આજકાલ લોકોને સતત ચિંતા રહે છે કે, “નોકરી જતી રહેશે તો?”, “નોકરીમાં પ્રમોશન નહીં મળે તો?”, “ઘરખર્ચ કઈ રીતે નીકળશે?” કલાકો સુધી કામ કર્યા પછી પણ પૂરતો પગાર ન મળે ત્યારે પૈસાની ચિંતા થાય. આપણે કહે કહે કરીએ કે, “ખોટી ચિંતા ના કરવી, શાંતિ રાખવી.” પણ તેનાથી શાંતિ નથી રહેતી, કારણ કે સાચી સમજણ ખૂટે છે. જો સાચી સમજણ ભેગી થાય અને વખતે હાજર રહે તો કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન થાય અને ચિંતા ઘટે.

લોકો વધુ પૈસા કમાવા પાછળ દોટ મૂકે છે, આખો દિવસ પૈસા કમાવા માટે વૈતરું કરે છે, પણ ઘરમાં પત્ની કે સંતાનોને આપવા માટે સમય નથી હોતો. ઓછી આવક હોય ત્યારે ઘરની વ્યક્તિઓ સાથે સમય વિતાવી શકે, બાળકોને સારા સંસ્કાર આપી શકે, મંદિરે ભગવાનના દર્શન અને ધર્મ કરી શકે, પરિણામે જીવનમાં શાંતિ રહે. જેમ જેમ કમાણી વધે તેમ તેમ કામનો સ્ટ્રેસ વધે અને જીવનમાં શાંતિ ઘટે.
બેંકમાં થોડા રૂપિયા પડ્યા હોય, બે ટંક જમવાનું મળી રહે, કોઈ દેવું ન હોય, પોતાની ને પરિવારની તબિયત સલામત હોય, અબજોની કિંમતના આપણા હાથ-પગ ને આંખો સાબૂત હોય, પછી નાહકની પૈસાની ચિંતા શું કામ કરવી?
પૈસા હોય ત્યાં અંતરશાંતિ હોય જ એવું જરૂરી નથી. ધનવાન વ્યક્તિઓના બહારના ઠાઠમાઠ પાછળ તપાસ કરીએ તો બધા અંદર કોઈ ને કોઈ ચિંતામાં હોય. પૈસાની પથારી કરીને સૂઈ જવાથી વધારે સારી ઊંઘ આવે એવું બનતું નથી.
જેમ રેસકોર્સમાં બધા ઘોડા દોડ દોડ કરે, પણ પહેલો નંબર એકનો જ આવે, બાકીના હાંફી હાંફીને મરી જાય. તેવી જ રીતે દુનિયાના લોકો પૈસા કમાવાની રેસકોર્સમાં હાંફી હાંફીને થાકી જાય છે પણ કશું હાથમાં આવતું નથી. ઊલટું, પૈસા પાછળ પડવાથી ઘરના સંસ્કાર લૂંટાઈ જાય, પોતાનું સ્વાસ્થ્ય બગડે, બ્લડ પ્રેશર વધે ને હાર્ટ ફેઈલ થાય.
જે પૈસા કમાવા પાછળ આખું જીવન કાઢી નાખીએ, એ પૈસા તો અહીં ને અહીં રહી જશે ને આપણે ઊપડી જઈશું! આટલું જો સમજી લઈએ તો ચિંતાનું કોઈ કારણ નહીં રહે!
લક્ષ્મીના કાયદા સમજીએ તો લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મી મુકામ કરે. બાકી, ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય, એને ત્યાં લક્ષ્મીજી જાય. જો ચિંતાથી લક્ષ્મી વધી જતી હોય તો ચિંતા કરવાનો અર્થ છે. પણ ચિંતાથી લક્ષ્મી વધી નથી જતી, તો પછી ચિંતા કરીને ખોટનો વેપાર શા માટે કરવો?
