ્તુ છે પાણી, જે થોડીઘણી કિંમતમાં સહેલાઈથી મળી રહે છે. જ્યારે ત્રીજી કિંમતી વસ્તુ છે અનાજ, જે પણ થોડાઘણાં પૈસાથી મળી આવે છે. સવારે ઊઠતાંની સાથે સૂર્યનારાયણ આપણી સેવામાં આવીને ઊભા રહે છે. આપણે કુદરતના મહેમાન છીએ. હવા ઉપર કે સૂર્યના પ્રકાશ ઉપર કોઈ વેરો નથી. જ્યાં જઈએ ત્યાં તે આપણને સહજ પ્રાપ્ત થાય છે. કુદરતનું કેટલું રક્ષણ છે, તો પછી ચિંતા શું કામ કરવી?
મનુષ્ય માત્ર સંજોગોને આધીન છે. જો એક પણ સંજોગ વિખરાય તો કાર્ય ન થઈ શકે. પણ પોતે એમ માને કે “હું કંઈક કરું છું.” એટલે ચિંતા થાય છે. તેને બદલે આપણે કાર્ય ન થાય ત્યાં સુધી ધીરજ ધરીને પોઝિટિવ રહેવું. કારણ કે, કુદરતનો નિયમ છે કે બધા સંજોગો વિપરીત હોય છતાં એક જ સંજોગ પોઝિટિવ હોય તો બાકીના સંજોગો ધીમે ધીમે ફેરફાર થતા જાય.
જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવી પડે તો તેનો ઉપાય કરવો, પણ ચિંતા ન કરવી. ચિંતા કરવી એ સાચો રસ્તો નથી, કારણ કે એનાથી પરિસ્થિતિનો ઉકેલ આવતો નથી ને આપણે દુઃખી થઈએ છીએ એ વધારાનું. મુશ્કેલી પડે તો હિંમતભેર તેની સામે થવું, સોલ્યુશન લાવવું, પણ ચિંતા કે ટેન્શન કરીને દુઃખ ભોગવટામાં ન રહેવું.
દીકરી ત્રણ વર્ષની થઈ ત્યારથી તેના મા-બાપ ચિંતા કરવા માંડે, કે એને પરણાવવાના પૈસા ભેગા કરવા પડશે. હવે દીકરી વીસ-પચ્ચીસ વર્ષની થાય ત્યારે લગ્ન થવાના હોય, તો આટલી પહેલેથી ચિંતા કરવાનો કોઈ અર્થ ખરો? કારણ કે ચિંતા કરવાથી કાંઈ રૂપિયા ભેગા નથી થવાના. આપણે બહુ ત્યારે દીકરી ઉંમરલાયક થાય એટલે બનતા પ્રયત્નો કરવા, લોકોમાં વાતચીત કરવી પણ ચિંતા ન કરવી. ચિંતા નહીં કરીએ તો પણ દીકરીના લગ્ન જેની સાથે થવાના છે એ થશે જ. દરેક વ્યક્તિ તેનો હિસાબ લઈને આવે છે. ધારો કે, એક સંતાનને પરણાવવામાં વીસ લાખનો ખર્ચ થયો અને બીજાના રજિસ્ટર લગ્ન થયા. એટલે સમજાય કે બંને હિસાબ લઈને આવેલા હોય કે આટલા ખર્ચમાં જ પૂરું થવાનું છે અને તે હિસાબ કાયદેસર છે. માતા-પિતાએ ફક્ત વાલી તરીકે તેમનો ઉછેર કરવાનો છે. પણ એ તો પોતે પણ ચિંતા કરે અને ઘરના લોકોને પણ ચિંતામાં નાખી દે.
ઘરમાં પણ પાંચ વ્યક્તિ હોય તો એક વ્યક્તિ વધારે પૈસા ખર્ચે, બીજી વ્યક્તિ કશું ના વાપરે ને ત્રીજી વ્યક્તિ નોર્માલિટીમાં પૈસા ખર્ચે. વાસ્તવિકતામાં જે આવક આવતી હોય છે તે વાપરનારાના હિસાબે આવે છે. આ જગતની હકીકત છે. તેમ છતાં આપણે વ્યવહારમાં જરૂર પડે ત્યાં કરકસર કરવી, ખોટા ખર્ચા ન કરવા. પણ અંદરખાને આ સમજણ હાજર રાખવી.
