અંતઃકરણથી જુદા વર્તે, જ્ઞાની સદાય

સંપાદકીય

આ કાળના આશ્ચર્ય સમાન, અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)નો પરિચય જે જેે વ્યક્તિને પ્રાપ્ત થયો છે, જેને જેને જ્ઞાનીની ઓળખાણ પડી છે, તે સર્વેના હ્રદયમાં જ્ઞાની પુરુષની એક વિશિષ્ટ મૂર્તિ કંડારાઇ ગયેલી છે. એવા અનુપમ જ્ઞાનાવતારની વિસ્તૃત ઓળખાણ તો એમની અંતરંગ દશા, એમને વર્તતી જ્ઞાનદશા ઉપરથી જ આવી શકે !

આપણા સહુની પુણ્યૈથી તેમજ આપણા અહોભાગ્યે આપણને જ્ઞાની પુરુષનો પરિચય તો પ્રાપ્ત થયો પણ એમની સાથેના સત્સંગ થકી જ્ઞાની પુરુષની અદ્ભૂત અંતરંગ દશાનું પ્રમાણ પણ જાણવા મળ્યું.

ઘણાં બધાને પ્રશ્શન ઉદ્ભવતો હોય છે કે સામાન્ય વ્યક્તિ જેવો જ વ્યવહાર કરતા આ જ્ઞાની પુરુષની અંતરંગ દશા શું હશે ? એમનું અંતઃકરણ કેવી રીતે કામ કરતું હશે ? એની સમજ આપતા દાદાશ્રી કહે છે કે જ્ઞાનીનું અંતઃકરણ એના ધર્મમાં હોય અને આત્મા આત્માના ધર્મમાં હોય. જ્ઞાનીને ડખોડખલ હોય નહીં. અંતઃકરણથી જ્ઞાની હંમેશા જુદા વર્તતા હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારના કોઇપણ પર્યાયમાં પોતે તન્મયાકાર ના હોય. પણ તે સર્વે અવસ્થાના પોતે જ્ઞાતા હોય. જ્ઞાની પુરુષને નિર્વિચાર, નિરિચ્છિક અને નિર્વિકલ્પ એ ત્રણેય દશા સાથે હોય.

જ્ઞાની પુરુષ અહંકારરહિત હોય, અબુધ હોય, બુદ્ધિની ડખોડખલ સદંતર બંધ થઈ ગઈ હોય, મનના સંપૂર્ણ જ્ઞાતા હોય, તેમનું મન ક્ષણવર્તી હોય. મનની કોઈપણ અવસ્થામાં તન્મયાકાર ક્યારેય પણ ના હોય. નિરંતર નિર્વિચાર દશા હોય. તેમનું ચિત્ત સંપૂર્ણ વશ વર્તે તેથી ચિત્ત પ્રસન્નતા કાયમ હોય અને તેથી મુક્ત હાસ્ય નિરંતર હોય.

પરમ પૂજ્ય દાદાશ્રી ઉદ્બોધિત આ સત્સંગ સરવાણીમાંથી જ્ઞાની પુરુષના મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકારની દશા તેમજ અંતઃકરણની કાર્યપદ્ધતિની વિશેષ સમજ પ્રાપ્ત થાય છે જેનાથી આપણને આપણી અંતરંગ દશા કેવી હોય છે અને અંતઃકરણમાં તન્મયાકાર ના હોય તો આંતરિક પરિણતિ કેવી હોઈ શકે તેની સરળ અને સચોટ સમજણ ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત સંકલના જ્ઞાની પુરુષ જેવી જાગૃતિ પ્રાપ્ત કરવાના તે ધ્યેયની પૂર્ણતા પામવા માટેના પુરુષાર્થ કરવામાં જરૂરથી સહાયભૂત બની રહેશે એજ અભ્યર્થના.

દીપક દેસાઈ

અંતઃકરણથી જુદા વર્તે, જ્ઞાની સદાય

અંતઃકરણનું સ્વરૂપ

પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, ચારેયની ડિમાર્કેશન લાઈન (ભેદરેખા) કઈ રીતે દોરવી ?

દાદાશ્રી : આ ડિમાર્કેશન લાઈન 'જ્ઞાની' સિવાય કોઈ નાખી શકે જ નહીં ને ! લોકો જાણે જ નહીં ને ! એટલે ડિમાર્કેશન લાઈન શી રીતે નાખે ? અંતઃકરણમાં કોણ કોણ છે ?

પ્રશ્નકર્તા : મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર.

દાદાશ્રી : હા, આ ચાર જણ અંતઃકરણના ભાગમાં છે. આ ચાર જણ અંતર્ક્રિયા કરે છે અને એવું જ બાહ્યકરણ ઉત્પન્ન થાય. પહેલું અંતઃકરણ થઈ જાય, એ જ પ્રમાણે બાહ્યકરણ થાય. માટે અંતઃકરણ પરથી આપણે ઓળખી જવાનું કે હમણે આમ થઈ જશે.

અંતઃકરણની પ્રક્રિયા

પ્રશ્નકર્તા : આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણનાં અંગ છે કે ચારેય અલગ અલગ છે ?

દાદાશ્રી : જુદા છે. આ ચાર ભેગા રહે છે એ ભાગને અંતઃકરણ કહેવામાં આવે છે. તે જે વખતે એક જણ કામ કરતો હોય, તે વખતે બીજા કામ ના કરે. એ ચારેય ભાગ જુદા જુદા હોય છે.

પ્રશ્નકર્તા : તો આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધી જુદી જુદી વસ્તુઓ છે ?

દાદાશ્રી : હા, જુદી જુદી વસ્તુઓ છે. ગુણધર્મ જુદા છે એટલે. આમ અંતઃકરણ તરીકે એક જ છે પણ ગુણધર્મ જુદા છે એટલે જુદા જુદા છે. અંદર અંતઃકરણ વસ્તુ એવી છે ને કે ચાર ભાગે અંતઃકરણ છે. પણ આ ચાર એનાં જુદા જુદા ટુકડા નથી હોતા. જે વખતે મન કામ કરે છે, તે ઘડીએ મનરૂપી અંતઃકરણ હોય છે. પછી બુદ્ધિ કામ કરે છે, તે બુદ્ધિરૂપી અંતઃકરણ હોય છે અને જ્યારે ચિત્ત કામ કરે છે ને, ત્યારે ચિત્તરૂપી અંતઃકરણ હોય છે. આમ છે ચાર ભાગ, પણ તે વખતે સ્વતંત્ર એક જ કામ કરે છે. હવે એ અંતઃકરણમાં આ બધા કામ કરે છે.

પહેલું અંતઃકરણમાં પછી બાહ્યકરણમાં

આ મન-બુદ્ધિ- ચિત્ત ને અહંકાર એ અંતઃકરણ અને આ (બહાર દેખાતું) બાહ્યકરણ છે. આ બે ભાગ પાડી દીધાં. પહેલું અંતઃકરણમાં થાય, ત્યાર પછી બાહ્યકરણમાં આવે. એટલે અંતઃકરણ જેને જોતાં આવડ્યું એ આમ સમજી શકે કે હમણે થોડીવાર પછી શું થશે ? અને અંતઃકરણના ચાર જ ભાગ છે, પાંચમો ભાગ છે નહીં.

પહેલું અંતઃકરણમાં સૂક્ષ્મરૂપે અંદર થાય છે અને એના ફોટારૂપે પછી આ સ્થૂળ થાય છે. અંતઃકરણ જોતાં કોઈને આવડે તો એ કહી શકે, કે બહાર આવું થશે હવે.

