આહારમાં વિવેક

સંપાદકીય

સૃષ્ટિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો 'જીવો જીવસ્ય જીવનમ્' ઉક્તિ અનુસાર જીવન જીવી રહ્યા છે. જીવન નિર્વાહ માટે આહાર અનિવાર્ય છે. જીવોનો ખોરાક જ જીવ છે. જીવ વગરની કોઈ વસ્તુ ખવાય નહીં. જીવવાળી જ વસ્તુ ખાવી પડે અને તેનાથી જ શરીરને પોષણ મળે.

જીવનનિર્વાહ માટે આહારનિયમ અંગે સમાજમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તતા હોય છે. એમાં સાચંુ શું ? સારંુ શું ? એની યોગ્ય સમજના અભાવે અનેક લોકોને મૂંઝવણ ઊભી થતી હોય છે કે હકીકતમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. કારણ કે આહાર એ જ સંહાર છે. અને સંહાર કરીને આહાર લેવામાં આવે તો એમાં જીવહિંસા સમાયેલી છે, તો ધર્મ કે અધ્યાત્મના રસ્તે ચાલનારાઓએ શંુ કરવું જોઈએ ?

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને અધ્યાત્મ વિજ્ઞાનની દ્ષ્ટિએ વાસ્તવિકતાની રજૂઆત કરી ઘણી બધી અણસમજણો દૂર કરી આપી છે કે કયો ને કેવો ખોરાક ખાવો ? ફળાહાર, શાકાહારી ખોરાક કઈ રીતે હિતકારી ? કંદમૂળ ત્યાગ શેના માટે ? રાત્રિભોજન ત્યાગ શાના માટે ? ઊકાળેલંુ પાણી કઈ રીતે હિતકારી ? દૂધ પીવામાં, દહીં ખાવામાં હિંસા ખરી ? ઈંડાં ખાવા, માંસાહાર કઈ રીતે નુકસાનકારી છે એમ અનેક પ્રકારની સાચી સમજ પ્રાપ્ત કરાવી આપી છે. જે મુમુક્ષુને આહારમાં કેવો વિવેક રાખવો તેની સાચી સમજ બક્ષશે.

જેને મોક્ષે જવું છે તેને બે ઈન્દ્રિયો કે તેથી ઉપરના જીવોનો આહારનો અધિકાર નથી. એકેન્દ્રિય જીવોમાં હિંસા તો ખરી પણ તેમાં લોહી, માંસ, પરંુ નથી એટલે ભગવાને એકેન્દ્રિય જીવો ખાવાની છૂટ આપેલી છે. મનુષ્યના લાભમાંથી તેઓને લાભ મળે છે અને કુદરતના નિયમના આધારે તેઓની ઊર્ધ્વગતિ થાય છે.

હકીકતમાં તો આખંુ જગત નર્યા જીવડાંઓથી જ છે. વનસ્પતિકાય, વાયુકાય, જલકાય, તેઉકાય, પૃથ્વીકાય જીવો એવાં અસંખ્ય જીવોની હિંસા થઈ રહી છે તો શું કરવું ? એટલે ભગવાને કહ્યું, ત્રસ જીવોને સાચવો. અને એથીય આગળ આપણે શરણે આવેલા પ્રાણીઓને-મનુષ્યોને ત્રાસ ના આપશો, દુઃખ ના આપશો.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે જે દેહે જ્ઞાની પુરુષ ઓળખ્યા એને મિત્ર સમાન માનજો. શરીર તો એનંુ બધું લઇને આવેલંુ છે. તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. હવે તમે આત્મસાધનામાં પૂરાં પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. આ જ્ઞાન થકી આટલી બધી જંજાળોમાંય મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, 'સત્સુખ'ને પામે. મહાત્માઓ આ આહાર સંબંધી વિજ્ઞાન સમજી આત્મસાધનાના સાચા પુરુષાર્થમાં લાગી જાય તે જ અભ્યર્થના.

દીપક દેસાઈ

આહારમાં વિવેક

સંહાર વિના આહાર શક્ય છે ?

પ્રશ્નકર્તા : આહાર વિના જીવન નથી તો સંહાર કર્યા વિના આહાર મળે ખરો ?

દાદાશ્રી : આહાર એ જ સંહાર છે. જે તું આહાર કરે છેને એ જ સંહાર છે.

પ્રશ્નકર્તા : તો સંહાર કરવામાં બીજા જીવને કિંચિત્માત્ર દુઃખ થાય ખરંુ ?

દાદાશ્રી : દુઃખ તો થાયને.

પ્રશ્નકર્તા : તો સંહાર કર્યા વિના આપણું ભરણ-પોષણ કેવી રીતે થાય ?

દાદાશ્રી : ના થાય. એટલે ભગવાને સંહાર કરવાની છૂટ આપી છે. આપણા જીવન જીવવા પૂરતું ખોરાક સંહારનો ગુનો નથી. કોઇ પણ માણસને આપણા લીધે સહેજ પણ ત્રાસ કે સહેજ પણ અડચણ ન ઉત્પન્ન થાય એ જ આત્મધર્મ છે. કોઇ પણ જીવને, ફર્સ્ટ પ્રેફરન્સ જોવા જાય તો માણસ, સેકન્ડ પ્રેફરન્સ પાંચ ઇન્દ્રિય જીવો, પછી થર્ડ પ્રેફરન્સ ત્રણ ઇન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય જીવ અને ચોથો પ્રેફરન્સ આ ઝાડ-પાન વગર કામના ખેંચ-ખેંચ કરીએ, તોડ-તોડ કરીએ. એટલે આવા પ્રેફરન્સ (મહત્ત્વ) આપવા જોઇએ.

રક્ષો ત્રસ જીવોને

પ્રશ્નકર્તા : બધામાં જીવ છે, વનસ્પતિમાં પણ જીવ છે, ઇંડાંમાં પણ જીવ છે તો પછી ખાવા-પીવાની બાબતમાં સંસારી માણસને ક્યાં સુધી વિવેક રાખવા માટે તમે સજેસ્ટ (સૂચન) કરો છો ?

દાદાશ્રી : જે ખોરાક ખઇએ એ, જે જીવ આપણાથી ત્રાસ ના પામે તે ખોરાક, તે જીવની હિંસા કરવી આપણે. ખોરાક ખાવામાં ગમે તે હિંસા કરવી હોય તો એટલા જીવોની કરવી, ત્રાસ ના પામતા હોય એટલે આ કીડીને હાથ લગાડીએ, તો ત્રાસ પામે કે ના પામે ? ત્રાસ પામનારા જીવોને અડશો નહીં અને મારશો નહીં. ફક્ત આ ઘઉં છે, બાજરી છે, ચોખા છે એ બધા ત્રાસ પામતા નથી, એ બેભાન અવસ્થામાં છે, એટલે તમે બાફવાનું કહો તો એ નાસી જાય નહીં. તમે આને દાટવા માંડો તોય કશું થાય નહીં. એ તમને છોડશે.

આ બધી જાતનાં અનાજ છે, બધી જાતનાં વેજિટેબલ્સ (શાકભાજી) છે, તમે ફાવે એવું ખાવને નિરાંતે. ઘણું સ્વાદિષ્ટ બનાવી શકાય એવું છે અને વેજીટેબલ ફૂડ તો બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે.

ખોરાકનો સમજશક્તિ સાથે સંબંધ

સહુથી સારામાં સારંુ ફળાહારી જીવન હોય. ફળાહારી, ફળો (ફ્રૂટ્સ) ઉપર માણસ જીવતો હોય તો એની સમજવાની શક્તિ બહુ જ જબરજસ્ત હોય અને ફ્રૂટ પર ન રહી શકતો હોય અને અનાજ ખાતો હોય, પ્યૉર વેજીટેરિયન (શુદ્ધ શાકાહારી) હોય, ઇંડા ના ખાતો હોય, બટાકા ના ખાતો હોય તો એની સમજશક્તિ પણ બીજા લોકો કરતાં બહુ જ ઉત્તમ પ્રકારની હોય. પછી બટાકા ખાતો હોય અને એવું તેવું બધું ખાતો હોય, તે સમજશક્તિ ઘટતી જાય પછી. ઇંડા ખાતો હોય તોય બીજા માંસાહારી લોકો કરતાં સારી હોય અને પછી માંસાહારવાળાનો વારો આવે, અને પછી માણસનું, મનુષ્યનું માંસ ખાય, છેલ્લા આ પ્રકારના. આ જીવોના ખોરાક બધા એટલે મનુષ્યનું છેલ્લે. મનુષ્યનું માંસ ખાય એ ખરાબમાં ખરાબ. એ જાનવર જ કહેવાય અને જે જાનવરોનું માંસ ખાય તે હાફ (અરધો) જાનવર કહેવાય. પાશવતા, મનુષ્ય છે પણ પાશવી છે.

ભોજનના ભાંગા, આવરણ તોડવા

પ્રશ્નકર્તા : આપણા શાસ્ત્રોમાં અમુક ખોરાક ખાવાના કેમ નિષેધ કરેલ છે ?

દાદાશ્રી : ખોરાકના જે જુદા જુદા પ્રકાર છે તેમાં મનુષ્યને અત્યંત અહિતકારી ખોરાક, જેનાથી આગળ બીજું વધારે અહિતકારી ના હોય એવું છેલ્લામાં છેલ્લી પ્રકારનું અહિતકારી તે મનુષ્યનું માંસ ખાવું તે છે. હવે એનાથી સારંુ કયું ? જે જાનવરની ઓલાદ વધતી હોય તે જાનવરનું માંસ ખાવું તે સારંુ. એટલે આ મરઘાં, બતકાં, એમની ઓલાદ બહુ વધે. આ ગાયો, ભેંસોની ઓલાદ ઓછી વધે. આ માછલાંની ઓલાદ બહુ વધે. તો આ માંસ ખાવુંયે નુકસાનકારક છે. એને બદલે તું ઇંડા ખા, માંસ ના ખાઇશ તું. હવે એનીયે આગળ વધવું છે, તો એને કહું કે, 'તું કંદમૂળ ખાજે.' એથી આગળ વધવું હોય તો એને અમે કહીએ, 'આ કંદમૂળ સિવાય દાળભાત, રોટલી, લાડવા, ઘી, ગોળ બધું ખા.' અને એનાથી વધવું હોય તો આપણે કહીએ કે, 'આ છ વીગઇ છે. ગોળ, ઘી, મધ, દહીં, માખણ ને એ બધું બંધ કર ને આ દાળ-ભાત રોટલી-શાક ખા.' પછી આગળ આ કશું રહેતું નથી.

આ પ્રમાણે ખોરાકનાં ભાંગા (પ્રકાર) છે. એમાં જેને જે ભાંગા પસંદ પડે તે લે. આ રીતે ખોરાકનું વર્ણન છે. અને આ વર્ણન જાણવા માટે છે, કરવા માટે નથી. આ ભાંગા શેને માટે ભગવાને પાડ્યા છે કે આવરણ તૂટે એટલા માટે. આ રસ્તે ચાલે તો મહીં આવરણ તૂટતા જાય. એટલે ભગવાને આ રસ્તો બતાડ્યો છે બધો. ભગવાને એવું કહ્યું નથી કે આ બધું લોકેે ઝાલવાનું જ છે. વસ્તુ ખોટી છે એ તો આપણે જાણવી જ જોઇએ.

જીવો ક્યાં છે ? ક્યાં નથી ?

આ બધા તમે દાણા જે ખાવ છોને, ઘઉં, બાજરી એ બધાં જીવડાં (જીવ) છે. એને જ્યારે જમીનમાં નાખીએ અને પાણી મળે એટલે તરત ઊગી નીકળે. એ બધી જીવાત છે. હવે આ ચોખા એ જીવાત નથી. આ ઊગે નહીં તેથી એ જીવાત નથી, પણ આ બીજું બધું જીવાતો છે. છતાં ભગવાને જ કહેલું કે આ જ ખાવાનું છે.

પ્રશ્નકર્તા : એ ઘઉં જ્યારે છોડ ઉપર હોય ત્યારે એમાં જીવ હોયને ?

દાદાશ્રી : હા, અને અત્યારેય હોય. એ ઘઉંને વાવીએ તો ઊગે. પણ એ ઘઉં ચાર-પાંચ વર્ષના થાય પછી જીવ ના હોય. પછી એને વાવીએ તોય ના ઊગે.

પ્રશ્નકર્તા : દરેક બીજમાં આત્મા જુદો હોય ને ?

દાદાશ્રી : હા, જુદો હોય.

પ્રશ્નકર્તા : અને આ ઝાડ જે ફળ આપે છે એ દરેક ફળમાં જુદો આત્મા હોય ?

દાદાશ્રી : ફળમાં આત્મા નથી. એ ફળમાં જે બીજ હોય તે બીજની મહીં આત્મા છે. ફળનો વાંધો નથી. ભગવાને ફળ ખાવાનું કહ્યું છે, પણ બીજને ના છંછેડશો. કેરી ઉપરનો બધો ગર ખાઇ લો, પણ ગોટલાને ભાંગી ના નાખશો.

અજીવ ખવાય જ નહીં

પ્રશ્નકર્તા : તો ફ્રુટ્સ (ફળો) ખવાય ?

દાદાશ્રી : ફ્રુટ્સ તો ખવાય બધાં. ફ્રુટ્સમાં તો બેમત જ ના હોયને ! ફ્રુટ્સ તો ઊંચામાં ઊંચી વસ્તુ. એમાં કોઇથી હાથ ઘલાય જ નહિ ને ! આ તો જ્યાં હાથ ઘલાય એવું હોય ત્યાં હાથ ઘાલેલો.

