|
પૂજ્ય નીરૂમા સાથેના અનુભવો :-
જય સચ્ચિદાનંદ, દીપકભાઈ, મેં તારીખ ૬-૨-૨૦૦૫ના દિવસે મહેસાણા આપની પાસે જ્ઞાન લીધેલ છે. એ જ દિવસે મને આપશ્રી જેમ સત્સંગ કરો છો તેવી જ રીતે શ્રી સીમંધર સ્વામી ભગવાનના સત્સંગ કરતા રાત્રે જ પ્રત્યક્ષ સ્વપ્નામાં દર્શન દીધેલ છે. જે દર્શન ભૂલી શકાય તેમ નથી. ટપાલમાં વર્ણવી શકાય એમ નથી. પૂજનીય દીપકભાઈ જ્ઞાન લીધા પહેલાં તો હું દરરોજ ઊંઘની ગોળીઓ લેતી ત્યારે જ મને ઊંઘ આવતી. પરંતુ જ્યારથી આ દાદાનું જ્ઞાન મળેલ છે. ત્યારથી મેં આજ દિન સુધી કોઈ દિવસ ગોળી લીધી નથી. બીજું કે દીપકભાઈ ફાઈલ નં-૨ એ જ્ઞાન નહોતું લીધું. તો તેમનું પણ મને સપનામાં નીરૂમા આવ્યા અને ફાઈલ-૨નો અંગૂઠો પકડી ઉઠાડ્યા. કે ઉઠ ઉઠ, ક્યાં સુધી ઊંઘીશ ? તારે જ્ઞાન નથી લેવાનું ? તારી જ્ઞાનની નોંધ હું મારે હાથે જ લખવાની છું. પછી મેં ફાઈલ-૨ને કહ્યું કે જાગો નીરૂમા જગાડે છે. તમારું નામ તો તેઓના હાથે જ લખવાનું કહે છે. અને પછી અમે બંનેએ તા ૨૧-૮-૦૫ના દિવસે સાથે નીરૂમાના હાથે જ્ઞાન લીધું. દીપકભાઈ એ પછી મને પરી સપનામાં એકવાર નીરૂમા આવ્યા. આપણે બધા જ ગાડીમાં એટલે મોક્ષની ગાડીમાં જતા હતા. અને વચ્ચે એક હોટલમાં ચા-પાણી કરવા બેઠા. અને બધા મહાત્મા કહે કે નીરૂમા ક્યાં ગયા ? બધા કહે, નીરૂમા તો ગયા. જ્યારે મને સહજ મોઢામાંથી નીકળી ગયું કે નીરૂમા આપણને મૂકીને કંઈ જતા હશે ? અને ખરેખર નીરૂમા બધા જે મહાત્માઓ ચા-પાણી કરતા હતા તેની પર દ્ષ્ટિ એટલે કે કૃપાથી કરૂણાથી જોઈ રહ્યા હતા. ત્યારે મેં કહ્યું કે નીરૂમા જતા રહ્યા એમ બધા મહાત્માઓ કહે છે. ત્યારે નીરૂમા બોલ્યા કે એમ તે કંઈ જતી રહેતી હોઉં બધાને મૂકીને ? મોક્ષની ગાડીમાં બેસાડીને જાઉં છું તો પહોંચાડીને જ રહીશ. જય સચ્ચિદાનંદ. ત્યારે પણ દીપકભાઈ ખૂબ જ અહો અહો થયું હતું. પછી ફરી એકવાર નીરૂમાનો જ્યારે દેહવિલય થયો ત્યારે તેમના દર્શન માટે આવ્યા. મને ખૂબ જ રડવું આવતું હતું. ઘેર આવ્યા પછી પણ હું રાત્રે ખૂબ જ રડતી હતી. અને રડતાં રડતાં જ સૂઈ ગઈ. અને ત્યારે પણ એટલે કે સીમંધર સીટીમાં નીરૂમાનો પાર્થિવ દેહ હતો. અને હું દર્શન કરીને આવીને રડતાં રડતાં સૂઈ ગઈ. ત્યારે તે જ રાત્રે મને નીરૂમા સપનામાં આવ્યા. અને મારો હાથ સૌ પ્રથમ તો લઈ મને એમના હોઠે ચૂમી લઈ મને એમને આખી ખોળામાં લઈ માથે હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું કે કેમ આટલી બધી રડે છે ? હું ક્યાં ગઈ છું ? હું તો તારી સાથે જ છું. જ્યારે યાદ કરજે ત્યારે હું આવી જઈશ. તે પણ અનુભવ મને હજુ સુધી એમ ને એમ યાદ છે. તો દીપકભાઈ આ બધા જ મારા સપનાના અનુભવો છે. પછી નીરૂમા કહે છે, કે દાદા દાદા કરવાનું. દાદા હાજર છે. તો દીપકભાઈ ત્યારથી દાદા દાદા ચાલુ જ છે. અને ગમે તેવો ઉપસર્ગ આવે કે પરિષહ આવે તો તરત જ દાદા હાજર થઈ જાય છે. પછી એક વાર મેં દાદાને કહ્યું કે દાદા મારા લાખો દોષો છે, અનંત અવગુણો છે. પણ મારે તો સાબિતી જોઈએ કે તમને મેં પ્રત્યક્ષ જોયા નથી, મારે તો મોક્ષે જવું છે. તો મને આપ સપનામાં આવીને એક વાર દર્શન દોને દાદા, એટલે મારો મોક્ષ પાકો. અને જે દાદાએ મને દર્ર્શન આપીને આશીર્વાદ આપ્યા છે. તે મારા હ્રદયમાં કોઈ ઓર જ આનંદ થઈ ગયો. અને પાકી ખાતરી થઈ ગઈ કે મારા અનંત દોષો દાદાએ માફ કર્યા. અને મને મોક્ષનો સિક્કો એટલે પાકું સર્ટીફિકેટ આપી દીધું. દીપકભાઈ આવા તો કેટલાયે મારા અનુભવ છે. જય સચ્ચિદાનંદ, જશીબેન-મહેસાણા. ફોન નં- ૯૮૨૪૫૮૯૪૫૨ પરમ પૂજ્ય દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. ૮-૮-૦૩ના રોજ રાજકોટ પૂજ્ય નીરૂમા પાસે જ્ઞાન લીધું. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના 'વચનામૃત'ના કારણે ભેદજ્ઞાનની તીવ્ર ઝંખના રહેતી પણ આભાસ સરખો પણ થતો નહીં. પણ શું ચમત્કાર થયો કે જ્ઞાનવિધી પછી દિવસે દિવસે 'દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો' તેની પ્રતિતી થવા લાગી. તેના પછી મોરબી પૂજ્ય દીપકભાઈની જ્ઞાનવિધીમાં જોડાવવાથી આમાં પ્રકાશ વધતો ગયો. ત્યારે અંદરથી એવો ભાવ આવ્યો કે મારે પૂજ્ય નીરૂમાના ચરણસ્પર્શ તો કરવા જ છે. પણ કોઈ સત્સંગમાં તેવો લાભ મળ્યો નહીં. એવામાં પૂજ્ય નીરૂમા વિદેહવાસી થયાના સમાચાર જાણી રમીલાના પુણ્ય કેટલા ઓછા કે તેમના ચરણસ્પર્શનો લાભ મળ્યો નહીં, તેવો ખેદ થયો. એક રાત્રે સ્વપ્નું આવ્યું કે જેમાં પૂજ્ય દાદા કોગળા, દાંત સાફ કરીને ખુરશી પર બેઠા. પૂજ્ય નીરૂમાએ મને બોલાવી, કહ્યું કે તમારે મારા ચરણ સ્પર્શ કરવા હતાને ? ચાલો તમને પૂજ્ય દાદાના ચરણ સ્પર્શ કરાવું, એમ કહી, મને ચરણ સ્પર્શ કરાવ્યા. પૂજ્ય નીરૂમાએ પૂછયું કે, 'હાલ તમે શું કરો છો ?' મેં કહ્યું