બીમારી આવી હોય ત્યારે પણ સમજણ હાજર રાખીએ કે શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઈને આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યારે બીજાના દોષ જોવાથી કે કષાય કરવાથી ઊલટું પોતે વધારે દુઃખી થઈશું.

વિપરીત પરિસ્થિતિમાં આપણે નેગેટિવ વિચારોમાં ખોવાઈ જઈએ, તેનાથી ચિંતા ઊભી થાય. એને બદલે જો ઉપાય શોધવાના પ્રયત્નોમાં લાગી જઈએ કે “આમાં શું ગોઠવણી કરી શકાય, ઉપાય શું થઈ શકે?” તો કંઈક સૂઝ પડી જાય અને ઉકેલ મળી જાય.
આપણે ઓફિસના ખાતાની ચિંતા ઓફિસમાં રાખવી, તેને ઘરે ન લઈ જવી. તેમજ, ઘર, કુટુંબ કે સમાજની ચિંતા ઘરમાં રાખવી, તેને ઓફિસમાં ન લઈ જવી. ઓફિસના કામ વખતે આપણું ચિત્ત ઘરની સમસ્યાઓમાં જતું રહેશે તો ત્યાંનું કામ બગડી જશે. તેવી જ રીતે, ઘરમાં ઓફિસનું ટેન્શન લઈને ફરીશું તો ઘરમાં ક્લેશ થશે.એટલે જીવનમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ કે ડિવિઝન રાખવા. એક ડિપાર્ટમેન્ટમાં ઉપાધિ આવે તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તેના પૂરતું બધું કામ પૂરેપૂરી એકાગ્રતાથી પૂરું કરી લેવું. પછી બીજા ડિવિઝનમાં તેની ઉપાધિ ન લઈ જવી. જમવા ગયા ત્યારે નિરાંતે જમી લેવું. સૂવા ગયા તો બહારની ઉપાધિ બેડરૂમની અંદર ન લઈ જવી. જે લોકો આવી ગોઠવણી નથી કરતા એ પછી ચિંતાથી માર્યા જાય છે.
ધારો કે, ઓફિસથી રાત્રે આઠ વાગ્યે નીકળી ગયા અને અમુક કામ બાકી રહી ગયા હોય, તો તે હવે બીજા દિવસે દસ વાગ્યે પહોંચવાના હોઈએ તે પહેલાં થવાના નથી. એટલે એના માટે વિચાર વિચાર કરીને ચિંતા કરવાથી કોઈ ફરક પડશે ખરો? તેવી જ રીતે ઘરમાં પત્ની બીમાર હોય અને આપણે ઓફિસ પહોંચી જઈએ પછી તેની માંદગીના વિચારો કર્યા કરવાથી તબિયતમાં કોઈ ફરક પડશે નહીં. બીજી બાજુ, જો ચિંતા નહીં થાય તો કામ પણ પહેલાં કરતાં વધારે ઝડપથી થશે, કારણ કે ગૂંચવાડો નીકળી ગયો. ઓફિસમાં જઈને બેસીએ તો ઘરના વિચાર નહીં આવે ને સંપૂર્ણ એકાગ્રતાથી કામ થશે.
જેમ આપણે ઘરમાં પહેરવાના કપડાં જુદા અને બહાર પહેરવાના કપડાં જુદા રાખીએ છીએ. તેવી રીતે ઘરનું, પતિ-પત્નીનું, બાળકોનું, નોકરી-ધંધાનું, બેંકનું એમ બધા ડિવિઝન જુદા રાખવા. પછી નક્કી રાખવાનું કે એક ડિપાર્ટમેન્ટની ચિંતા બીજામાં નથી લઈ જવી. ફક્ત આવી ગોઠવણી જ કરવાની જરૂર છે.
વર્તમાન એટલે શું? એક ક્ષણ પહેલાંનો ભૂતકાળ કાયમ માટે જતો રહ્યો છે અને એક ક્ષણ પછીનો ભવિષ્યકાળ આપણા હાથમાં નથી. વર્તમાનમાં રહેવું એટલે વર્તમાનમાં જે પ્રાપ્ત છે તેને ભોગવવું અને અપ્રાપ્તની ચિંતા ના કરવી.