આ અંતઃકરણનો ફોટો અમે જોઈ શકીએ કે અત્યારે શું કામ ચાલી રહ્યું છે ! એટલે અમે જાણીએ કે હવે પછી આ થશે બાહ્યકરણમાં. જેને 'નેગેટિવ' જોતાં આવડી, તે 'પોઝિટિવ' બતાવી શકે. એટલે અંતઃકરણમાં પહેલું ને તેના આધારે બાહ્યકરણ ચાલે છે. ઇન્દ્રિયો બધી પણ એને આધીન છે.

આ લોકો અનુભવના હિસાબથી તારણ કાઢે છે અને દર્શનનો વિષય જુદો છે. અનુભવ ખોટોય પડે, એ કોઈક ફેરો ખરુંય પડે ને નાય ખરું પડે. એટલે એ અદબદ વસ્તુ કહેવાય. પણ જે દર્શન છે અંતઃકરણનું, તે તો એક્ઝેક્ટલી નીકળી જાય. નેગેટિવ જોઈ લીધું પછી પોઝિટિવનું બધું જ દેખાય. નેગેટિવ પડ્યા વગર રહેતી નથી. અંતઃકરણમાં નેગેટિવ પડ્યે જ જાય છે.

આપણા અંતઃકરણ ઉપરથી આપણને ઓળખાય કે આ માણસ ભારે ઉપાધિ લાવ્યા લાગે છે. આપણે એકાંતમાં બેઠાં હતાં. કશું કોઈ જાતની અસર નહોતી અને આ ભાઈ આવ્યા. તે કશું બોલતાં નથી. અહીં ફૂલાં લાવીને મૂક્યા છે. બાહ્યાચાર બધું સારું છે પણ આપણને અંતઃકરણમાં આ શેનો લોડ (ભાર) આવ્યો ? આ ભાઈનો લોડ આવ્યો છે. તે આપણે સમજી જઈએ કે આ ભાઈ ઉપાધિવાળા છે. એટલે આપણે એડજસ્ટમેન્ટ લઈ શકીએ. એટલે ઔપચારિક નવું ફેરફાર થઈ શકે. એ એનું નિમિત્ત કારણ છે. આમ બદલી શકાય નહીં. પણ એ દેખાવું એ નિમિત્ત કારણ છે.

જ્ઞાનીનું અંતઃકરણ

પ્રશ્નકર્તા : અમારામાં જે મન છે, એવું દાદા પાસે મન છે. અમારે બુદ્ધિ છે, વિચારો છે એય દાદા પાસે છે.

દાદાશ્રી : આત્મા એકલો જ સરખો બધાને, બીજું બધું ફેરફાર છે. બીજું તમારી બેઠક ને મારી બેઠકમાં ફેરફાર, એટલે હિસાબ બધો ફેરફાર. બીજો બધો માલ તો જુદો જુદો હોય, આત્મા બધો સરખો.

અત્યારે તો મન સરસ છે ને ? જ્ઞાની પુરુષની હાજરીમાં મન બહુ સારું રહે. એનું શું કારણ છે કે એમની હાજરીમાં જો આપણું મન આટલું સારું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે ? એમને હઉ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર હોય પણ સુંદર હોય. આવાં ગાંડાં ના હોય. સુંદર એટલે એ અહંકારેય આપણને મનોહર લાગે. મનોહર એટલે મનનું હરણ કરનારો લાગે. હવે જેટલી શક્તિ એક મનુષ્યમાં છે એટલી બીજામાં શક્તિ ખરી કે નહીં ? ઇન્ડિયામાં બર્થ (જન્મ) છે, અહીંનો જન્મેલો છે, તો શક્તિ બધામાં ખરી જ ને ! એને ડેવલપ કરવાની જરૂર.

ડખોડખલ નહીં ત્યાં

પ્રશ્નકર્તા : 'જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ?'

દાદાશ્રી : એ અંતઃકરણ એક બાજુ સંસાર કાર્ય કરે અને એક બાજુ આત્મા આત્માનું કાર્ય કરે. જ્ઞાનીને ડખોડખલ હોય નહીં.

અંતઃકરણ કોને કહેવાય કે જેમાંથી કર્તાભાવ ઉત્પન્ન થાય છે, 'હંુ કંઈક છું' એ ભાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃકરણથી જ્ઞાની જુદા હોય. 'પોતે' જો ખસી જાય તો અંતઃકરણથી આત્મા જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા જ કરે છે. છૂટંુ પડ્યા પછી જ્ઞાનીનું અંતઃકરણ પોતે જ સ્વાભાવિક કામ કર્યા કરે છે. કારણ ડખોડખલ બંધ થઈ ગઈ ને ! એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે.

મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રહે, તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે, વીતરાગ જ રહે.

હવે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું હોય, અને 'પોતે' એમાં જાગૃત જ હોય કે 'આ' એ અને 'આ' અમે, 'આ' એ અને 'આ' અમે. અને સંપૂર્ણ વીતરાગભાવે રહીએ. એટલે બીજાને એમ જ લાગે કે આ તો ભગવાન જેવા માણસ છે ! બાકી જેને ડખોડખલ હોય, તેને ભગવાન તરીકે લોક ના સ્વીકારે. અને અંતઃકરણ ગયું એ ભગવાન થઈ જાય, અહીં જ ભગવાન ! અમને ચાર ડિગ્રીનું હજુ થોડુંક કાચું છે, તેની આ ભાંજગડ છે બળી ! તો તમારી જોડે બેઠા, નહીં તો બેસત કંઈ ?

જ્ઞાનીનું અંતઃકરણ કેવું ?

અમારા અંતઃકરણના ચારેવ ભાગ જુદી જાતના હોય. મન કશું વિચારે નહીં, ચિત્ત આઘુંપાછું થાય નહીં. ચિત્ત ક્યાં આગળ બેસી રહેલું હોય ? સાપ ને મોરલીના જેવી આત્મા ને ચિત્તની દશા હોય. જેમ સાપ મોરલી પર એકતાન થાય છે એવી રીતે ચિત્ત સાપની જગ્યાએ અને આત્મા મોરલીની જગ્યાએ તે એકતાન રહ્યા કરે. મન સ્થિર, બિલકુલ ચંચળતા જ નહીં ને ! અને બુદ્ધિ તો વાત જ કરવા ના જાય, અને અહંકાર તો શૂન્ય થઈ ગયેલો હોય. પછી શું થાય ? અંતઃકરણ જ્યાં ખલાસ થઈ ગયું !

દાદાને તો ચિત્ત પાસે જ રહે એટલે મોંઢા ઉપર હાસ્ય જ દેખાય, ચિત્ત બહાર જાય તો જ મોંઢા ઉપર હાસ્ય ના દેખાય. આ દાદાનું મન તો પેમ્ફલેટ બતાવે નહીં ને ! એટલે દાદા અહીં શાંતિથી બેસી રહે. અને અબુધ થયા એટલે અમને બુદ્ધિનો તો ડખો હોય જ નહીં. અમે તો બધું બુદ્ધિને કહીએ કે તારે મદદની જરૂર હોય તો માંગજે, પણ અમારે તારી જરૂર નથી માટે છાનીમાની બેસી રહેજે. આ તો અહંકાર દાદાના જેવો રૂપાળો દેખાવો જોઇએ. દાદાનો અહંકાર કેવો રૂપાળો લાગે છે ! અહંકાર રૂપાળો થાય ત્યારે તો દશા કંઇક ઓર જ હોય. આ તો પોતે રિયલ અને બીજું બધું રિલેટિવ છે. એના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો અહંકાર રૂપાળો થતો જ જાય.