કે, 'પહેલાં તો તમારી સામાયિક મને સમજાતી નહોતી. પણ, હવે મને સામાયિક સમજાઈ ગઈ છે. તેથી તે કરું છું.' પૂજ્ય નીરૂમાએ કહ્યું કે 'તે કર્યા કરો.' ગઈ ગુરૂપૂર્ણિમાએ જ્યારે અડાલજ આવવાનું થયું ત્યારે પૂજ્ય દાદાની વીસીડી જોતા તેમાં જે લાકડાની ખુરસી પર પૂજ્ય દાદા બેઠા હતા તે જ ખુરશી તેમાં જોઈ હતી. એમ થયું કે આ કેવો જોગાનુજોગ ! કારણ કે આ પહેલાં ક્યારેય પૂજ્ય દાદાની વીસીડી જોયેલ નહોતી, સ્વપ્નામાં તે જ ખુરશી હતી. અને તેમાં પૂજ્ય દાદા જેવી રીતે કોગળા તથા દાંત સાફ કરતા હતા તેવી જ રીતે સ્વપ્નામાં જોયેલા, તેવી જ રીતે ચાલીને ખુરશીમાં બેઠાં. - પૂજ્ય નીરૂમાના દેહના દર્શન માટે મોરબીથી અડાલજ આવતા જે ભાવના ભવાતી હતી તે જ ભાવના પૂજ્ય માના દર્શનાર્થે લાગેલી લાઈનમાં વચ્ચે વચ્ચે રાખેલા બોર્ડમાં વાંચીને આશ્ચર્ય થયું ! - લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને પાછા વળ્યા સુધી, મન બિલકુલ શાંત રહ્યું, આટલા લાંબા સમય સુધી, સંસારના કોઈ વિચાર મનમાં ન આવ્યા તે કેમ બન્યું ? તે હજુ સમજાયું નથી. જય સચ્ચિદાનંદ. મોરબી, રમીલા પ્રદીપ શાહ. ટ્વીન્કલ, રાજકોટ. જય સચ્ચિદાનંદ, પ્રણામ દીપકભાઈ, આપની અંદર બીરાજતાં શ્રી શુદ્ધાત્મા ભગવાનને મારા કોટિ કોટિ પ્રણામ. આપનો તો ડાયરેક્ટ કોન્ટેક્ટ શ્રી સીમંધર સ્વામી, દાદા ભગવાન સાથે થતો જ હશે. તો એમને મારા વતી ખૂબ ભાવે પ્રણામ પહોંચાડી આપજો. હું આપની સાક્ષીએ એક પ્રતિક્રમણ કરવા માંગુ છું, મેં દાદા ભગવાન કે નીરૂમાને ક્યારેય પ્રત્યક્ષ જોયા કે ક્યારેય તેમના પ્રવચનો સાંભળ્યા નથી. પણ છતાં કોણ જાણે કેમ મને દાદાના દેખાવ પ્રત્યે અણગમો-અભાવ જ રહેતો. બહુ સાચું કહું તો મને તેઓ હિન્દી પીક્ચરના એક વિલન જેવા લાગતા હતા. એટલે હું એમનો ફોટો જોઈને જ એમની એક પણ બુકને હાથ અડાડતી નહીં. પણ છતાં દાદાની સુક્ષ્મ કૃપા એવી વરસી મારા પર કે ગયા વખતે તમે રાજકોટ આવ્યા ત્યારે સીધી હું જ્ઞાનવિધીમાં જ આવી અને મેં જે જ્ઞાન લીધું, જાણે વર્ષોથી નહીં પણ જન્મોથી કદાચ શોધતી હતી. એવું એક્ઝેક્ટ, સો ટકા પરફેક્ટ જાણે સત્ય મળી ગયું. આનાથી વધુ બીજું કંઈ હોય જ ન શકે એવી સંપૂર્ણ પ્રતિતી વર્તે છે. હવે બસ અનુભવમાં આવી જાય. આપ જ કહો છો કે 'ટોપીવાળા' એ દાદા નહીં પણ અંદર પ્રગટ થયેલાં તે 'દાદા ભગવાન' છે. પણ છતાં હું એ 'ટોપીવાળા' પ્રત્યે જે અભાવ થયેલો તેની માફી માંગુ છું. કારણ કે એ જ દેહમાં 'દાદા' પ્રગટ થયા છે. અને એમની જ આપણા પર અવિરત કૃપા વરસે છે. એમને મારા કોટિ પ્રણામ. અનુભવ :- કોઈ વ્યક્તિ સાથે કાંઈ પ્રોબ્લેમ થયો હોય છે તો એના શુદ્ધાત્માને લક્ષે પ્રતિક્રમણ કરવાથી બીજે દિવસે જાણે કંઈ હોતું જ નથી. એ વ્યક્તિ હસતી હસતી સામેથી આવે છે. જાણે અદ્ભૂત પણ સ્પષ્ટ ચમત્કાર. ખરેખર પ્રતિક્રમણ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન જ નથી જાણે ! પૂજ્ય નીરૂમાની કૃપા-પ્રસાદી. મેં ૧૯૯૮ની સાલમાં ૧૧ નવેમ્બરે, વરૂણ એપાર્ટમેન્ટમાં જ્ઞાન લીધું હતું. ત્યારથી ઘણા બધા સત્સંગો, શિબિરો, ગુરૂપૂર્ણિમા, જન્મજયંતિમાં હાજર રહેતો હતો. દાદા દર્શનમાં પણ સત્સંગો અને બેસતા વર્ષના દિવસોમાં જ્ઞાન-દર્શનનો લાભ મળતો. અને આજે સીમંધર સીટીમાં પણ આ પ્રવાહ મળતો રહે છે. એક વખત એપ્રિલ-૨૦૦૧માં સાંજે ૪-૦૦ વાગે, દાદા દર્ર્શન જવાનો સંજોગ મળ્યો ત્યારે પૂજ્ય નીરૂમાના, પ્રત્યક્ષ દર્ર્શન થયા અને રૂબરૂમાં મળી શકાયું. પૂજ્ય નીરૂમાએ મને પૂછયું, તમે તો ઘણા બધા સત્સંગોમાં આવો છો. ક્યાં રહો છો ? મેં જવાબ આપ્યો કે ડ્રાઈવ ઈન રોડ ઉપર સદ્ભાવ ફલેટ છે તેના ચોથા માળે. તેમણે પૂછયું તે તમારું મકાન છે ? મેં જણાવ્યું કે ના, મારા મિત્રનું મકાન છે. પૂજ્ય નીરૂમાએ કહ્યું તમારે નવું પોતાનું મકાન રાખવાનો વિચાર છે ? ખરેખર ધરતીકંપ પછી નવું મકાન રાખવાની હું શોધમાં જ હતો. એટલે મેં કહ્યું હા, શોધું છું. તેમણે મને કહ્યું, આપણા સીમંધર સીટીમાં તમોને મકાન રાખવાની ઈચ્છા હોય તો જોજો. તેમની આ આજ્ઞા થઈ એટલે મારા અંતરમાં ખૂબ જ આનંદ (ન સમાય એવો) પ્રગટ થયો. મારા અંતરની ઈચ્છા તેમણે જાણી લીધી. બીજે જ દિવસે ભાડાની રીક્ષા કરી હું અને મારી (ફાઈલ) પત્ની સીમંધર સીટી આવ્યા. સીટીનું બાંધકામ પૂરજોશમાં ચાલુ હતું. ઓફિસમાં આવી પૂછયું અને અમને બે બેડરૂમવાળા ફ્લેટ બંધાતા હતા તે બતાવ્યા જે અમોને અમારી જરૂરિયાત કરતાં ખૂબ જ નાના લાગ્યા. મારી (ફાઈલ) પત્નીની ઈચ્છા ત્રણ બેડરૂમવાળા ફ્લેટની હતી. જે તમામ અગાઉથી જ બુક થઈ ચૂક્યા હતા. તેવામાં જ ડીમ્પલભાઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જ એક ભાઈએ તેમના ત્રણ બેડરૂમવાળા ફ્લેટની ચાવી આપી ના પાડી ગયા છે. તે તમારે જોવું હોય તો જોઈ લો. અમોએ ત્રણ બેડરૂમવાળો આ ફ્લેટ સી-૨૪ જોયો. તે અમારી જરૂરિયાત મુજબનો લાગવાથી વસવાટ માટે આ ફ્લેટ રાખવાની પાકી ઈચ્છા દર્શાવી. સાંજ પ.