ધંધામાં અડચણ આવે, ખોટ આવે ત્યારે સાચી સમજણથી ઉકેલ આવી શકે અને ચિંતા ન થાય. આપણા ઘરની વ્યક્તિઓ સુખ-દુઃખના ભાગીદાર કહેવાય. તો આપણી દાઢ દુઃખે તો કોઈ અડધું દુઃખ લઈ લે ખરું? ધંધામાં ખોટ આવે તો ઘરના લોકો એમાં ભાગીદાર થાય?
જો કંપનીમાં ખોટ આવે અને આપણને આખી રાત ચિંતા થાય, ઊંઘ ન આવે તો વિચારણા કરવી કે, “આ ખોટમાં અત્યારે કોણ કોણ ચિંતા કરે છે?” જ્યારે નફો થાય ત્યારે ઘરના બધા ભોગવનારા છે. તો ખોટ આવે ત્યારે આપણે એકલા કેમ દુઃખી થઈએ? ધારો કે, ઘરમાં પાંચ વ્યક્તિઓ હોય અને ધંધામાં પાંચ લાખની ખોટ આવી હોય, તો દરેકને ભાગે એક-એક લાખની ચિંતા વહેંચી દેવી અને આપણે એક લાખની જ ચિંતા કરવી જોઈએ ને? આપણે શું કામ પાંચ લાખની ચિંતા માથે લઈને ફરવી? આમ એનાલિસિસ કરીને સમજીને અનુભવનું તારણ કાઢવું, જેથી કોઈ પ્રસંગ આપણને ચિંતાજનક નહીં રહે.અંદર હિંમત રાખવી કે નાણાકીય પરિસ્થિતિમાં ચઢ-ઊતર તો થયા કરે. ધંધો છે તો ક્યારેક નફો આવે તો ક્યારેક ખોટ પણ આવે, આપણે પહોંચી વળીશું! આવા વિચારોથી અંદર ધબકારા વધી ના જાય, હાર્ટ બેસી ના જાય. એનાલિસીસ કરીને પછી અનુભવનું તારણ કાઢી અને એ દુઃખથી મુક્ત કાયમ માટે થઈ જઈએ, પછી ફરી એવો પ્રસંગ આવે તો એ આપણને દુઃખદાયી ના થઈ શકે.
આપણે કોઈને રૂપિયા આપ્યા હોય અને તે પાછા ન આવે તો આપણી કુલ મિલકતમાંથી એટલા રૂપિયા બાદ કરી દેવા. ધારો કે, કોઈને પાંચ લાખનો માલ આપ્યો હોય અથવા વ્યાજે પૈસા આપ્યા હોય અને તે પૈસા પાછા ન આપે, તો બહાર પાછા મેળવવાના સ્વાભાવિક બધા પ્રયત્નો કરવા. પણ અંદરખાને આપણી એક કરોડની મિલકત હોય તો તેમાંથી પાંચ લાખ બાદ કરીને પંચાણું લાખની કરી દેવી. તેનાથી શાંતિ રહેશે.
ખોટ જાય ત્યારે ઘરમાં પત્નીને પૂછીએ તો કહેશે કે, “બળ્યું, આપણા કર્યા હશે તે નહીં આવવાના હોય તો નહીં આવે.” ધંધામાં ભાગીદાર હોય તેને પૂછીએ તો કહેશે કે “ગયા માટે આપણા નથી.” છતાં આપણે કહીએ કે “આ લોકોને સમજણ નથી પડતી.” અને ચિંતા માથે લઈને ફર્યા કરીએ. ખરેખર તો જે સમજણથી આપણું દુઃખ મટે, ચિંતા ઘટે તે સમજણ સાચી છે. કેટલાક લોકો, ઘરમાં નોકરથી પાંચ હજારની ક્રોકરીનો સેટ ફૂટી જાય તો નોકર સાથે કકળાટ કરી મૂકે કે, “ધ્યાન નથી રાખતા, કેટલો મોંઘો સેટ હતો, નુકસાન કરી નાખ્યું. પગાર કાપી લઈશું.” એન બદલે આપણી કુલ રકમમાંથી એટલું બાદ કરી નાખીએ તો કકળાટ નહીં થાય.