પ્રશ્નકર્તા : એટલે તમારો કહેવાનો અર્થ એમ કે આ ફળમાં પણ જીવ છે ?

દાદાશ્રી : એ બધામાં છે. હા, એને એક જ ઇન્દ્રિય હોય છે. જે ખવાય છે એ બધા જીવ છે. જીવ વગરની અજીવ વસ્તુ કોઇ ખાઇ શકાય નહીં. જાનવરેય અજીવ ના ખાય. ગાય-ભેંસ કોઇ અજીવ ના ખાય.

પ્રશ્નકર્તા : માણસોએ પછી કશું ખાવું જ ના જોઇએ, ખવાય જ નહીં કશું ?

દાદાશ્રી : ખાવું જોઇએ પણ ખાવાનો વિવેક રાખ્યો છે કે ભઇ જે એક-એક ઇન્દ્રિયના જીવ છે એ, અને જે આમ હાલતાં-ચાલતાં નથી, ત્રાસ પામતાં નથી, તે તમે ખાજો, કહે છે. એમાં ફાયદો શો થાય કે તમે ઘઉં, બાજરી, ચોખા બધું દળી કરીને ખાધું અને સારી રસોઇ કરીને ખાધી તો એ જીવો જે મરી ગયા તેનું શું ? તો કહે, એને આ ખઇને તમે જે કાંઇ ભગવાન તરફનો અધ્યાત્મ માર્ગ કરો તેનાથી તમને પચાસ રૂપિયા નફો મળ્યો. તે દસ રૂપિયા એને જાય અને ચાલીસ રૂપિયા તમારે રહે, એટલે જે જીવો મરી ગયાને તેને દસ રૂપિયા મળે. એ એમની ગતિ ઊંચી જાય. એટલે આ બધો ગોઠવાયેલો ક્રમ છે.

ખવાય એકેન્દ્રિય જીવ જ

પ્રશ્નકર્તા : ડાંગરનો છોડ છે એમાં આત્મા રહેલો છે અને આપણામાં આત્મા રહેલો છે, તો આપણે બધા અનાજ ખાઇએ છીએ, શું એ પાપ નથી કરી રહ્યાં ?

દાદાશ્રી : એવું છેને, આપણને કયું અનાજ ખાવાનો અધિકાર છે ? જે ઘઉં હોય તેને આપણે કહીએ કે 'આ ઘઉંને બાફો.' તો એ નાસી ના જાય. તો એને ખાવું. એમાંય જીવો છે. પણ એ નાસી ના જાય. એટલે એને ભડકાટ નથી, એને દુઃખ નથી લાગતું, એને સમજણ પડતી નથી, બેભાનપણે છે એ. એટલે બાજરી-ઘઉં-ચોખા બધું ખાજો અને પેલું મરઘી ને એ બધું ના ખાશો.

આ કીડીને અડીએ તો એ જતી રહે કે ના જતી રહે ?

પ્રશ્નકર્તા : જતી રહે.

દાદાશ્રી : તો એને ના મરાય. જે ત્રાસે આપણાથી, જે જતું રહે, આપણાથી ભડકે, તરફડે, એને મરાય નહીં.

એટલે આપણને ઘઉં, ચોખા, દૂધી, આ શાકભાજી એ બધું ખાવાનો અધિકાર છે, કારણ કે એકેન્દ્રિય જીવ છે. આ એકેન્દ્રિય જીવો ખાવાની છૂટ આપી છે. પછી દળીને ખાવ, ભૈડીને ખાવ, તમને ફાવે એવું પીસીને ખાવ. પણ એ તમારી મહેનત જશે એમાં. પણ એ છૂટ આપી છે. એટલે આ એકેન્દ્રિય જીવો ઉપર તો જીવવાનું છે.

ખાવાનું પોષણ પૂરતું જ

આ આંબા, લીમડા, કેરીઓ બધાં છે તે ત્રાસ પામતા નથી. માટે તમે ખાવ, જેટલું ખવાય એટલું ખાવ. પછી આ દૂધીઓ હોય છે, તેને કાપવા માંડીએ તો નાસી જાય ? ના. એટલે એકેન્દ્રિય જીવો ખાવાને માટે વાંધો નથી. પણ એનો બગાડ ન કરવો જોઇએ. પોષણ પૂરતું જ જોઇએ. એને પછી શોખની ખાતર બે-ચાર જાતની ભાજીઓ, બે-ચાર જાતની ચટણીઓ, એ બધો શોખ નહીં કરવો જોઇએ. જે પેટને પોષણ થાય એટલો જ નિયમ રાખવો જોઇએ. તો કંઇ બાધક નથી.

જેટલાં બીયાં તેટલા જીવો

પ્રશ્નકર્તા : એવી રીતે નાના-નાના જીવો રીંગણાં, દૂધી એ બધામાં તો હોય જ ને ?

દાદાશ્રી : ના, એમાં નથી. દૂધી તેમાં એક જ જીવ છે. પછી બીયાં તમારે કાઢી નાખવાના. જેટલાં બીયાં તેટલા જીવો હોય છે, તે બીયાં તમારે કાઢી નાખવાના. ના કાઢી નાખો તો બહુ ત્યારે પાંચ-પચાસ બીયાં ખાઇ જાવ. પાંચ-પચાસનો બહુ હિસાબ નહીં. પણ આવડા એક બટાકામાં તો લાખ ઉપરાંત જીવો હશે.

આવડું મોટું કોળું હોય તેમાંથી બી કાઢી લીધાં ને બીનો દુરુપયોગ ના કર્યો તો કોળામાં એક જ જીવ છે. બટાકાના જેવું જ સ્વાદવાળું થાય છે, આ કાચા કેળાનું શાક ખાવને. જૈનો કાચા કેળાનું શાક ખાય છે, એમનેય સ્વાદ તો જોઇએને !

એમાં ન ઊંડા ઊતરાય

પ્રશ્નકર્તા : આપણે જે શાક ખઇએ છીએ તે રીંગણાં, ભીંડાં એમાં કેટલાં બધાં બી સહિત આવી જાય છે !

દાદાશ્રી : એ બધું જોવાનું નહીં. એની ચિંતા બિલકુલ કરવી જ નહીં.

પ્રશ્નકર્તા : આ ફણગાવેલા મગ-મઠ છે એ ખાય તો પાપ વધારે લાગે ?

દાદાશ્રી : એ વધારે ખાવા. કોઇ કહે કે, 'પાપ લાગે છે', તોય તમારે વધારે ખાવા. કારણ કે શરીરને વિટામિન આપે એવી ચીજ આ કાળમાં બહુ ઓછી છે. એટલે આપણે કહીએ, 'અમે આ કાળના આધારે ખાઇશું. અમે તમારી વાત માનવા તૈયાર નથી.' અને એ મગ-મઠ ક્યાં આમ ત્રાસ પામે છે ?

અને આ ચણાંય નિરાંતે બાફીને ખાજો ને ત્યારે કોઇ કહે, 'સાહેબ, ચણા ઉકાળે તો એ જીવ મરી જાયને ! અને એના કરતાં વાલ મોટા એટલે જીવ ઓછા થાય ને !' અલ્યા ખાજેને ! દોઢડાહ્યો શું કામ થાય છે ? ખાજેને ! આ તો અહીં હિસાબ માંડે કે આ દાણો નાનો તો આમાં જીવ વધારે અને આ દાણો મોટો તો જીવ ઓછો. ભગવાને તો ત્રસ જીવને માટે બધું કહ્યું છે. એકેન્દ્રિય જીવ માટે ભગવાને કહ્યું જ નથી. ભગવાન મૌન રહ્યા છે. જે જીવોમાં માંસ, પરુ છે નહીં, તે જીવોમાં તું બહુ ઊંડો ઊતરીશ નહીં.

ન ખવાય ત્રસ જીવો

હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો ગાય, ભેંસ, મરઘાં, બકરાં એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે, મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરના જીવોને સાચવવાનું.

બે ઇન્દ્રિયથી આગળનાં બધા જીવો ત્રસ જીવો કહેવાય. ત્રસ એટલે ત્રાસ પામી જાય ! આખું જગત ત્રાસ સ્વરૂપ છે. આમ હાથ અડાડીએ તો ત્રાસી જાય, એને દુઃખ થાય, વેદના થાય. બે ઇન્દ્રિયથી ઉપરના બધા જીવો આપણાથી ત્રાસ પામે છે. આપણે અડવા જઇએ કે એને ભય લાગે, અડ્યા તો ભયમાં ને ભયમાં રહે છે. ફક્ત એકેન્દ્રિય જીવ આહારમાં હરકત નથી કરતા. આ ઘઉં, ચોખાને ભય લાગતો નથી. કારણ કે એ એકેન્દ્રિયનું એને ભાન નથી. ભય લાગે એટલે સુધી એનું ડેવલપમેન્ટ નથી થયું.

ઊંચામાં ઊંચો આહાર કયો ?

આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી. એટલે બે ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયવાળા જીવોની જવાબદારી આપણે ના કરવી જોઇએ. કારણ કે જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર છે. એટલું માણસનું પુણ્ય વપરાઇ જાયને !

આપણું ભોજન જ એકેન્દ્રિય જીવો

માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી. અને એ જીવહિંસાની ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું જે ભોજન છે એ એકેન્દ્રિય જીવો જ છે. એમનું ભોજન આપણે કરીએ તો એ ભોજ્ય અને આપણે ભોક્તા છીએ ને ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે, કારણ કે તમે મહાન સિલ્લકવાળા છો ને તમે એ જીવોનો નાશ કરો છો. પણ એ જીવ ખાઇએ છીએ તેમાં એ જીવોને શો ફાયદો ? અને એ જીવોનો ખાવાથી નાશ તો થાય છે જ, પણ એવું છે, આ ખોરાક ખાધો એટલે તમને દંડ પડે છે. એટલે નેવું તમારી પાસે રહે છે અને તમારી કમાણીમાંથી દશ એમને મળવાથી એમની ઊર્ધ્વગતિ થાય છે. માટે આ તો કુદરતના નિયમના આધારે જ ઊર્ધ્વગતિ થાય છે. એ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે આ ક્રમે-ક્રમે વધતું જ ચાલી રહ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઉઠાવે છે. એમ હિસાબ બધો ચૂકતે થયા કરે છે. આ બધું સાયન્સ લોકોને સમજાય નહીંને !

ભગવાને કહ્યું હતું કે એકેન્દ્રિયમાં હાથ ના ઘાલશો. એકેન્દ્રિય જીવોમાં તમે હાથ ઘાલશો તો તમે ઇગોઇઝમવાળા છો, અહંકારી છો. એકેન્દ્રિય ત્રસજીવો નથી, માટે એકેન્દ્રિય જીવો માટે તમે કશો વિકલ્પ કરશો નહીં. કારણ કે આ તો વ્યવહાર જ છે. ખાવું-પીવું પડશે, બધું કરવું પડશે.

બાકી, જગત બધું જીવડું જ છે. એકેન્દ્રિય જીવનું તો બધું આ જીવન જ છે. જીવ વગર તો આ દુનિયામાં કોઇ વસ્તુ જ નથી અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. એટલે જીવવાળી વસ્તુ જ ખાવી પડે. તેનાથી જ શરીરનું પોષણ રહે છે અને એકેન્દ્રિય જીવ છે એટલે લોહી, પરુ, માંસ નથી, એટલે એકેન્દ્રિય જીવો તમને ખાવાની છૂટ આપી છે. આમાં તો એટલી બધી ચિંતાઓ કરવા જાય તો ક્યારે પાર આવે ? એ જીવની ચિંતા કરવાની જ નથી. ચિંતા કરવાની હતી તે રહી ગઇ અને ના કરવાની ચિંતા ઝાલી પડ્યા છે. આ ઝીણી હિંસાની તો ચિંતા કરવાની જરૂર જ નથી. ઝીણી હિંસા માટે ભગવાને એવું નથી કહ્યું.

પર્યુષણમાં લીલોતરીનો બાધ

પ્રશ્નકર્તા : પર્યુષણના આઠ દિવસ લીલોતરી ખાય કે ન ખાય એમાં કંઇ ફરક પડે ?

દાદાશ્રી : લીલોતરી તો એવું છેને, લીલોતરી પર જીવો બેસે એ જીવાત શરીરમાં જાય, શરીરને નુકસાન કરે છે અને શરીરને નુકસાન થાય એટલે ધર્મ થાય નહીં અને દોષ બેસે પાછો, જીવાતની હિંસાનો દોષ તો બેસેને ! શરીરને નુકસાન થાય ને દોષ બન્ને જોડે થાય.

પરમાણુની અસર કેવી ?

પ્રશ્નકર્તા : ડુંગળી, લસણ એ બધું કેમ નહીં ખાવું ?

દાદાશ્રી : એ તો ભગવાન મહાવીરની શોધખોળ જુદી છે. કાંદા, લસણ નહીં ખાવાનું એ આ વૈષ્ણવધર્મ અને સ્વામીનારાયણ ધર્મનો હેતુ જુદો છે. એ ગંધવાળા છે તેની દુર્ગંધ બહુ ફેલાય છે.