જ્ઞાની અંતઃકરણથી તો તીર્થંકર

અનંત અવતારથી અમારું મન કેળવાયેલું હોય છે, તે દુઃખમાં પડી જાય તો ખલાસ થઇ જાય. અમારાં મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર કેટલાય અવતારોથી કેળવાયેલાં છે અને કેટલાય અવતારોથી દુઃખમાં પડ્યાં નથી. વખતે આ અમારો ભાંગેલો પગ ટૂંકો રહેશે તો ચાલશે પણ મન બગડવા ના દઇએ.

જ્ઞાનીને અંતઃકરણ શુદ્ધાત્મા જેવું જ થઈ જાય, ચિત્ત ભટકતું બંધ થઈ જાય. જ્ઞાની દેહે કરીને તીર્થંકર નથી પણ અંતઃકરણથી તીર્થંકર છે.

નિર્વિચાર, નિરીચ્છક અને નિર્વિકલ્પ

પ્રશ્નકર્તા : દાદા, તમે આવી રીતે ગુપચુપ બેસી રહો તે ઘડીએ આપની કઈ સ્થિતિ હોય ?

દાદાશ્રી : અમારી સ્થિતિ તમારે જાણીને શું કામનું ? સહુ સહુની સ્થિતિ જાણવાની. શા માટે બીજાની સ્થિતિ જાણવાની ? દરેકે આપણી શું સ્થિતિ છે એ જાણવી જોઈએ.

પ્રશ્નકર્તા : પણ તમને વિચાર કશું ના આવે ?

દાદાશ્રી : અમારે તો નિર્વિચાર ભૂમિકા હોય.

પ્રશ્નકર્તા : હું એવું જાણવા માંગતો હતો કે અંતઃકરણ બધું સાઈલન્ટ (શાંત) થઈ જતું હશે ?

દાદાશ્રી : સાઈલન્ટ નહીં, અંતઃકરણ ચાલુ ખરું પણ તે કેવું ? ધીમે ધીમે ચાલ્યા કરે. હવે ઘડિયાળમાં કાંટો, પેલો નાનો કાંટો ફરે ને એવું.

નિર્વિચાર, નિરીચ્છક અને નિર્વિકલ્પ એ ત્રણ દશા સાથે હોય. વિચાર આવે તો તો પછી મન જોડે જડતા થઈ. વિચાર એટલે મન જોડે સંલગન્ થવું, એનું નામ વિચાર કહેવાય. તમારે સંલગ્ન કરવાની જરૂર નથી પણ મન તમને ફસાવશે. આમ પેસી જાય, તમારી ઇચ્છા ના હોય તોય પેસી જાય, વાગોળી જાય.

એટલે અમને વિચાર હોય તો ધર્મ પામો નહીં કોઈ. એક-બે-ત્રણ જણા બહુ બહુ પ્રેમવાળા ધર્મ પામે, બસ. બીજા કોઈ પામે નહીં. જેને બહુ પ્રેમ હોય અને મોક્ષમાર્ગની બહુ ખંત હોય તે પાસે પડી રહે, બસ. બે-ત્રણ જણ, બીજું કોઈ પામે નહીં.

પુરુષાર્થી, કેવળજ્ઞાનના

પ્રશ્નકર્તા : અંતઃકરણ તો બધું ઓટોમેટિક ઘડાઈ ગયેલું ને ?

દાદાશ્રી : ના, ઘડાઈ ગયેલું નહીં, બધું ખલાસ થઈ ગયેલું, એક્ઝોસ્ટ થઈ ગયેલું.

પ્રશ્નકર્તા : બધું ઓટોમેટીક જ થઈ ગયેલું ને પણ ?

દાદાશ્રી : વિખરાઈ ગયેલું. એનાં રસ ના રહે એટલે વિખરાઈ જાય ઝપાટાબંધ.

પ્રશ્નકર્તા : પછી પુરુષાર્થ કશું જ ના હોય ?

દાદાશ્રી : પોતાનો પુરુષાર્થ તો નિરંતર હોય જ ને ?

પ્રશ્નકર્તા : આ બધું અંતઃકરણ આખું મંદ પડી ગયું એટલે ત્યાં કશું ઉપયોગ કે પુરુષાર્થ રહ્યો જ નહીં ને ?

દાદાશ્રી : પુરુષાર્થ પોતાનો તો ચાલુ જ રહે ને ! જ્યાં સુધી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય ત્યાં સુધી ચાલુ રહેવાનો. નહીં તોય કેવળજ્ઞાન થતાં સુધી પુરુષાર્થ ચાલુ રહેવાનો. પુરુષ થાય પછી પુરુષાર્થી જ હોય.

પ્રશ્નકર્તા : એટલે આ 'દાદા ભગવાન' અને 'એ.એમ.પટેલ' બન્ને જુદા જ રહેવાના ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એ બુદ્ધિ તો છે જ નહીં, એટલે પ્રજ્ઞાથી જ કામ લે છે ?

દાદાશ્રી : બરાબર છે. મન કામ કરતું નથી, બુદ્ધિ કામ કરતી નથી.

પ્રશ્નકર્તા : મન બિલકુલ કામ ન કરે ?

દાદાશ્રી : બિલકુલ નહીં. મન થોડુંક કો'ક દા'ડો સહેજ વાતચીત કરે. સહેજ આવે એક-બે સેકન્ડ ને પછી નહીં.

પ્રશ્નકર્તા : તો આ દાદા પોતાના મહાત્માઓ માટે આખા બ્રહ્માંડમાં વિધિઓ કરે છે, જગત કલ્યાણ માટે દાદા જે કંઈ ભાવ ભરી આવ્યા છે કે જગતના જીવોનું કલ્યાણ થાવ, એ જે ભાવ કરતા હશે, એ ભાવ એ.એમ.પટેલ કરે છે કે દાદા ભગવાન કરે છે ?

દાદાશ્રી : એ તો 'એ.એમ.પટેલ.'

પ્રશ્નકર્તા : 'એ.એમ.પટેલ' કેવી રીતે એનો બહાર ફેલાવો કરતા હશે ?

દાદાશ્રી : એમાં મન નહીં, મનનું કંઈ કામ જ નહીં.

પ્રશ્નકર્તા : તો શું ?

દાદાશ્રી : દર્શન, દેખાય શું શું કરવાનું તે.

પ્રશ્નકર્તા : જે જગત કલ્યાણના ભાવો...

દાદાશ્રી : દેખાય, ભાવ નહીં, એ દેખાય, દર્શન. અમને યાદ નહીં, નામેય એનું યાદ નહીં. દર્શન પ્રમાણે જ બધું આ ક્રિયા થયા કરે. તે પહેલા છે તે સ્મૃતિથી થતી હતી અને મનથી થતી હતી, આ દર્શનથી જ થાય.

અમારું મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર ઘણુંખરું એક્ઝોસ્ટ થઈ ગયું હોય, તે અંતઃકરણ નહીં અમને. ચિત્ત હતું તે શુદ્ધ થઈ ગયું, એટલે શુદ્ધાત્માની ભેગું થઈ ગયું. શુદ્ધ ચિત્તરૂપ થઈ ગયું. મન છે તે સહેજ હોય તે અમને આની કંઈ ઈફેક્ટ નહીં રહી.

પ્રશ્નકર્તા : અને બુદ્ધિ તો ગઈ.

દાદાશ્રી : નિકાલી બુદ્ધિ રહી, તે નિકાલ કર્યા કરે. મૂળ બુદ્ધિ ઊડી ગઈ.