૦૦ વાગ્યાની આસપાસ ભાડાની તે જ રીક્ષામાં દાદા દર્શન આવી નીરૂમાના દર્શન કર્યા. ફ્લેટની બેઝીક કિંમત રૂા. ૭,૨૦,૦૦૦ની હતી તે પૈકી રૂા. ૨, ૮૦,૦૦૦ નો એક ચેક લખી સહી કરી નીરૂમાને આપી આશીર્વાદ મેળવ્યા. અને સી-૨૪ નંબરનો ફ્લેટ રાખવાની અમારી પાકી ઈચ્છા-તૈયારી દર્શાવી. પૂજ્ય નીરૂમાએ અમને બધી જ રીતે પૂછયું કે તમારા બજેટની અનુકૂળ આવશે ? તમે બંને કોઈ દબાણથી હા નથી પાડતાને ? મારી (ફાઈલે) પત્નીને પૂછયું કે તને આ વાત કરી છે. તારી સંમતિ છે ? તમે બંને સંપૂર્ણ રીતે વિચારીને આ નિર્ણય કરો છો ને ? અમારો નિર્ણય પાકો અને આખરી હોઈ તે બાબત હા દર્શાવી. તેમણે ચેક ડિમ્પલભાઈને આપી અમારો નિર્ણય જણાવ્યો. બીજી બાજુ મારા સંજોગમાં સને ૨૦૦૦માં મારા પી.પી.એફ. બચત પાકતા મેં બેન્કમાં ફીક્સ મૂકી હતી. તેને ૧૫ માસ થઈ ગયા હોઈ પાકતી હતી એટલે નાણાની સગવડ પણ તૈયાર જ હતી. જે એક સહકારી બેંકના બચતખાતામાં જમા કરવાના હતા. આ સહકારી બેંકના મારા બચત ખાતાનો રૂા. ૨,૮૦,૦૦૦ નો ચેક પાસ થઈ ગયા પછી ખૂબ જ ટૂંકા ગાળામાં તે બેન્ક બંધ પડી ગઈ. મારી જીંદગીના બચતની રકમ બેંક બંધ થતા ફસાઈ તો નહીં. પરંતુ સીમંધર સીટીમાં પૂજ્ય નીરૂમાની આંગળી ચીંધ્યાથી રહેવા આવવાના સંજોગ જ્ઞાની કૃપાથી પ્રાપ્ત થયા. નવેમ્બર-૨૦૦૨ પ્રાણપ્રતિષ્ઠા સમય લગભગ સીમંધર સીટીમાં પૂજ્ય નીરૂમાએ પગલા કરી, દાદા તથા સીમંધર સ્વામીની આરતી કરાવી અમોને ઘરમાં રહેવાની લીલી ઝંડી આપી. આમ જ્ઞાનીનો અંગૂલિ-નિર્દેશ આપણને ઘણું બધું કહી જાય છે. અને જીવન અહો અહો કરાવી જાય છે. ધન્ય છે દાદા, ધન્ય છે પૂજ્ય નીરૂમા, પૂજ્ય દીપકભાઈ, આપશ્રીને અમારા ખૂબ ખૂબ અહોભાવ સાથે નમસ્કાર. નવીનભાઈ કે. પટેલ. સી-૨૪, સીમંધર સીટી, અડાલજ. તા :- ૧૮-૨-૨૦૦૭ જય સચ્ચિદાનંદ, દવે જસવંત રતિલાલ સવિનય જણાવવાનું કે હું ગાંધીનગરમાં રહું છું. અને ગવર્મેન્ટ સર્વિસ કરું છું. મેં નીરૂમા પાસે ૬-૧૧-૦૫ અને ૧૮-૧૨-૦૫ના રોજ જ્ઞાન લીધેલ છે. અને ત્યાર બાદ નીરૂમા મને અવારનવાર સ્વપ્નમાં પણ આવે છે. અને હું સતત પાંચ આજ્ઞામાં જ રહું છું. મારી જીંદગીમાં એક ખૂબ જ અદ્ભૂત અનુભવ થયેલ છે. હું તાઃ- ૧૨-૬-૨૦૦૬ના રોજ સાંજે ઓફિસથી ૬-૩૦ વાગે ઘેર આવ્યો. ત્યારે મારી બેબીની તબિયત સારી ન હોવાથી ડૉક્ટરની ૭-૩૦ની એપોઈમેન્ટ લીધી. હું અને મારી બેબી ૭-૨૦ના સમયે દવાખાને બતાવવા નીકળતા હતા. તેવામાં વરસાદ પવન સાથે આવ્યો. અમો બંને પાછા ઘરમાં આવ્યા અને ધાબા ઉપર પડેલ ગાદલા-ગોદડા નીચે લાવ્યા. અને પાછા ૭-૩૦ મિનીટે બંને જણા સ્કૂટર ઉપર દવાખાને જઈ રહ્યા હતા. ઘરેથી થોડે દૂર અમો પહોંચ્યા હતા. સ્કૂટર જ્યારે ઘરેથી ચાલુ કર્યું ત્યારે દાદા ભગવાનનું નામ લીધું હતું. અને થોડે દૂર પહોંચતા જ અમારા બંને ઉપર એક મોટું તોતિંગ ઝાડ પડતાની સાથે જ હું ત્યાં બેભાન થઈ ગયો હતો. પરંતુ મનમાં નિરંતર દાદા ભગવાનના અસીમ જય જયકાર ચાલુ જ હતા. મારા માથામાંથી ખૂબ જ લોહી વહી ગયું હતું. સ્કૂટર પર મારી પાછળ બેઠેલી મારી પુત્રી ગભરાઈ ગઈ હતી. અને તેણે બૂમાબૂમ કરીને આજુબાજુના માણસોને ભેગા કર્યા હતા. અને મને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. દવાખાનામાં માથાનો સીટીસ્કેન કરતાં હેમરેજ હોવાનું જણાયું હતું. ડૉક્ટરના મારા સંબંધી સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે બચવાની આશા માત્ર ચાલીસ ટકા જ હતી. કેસ ખૂબ જ સીરીયસ હોવાથી ડૉક્ટરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનું જણાવેલ. માથામાં તાત્કાલિક અડતાલીસ ટાંકા લઈ મને અમદાવાદ ખસેડ્યો. પરંતુ રસ્તામાં મને 'હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન' એવું જ સતત ખૂબ મોટેથી બોલાયા કરતું હતું. અમદાવાદ સિવિલમાં મને સારવાર સંતોષકારક ન મળતા મને રાજસ્થાન હોસ્પિટલમાં રાત્રે સાડા અગિયારના સમયે ખસેડેલ. માથામાં હેમરેજ હોવાથી ઓપરેશન કરવું પડશે તેમ ડૉક્ટરે જણાવેલ. અને મને ત્યાં દાખલ કરેલ. એ જ રાતે દાદા ભગવાન તેમજ નીરૂમા બંને મારી પાસે આવ્યા હતા. અને મારા માથા ઉપર હાથ ફેરવીને કહ્યું હતું કે દીકરા તને કશું થવાનું નથી. હજુ તો તારે ઘણા સારા કામો કરવાના બાકી છે. તારા ઉપર ઘણી જ જવાબદારીઓ છે. બધું જ સારું થઈ જશે. તે રાત્રે મારી સાથે નીરૂમા તેમજ દાદા ભગવાન બંને આખી રાત મારી આંખોની સામે જ હતા. મને કંઈ દુઃખાવો પણ થયેલ નથી. કશું જ બન્યું જ નથી તેવી મને પ્રતિતી થતી હતી. આખી રાત ક્યાં જતી રહી તેની મને ખબર જ ન પડી. મને વાગ્યું તે