|
નિવેડો લાવો આમ પ્રતિક્રમણ કરીને ! સંપાદકીય જીવનમાં વાણીથી, વર્તનથી કે ભાવથી જાણે-અજાણે થતા સ્થૂળથી તે સૂક્ષ્મતમ સુધીના દોષો કે ભૂલોથી થતા કર્મબંધનોના પરિણામથી મુક્તિ કેમ કરીને મેળવી શકાય ? સ્થૂળ કે સૂક્ષ્મ કષાયોની અસરથી નિર્લેપ કેમ કરીને રહી શકાય? તીર્થંકર ભગવાન દ્વારા પ્રવર્તનમાં આવેલ 'આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન' મુમુક્ષુઓ માટે ખરેખર અદ્વિતિય ભેટ છે. આ વિજ્ઞાનની યથાર્થ સમજને અનુસરીને અનેક લોકો દોષોને નિર્મૂલન કરી મુક્તિને પામ્યા છે. પરમ પૂજ્ય દાદા ભગવાન પણ આ વિજ્ઞાનને જીવનમાં અપનાવી સંપૂર્ણ દોષમુક્ત બન્યા એટલું જ નહીં પણ 'પ્રતિક્રમણ' વિજ્ઞાનની સચોટ અને સરળ સમજણ આપી અનેક મુમુક્ષુઓની મુક્તિના પથદર્શક બન્યા. દાદાશ્રી કહેતા કે અમે કેટલાય અવતારથી 'આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન' કરતા-કરતા આવ્યા છીએ. જ્ઞાન પહેલા પણ પ્રતિક્રમણ કરતા પણ ૧૯૫૮માં આત્મજ્ઞાનની લબ્ધિ પછી સાચા પ્રતિક્રમણ થયેલા. તે એ.એમ.પટેલને કહી દીધું કે પાછલું બધું ધોઈ નાખો. જેના-જેના પ્રત્યે તિરસ્કાર થયેલા હોય, કોઈને અજાણતા પણ દુઃખ અપાઈ ગયું હોય, તે પ્રત્યેકનું પ્રતિક્રમણ કરી બધું ચોખ્ખું કરી નાખ્યું. સગા-સંબંધી, આડોશી-પાડોશી, બે-ચાર પેઢી સુધીના બધાનું એક-એકને યાદ કરીને પ્રતિક્રમણ કરી પોતે છૂટ્યા અને સહુને છૂટવાનો રસ્તો બતાવ્યો. દાદાશ્રી કહેતા કે ખરું પ્રતિક્રમણ 'શૂટ ઓન સાઈટ' થાય એ કહેવાય. જે ડાઘા પડે ને તરત જ ધોઈને ચોખ્ખું કરી નાખે. અમને જગત નિર્દોષ દેખાય છે છતાં લોકોના કલ્યાણ માટે ડખોડખલ કરીએ, કડક શબ્દો બોલીએ, કોઈને પણ દુઃખ થાય તેવું બોલાય તો એ અમારી કુદરતમાં ભૂલ તો થઈ જ ને ! તો તેના પણ અમારે પ્રતિક્રમણ કરાવવા પડે. લોકો જ્ઞાન પામે એ કારુણ્યતામાં સહેજ પણ અસહજતા આવે કે પછી બીજાને શક્તિશાળી બનાવવા, રોગ કાઢવા ગમ્મત કરીએ કે પછી હસી-મજાક કરીએ તો પણ એના પ્રતિક્રમણ અમારે કરવા પડે. મહાત્માઓએ કોઈની મશ્કરી કર્યાના, અહમ્ દુભવ્યાના, પ્રતિપક્ષી ભાવ કર્યાના કે આકર્ષણ-વિકર્ષણ થયાના પ્રતિક્રમણ કરવા પડે. અભિપ્રાયોથી મુક્ત થવા પ્રતિક્રમણ કરીને નિર્દોષ દ્ષ્ટિ પ્રાપ્ત કરી લેવાની છે. દાદાશ્રી કહે છે કે જો એક જ કલાક ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે તો સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ તો ભગવાને આપેલું મોટામાં મોટંુ હથિયાર છે અને તેનાથી અહિંંસક જીત મેળવી જગજીત થઈ શકાય તેમ છે. આવા અદ્ભૂત જ્ઞાનની સૈદ્ધાંતિક સમજને અનુસરીને, દોષોને નિર્મૂલન કરીને આપણે મુક્તિપંથે પ્રગતિ સાધી લઈએ એ જ અભ્યર્થના. દીપક દેસાઈ નિવેડો લાવો આમ પ્રતિક્રમણ કરીને ! પ્રતિક્રમણની પરિભાષા પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એટલે શું ? દાદાશ્રી : આખા દહાડામાં આપણે જે વ્યવહાર કરીએ છીએ, એ બધું ક્રમણ છે. ક્રમણ એટલે વ્યવહાર. હવે કો'કની જોડે અવળું પડી ગયું. એવું આપણને ખબર પડે કે આની જોડે મારે કડક શબ્દ બોલાયો કે વર્તનમાં અવળું થયું. ખબર પડે કે ના પડે ? તો એ અતિક્રમણ કહેવાય. અતિક્રમણ એટલે આપણે અવળા ચાલ્યા. એટલું જ સવળા પાછા આવ્યા એનું નામ પ્રતિક્રમણ. ન હો દુઃખ કોઈને અતિક્રમણ એટલે કોઈને સહેજ પણ દુઃખ થાય, આમ ના થતું હોય વખતે, પણ ગર્ભિત દુઃખ રહેતું હોય. ગર્ભિત એટલે અંદરખાને દુઃખ હોય, સામાને ના સમજણ પડે, ના પહોંચે પણ એનો અર્થ એવો ન થવો જોઈએ. ગર્ભિત એય દુઃખ ન હોવું જોઈએ. અમારી લાઈફમાં કોઈને પણ કિંચિત્માત્ર દુઃખ નહીં આપેલું. પણ ગર્ભિત દુઃખ થયેલું હોય તેની સામે માફી માંગી લઈએ. અમે દુઃખ આપવા નથી આવ્યા. અમે સુખ આપવા આવ્યા છીએ. નિમિત્ત ગુનેગાર હોય ન કદી પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ બિલકુલેય ગુનેગાર નથી હોતો. એક સેન્ટેય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે. અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવાં જોઈએ. એના તરફ નાલાયક છે, લુચ્ચો છે, એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એના જ ઝઘડા છે બધા. દોષ ઘટે તે સાચું પ્રતિક્રમણ પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. અને આ દોષ તો ગુણાકાર કરે છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એકલું મોક્ષમાર્ગનું સાધન છે, બીજું કોઈ સાધન નથી આ જગતમાં. બીજું સાધન એટલું કે જ્ઞાનીપુરુષથી જ્ઞાન મળે પછી આ કામ લાગશે. ને તે પહેલાંય જો કરેલું હશે તો દોષ મંદ થઈ ગયા હશે. પણ એ એટલું પ્રતિક્રમણ રહી શકે નહીં, જાગૃતિ ના રહી શકે માણસને. જ્ઞાન લીધા પછી આપણને અંદર ખબર પડે, દોષ થયો છે આ. તો જ પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ થાય નહીંને ! જ્ઞાન લીધા પછી એની જાગૃતિ રહેશે કે, આમ અતિક્રમણ થાય કે તરત તમને ખબર પડશે. આ ભૂલ થઈ એટલે તરત જ પ્રતિક્રમણ કરે. એટલે એના નામનું બધું પદ્ધતિસર પ્રતિક્રમણ થયા જ કરશે. અને પ્રતિક્રમણ થયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે સામાને ડંખ ના રહે પછી. નહીં તો પછી આપણે પાછા ભેગા થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય. એવું કશું થાય તો ભેદ પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કારખાનામાંય કોઈ જોડે અતિક્રમણ થઈ જાય, એનું આપણે પ્રતિક્રમણ કરીએ તો એનું મન આપણી જોડે બંધાય, નહીં તો મન છૂટી જાય. પ્રતિક્રમણ 'એવું' કરો પ્રશ્નકર્તા : મનથી, વાણીથી, વર્તનથી, જૂઠું બોલવાથી જે બધું દુઃખ પહોંચ્યું છે, એના માટે આપની સાક્ષીએ બધા પ્રતિક્રમણ કરીએ તો તે ધોવાઈ જાય ને? દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું કોને કહેવાય કે તમે ઊઘાડા કરો, એમની રૂબરૂમાં કરો કે ખાનગીમાં કરો પણ પ્રતિક્રમણ બોલે (સામાને અસર થાય) ત્યારે જાણવું કે આપણે પ્રતિક્રમણ કર્યું. હા, અમેય ખાનગીમાં પ્રતિક્રમણ કરીએ પણ એ પ્રતિક્રમણ ત્રીજે દા'ડે બોલે તો અમને માલમ પડે (કે સામાને અસર પહોંચી). તમે એવું મનમાં પ્રતિક્રમણ કરો કે એમને ખબર ના હોય, છતાં એમને તમારા પર આકર્ષણ ઊભું થાય. અજ્ઞાનના ધક્કે, અનંતા પ્રોજેક્શન્સ એવું છે, જીવમાત્ર પ્રોજેક્ટ (યોજના-ભાવ) કર્યા કરે છે. સ્વભાવિક રીતે નહીં, પણ ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે. ને આપણે પ્રતિક્રમણ કર્યા કરવાં. એટલે અજ્ઞાનતાના ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે, સંજોગવશાત્. પાછું એક જાતનું પ્રોજેક્ટ નથી, અનંત જાતનાં પ્રોજેક્ટ. જ્યાં જેવો સંયોગ ભેગો થાય ત્યાં આગળ (તેને અનુરૂપ ભાવ) કર્યા વગર રહે નહીં. ફરી બ્રીજ (પુલ) ઉપર જો કદી વાત નીકળે ત્યારે કહેશે, 'આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?' એવુંયે મહીં પૂછે. અલ્યા, તારે આમાં શું લેવાદેવા, કંઈ બ્રીજે આપણી જોડે શાદી કરી છે ? બ્રીજ ઉપર આવ્યો, તેથી તેને આવું ચક્કર યાદ આવ્યું ! આ તો બ્રીજ ઉપર ગયા અને પેલી બાજુ ઊતરી ગયા. એટલે કશું લેવાદેવા નથી તોયે પણ ત્યાં આગળ શું કરે? 'આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?' એવું લોક બોલે કે ના બોલે ? પ્રશ્નકર્તા : બોલે પણ એ તો પાંચ જ મિનિટમાં પાંચ હજાર પર્યાય ઊઠે. દાદાશ્રી : પાંચ હજાર તું બોલે છે, પણ પાંચ મિનિટ એટલે ત્રણસો સેકન્ડ થઈ, ને સેકન્ડના સમય કેટલા પાર વગરના થાય ! એટલે એક સેકન્ડમાં તો કેટલા બધા પર્યાય ઊભા થઈ જાય ! આવાં પાર વગરનાં અતિક્રમણ કર્યા જ કરે છે. અતિક્રમણથી આ સંસાર ઊભો થયેલો છે અને પ્રતિક્રમણથી નાશ થાય. શુદ્ધિકરણ, પ્રતિક્રમણથી પ્રશ્નકર્તા : જન્મથી મૃત્યુ સુધી મન-વચન-કાયા બધું નિર્જરા રૂપે છે, પણ આ નિર્જરા થતી વખતે, નવો ભાવ નાખ્યો તે અતિક્રમણ ? દાદાશ્રી : હા, એ ભાવનું શુદ્ધિકરણ કરો. પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના જ કરવાના હોય ને ? દાદાશ્રી : એકલા બીજાના દોષના જ નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધા ઉપર પ્રતિક્રમણ કરવાનાં. આલોચના પ્રશ્નકર્તા : આલોચના એટલે શું ? દાદાશ્રી : હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય, તો જે આપણા ગુરુ હોય અગર તો જ્ઞાની હોય તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો. કોર્ટમાં શું કહે છે? પ્રશ્નકર્તા : કન્ફેશન કરવું (કબૂલાત કરવી). દાદાશ્રી : હા, તે ગુરુ પાસે કે જ્ઞાની પાસે, આપણે જે થયું હોય એવું કહી દેવું, બીક રાખ્યા વગર. ગુરુ મહારાજ શું કહેશે એવો ભય નહીં રાખવાનો. ભય એટલે મારેય ખરા. પણ આપણે નિર્ભય થઈને કહી દેવું જોઈએ કે આમ થઈ ગયું છે. પછી એ ગુરુમહારાજ કહેશે કે પ્રતિક્રમણ કરજો. એટલે આપણને એ શીખવાડે કે આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું ? ત્યારે કહે, 'જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી, જે લોકમાં નીંદ્ય થાય એવાં કર્મ, સામાને દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. તે થયું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર. પ્રશ્નકર્તા : આલોચના-પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ ફરી ના થાય એના માટે જાગૃત તો રહેવું જોઈએને ? દાદાશ્રી : એ દોષ થાય જ નહીં ફરી. સાચું પ્રતિક્રમણ એનું નામ કહેવાય કે દોષ ફરી થાય જ નહીં. અગર તો દોષ ધીમે ધીમે ખલાસ થઈ જાય. તમે જે કહો છો કે પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ થાય છે. તો તે આ તો વ્યવહારમાં અત્યારે જે ચાલે છે એ પ્રતિક્રમણ લૌકિક છે, લૌકિક એટલે સંસાર ફળ આપનારું. એટલો ટાઈમ ખાલી આપણો અધર્મમાં ના ગયો અને પુણ્ય બંધાયું. અને પ્રતિક્રમણ તો કોનું નામ કહેવાય ? 'શૂટ આઙ્ખન સાઈટ' જોઈએ. આપણે ત્યાં અહીં કાયદો છેને 'શૂટ આઙ્ખન સાઈટ'નો ? એવું પ્રતિક્રમણ હોવું જોઈએ. ગુરુમહારાજે કહ્યું હતું કે પ્રતિક્રમણ કરો, પછી પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન તો કરવું જ જોઈએ. 'આ ફરી હવે નહીં કરું' એમ ગુરુમહારાજની મૂર્તિને સંભારીને પ્રત્યાખ્યાન કરવું જ જોઈએ. જે દોષ થઈ ગયો તેનું પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરું એટલે આ ત્રણેય સાથે હોવું જોઈએ. પ્રશ્નકર્તા : અને જાગૃત રહેવું જોઈએ, ફરી ના થાય એવું ? દાદાશ્રી : નિરંતર જાગૃત, જાગૃત એટલે અડધો કલાક નહીં, ચોવીસેય કલાક, નિરંતર. આ લોકો અમે જ્ઞાન આપ્યું ત્યારથી નિરંતર જાગૃત રહે છે. એક ક્ષણવાર એ ઊંઘ્યા નથી. સંસારના લોકમાંથી કોઈ જાગૃત હોય તે પ્રતિક્રમણ કરે તો એટલા દોષ ઓછા થાય ને પાછા નવા શુભ બંધાય. દર્શન મોહનીય હોય ત્યાં સુધી દોષ બંધાયા જ કરે. આલોચના હંમેશાં પ્રતિક્રમણ સહિત જ હોય. અને પ્રતિક્રમણ એ તો મોટામાં મોટું હથિયાર છે. એટલે પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તોય ચાલશે. એટલે દાદા પાસે આટલું શીખ્યા તો બહુ થઈ ગયું. આમાં બધું આવી ગયું. જ્યાં કંઈ ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી. એટલા ગુનામાંથી મુક્ત થઈ ગયા. આ કંઈ છે અઘરું? દાદા, કંઈ અપવાસ કરવાનું કહે છે કે કેમ ભૂલ કરી ? માટે અપવાસ કરજો એવું કહે તો તો લોક જાણે કે દાદાએ અમને ભૂખે મારી નાખ્યા, પણ દાદા એવું ભૂખે નથી મારતા ને? કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે! બીજું બધું શું કરવાનું? ભગવાનના સિદ્ધાંતનો સાર પ્રતિક્રમણ વગર મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં પ્રતિક્રમણ નથી ત્યાં માર્ગ જ ખોટો છે. મુમુક્ષુ સાચાં પ્રતિક્રમણ કરે તેનાથી કષાયની ગાંઠ વળી ગઈ હોય તેને ઢીલી કરે અને તે આવતા ભવે જલદી નીકળી જાય. અમે મુમુક્ષુ કોને કહીએ કે જે ક્રોધ-માન-માયા-લોભ થાય ને તેનું તરત પ્રતિક્રમણ કરી લે, એ ભગવાનની આજ્ઞા પાળે તેને. તીર્થંકરો આ મૂકતા ગયા છે. કારણ કે મનુષ્ય જાતિ દોષ કર્યા વગર રહે નહીં (આત્મજ્ઞાની સિવાય). દેવલોકો દોષ કરે, મનુષ્ય જાતિ દોષ કરે, ચતુર્ગતિ દોષ કરે. દોષિત થયા વગર રહે નહીં. એના દોષ ભાંગવા માટે ઉપાય શો ? ત્યારે કહે, 'આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન.' જગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષને લઈને આ જગત ઊભું રહ્યું છે. રોજ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે એ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય કહેવાય. જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાનને આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે. જ્ઞાનીપુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિદ્ધાંતનો સાર છે અને અક્રમમાં જ્ઞાની પુરુષ એ સાર છે, એટલું જ સમજવું જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે. ક્રિયાકાંડથી નથી મોક્ષમાર્ગ મોક્ષમાર્ગ એટલે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. એનું નામ જ મોક્ષમાર્ગ. પોતાના ગુનાઓ જાહેર કરવા. પછી તે ખોટું છે એમ પશ્ચાત્તાપ કરવો, અને ફરી નહીં કરું એવું નક્કી કરવું. એવો આ મોક્ષમાર્ગ આપણો. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડને એવું બધું ના હોય ને! એટલે ભગવાને કહેલું કે જેને ભૌતિક સુખો જોઈતાં હોય તે આ તપ કરજો, અને તેથી તમને ભૌતિક સુખો, દેવગતિનાં સુખો પ્રાપ્ત થશે. સંસારનાં સુખો પ્રાપ્ત થશે, પણ તમારે એ સુખો ના ખપતાં હોય, તો આપણો મોક્ષમાર્ગ છે. અને પછી ત્યાં આગળ લોકો કહેશે ત્યાં ક્રિયાઓ કેમ નથી ? ભઈ, અમારે તો ક્રિયાકાંડની લાઈન નહીંને, અમારે એ ધંધો નહીંને ! અને એ ખોટું બોલે, એ અવળું બોલે એમાં એનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન બોલે છે. અને તમે પણ કર્મના ઉદયના આધીન બોલો પણ તમે તેના જાણકાર હોવા જોઈએ કે આ ખોટું બોલાઈ રહ્યું છે. અને એ પુરુષાર્થ છે. પ્રતિક્રમણથી કર્યું ચોખ્ખું આમ જ્ઞાન પહેલાંય અમે પ્રતિક્રમણ કરતા, એ કેવાં? આ કર્મ ખોટું બંધાઈ રહ્યું છે એના પસ્તાવાપૂર્વકનાં પ્રતિક્રમણ; પણ એ સાચાં પ્રતિક્રમણ કહેવાય નહીં. જ્ઞાન પછી સાચાં પ્રતિક્રમણ થયેલાં. અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. 'ફલાણા આવા, ફલાણા તેવા' તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી 'એ. એમ. પટેલને' કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધા હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામા, કાકા, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાના (તિરસ્કાર) ધોઈ નાખ્યા. પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું ? સામે જઈને નહીં ? દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધા મને દેખાય છે. હવે તો તે બધા ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. નગીનભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને 'હે નગીનભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! આ નગીનભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું.' અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. અમે તો કેટલાક કાળથી જાતે ધોતા આવ્યા હતા. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય. પ્રશ્નકર્તા : રૂબરૂમાં પ્રતિક્રમણ કરાય ? દાદાશ્રી : રૂબરૂમાં કરાય. રૂબરૂમાં કરીએ તો બહુ ખાનદાન માણસ હોય તો જ કરાય. નહીં તો પાછો કહેશે, 'હે હવે ડાહી થઈને! હું કહેતો હતો ને ના માન્યું, ને હવે ડાહી થઈ !' મેર ચક્કર, અવળો અર્થ કર્યો એને ? પછી ડફળાવી મારે બિચારીને. એના કરતાં ના કરશો. આ લોક તો બધાં અણસમજુ. એ તો કોક જ ખાનદાન માણસ હોય તે નરમ થઈ જાય અને પેલો તો કહેશે, 'હવે ભાન થયું ? હું ક્યારનો કહું છું, માનતી નહોતી.' એ શું કહેશે એય મને ખબર હોય. અને તમને શું થયું તેય મને ખબર હોય. નાટક, ડ્રામા ! એટલે આવું પ્રતિક્રમણ અમે કરી નાખીએ. સત્ય-અસત્ય સાપેક્ષ પ્રશ્નકર્તા : સત્ય વાત હોય તો પછી એનું પ્રતિક્રમણ કેમ કરવાનું? દાદાશ્રી : આ સત્ય એ જ અસત્ય છે. જે જે સત્ય છે, એ બધુંય અસત્ય છે. કઈ વાત સત્ય છે એ તમે કહો. કઈ વાત તમને સત્ય લાગે છે ? હું તમને કહી આપું કે એ અસત્ય છે. પ્રશ્નકર્તા : આપણે સાચું કહીએ, આપણે સામું કહી દઈએ તો એને ખરાબ લાગે તો પછી એનું પ્રતિક્રમણ કેમ ? દાદાશ્રી : સાચું કોઈ કહી શકતો નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો પાક્યો નથી કે જે સાચું કહી શકે. માણસ સાચું કેવી રીતે કહી શકે ? એ તો સહુ સહુની સમજણથી સાચું છે. બીજાની સમજણથી ખોટું લાગે છે ને ? અમને કોઈ દોષિત દેખાતું જ નથી. આ વાણી નીકળે છે તેની જોડે પાછું પ્રતિક્રમણ હોય છે. એટલે 'આમ ન હોવું જોઈએ' એમ અભિપ્રાય જુદો હોય છે અમારો કે આવું છે નહીં. દેખાય છે કેવું ? નિર્દોષ દેખાય છે અને આ વાણી કેમ આવી નીકળે છે ? અવર્ણવાદ ના હોવો જોઈએ. અમારે તો મૌન રહેવું જોઈએ. હવે મૌન રહે તો તમે બધાં જાણો નહીં કે શું થયું, તે પણ સત્ય ના કહેવાય. આ સત્ય કહેવાય નહીં. એને સત્ય કહેવાય ? હું અહીં આગળ બોલું છું, એ કોઈ માણસ સામો અવાજ આપવા તૈયાર થાય છે ? વિવાદ હોય છે ? હું જે બોલ બોલ કરું છું એ બધા સાંભળ્યા જ કરે છેને ! વિવાદ નથી કરતાને ! એ સત્ય છે. એ વાણી સત્ય છે અને સરસ્વતી છે અને જેની અથડામણ થાય એ તો ખોટી વાત, એક્ઝેક્ટલી ખોટી ! આમાં તો સામો કહે, અક્કલ વગરના, બોલ બોલ ના કરશો. એ પેલોય ખોટો ને આય ખોટો અને સાંભળનારાય ખોટા પાછા. સાંભળનારા કશું ના બોલે અને તે બધાય એ ટોળું આખું ખોટું ! પ્રશ્નકર્તા : પણ આપણા કર્મનો ઉદય એવો હોય, કે આપણે સામાને ખોટા જ લાગતા હોઈએ. આપણી વાત સત્ય હોય, એકદમ બરાબર હોય, આપણે કહીએ, 'આ મેં નહોતું કર્યું' છતાં કહેશે, 'ના, તેં આમ જ કર્યું હતું', તો એ આપણા કર્મનો ઉદયને? તો જ એને ખોટું લાગ્યુંને ? દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી, જૂઠું જ બોલે છે. સાચું તો સામો માણસ કબૂલ કરે તે સાચું, નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલું સત્ય એ કંઈ લોકો સ્વીકાર ના કરે. એટલે ભગવાને કહ્યું કે સત્ય કોનું ? વીતરાગ વાણી હોય એનું! વીતરાગ વાણી એટલે શું ? વાદી કબૂલ કરે, પ્રતિવાદી કબૂલ કરે, પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી. જૂઠી-લબાડી, જેલમાં ઘાલી દેવા જેવી, આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાં સત્ય ના હોય. તમને લાગે છે એમાં સત્ય હોય? આ અમે અહીં વઢીએ ત્યારે આત્મા કબૂલ કરે. વિવાદ ના હોય. આ આપણામાં કોઈ દહાડો વિવાદ થયો છે ? કો'ક માણસ જરા કાચો પડી ગયો હશે, બાકી કોઈ વિવાદ થયો નથી. દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી-પ્યાઙ્ખર વાત, પ્રત્યક્ષ સરસ્વતી ! દેશના! અને રાગી-દ્વેષી વાણીને સાચી કહેવાય ? પ્રશ્નકર્તા : ના કહેવાય. દાદાશ્રી : ત્યારે તું કહું છું ને સત્ય ? પ્રશ્નકર્તા : વ્યવહાર સત્ય કહેવાયને એ તો? દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે. વ્યવહાર સત્ય એટલે સામાને જો ફિટ થયું તો સત્ય અને ના ફિટ થયું તો અસત્ય. વ્યવહાર સત્ય એટલે ખરેખર સત્ય તો છે જ નહીં. પ્રશ્નકર્તા : આપણે સત્ય માનતા હોઈએ અને સામાને ફિટ ના થયું... દાદાશ્રી : એ બધું જૂઠું. બધું જ જૂઠું. ફિટ ના થયું એ જૂઠું. અમે હઉ કહીએ છીએને કો'કને, જેને અમારી વાત ના સમજાતી હોય તો એની ભૂલ નથી કાઢતા, અમારી ભૂલ કહીએ છીએ કે અમારી એવી કેવી ભૂલ રહી કે એમને વાત ન સમજાઈ. વાત સમજાવી જ જોઈએ. સામાને સમજણ ના પડી એમાં સામાનો દોષ કાઢતા જ નથી, અમે અમારો દોષ જોઈએ. મને એને સમજાવતાં આવડવું જોઈએ. એટલે સામાનો તો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે એ તો ભયંકર ભૂલ જ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી. કોઈ દહાડો લાગ્યોય નથી. આ તો અમને પૂછે એટલે જવાબ આપવો પડે ને પાછું અમારે પ્રતિક્રમણ કરવું પડે. હવે સત્ય તો પ્રતિક્રમણપૂર્વકનું જ કહેવાય છે હંમેશાં. પ્રતિક્રમણ ના હોય તો એ સત્ય સત્ય જ નથી. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે. 'કેવળ દર્શન' દેખાડે ભૂલ અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સ્યાદ્વાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! ઝપટમાં લીધા સિવાય બોલે એ. વાત તો એ એવી જ બોલે, પણ ઝપટમાં લીધા સિવાય. પ્રશ્નકર્તા : આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તોય પણ એ દર્શન તો સંપૂર્ણ છેને કે ભૂલ સ્યાદ્વાદમાં થઈ ગઈ? દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાનેય ખરું, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલનીય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમો તો સ્થૂળ ભૂલો જુઓ છો. મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએને કે અમારો દોષ હોય, છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાનો દેખાય. પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ? દાદાશ્રી : સ્યાદ્વાદ-અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. 'ફૂલ' (પૂર્ણ) દર્શન છે, તેથી બધાને કહ્યું ને કે કેવળદર્શન આપું છું. અમારે પ્રતિક્રમણ કરવું પડે. અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓને આપણું એટલું ફરજિયાત છે. કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે! બાકી કોઈનુંય ના બોલાય. આ દુનિયામાં બધાય નિર્દોષ છે, એવું જાણીએ છીએ. પણ કોઈનું બોલાય? પ્રશ્નકર્તા : ના બોલાય. દાદાશ્રી : એ જ વાણી નીકળે છેને, એની પાછળ તરત જ પાછું આનાં પ્રતિક્રમણ અમારાં ચાલ્યા કરે. એય જુઓને કેવી દુનિયા છે! વાણી બોલે એની ઉપર જ અભિપ્રાય જુદો. કેવું આ જગત છે? એ વાણી બોલે છે, તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી આ, આ ખોટું છે, આવું ન્હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે, એ એની સાથે જાગૃતિ કરીને ચાલે. અમે બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે. ફક્ત અનુભવમાં નથી આવ્યું. તે અનુભવમાં કેમ નથી આવ્યું ? તો આ છે તે આ વાણી છે તે એ ડખલ કરે છે. પ્રશ્નકર્તા : ડખલ કરે છે છતાંય આપની તો સતત જાગૃતિ છે. દાદાશ્રી : નહીં, પણ જાગૃતિ છે, પણ આ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણપદ તો મળે નહીંને ! આ વાણી કેવી નીકળે છે ? આ જોશબંધ! હવે આ વાણી ક્યારે ભરેલી ? કે જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી કે આ આ દોષિત આવા, આવું કેમ કરે છે? આવું કેમ કરે છે? આ આવું ના હોવું જોઈએ, આ બધાં ધર્મો આવાં કેમ હોવા જોઈએ ? એ ભરેલું તે આજે નીકળે છે. ત્યારના અભિપ્રાય આજ નીકળે છે. અને આજ તે અભિપ્રાયથી અમે સહમત નથી. નિર્દોષ દ્ષ્ટિ છતાં સદોષ વાણી અમારી પ્રતીતિમાં છે કે દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખીયે બદલાઈ ગયેલી છે. એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું આ. પ્રશ્નકર્તા : નિર્દોષ છે એમ સમજીને બોલો છો ? તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવાં પડે ? દાદાશ્રી : પણ ના બોલાય. શબ્દેય બોલાય નહીં. એવો વાંકો શબ્દેય કેમ બોલ્યા ? સામો તો છે જ નહીં, અહીં આગળ. સામાને દુઃખ થતું નથી. અને તમારે બધાને વાંધો નથી કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દેય ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા : તમે તો છૂટા ને છૂટા જ રહો છો, બોલો ત્યારે પણ તો પછી શા માટે પ્રતિક્રમણ? દાદાશ્રી : છૂટા છે, એટલે પ્રતિક્રમણ 'મારે' નહીં બોલવાનું. આ અંદરના અંદર, જે કરે ને, જે બોલેને, તેને જ કહેવાનું, 'તમે પ્રતિક્રમણ કરી લો.' અને તમારેય એવું જ છે. આ પ્રતિક્રમણ તે 'તમારે' નહીં કરવાનું, 'ચંદુભાઈ'ને કહી દેવાનું. 'તમારે' પ્રતિક્રમણ કરવાનું હોય નહીં. જેણે અતિક્રમણ કર્યું ને, તેણે જ પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા : તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ, જ્ઞાન સંબંધી ના હોય. કોઈ સ્યાદ્વાદના વિરોધમાં જતો હોય એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદ્વાદ હોય ત્યારે કડકાઈ ના થાય, બિલકુલ સંપૂર્ણ સ્યાદ્વાદ! આ તો સ્યાદ્વાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્યાદ્વાદ કહેવાય નહીં ને ! એટલે કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ સ્યાદ્વાદ ! આમાં તો કો'કનો હાથ કે આંગળી કપાઈ જાય ! દોષિત બોલાય છતાં ન દિસે દોષિત આ દુનિયામાં બધા નિર્દોષ છે. પણ જો આવી વાણી નીકળે છે ને ?! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એકુંય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે ? આપણે શું ફરજિયાત છે ? કોઈનુંય ના બોલાય. એની પાછળ તરત જ એનાં પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે. અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણીજોઈને બોલીએ પણ કુદરતમાં અમારી ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય. પ્રશ્નકર્તા : શુભ આશયથી વઢીએ તોય પ્રતિક્રમણ કરવું પડે? દાદાશ્રી : શુભ આશયથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના હોય ને આના પર ક્રોધ કરો તોય પુણ્ય બંધાય. કારણ કે આશય પર છે. આ જગતમાં બધું આશયથી બંધાય છે. મારાથી 'છે' એને 'નથી' એમ ના કહેવાય અને 'નથી' એને 'છે' એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાક લોકોને દુઃખ થાય. જો 'નથી' એને હું 'છે' કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય. અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે ? એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ, આવું બોલવાનું થાય તો ! કારણ કે પેલાને દુઃખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે અને હું કહું કે આ પીપળામાં ભૂત જેવી વસ્તુ નથી. એનું પેલાને દુઃખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હંમેશાં કરવું જ પડેને ! હું કોઈને દુઃખી કરવા માટે નથી આવ્યો. કોઈને દુઃખ થાય એને માટે અમે નથી આવ્યા. અમે તો સુખી કરવા માટે આવ્યા છીએ અને અજ્ઞાની અને જ્ઞાની બેઉ જણને સુખ આપી શકાય નહીં, માટે આ બાજુનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : ઘણીવાર અજ્ઞાન હોય છે, તે જ્ઞાનનો આંચળો ઓઢીને પ્રગટ થાય છે. દાદાશ્રી : અજ્ઞાન પ્રગટ થાય તો ટકે નહીં. એક સેકન્ડેય ટકે નહીં. અને આપણે અહીં તો બિલકુલ ટકે નહીં. કારણ કે આપણું જ્ઞાન કેવું છે ? ડિમાર્કેશનવાળું જ્ઞાન છે. આ અજ્ઞાન ને આ જ્ઞાન, બેની વચ્ચે ડિમાર્કેશનવાળું એટલે અહીં તો ચાલે જ નહીં ને કોઈપણ. પછી એને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. વાળી લેવાય એટલું વાળી લઈએ પાછા કે ભઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો અમે પ્રતિક્રમણ કરીએછીએ. દુઃખ તો મનુષ્યોને ન જ કરાય. તને એની અણસમજણ હોય, પણ એને મન તો એ સમજણ જ છેને ! આપણને એની અણસમજણ લાગે, પણ એને તો સમજણ જ માની બેઠો છે ને, એને દુઃખ કેમ થાય આપણાથી ? જ્ઞાનીની દ્ષ્ટિની નિર્દોષતા પ્રશ્નકર્તા : કોઈ પણ વ્યક્તિ નિર્દોષ ક્યારે દેખાય ? નિર્દોષતા સહજ હોય કે કેમ ? દાદાશ્રી : હવે આપણે નિર્દોષ થઈએ સંપૂર્ણ તો જ સામો મને નિર્દોષ દેખાય, નહીં તો દેખાય નહીં. જ્યાં સુધી આપણે દોષિત છીએ ત્યાં સુધી એ દોષિત દેખાય. એટલે મને આખું જગત નિર્દોષ જ દેખાય છે. મને એટલે આ દાદા ભગવાન તરીકે હું જ્યારે રહું ને, ત્યારે આખું જગત નિર્દોષ દેખાય અને વખતે 'અંબાલાલ'માં આવું તે વખતે દેખાય ખરું નિર્દોષ, પ્રતીતિમાં ખરું પણ વર્તનમાં ના પણ હોય. તે વખતે તમારી ભૂલ પણ કાઢી નાખું. બાકી અમને નિર્દોષ જ દેખાય તો પછી ભૂલ ક્યાંથી દેખાઈ ? પણ તે તો પછી અમારું જરા ધોઈ નાખીએ ને, તરત ને તરત ઓન ધી મોમેન્ટ બધું સાફ, ક્લિઅર પણ દેખાય ખરું વચ્ચે. હું કંઈ તમારી પ્રકૃતિના દોષો જોવા નહીં આવ્યો, હું તમારી પ્રકૃતિ જોવા આવ્યો છું, નિરીક્ષણ કરવા આવેલો છું. તમારી પ્રકૃતિના ને હું મારી પ્રકૃતિનાય દોષો જોવા નથી આવ્યો, હું તો પ્રકૃતિનું નિરીક્ષણ કરવા આવ્યો છું. જોવા-જાણવા આવ્યો છું. પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિ શું કરી રહી છે, એને જાણવી જોઈએ અને પ્રકૃતિ જ્યારે કશું નહીં કરે, તે દહાડે તમારી ૩૬૦ ડિગ્રી (પૂર્ણત્વ) થઈ ગઈ હશે. પછી કંઈ પણ, સહેજ પણ, હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં. જાગૃતિપૂર્વકના પ્રતિક્રમણો પ્રશ્નકર્તા : આપણી ભાવના ના હોય એની વિરાધના કરવાની, તો પછી પ્રતિક્રમણ કરવાં જોઈએ? આપણે તો જે સાચી વાત છે એ જ કહીએ છીએને? દાદાશ્રી : એવું છે ને અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય. બોલીએ ને સાથે જ. પ્રશ્નકર્તા : પણ જે સાચી વાત છે એ કહેતા હતા એમાં શું પ્રતિક્રમણ કરવાનાં ? દાદાશ્રી : ના, પણ તોય પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને. કોઈનો ગુનો તેં કેમ દીઠો ? નિર્દોષ છે તોય દોષ કેમ જોયો ? નિર્દોષ છે તોય એનું વગોવણું તો થયું ને ? વગોવણું થાય, એવી સાચી વાત પણ ના બોલાય, સાચી વાત એ ગુનો છે. સાચી વાત સંસારમાં બોલવી એ ગુનો છે. સાચી વાત હિંસક ના હોવી જોઈએ. આ હિંસક વાત કહેવાય. અમારે તરત પ્રતિક્રમણ કરવાના. અમે સાધુ-આચાર્યો બધાને નિર્દોષ જોયેલા છે. અમારે માટે દોષિત એકુય છે નહીં અને દોષિત જે બોલાય છે, તેમાંય કોઈ દોષિત અમને દેખાતો જ નથી. પણ તે દોષિત બોલાય ખરું, એટલું છે ને અમારે એની પાછળ પ્રતિક્રમણ હોય છે તરત. એટલી અમારી આ ચાર ડિગ્રી ઓછી છેને, તેનું આ ફળ છે. બાકી નહીં તો સંપૂર્ણ વીતરાગતા વર્તે છે. અને તમારે તો બહુ જ પ્રતિક્રમણ કરવાં પડશે. હું બોલું ને, પણ અમારી જાગૃતિ રહે અને તમારાથી બોલાય નહીં આવું. જાગૃતિ હોવી જોઈએને. મોઢેથી બોલાય નહીં. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના કરો તો પછી શું થાય ? દોષ લાગે? દાદાશ્રી : એ દાવા કરી આપે. આપણી પર કોર્ટમાં સો દાવા માંડ્યા હોય લોકોએ. એનું નિકાલ ના કરીએ તો શું થાય ? દાવા ઊભા જ રહ્યા, એટલે પ્રતિક્રમણ ના કરે ત્યાં સુધી દાવા ઊભા રહ્યા. રક્ષે જ્ઞાની સહુને સદા એ વાંકું કરે, અપમાન કરે તોય અમે રક્ષણ મૂકીએ. એક ભાઈ મારી જોડે સામા થઈ ગયેલા. મેં બધાને કહ્યું, એક અક્ષર અવળો વિચારવો નહીં. અને અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરજો. એ સારા માણસ છે પણ એ લોકો શેના આધીન છે? કષાયના આધીન છે, આત્માના આધીન નથી આ. આત્માના આધીન જ હોય તે આવું સામું બોલે નહીં. એટલે કષાયના આધીન થયેલો માણસ કોઈપણ જાતનો ગુનો કરે તે માફ કરવા જેવો. એ પોતાના આધીન જ નથી બિચારો ! એ કષાય કરે તે ઘડીએ આપણે દોરો શાંત મૂકી દેવો જોઈએ. નહીં તો, તે ઘડીએ બધું ઊંધું જ કરી નાખે. કષાયને આધીન એટલે ઉદયકર્મને આધીન. જે ઉદય આવ્યો, એવું ફરે. વાડ સહિત પ્રતિક્રમણ, જ્ઞાનીના અમારી ઇચ્છા ના હોય તોય ક્યારેક અમારાથીય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે-ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ, એનું બધું રક્ષણ કરીને મૂકી દઈએ. પડવા તો ના જ દઈએ. સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી. બેભાનપણે બોલી રહ્યો છે. એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચઢાવેલો ખોટો. અમે સૈદ્ધાંતિક હોઈએ કે, ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. અમે એના વિચારો જ બધા ફેરવી નાખીએ. અમે અહીં ઘેર બેઠા બેઠા એના વિચારો જ ફેરવી નાખીએ. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં, એવું કરવું પડે. એવો કો'ક જ કેસ હોયને! બધા કેસ ના હોયને! પ્રશ્નકર્તા : આ વાડ-બાડ મૂકવાનું એ બધું શું છે ? એ બધું શું કરવાનું એને? દાદાશ્રી : એનું અંતઃકરણ પકડી લેવાનું. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો તો પડી જાયને! પ્રશ્નકર્તા : આપણે જે કંઈ પ્રતિક્રમણ કરીએ, એ અતિક્રમણ થયું, એટલે પ્રતિક્રમણ કરવાનું છે. તો સામાવાળાને આપણા અતિક્રમણ દરમ્યાન આપણે જે દુઃખ પહોંચાડ્યું એટલા માટે પ્રતિક્રમણ કરવાનું? દાદાશ્રી : હા, એટલા માટે જ. બીજા કોઈ કારણ માટે નહીં. હવે આપણે તો લેવાદેવા જ ના રહીને ! હવે આની જોડે વ્યવહાર જ નથી રહ્યો. ફક્ત આ કોઈને દુઃખ ના પડે એટલું જ જરા જોવા પૂરતું જ, તે જે ગુનેગાર હોય તેને કહી દેવું કે 'પ્રતિક્રમણ' કર. બાકી આપણે 'શુદ્ધાત્મા'ને તો કંઈ ધોવાનું નથી રહ્યું. ધોવાઈ ગયું બધું. કરવું પડે પ્રતિક્રમણ, 'જોક'નું પણ આપણે કોઈને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય, અરે, સહેજેય કોઈને 'જોક' (મજાક) કર્યો હોય અને સામો જરા કાચો હોય ને જરા ચલાવી લેતો હોય તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે 'જોક' કરીએ પણ નિર્દોષ 'જોક' કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળા બનાવવા માટે 'જોક' કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ 'જોક' કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલોય સમજે કે આ ગમ્મત કરે છે. મશ્કરી નથી કરતા, ગમ્મત કરે છે. હવે આ અમે કોઈની ગમ્મત કરીએ તો એનાંય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમને એમ એવું ચાલે નહીં. પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાયને ! દાદાશ્રી : ના, પણ એય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે પણ અમારે તો કરવાં પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ 'ટેપરેકર્ડ' નીકળેને, તે પછી ઝાંખી નીકળે. ન રહે પ્રતિપક્ષી ભાવ ત્યારે આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોતને તો મોક્ષ તો સહજાસહજ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેની ય મહીં પોતાની ઉપર ધૂળ પડે એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય. સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એ જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. 'તારામાં નબળાઈ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.' પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ? દાદાશ્રી : ભાવ ના આવવો જોઈએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીંને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. પાણીનો બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે. પ્રતિક્રમણ લાવે વ્યવહારશુદ્ધિ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ? દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ. આ કાળમાં તો નરી અપરાધોની જ ગાંસડીઓ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અપરાધ કર્યો હોય તો કરાયને ? દાદાશ્રી : નર્યા અપરાધ જ છે. છે જ અપરાધી. એક ક્ષણવારેય નિર્અપરાધી થયો જ નથી. નિર્અપરાધી તો જ્યારે શુદ્ધાત્મા થાય, ત્યારે જ થાય. નિર્અપરાધી થયો એટલે અહંકાર ગયો અને મમતા ગઈ, ત્યારથી એ નિર્અપરાધી થયો. પણ તે પાછું આ પાડોશી (ફાઈલ નં. ૧)અપરાધી થયો. તે અહીં બે ભાગ પાડી દેવામાં આવ્યા છે, પ્રકૃતિ ને પુરુષ. તે પુરુષ થયા એટલે પુરુષ થઈને પ્રકૃતિને સૂચના આપો કે, તમે આ અમારા પાડોશી થાઓ. એટલે તમને સલાહ આપીએ કે તમે અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો. એટલે આ કુદરતી રીતે જ થઈ જાય. આ જ્ઞાન જ એવું છે ને! અને પછી આજ્ઞા કરેલી હોય. એટલે આજ્ઞા એની મેળે જ કરાવડાવે. એમને કશું કરવાનું ના હોય. અમારી આજ્ઞાથી બધું થાય એવું છે. એટલે આ ફાઈલ ને સામાનીય ફાઈલ, એટલે સામો દોષિત દેખાય નહીં. કોઈપણ માણસ અમને દોષિત દેખાતો જ નથી. જીવ માત્ર અમને દોષિત દેખાતો નથી. ફૂલ ચઢાવે તેય દોષિત દેખાતો નથી અને ગાળો ભાંડે તેય દોષિત દેખાતો નથી. સાચા પ્રતિક્રમણ, આત્મદ્ષ્ટિ પ્રાપ્ત થયા પછી પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું 'ચાર્જ' ન કરીએ ? દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી. ચંદુભાઈ કરે ને તમે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો. નિજસ્વરૂપની પ્રાપ્તિ પછી સાચાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ. આપણું પ્રતિક્રમણ એટલે શું ? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીએ તે આપણું પ્રતિક્રમણ છે. પ્રશ્નકર્તા : રોજ પ્રતિક્રમણ કરીએ ને પછી એની એ જ ભૂલ કરે કે ના કરે ? દાદાશ્રી : જે રોજ-રોજ ભૂલ થાય એને ઓળખી લેવી. એ જ ખરી. પ્રતિક્રમણ કરીએ તોય ખસે નહીં. એક-એક પડ તૂટતું જાય. એક કલાક પ્રતિક્રમણ કરો તોય સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તુર્ત જ રોકડું થઈ જાય તે ભગવાન પદમાં આવી જાય તેમ છે. એક-એક પ્રતિક્રમણમાં રૂપ ભરેલું હોય છે ને અપ્રતિક્રમણ એ કદરૂપું નિશાન છે. ભૂલોના બોજા, ટળે પ્રતિક્રમણથી પ્રશ્નકર્તા : ઘણીવાર જૂનું જે બધું થઈ ગયું હોય ને તેનો બોજો રહે. દાદાશ્રી : જૂનાનો બોજો આપણે તો આમ બાજુએ નાખી દેવાનો. બોજો આપણે શું કરવા રાખીએ? આપણને જો હજુ ટચ (અડતું) થતું હોય તો બોજો રહે. પ્રશ્નકર્તા : પેલું જે જૂની ભૂલો હોયને, એનો બોજો લાગે. દાદાશ્રી : કેટલા વર્ષ પહેલાંની ? પ્રશ્નકર્તા : મહિના, બે મહિના પહેલાની. દાદાશ્રી : એમાં શી મોટી ભૂલો તે ? પ્રતિક્રમણ કરી નાખવાનું, બીજું શું કરવાનું ? પ્રશ્નકર્તા : આમ પ્રતિક્રમણ કરીએ પણ ભૂલ એક્ઝેક્ટ દેખાય. દાદાશ્રી : એ તો પ્રકૃતિ દેખાય. પ્રકૃતિ જાય નહીં. પ્રકૃતિ એટલે શું કે ડુંગળીની પેઠ હોય. એક ભૂલ નીકળી, પાછી બીજી નીકળે, ત્રીજી નીકળે, એની એ જ ભૂલ નીકળ્યા કરે પણ પ્રતિક્રમણ તો કર્યે છૂટકો. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો કરે પણ પોતે આનાથી છૂટો ના થઈ જાય, ત્યાં સુધી બોજો રહે. દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અતિક્રમણથી આ ઊભું થયું છે ને પ્રતિક્રમણથી એ નાશ થાય છે, બસ ! પ્રશ્નકર્તા : આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું. આવી ભૂલ ફરી નથી જ કરવી. એવું હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ભાવ સાથે નક્કી કરે. છતાંય ફરી એવી ભૂલ થાય કે ના થાય ? એ પોતાના હાથમાં ખરું ? દાદાશ્રી : એ તો થાય ને પાછી. એવું છે ને આપણે અહીં આગળ એક દડો લાવ્યા અને મને આપ્યો, હું અહીંથી નાખું. મેં તો એક જ કાર્ય કરેલું. મેં તો એક જ ફેરો દડો નાખ્યો. એટલે હું કહું કે હવે મારી ઇચ્છા નથી. તું બંધ થઈ જા. તો એ બંધ થઈ જશે ? પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : તો શું થશે ? પ્રશ્નકર્તા : એ તો ત્રણ-ચાર-પાંચ વખત કૂદશે. દાદાશ્રી : એટલે આપણા હાથમાંથી પછી નેચરના હાથમાં ગયો. પછી નેચર જ્યારે ટાઢો પાડે ત્યારે, તે એવું આ બધું છે. આપણી જે ભૂલો છે, એ નેચરના હાથમાં જાય છે. પ્રશ્નકર્તા : નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે ? દાદાશ્રી : બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો સામા માણસને એટલી બધી અસર થાય છે કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ જાય. બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ. ચોખ્ખો થયેલો, હું શુદ્ધાત્મા છું એવા ભાનવાળો. તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ તો અમારું હથિયાર છે મોટામાં મોટું ! અશુદ્ધ પર્યાયોનું શુદ્ધિકરણ 'આત્મજ્ઞાન' મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થતા હોય, તેનું શુદ્ધિકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધિકરણ થાય અને સમતામાં રહેવાનું. પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ? દાદાશ્રી : હજુ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાત્તાપ કરીને એને ધોઈ નાખવા પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલું થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય ! પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન મળ્યા પહેલાં નર્કના બંધ પડી ગયા હોય તો નર્કે જવું પડે ને ? દાદાશ્રી : એવું છે કે આ જ્ઞાન જ એવું છે કે પાપો બધાં ભસ્મીભૂત થઈ જાય છે, બંધ ઊડી જાય છે. નર્કે જનારા હોય પણ તે પ્રતિક્રમણ કરે, જીવતા હોય ત્યાં સુધીમાં, તો તેનું ધોવાઈ જાય. પોસ્ટમાં કાગળ નાખ્યા પહેલાં તમે લખો કે