પ્રશ્નકર્તા : અને અહંકાર ?

દાદાશ્રી : એ જ ચાર્જ ભાગનો અહંકાર ઉડી ગયો. એટલે બધું અંતઃકરણ જ ઊડી ગયું ત્યાં પછી રહ્યું શું તે !

પ્રશ્નકર્તા : તો હજુ એક ચૌદમા ગુંઠાણે, છેલ્લે સુધી પહોંચવા અહંકારની જરૂરત ખરી કે નહીં ? હજુ ઊંચે જવા માટે અહંકારની જરૂરત ખરી કે નહીં હવે ?

દાદાશ્રી : શાને અહંકારની જરૂર ? અહંકાર તો પાછો પાડતો હતો, નીચે લઈ જતો હતો. અહંકાર હેવી લોડ છે. અને અંધો છે પાછો આંધળો.

પ્રશ્નકર્તા : એકવાર આપે પેલી કેવળજ્ઞાનની વાત કરી હતી ને તો કે અહંકારે, જ્ઞાનનો ભાવ વધારવો જોઈએ, અહંકારે કરીને પણ.

દાદાશ્રી : એ તો પેલો ડિસ્ચાર્જ અહંકાર.

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ અહંકાર એટલે ?

દાદાશ્રી : બીજો અહંકાર કોઈ રહ્યો જ શી રીતે, અહંકાર તો નીકળી ગયો.

અહંકાર રહિત દશા, જ્ઞાનીની

જ્ઞાની, અહંકાર શૂન્ય

અત્યારે અમારામાં અહંકાર કેટલો હોય ?

પ્રશ્નકર્તા : શૂન્ય હોય !

દાદાશ્રી : અહંકાર શૂન્યતાએ પહોંચેલો હોય અને બુદ્ધિ ખલાસ થયેલી હોય. અમારામાં એક જરાક જો અહંકાર હોયને તો આમાંની કોઈ વસ્તુ દેખાય નહીં, હું જે બોલું છું તે.

કૃષ્ણ ભગવાનેય કહે છે કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. કારણ કે જ્ઞાની પુરુષ તો, આત્મા બોલે, એવું દુનિયામાં બીજો કોઈ બોલે નહીં. જેને ઇગોઇઝમ ખલાસ થયો હોય એને બોલવાની જરૂરેય શું છે તે ? આ તો તમને સમજાવવા માટે કહીએ છીએ. બાકી અમારે તો ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય. જ્ઞાની પુરુષ અહંકાર સિવાયના હોય, સહેજેય અહંકાર ના હોય. હવે અહંકાર રહિત તો આ જગતમાં કોઈ માણસ હોય નહીં. એકલાં જ્ઞાની પુરુષ જ અહંકાર રહિત હોય.

'જ્ઞાની'ને ઉપમા શું ?

પ્રશ્નકર્તા : એવા 'જ્ઞાની'ની શું કોઈ ઉપમા હોય ?

દાદાશ્રી : એમની ઉપમા નથી. 'જ્ઞાની' કોણ ? બધા માણસો 'જ્ઞાની' ના કહેવાય. જેને દેહનું માલિકીપણું સહેજ પણ નથી, વાણીનું, મનનું માલિકીપણું નથી, જે પોતે આત્મામાં જ નિરંતર રહે છે, જેનામાં કિંચિત્માત્ર અહંકાર ના હોય તે 'જ્ઞાની'.

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'માં નમ્રતાની પરાકાષ્ટા હોય ?

દાદાશ્રી : નમ્રતા તો સામાન્ય માણસને પણ હોય, પણ 'જ્ઞાની'ને તો અહંકાર જ ના હોય. ગાળ ભાંડે તોય અહંકાર ના હોય.

ન થાકે નિર્અહંકારી

પ્રશ્નકર્તા : એવું કહે છે, માણસને પ્રવૃત્તિમાં ચલાવનાર કોઈ મોટિવેટિવ ફોર્સ (ચાલક બળ) હોયને, એનું મૂળ શું ? એ અહંકાર જ હોય છે ને કે જે માણસને પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં ચલાવ્યા જ કરે છે ?

દાદાશ્રી : અહંકાર વગર ચાલુ જ છે ને ! આ આખો દહાડો, આ વિધિઓ કેટલા કલાક કરી મેં આજે, સવારથી તે અત્યાર સુધી ?

પ્રશ્નકર્તા : પુષ્કળ.

દાદાશ્રી : સવારે નવથી બાર, અત્યારે છે તે ચાર વાગેથી આ વિધિઓ ચાલુ છે. તે નવ વાગ્યા સુધી ચાલુ રહે છે. એ અહંકાર વગર બધું થયા કરે છે. અહંકાર હતો ત્યારે નહોતું થતું. કારણ કે અહંકાર શું કરે ? 'હું કરું છું' કહે એટલે ભગવાનપણું ગયું. ભગવાન કોને કહેવાય ? ચંદુભાઈ કરે ને એ પોતે જુએ. જોનારો ભગવાન અને કરનારો ચંદુભાઈ.

અહંકાર, કર્તા-ભોક્તાપણાનો

પ્રશ્નકર્તા : આપ બધું કહો કે ભઈ, અમારામાં અહંકાર નથી, અમને કંઈ જોઈતું નથી, તો એ પણ અહંકાર ના કહેવાય ?

દાદાશ્રી : અહંકાર કહેવાયને, પણ આ ડિસ્ચાર્જ થતો અહંકાર છે. તે બોલીએ તો પછી એ કર્મ છૂટું થઈ જાય, ભોગવાઈ જાય. આ ભોક્તાપણાનો અહંકાર છે. કર્તાપણાનો અહંકાર નથી રહ્યો.

પ્રશ્નકર્તા : એટલે કે આ કર્તાપણાનો અહંકાર ને ભોક્તાપણાનો અહંકાર શું છે, એ જરા ડિટેલમાં સમજાવોને !

દાદાશ્રી : આ ઉદયકર્મ એ બધો ભોક્તાપણાનો અહંકાર છે અને કર્મ એ કર્તાપણાનો અહંકાર છે. જ્યારે ફળ આપવા તૈયાર થાય એનું નામ ઉદયકર્મ અને કર્મ એ કર્મ. કર્મ એ કોઝિઝ (કારણ) કહેવાય અને ઉદયકર્મ એ ઇફેક્ટ (પરિણામ) કહેવાય.

એટલે કોઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિઝ ચાલ્યા કરે છે. જ્યાં સુધી કોઝિઝ બંધ ન થાય ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. એટલે કર્મ કરતો બંધ ના થાય, કર્તાપણું છૂટે નહીં ત્યાં સુધી આ સંસાર ચાલુ રહેશે. એ કર્તાપણાનો અહંકાર અમે તમારી પાસે લઈ લઈએ. અહંકાર-ક્રોધ-માન-માયા-લોભ જે કર્તાપણામાં વિચરી રહ્યાં છે, એ અમે લઈ લઈએ અને ભોક્તાપણાનો તો ઇફેક્ટિવ છે એટલો તમારી પાસે રહેવા જ દેવો જોઈએ, નહીં તો આ શી રીતે શરીર ઉદયકર્મો ભોગવે ? ઊઠવા માટેય અહંકાર જોઈએ, ચાલવા માટે પણ એ ભોક્તાપણાનો અહંકાર જોઈએ.