સમયે મારું ડાયાબીટીશ ૩૯૯ હોવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં લાવ્યા બાદ બીજા દિવસે બપોરે ૨-૩૦ વાગે ઓપરેશન કરવાનું ન્યુરોસર્જન સાથે નક્કી થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ઝવેરી (મને દાખલ કર્યો ત્યારે અંબાજીમાં દર્શનાર્થે ગયા હતા.) સાથે ફોન પર જ ઓપરેશનનો સમય નક્કી થયો હતો. ડાયાબીટીશ કંટ્રોલમાં આવતા નક્કી કર્યાનો સમયે બપોરે ૨-૩૦ વાગે મારું ઓપરેશન ચાલુ થયું હતું. જે સાંજના ૬-૩૦ સુધી ચાલ્યું હતું. બે દિવસ પછી જ્યારે ધીરે ધીરે હું ભાનમાં આવ્યો ત્યારે જય દાદા ભગવાન, જય દાદા ભગવાનના નામ સાથે જ મને ભાન આવ્યું હતું. મને કશો જ દુઃખાવો થતો ન હતો. અને મનમાં કંઈપણ ઊંચુનીચું પણ થતું ન હતું. ધીરે ધીરે મને સારું થવા લાગ્યું. અને બહુ જ થોડા જ દિવસમાં ડૉક્ટરના આશ્ચર્યની સાથે મારા માથાના ટાંકા પણ તોડી નાખ્યા હતા. ડૉક્ટર મને કહેતા હતા કે તમે બચ્યા એ મને કુદરતી ચમત્કાર જ લાગે છે. બાર દિવસ સુધી હું દવાખાનામાં રહ્યો હતો. અને બારમાં દિવસે રાત્રે ફરી વખત દાદા ભગવાન અને નીરૂમા મારા સ્વપ્નમાં આવ્યા હતા. અને મને કહ્યું કે 'બેટા, કાલે તું આ દવાખાનામાંથી રજા લઈ લે.' અને ઘેર જતો રહે. હવે તારે તારી ચિંતા કરવાની નથી. હવે અમો તારી ચિંતા કરીશું. તને હવે કશું જ થવાનું નથી. તું તારી ફરજ બજાવજે. બાકીનું બધું જ અમો સંભાળી લઈશું. આખી રાત મારા માથા ઉપર હાથ ફેરવતા રહ્યા હતા. અને હું ઊંઘી ગયો. અને સવારે ડૉક્ટર તપાસ કરવા આવ્યા ત્યારે મેં રજા લેવાની વાત કરી. ડૉક્ટરે પણ રજા આપી. સાંજે છ વાગે રજા મને આપી. ઘેર આવતાની સાથે મારા ઘરમાં પગ મૂકતાં જ મને દાદા ભગવાન અને નીરૂમાના દર્શન થયા. અને મારી સાથે જ ઘરમાં આવ્યા. બીજા દિવસે મને વિચાર આવ્યો કે આ બધું બન્યું કેવી રીતે ? દાદા ભગવાન અને નીરૂમાએ દવાખાનામાં બધો જ ખર્ચ અને મારી પીડા બધું જ પાર પાડી દીધું છે. તેવું મને લાગ્યું. આ એક કુદરતી ઘટના જ બની છે. દવાખાનાનો ખર્ચ ૬૦,૦૦૦ થયો હતો. અને બધું જ સહેલાઈથી પાર પડી ગયું છે. બીજી ઓક્ટોબરે હું દાદા ભગવાનના મંદિરે (ત્રિમંદિરે) અહીં દર્શન કરવા પણ આવ્યો હતો. ત્યારબાદ દીપકભાઈ પાસે ૨૭-૧૦-૦૬ તેમજ બીજી વખત પણ ૩-૧૨ જ્ઞાન લીધેલ છે. હવે મને ખૂબ જ સારું છે. જય સચ્ચિદાનંદ. નીરૂમા સાથેનો અનુભવ ''જય સચ્ચિદાનંદ' પૂજ્ય દાદા ભગવાનનું આત્મજ્ઞાન મેં ૧૯૯૭ માં લીધું. બે વર્ષ ખૂબ જ સંત્સંગમાં હાજરી આપી. ફાઇલ નંબર-૨ એ પણ જ્ઞાન લીધું. પરંતુ તેમને જોઇએ એટલો રસ ન હતો. આ દરમ્યાન મારા અંતરાય કર્મોને કારણે મને મારી ફાઇલ નંબર-૨ એ સત્સંગમાં આવવાનું બંધ કરાવ્યું. હું ઘરે બેઠા બેઠા ચરણવિધિ કરતી નીરૂમાના સત્સંગ જોતી હતી. પરંતુ ફાઇલ નંબર-૨ તરફથી ખૂબ જ માનસિક ત્રાસ તથા ફાઇલ નંબર-૧ કચેરીમાં આવી માનહાની કરતા હતા. જેથી હું ખૂબ જ ડીપ્રેશનમાં આવી ગઇ હતી. એક દિવસ ફાઇલ નંબર-૨ તરફથી ઓફીસમાં ફોનથી ખૂબ માનસિક ત્રાસ આપ્યો. જેથી તે દિવસે મેં નકકી કર્યું આજે મારે ઘરે જવું નથી. અને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. સાંજે ઓફીસથી નીકળી દરિયામાં ડૂબી જવાનું નકકી કર્યું. ઓફીસથી થોડુ ચાલીને રીક્ષામાં દરિયા કિનારે જવાનું નકકી કર્યું. સાંજે ઓફીસથી નીકળી સાત-આઠ મિનીટ ચાલી એટલે આગળ રસ્તો ક્રોસ કરવાનો હતો, તે દરમ્યાન મને એક સફેદ સાડીવાળા માજી મળ્યા. તેમના હાથમાં કપડાની પોટલી હતી. અને સાધરણ ઘરના લાગતા હતા. પરંતુ ખૂબ જ ઘરડા હતા. તેણે મને રસ્તો ક્રોસ કરાવવા કહ્યું. મેં તેને હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવ્યો તેણે મને ઘણું જ જીવવાના આશીર્વાદ આપી મારા પીઠ પર હાથ ફેરવીને ફરીથી ખૂબ ખૂબ જીવજે એવું કહ્યું. મને મનમાં વિચાર આવ્યો કે મારા મરવાના સમયે આ આર્શીવાદ શું કામના ? ત્યાંથી હું માત્ર બે-ચાર ડગલા આગળ ચાલી પછી પાછું વળીને જોયું કે પેલી ડોશીમાં કઇ તરફ જાય છે ? ત્યાં તો ડોશીમાં ક્યાંય હતા જ નહીં. ત્યાં આજુબાજુ કોઇ બસ કે મોટું વાહન ન હતું કે હું તેને જોઇ ન શકું. બસ મારા મનમાં ડોશીમાં ક્યાં ગઇ ? એ કોણ હતી ? કદાચ મારા પૂજ્ય નીરૂમાએ મારો જીવ બચાવવા તો ન મોકલ્યા હોય ? એવા અનેક વિચારોમાં હું ચાલતી રહી ચાલતી રહી અને ચાલતા ચાલતા મારું ઘર આવી ગયું. અને હું ઘરે પહોંચી ગઇ. હું પૂજ્ય નીરુમાની કૃપાથી જ બચી ગઇ. મને પૂજ્ય નીરૂમાએ જ બચાવી. મારી ફાઇલ નંબર-૨ નો સ્વભાવ શંકાશીલ હોવાના કારણે મારા લગ્ન થયા ત્યારથી જ મારી ફાઇલ નંબર-૩ (બેબી) ના લગ્ન થયા બાદ ચોક્કસ આત્મહત્યા કરીશ એવું ૧૯૭૫ થી વિચરતી હતી. આ બનાવ પછી મેં કોઇપણ દિવસ આત્મહત્યાનો વિચાર કર્યો નથી. પૂજ્યા મા એ મને મહાપાપમાંથી