ઉપરનું વાક્ય લખતાં મનનું ઠેકાણું ન હતું તો તે ઊડી જાય. પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ? દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડાગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય. અભિપ્રાયથી મુક્ત થવાય આમ પ્રશ્નકર્તા : આપણે ડિસ્ચાર્જ જે થતો હોય તે જોયા કરીએ અને પ્રતિક્રમણ ના કરીએ તો એ વધે કે ઘટે ? દાદાશ્રી : એ કશું વધે નહીં. પ્રતિક્રમણ ના કરીએ તો એ પરમાણુ છે તે ફરી પાછા આગળ દેખાશે, એ આવતા ભવમાં. પ્રશ્નકર્તા : પણ અત્યારે ભરીએ નહીં, ખાલી જોયા કરતા હોઈએ તો ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) જરૂર નથી. આ તો પ્રતિક્રમણનું મેં શા માટે મૂકેલું છે, નહીં તો અભિપ્રાયથી છૂટશો નહીં. પ્રતિક્રમણ કર્યું એટલે અભિપ્રાયથી સામા થઈ ગયા. એ અભિપ્રાય અમારો નથી હવે. નહીં તો અભિપ્રાય મોળો પણ રહી જશે. પ્રતિક્રમણ કરવાની જરૂર નથી આ વિજ્ઞાનમાં. ફક્ત આ એટલા માટે મૂકેલું, નહીં તો અભિપ્રાય એક રહેશે, 'કશો વાંધો નહીં' કહેશે. શાસ્ત્રકારોએ વાંધો ઉઠાવ્યો કે પ્રતિક્રમણ આમાં કેમ રાખો છો? પણ એ એમને ખબર ના પડે કે આ અક્રમ માર્ગ છે. અને લોકોનો અભિપ્રાય એ રહી જશે. એક તો મહીં દારૂ પીધો તે પીધો, પછી પ્રતિક્રમણ ના કરે એટલે એ જ અભિપ્રાયરહ્યો. અમે હઉ પ્રતિક્રમણ કરીએને. અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. પ્રતિક્રમણનો વાંધો નહીં, અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે. એટલે આ સાયંટિફિક રીતે જરૂર નથી પણ અત્યારે તમને ટેકનિકલી જરૂરછે. પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ કર્યાં હોય તેમાં નુકસાન શું ? દાદાશ્રી : એવું નુકસાન શું ને નુકસાન શું નથી, એના માટે આ નથી રાખેલું. એક્ઝેક્ટનેસ માટે રાખેલું છે. શું નુકસાન એવું તો બોલાય નહીં. શું નુકસાન ક્યાં બોલાય ? કે આપણા સાધારણ વ્યાપારોમાં બોલાય. પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. છૂટો પ્રતિક્રમણ કરીને આમ અને બીજું ઘરના માણસોનાંય રોજ પ્રતિક્રમણ કરવાં જોઈએ. તારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો, કુટુંબીઓ, બધાનું રોજેય પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય. જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરીકરીને તેટલો મોક્ષ પાસે આવ્યો. પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને, બીજા જન્મમાં ? દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કરકરવાં. એટલે પ્રતિક્રમણ કરોને, એટલે જો કુટુંબીઓ માટે એક કલાક પ્રતિક્રમણ કરોને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ ને એ બધાં, એક કુટુંબ હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય, આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી ગોઠવતા? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો તે બહુ આનંદ તે ઘડીએ તો આવે. એ આનંદ માશેનહીં ! પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે. દાદાશ્રી : કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી. પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ (ફાઈલ નં.૧) કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો, એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં. એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે. ઋણાનુબંધી ત્યાં જ ચીકણું નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી. નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવા વધારે હોતા નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળા ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવાદેવાવાળો છે તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે. પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકના ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે. બધું ચોખ્ખું થાય ત્યારે વાણી સારી નીકળે. નહીં તો વાણી સારી નીકળે નહીં. આ બધું ચોખ્ખું જ. બધી બાબત, જ્યાં જ્યાં ઓળખાણ માત્ર છે. એ બધાનું જિલ્લાવાર, લત્તાવાર પ્રતિક્રમણ કરવું જોઈએ. આ વકીલ છે તે વકીલો, પછી જજો એટલે બધા જ જજો આવે. બીજા બધાં પ્રતિક્રમણ બહુ કરવાં પડે. રસ્તામાં આવતાં-જતાં, કંઈ વાતચીત કરતાં એ થયું હોય, તો એમના નામથી પ્રતિક્રમણ કરવું. આ રસ્તે ચાલતાં ઠોકર વાગી તો શાથી ઠોકર વાગી એ. બધાં સાર કાઢીએ કે આ રસ્તે ચાલ્યા માટે ઠોકર વાગી. એટલે ફરી ના થાય, પણ આપણે ફરી ઊથામવાનું નહીં એને. કાઢી લો કામ પ્રતિક્રમણ કરીને પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં પચાસ-સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. આજે રાતે પ્રતિક્રમણ કરજો ને તમારા બધા કુટુંબીઓના, ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે કરજો. પછી ખૂટી પડે તો પરમ દહાડે રાતે, અને તે એટલે સુધી નહીં, આપણે ગામમાં ઓળખતા હોય એ બધાને સંભારીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર મારાથી રીસ ચઢી હોય, એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને ? બધાં કાગળિયાં ચોખ્ખાં કરવાં પડશે. બપોરે આરામ કરતી વખતે પ્રતિક્રમણ કરવાનું લો. એટલે ઊંઘેય આવે નહીં અને આ પ્રતિક્રમણો થાય અને આરામેય થાય. અમારે એવી રીતે લેવાય. પણ અમારું બધું પૂરું થઈ ગયેલું હોય. એમના શુદ્ધાત્માને નમસ્કાર કરીને પ્રશ્નકર્તા : આપે જે સગા-સંબંધીઓનું પ્રતિક્રમણ કરવાનું જે કીધું એટલે એ લોકોની સાથે કંઈ એટલે કે જોયા જ કરવાનું કે બોલવાનું કશું? દાદાશ્રી : બોલવાનું મનમાં. પ્રશ્નકર્તા : એમના પ્રત્યે રાગ કર્યો હોય તો એ પણ દોષ છે, દ્વેષ કર્યો હોય એ પણ દોષ છે, તો એનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : રાગ-દ્વેષ એકલું નહીં, બધી બહુ ચીજ બોલવી પડે. આ ભવમાં, સંખ્યાત-અસંખ્યાત ભવમાં રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે દોષો થયા હોય તેનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું, એવું બોલવું પડે. પ્રશ્નકર્તા : આ ભવ, અસંખ્યાત ભવથી જે કંઈ રાગ-દ્વેષ થયા છે તે બધાનું ? દાદાશ્રી : રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે જે દોષ થયા હોય, અગર આક્ષેપો કર્યા હોય, અહંકાર ભગ્ન કર્યા હોય, એ બધું બોલવું પડે. એ બોલી રહ્યા, એટલે એક ફાઈલ પતી, પછી બીજી ફાઈલ, જેમ ડૉક્ટરો પેશન્ટને (દર્દી) કાઢે છેને ? અમે તો ગામવાળા જોડેય ચોખ્ખું કરી નાખ્યું. ગામમાંય અમારી ખડકીમાં ખોળી ખોળીને કર્યું. અણસમજણથી કરેલા દોષો જ બાંધેલા હોય. તમે બાંધેલા કે નહીં બાંધેલા કોઈ દહાડો ? કરો પ્રીતિ, પ્રતિક્રમણ જોડે (પોતાની) સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભુલાતી નથી તેમ પ્રતિક્રમણ ભુલાવું ના જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કરવી. માફી માગવાની ટેવ જ પાડી નાખવી. આ તો પારકાના દોષ જોવાની દ્ષ્ટિ જ પડી છે. પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કેટલાંક તે કરવાનાં? દાદાશ્રી : આ ખાવ છો, પીવો છો. આખો દહાડો હવા લો છો, તેમ આ આખો દહાડો પ્રતિક્રમણ કરવાનાં. ખપે પ્રતિક્રમણ, રાગ-દ્વેષનાં પ્રશ્નકર્તા : આકર્ષણ થાય તેનું પ્રતિક્રમણ કરવું પડે? દાદાશ્રી : હાસ્તો. આકર્ષણ-વિકર્ષણ શરીરને થતું હોય તો ચંદુભાઈને આપણે કહેવું પડે, 'હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે, પ્રતિક્રમણ કરો.' તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ-વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારા છે. આ 'ના ગમે', તેનો કંઈ ઉકેલ લાવવાનો કે નહીં લાવવાનો? આ 'ગમે' તેનોય ઉકેલ લાવવાનો, સંઘરવાનું નથી. જે બધી વાતો 'ગમે' એ સંઘરવાની નહીં, એનોય ઉકેલ લાવવાનો ને આનોય ઉકેલ લાવવાનો છે. 