આ તમે કહ્યુંને, 'દાદા, તમે જે બોલો છો એ બધું અહંકાર નથી ?' ત્યારે મેં કહ્યું, 'અહંકાર છે પણ આ ભોક્તાપદનો અહંકાર, એટલે ફળ આપીને ચાલ્યો જશે.' એ ફળ આપવા માટે બંધાયેલો છે. કર્તાપદનો અહંકાર તો કર્મ ઊભાં થવા માટે છે.

નિર્જીવ પણ ખટપટિયો અહંકાર

પ્રશ્નકર્તા : પણ દાદામાં થોડોક અહંકાર તો હોયને ?

દાદાશ્રી : એ આ 'એ.એમ.પટેલ'માં, જે ચાર ડિગ્રી ઓછી છેને, તે અહંકારેય પાછો કેવો ? નિર્જીવ અહંકાર, જીવતો નહીં. નિર્જીવ અહંકાર ડ્રામેટિક હોય. ડ્રામામાં રાજા ભર્તૃહરિ અંદરખાને જાણતો હોય કે 'હું લક્ષ્મીચંદ છું', એવું હું અંદરખાને જાણું છું કે 'હું તો દાદા ભગવાન જ છું' અને આ નિર્જીવ અહંકાર છે.

એ નિર્જીવ અહંકાર શું કરે ? ખમીસ પહેરે, જોડા પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢી નખાવડાવે, ઉજળું પહેરાવડાવે, ખટપટો કરે. 'આવજો ચંદુભાઈ, તમને જ્ઞાન આપું, હું તમને સમજણ પાડીશ.' એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય ? શેના હારુ ? ભગવાન 'આવજો' બોલતા હશે ? એ તો વીતરાગ કહેવાય ! એ તો આવજો ને જજો કશું બોલે નહીં અને 'હું તમને મોક્ષ આપીશ' એમ કહેલુંને ? શા હારુ આ ખટપટ ? એટલે અમે ખટપટિયા વીતરાગ ! આવી ખટપટો કરીએ ને વીતરાગ દશામાં રહીએ. એટલે આ ચાર ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે, નિર્જીવ અહંકાર. એ ફરી સજીવન થાય નહીં. જે નાટકનો ભાગ છેને, 'એ. એમ. પટેલ' નામનો પાઠ પૂરો થઈ રહ્યો છે.

અમારાથી શેક્યો પાપડ ભાંગે નહિ ! અમારામાં કર્તાભાવ જ નહિને ! ઇગોઇઝમ નામેય નહિ એટલે ભાંગે કોણ ? જેનામાં ઇગોઇઝમ હોય, તે શેક્યો પાપડ તો શું પણ મકાનો તોડી નાખે ! આખો સુરતનો કોટ તોડી નાખે ! પણ જે શેક્યો પાપડ ભાંગી ના શકે એ જ્ઞાની પુરુષ, છતાં આખા બ્રહ્માંડની શક્તિ હોય ત્યાં આગળ ! અજાયબ શક્તિ હોય !! એ ચાહે સો કરે !!!

નિર્અહંકારી પદ

હું જ્ઞાનીના પદ ઉપર બેઠો છું. એનો દુરુપયોગ કરું એટલે આ મારું પદ જતું રહે, એની મેળે. બીજી રીતે સિદ્ધિઓ વટાવી ખાઉં, તો ત્યાં કુદરતમાં પકડાઈ જાય ! સિદ્ધિઓ હોય ખરી ?

પ્રશ્નકર્તા : હોય.

દાદાશ્રી : એ દુરુપયોગ કરે તો શું થાય ? પદ જતું રહે. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરો એટલે એ પદ ખોઈ નાખશો.

જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી માર્કેટ મટિરિયલ (બજારું માલ) કહેવાય. એનો ઇગોઇઝમ શું રાખવાનો હોય ? અને ઇગોઇઝમ રાખવાનો તે જ્ઞાની પુરુષે રાખવાનો હોય કે જેની પાસે આખા બ્રહ્માંડની સત્તા પડેલી હોય, પણ ત્યારે એમને ઇગોઇઝમ હોય નહીં. જ્યાં સત્તા છે ત્યાં ઇગોઇઝમ નથી. જ્યાં સત્તા નથી ત્યાં આગળ ઇગોઇઝમ છે. આખા બ્રહ્માંડની સત્તા હોય, ત્યારે જ્ઞાની પુરુષ બાળક જેવા હોય !

જ્ઞાની વિણ છોડાવે કોણ ?

જ્ઞાની પુરુષ વીતરાગ હોય, એ સ્વપરિણતિમાં જ નિરંતર રહે. એ દેહમાં રહેતા નહીં હોવાથી, મનમાં રહેતા નહીં હોવાથી, બુદ્ધિમાં રહેતા નહીં હોવાથી, અહંકારમાં રહેતા નહીં હોવાથી જ્ઞાની પુરુષ એકલા જ દેહાધ્યાસ છોડાવે. બીજો કોઈ દેહાધ્યાસ છોડાવી શકે નહીં. આખું જગત દેહાધ્યાસમાં જ પડેલું છે.

મુક્તિદાતા સદા મુક્ત

કોઈ જીવને પોતાને બંધન ગમતું જ નથી. જે જે આપણને દુઃખદાયી લાગતું હોય તો એ બંધન જ કહેવાય. તમને બંધન ગમે છે ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : છતાંય રહેવું શેમાં પડે છે ?

પ્રશ્નકર્તા : બંધનમાં.

દાદાશ્રી : આખો દહાડો બંધનમાં જ રહેવાનું. જીવ માત્ર બધાં બંધનમાં જ પડ્યા છે. અમારા જેવાં 'જ્ઞાની પુરુષ' મુક્ત હોય, પણ તે કોઈક કાળે વર્લ્ડમાં એકાદ હોય. નહીં તો 'જ્ઞાની' જગતમાં હોય જ નહીં ને ! 'જ્ઞાની પુરુષ' એ મુક્ત હોય, એટલે એ પોતે કોઈ ચીજથી બંધાયેલા ના હોય. એટલે એમને બોજો ના લાગે, ભય ના લાગે, કોઈ ચીજ એમને સ્પર્શે નહીં. અને એવું 'પોતાને' થવાની જરૂર છે. પણ તે 'જ્ઞાની પુરુષ' હોય તો જ એમની પાસે થઈ શકાય. 'જ્ઞાની પુરુષ' તો હજારો વર્ષ સુધી નથી હોતા. કોઈક ફેરો 'જ્ઞાની પુરુષ' હોય ત્યારે મુક્ત થઈ જવાય.

પ્રશ્નકર્તા : આત્માનું આપે દર્શન કર્યું એ કયા રૂપે ? વિરાટરૂપે, શબ્દરૂપે કયા રૂપે કર્યું ?

દાદાશ્રી : ફુલ દર્શન. આ જગતમાં વિરાટ સ્વરૂપ જે કહે છે, એ વિરાટ શબ્દનો ખરો અર્થ શું ? જે બીજાનો અહંકાર લઈ લે એનું નામ વિરાટ કહેવાય.

પ્રશ્નકર્તા : લઈ લે એટલે અહંકારનો નાશ કરી આપે ?

દાદાશ્રી : હા, એનો અહંકાર નાશ કરી આપે. પોતાનો તો અહંકાર ગયેલો હોય, પણ એ બીજાના અહંકારને પણ ખલાસ કરી આપે, એ વિરાટ સ્વરૂપ કહેવાય છે. મેં કોઈ સ્થિતિ જોવામાં બાકી નથી રાખી. તમામ પ્રકારની સ્થિતિ, તમેે આ પૂછો એટલી વાર. હું તમને જોયેલું જ કહીશ એમાં કલ્પેલું નથી, વાંચેલું નથી, બીજું કોઈ શાસ્ત્રનું નથી.

વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, છાંટોય બુદ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. જેનો પોતાનો અહંકાર ખલાસ થયો એ આત્મજ્ઞાની, બીજાનો અહંકાર લઈ જે લે એ વિરાટ પુરુષ !

પ્રશ્નકર્તા : જ્ઞાની અહંકાર કેવી રીતે તોડી શકે ?

દાદાશ્રી : જ્ઞાની એ તો બધી બહુ રીતે અહંકાર તોડી નાખે. એ તો સપાટાબંધ તોડી નાખે. અમને ભેગો થાય, અમારો પરિચય થાયને એટલે અહંકાર તૂટતો જાય દહાડે દહાડે ! આ બધા (મહાત્માઓ)ને એક કલાકમાં કાઢી નાખેલો.

અબુધ

જ્ઞાન ત્યાં બુદ્ધિ નહીં

જ્ઞાની પુરુષ કેવા હોવા જોઈએ ? બુદ્ધિ વગરના હોવા જોઈએ. મારામાં બુદ્ધિ નથી માટે મને બધું સોલ્યુશન (સમાધાન) થઈ ગયું. બુદ્ધિ હશે ત્યાં સુધી સોલ્યુશન પૂરું નહીં થાય. એટલે બુદ્ધિ જ્યાં ના હોય ત્યાં જ્ઞાન હશે અને જ્ઞાન હશે ત્યાં બુદ્ધિ નહીં હોય, બેમાંથી એક જ હોય.

'હું બુદ્ધ (બુદ્ધિશાળી) છું' એ ભાન અને આ જ્ઞાન એ બે સાથે રહી શકે જ નહીં.

બુદ્ધિ શું ? જ્ઞાન શું ? આખાય જગતના અનંત સબ્જેક્ટ (વિષયો) જાણે તોય તે બુદ્ધિમાં સમાય અને 'હું કોણ છું' એટલું જ જાણે તે જ્ઞાન.

અમારી પાસે જ્ઞાનનો ફુલ પ્રકાશ હોય, એટલે અમને બુદ્ધિની જરૂર જ નહીં ને ! બુદ્ધિ 'ઇમોશનલ' કરાવે અને જ્ઞાન મોશનમાં રાખે.

આ બધા બુદ્ધિશાળીઓ કહેવાય છે તે બધા રોંગ બિલિફથી છે. અમારી પાસે બુદ્ધિ નામેય ના હોય. અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન. સ્વરૂપનું જ્ઞાન તે જ જ્ઞાન.

અહંકાર ને બુદ્ધિ રહિત

અહંકાર ને બુદ્ધિ, બેઉ મને નથી. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય. અને બુદ્ધિ હોય ત્યાં સુધી લિમિટેડ (મર્યાદિત) જ્ઞાન હોય, 'ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ' (આ છેડેથી આ છેડા સુધી). કશું ક્રિયાકારી ના હોય. બુદ્ધિથી કોઈ પણ પ્રશ્ન સોલ્વ (ઉકેલ) થાય નહીં. બુદ્ધિ એ લિમિટેશનવાળી છે. બિગિનિંગ (શરૂઆત)થી એન્ડવાળી વસ્તુ છે અને આ જ્ઞાન અનલિમિટેડ (અમર્યાદિત) છે, એન્ડલેસ (અનંત) છે. જે જ્ઞાન ક્રિયાકારી છે, જ્ઞાનપ્રકાશ ક્રિયાકારી છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે. આખા બ્રહ્માંડની સત્તામાં પહોંચે એવું જ્ઞાન છે.

હું અન્લિમિટેડમાં રહું છું. મારે આ બુદ્ધિના લાઈટની શી જરૂર ? જ્યારે ઘરની લાઈટ જતી રહે છે ત્યારે લોક કેન્ડલ (મીણબત્તી) સળગાવે પણ પછી લાઈટ આવે ત્યારે કેન્ડલ રહેવા દે ખરાં ? બાકી બુદ્ધિ વગરના હોય ને, ત્યાં જ્ઞાન છે. આપણા તીર્થંકરો બુદ્ધિ વગરના હતા, અમનેય બુદ્ધિ નથી.

સંપૂર્ણ અબુધ હોય તો જ જ્ઞાની કહેવાય. વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની જેને બાકી ના હોય ! અને પરમાત્મા પણ જેને વશ થયેલા હોય !!

પ્રશ્નકર્તા : કોઈ ચીજ જાણવાની બાકી ના હોય, એ શું છે ?

દાદાશ્રી : એ જ્ઞાન છે, પ્રકાશ છે અને બુદ્ધિથી તો બહુ ડખો થયા કરે. (વિપરીત) બુદ્ધિથી જાણવાથી તો વઢંવઢા થાય છે, મતભેદ થાય છે બધા. પ્રકાશમાં મતભેદ ના હોય, ડખો ના હોય, કશું ના હોય. જેટલું જેટલું રિલેટિવમાં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ. અમારે બુદ્ધિવાદ હોય નહીં. અમે રિલેટિવમાં (વ્યવહારમાં) અબુધ અને રિયલમાં (નિશ્ચયમાં) જ્ઞાની !

બુદ્ધિ રહિત વાતો, જ્ઞાનીની

જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જેનામાં સેન્ટ અહંકાર ના હોય. દેહના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, મનના માલિક ના હોય. આવી વાત તો દુનિયામાં ક્યારેય પણ સાંભળેલી ના હોય. બાકી આ બધું શાસ્ત્રોમાં લખેલું નથી. અમારામાં બુદ્ધિ નહીં તે વાત અમારી, એક-એક શબ્દ સાંભળવા જેવો. અને તો જ એ કમ્પ્લીટ હંડ્રેડ પરસેન્ટ વાત હોય. અમારી આ વાત હજારો વર્ષ સુધી કોઈ ચેકી ના શકે.

મારામાં બુદ્ધિ રહી નથી. હું ડિરેક્ટ પ્રકાશથી બધું જોઉં છું. અત્યારે કોઈ દહાડો પુસ્તક મેં વાંચ્યુંય નથી, વીસ વર્ષ પહેલાં વાંચેલું હશે. હું તો ડિરેક્ટ (પ્રત્યક્ષ) આમ જોઈને બધા જવાબ આપું છું.

અમે બધા જ પ્રશ્નોના, આખા વર્લ્ડના પ્રશ્નોના ખુલાસા આપવા તૈયાર છીએ, પણ પ્રશ્નો પ્રશ્ન રૂપે હોવા જોઈએ. તમને જે પ્રશ્નના ખુલાસાના અભાવ હોય, તેને પ્રશ્ન કહેવામાં આવે. એટલે બધું પૂછાય. દરેક વસ્તુ, તમારે મગજમાં જે આવે એ બધું પૂછજો અને હું સાયંટિફિક (વૈજ્ઞાનિક) રીતે જવાબ આપવા માગું છું. કારણ કે મારામાં બુદ્ધિ બિલકુલેય નથી અને તમારામાં બુદ્ધિ છે, એટલે ખરી મઝા ત્યારે જ આવે. તમે બુદ્ધિથી પ્રશ્ન જેટલા પૂછાય એટલા પૂછો, હું તમને જ્ઞાનથી જવાબ આપું. તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ. અને જો તમારો આત્મા કબૂલ ન કરે તો કાં તો તમે આડાઈ કરો છો કે ગમે તેમાં પણ છો. આત્મા કબૂલ કરવો જ જોઈએ. કારણ કે હું અબુધ રીતે બોલું છું. એટલે કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ માણસ એને કબૂલ થવું જ જોઈએ. સમજણવાળો હોવો જોઈએ, બુદ્ધિમાં આવેલો હોવો જોઈએ.