એક ફેક્ટરી બંધ થઈ જાય તો લોકો રડવા બેસે કે હું ખલાસ થઈ ગયો. પછી તપાસ કરીએ તો ખબર પડે કે બીજી ફેક્ટરી બરાબર ચાલે છે ને એમાંથી દર મહિને ત્રણ લાખની આવક મળે છે. પણ પહેલા મહિને વીસ લાખની આવક હતી, તેમાંથી ત્રણ લાખની થઈ, એટલે સત્તર લાખની ખોટ ગઈ એમ કરીને કાણ માંડે. ત્યારે જો વીસમાંથી સત્તરની ખોટ બાદ કરી દઈએ તો, ત્રણ લાખની કમાણી થઈ એમ રાહત રહે, ચિંતા ન થાય. પૈસાની એક ખોટ ગઈ હોય, તેમાં ચિંતા કરીને બીજી ખોટ ખાવાને બદલે જેટલા રૂપિયાની ખોટ ગઈ તેટલાની બાદબાકી કરીને ઊંચે મૂકી દેવું અને નિરાંતે રહેવું.
આપણે કોઈના રૂપિયા ઉછીના લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રાખવો. ભાવ ચોખ્ખો હશે તો એ રૂપિયા આપણાથી અપાશે. પછી એના માટે ચિંતા નહીં કરવાની. “આજે મારી પાસે બધા રૂપિયા હોય, તો આજે જ આપી દઉં!” એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ રાખવાનું કે ક્યારે વહેલામાં વહેલી તકે રૂપિયા પાછા અપાય.

કુદરતનો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે આપણો ભાવ ના બગડવો જોઈએ, તો જરૂર એક દિવસ આપણી પાસે રૂપિયા આવશે ને દેવું ચૂકવાશે! “નહીં આપું, શું કરી લેશો?” એ દ્વેષ છે, તેનાથી ભયંકર વેર બંધાય અને ભવોભવ રખડાવે.
છેવટે, ગમે તેટલા રૂપિયા હશે પણ રૂપિયા કંઈ જોડે નહીં આવે. જ્યાં જ્યાં આપણે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ આપણી સાથે આવશે. ખરેખર, દેવું પૈસાનું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. એટલે જ્યાં ન અપાય ત્યાં ભાવ ચોખ્ખા રાખવા.
આપણા ઘરમાં માટીની નાની માટલી હોય ને કોઈ બાળક રમવામાં તેને ફોડી નાખે તો આપણને ક્લેશ નથી થતો. પણ વધારે કિંમતી કાચનો સેટ કે મોંઘો શો-પીસ તૂટી જાય તો ક્લેશ થઈ જાય કે, “આ બાળકોને સાચવતા નથી, ઘરમાં નુકસાન કરે છે!” કારણ કે, માટલી કરતાં કાચની કિંમત વધારે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો વસ્તુ ફૂટી જવી એ ઉદયકર્મને આધીન છે, પણ ક્લેશ થવો એ ઉદયકર્મને આધીન નથી. એ માનસિક છે અને આપણી અણસમજણને આધારે થાય છે.
એક વ્યક્તિને બે હજાર રૂપિયાનું નુકસાન થાય તો ચિંતા ને ઉપાધિ થઈ જાય. જ્યારે બીજી એવી જ પરિસ્થિતિ ધરાવતી વ્યક્તિને બે હજાર જાય તો પણ સમાધાન રહે કે મારો કર્મનો હિસાબ હશે તેમ થયું. એટલે પરિસ્થિતિ સરખી હોવા છતાં સાચી સમજણ હાજર રહી તો ક્લેશ ઘટી શકે.