લોકો કહેતા હોય છે કે, “વર્ક વ્હાઈલ યુ વર્ક, એન્ડ પ્લે વ્હાઈલ યુ પ્લે” એટલે કે, કામ વખતે કામ કરવું ને રમત વખતે રમવું. જો આવી ગોઠવણી ન કરીએ તો જમતી વખતે નોકરીની ચિંતા થાય કે “બોસ વઢશે તો?” અને પોતે ચિંતા ને દુઃખમાં સરસ વસ્તુ ભોગવી ના શકે. કોઈ પણ એક કામ કરતી વખતે ચિત્ત બીજામાં રહે તો જે વર્તમાનમાં પ્રાપ્ત છે તે ભોગવાય નહીં અને પછી શરીરમાં રોગો વધી જાય.
જેમ આપણે ગાડી ચલાવતી વખતે થોડા અંતર સુધીનું જ આગળ જોઈએ છીએ, બસો ફૂટ લાંબુ જોવા નથી જતા. જો કોઈ દૂરનું લાંબુ જોવા જાય તો નજીકમાં અથડાઈને અકસ્માત કરી બેસે. તેવી જ રીતે વધુ પડતા આગળના જે વિચારો કરીએ, તે વિચારો કોઈ મદદ નથી કરતા પણ નુકસાન કરે છે. ખોટી ચિંતા ને ઉપાધિઓ ઊભી કરે છે.
અત્યારે જમવાની થાળીમાં સરસ રસોઈ પીરસાઈ હોય, ત્યારે બાર માઈલ દૂર આપણી મિલના વિચારો કરીએ, “પેલાને આમ કહી દઈશ, તેમ કહી દઈશ.” તો તેનાથી આપણું ચિત્ત જમવામાં નહીં રહે ને ભટકશે. એના બદલે થાળીમાં અત્યારે જે આવી પડ્યું છે તે નિરાંતે જમવું. શું બનાવ્યું છે, તે ચાવી ચાવીને સ્વાદ લઈને જમવું. પછી મિલમાં પહોંચીએ ત્યારે ત્યાનું કામ કરવું.
સંતાનોને પરણાવવાની ચિંતા પણ ભવિષ્યની ચિંતા છે. આપણે બાળકોને સારી રીતે ઉછેરવા, ભણાવવા ગણાવવા, બધું કરવું. પણ ચિંતા ન કરવી કે, “પરણવાનો ખર્ચ કઈ રીતે નીકળશે?” કારણ કે દરેક વ્યક્તિ તેનું પોતાનું બેંક બેલેન્સ લઈને આવેલી હોય છે.
ભૂતકાળ જે વહી ગયો છે એને ઉથામવો નહીં અને ભવિષ્યકાળ આપણા હાથમાં નથી, માટે વર્તમાનમાં રહેવું. જમતી વખતે ચિત્ત પરોવીને જમવું. ભજિયા ખાતાં હોઈએ તો શેના ભજિયા છે એ બધું ખબર પડે એ રીતે જમવું. આપણે એકાઉન્ટમાં આંકડા લખતા હોઈએ ત્યારે જો એકાગ્રતાથી કામ ન થાય તો ચોપડામાં ભૂલ રહી જાય. તેવી જ રીતે આપણે જો ભવિષ્ય કે ભૂતકાળની ચિંતામાં ખોવાઈ જઈએ તો જીવનના એકાઉન્ટમાં પણ ભૂલો થાય છે.
ચિંતા થાય ત્યારે આપણે જે ભગવાનને માનતા હોઈએ, જેમની ભક્તિ કરતા હોઈએ, તે ભગવાનને ચિંતા સોંપી દેવી. આ પણ સરસ ઉપાય છે. કોઈ વૈષ્ણવ હોય તો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે. કોઈ જૈન હોય તો તીર્થંકર ભગવાનને પૂજે. કોઈ માતાજીની ભક્તિ કરે, તો કોઈ સ્વામીનારાયણ ભગવાનની ભક્તિ કરે. કેટલાક લોકો સંતો મહંતોની ભક્તિ પણ કરતા હોય છે. બધા જ ભગવંતોએ, સંતોએ એમ જ કહ્યું છે કે, “ચિંતા કરશો નહીં, બહુ ચિંતા થાય તો મને સોંપી દેવી.”

બધા લોકોએ આ પ્રયોગ કરી જોવો જોઈએ. એક અઠવાડિયું ચિંતા ભગવાન ઉપર છોડી દેવી અને પોતે ચિંતા કરવાનું બંધ રાખવું જોઈએ. તો પોતાને અનુભવ થશે કે ભગવાનને સોંપ્યું તો કામ તો બગડ્યું નહીં, ઊલટું ભગવાનને સોંપવાથી પોતાની ચિંતા મટી ગઈ. પોતાનું દુઃખ પણ દૂર થશે અને સારા સંજોગો મળી આવશે તો કામ પણ વધારે સારી રીતે પૂરા થશે.