અહીં તો પરમ વિનય ધર્મ હોવો જોઈએ. અહીં ચકાસવાવાળા આવે તે એમને કહી દઉં, તમે પછી એકલા આવજો. નહીં તો એ બુદ્ધિ પર ચઢી જાય એટલે શું થાય ?

અબુઘતાનું પરિણામ

અને મારી પાસે આવે તે બુદ્ધિશાળીય થોડા થોડા અબુધ થતા જાય. જેને બુદ્ધિ વધારવી હોય તેને મારી પાસે આવ્યે પોષાય નહીં. અને મને બુદ્ધિ નથી, તેથી મારાથી બાળકો છે તે ડરે નહીં, ઘૈડા ડરે નહીં, કોઈ ડરે નહીં. અને બુદ્ધિવાળાથી સહુ કોઈ ડરે. ઘરની વાઇફેય આમ આમ ડરતી હોય. મારામાં બુદ્ધિ બહુ હતી, ત્યારે મારાથી બહુ ડરતા'તા લોકો. તે બુદ્ધિ ગઈ એટલે અમે અબુધ થયેલા ને ! પણ તમને એ કમાણી ગમતી નથી, તેને અમે શું કરીએ હવે ? કોઈને એ કમાણી ગમે છે, કોઈને ના ય ગમે. તમને અબુધની કમાણી નથી ગમતી, નહીં ?

અમારામાં કોઈ પણ પ્રકારની બુદ્ધિ ના હોય. એટલે અમને તો ગાળો ભાંડે તોય અમે આશીર્વાદ આપીએ અને ફૂલ ચઢાવે તોય આશીર્વાદ આપીએ. કારણ કે મને તો એ ઓળખતો જ નથી. આ પટેલને એ ઓળખે છે, મને તો શી રીતે ઓળખે ? 'એ.એમ.પટેલ'ને ઓળખે છે, તો એ 'એ. એમ. પટેલ'ને ગાળો ભાંડે તો મારે પાડોશી તરીકે સાચવવું પડે. તે પેલાને કહું કે, 'ભઈ, કંઈ ખાસ કારણ ના હોય તો ગાળો ના ભાંડીશ. અને કારણ હોય તો ભાંડ. એટલે બુદ્ધિ વગરનો જે બીજો સામાન હતો એ બધો મારી પાસે છે પણ બુદ્ધિ નથી.

ન આવડત કશી અમારામાં

પ્રશ્નકર્તા : આપ આપની જાતને અબુધ કહો છો, પણ અમને પ્રબુધ લાગો છો.

દાદાશ્રી : પણ હું તો દરેક બાબતનો અનુભવ કરીને કહું છું. આજે સિત્તેર વર્ષની ઉંમર થઇ, પણ હજી મને દાઢી કરતાં નથી આવડતી. લોકો મનમાં માને છે કે પોતાને દાઢી કરતાં આવડે છે, એ બધું ઇગોઇઝમ છે. અમુક જ, બહુ જૂજ માણસોને દાઢી કરતાં આવડતી હશે. મને પોતાને જ સમજાય છે કે આ કેમનું રેઝર પકડવું, કેટલી ડિગ્રીએ પકડું, એની કશી ખબર હોતી નથી. એના એક્સપર્ટ આપણે થયેલા નથી. જ્યાં સુધી હું એક્સપર્ટ થયો નથી ત્યાં સુધી આપણને આવડતું નથી એમ જ કહેવાય.

પ્રશ્નકર્તા : એક્સપર્ટ થવામાં આપને ફાયદો નથી દેખાયો ને ?

દાદાશ્રી : ફાયદાની વાત નથી, પણ હું 'જેમ છે તેમ' કહી દઉં છું કે મને દાઢી કરતાં નથી આવડતી. તમને એમ થાય કે આમ તો કેમ કરીને હોય ? પણ તમને આવડે છે એ માનો છો એ જ ખોટું છે. એ ખાલી 'ઇગોઇઝમ' છે. કેટલાકને તો બ્લેડ વાપરતાં જ નથી આવડતી. બ્લેડ વપરાઇ કે નથી વપરાઇ તે જ જાણતા નથી. આ તો બધું પોલંપોલ ચાલ્યા કરે છે !

પ્રશ્નકર્તા : એક્સપર્ટ એટલે ?

દાદાશ્રી : માણસ એક્સપર્ટ થઇ શકે નહીં. એક્સપર્ટ એ તો કુદરતી બક્ષિસ છે. આ આત્મવિજ્ઞાનમાં હુંય એક્સપર્ટ થયેલો છું, તેય કુદરતી બક્ષિસ છે. નહીં તો માણસ તે જ્ઞાની શી રીતે થઇ શકે ? તેથી અમે કહીએ છીએ કે 'ધીસ ઇઝ બટ નેચરલ.'

અરે, મને તો ચાલતાંય નથી આવડતું. લોકો કહે કે દાદા બહુ સરસ ચાલે છે ! પણ હું તો જ્ઞાનદ્ષ્ટિથી જોતો હોઉં એટલે મને ખબર પડે કે મને ચાલતાંય નથી આવડતું.

અમને આ લખવા-કરવાનું ના આવડે, પેનેય પકડતાં ના આવડે. અમને કશું આવડે નહીં. સંસારનું કશું ના આવડે એનું નામ 'જ્ઞાની'.

અમને સંસાર વિસારે પડી ગયો હોય. અમને સહી કરતાંય આવડતી નથી. પંદર-વીસ વરસથી કશું લખ્યું જ નથી એટલે બધું વિસારે પડી ગયું છે.

અમે ખરેખર અબુધ થઈને બેઠા છીએ ! અમારામાં જરાય બુદ્ધિ ના મળે. બુદ્ધિ વગર ચાલે છે ને, અમારું ગાડું !

પ્રશ્નકર્તા : પણ અમને તો તમારું બધું જ આદર્શ રૂપ જ દેખાય.

દાદાશ્રી : એવું લાગે, પણ હું જ્ઞાનરૂપે જોઉં, છેલ્લા ચશ્માથી જોઉં, એટલે છેલ્લી લાઇટથી આ બધું કાચું લાગે.

કેટલાક માણસો મને કહે છે કે દાદા, તમારી જોડે બેસીને અમે ખાતાં શીખ્યા. હવે હું મારી જાતને જાણુંને કે મને જમતાં જ નથી આવડતું. જમતાનો ફોટો કેવો હોવો જોઇએ, કેવું ચારિત્ર હોવું જોઇએ એ અમને લક્ષમાં હોય જ. પણ તે કોને હોય ? બક્ષિસવાળાને હોય.

એક બાજુ અહંકાર હોય અને એક બાજુ 'એક્સપર્ટ' થવું, એ બે સાથે થઇ શકે જ નહીં. અહંકાર જ 'એક્સપર્ટ' થતાં અટકાવે છે.

એટલે અમે 'અબુધ' છીએ એ અનુભવપૂર્વકનું કહીએ છીએ, એમ ને એમ નથી કહેતા. છતાંય તમને પ્રબુધ દેખાય છે એ તમારી દ્ષ્ટિ છે. મારી દ્ષ્ટિ ક્યાં હશે એ તમને સમજાયું ? અમારી છેલ્લી દ્ષ્ટિ છે.