એ તો ભગવાને કાયદા જાણવા માટે સાયન્ટિફિક સાયન્સ બતાવ્યું છે કે, તમારે સંસારમાં જો રહેવું હોય અને સંસારમાં જો તમને પોતાની ઉગ્રતા બહુ ના ગમતી હોય, ક્રોધ ના ગમતો હોય તો આ અમુક વસ્તુઓ, ડુંગળી છે, લસણ છે એવી જે ઇમોશનલ કરનારી વસ્તુઓ ના ખાવ. ડુંગળી છે, લસણ છે, આ ચીજ ના છૂટકેય ના લેવા. કારણ કે એ ડુંગળી, લસણ હિંસક છે. માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય. બીજાં તમારે જે શાક ખાવાં હોય તે ખાજો.

અને સંસારમાં તારે રહેવું છે એટલે તમને જો કદિ અજાગૃતિ રહેતી હોય તો આ શક્કરિયાં છે, બટાકા છે તે કંદમૂળ ના ખાવ.

ભગવાને કહેલું કે આ વસ્તુ હિતકારી નથી. બીજું મળતું હોય તો પછી બટાકાથી પેટ ભરવાને કંઇ કારણ નથી. બટાકાનો, કંદમૂળનો શોખ ના હોવો જોઇએ. વખતે કોઇ કારણસર ખાવું પડે એ વાત જુદી છે પણ શોખ ના હોવો જોઇએ. મહીં પરમાણુ ગયા એટલે અસર થયા કરશે. આ દેહ, બૉડી જ પરમાણુનું બંધાયેલું છે. એટલે ભગવાને કહ્યું કે પરમાણુના બંધાયેલામાં જાગૃતિ રાખજો.

વિજ્ઞાન, કંદમૂળ ત્યાગનું

પ્રશ્નકર્તા : કંદમૂળ ખાય એમાં કંઇ નિષેધ ખરો ?

દાદાશ્રી : બહુ મોટો નિષેધ. રાત્રિભોજન જેટલો નિષેધ નહીં (એથીય વધારે), રાત્રિભોજન સેકન્ડ નંબરે આવે.

પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખાવાનું કેમ કહ્યું ?

દાદાશ્રી : કંદમૂળ તો મગજને જાગૃતિ ના થવા દે એવું છે.

મહાવીર ભગવાનનું શું કહેવું છે ? કંદમૂળ નર્યા જીવનું જ બનેલું છે. માટે ના ખાવ તો સારંુ. તમારંુ મગજ સારંુ રહેશે. મગજ ક્લિયર (સ્વચ્છ) રહેશે. એ તો કહી છૂટે એટલું જ. જ્ઞાન એટલે દેખાડી જોવું કે ધિસ ઇઝ ધી ફેક્ટ (આ વાસ્તવિકતા છે). તમને ઠીક લાગે તે કરજો. આ તીર્થંકરો બધા કહી છૂટે એટલું જ. એમનો આગ્રહ ના હોય.

ઊંધી સમજણે કર્યો ઉપયોગ

આ કંદમૂળનો ત્યાગ શેના માટે છે ? જાગૃતિ થાય. જાગૃતિ થઇ કે બળતરા વધે. આટલી બધી રાણીઓ, આટલું બધું ચક્રવર્તી રાજ્ય, તેમાં બળતરા એમને શેની હશે ? ત્યારે કહે, જાગૃતિ છે એટલે. તમારંુ મન બગડ્યું હોય તે મને ખબર પડી જાય. અને આ ડફોળ બટાકા ખાઇને ફરતા હોય તેને શી ખબર પડે ? એટલે આ કંદમૂળની ભગવાને ના પાડેલી. કંદમૂળ ન ખાવા એ પદ્ધતિસરનું છે. આ લોકોએ કંદમૂળનો ત્યાગ કર્યો. તે ભગવાને કહ્યું કે મોક્ષને માટે કંદમૂળનો ત્યાગ કરવાનો છે. મોક્ષને માટે જાગૃતિ આવે, એટલા માટે કંદમૂળનો ત્યાગ કરવાનો છે. ત્યારે એ જાગૃતિનો ઉપયોગ લોકોએ સંસારમાં કર્યો. બટાકા છોડીને જાગૃતિ આવી ને કેટલાય ચોવિહારવાળા, આખો દહાડો ટોળું જ કચકચનું હોય.

આખો દહાડો કચકચ એની મેળે ચાલ્યા જ કરે. પ્યાલો કેમ ફૂટ્યો ? તારંુ કપાળ ફૂટ્યું, મૂઆ ! ક્યાંથી આટલી બધી જાગૃતિ ? એના કરતાં બટાકા ખા નિરાંતે, ભગવાને કેવો સુંદર રાહ બતાવ્યો છે ! બળતરા ઊભી થવાનો માર્ગ બતાવ્યો છે ?

અનંત જીવો બટાકામાં

પ્રશ્નકર્તા : બટાકામાં અનંત જીવ છે ?

દાદાશ્રી : હા, અનંત કાયજીવો છે.

પ્રશ્નકર્તા : પણ આ બધા જીવો તો એકેન્દ્રિયવાળા જ કહેવાયને, તો પછી બધું જુદું શા માટે ?

દાદાશ્રી : એક ઇન્દ્રિયવાળાની છૂટ છે, એનો અર્થ એવો નહીં કે એક ઇન્દ્રિયવાળા પચ્ચીસ લાખ મારો. નક્કી કરો કે ઓછામાં ઓછા આટલાથી ચાલે એમ છે. એટલે આપણે પેલું બટાકા ઉડાડી દીધા.

જીવહિંસાથી આવરણ

પ્રશ્નકર્તા : જૈનો કાંદા-બટાકા બધું નથી ખાતા, તો એની પાછળ સાયન્ટિફિક રીઝન (કારણ) હોય છે ને ?

દાદાશ્રી : હા, બિલકુલ સાયન્ટિફિક છે.

પ્રશ્નકર્તા : શું કારણ હોય છે ?

દાદાશ્રી : બટાકા છેને, એ બધા જીવોનો જ કંદ છે. એટલે નર્યા જીવો જ છે એ. એ જૈનોનું સાયન્સ શું કહે છે કે એક જીવવાળો વાલ ખાવ અને વાલ જેટલા બટાકામાં લાખો જીવો છે. એ જીવોની હિંસા થાય એટલું મહીં આવરણ રહે.

પ્રશ્નકર્તા : આ જે વર્ણન કર્યું છે કે સોયની અણી ઉપર બટાકાનું એ માપનું એક પીસ (ટુકડો) આવે, તો અનંતા જીવો હોય છે. એ જીવોને....

દાદાશ્રી : એ બધું કોને માટે છે ? જેને બુદ્ધિ વધારવી હોય ને, તેને માટે. એમાં આગ્રહી થાય, તે ક્યારે દહાડો વળે ? અને આ મોક્ષનો માર્ગ નિરાગ્રહી છે, આ જાણવાનું ખરંુ અને બને એટલું ઓછું કરી દેવાનું.

કંદમૂળથી થાય શું નુકસાન ?

પ્રશ્નકર્તા : એ કંદમૂળ ખાવાનો આપ બોધ આપો છો ?

દાદાશ્રી : ભગવાને ના પાડી છે. ભગવાને ના પાડી છે એ તમારી બિલીફમાં રહેવું જ જોઇએ અને તેમ છતાં ખવાય એ તમારા કર્મના ઉદય છે. છતાં તમારી શ્રદ્ધા નહીં બગડવી જોઇએ. ભગવાને જે કહ્યું છે, એ બધી શ્રદ્ધા નહીં બગડવી જોઇએ.

પ્રશ્નકર્તા : આપ બધું ખાવાની હા પાડો છો, પણ જૈન ધર્મ કાંદા, બટાકા ખાવાની, કંદમૂળ ખાવાની ના પાડે છે.

દાદાશ્રી : કંદમૂળ ખાવ કે ના ખાવ, એ તમારે ઇંડાં જેવું નથી. ઇંડાં ના ખાવ, કોઇ કહે કે હું ઇંડું છોડી દઉં કે કંદમૂળ છોડી દઉં તો કહું, ભઇ ઇંડું છોડી દે, કંદમૂળ ખાજે. પછી એ કહેશે, કંદમૂળ છોડી દઉં કે બીજી શાકભાજી છોડી દઉં તો કહું શાકભાજી ખાજે, કંદમૂળ છોડી દે. એ બધી રીત હોય એની.

પ્રશ્નકર્તા : સ્ટેપિંગમાં (ક્રમ પ્રમાણે) છે.

દાદાશ્રી : એની સ્ટેપિંગની રીત હોય, દરેક વસ્તુની. એવું છેને, આ કંદમૂળમાં વધારેમાં વધારે નુકસાનકારક હોય તો બટાકા. વધારેમાં વધારે જૈનપણું લૂંટી લેતું હોય તો બટાકા. તે આપણા લોક શું કહે છે. અલ્યા કેમનું છે ? મારી વાત તો સમજ. તારા મગજમાં શું બટાકા ભર્યા છે ? નહીં કહેતા લોક ? બટાકો ભરાઇ જાય છે પછી. માટે ચેતો ! જરા થોડું ઘણું તો ચેતો ! બને ત્યાં સુધી બટાકા ઓછા ખાજો. ભાવતા હોય કે ના ભાવતા હોય પણ તમે ઓછા ખાજો. બટાકા ઓછામાં ઓછા શરીરમાં જાય એવો પ્રયત્ન રાખવાનો.

બટાકા લાવે જાગૃતિ પર આવરણ

બટાકા આમ જોવા જાવ તો બહુ અહિતકારી છે. ગરીબ પ્રજાને માટે કામના છે. પણ જે સાધનસંપન્ન છે, જેમને ખાવા-પીવાનું સુંદર રીતે મળે છે, તેને બટાકાની જરૂરિયાત નથી. પછી મગજમાં પેસી જાય. લોક કહે છેને, શાના મગજમાં બટાકા ભર્યા છે ? કેમ રીંગણાં ભર્યા છે એવું નથી કહેતા ? બટાકાને લીધે બધાના મગજ ક્ષીણ થઇ જાય છે. પછી કશી બરકત જ નથી રહેતી. જાગૃતિ ઓછી થઇ જાય છે. ગરીબોને માટે ખાસ કામનું છે. ભલે એમને ખોરાકનું જ પેલું પ્રોટિન જોઇએ તે એમને પૂરેપુરું મળી રહે છે. એમને માટે ખાસ હેલ્પિંગ છે. પણ શ્રીમંતો જેમને ઘેર જ બધી જાતની સાહ્યબી મળે છે તેમને આ ભાંજગડ શાને માટે ? અને કંદમૂળ ખાય તે લોકોને આપણે કહેવું પડે, 'તારા મગજમાં બટાકા ભરેલા છે, બોલને !' કંદમૂળ ખાવ એટલે આપણું મગજ ડલ થઇ જાય બધું. હવે એને કાઢી નાખવા જેવુંય નથી. એ જે કંદમૂળ છે બટાકા, એ બધું ગરીબ માણસોનો ખોરાક છે. એ બધા ભૂખે મરતાં હોય, તો એટલાથી એમનો ખોરાક નભી શકે એવું છે. એટલે એની પર તિરસ્કાર કરવા જેવું નથી. પણ જેને સારી રીતે બીજો ખોરાક મળતો હોય તેને બંધ કરવા જેવું. બાકી એ ખોરાક છે ગરીબોનો. એમનું પૂર્ણ ભાણું છે એ તો. એનાથી એનું પોષણ થઇ શકે એમ છે.

પ્રશ્નકર્તા : દુનિયાના અડધા લોકો બટાકા ઉપર જ જીવતા હોય છે.

દાદાશ્રી : હા, આ બધા સંતો પેલા હિમાલયમાં જંગલમાં રહે છે તે બધા કંદમૂળ ખાઇને રહેને ! એટલે કંદમૂળ માટે આપણાથી અવળું ના બોલાય. આ તો જેને આ બધું નિયમમાં કંઇકેય રાખવું હોય તેને સમજવાની જરૂર.

કંદમૂળથી આવે જડતા

પ્રશ્નકર્તા : બટાકા ખાવાની ના પાડી તે એકેન્દ્રિય જીવની હાનિ થાય એટલા માટે જ કે બીજું કોઈ કારણ છે ?

દાદાશ્રી : ભગવાનને જીવને માટે પડેલી નહોતી. આ તો બહુ દયાળુ લોકો છેને, તેમને પડેલી છે. બટાકામાં બહુ જીવડાં છે તેટલા હારુ નહીં. આ તો લોકો એવું જાણે કે બટાકાનાં જીવડાનાં રક્ષણ કરવા હારુ નહીં ખાવાના. હવે બટાકા ભાવતા હોય ત્યારે લોકોને એના વગર (બીજું) ભાવતું નથી હોતું. અને એ છોડી દીધું તો શું કરશે ?

પ્રશ્નકર્તા : પણ એવું કહે છે કે બટાકા ખાય તો પાપ લાગે.

દાદાશ્રી : એવું છે, કોઇ જીવને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણીને દુઃખ દેશો, છોકરાને દુઃખ દેશો, પાડોશીને દુઃખ દેશો તો પાપ લાગશે. બાકી બટાકા ખાવામાં કોઇ જગ્યાએ પાપ નથી. પણ તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઇ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે, એ કષાય ઉત્પન્ન થાય. આપણને જાગૃતિની જરૂર છે. એટલે જો કંદમૂળ ઓછાં ખવાય તો સારંુ, પણ તેય ભગવાનની આજ્ઞામાં અવાય ત્યાર પછી જાગૃતિની જરૂર છે અને કંદમૂળ ખાશો તો આ જાગૃતિ મંદ થઇ જાય છે. ને જાગૃતિ મંદ થઇ તો મોક્ષે શી રીતે જઇશ ?