બચાવી દીધી. ત્યારબાદ મારાથી સતસંગમાં ન આવી શકવાથી મને ખૂબ જ દુઃખ રહેતું. અડાલજના મંદિરના દર્શન કરાવાની મને ખૂબ જ ઇચ્છા હતી. પરંતુ કાંઇ બોલી શકતી ન હતી. મને તો મહાવિદેહક્ષેત્ર પહેલા અડાલજમાં પૂજ્ય નીરુમાના સાંનિધ્યમાં જન્મ લેવાનું ખૂબ જ મન થતું. હરઘડી હરપળ પૂજ્ય નીરૂમા દાદાને યાદ કરતી અને આવું જીવન ક્યારે પુરંુ થશે તેની રાહ જોતી. ત્યાર બાદ ડીસેમ્બર ૨૦૦૫માં ફાઇલ નંબર-૨ જોડે મારે ઓફીસના કામે ગાંધીનગર જવાનું થયું. ત્યારે પ્રથમ વાર અડાલજમાં મંદિરના દર્શન કરી ધન્ય થઇ ગઇ. ત્યાર બાદ અડાલજમાં જાન્યુઆરી ૨૦૦૬ રવિવારે જ્ઞાનવિધિ હતી. મને એટલી બધી તીવ્ર ઇચ્છા હતી કે હું અડાલજ જ્ઞાનવિધિમાં હાજરી આપી શકંુ. પૂજ્ય મા તથા દાદાને ખૂબ પ્રાર્થના કરતા કરતા ખૂબ રડી પણ હતી. તે દિવસે સવારે ચરણવિધિ ન થઇ શકેલ હોવાથી હું રાત્રે ચરણવિધિ કરવા બેઠી. રોજ મનમાં વાંચતી પરંતુ તે દિવસે મોટેથી વાંચવાનું મન થતા રૂમનું બારણુ બંધ કરી મોટેથી ચરણવિધિ બોલવા માંડી. બોલતા બોલતા મારો અવાજ સ્ત્રીનો મટી પુરુષનો થઇ ગયો. અને હું ચરણવિધિ બોલતા-બોલતા બેઠા-બેઠા ડોલતી હતી. આંખો બંધ હતી સીમંધર સ્વામીની આજુબાજુ પૂજ્ય નીરુમા તથા દાદાના દર્શન થતા હતા. એક પળ પણ એવી ન વીતી કે મારુધ્યાન કે ચિત્ત બીજે ગયુ હોય. એવો અલૌકિક અનુભવ થયો કે, મેં જીંદગીમાં ક્યારે પણ ન કર્યો. ચરણવિધિમાં દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલતી વખતે દાદા જેવી રીતે બંને હાથો જોડીને હ્રદયની આજુબાજુ ફેરવે તેવું જ મારાથી થયું. આવી રીતે એક પણ દિવસ મેં દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલી ન હતી. હું કોઇ પણ દિવસ ૧૫-૨૦ મિનીટથી વધુવાર પલાઠી વાળીને બેસી શકતી નથી. તેમ છતા તે દિવસે કલાકથી વધુ સમય પલાંઠી વાળીને ચરણવિધિ બોલી. અને છેલ્લે ચરણવિધિ પુરી થઇને શુદ્ધાત્મા બોલવાનું શરૂ કર્યું. તો લગભગ અડધો કલાકથી વધુ સમય બંધ થતુ ન હતુ. મને થયુ કે હવે બાથરૂમ જઇને સૂઇ જાઉ પરંતુ અંદરથી શુદ્ધાત્માનો અવાજ બંધ જ થતો ન હતો. પછી ધીમે ધીમે બંધ થયું. આ ઘટના મેં. પૂજ્ય નીરૂમાને પત્રથી લખી મોકલી અને પૂજ્ય માને વિનંતી કરી કે મારા સત્સંગના અંતરાયકર્મો દુર કરજો. પૂજ્ય મા એ એવી કૃપા વરસાવી કે, પૂજ્ય નીરુમાની છેલ્લી મહાશિવરાત્રીના દિને નાની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ દાદાવાણીમાં વાંચી મારી ફાઇલનંબર-૨ તરત જ બોલી ઉઠ્યા કે આપણી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવા આપણે ગાડી લઇને જઇશુ. હું તો ખુશખુશાલ થઇ ગઇ. અને પૂજ્ય માના હાથે મારા ઘરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. અને પૂજ્ય માની છેલ્લી જ્ઞાનવિધિ પણ એટેન્ડ કરી અને પૂ. માના છેલ્લા દર્શન પણ કર્યા. પૂજ્ય મા એ મારા સત્સંગના તમામ અંતરાયકર્મો દુર કરી આપ્યા. અને ૨૦૦૬ ના વર્ષના ચાર વખત જ્ઞાનવિધિમાં હાજરી આપી શકી. પૂ નીરૂમા મારા માટે ભગવાન કરતા પણ અધિક છે. મા પ્રત્યેનો મારો પ્રેમ વર્ણવવા મારી પાસે કોઇ શબ્દ જ નથી. પૂજ્ય માએ મારંુ જીવન બદલી નાંખ્યું. મારી ફાઇલ નંબર-૨ નો પણ ઘણો જ ઘણો જ આભાર કે મને આ જન્મમાં સંસારનો વૈરાગ્ય વગર મહેનતે મળી ગયો. પૂજ્ય માને મારા કરોડો કરોડો પ્રણામ. લિ. નીરૂબેનના લઘુત્તમભાવે જય સચ્ચિદાનંદ. પૂજ્ય દીપકભાઇને અમારા સૌના નમસ્કાર. અમારા બધાના જય સચ્ચિદાનંદ. દીપકભાઇ હમણા બે દિવસ પહેલા દાદા ભગવાને મને દર્શન દીધા હતા રાત્રે સ્વપ્ન આવ્યા હતા. દાદા રસ્તા પર ચાલી રહ્યા હતા મને જોઇને હસ્યા મને ખૂબ જ આનંદ થયો. દીપકભાઇ તમે મને એક બેન એમ કરીને ટીવીમાં બોલો છો ત્યારે મને એમ થાય છે આ તરલાના દીપકભાઇ દાંત કાઢે છે. હવે કાંઇ નથી થતુ, પહેલાં થતુ હતું. હવે તો એમ થાય છે આ શરીર તો બળવાનું છે. હું શુદ્ધાત્મા છું. એટલે હવે અંદરથી કાંઇ થતું નથી. આત્માનો આનંદ ખૂબ જ છે. (૨) અંદર જરા પણ દુઃખ નથી. ખૂબ જ આનંદ છે. મારા દીપકભાઇને એટલે મારા ભગવાનને મારા કોટી-કોટી પ્રણામ, મને દીપકભાઇ ના મળ્યા હોત તો અત્યારે ક્યાં હોત ? ચિંતા અને ટેન્શનમાં ડૂબેલા હોત. દીપકભાઇ મને પર્શનલ તમને મળવાની ખૂબ જ ઇચ્છા છે. એ દિવસ ક્યારે આવશે જેથી કરીને અમે બન્ને સાથે તમને મળીએ. હવે તેના ફાઇલ ટુ ને અંદર શુદ્ધાત્માના ભગવાન જોવાનું ખૂબ જ ચાલુ છે. જેથી કરીને તે આ માર્ગ આવે. દીપકભાઇ હું ફાઇલ ટુ ને ક્યારે ક્યારે એમ કવ છુ કે દીપકભાઇને ક્યારે મળશું ? ત્યારે એમ કહે છે સમય આવશે ત્યારે મળશું. તેની પહેલા તો મારે આગળ ન થવાય. દીપકભાઇને મળવા ફાઇલ ટુ નો ગુસ્સો ઘણો ઓછો થઇ ગયો છે. હવે મને એમ થાય કે આ દાદા ભગવાનને માર્ગે જલ્દી આવે. ટી.વી.