કોઈ ઉપાય ન જડે તો આવી પડેલું કર્મ સમતાભાવે પૂરું કરી શકાય એવી ભગવાનને પ્રાર્થના કરવી અને શક્તિ માંગવી.
આત્મજ્ઞાન વિના ચિંતા પૂરેપૂરી જાય નહીં.
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને ચિંતા નહીં થતી હોય. સંસારમાં ઘર, કુટુંબ કે નોકરી-ધંધાની ચિંતા હોય. જ્યારે ત્યાગી થઈને બાવા કે બાવી બની જાય તો તેમને ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ કે ઘરના ભાડાની ચિંતા ન હોય, પણ શિષ્ય સાથે માથાકૂટ થઈ જાય તો એની ચિંતા થઈ જાય.
તો ચિંતાથી મુક્ત થવા શું કરવું જોઈએ? ચિંતા થાય ત્યારે તેની દવા શું? એ દવા તો જે ચિંતાથી મુક્ત થયા હોય તેમની પાસેથી મળે. જ્ઞાની પુરુષ પાસે જઈને આત્માનું જ્ઞાન મેળવી લઈએ તો જીવનમાં કાયમ માટે ચિંતા મટી જાય અને સંસાર પણ સુંદર રીતે ચાલ્યા કરે.
A. જીવનમાં મનુષ્યને ઘણા પ્રકારની ચિંતા હોય છે. જેમ કે, નોકરીનું ઠેકાણું નહીં પડે તો શું થશે? ઘરમાં... Read More
Q. લોકો ચિંતા શા માટે કરે છે? તેની પાછળનું મનોવિજ્ઞાન
A. આ કળિયુગમાં દુષમકાળની વિપરીત અસરને કારણે તેમજ સાચી સમજણના અભાવે લોકો સતત ચિંતા કે ટેન્શનથી દુઃખી... Read More
Q. સ્ટ્રેસ મેનેજમેન્ટ : તે શા માટે જરૂરી છે?
A. ઘણા લોકો એમ માને છે કે ચિંતા કરવી એ તો માણસનો સ્વભાવ છે, એટલે ચિંતા એક કે બીજા સ્વરૂપે થતી જ હોય.... Read More
Q. નાણાકીય સમસ્યાઓ અને પૈસાની ચિંતા કઈ રીતે ટળે?
A. આજકાલ લોકોને સતત ચિંતા રહે છે કે, “નોકરી જતી રહેશે તો?”, “નોકરીમાં પ્રમોશન નહીં મળે તો?”, “ઘરખર્ચ... Read More
Q. કરિયર અને અને નોકરીની અનિશ્ચિતતા વખતે વખતે ચિંતામાંથી મુક્તિ કેવી રીતે મેળવવી?
A. આજકાલ લોકોને ભણવાથી લઈને, નોકરી મેળવવા માટે, નોકરી સાચવવા માટે કે ધંધો વધારવા માટે એમ કારકિર્દીના... Read More
Q. "લોકો મારા વિશે શું વિચારશે?" – આ ચિંતા અને ડરથી કઈ રીતે છૂટવું?
A. “લોકો મારા વિશે શું વિચારશે?” એ આજકાલ બહુ સામાન્ય વસ્તુ છે. મોટેભાગે જોવા જઈએ તો લોકોને પડી જ નથી... Read More
Q. "હું બધું જ ખોઈ બેસીશ" – એ ડર પાછળનું કારણ અને તેમાંથી નીકળવાના ઉપાય શું છે?
A. આપણે જેને પોતાનું સર્વસ્વ માન્યું હોય તેમાં નુકસાન થાય એટલે બધું ગુમાવી બેસવાનો ભય ઊભો થાય. ધારો... Read More
Q. આપણા કાબૂ બહારની પરિસ્થિતિમાં ચિંતામુક્ત કેવી રીતે રહેવું?
A. ચિંતા એ એક પરિણામ છે, પરસત્તાને પોતાના હાથમાં લીધી તેનું. પરસત્તા એટલે જે વસ્તુ આપણા કાબૂની બહાર... Read More
subscribe your email for our latest news and events