ભગવાનના નિયમો, આગ્રહ વગરના

એટલે ભગવાને આ બધી સાચી વાત કહી છે. આ બધી તમારાથી પળાય તો પાળો ને ના પળાય તો કશો વાંધો નથી. જેટલી પળાય તેટલી પાળો. જો પળાય તો સારી વાત છે.

બાકી જીવ તો ક્યાં નથી ? અને ભગવાને એ હેતુ માટે નથી કહ્યું. ભગવાનને જીવ મરે તેનીય પડેલી નથી. આ ખોરાક જ્ઞાનને બાધક છે. આ જે કંદમૂળ છે તે આવરણને વધારનારંુ છે, માટે ના પાડી છે. બાકી જીવની કંઇ પડી નથી. જીવ તો, નર્યા જીવો જ મરી રહ્યા છે.

આ તો બધું ઊંધું જ બાફી નાખ્યું. એક બાજુ આવું કરે અને એક બાજુ જો કષાય કરે છે ! એટલે ત્રણ રૂપિયા નફો કરે છે ને કરોડ રૂપિયા ખોટ ખાય છે ! હવે આને વેપારી કેમ કહેવાય ? ને આ તો જુઓ, આમ ઠેઠ સુધી ઝાલી બેઠાં છે અને આમ પાર વગરની હિંસા કરે છે ! મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં, તો કષાયની ! કોઇ કહેશે કે, ભઇ, આ જીવ મારે છે અને આ કષાય કરે છે, તે કોને વધારે પાપ લાગે ? તો કષાય એટલા બધા કિંમતી છે કે જીવ મારે તેના કરતાં કષાયમાં વધારે પાપ છે.

એ બધી વાત ભગવાને કહી છેને, એ તમને સમજવા માટે કહ્યું છે. આગ્રહો પકડવાના નથી. તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો.

જુઓ લાભાલાભનો વેપાર

જ્ઞાનીઓ તો શું કહેતા હતા કે લાભાલાભનો વેપાર જુઓ ! શરીરને ડુંગળીથી પચ્ચીસ ટકા ફાયદો થયો અને પાંચ ટકા ડુંગળીને લઇને નુકસાન થયું, એટલે મારે વીસ રહ્યા. એવી રીતે કરતા હતા. જ્યારે આ લોકોએ લાભાલાભનો વેપાર ઉડાડી દીધો છે. અને મારી-ઝુડીને ડુંગળી બંધ કરને, બટાકા બંધ કરને, કહેશે. અલ્યા શા માટે ? બટાકા જોડે તમારે વેર છે કે તમારે ડુંગળી જોડે વેર છે ? અને પેલાને તો જે છોડ્યું હોયને, તે જ યાદ આવ્યા કરે. ભગવાનની પેઠ એ જ યાદ આવ્યા કરે.

વિસરો ના મૂળ વાતને

પ્રશ્નકર્તા : હવે જ્ઞાન પછી આહાર, કંદમૂળ ત્યાગ એ બધાની જરૂર છે કે નહીં ?

દાદાશ્રી : એવું છેને, તાવ આવ્યો હોય તેને દવાની જરૂર છે. 'જરૂરી' સાપેક્ષ વસ્તુ છે. એક જ્ઞાની છે એને તાવ ચઢતો નથી, તેને જરૂર નથી. સંસારીઓને જેને તાવ ચઢ-ઊતર થાય છે તેને આ બધું જરૂર છે.

પ્રશ્નકર્તા : જેમ કે ખાવામાં અભક્ષ્ય કે ભક્ષ્ય એવું કંઇ હોવું જોઇએ ?

દાદાશ્રી : અભક્ષ્ય તો ખવાય જ કેમ કરીને ?

પ્રશ્નકર્તા : કંદમૂળ ખઈ શકાય ? ખાવું કે નહીં ?

દાદાશ્રી : કંદમૂળ ખાવું, એવું તો અમે બોલીએ જ નહીંને પણ ખાતા હોય તેનો અમે તિરસ્કાર કરીએ નહીં.

પ્રશ્નકર્તા : ના ખાવું જોઇએ એવું કહેવાય કે નહીં ?

દાદાશ્રી : કહેવાય પણ છતાં એવો આગ્રહ ના કરાય. અગર ખાતો હોય તેની પર આપણે તિરસ્કાર ના કરાય.

પ્રશ્નકર્તા : સમજાવાય ખરંુ કે શા માટે ના ખાવું જોઇએ ?

દાદાશ્રી : બધી સારી વસ્તુઓ છે. મૂળ તો શું કરવાનું છે ? મૂળ તો આત્મા પ્રાપ્ત કરવાનો છે. જો આત્મા પ્રાપ્ત ના કર્યો તો બધું તારંુ નકામું ગયું. જંગલમાં જઇને પોક મૂકે ! આત્મા પ્રાપ્ત કરવા માટે આ બધું છે.

ટકાવો, ટકે તેને

પ્રશ્નકર્તા : અમે કંદમૂળ ન ખાવાની બાધા લીધી છે. હવે જ્ઞાન લીધા પછી આહારી આહાર કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું કહીને ખાવાનું, એમાં પછી દોષ ના લાગે ?

દાદાશ્રી : બાધા ઊડી ગઇ હોય તો ઊડી ગઇ અને બાધા રહી હોય તો ટકાવવી.

પ્રશ્નકર્તા : પણ ટકાવવી કે નહીં ?

દાદાશ્રી : ટકાવવાની નહીં, એની મેળે જ ટકે તે જાણવાનું. આપણે ટકાવવાની ઇચ્છા રાખવી, કારણ કે જે હતું તેને ખસેડવાની જરૂર નથી. ખસતું હોય તેને રાખવાની જરૂર નથી. ટકેલી છે કે નહીં ? ટકેલી હોય તો ટકાવવી.

પ્રશ્નકર્તા : આમ તો કંદમૂળ ખાવાની ઇચ્છા થાય નહીં.

દાદાશ્રી : ત્યારે પછી બસ, સારંુ ઊલટું. એ ઇચ્છા ના થાય, મહીં પેસે નહીં તો સારંુ, હેલ્પ થાય.

પ્રશ્નકર્તા : કોઇને ઘેર ગયા હોય અને કંદમૂળ આવી પડે તો પાછું ખાવાનું કે નહીં ?

દાદાશ્રી : અને વખતે કો'કને ઘેર ગયા હોય ને પેલો જબરજસ્તી કરે તો ખાવું, એનો વાંધો નહીં. એ પોઇઝન નથી. અને જબરજસ્તી ના કરે તો એ શાક રહેવા દેવું. આપણને એ કહે કે ના, તારે ખાવું જ પડશે તો કહીએ, લે ભઇ, ખાઇ લઇએ. આપણે હઠાગ્રહ, દૂરાગ્રહ હોય નહીં. પણ જાણીજોઇને તો કોણ મોઢામાં ઘાલે ? જે જાણતા હોય કે આ જુલાબની ફાકી છે, તો કોણ જાણીજોઇને લે ? પછી કોઇ ફાકી ખવડાવે ત્યારે જુદું છે.

એટલે સારંુ હોય તેને રહેવા દેવું, ટકાવવું. કંદમૂળ ના ખાય એ સારંુ તો ખરંુ જ ને ! એમાં તો બેમત જ નહીં ને !

જાગૃતિ વધે, કંદમૂળ ત્યાગથી

જેને સમકિત થયેલું હોય તેને આ હિતકારી બહુ છે અને સમકિત ના થયેલું હોયને અને સમકિતના માર્ગ ઉપર હોય તેને હિતકારી છે. નહીં તો વેપારીઓને અહિતકારી છે આ બધું.

પ્રશ્નકર્તા : કેમ ?

દાદાશ્રી : આ બધી જાગૃતિ વધે એવી ચીજો છે. કંદમૂળ ત્યાગ એ જાગૃતિ વધારનાર છે. અત્યારે ઉઘાડી આંખે ઊંઘે છે, તેમાં પેલાને જાગૃતિ રહે. ચોવિહારેય જાગૃતિ વધારનારી ચીજ છે.

પ્રશ્નકર્તા : પછી ઉકાળેલું પાણી.

દાદાશ્રી : ઉકાળેલું પાણી એ તમારી શારીરિક આરોગ્યતાને માટે છે. પણ પેલી બે ચીજો તો જાગૃતિ વધારનારી છે. તે જાગૃતિ આ વેપારીઓને વધે તો શું થાય ?

જાણો પણ કરો શક્તિ પ્રમાણે

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે પેલા પાંચ વ્યવહાર કહ્યા છેને, આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવહાર ને જીત વ્યવહાર. આ પાંચ વ્યવહાર કહ્યા છે એમાં આજ્ઞા વ્યવહાર જે છે તે જ્ઞાનીનો વ્યવહાર છે, તે પારકાથી પર છે.

દાદાશ્રી : આ આજ્ઞા વ્યવહાર, આજ્ઞાની વાત છે. વ્યવહાર આજ્ઞાની વાત છે. એટલે વ્યવહાર આજ્ઞામાં તો બધી જ વાત લખવી પડે.

પ્રશ્નકર્તા : આગમ વ્યવહાર ?

દાદાશ્રી : આગમ વ્યવહાર એટલે વ્યવહાર ! આ આજ્ઞાને બધું છે એ વ્યવહારપદ દેખાડ્યું છે ભગવાને. એમાં શું શિખવાડ્યું છે કે ભઇ, રાત્રે ભોજન કરશો નહીં.

પ્રશ્નકર્તા : તો પણ આમ રાત્રિભોજન તો ન જ કરવું જોઇએ ને ?

દાદાશ્રી : એ વસ્તુ સારી છે. પણ ભગવાને શું કહ્યું હતું કે શક્તિ પ્રમાણે કરજે. બીજો કરે તો તમે દોડશો નહીં, બીજો તો દોડે, તેનામાં શક્તિ હોય તે દોડે ! અને પેલામાં શક્તિ ના હોય, રાત્રે ખાવાનો મેળ પડે એવો ના હોય અગર તો પ્રકૃતિને માફક ના આવતું હોય તો વાંધો નહીં. પણ આ રાત્રિભોજન તો નુકસાનકારક છે. બટાકા એ પણ નુકસાનકારક છે એવું કહેવા માંગે છે.

વૈજ્ઞાનિક સમજણ, રાત્રિભોજન તણી

પ્રશ્નકર્તા : રાત્રિભોજન અંગે કંઇક માર્ગદર્શન આપો. જૈનોમાં તેનો નિષેધ છે.

દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્ષ્ટિ છે. ધર્મને ને એને લેવા દેવા નથી. આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી ધર્મમાં કંઇ એની જરૂર નથી પણ શરીરની શુદ્ધિ માટે સારામાં સારી વસ્તુ છે એ.

પ્રશ્નકર્તા : તો આ વીતરાગોએ લોકોને જે કહ્યું કે રાત્રિભોજન ન લેવું. એમાં પાપ-પુણ્ય હતું કે શારીરિક તંદુરસ્તી માટે હતું ?

દાદાશ્રી : શારીરિક તંદુરસ્તી અને હિંસા માટેય કહેલું.

પ્રશ્નકર્તા : જૈનસમાજમાં રાત્રિભોજન કરવું, કાચું પાણી પીવું, અમુક તિથિઓએ લીલોતરી શાકભાજી ખાવાં તે પાપ ગણવામાં આવે છે, શું આ પાપ છે ?

દાદાશ્રી : આ બધું મોક્ષે જતાં હિતકારી નથી. રાત્રિભોજન જમીએ તો રાત્રે છે તે તારા ગામમાં છે તે જીવડાં નથી પડતાં ખાતી વખતે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ જીવડાં ખઉં ભોજન ભેગું તો તારી શી દશા થાય ? ભોજન ભેગું જીવડાં ખાતાં હશેને લોકો ? માટે વહેલું ખાઇ લે, તે શો વાંધો ? વાંધો ખરો ? પેલાં જીવડાં શરીરમાં જાય એટલે જાતજાતના રોગ થાય, પછી જ્ઞાન ઊંધું થઇ જાય, બગડી જાય.

પ્રશ્નકર્તા : પણ રાત્રિભોજન શા માટે ન લેવું જોઇએ ?