'ગમે' એ ભરેલો રાગ નીકળે છે અને 'ના ગમે' એ ભરેલો દ્વેષ નીકળે છે. એટલે દ્વેષનો ઉકેલ લાવવાનો છે. એટલે ત્યાં અમારી પેઠે રહેવું, બધાની સાથે ભળતા ને ભળતા ! (કારણ કે દ્વેષને લઈને જુદાઈ થઈ જાય, ભળતાં રહેવાથી જુદાઈ મટી જાય ને દ્વેષ ઓગળી જાય.) પ્રશ્નકર્તા : દ્વેષનો નિકાલ કરવાનો છે એવું તો સામાન્ય સમજમાં આવે, પણ રાગનો નિકાલ કરવાનો છે, એ તો કંઈક ભારે વાત છે. દાદાશ્રી : એ તો બધો નિકાલ કરવો પડશે એમનો. નિકાલ કર્યા વગર તો કેમ ચાલે તે ? સંઘરેલો માલ સોંપી દેવો પડશે. જે જે પરમાણુ જેના હોય ને, તે એના પરમાણુને સોંપી દઈને છૂટા થઈ જવાનું. ના ગમતા હોય તેય સોંપી દેવા પડશે ને ગમતાય સોંપી દેવા પડશે. પછી વીતરાગ થવાનું છે. હવે આ ચારિત્રમોહનીય એટલે ભરેેલો માલ કાઢવો, ભરેલા માલનો હિસાબ ચૂકતે કરવો, એ ચારિત્રમોહનો સમભાવે નિકાલ કરવો. આ તો રોકડિયો વ્યાપાર આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માંગી જમા કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઉધાર થાય પણ તરત જ કઙ્ખશ - રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરી લેવું. આપણા મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ, તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ (બાકી) ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય. પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરીને? દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. 'આ' 'જ્ઞાની પુરુષ'ની કૂંચી કહેવાય. તેનાથી ગમે-તેવાં તાળાં ઊઘડી જાય. એટલે પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. દોષ તો થયા વગર રહે જ નહીં ને ! નર્યા દોષ જ થયા કરવાના. એ દોષ તમને દેખાયા કરે. દોષ દેખાયા એટલે આ દોષનું પ્રતિક્રમણ કરવાનું, પશ્ચાત્તાપ કરવાનો અને ફરી એવું નહીં કરું, એવું પ્રત્યાખ્યાન કરવાનું. એ 'શૂટ ઑન સાઈટ' કહેવાય. દોષ થયો કે તરત એને ધોઈ નાખો. અમારાં પ્રતિક્રમણ, દોષ થતાં પૂર્વે પ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા, કે અમારાં પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે. દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ 'શૂટ ઑન સાઈટ' થવાનાં. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થયું ! કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું એનું પ્રતિક્રમણ અમારે થઈ ગયું હઉ. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય અને બોલીએય ખરાં અને પ્રતિકમણ કરીએય ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં. પ્રશ્નકર્તા : દાદા, અમારેય ઘણી વખત એવું બને છે, કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં અમને ફરક લાગે છે. દાદાશ્રી : એ અમારો તો કેવો ફેર ? ધોળા વાળ ને કાળા વાળ એકદમ સુંવાળા, કેવો ફેર? પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતનાં કરો છો? દાદાશ્રી : એની રીત ના જડે, બળ્યું ! જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી, એ આવે ત્યાં સુધી એ રીત ખોળવીય નહીં. આપણે આપણી મેળે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું. પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે, દાદા. દાદાશ્રી : ના. પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, 'ક્લિઅર' જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું 'અન ક્લિઅર', બધા ઢગલેઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીંને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને દેખાય છે પછી વાંધો શો છે ? પ્રશ્નકર્તા : ના, આ તો જાણવા પૂછ્યું. દાદાશ્રી : ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે. ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવાહતા. પ્રશ્નકર્તા : આપની વાત જુદી છે. દાદાશ્રી : ના, તેનેય અમારે ગમે તેવું જુદું હોય તો પણ અમારે એનાં પ્રતિક્રમણ કરવાં પડે. એક અક્ષરેય છોડાય નહીં. કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો ? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ ? પ્રશ્નકર્તા : જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં. દાદાશ્રી : જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતુંય હોય એક બાજુ, પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું, એમેય જાણતો હોય. પ્રશ્નકર્તા : એ તો જ્ઞાનીપુરુષની વાત થઈ. દાદાશ્રી : ના, તમારે હઉ એવું રહે ને ? મારેય પ્રતિક્રમણ કરવાનાં હોય. મારાં જુદી જાતનાં ને તમારેય જુદી જાતનાં હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય. એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય. તેનાં અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને ! અમારે આ બધાં જોડે વાતોય કરવી પડે, સવાલોના જવાબોય આપવા પડે, છતાં અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય. અમારી ભૂલો, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અમારી પ્રકૃતિ ભૂલરહિત હોય. કોઈને ભૂલ જડે નહીં. કારણ કે ભૂલરહિત હોય. અમને ભૂલ કઈ હોય ? અમારે સ્થૂળ ભૂલ ના હોય, સૂક્ષ્મ ભૂલ ના હોય. તમારી સ્થૂળ ભૂલો ગઈ હોય પણ સૂક્ષ્મ રહે અને મારે છે તે સ્થૂળ ને સૂક્ષ્મ બેઉ ના રહે. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જે જગતના કોઈ પણ જીવને નુકસાન ના કરે એવી ભૂલો અમને રહે. અમને એ દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાવ તો કહે શું કે શી રીતે આ દોષ હોય ? આને દોષ ગણાય કેમ કરીને ? જમતી વખતે દોષ દેખાયને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો, દોષ એટલે પુદ્ગલના પણ મૂળ માલિક તો આપણે. જવાબદાર તો આપણે જ ને ! ટાઈટલ તો આપણું જ હતું ને પહેલાં, અત્યારે ટાઈટલ આપી દીધું. પણ એ કંઇ વકીલો છોડે કે ? કાયદા ખોળી કાઢેને? પ્રશ્નકર્તા : માલિકીપણું છૂટી ગયું છે કહો છો પછી દોષ આપણા કેમ કહેવાય ? પુદ્ગલના દોષને આપણે શું લેવાદેવા ? દાદાશ્રી : આપણા કહેવાય નહીં પણ જવાબદાર તો છો જ. પ્રશ્નકર્તા : એ તો આપને માટે વાત છે. દાદાશ્રી : એ તો દોષ અમને દેખાય છે, તે અમને સમજાય છે ને ! ઓહોહો ! ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે, કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે. એ અમારે સાચા લાગે છે પાછા. તે 'અમે' ક્યાં છીએ, 'એ' ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો ? આવા કંઈ સંસારી દોષ થયા, એવા નથી. પ્રશ્નકર્તા : બહુ સૂક્ષ્મ હોય એ દોષો ? દાદાશ્રી : સૂક્ષ્માતિસૂક્ષ્મ. સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. એટલે મને એમ સમજાય છે ને કે ઓહોહો ! આ જ્ઞાની ક્યાં છે ! અને આ ભગવાન ક્યાં છે!! ના સમજાય ? પ્રશ્નકર્તા : સમજાય. દાદાશ્રી : તેથી હું કહી દઉં છું ને, તે આમ કરીને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો!' સાચા ભગવાન પકડ્યા. મેં તમને દેખાડ્યા. હજુ આખા વર્લ્ડને દેખાડીશ, સાચા ભગવાન દુનિયામાં છે કે નહીં તે. લોકોને તો વિશ્વાસ જ નહીં કે ભગવાન છે કે નહીં તે, આત્મા છે કે નહીં તે. પણ વિશ્વાસ નથી તેમને દેખાયા ! આત્મા છે એવું તો વિશ્વાસ બેસી ગયો લોકોને. આ તમને દોષ દેખાડીએ, એ તમને તમારા દોષ નથી દેખાતા તેથી એ તમારા ઉપરી ભવિષ્યમાં પણ રહેશે. દેખાડનારા જોઈએ ને? મારે તેથી ઉપરી થવું પડ્યું છે ને ! નહીં તો તમારા ઉપરી મારે થવાનું હોય નહીં. હું તો જ્ઞાન આપીને છૂટો થઈ ગયો. કાયમ ઉપરી તેથી રહેવું પડે છે, દેખાડનાર જોઈએ. તમને દોષો દેખાતા નથી માટે. આ થોડા ઘણા દોષો દેખાય છે ને, તે મેં દ્ષ્ટિ આપી છે તેથી દેખાયા. હવે વધારે ને વધારે દેખાય છે કે નથી દેખાતા ? પ્રશ્નકર્તા : દેખાય છે ને ! દાદાશ્રી : હજુ સૂક્ષ્મમાં તો પહોંચ્યા જ નથી. આ તો બધું હજુ સ્થૂળમાં છે. નિરાળો કુદરતનો કાયદો આ જ્યાં પોતાના દોષ પોતાને દેખાય ત્યાં ઉપરી નથી. ઉપરી એટલે શું કે ક્યાં સુધી તમારે ફરજિયાત ઉપરી હોય જ, કે જ્યાં સુધી તમે તમારા દોષ જોઈ શકતા નથી, ત્યાં સુધી તમને ઉપરી