ધારો કે, કોઈના ગોડાઉનમાં આગ લાગે ને બધો માલ બળી જાય, ત્યારે કેટલાક લોકો શાંત રહી શકે, જ્યારે કેટલાક લોકો બહાર પણ સળગે ને અંદર પણ સળગે. હવે બંને પરિસ્થિતિમાં માથા ફોડીને મરી જઈશું તોય કોઈ ફેરફાર થવાનો નથી. દાગીના ચોરાઈ ગયા હોય ને રડ રડ કરીએ કે, “ક્યારે મળશે?” તો તેનાથી દાગીના પાછા નથી મળી જવાના. બહુ ત્યારે આપણે પોલીસ કેસ કરીએ ને બધી તપાસ કરાવીએ. પણ અંદરખાને સમજીએ કે આપણે જતા રહ્યા હોઈશું ને ત્યારે પાછા મળશે તો કોઈ અર્થ ખરો? આવશે તોય આપણે આવતે ભવ સાથે લઈ જઈ શકીશું?
એટલે જે પરિસ્થિતિનો કોઈ ઉપાય નથી ત્યાં દુઃખી થઈએ કે દુઃખ આપી દઈને અવળા કર્મો બાંધીએ એના કરતા શાંતિથી ભગવાનનું નામ લઈએ તો ચિંતા તો બંધ થાય ને રાત્રે ઊંઘ આવે. તે વખતે એવી સમજણ હાજર રાખીએ કે “મારું હતું તે રહ્યું, મારું નહોતું તે ગયું” અથવા “ભગવાનને ગમ્યું તે ખરું” તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ અંદર શાંતિ રહી શકે.
A. જીવનમાં મનુષ્યને ઘણા પ્રકારની ચિંતા હોય છે. જેમ કે, નોકરીનું ઠેકાણું નહીં પડે તો શું થશે? ઘરમાં... Read More
Q. લોકો ચિંતા શા માટે કરે છે? તેની પાછળનું મનોવિજ્ઞાન
A. આ કળિયુગમાં દુષમકાળની વિપરીત અસરને કારણે તેમજ સાચી સમજણના અભાવે લોકો સતત ચિંતા કે ટેન્શનથી દુઃખી... Read More
Q. સ્ટ્રેસ મેનેજમેન્ટ : તે શા માટે જરૂરી છે?
A. ઘણા લોકો એમ માને છે કે ચિંતા કરવી એ તો માણસનો સ્વભાવ છે, એટલે ચિંતા એક કે બીજા સ્વરૂપે થતી જ હોય.... Read More
Q. ચિંતાથી મુક્ત જીવન કઈ રીતે જીવાય?
A. કળિયુગ એટલે કળ વળે નહીં એવો યુગ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરંતર ચાલુ જ હોય તેવા આ કાળમાં ચિંતા... Read More
Q. કરિયર અને અને નોકરીની અનિશ્ચિતતા વખતે વખતે ચિંતામાંથી મુક્તિ કેવી રીતે મેળવવી?
A. આજકાલ લોકોને ભણવાથી લઈને, નોકરી મેળવવા માટે, નોકરી સાચવવા માટે કે ધંધો વધારવા માટે એમ કારકિર્દીના... Read More
Q. "લોકો મારા વિશે શું વિચારશે?" – આ ચિંતા અને ડરથી કઈ રીતે છૂટવું?
A. “લોકો મારા વિશે શું વિચારશે?” એ આજકાલ બહુ સામાન્ય વસ્તુ છે. મોટેભાગે જોવા જઈએ તો લોકોને પડી જ નથી... Read More
Q. "હું બધું જ ખોઈ બેસીશ" – એ ડર પાછળનું કારણ અને તેમાંથી નીકળવાના ઉપાય શું છે?
A. આપણે જેને પોતાનું સર્વસ્વ માન્યું હોય તેમાં નુકસાન થાય એટલે બધું ગુમાવી બેસવાનો ભય ઊભો થાય. ધારો... Read More
Q. આપણા કાબૂ બહારની પરિસ્થિતિમાં ચિંતામુક્ત કેવી રીતે રહેવું?
A. ચિંતા એ એક પરિણામ છે, પરસત્તાને પોતાના હાથમાં લીધી તેનું. પરસત્તા એટલે જે વસ્તુ આપણા કાબૂની બહાર... Read More
subscribe your email for our latest news and events