દાદાશ્રી : સૂર્યની હાજરીમાં સાંજનો ખોરાક લેવો જોઇએ, એવું જૈનમતે કહ્યો અને વેદાંતેય એવું કહ્યું. સૂર્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી અંદર પાંખડી ખુલ્લી રહે છે, માટે તે વખતે જમી લેવું. એવું વેદાંતે કહ્યું. એટલે રાત્રે તું ખોરાક લઇશ તો શું નુકસાન થશે ? કે પેલું કમળ તો બીડાયું, એટલે પાચન જલદી ના જ થાય. પણ બીજું શું નુકસાન થશે ? તીર્થંકરોએ કહ્યું કે રાત્રે સૂર્યનારાયણ આથમે એટલે જીવજંતુઓ જે ફરે છે એ બધા જીવો પોતાના ઘર ભણી પાછા વળે. કાગડા, કૂતરા, કબૂતર પછી આકાશના જીવો બધા ઘર ભણી વળે. પોતાના માળા ભણી વહન કરે. અંધારંુ થતા પહેલાં ઘરમાં પેસી જાય. ઘણી વખત આકાશમાં વાદળ જબરજસ્ત હોય અને સૂર્યનારાયણ આથમ્યા કે ના આથમ્યા એ ખબર ના પડે પણ જીવો પાછા ફરે તે વખતે સમજી લેવું કે આ સૂર્યનારાયણ આથમ્યા. પેલા જીવો એમની આંતરિક શક્તિથી જોઇ શકે છે. હવે તે વખતે નાનામાં નાના જીવો પણ ઘરમાં પેસે છે અને બહુ સૂક્ષ્મ જીવો, જે આંખે ના દેખાય, દૂરબીનથી ના દેખાય, એવા જીવો પણ ઘરમાં મહીં પેસી જાય. આપણને ખબરેય ના પડે કે મહીં બેઠાં છે. કારણ કે એનો રંગ એવો હોય છે કે ભાત ઉપર બેસે તો ભાતના જેવો જ રંગ હોય અને ભાખરી પર બેસે તો એ ભાખરીના રંગના દેખાય, રોટલા પર

બેસે તો રોટલાના રંગના દેખાય. એટલે રાત્રે આ ખોરાક નહીં ખાવો જોઇએ. બિલકુલ નાના જીવો આપણને ખબરેય ના પડે. હા, બહુ મોટાં દૂરબીન હોય તો ખબર પડી જાય, દેખાય એવાં હોય. તે પૂરી ઉપર મૂકે તો પૂરીના રંગના દેખાય. પાપડ ઉપર મૂકે તો પાપડના રંગના. પછી આ મહીં બધા ખવાઇ જાય. અને એ ખવાઇ જાય તેને જીવડા મર્યા એનો દોષ નથી પણ એ જે ખવાય તેનાથી મગજ ઉપર જે આવરણ આવે છે, તે ભયંકર આવરણ આવે છે. હવે એથી કરીને હું તમને છોડી દેવાનું કહું છું એવું નથી કહેતો. આ સમજી રાખજો. આ જ્ઞાન સમજવા જેવું છે. હું તમને એમ નથી કહેતો કે તમે આ ન જ કરજો, કારણ કે હુંય એ સંજોગોમાં પૂરો રહી શકતો નથી, સંજોગોવશાત્ મોડું થાય ત્યારે મોડું ખાઇએ, વહેલું થયું હોય તો વહેલું. બનતાં સુધી આ જ્ઞાન હાજરમાં હોય કે મારે આ જ્ઞાન પ્રમાણે રહેવું જોઇએ. આપણે ખોટ ના ખાવી હોય તોય ખોટો ખાવી જ પડે છે. જે સંજોગોના હિસાબે પણ આપણે નક્કી તો હોવું જોઇએને, ખોટ તો નથી ખાવી એવું. એવો વ્યવહાર તો હોવો જોઇએ.

હેતુ બાંધો, અહિંસા ધર્મનો

પ્રશ્નકર્તા : રાત્રિભોજન પ્રથમ નર્કનું દ્વાર છે, એવંુ કહ્યંુ છે છતાં લોકો રાત્રે કેમ ખાય છે ?

દાદાશ્રી : રાત્રિભોજન ન કરવું જોઇએ છતાં પણ લોકો કરે છે. એ કેટલાક લોકોને ખબર નથી કે રાત્રિભોજનથી શું નુકસાન છે અને ખબરવાળા હોય તે બીજા સંજોગોમાં ગૂંચાયેલા હોય. બાકી રાત્રિભોજન ના કરે તો બહુ ઉત્તમ છે. કારણ કે એ મહાવ્રત છે. એ પાંચ મહાવ્રત ભેગું છઠ્ઠું મહાવ્રત જેવું છે.

પ્રશ્નકર્તા : સંજોગવશાત્ રાત્રિભોજન કરવું પડે તો એમાં કર્મનું બંધન ખરંુ ?

દાદાશ્રી : ના, કર્મનું બંધન કશુંય નહીં. તે શેના આધારે તોડવું પડે છે ? અને જો રાત્રિભોજન ત્યાગ કર્યું તે કોઇકે શિખવાડ્યું હશેને ?

પ્રશ્નકર્તા : જૈન તરીકેના સંસ્કાર હોયને !

દાદાશ્રી : હા, ભગવાન મહાવીરનું નામ દઇ અને પ્રતિક્રમણ કરવું. એ ભગવાનની આજ્ઞા છે, એટલે આજ્ઞા પાળવી. અને જે દહાડે ના પળાય તો એમની માફી માંગી લેવી. એટલે જો અહિંસા પાળવી હોય તો બનતા સુધી દિવસે જમો તો ઉત્તમ. તમારંુ શરીર પણ બહુ સુંદર રહેશે. એવું વહેલું કાયમને માટે જમો છો ?

પ્રશ્નકર્તા : હમણાં હમણાં ચાલુ કર્યું છે.

દાદાશ્રી : કોણે કરાવડાવ્યું ?

પ્રશ્નકર્તા : પોતાની ઇચ્છાથી.

દાદાશ્રી : પણ હવે આ અહિંસાના હેતુપૂર્વક કરંુ છું એવું માનજો. 'દાદા'એ મને સમજણ પાડી છે અને મને એ ગમી, એટલે અહિંસા માટે જ હું આ કરંુ છું એવું કરજો. કારણ કે એમને એમ હેતુ ના હોય તો ત્યાં સુધી બધું નકામું જાય.

જાણો નિયમ પાળનારને

પ્રશ્નકર્તા : જ્ઞાન પછી ઓછું જમવાનું, રાત્રિભોજન આનું મહત્ત્વ રહેતું નથી ?

દાદાશ્રી : રાત્રિભોજન ન કરવું એ સાચી વસ્તુ છે, સારી વસ્તુ છે. ન થાય તો જે પૂરણ થયેલું છે એ પ્રમાણે થશે.

પ્રશ્નકર્તા : રાત્રિભોજન ત્યાગ, સપ્ત વ્યસનત્યાગ એ બધું પછી કેમ કહ્યું છે ?

દાદાશ્રી : એવું છે ને, રાત્રિભોજન ના કરતા હોય તો તમે એ નિયમને છોડશો નહીં. અત્યારે તમે રાત્રિભોજન કરો છો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો તો એમાં બહુ ભાંજગડ ના કરશો અને આપણે ચંદુભાઈ (ફાઈલ નં.૧) ને કહેવું ખરંુ કે ભઇ, જો રાત્રિભોજન ન કરો તો હિતકારી છે. જો અનુકૂળ આવે તો કરો તો સારંુ એટલું આપણે કહેવું. બાકી અમારાથી તમને દબડાવાય નહીં, કહીએ. તમે પડોશી થયા. અમારાથી ના દબડાવાય. એટલે આપણે એવું કહેવાનો વાંધો નહીં.

જ્ઞાની પણ વર્તે નિયમમાં

જો કે હું તો જૈન નહોતો, હું જૈનેતર હતો. તોય મારે આ જ્ઞાન થતા પહેલાં કાયમ કંદમૂળ ત્યાગ હતો. કાયમ ચોવિહાર કરતા હતા, કાયમ ગરમ પાણી પીતા ! અમે ને અમારા ભાગીદાર બન્નેવ ગરમ પાણીની શીશીઓ જોડે રાખતા. એટલે અમે તો ભગવાનના નિયમમાં રહેતા હતા.

હવે કોઇને આ નિયમો કડક પડતા હોય તો કાંઇ એવું નથી કે તમારે બધા પાળવા જ જોઇએ. હું તમને એમ ના કહું કે તમે આમ જ કરો. તમારાથી થાય તો કરજો. આ સારી વસ્તુ છે, હિતકારી છે. ભગવાને તો હિતકારી કહી જાણી છે, એને પકડવા માટે નથી કહ્યું. એના આગ્રહી થઇ જવા માટે નથી કહ્યું.

અમારે તો ત્યાગાત્યાગ ના હોય. પણ આ કેટલાય લોકો એટલા બધા દુઃખી થાય છે કે, 'તમે ચોવિહાર ના કરો. અમને બહુ દુઃખ થાય છે ! મેં કહ્યું, 'ચોવિહાર કરીશું !' શું કરંુ ત્યારે ? એ તો જ્ઞાની થયા પછી તો ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી લોકોને સમજણ પડે એવું ગોઠવે, બાકી અમને કોઇ ચીજની ખપ જ નહીંને ! હિંસાના સાગરમાં ભગવાને અમને અહિંસક કહ્યા છે.

આ અત્યારે પણ ચોવિહાર બધું કરવાના, કાયમને માટે પણ આવું મોડું-વહેલું થઇ જાય ને તો તે દહાડે ના કરીએ. પણ અમારે વ્રત ના હોય. અમને ત્યાગાત્યાગ ના હોય. અમારે તો એ ત્યાગ કરનારોય અહંકાર જોઇએ. અમારે આ સત્સંગ ગોઠવ્યો હોયને, એટલે કોઇ દિવસ ચોવિહાર હોય અને બે-ચાર દિવસ અમારે ચોવીયાર નાય થાય પણ અમારો હેતુ ચોવિહારનો ! એ મુખ્ય વસ્તુ છે.

શ્રદ્ધા ના બદલાવી જોઈએ

કોઇ ચોવિહાર કરતો હોય તો તમે એમ કહો કે ચોવિહાર કરવો એ જરૂર જ નથી, એવું ના બોલાય. ચોવિહાર કરવો જ છે એવું તમારંુ જ્ઞાન રહેવું જોઇએ અને ના થાય તો પ્રતિક્રમણ કરવું. કાયમ પ્રતિક્રમણ કરવાનું અમે તમને નથી કહેતા, પણ ચોવિહારનું તો એક ફેરો પ્રતિક્રમણ થયું તો વાંધો નહીં.

હવે જે કરતા હોય તે કરજો, ના કરતા હોય તો નહીં. વ્યવસ્થિત જે કરાવડાવે એ કરો. એમાં તમારે હવે કર્તાપદ રહ્યું નહીં. બાકી કોઇ પૂછે કે કંદમૂળ સારા કે ખોટાં ? ત્યારે કહે, ભઇ, ભગવાને કહ્યું છે એ વાત સાચી છે. કંદમૂળ આહાર યોગ્ય નથી.

કોઇ કહેશે, ત્યારે તમે કેમ કરો છો ? ત્યારે અમે કહીએ, ભઇ, આ ચંદુભાઇ (ફાઈલ નં.૧)નો દોષ જ છે એવું અમને દેખાય છે. એવું જાહેર કરવું જોઇએ.

પ્રશ્નકર્તા : આ પર્યુષણ જે છે એ શું છે ? અમુક ગણતરી છે ? ચોમાસાની અંદર બીજા ધર્મોએ અને આપણે ત્યાં એ પરંપરા આવી છે, કે પર્યુષણનું કોઇ બીજી રીતનું મહત્ત્વ છે ?

દાદાશ્રી : ના, આયુર્વેદનો આધાર ખરો. તે બધા ધર્મોવાળાએ ચોમાસામાં આયુર્વેદના આધારે તપશ્ચર્યા ગોઠવેલી.

એ મદદરૂપ તંદુરસ્તી માટે

પ્રશ્નકર્તા : આ પાણીને ઉકાળીને પીવાનું કહે છે, એ શાથી ?

દાદાશ્રી : એ શું કહેવા માંગે છે ? પાણીના એક ટીપામાં અનંત જીવો છે. એટલે પાણીને ખૂબ ઉકાળો એટલે એ જીવો મરી જાય અને પછી એ પાણી પીવો તો તમને શરીર સારંુ રહેશે ને તો આત્મધ્યાન રહેશે. ત્યારે તેનું આ લોકો ઊંધું સમજી બેઠાં છે.

ભગવાને તો શરીર સારંુ રહેવા માટે બધા પ્રયોગ બતાવ્યા છે. એટલે ઊલટું પાણી ઉકાળીને પીવાનું કહે છે. પાણી ના ઉકાળીએ તેને જીવ હિંસા પાળી કહેવાય. પોતાનું શરીર ભલે બગડે, પણ આપણે પાણી ઉકાળવું નથી. તેને બદલે આ તો ભગવાન પાણી ઉકાળીને પીવાનું કહે છે. તો તમારંુ શરીર સારંુ રહે અને આઠ કલાક પછી ફરી પાછું મહીં જીવ પડી જશે, માટે ફરી એ ના પીશો. પાછું બીજું ઉકાળીને એ પીજો એમ કહે છે.

એટલે આ પાણી ગરમ કરવાનું તે હિંસા માટે નથી કહ્યું. એ શારીરિક તંદુરસ્તી માટે કહ્યું છે. પાણી ગરમ કરવાથી જે જલકાય જીવો ખલાસ થઇ જાય છે, એના પાપને માટે નથી કહ્યું પણ તમારંુ શરીર બહુ સારંુ રહે, પેટમાં જીવાત ઊભી ના થાય અને જ્ઞાનને આવરણ ના કરે એટલા માટે કહ્યું છે. એ પાણી ગરમ કરે એટલે મોટા જંતુ હોય તે બધાય મરી જાય.

પ્રશ્નકર્તા : તો એ હિંસા થઇને ?

દાદાશ્રી : એ હિંસાનો વાંધો નથી. કારણ કે શરીર તંદુરસ્ત હોય તો તમે ધર્મ કરી શકો અને આમ તો બધી હિંસા જ છે. આ જગતની અંદર નરી હિંસા જ છે. હિંસા બહાર એક અક્ષરેય નથી. ખાવ છો, પીવો છો, એ બધાંય જીવડાં જ છે.