માં નીરુમા અને દીપકભાઇ તો મને એમ થાય છે કે મારા ઘરમાં છે. નીરુમા અને દીપકભાઇ તો મારા દીલમાં અને ઘરમાં છે. જય સચ્ચિદાનંદ. પૂજ્ય દિપકભાઇ આપશ્રીને કોટી કોટી વંદન. હું ધનંજય રાવલ જ્ઞાન પહેલાનો અને હવે શુદ્ધાત્મા, આપશ્રી જ્ઞાની પુરૂષ પાસે જ્ઞાન પહેલા તથા પછીના અનુભવ જણાવવાની ચેષ્ઠા કરું ક્યાંય પણ મારી ભૂલચૂક થઇ જાય તો મને માફ કરશો. જ્ઞાન પહેલા આ ફાઇલ નં. ૧ બહુ જ જીદ્દી, ઝઘડાળું, ગુસ્સાવાળી, વહેમીલી હતી. વાત વાતમાં લોકોનો વાંક જોવાની આદત એટલે કોઇ પણ સંજોગોમાં પોતાની ભૂલ તો નહી જ કબુલવાની તેવી. ઘરના અન્ય સભ્યો પણ ઘરમાં આવતા વંેત એટેન્શનમાં આવી જતા. જીદે ભરાયા પછી ખબર નહીં પણ સમાધાન ન થાય ત્યાં સુધી મંુઝવણ મંુઝવણ લાગ્યા કરતુ અને પછી સમાધાન કરવા બધુ જ જતુ કરી લેતો. વાત વાતમાં લોકોનો વાંક જોઇ લેવો. જેથી કરીને કોઇ પણ વ્યક્તિ આ ફાઇલ નં. ૧ નો વાંક ન કાઢી જાય તેની ફીકરમાં જ રહેતો. સ્વાભીમાન માને માનમાં જ આ ફાઇલે વ્યાજના ચક્કરમાં પડી બે કરોડ રૂપીયાનું દેવું કરી નાખ્યું. બસ મનમાં એમ જ કે કોઇ મારુ અપમાન કરી નાખશે. માટે ગમે તેટલા ઊંચા વ્યાજે નાણા લઇ વ્યવહાર કર્યા. જ કર્યો પાછુ વળીને જોયું જ નહી કે આ અંહકારમાં ને અહંકારમાં કે તથા ઘરના બધા સભ્યો ક્યાં આવીને ઉભા રહ્યા છે. વળી વ્યાજવાળાને કાયમ વાંક જ જોયા કર્યો કે તેવો આટલુ બધું વ્યાજ લઇ ગયા છે. છતા મારી સાથે તોછડાઇથી વાતો કરે છે. ખબર નહી જ્ઞાન લીધા પહેલા મેં કેટલાય લોકોની વીરાધના કરી હશે, કેટલાય લોકોને દોષીત જોયા હશે. આવા સમયે મનની શાંતિ માટે અવાર નવાર ટી.વી. ચેનલો બદલી નવા નવા પ્રોગામો જોયા કરતો. રાત્રે ચિંતામાં ક્યારે ય ઉંઘ નહોતી આવતી. આખી રાત ટી.વી પ્રોગ્રામ દેખ્યા કરતો. સવારે ગુરુ આનંદમયી, આશારામબાપુ બધા સંતોના પ્રોગ્રામ જોતા. એક વાર અચાનક પૂજ્ય નીરૂમાનો પ્રોગામ પણ ચેનલ બદલવાની રમતમાંને રમતમાં જોયો. પ્રોગ્રામ ગમ્યો. પણ અંહકારી માણસ હતો જેથી આ બધી સામાન્ય વાતો છે તેમ કરી વીસારી દીધેલ. પણ અમારા ફાઇલ ન. ૨ એ પ્રોગ્રામ નીયમીત જોવાનું ચાલુ કરી દીધું. પછી તેવાએ ગમે ત્યાંથી દાદા દર્શનની લીંક મેળવી લીધી. અને તેઓ નીયમીત ત્યાં સત્સંગ ભરવા લાગ્યા. તેવોએ ત્યાં જ્ઞાન પણ લીધું. આ અગાઉ મારા ફાઇલ નં બે ની વાત કરું તો તેવો ઘડી ઘડી મને ટોકતા અને હંુ સામે ગુસ્સે થઇ જતો. પણ ખબર નહી સત્સંગ તથા જ્ઞાન લીધા પછી તેમની પ્રકૃતિ જાણે બદલાઇ જેથી તેવોએ મારા આટલા બધા દેવા હોવા છતા મને કહેવાનું જાણે બંધ કર્યું. ખબર નહીં તે વખતે હું તેમની અંદર ફરક દેખી શકતો હોત પણ શા કારણે છે તે ખબર પડતી નહતી. આ વાત ખાસ મારા જેવા તકલીફવાળા મહાત્મા માટે લાવું છું. મારે બે કરોડ રૂપીયાનું ધંધામાં દેવું થઇ ગયેલ. દરેક માંગવાવાળા રાત્રે દિવસે ગમે તે સમયે ઘરે ઓફીસે આવતા. મને ફાવે તેમ ગાળો દેતા. જ્ઞાન ન લીધેલ. એટલે અજ્ઞાનતા એ તેમની જોડે મારે બોલાચાલી થતી. ઝઘડા થયા કરતા. માંગવાવાળા એટલા બધા હતા કે હું આખી રાત ઘરે ન આવતો. ગાડીમાં પડયો રહેતો, રેલ્વે સ્ટેશને પડયો રહેતો. અથવા કોઇ બસમાં દુર બહારગામની ટીકીટ લઇ ચાલ્યો જતો. માંગવાવાળા પણ બે પ્રકારના ઘણા ગૃહસ્થ આવતા. પ્રેમથી વાત કરતા સમય લેતા, આપતા અને ચાલ્યા જતા. અને અમુક માથાભારી મારી નાખવાની ધમકી આપતા. મનફાવે તેમ વ્યવહાર કરતા અંદર તેમની સામે બહુ કષાય થતો. ઝઘડતો, આપઘાત કરી લઉં, ભાગી જઉં જેવા વિચારો સતત આવ્યા કરતા. ફાઇલ નં. ૨ વારેવાર બીજા મહાત્માઓના ઉદાહરણ આપતા, દાદાની વાતો કરતા. આ બધા હિસાબો આપણા જ છે તેવું કહ્યા કરતા. પણ આ અજ્ઞાની બાવો માનવા તૈયાર નહી. અહંકારથી એમ કહ્યા કરતો, બેસને, હવે તારી બહુ બધી વાતો સાંભળી. મારી પરીસ્થિતી કેવી છે તે મને ખબર છે. પણ અંદરથી મને એમ થતું કે આ જ્ઞાનની વાતો તો સાચી લાગે છે. ખરેખર જો આ મારો જ હિસાબ ના હોય તો પછી મારી પાસે જ આવો વ્યવહાર કેમ ? પણ અહંકારને લઇને ઉપરથી ના જ કબુલુ. પણ આમ મને અંદર ટેન્શનને લઇને નમો ભગવતે વાસુદેવાય ના જાપ બોલવાની આદત. પણ પછી સાંભળ્યું કે દાદા ભગવાનના અસીમ જય જય કાર હો બોલવા જોઇએ હવે. શરૂઆતમાં આમ બોલતા, અંદરથી એમ થતું કે આવું ના હોય. પણ છતા તેમ કરતાં કોણ જાણે કેમ દાદાએ મને ગમે તેમ પરીસ્થિતીમાં જાણે ઉપાડી લીધો. આટલા બધા ખરાબ માણસો હોવા છતા કોઇએ મને હાથ નથી લગાડયો. જે મેં સાંભળેલું તેવા પ્રયોગ કરતો. કોઇની જોડે વાત કરતા સામેવાળા શુદ્ધાત્માને કહેતો કે દાદા, મારી વાણીથી સામાવાળાને સમાધાન થાય. ખરેખર આમ થતું. માંગવાવાળો જાણે બદલાતો તેવું થતું પણ છતા હું એમ જ સમજતો કે આ બધું મેં કર્યું. આ ફાઇલને બહુ દ્વિધા હતી આ જ્ઞાનમાં જાઉ કે નહીં. ખરેખર સાચું છું કે