હોય જ. તમારા દોષ જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. કુદરતનો કાયદો આ, નેચરલ લૉ. મારે જે દોષ થયેલો મને દેખાતો હોયને, એ તો બહાર કહું તો જગત આફરીન થઈ જાય ! આને દોષ કહેવાય છે ? મારે કંઈ આવા દોષ નહીં આવવાના, આવા નહીં આવવાના, આ તો કચરો બધો. મારો જે દોષ દેખાય છેને તે જગત જો સાંભળીને તો આફરીન થઈ જાય, અને કહે કે આને દોષ ગણાય કેમ? એટલે તો એ ભગવાન કેવા? કેવું કૈવલ્ય છે! કેટલું ઐશ્વર્ય ધરાવે છે !! ફૂલ ઐશ્વર્ય !!! આખા વર્લ્ડમાં. તેથી કહીએ છીએને, જોડે બેસી રહેજો, સમજણ ન પડે તોય! શુદ્ધાત્મા દ્ષ્ટિ, જ્ઞાનીની સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્ષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે એ દોષો સ્થૂળ નથી. પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ? દાદાશ્રી : દેખાય બધા દોષો, પણ અમારી દોષ ભણી દ્ષ્ટિ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય, પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્ષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્ષ્ટિ ના હોય. બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં. તેથી જ કવિએ કહ્યું છે ને, ''મા કદી ખોડ કાઢે નહીં. દાદાનેય દોષ કોઈના દેખાય નહીં !'' અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ. એટલે અમારે સહજ ક્ષમા હોય. એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ. અહીંથી લપસી પડે એવું લાગે, એ 'સ્લીપ' થાય એવું હોય તો જ કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે. કારણ કે જાગૃતિનો માર્ગ છે આ ! નિરંતર 'એલર્ટનેસ' (જાગૃતિ)નો માર્ગ છે આ ! સહજ ક્ષમા જ્ઞાનીની, વર્તે સદા સામો આડું કરે છે કે સવળું કરે છે એ વ્યવસ્થિતને આધીન કરે છે. પ્રશ્નકર્તા : પણ અનાદિકાળથી આડું જોવાની ટેવ પડી છે તેનું શું ? દાદાશ્રી : હા, પણ આપણે ઉપયોગ રાખવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું. પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે, કઈ રીતે પ્રતિક્રમણ કરે ? દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ને આપણને આઘાત લાગે તો? પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું? દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય, એણે કરવાનું હોય. પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ? દાદાશ્રી : એ સુધારે, આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની. પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને ? દાદાશ્રી : જે થઈ ગયેલું હતું તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ. પ્રશ્નકર્તા : ફરજિયાત છે. દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું તે ? એમાં નવું શું કર્યું તે ? અમારી સહજ ક્ષમા હોય, સામાની ભૂલ થાય તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, 'પસ્તાશો નહીં જરાય. બરાબર છે.' એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ. ક્ષમા સહજ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : દાદા પાસે ભૂલ થઈ અને બીજી સેકન્ડે આપણને એવો અનુભવ થાય કે દાદાની બહુ જ કરુણા વરસી ગઈ આપણા ઉપર. દાદાશ્રી : હા, એટલે સહજ ક્ષમા ! પેલી ક્ષમા છે ને એ નથી આત્માનો ગુણ કે નથી અનાત્માનો ગુણ. એવી વસ્તુ છે ક્ષમા. તેને આ લોકો સંસારમાં લઈ જાય છે, એ ક્ષમા આપે છે, છતાં સારું છે. ભાષા તરીકે રાખવું સારું છે. ભાષા તરીકે 'ઓર્નામેન્ટલ' (શૃંગારિક) શબ્દ છે. મોટા માણસ નાના માણસને ક્ષમા આપે. લોકો કહેશે, 'સાહેબ, મને ક્ષમા આપો.' ત્યારે એ કહે, 'હા, ક્ષમા આપું છું', એ 'ઓર્નામેન્ટલી' સારું કહેવાય. બાકી ક્ષમા તો સહજ છે, ગુણ છે ! અમને આવા બહુ મળેલા, છતાં અમે વીતરાગ રહીએ. એ વાંકો થાય પણ અમે વીતરાગ રહીએ. એને દંડ આપવામાં અમારો હાથ જાય તો, એ તો દંડાય પણ અમને ડાઘ લાગેને ? અમારી પાસે જેટલા દંડને યોગ્ય છે તેમને પણ માફી હોય ને માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે 'સાહેબ, માફ કરજો' ત્યાં જ મેલા થાય છે. સહજ માફ થાય ત્યાં તો બહુ ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : જો અમારી પાસે સહજ માફી મળી જાય, ઓટોમેટિક તો પછી પ્રતિક્રમણ ન કરવાં પડે? દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાં જ પડે. પ્રતિક્રમણ ના કરે તો એને નુકસાન થાય. પણ અમે માફી અપાવીએને, તે સહજ માફી અમારે એકલાને જ હોય, બીજા કોઈ આપે નહીંને ! અમારાં પ્રતિક્રમણ કરો તો તમારું કલ્યાણ જ થઈ જાયને ! અમારા પ્રત્યે કોઈને પ્રતિક્રમણ હોય જ નહીં. અમારો એક પણ ગુનો એવો ના હોય કે સામાને પ્રતિક્રમણ કરવું પડે. તમારો ગુનો હોય તે તો તમે પ્રતિક્રમણ કરોને તો એટલો જ ફાયદો રહે. બાકી સહજ માફ તો અમારે હોય જ. પ્રશ્નકર્તા : તમે સહજ માફ કરો છો પછી પ્રતિક્રમણની મહેનત અમે શું કામ કરીએ ? દાદાશ્રી : હા, પણ તમારું બગડેલું રહ્યુંને ? અમે માફી આપીએ પણ તમારું બગડેલું હોય તેનું શું થાય ? માફી એટલે અહીંથી તમને હવે દંડ નહીં મળે. સાહજિકતા તૂટ્યાનાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : અમારી એવી જાગૃતિ હોવી જોઈએ કે દાદાને બહુ પ્રતિક્રમણ નહીં કરાવવાં. દાદાશ્રી : એવું જો સમજદાર હોય તો બહુ સારી વાત કહેવાય. વગર કામનું મને એક જાતનું, પોતે સાંભળીને આવ્યા હોય તે અહીં કહે, તે અમને મનમાં ગમે નહીં. હવે એમને પોતાને એવો ઈરાદો ના હોય, પણ હવે એની પ્રકૃતિનું એ બધું લઈને આવેલા. એટલે હવે એમાં એમનો દોષ નહીં. દોષ અમારો કે અમારે પ્રતિક્રમણ કરવાં પડે છે. જેનો ટાઈમ બગડે એનો દોષ. એ તો બેન્ડ વાગ્યું. બેન્ડનો સ્વભાવ વાગવાનો. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં તમારેય પ્રતિક્રમણ કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે. ચોખ્ખો ન્યાય, ત્યાં નહીં પોલંપોલ કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાંનો, કંઈક ચીકણો થઈ ગયેલો ને તે પૂરો થઈ જશે. એમાં છૂટકો જ નહીંને ? આ તો ચોખ્ખો ન્યાય, પ્યાઙ્ખર ન્યાય ! એમાં પોલંપોલ ચાલે નહીં. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ? દાદાશ્રી : ઓછા થાય ને ! જલદી નિવેડો આવી જાય. છૂટવાનું ચોપડા ચોખ્ખા કરીને કોઈનીય ભૂલ ના દેખાય. પહેલાં દેખાય પછી પ્રતિક્રમણ કરે. પછી કોઈનીય ભૂલ ના દેખાય, એવું જો આખી રાત રહે અને ચોપડા બીડાઈ ગયા તો કામ થઈ ગયું. તમારે પછી તે દિવસ માટેનો આવતા ભવની જવાબદારીનો ભો રહ્યો નહીં. બીજે દિવસે એવી રીતે વર્તવું જોઈએ. અને એવું સર્વ સમાધાની જ્ઞાન છે આ તો. આમાં કશું બાકી રહે નહીં. દોષ થાય ને એનાં પ્રતિક્રમણ કરે તો એ બધું ચોખ્ખું કરી નાખે. પ્રતિક્રમણ એટલે લીધેલું પાછું આપી દેવું. પ્રતિક્રમણ કર્યું એટલે ચોપડા ચોખ્ખા ! એટલે તમે દોષનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ. (તમે જવાબદાર નથી.) આ તો વિજ્ઞાન કહેવાય. તરત જ ફળ આપે, કેશ ઈન હેન્ડ (રોકડું). ધીમે ધીમે થઈ જાય એ તો, અમે કહ્યું એવું એકદમ ના થાય. દોષનો સ્વીકાર કરો, કે ધોવાઈ જાય. પ્રતિક્રમણ કરો એટલે ધોવાઈ જાય. આજ્ઞા ચૂક્યાના કરો પ્રતિક્રમણ રસ્તો આ છે કે 'દાદાની આજ્ઞામાં રહેવું છે' એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે. અને જેટલું આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તોય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે, તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાનેય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો ઘરનાં માણસો એના પક્ષમાં જ હોય (ત્યારે સાચું). ને ત્યારે આવશે ઉકેલ જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખુંય નિર્દોષ જ છે. તમારા દોષો કરીને તમે બંધાયેલા છો, એમના દોષથી નહીં, તમારા પોતાના દોષથી જ બંધાયેલા છો. હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઉકેલ આવશે ! - જય સચ્ચિદાનંદ |