આ તમે દહીં ખાવ છો, એમાં તો દસ ચોવિહારનાં જેટલું એક ફેરો દહીં ખાધાનું છે, એટલા એમાં જીવો હોય છે. નર્યા જીવોનું જ છે આ બધું.

હવે ભગવાને તો એકેન્દ્રિય જીવને માટે આવી ભાંજગડ કહી જ નથી. આ તો બધું ઊંધું બાફી નાખ્યું છે. એકેન્દ્રિય જીવને માટે એવું કહ્યું હોય ને, તો ટાઢું પાણી જ પીજો, નહીં તો પાણી ઉકળવાથી બધા જીવો મરી જાય એવું કહેત. પાણી ગરમ કરવામાં કેટલાં જીવ માર્યા?

પ્રશ્નકર્તા : અનેક.

દાદાશ્રી : એમાં જીવ દેખાતાં નથી. પણ એ પાણી છે તે, એ જલકાય જીવ છે. એની કાયા જ પાણી છે. એનું શરીર જ પાણી છે. બોલો હવે, ત્યારે મહીં જીવ ક્યાં બેઠા હશે ? લોકોને એ શી રીતે જડે ? આ તો શરીર દેખાય છે. એ બધા જીવોના શરીર ભેગા કરીએ તે જ પાણી છે, પાણી રૂપી જેનું શરીર છે એવા જીવો છે. હવે આનો પાર ક્યાં આવે ?

પાંચ કાય જીવોની સમજ

પ્રશ્નકર્તા : પાણીમાં જીવ છે એ અમને શ્રદ્ધા બેસી ગઇ છે એટલે અમે ઉકાળીને પાણી પીએ છીએ.

દાદાશ્રી : મારંુ કહેવાનું કે પાણીમાં જીવોની વાત તમે જે સમજ્યા છોને, કહો છોને, એ તો આ લોકોએ કહેલું એ તમે માની લીધું છે. બાકી વાત આમાં સમજણ પડે એવી નથી. આજના મોટા મોટા સાયન્ટિસ્ટને સમજણ પડે એવી નથી ! ને વાત બહુ ઝીણી છે. એ જ્ઞાનીઓ પોતે સમજી શકે. પણ આને વિવરણપૂર્વક સમજાવવા જાય તોય તમને સમજાય નહીં એવી વાત છે. આ પાંચ જે છેને, એમાં વનસ્પતિકાય એકલું જ સમજાય એવું છે, બાકી વાયુકાય, તેઉકાય, જલકાય અને પૃથ્વીકાય, આ ચાર જીવો સમજવા માટે બહુ ઊંચું લેવલ જોઇએ.

પ્રશ્નકર્તા : સાયન્ટિસ્ટો એ જ શોધખોળ કરી રહ્યા છે ને ?

દાદાશ્રી : પણ સાયન્ટિસ્ટો નહીં સમજી શકે. આ ઝાડમાં એકલામાં સમજી શકાય, તે બહુ રીતે નહીં, અમુક જ રીતે સમજી શકાય.

એવું છે, આ તમને ભગવાનની ભાષાની વાત કહી દઉં. આ ઝાડ-પાન જે બધાં ઉઘાડી આંખે દેખાય છે, એ વનસ્પતિકાય છે. આ ઝાડમાં પણ જીવ છે. આ વાયુકાય એટલે વાયુમાં પણ જીવો છે, એ વાયુકાય જીવો કહ્યા. પછી આ માટી છેને, એની મહીં પણ જીવેય છેને માટીય છે. આ હિમાલયમાં માટી છે, પથ્થર છે એ બધામાં જીવ છે. પથરા પણ જીવતા હોય છે, એને પૃથ્વીકાય જીવ કહ્યા. આ અગ્નિના ભડકા બળે છેને, તે ઘડીએ એ કોલસામાં અગ્નિ નથી હોતી. એ તો તેઉકાય જીવો ત્યાં ભેગા થઇ જાય છે. એ તેઉકાય જીવો. આ પાણી પીએ છે, એ નર્યાં જીવડાનું જ બનેલું છે. હા, જીવ અને એનો દેહ બે ભેગું થઇને આ પાણી છે. એને ભગવાને અપકાય નામના જીવ કહ્યા. એ પાણીરૂપી જેનું શરીર છે, એવા કેટલા બધા જીવોનું ભેગું થયેલું એક પ્યાલો પાણી થાય. હવે આ પાણી એ જીવોનું, આ ખોરાક એ જીવો, આ હવા એય નર્યા જીવો, બધું જીવો જ છે.

પ્રશ્નકર્તા : એટલે આ બધા જળકાય એટલે એકેન્દ્રિય જીવો છે.

દાદાશ્રી : હા, લોકો એમ જાણતા જ નથી કે આ પાણી એટલે જળકાય જીવો છે. લોકો તો જાણે કે આ કૂવામાંથી પાણી નીકળે છે અને ઢોળીએ છીએ. જે જાણકાર હોય તે એના નિયમવાળો હોય.

ઈંડું એટલે બચ્ચું જ

પ્રશ્નકર્તા : ઘરમાં અમે એગ્સ (ઇંડાં) ખાધાં છે.

દાદાશ્રી : શું કરવા માટે લીધેલાં ?

પ્રશ્નકર્તા : શરીર સારંુ કરવા માટે લીધેલાં.

દાદાશ્રી : શરીરથી શું વજન લેવાનું છે તારે ?

પ્રશ્નકર્તા : એ પેલા ડૉક્ટરોએ કહ્યું કે છોકરાને એગ્સ ખવડાવો એટલે પછી ઘેર લાવીને ખવડાવા માંડ્યું. પણ એ તો કો'ક જ વાર. અમારે ત્યાં રેગ્યુલર નહીં. મહિનાઓ કે વર્ષો સુધી પણ નહીં, કો'ક વાર હોય, ક્યારેક.

દાદાશ્રી : પછી ગમે છે ?

પ્રશ્નકર્તા : બહુ ગમતું નથી.

દાદાશ્રી : પસંદ પડ્યા નહીં ?

પ્રશ્નકર્તા : બહુ ગમતું નથી. કો'ક વાર ખાઉં પણ રોજ ના ખાઇ શકું.

દાદાશ્રી : ઇંડાં હોય અને બચ્ચાં હોય એ બેઉ સરખા જ છે બધાં. કોઇનું ઇંડું ખાવું અને કોઇનું બચ્ચું ખાવું એમાં ફેર નથી. બચ્ચાં ખાવાનું પસંદ ખરંુ તને ? કોઇના બચ્ચાં ખઇ જવાનું પસંદ ખરંુ ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : કેમ એમ ?

પ્રશ્નકર્તા : ભાવે જ નહીં.

દાદાશ્રી : ત્યારે એ ઇંડાં એ જ છે, બચ્ચાં જ છે. તને નહીં લાગતું કે બચ્ચાં જ છે ? એની મહીં બચ્ચું જ થવાનું છે.

પ્રશ્નકર્તા : ઇંડાં પણ શાકાહારી ઇંડા હોય છે એવી લોકોની માન્યતા હોય છે.

દાદાશ્રી : ના, એ તો રોંગ (ખોટી) માન્યતા છે. એ ઇંડાંને નિર્જીવ ઇંડાં કહે છે. એ જીવ વગરની વસ્તુ, જેમાં જીવ ના હોય એ વસ્તુ ખવાય નહીં.

પ્રશ્નકર્તા : આ જુદી વાત લાગે છે.

દાદાશ્રી : જુદી એટલે એક્ઝેટ (યથાર્થ) વાત છે. આ તો સાયન્ટિસ્ટોને કહ્યું હતું. જીવતા જીવને મારીને ખાવા જોઇએ. આ તો એક જાતની બનાવટ થઇ પડેલી છે, એવું કશું છે નહીં. હંમેશા નિર્જીવ કોઇ વસ્તુ ખવાય નહીં અને જીવ હોય તો ખવાય. એમાં જીવ ખરો પણ અમુક જાતનો જીવ. એટલે આ તો એ લોકોએ ખોટો લાભ ઉઠાવ્યો છે જગતનો. એને અડાય જ નહીં. અને આવા છોકરાઓને ઇંડાં ખવડાવવાથી શું થાય, શરીર પછી એટલું બધું ઇફેક્ટવાળું થાય કે પછી માણસના કંટ્રોલમાં રહે નહીં. અમુક આપણું વેજિટેરિયન ફૂડ (શાકાહારી આહાર) તો બહુ સારું હોય. કાચું ભલે રહ્યું. ડૉક્ટરોની તો એમની લાઇન છે અને એમની બુદ્ધિ પ્રમાણે કહ્યા કરે. ડૉક્ટરોનો એમાં દોષ નથી હોતો. ડૉક્ટરો તો એની બુદ્ધિ અને એની સમજણ પ્રમાણે કર્યા કરે. આપણે આપણા સંસ્કાર સાચવવાના. આપણે સંસ્કારી ઘરવાળા લોક છીએ.

પ્રશ્નકર્તા : પછી ઇંડાં હોય છે ને એમાં હિંસા નથી થતી, કારણ કે એ તો નોન ફર્ટિલાઇઝડ હોય છે. બે જાતનાં ઇંડાં હોય છે ને એમાં એક ઈંડાંમાં કહે છે કે જીવ નથી હોતો.

દાદાશ્રી : એવું કશું નહીં, આ લોકોએ ફૂલિશ (મૂર્ખ) બનાવ્યા છે વર્લ્ડને. જે અમુક એગ્સ (ઇંડાં)માં જીવ નથી હોતો અને એકમાં જીવ હોય છે એમ કહીને વર્લ્ડને ફૂલિશ બનાવે છે. આ દુનિયામાં કોઇ ચીજ એવી નથી કે જીવ વગરની ખાઇ શકાય, જીવ વગરની ખવાય જ નહીં. આપણાથી જીવ વગરની ચીજ ખવાય જ નહીં, જેમાં જીવ ના હોય.

પ્રશ્નકર્તા : કેટલાક લોકો તો એવી દલીલ કરે છે કે ઇંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજા નિર્જીવ. તો એ ખવાય કે નહીં ?

દાદાશ્રી : ફોરેનમાં એ લોકો દલીલ કરતા હતા કે અહિંસક ઇંડાં ! એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છેને એ ખવાય નહીં, એ જડ વસ્તુ થઇ ગઇ. કારણ કે જીવ ના હોય એ જડ વસ્તુ થઇ ગઇ. આપણે જીવને ખાવું હોય ને તો એેને કાપી અને બે-ત્રણ દહાડા સુધી ઊતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજી તોડ્યા પછી અમુક ટાઇમ સુધી ખવાય, પછી એ ખલાસ થઇ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે ઇંડું જો નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઇંડાંને સજીવ ના કહેતા હોય તો એ વાતો બધી હમ્બગ (કાલ્પનિક) છે. તો શા માટે લોકોને ફસાવો છો આવું ?

એ બીજી જાતનાં ઇંડાંવાળાને આ જગતમાં કયા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. બીજી જાતના ઇંડાંવાળાને પૂછ્યું કે આ બીજી જાતવાળો જીવ નિર્જીવ છે કે સજીવ છે એ મને કહે. નિર્જીવ હોય તો ખવાય નહીં. આખી દુનિયાને મૂરખ બનાવી, તમે લોકો કઇ જાતનાં છો તે ? જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે.

એટલે અહિંસક ઇંડું હોઇ શકતું જ નથી. અહિંસક કહો તો એમાં જીવ નથી અને અજીવ વસ્તુ હોય તો ખવાય નહીં. જો જીવ છે તો ઇંડું જીવતું છે.

પ્રશ્નકર્તા : પણ આ વેજિટેરિયન ઇંડું ફળતું નથી.

દાદાશ્રી : એ ફળતું નથી એ ડિફરન્ટ મેટર (જુદી વસ્તુ) છે પણ આ જીવતું છે.

એટલે આવું બધું ઠસાવી દીધું, તે આ જૈનોનાં છોકરાને કેટલી મુશ્કેલી ! એની પર તો બધા છોકરાઓ મારી જોડે બાઝયા હતા. પછી મેં એમને સમજાવ્યું કે, 'ભઇ, આમ જરા વિચાર તો કરો. સજીવ હોય તો વાંધો નથી પણ અજીવ તો ખવાય જ નહીં.' પછી મેં કહ્યું, 'નહીં તો પછી બહુ જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાવ.' ત્યારે નિર્જીવ ચીજ તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામિન ના હોય. નિર્જીવ જે ચીજો છે એ શરીરની ભૂખ મટાડે ખરી, પણ એમાં વિટામિન ના હોય. એટલે શરીર જીવે નહીં. જોઇતું વિટામિન ના મળેને ! એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઇંડાં અમે નહીં ખાઇએ.

સમજાવે તો લોક સમજવા તૈયાર છે અને નહીં તો આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુદ્ધિ ફરી જાય.

આ બધા ઘઉં ને ચોખા ને આ બધું ખાઇએ છીએ, આવડાં આવડાં દૂધિયાં ખાઇ જઇએ છીએ, એ બધા જીવો જ છેને ! નથી જીવો ? પણ ભગવાને ખાવાની બાઉન્ડ્રી આપી છે કે આ જીવો છે તે ખાજો. પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો.