ખોટું અનેક પ્રશ્શન મુંઝવ્યા કરતા. ધંધાની પરીસ્થીતી એટલી ખરાબ કે રોઇ રોઇને દિવસ કાઢતો. આખો દિવસ અંદર તાપ તાપ કયાંય મન ન લાગતું. ખબર નહીં. ક્યારે આ મનમાં શાંતિ મલશે કેમ મળશે ? કોણ સમજાવશે અનેક પ્રશ્શનો મનમાં ચાલ્યા કરતા મન કયાંય શાંતિ ન અનુભવતું. મારા ધંધાની પરીસ્થિતીમાં કોઇ ફરક દેખાતો નહતો. પણ મારા ફાઇલ નં બે મને ઘડી ઘડી દાદાશ્રી, નીરૂમાની વાતો સંભળાવ્યા કરતા. મને થોડો થોડો રસ પડવા મંડયો હતો. પણ અહંકારને લઇને મને મારી પત્નિ કહે છે માટે તો જ્ઞાનમાં નહીં જ. આવું તેવું કંઇક પકડાઇ ગયું હતુ પણ ધંધામાં માંગવાવાળા મને હેરાન કરતા જેથી તેનાથી કંટાળી મોબાઇલ બંધ કરી દેતો. અને વિચારતો ક્યાંક શાંતિથી બેસી જઉં. એ વખતે મને યાદ છે કે અડાલજમાં પારાયણની શીબીર ચાલતી હતી. જેથી મે વિચાર કર્યો લાવને ત્યાં જતો રહું જેથી કોઇ માંગવાવાળાનો ત્રાસ તો નહીં. તે વખતે પહેલી વાર મેં પૂજ્ય નીરૂમા તથા આપશ્રી દિપકભાઇના દર્શન કર્યા. ખબર નહી મેં જયારે નીરૂમાને પહેલી વાર જોયા ત્યારે મારી અંદર એવો ભાવ જાગવા માંડયો કે સ્નેહ કે પ્રેમ તો નીરૂમાની સિવાય બીજા કોઈનામાં આજ તારીખ સુધી નથી જોયો. પહેલીવાર જયારે નીરૂમાએ મારી આંખોમાં આંખો નાખી મારા પર અમી દ્ષ્ટિ કરી હતી તે કદાચ હું આખી જીંદગી નહીં વીસરી શકું. પછી તો જાણે મારી જીંદગીનો પરીવર્તન નો દોર જ ચાલુ થઇ ગયો. મેં પારાયણની શિબીર પછી જ્ઞાન લીધું. અને મને જાણે લોટરી જ લાગી ગઇ. પૂજ્ય નીરૂમાએ મારા ધંધાના પ્રોબ્લેમ માટે મને સ્પેશ્યલ સમય આપ્યો. અને મને વાત્સલ્ય બંગલામાં બોલાવ્યો. ખરેખર વાત્સલ્ય બંગલામાં ગયા પછી હું વાત્સલ્યની નીરૂમાના પ્રેમના સાગરમાં એવો ડુબ્યો કે જાણે મને એમ થવા લાગ્યું કે હું આ સીમંધર સીટી તેમજ આ પૂજ્ય નીરૂમાના સાનીધ્યમાં રહું. ખબર નહીં પણ પૂજ્ય દિપકભાઇ મને આજે પણ યાદ છે કે જે દિવસે હું વાત્સલ્યમાં પહેલી વાર નીરૂમાને મલવા આવ્યો ત્યારે મને આપ જ્ઞાની પુરૂષની ઈર્ષ્યા આવી હતી કે આપ કેટલા બધા નસીબદાર છો કે આ સ્નેહના સાગર તેમજ પ્રેમના સાગરમાં નીરૂમા પાસે રહો છો. મને માફ કરજો પણ હું તે દિવસે આપ જ્ઞાની પુરૂષને ઓળખી શક્યો નહતો. મને યાદ છે તે દિવસે આપ અંદરના રૂમમાંથી ઊંઘમાંથી બહાર આવ્યા હતા અને હું નીરૂમાંની સાથે વાતો કરતો હતો ત્યારે આપ ત્યાં મારી સામે જોઇ રહ્યા હતા. પૂજ્ય દીપકભાઇ સીમંધર સીટીમાં આવ્યા પછી તેમજ આપના સત્સંગમાં આપનાં દર્શન કર્યા પછી તો હવે હું સાચે જ મારી જાતને ધન્ય સમજુ છું કે હું ખરેખર જ્ઞાની પુરૂષના સાંનિધ્યમાં છું. હવે જ્ઞાન પછી મને ગુસ્સો તો આવે છે પણ કદાચ બહું થોડો સમય માટે. મને સમજાવવા માંડયું છે કે, જે કંઇ બની રહ્યું છે તે મારી જ ભૂલથી બની રહ્યું છું, જ્ઞાન પહેલા લોકોનો વાંક દેખાતો તે હવે મારો વાંક છે, મારો હિસાબ છે, તે સમજણ પડવા માંડી છે. જેથી પ્રકૃતિ પ્રમાણે ઉછાળો આવે છે પણ તરત સમતા પણ આવે છે. ગુસ્સો ક્યાં પછી અંદર મારાથી ખોટું થઇ ગયું છે તેનો પસ્તાવો થવા માંડે છે. અને તાત્કાલીક સામેવાળી વ્યક્તિની માફી માંગી સમાધાન કરવા અંદરથી મારી પ્રકૃતિ પ્રેરે છે. પહેલા કારીગરો પર વારંવાર ગુસ્સા થયા કરતો. પણ હવે તે ગુસ્સો ૫્રુ જ રહી ગયો છે. કોઇ વ્યક્તિ મને કહી જશે, લડી જશે તે ભય હતો તે ધીરે ધીરે શમવા માંડયો છે. અંદરથી કંઇ ખોટું નથી થઇ જતું તેની સતત જાગૃતિ રહેવા લાગી છે. બહુ વાર ભૂલો થાય છે પણ તેને સુધારવા માફી મંગાય છે. પ્રતિક્રમણ થાય છે. સત્સંગમાં આવવાનું બહુ મન હોવા છતા ધંધાની પરીસ્થીતીને લઇને માત્ર ૨૦્રુ સત્સંગ જ એટેન્ડ થાય છે. બહુ દુઃખ લાગે છે પણ ધંધાની પરીસ્થિતી વીપરીત છે. દાદાના જગત કલ્યાણના કાર્યમાં હું અવીરત પ્રમાણે રહુ પણ દાદા પાસે શકતી માંગુ છું કે દાદા મારી પરીસ્થિતી બદલો કે મને એવી ઇચ્છા છે કે હું સીમંધર સીટી છોડી કયાંય ન જાઉં અને જાઉ તો ફકત દાદાના કાર્ય અંગે જ જાઉં. ભાવ તો એવા કર્યા છે. હવે દાદા જાણે. પણ જ્ઞાન પછી મારી અંદર શાંતિ વર્તાય છે. અમારો સંસાર પ્રેમ સ્વરૂપ દેખાય છે. બ્રહ્મચર્ય વિરોધ વગરનું લાગે છે. (સમજથી) મારી પાસે ખરેખર કહું તો કોઇ શબ્દો જ નથી કે જે શાંતિ જ્ઞાન પછી મલી છે તે કઇ નીરવ શાંતિ છે. બાકી આ ફાઇલ નં ઘડી ઘડી આપઘાત કરવાનું મન થતું પણ તે માત્ર વિચાર જ હતા. પણ જ્ઞાન પછી તો તે વિચાર જ નથી રહ્યા. વ્યવસ્થિતની આજ્ઞા ઘડી ઘડી પાકી કરવી પડે છે પણ તે પણ ગોઠવાઇ જશે. અને જયારે જયારે તે ગોઠવાઇ જાય છે ત્યારે કોઇ પણ જાતના દુઃખ કલેશ કે કલેઇમ જાણે જતો જ રહે છે. ખબર નથી કેવું અદભૂત જ્ઞાન છે. તાત્કાલીક સમાધાન તાત્કાલીક નીરાકરણ. મને ખબર નથી કે પૂજ્ય નીરૂમાએ તથા દાદાએ અમારા પરીવાર પર એવી કૃપા વરસાવી છે કે અમારા જેવા દેવાળીયાને અહીં આવી રહેવાનો કોઇ કલાસ જ નહતો પણ એની મેળે મારા સંજોગો બદલાયા. અને અમે અહીં રહેવા આવી ગયા, જાણે હવે અમારા દુઃખો જ જતા રહ્યા. મારા મમ્મી કે બીલકુલ ક્રમીક પૂજા વગર પાણી ન પીવું, આટલી પૂજા ના થાય તો અપશુકન થાય, આ ધર્મ તો વટલાવાની વાત, અનેક તર્કે વિતર્કે પણ દાદાની કૃપાથી તેવો સત્સંગ જોવા આવ્યા, જ્ઞાન લીધુ અને આજે અમુક ટી.