Related Questions

સમાધિ મરણ શક્ય છે?

samadhi death

સમાધિ મરણ એટલે શું?

સામાન્ય રીતે જે ઘરમાં મૃત્યુ થયું હોય એ ઘરનું વાતાવરણ કેવું હોય? બધે જ ગમગીની અને શોકનો માહોલ હોય. કોઈ હૈયાફાટ રુદન કરતું હોય, કોઈ વિલાપ કરતું હોય, તો કોઈ છાતી કૂટતું હોય. મૃત વ્યક્તિના પાર્થિવ શરીરને સફેદ ચાદર ઓઢાડી, દીવો અગરબત્તી કર્યાં હોય. સ્વજનના હસતા ફોટોગ્રાફને સુંદર ફ્રેમમાં મઢાવીને હાર પહેરાવ્યો હોય, પણ એ ફોટા સિવાય આજુબાજુ બધા જ રડતા હોય. આ રોકકળની વચ્ચે એકાદ ઘરની જવાબદાર વ્યક્તિ સતત ફોન ઉપર દેખાતી હોય. એક બાજુ વ્યક્તિના અવસાનનું દુઃખ અને બીજી બાજુ ડેથ સર્ટિફિકેટ મેળવવા હોસ્પિટલના ફેરા, સ્મશાનમાં અંતિમ ક્રિયાઓ કરવાની તૈયારીઓ અને સ્વજનોના સાંત્વન આપતા ફોનનો મારો! એ બધાની વચ્ચે અંદર-બહાર જાણે કોલાહલ મચી જાય. આટલું ઓછું હોય તેમાં એક-એક સગા વહાલા ઘરે આવે, તેમ મૃત વ્યક્તિના કુટુંબીજનો માટે દયા દાખવે અને મૃત વ્યક્તિની યાદો તાજી કરતા ભેટીને જોરથી રડે. જેમ જેમ આવી કાણ મંડાય ત્યારે કુટુંબીઓની પીડા બમણી થતી જાય. ઠેઠ સ્મશાન સુધી રોકકળ ચાલુ હોય. ઘરે પાછા ફરીને સૂતકની ક્રિયા વિધિઓ થાય અને પછી સતત તેર દિવસ સુધી શોક મનાવાય.

આનાથી એકદમ વિરુદ્ધ વાતાવરણ જ્યાં હોય તે સમાધિ મરણ! સમાધિ મરણમાં મૃત્યુ પામનાર વ્યક્તિ પાછળ ક્યાંય રોકકળ કે છાતીફાટ રુદન ના હોય. ઘરના લોકો સ્થિર અને ગંભીર દેખાય, પણ કોઈને દુઃખ કે શોક ના હોય. કાણને બદલે ભગવાનના નામની શાંત ધૂન વાગતી હોય. સ્વજનો રડવાને બદલે મૃત વ્યક્તિને ફૂલો ચડાવી તેમના આત્માને શાંતિ થાય તે માટે પ્રાર્થના કરતાં હોય. અગરબત્તીની સુગંધમાં ગમગીની અને શોક જાણે ઓગળતા જણાય. દરેકના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ કળાય. એવું અલૌકિક વાતાવરણ હોય કે મૃત્યુ મૃત્યુ નહીં, પણ જાણે મહોત્સવ બની જાય! આવું જયારે વ્યક્તિ સંપૂર્ણ સમાધિ દશામાં દેહ ત્યાગે ત્યારે શક્ય બને.

જગતમાં એવી માન્યતાઓ પ્રવર્તે છે કે કાશી જેવા તીર્થધામમાં મૃત્યુ થાય તો આવતો ભવ સુધરે કે મુક્તિ થાય. પણ હકીકત તો એ છે કે મુક્તિનો આધાર મૃત્યુ કયા સ્થળે થાય તેના ઉપર નથી, પણ અંદરની પરિણતી કેવી છે તેના ઉપર છે. ધાર્મિક ક્ષેત્ર અંદરની પરિણતી ઊંચી લાવવામાં મદદરૂપ થઈ શકે, પણ  એકમાત્ર કારણ નથી હોતું. પણ આત્માના અનુભવ સાથે, નિજસ્વરૂપમાં સ્થિરતા સાથે મૃત્યુ થાય તો ગમે તે સ્થળે મૃત્યુ થાય, તો પણ એ મહોત્સવ બની જાય છે!

સમાધિ દશા:

સમાધિ મરણમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ખૂબ ઊંચી દશા હોય. એમાં દેહને પીડા હોય છતાં પોતાને કશું અડે નહીં. મૃત્યુ સમયે પોતે દેહથી છૂટા જ હોય. વ્યક્તિને “હું મરું છું” એવું હોય જ નહીં અને દેહના હિસાબ પૂરા થતાં દેહ છૂટે. છેલ્લી પળોમાં મૃત્યુ પામનાર વ્યક્તિને ‘હું આત્મા છું’ એવું જ રહે. ‘હું તો કાયમનો છું, શાશ્વત છું, અમર છું’ એવી દશામાં જ હોય. એ દશાને પરિણામે જયારે સમાધિ મરણમાં વ્યક્તિ દેહ મૂકે ત્યારે નજીકના કુટુંબીજનોને કોઈ ભારે ભોગવટા કે દુઃખ ના હોય. 