પ્રશ્નકર્તા : આ ઇંડાં એ ત્રાસ પામતાં નથી, તો એ ખાવાં સારાં કે નહીં ?

દાદાશ્રી : ઇંડાં ત્રાસ પામતાં નથી પણ ઇંડાંમાં અંદર જે જીવ રહ્યો છેને, તે બેભાન અવસ્થામાં છે. પણ એ ફૂટે ત્યારે આપણને ખબર પડે કે નહીં ?

પ્રશ્નકર્તા : તરત ખબર પડે. પણ ઈંડું આઘુપાછું ના થાય ને ! તો ?

દાદાશ્રી : એ તો ના થાય. કારણ કે બેભાનપણામાં છે. એટલે થાય નહીં. એ તો મનુષ્યનોય ગર્ભ ચાર-પાંચ મહિનાનો હોય, તે ઇંડાંની પેઠ જ હોય છે. માટે કંઈ એને મરાય નહીં. એમાંથી ફૂટે છે તો શું થાય છે, એ આપણે માણસ સમજી શકીએ છીએ.

એટલે આ ઇંડું આપણાથી ના ખવાય અને તમે માંસાહાર કરતા હો તો હું કહું કે તમે માંસાહાર છોડીને ઇંડાં ખાવ એ સ્ટેપ સારું છે.

પ્રશ્નકર્તા : દહીં તો ખાઇ શકીએ. તો આ દહીંમાં જે જીવો છે એ અને ઇંડાના જીવમાં ફેર શો છે ? દહીં ખાવામાં વાંધો નહીં અને ઇંડું ખાવામાં વાંધો શું ?

દાદાશ્રી : એવું છે, દહીં ખાવામાં જે જીવ છે એ બધા એકેન્દ્રિય જીવો છે. અને ઇંડાંમાં જે જીવ છે તે પંચેન્દ્રિય જીવ છે, ત્યારે ભગવાને શું કહ્યું હતું કે તમે એકેન્દ્રિય જીવ બધા ખાજો, કારણ કે જીવ વગર તો બીજો ખોરાક છે જ નહીં.

આ ઘઉં છે તે અહીં પડ્યા હોયને આપણે કહીએ, 'આ ઘઉંને બાફો' તો ઘઉં નાસી ના જાય, આઘાપાછા ના થાય. તો એને બફાય. પણ જે આઘાપાછા થઇ જાય તો આપણે ના બફાય. ત્રાસ પામતા હોય, એને દુઃખ થતું હોય તો એને ના બાફશો.

આ તો ઇંડાને નિર્જીવ કહી લોકોને ભમાવ્યા છે. આ દુનિયામાં કોઇ ચીજ નિર્જીવ ખવાય જ નહીં. નિર્જીવ ખાવો અને પથ્થર ખાવો, એ બે સરખી ચીજ છે. એટલે એ ઇંડાં સજીવ જ હોય. ગમે તે આ બધી ખોટી રીતો બતાવી અને લોકોને ભ્રાંતિમાં ઉતારી અને પોતાના વ્યાપાર શરૂ કર્યા છે. બાકી, ઇંડાંને અડાય જ નહીં. જો પોતાને દુઃખ લાગતું હોય, હિંસાને સમજતો હોય તો નહીં અડવું જોઇએ. એ સજીવ કહે કે નિર્જીવ, પણ એ સજીવ જ હોય છે. નિર્જીવ હોઇ શકતું નથી. ઇંડામાં હાથ ના ઘાલશો, ઇંડા અહિંસક હોતા નથી. એ તો આ લોકો એ પ્રોપેગંડા (જાહેરાતો) કરીને લોકોને ફૂલિશ (મૂરખ) બનાવવાનો ધંધો ખોળી કાઢ્યો છે. કારણ કે કોઇ પણ, નિર્જીવ વસ્તુ ખવાય જ નહીં. સાયન્ટિફિકલી જેમાં જીવ નથી એ ખવાય જ નહીં. જીવ આવી ગયા પછી જ ખવાય. જીવ મહીં હોવો જ જોઇએ.

પ્રશ્નકર્તા : બરોબર.

દાદાશ્રી : નહીં તો ખવાય જ નહીં, નિર્જીવ વસ્તુ ખવાય જ નહીં. એટલે આ બધું ફૂલિશ બનાવવાના ધંધા છે, હા એટલે ઇંડું તો અડાય જ નહીં. લોકો ગમે એવું કહે કે આ નિર્જીવ છે, પણ એ ભયંકર જોખમ છે. ઇંડાં તો કોઇ ખાશો જ નહીં, ઇંડા તો અડશો જ નહીં, અને જૈન ઘરમાં આ જન્મ થયો એટલી પુણ્યૈ હોય ત્યારે જૈન ઘરમાં જન્મ થાય અને તેનો દૂરુપયોગ થાય તેનો શું અર્થ છે ?

દૂધ એ શાકાહારી ખોરાક

પ્રશ્નકર્તા : જેવી રીતે વેજિટેરિયન ઇંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય ?

દાદાશ્રી : ઇંડું ખવાય નહીં પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય (પીવાય). ગાયના દૂધનું દહીં ખવાય, અમુક માણસથી માખણેય ખવાય. ના ખવાય એવું કંઇ નથી.

ભગવાને શા હારુ માખણ નહોતું ખાવાનું કહ્યું તે જુદી વસ્તુ છે. તે પણ અમુક જ માણસને માટે ના કહ્યું છે. બાકી બધુંય ખવાય. ગાયના દૂધનો દૂધપાક કરીને ખાજો નિરાંતે. એની બાસુંદી કરજો ને, તોય વાંધો નથી. કોઇ શાસ્ત્રોએ વાંધો ઉઠાવ્યો હોય તો હું તમને કહીશ કે વાંધો નથી ઉઠાવ્યો જાવ, એ શાસ્ત્ર ખોટું છે. છતાં એવું કહે છે કે વધારે ખાઇશ તો તરફડામણ થશે. એ તમારે જોવાનું. બાકી લિમિટમાં ખાજે.

પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે, આપણા માટે નથી મૂક્યું.

દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતીને, તેને પાડું ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરંુ અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરંુ. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ રતલ દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું, જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઇએ તેના કરતા ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.

પ્રશ્નકર્તા : દૂધને કયા ખોરાક તરીકે ગણતરી કરી શકાય ?

દાદાશ્રી : દૂધને ખાવામાં કોઇ જાતનો વાંધો નથી. જે લોકોેએ વાંધા બતાવ્યા છે એ વાંધો સાર-અસારના વિચાર કર્યા સિવાયના બતાવ્યા છે. આપણે ગાયનું દૂધ લઇએ છીએ અને ગાયને પોષણ પણ કરીએ છીએ. ગાયને સારી રીતે પોષવી જોઇએ.

પણ આ તો ગાયો, ભેંસો જે છે એ જ્યાં સુધી દૂધ દેતી હોય ત્યાં સુધી લોકો લાભ ઉઠાવે છે અને પછી કાપવા આપી દે છે. તે માવજત શ્રીમંતોના હાથમાં હોવી જોઇએ. દરેક શ્રીમંતને દશ ગાયોની ગોશાળા હોવી જોઇએ. એથી એની શ્રીમંતાઇ વધતી જશે પણ ઘટશે નહીં, અને ઘરનું દૂધ, ઘી ખાવા મળશે. હિંદુસ્તાનમાં જ્યારે શ્રીમંતો પોતે ગોશાળાઓ સ્થાપશે ત્યારે આ જગતમાં આનંદ ખરેખરો ઉત્પન્ન થશે.

ખોરાકમાં ભેળસેળ શાને ?

ધંધો કયો સારો કે જેમાં હિંસા ના આવતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાંય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરવાનું શીખ્યા કરે તે જાનવરમાં, ચાર પગમાં જઇશ. ચારપગો થાય પછી પડે તો નહીંને ! વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે.

બીજા બધામાં અનીતિ આપણે જોવાની જરૂર નથી, પણ માણસોને ખાવાની વસ્તુઓ હોય છે, માણસોના શરીરમાં જે જવાની વસ્તુઓ હોય છે, ખોરાક કે દવા, એને માટે તો આપણે બહુ જ નિયમો રાખવા જોઇએ. એવું છેને, તમે છેતરીને ચાલીસ રતલને બદલે સાડત્રીસ રતલ આપો, પણ ચોખ્ખું આપો તો તમે ગુનેગાર નથી અથવા તો ઓછા ગુનેગાર છો. અને જે માણસ ચાલીસ રતલ પૂરું આપે છે પણ ભેળસેળવાળું આપે છે, એ બહુ જ ગુનેગાર છે. ભેળસેળ ના કરો. ભેળસેળ આવ્યું ત્યાં ગુનો છે. માનવ જાતિ ઉપર ભેળસેળ ના હોવું જોઇએ.

પ્રશ્નકર્તા : હું તો મારી અંગત રીતે માનું છું કે જેનાથી આપણો આત્મા દુભાય છે એ કાર્ય ના કરવું જોઇએ.

દાદાશ્રી : જ્યાં તમારા આત્માને દુઃખ થાય છે એ કાર્ય ના કરવું. બાકી માણસના શરીરને દુઃખ થાય, ભેળસેળ કરે, દૂધમાં બીજું ભેળસેળ, તેલમાં બીજું ભેળસેળ, ઘીમાં બીજું ભેળસેળ, તે કેવું કેવું અત્યારે ભેળસેળ કરવા માંડ્યું છે, એ બધું ન હોવું ઘટે.

'સહજ મીલા સો દૂધ બરાબર', પાણી હોય પણ જો સહેજાસહેજ મળ્યું તો એ દૂધ. એ દૂધ જેવું ગુણ આપશે. અને દૂધને જો માંગીને લીધું તો 'માંગ લિયા સો પાની.' જે માંગ્યું માટે પાણીનો ગુણ આપશે પછી 'ખીંચ લિયા સો રક્ત બરાબર.' તે ખેંચી લીધું તો એનું લોહી પીધા બરાબર છે. 'ગોરખ બોલ્યા વાણી.' આ બે વાક્યમાં આખું શાસ્ત્ર બોલી ગયો નહીં ?

હિંસક દવાઓ લેવી કે નહીં ?

પ્રશ્નકર્તા : તાવ આવ્યો, ગૂમડું થયું, પાક્યું, પછી આ જંતુઓ મહીં મારી નાખવાની દવા આપે, તે લેવાય કે નહીં ?

દાદાશ્રી : જંતુની ચિંતા કરવાની નહીં, અમુક લોકો સિવાય બીજાં જંતુની ચિંતા કરતા જ નથી. જંતુની ચિંતા ના કરશો.

પ્રશ્નકર્તા : પેટમાં કૃમિ થયા હોય ને એને દવા ના આપે તો પેલું છોકરંુ મરી જાય.

દાદાશ્રી : એને દવા એવી પાવ કે મહીં કૃમિ કશું રહે જ નહીં. એ કરવાનું જ છે. ભગવાને આવી હિંસા પાળવા માટે કહ્યું જ નથી.

જાણો આયુર્વેદનંુ વિજ્ઞાન

આ ટાણાં-બાણાં કરે છે તે બધુંય આયુર્વેદિકના માટે છે, આયુર્વેદને માટે. આ બધાં ટાણાં-બાણાં લીધાં છે અને આયુર્વેદમાં (એ દ્ષ્ટિએ) કેમ ફાયદો થાય, એટલા માટે ગોઠવણી કરેલી છે આ. આગળના લોકોએ ગોઠવણી સારી કરેલી છે. આ મૂર્ખ માણસોને પણ ફાયદો થશે એટલે પાંચમો, આઠમો, અગિયારસો એવું બધું કર્યું છે અને આ શ્રાદ્ધ કરે છે ને ! એટલે શ્રાદ્ધ એ તો બહુ સારા માટે કામ કર્યું છે.

પ્રશ્નકર્તા : દાદા, એનું શું તાત્પર્ય ? અજ્ઞાનતા કહેવાય એ ?

દાદાશ્રી : ના, અજ્ઞાનતા નહીં. આ એક જાતનું લોકોએ શીખવાડેલું કે આ હિસાબે સરાદ (શ્રાદ્ધ) સરાવે. તે આપણે ત્યાં શ્રાદ્ધ સરાવાનો તો મોટો ઇતિહાસ છે. સરાવવાનું શું કારણ હતું ? શ્રાદ્ધ ક્યારથી ગણાય કે ભાદરવા સુદ પૂનમથી માંડીને ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ કહેવાય. સોળ દિવસનાં સરાદ ! હવે આ શ્રાદ્ધનું શા માટે આ લોકોએ ઘાલ્યું ? બહુ બુદ્ધિશાળી પ્રજા ! એટલે શ્રાદ્ધ જે ઘાલેલાંને, એ તો બધી વૈજ્ઞાનિક ઢબ, તે આપણા ભારતમાં આજથી અમુક વર્ષ ઉપર ગામડામાં દરેક ઘેર એક તો ખાટલો પડેલો હોય, મેલેરિયાથી એક-બે માણસો ખાટલે હોય જ. કયા મહિનામાં ? ત્યારે કહે, ભાદરવા મહિનામાં. એ ભાદરવા મહિનામાં મચ્છરાં બહુ થાય એટલે આટલો બધો મેલેરિયા ફેલાતો, તે મેલેરિયસ એટલે પિત્તનો તાવ કહેવાય. એ વાયુનો કે કફનો તાવ નહીં. પિત્તનો તાવ, તે એટલું બધું પિત્ત વધી જાય. ચોમાસાનો દિવસ અને પિત્તનો તાવ અને પાછાં પેલાં મચ્છરાં કૈડે. જેને પિત્ત વધારે હોય તેને કૈડે.