વી સત્સંગ ચરણવિધિ પૂજા, દાદા ભગવાનના અસીમ જય જય કાર નિત્ય કરતા થયા. જ્ઞાન લઇ આ મોક્ષ ટ્રેનમાં રીઝર્વેશન કરાવ્યું. આ બધું જ આપ જ્ઞાની પુરૂષની કૃપા નહી તો શું ? આજ અમો સીમંધર સીટીમાં લેણીયાતોના ડર વગર રહીએ છીએ. તેમની સાથે સમભાવે ફાઇલનો નીકાલ કરવાનું શીખીએ છીએ, અમારી જીંદગી તો જ્ઞાન પછી અહો અહો બદલાઇ ગઇ છે. પૂજ્ય દિપકભાઇ આપનો પ્રેમ આવોને આવો અમારા પર વરસાવ્યા કરશો. તેવી અમો આપને વિનંતી કરીએ છીએ. અને કયાંય પણ ખોટુ તથા વધારે લખાઈ ગયું હોય તો આ ફાઇલને બાળક સમજી માફ કરશો. જય સચ્ચિદાનંદ. ધનંજય ભાલચંદ્ર રાવલ. સીમંધર સીટી. સંધ્યા પ્રકાશભાઇ વ્યાસ, પરમ પૂ. શ્રી દિપકભાઇ, પ્રગટ પરમાત્માને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક કોટિ કોટિ નમસ્કાર... સ્પપ્નમાં એકવાર કોઇ એક દિવ્યમૂર્તિના દર્શન થયા. ખબર નહીં કે એ કોણ હતા. તે જ સવારે તેમની સાથે બે માહાસતીજીના દર્શન થયા. એકાએક ટી.વી ચાલુ કરતાં પૂ.નીરુમાનો સત્સંગ ચાલતો હતો. અમે ક્યારેય સત્સંગ જોતા જ નહોતા. પરંતુ ટી.વી ચાલુ થતાં જ નીરુમાની પાછળ સ્વપ્નમાં આવેલી મૂર્તિના દર્શન થયા. ત્યાર પછી તાલાવેલી લાગી અને જાણ્યુ કે એ તો સીમંધર સ્વામી હતા. ત્યાર પછી રોજ નિયમીત નીરુમાનો સત્સંગ જોતા. ત્યાર પછી પૂ. દિપકભાઇ પાસે જૂનાગઢમાં તા. ૨૬-૬-૨૦૦૬ માં મુશળધાર વરસાદ વચ્ચે અમોએ જ્ઞાન લીધુ. અને તે જ ક્ષણે અમારા ઉપર આપશ્રીની, દાદાશ્રીની અને નીરુમાની કૃપાની પ્રેમવર્ષા થઈ. ત્યાર પછી સતત પૂ. નીરુમાને રૂબરૂ મળી દર્શન કરવાની તાલાવેલી લાગેલ પરંતુ અમારા જ અંતરાયોના કારણ અમો નીરુમા પાસે રૂબરૂ પહોંચી શક્યા જ નહીં. એવામાં ૭-૩-૨૦૦૬ ના રોજ પૂ. નીરુમાને તેમની ગંભીર બિમારી સબબ અમેરિકા લઇ ગયા. બરાબર તેના બે દિવસ અગાઉ ૫-૩-૨૦૦૬ ના રોજ વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ પૂ. નીરુમા સ્વપ્નમાં આવ્યા. અડાલજનો સત્સંગ હોલ દેખાયો જે મેં ક્યારેય જોયો નહતો. તેમા પૂ. નીરુમા સત્સંગ પૂરો કરી ધીરે-ધીરે પગથિયા ઉતરતા હતા. બીજુ કોઈ જ હતું નહીં. સંધ્યા એકદમ દોડતી દોડતી પૂ. નીરૂમા પાસે ગઈ ત્યારે નીરુમા એકદમ પ્રેમપૂર્વક લાડમાં ખીજાઇને બોલ્યા, ''ક્યાં હતી આટલા દિવસ? ચાલ ચાલ તારે ચરણ સ્પર્શ કરવા હતા ને જલ્દી કરી લે, મારે મોડું થાય છે, મારે જવાનું છે.'' ત્યારે સંધ્યાએ કહ્યું, ''એમ નહીં હો નીરુમા, મારે તો આપના ખૂબ જ દર્શન અને ચરણ સ્પર્શ કરવા છે.'' ત્યારે નીરુમા બોલ્યા, ''તારે જેટલી વાર કરવા હોય તેટલી વાર દર્શન કરી લે, ચાલ ચાલ મોડું ન કર.'' પછી સંધ્યાએ નીરુમાના ચરણોમાં ચરણવિધિની બૂક મુકી ત્યારે એકદમ ચોખ્ખા નીરૂમાના ચરણકમળ દેખાયા. સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા તેમના ચરણોમાં, સૂઇ ગઈ નીરુમાએ વિધિ કરી. અને એકદમ હસતા-હસતા ખૂબ જ આશીર્વાદ આપ્યા. પછી નીરુમાના મહાવિદેહ ક્ષેત્રે ગમનના સમાચાર જાણી અત્યંત વિરહો ઊભો થયો અને નિર્ણય કર્યો કે માના અંતિમ દર્શન તો મારે કોઈ પણ ભોગે કરવા જ છે. ત્યારે પ્રથમ વખત જ અડાલજમાં મારો પ્રવેશ થયો. અને અંતિમ ક્રિયાની આગલી રાતે આખી રાત પૂ. માના 'વાત્સલ્ય'માં તેમના દિવ્ય શરીર પાસે આખી રાત પસાર કરી. તા. ૩૧-૫-૨૦૦૬ ના રોજ પૂ. નીરુમા ફરી સ્વપ્નમાં આવ્યા. તેમાં નીરુમા સૂતા હતા. તેમણે ચરણો સંધ્યાના ખોળામાં મૂકયાં, સંધ્યા પગ દાબવા લાગી, નીરુમાએ પૂછયું, બધુ બરાબર ચાલે છે ને? ત્યારે સંધ્યાએ કહ્યું, ''જુઓને નીરૂમા ફાઇલ નં. ૨ નેગેટીવ બહુ વિચારે છે.'' તરત જ નીરૂમાએ કહ્યું, ''બોલાવ-બોલાવ ફાઇલને'' ફાઇલ નં. ૨ આવી ત્યારે નીરૂમાએ કહ્યું, ''જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટીવના પક્ષમાં ક્યારેય ન બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઇ જવું.'' તેટલું સમજાવ્યું પછી કહે ચાલ આપણે આરતી કરી લઇએ. મંદિર દેખાયું, નીરુમા આરતી કરતા દેખાયા પછી કહ્યું, ''હવે હું જઉં છું હો? જય સચ્ચિદાનંદ.'' બીજા દિવસે તા. ૧-૬-૨૦૦૬ ના રોજ દાદા ભગવાનનું કેલેન્ડર ફેરવતાં, નીરુમાનું કહેલું જ, સ્વપ્નમાં સમજાવ્યું હતું તે જ આપ્તસૂત્ર તેમાં લખેલું આવ્યું. સંધ્યાના જયસચ્ચિદાનંદ. પૂ. દિપકભાઇ આપ પણ ત્રણ વખત સ્વપ્નમાં આવી ગયા છો. |