ત્યારે પ્રશ્ન થાય કે આવું કેવી રીતે શક્ય બને કે નજીકના પ્રિય સ્વજનના મૃત્યુ સમયે આજુબાજુ કોઈને દુઃખ ના હોય! તો ચાલો આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે, દોરડાનો એક છેડો આપણે પકડેલો છે અને બીજો છેડો સામે બીજી વ્યક્તિએ પકડ્યો છે. હવે સામેની વ્યક્તિ દૂર જાય, તો દોરડું ખેંચાય. એટલે આપણે જે હાથમાં દોરડું પકડ્યું હોય ત્યાં દુઃખે અને સામાને પણ દુઃખે આપણે પણ આ રીતે નજીકની વ્યક્તિઓ સાથે રાગ-દ્વેષ, મોહ અને મમતાના દોરડાથી બંધાયેલા છીએ. એટલે વ્યક્તિ જયારે મૃત્યુ પામે ત્યારે જનાર વ્યક્તિને તો દુઃખ થાય, પણ સાથે સાથે ઘરની વ્યક્તિઓને પણ બહુ દુઃખ થાય.

પણ, જો રાગ-દ્વેષ અને મમતાના દોરડાં છૂટી ગયા હોય, જનાર વ્યક્તિએ ઘરની બધી વ્યક્તિઓ સાથેના રાગ-દ્વેષના હિસાબ ચોખ્ખા કરી નાખ્યા હોય તો જનારને સમાધિ રહે. પરિણામે નજીકના કુટુંબીજનોને પણ ભોગવટો ના આવે. ઘરમાં દુઃખ તો દૂર, ઊલટું આનંદનો અનુભવ થાય! પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય. પોતાના સ્વરૂપ (આત્મા) સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું હાલંહાલ હોય નહીં! નિરંતર સમાધિ! દેહને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં.

સમાધિ મરણ શક્ય છે આત્મજ્ઞાનથી:

આવું સમાધિ મરણ કેવી રીતે શક્ય બને? આત્માના જ્ઞાનથી. જે જ્ઞાનને કારણે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાને દુઃખ ના અડે. ખરું આત્મજ્ઞાન કયું જે પરિણામ પામે. શબ્દથી ‘હું દેહથી જુદો છું’ એવું તો શાસ્ત્રોમાં લખેલું છે. પણ એ વાંચવાથી આત્મજ્ઞાન પ્રગટ થતું નથી. જેમ કાગળના દીવા સાથે આપણો દીવડો અડાડવાથી દીવો પ્રગટે નહીં, પણ પ્રત્યક્ષ દીવાની જ્યોત સાથે આપણા દીવાની વાટ અડાડીએ તો દીવો પ્રગટે. એ આત્મજ્ઞાન પ્રત્યક્ષ આત્મજ્ઞાની પાસેથી જ મળી શકે. જેમાં ‘હું’ અને ‘મારું’ જુદા જ છે એવો યથાર્થ અનુભવ થાય તે સાચું જ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી મૃત્યુ વખતે દેહ જુદો છે, હું આત્મા જુદો છું એવી સંપૂર્ણ જાગૃતિ સાથે દેહ છૂટે છે.

જેમ આપણે કહીએ કે “આ ઘડિયાળ મારી છે” તો આપણે અને ઘડિયાળ જુદા છીએ તેમ સાબિત થયું. તે જ રીતે “આ દેહ મારો છે” કહીએ તો હું અને દેહ જુદા છીએ કહેવાય. ‘મારું ઘર’, ‘મારી પત્ની’, ‘મારા છોકરાં’ એ બધું જ ‘મારું’ છે તો ‘હું’ કોણ છું? ‘હું’ ની ઓળખાણ એ આત્મસાક્ષાત્કાર.

આત્મસાક્ષાત્કારથી અંદર એવી દ્રષ્ટિ ફીટ થઈ જાય છે જેથી સંસારમાં રહેવા છતાં સંસારના દુઃખો પોતાને સ્પર્શી નથી શકતા. આત્મા પોતે પરમાનંદ સ્વરૂપ છે, અનંત સુખનું ધામ છે, શાશ્વત છે. આત્મા ક્યારેય જન્મ લેતો નથી, કે મૃત્યુ પામતો નથી. એને કોઈ પીડા કે દુઃખ સ્પર્શી નથી શકતાં. એવા પોતાના સ્વરૂપનું ભાન થાય, તો બીજામાં પણ તે સ્વરૂપના દર્શન થાય. તેથી જે જે વ્યક્તિ કે વસ્તુને પોતે ‘મારા’, ‘મારા’ કહીને મમતાના આંટા વીંટેલા હોય તે આંટા આત્માના જ્ઞાનથી ઉકલી જાય. અને તેથી જ પોતાને કે આજુબાજુ વાળાને દુઃખ અડતું નથી. કેટલાંય લોકોને આવા સમાધિ મરણના અનુભવો થયા છે. જેમાં એકનો એક જુવાન દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોય, કે પછી કેન્સરના દર્દીને અસહ્ય પીડા વચ્ચે મૃત્યુ થયું હોય, બધામાં વ્યક્તિને પોતાને અને પરિવારજનોને દુઃખ અડ્યું નથી.

×
Share on