એટલે આ શોધખોળવાળાએ શોધખોળ કરેલી કે આ હિન્દુસ્તાનમાં કંઈ રસ્તો કાઢો. નહીં તો આ લોકોની વસ્તી અડધી ઓછી થઈ જશે. અત્યારે તો આ મચ્છરાં ઓછાં થઈ ગયા છે, નહીં તો માણસ જીવતો ન હોય. એટલે આ પિત્તના તાવને શમાવવા માટે એવી શમનક્રિયા કરવા માટે શોધખોળ કરેલી કે આ લોકોને દૂધપાક અગર ખીર, દૂધ અને ખાંડ એવું ખાય તો પિત્ત શમે ને મેલેરિયાનું રાગે પડે. હવે આ લોકો ઘરનું દૂધ હોય તોય ખીર-બીર બનાવે નહીં, દૂધપાક ખાય નહીં એવા આ લોક ! બહુ નોર્મલને (!) એટલે શું થાય, તે તમે જાણો છો ? હવે આ દૂધપાક રોજ ખાય શી રીતે ?

હવે બાપને અક્ષરેય પહોંચતો નથી પણ આ લોકોએ શોધખોળ કરેલી કે આ હિન્દુસ્તાનના લોકો ચાર આનાય ધર્મ કરે એવા નથી. એવા લોભિયા છે કે બે આનાય ધર્મ ના કરે, તો આમ ને આમ કાનપટ્ટી પકડાવેલી કે 'તારા બાપનું સરાદ તો સરાય ?' એવું બધાં કહેવા આવેને ! એટલે સરાદનું નામ આ રીતે ઘાલી દીધેલું. એટલે લોકોએ પછી શરૂ કરેલું કે બાપનું સરાદ તો સરાવવું પડેને ! અને મારા જેવો અડિયલ હોય, તે ના સરાવતા હોય ત્યારે શું કહે ? 'બાપનું સરાધેય સરાવવા લાગતો નથી.' એટલે આજુબાજુ બધાં કચકચ કરે એટલે પછી સરાવી નાખે. તે પછી જમાડી દે.

તે પૂનમને દહાડેથી દૂધપાક જમવાનો મળે, તે પંદરેય દહાડા દૂધપાક જમવાનો મળે. કારણ કે આજે મારે ત્યાં, કાલે તમારે ત્યાં અને લોકને માફક આવી ગયું કે, 'હશે, ત્યારે, વારાફરતી ખાવાનું છેને ! છેતરાવાનું નહીં અને પછી વાસ નાખવાની કાગડાને.' તે આ શોધખોળ કરેલી. તેનાથી પિત્ત બધું શમાઈ જાય. તે એટલા માટે આ લોકોએ આ વ્યવસ્થા કાઢેલી. તે બહુ સારી સાયન્ટિફિક ગોઠવણી કરી છે.'

આત્મસાધનાથી સાધી લેવંુ કામ

પ્રશ્નકર્તા : હવે આત્મસાધના માટે શરીરને સારંુ રાખવાનું. હવે એને સારંુ રાખતા, જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું ?

દાદાશ્રી : એવું છેને, આત્મસાધના કોનું નામ કહેવાય છે કે તમારે શરીર સાચવવું છે, એવા જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઇને આવેલંુ છે. બધી જ જાતની સાચવણી લઇને આવેલું છે અને તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે આત્મસાધનામાં પૂરાં પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. ને આ બીજું બધું કમ્પ્લીટ છેે. તેથી હું કહું છું ને, કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે એટલે વર્તમાનમાં વર્તો ! છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષ ઓળખ્યા એને મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો તેય પણ કરજો ને શરીરને સાચવજો. કારણ કે લાભાલાભનો વેપાર છે આ. આ શરીર જો બે વર્ષ ટક્યું વધારે, તો આ દેહ જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, તો બે વર્ષમાં કંઇનું કંઇ કામ કાઢી નાખશે. અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે, તો એના કરતાં આ વીસ ગણી કમાણી છે. તો વીસમાંથી ઓગણીસ તો આપણે ઘેર રહ્યા. એટલે લાભાલાભનો વેપાર છે.

આમાં વાતને સમજો

બાકી આ નર્યાં જીવડાં જ છે. આ જગત નર્યું જીવડાં જ છે. આ શ્વાસમાં કેટલાય જીવો મરી જાય છે, તો આપણે શું કરવું ? શ્વાસ લીધા વગર બેસી રહેવું ? બેસી રહેતા હોત તો સારંુ એમનો ઉકેલ આવી જાત. વગર કામનું ગાંડપણ કર્યું છે આ તો.

હવે એ બધું આનો કંઇ પાર જ નથી આવે એવો. એટલે જે કંઇ કરતા હોયને, તે કરતા રહેવું. આમાં કંઇ ચૂંથાચૂંથ કરવા જેવું છે નહીં. ફક્ત જે જીવો આપણાથી ત્રાસ પામે છે એ જીવોનું બને ત્યાં સુધી નામ ના દેશો.

આ ત્યાગ શેના માટે ?

એક સ્થાનકવાસી શેઠ હતા. તે બહુ ચુસ્ત, કંદમૂળ કશું ના અડે. એક દહાડો મને જમવા બોલાવ્યો. અમે બધા જોડે જમવા બેઠા હતા. પછી એમની દાળમાંથી બટાકાનું ફોડવું નીકળ્યું. એટલે એ જો જો કરવા માંડ્યા. મેં કહ્યું, શું છે આમાં આ ? પ્રદર્શન છે ? હું સમજી ગયો કે આ ડોસો એની જાગૃતિને લીધે આવું કર કર કર્યા કરે છે ને ! ઓછી જાગૃતિ હોય તો બાજુએ મૂકી દે. એની કચકચ શી વળી ? તે પછી આ શું છે ? શું છે આ ? મોટેથી બોલ્યા, એટલે ઘરનાં બૈરાં ફફડી મર્યાં કે આ શું થયું ? અલ્યા, તારા કરતાં તો વાઘ-સિંહ સારા. આ તો સ્ત્રીઓ ભડકી મરી ! એવો તે કેવો પાક્યો તું ? સ્ત્રીઓને ભડકાવવા માટે છે આ બધું ? આ કંદમૂળ ત્યાગ શેના માટે કરવાનો ? કષાય ઓછા કરવા માટે અને આ તો કષાયની શરૂઆત કરી. ઊલટાં વધાર્યા ! આ ત્યાગ કષાય ઓછા કરવા માટે કહ્યો છે.

ત્યાગમાં વિષમતા

ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો (પોતાની) ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો (પોતાની) ભૂલ દેખાય. સાધુ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય, તો ભૂલ શી રીતે દેખાય ? ત્યાગમાં સમતા રહેવી જોઇએ.

પ્રશ્નકર્તા : ત્યાગમાં વિષમતા એટલે શું ?

દાદાશ્રી : કોઇ માણસે કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે મારે લસણ-કાંદા નથી ખાવા, છતાં કાંદાનો ટુકડો ભૂલથી ઊડીને પડ્યો હોય ને ખાતી વખતે હાથમાં આવ્યો તો મગજનો પારો ચઢી જાય, બૂમો પાડે. કેટલાક તો કાંદા જોવા જ રાજી ના હોય, જુએ તોય ગમે નહીં, ત્યારે એની સ્થિતિ કઇ ? ત્યારે શું એને સમતા રહે ?

પ્રશ્નકર્તા : ના, વિષમતા રહે.

દાદાશ્રી : આ ત્યાગનું ફળ વિષમતા આવ્યું, એના કરતાં તો ત્યાગ ના કર્યો હોત તો સારંુ. ભગવાને શું કહ્યું કે એક બટાકાનું ફોડવું ભૂલથી આવી ગયું તો તને શી ખોટ ગઇ ? આ બધા બટાકા જ છે ને ? જે ભોગવાઇ જાય એ બધા બટાકા જ છે ને ! આ તો ભાન જ નથી તે બુદ્ધિથી ભેદ પાડ્યા. ભૂલથી આવી ગયું તો આપણે એનો ઉકેલ લાવવો. એ તો આવડવું જોઇએ ને ? સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો 'એ' મોક્ષે લઇ જનાર છે. આ ત્યાગ સમતા વધારવા માટે કર્યો કે વિષમતા માટે ? ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ એ ત્યાગ નથી.

અહંકાર ત્યાં ન મોક્ષમાર્ગ

ભગવાને ત્યાગીઓનોય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનોય મોક્ષ ના કહ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જ્યારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી. છતાં ક્રમિક માર્ગે અહંકારથી (છોડી) દે; જ્યારે અક્રમ માર્ગમાં પરિગ્રહોમાં અપરિગ્રહી રહીને મોક્ષ છે. ભરત રાજાને કેવું હતું ? મહેલો, રાજપાટ ને તેરસો-તેરસો તો રાણી હતી છતાંય ઋષભદેવ ભગવાને તેમને 'અક્રમ' જ્ઞાન આપ્યું, તેનાથી આ બધા જ વૈભવ સાથે રહેવા છતાં તેઓ મોક્ષે ગયા !

જ્ઞાનીની સમતા કેવી ?

આટલી બધી જંજાળોમાંય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે. બટાકાનું ફોડવું તો આવે, પણ એને ધીમે રહીને કોઇ ના જાણે તેમ નાખી દેવાનું, સમતાથી. પણ જેને વિષમ સ્થિતિ થઇ જાય એ શું કહે ? 'કંઈથી લઇ આવ્યો આ ? જા નાખી દે.' અમારી દાળમાં માંસનો ટુકડો આવી જાય, તો અમે તરત જ તે કાઢીને ધીમે રહીને ઓટીમાં ઘાલી દઇએ. ભલે લૂગડું બગડે, પણ અમે બીજાને હલાવીએ નહીં, હલાવીએ તો એ દાળ જે ખાય તે રોગિષ્ઠ થઇ જાય. આ લોક તો આવા કેટલાય વાંદા ને કેટલીય ગિલોડીઓ ખાઇ ગયા છે; તેના પછી રોગ થાય, કોઢ થાય, બીજું થાય. બહારનું જે બધું ખાય છે એમાં બાપોય તપાસ રાખતો નથી, તે મહીં જીવડાં પડે ને લોક ટેસ્ટથી ખાય. અમે તો માંસનો ટુકડો સંતાડી દઇને 'વ્યવસ્થિત' ઉપર છોડી દઇએ, જાણે કશું જ બન્યું ના હોય તેમ વર્તીએ અને શેઠનું તો લોહી બળી જાય, બૂમાબૂમ કરી મૂકે તે ઘરનાં બૈરાં-છોકરાં સ્થંભિત થઇ જાય, અમે તો સમજીએ કે આ બઇએ કંઇ જાણી જોઇને માંસનો ટુકડો નાખ્યો હશે ? ના. એ તો કશુંક લેવા ગઇ હશે ને ઉપરથી કાગડો રોટલીનો ટુકડો લેવા આવ્યો હોય ને તેના મોઢામાં માંસનો ટુકડો હોય તો તે દાળમાં પડ્યો. એવિડન્સ કેવા કેવા બને છે ! માટે માણસે બધી તૈયારી રાખવી જોઇએ. શું શું બને એબધું જ લક્ષમાં રાખવું જોઇએ ને ?

પરિગ્રહોમાં અપરિગ્રહી

જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. તીર્થંકરે કહેલું જેવા સંયોગ હોયને, તે પ્રમાણે વર્તે. વિકલ્પ ના કરે કે હવે આમ કરંુ, કારણ કે કર્તા નથી. એટલે શું થાય ? કે જે બની આવે સહેજમાં, તે પ્રમાણે જ વર્તે, બીજી કશી ભાંજગડ નહીં. ભગવાનેય દોષ ના કાઢી શકે. કારણ કે એ તો પોતે કર્તા નથી બિલકુલેય, સંપૂર્ણ અકર્તાભાવ. એ તો સહેજાસહેજ જે બને તે પ્રમાણે જ રહે. ના મળે તોય વાંધો નહીં, મળે તોય વાંધો નહીં.

અમારે કેવું હોય ? સહજ હોય. આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઇ ઉપાડીને લઇ જાય તો અમે તેને વિનંતિ કરીએ કે, 'ભાઇ, સવારનો ભૂખ્યો છું.' જો ભૂખ્યા હોય તો વિનંતિ કરીને માંગીએ, ને છતાંય ઉપાડીને લઇ જ જાય તો અમને વાંધો નથી. માગવું એને પરિગ્રહ ના ગણાય. ભલે 'જ્ઞાની' હોઇએ પણ માગવું પડે. અમને જમવાની થાળીની મૂર્ચ્છા ના હોય. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, 'સત્સુખ'ને પામે. પણ આજે આ લોકો આડી ગલીમાં પેસી ગયા છે, પણ એમાં એમનો દોષ નથી, આ તો કાળચક્રને આધીન છે. અમને કોઇ દોષિત દેખાતા નથી. મહીં જે છે એ સંપૂર્ણ દરઅસલ વીતરાગ છે ! આ તો અજાયબી ઊભી થઇ ગઇ છે ! આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે 'વિક્રમ' ટોચ પર છે !!!

જય સચ્ચિદાનંદ