બુદ્ધિ નહીં ત્યાં મતભેદ નહીં

અહીં મતભેદ ના હોય. અહીં બધા સ્વીકાર કરે. બે વર્ષનું બાળક હોય તેય સ્વીકાર કરે. આવડું બાળક મારી જોડે રમ્યા કરે, બે વર્ષનું બાળક હોય તેય. કારણ કે અમે બાળક જેવા જ હોઈએ. બાળક છે તે અજ્ઞાનતાથી નિર્દોષ છે અને અમે જ્ઞાને કરીને નિર્દોષ હોઈએ, બસ આટલો જ ફેર. અમે આ કિનારાના ને પેલો પેલા કિનારાનો પણ બન્ને બાળક જ કહેવાય.

કોઈ કહે, 'તમારામાં બુદ્ધિ બહુ ?' હું કહું કે, 'ના, અમે અબુધ !' બુદ્ધિ હોત તો નફો ને તોટો દેખાડત ને ? હા, એ અજ્ઞાશક્તિ હંમેશાં નફો ને તોટો બે જ દેખાડે. આટલા લેઈટ (મોડા) થાય, તે એ નફો ને તોટો કાઢે. કોઈ માણસે અવળે રસ્તે લીધા હોય તો કહેશે, 'લે, અરધો માઈલ મારો નકામો ગયો !' બુદ્ધિ બધામાં નફો-તોટો જોયા કરે ને નફો ને તોટો જ્યાં સુધી દેખાડે છે ત્યાં સુધી સંસારની બહાર નીકળવા ના દે. અને અમે તો અબુધ, એટલે બીજી કશી ભાંજગડ નહીંને ! અને અમે નફાને તોટો કહ્યો ને તોટાને નફો કહ્યો, તે 'વ્યવસ્થિત' પાછું. તે બુદ્ધિવાળાનેય ફેરફાર ના થાય ને અબુધનેય ફેરફાર ના થાય. એટલે અમે અબુધ છીએ ને 'વ્યવસ્થિત' જાણીએ છીએ પાછું. 'વ્યવસ્થિત' જો અમે જાણતા ના હોતને તો અમેય અબુધ ના થઈ જાત. એટલે અમે જાણીએ કે 'વ્યવસ્થિત' છે, પછી શું ભાંજગડ ? અને આ જ્ઞાન પછી તમનેય કહ્યું કે 'વ્યવસ્થિત' છે. માટે બુદ્ધિ નહીં વાપરો. અબુધ થાઓ તોય તમારું બધું ચાલશે.

તમે મારી જોડે સત્સંગમાં બેસો તો તમારી જે આ બુદ્ધિ છે ને, તે વિપરીત બુદ્ધિ છે, તે સમ્યક્ થાય. તમે મારી જોડે બેસો, વાત સાંભળ સાંભળ કરો તો આની આ જ બુદ્ધિ ફેરફાર થઈ જાય, સમ્યક્ થાય અને સમ્યક્ થઈ એટલે પછી ઈમોશનલ ના કરે. અને અમારામાં તો બુદ્ધિ નહીં ને ! બુદ્ધિ હોય તો ઈમોશનલ કરે ને ?

અમે ઘડીવારેય ઈમોશનલ ના થઈએ. ચોવીસ કલાકમાં કોઈ ક્ષણ અમે ઈમોશનલ ના થઈએ. આ (નીરુબેન) નિરંતર ચોવીસ કલાક જોડે રહે, પણ ઈમોશનલ નહીં જુએ. અમે કાયમ મોશનમાં હોઈએ. એટલે જ્યારે તમારે ફોટા લેવા હોય ને, ગમે ત્યારે, અમે સંડાસમાં બેઠાં હોય તો ફોટો એવો ને એવો જ આવે. ખાતાં હોય તોય એવો ફોટો આવે. કો'કની જોડે લડીએને તોય ફોટો એવો આવે. કારણ કે મોશનમાં હોઈએ. ઈમોશનલ બુદ્ધિ નહીં ને ! અમારી બુદ્ધિ તો ખલાસ થઈ ગયેલી.

એ અબુધતા, નહિ કામની

પ્રશ્નકર્તા : અબુધતા બે પ્રકારની. અબુધતા એ બુદ્ધિ આવતાં પહેલાંની અબુધતા છે કે બુદ્ધિનો ઉદ્ભવ થયા પછી છે ?

દાદાશ્રી : હા, અબુધતા બે પ્રકારની. એક બુદ્ધિ પ્રગટ થઈ ના હોય ત્યારે અબુધતા, બાળકોની અબુધતા કહેવાય અને બીજી જ્ઞાનીઓની અબુધતા. બુદ્ધિ સંપૂર્ણ ટોચ ઉપર ગયા પછી આથમી જાય, એ જ્ઞાનીઓની અબુધતા.

પ્રશ્નકર્તા : એટલે આપે જે વાત કરી, એમાં સામાન્ય માણસ તો બુદ્ધિ પહેલાંની અબુધતામાં હોય, એવું નથી લાગતું ?

દાદાશ્રી : એ કામની નહીં. ડેવલપ્ડ થાય તો જ કામની. ડેવલપ થાવ, બળો. બળો એટલે શું ? આ સોનું છે ને, એને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં મૂકવું પડે. તે આ બુદ્ધિ વધે છે એ ભઠ્ઠી છે અને ભઠ્ઠીમાં બળી ને પછી શુદ્ધ થાય છે, એમ ને એમ શુદ્ધ થતું નથી. માટે બુદ્ધિમાં બળવાનું બધાને ફરજિયાત છે. હું હઉ બળ્યો છું. એટલે જેમ બને તેમ બુદ્ધિની વાતો સાંભળશો જ નહીં, નહીં તોય અબુધ થયા વગર ચાલવાનું નથી.

આખી દુનિયામાં અબુધ કેટલા ?

મારામાં એક સેન્ટેય બુદ્ધિ નથી. હું એકલો જ બુદ્ધિ વગરનો માણસ છું. તમે બધા બુદ્ધિ ખોળવા આવો તો 'ભઈ, અહીં આગળ નહીં, આખી દુનિયામાં જો બુદ્ધિ ના હોય, એવો કોઈ પુરુષ ખોળો તો હું એકલો જ છું.' 'હું અબુધ છું', એવો અમે સ્વીકાર કરેલો છે.

પ્રશ્નકર્તા : એ આપની મહાનતા છે.

દાદાશ્રી : ના, મહાનતા મારે જોઈતી નથી. હું તો લઘુતમ છું. મારે મહાનતા ના જોઈએ તોય લોકો ફેંકે છે. અક્રમ વિજ્ઞાની કોનું નામ કહેવાય કે જેનામાં બુદ્ધિ સેન્ટ પરસેન્ટ (સો ટકા) ના હોય. અમારામાં એક ટકોય બુદ્ધિ નહીં. તેથી તો હું ફાવી ગયો ને !

મનના જ્ઞાતા

સંબંધ મન સાથે જ્ઞાતા-જ્ઞેયનો

મન જે જે વિચાર બતાવે છે તેમાં પોતે અજ્ઞાનતાથી સંકલ્પ-વિકલ્પ કરે છે, તેના ફોટા પડે છે. તેની નેગેટિવ ફિલ્મ તૈયાર થાય છે ને ગમે ત્યારે તે રૂપકમાં આવે છે ત્યારે તે પડદા ઉપર પિક્ચર જોઈએ તેવું હોય છે. આ સિનેમામાં જે ફિલ્મ જુએ છે તે તો ત્રણ કલાક પછી 'ધી એન્ડ' બતાડે છે તે એન્ડવાળી ફિલ્મ છે, જ્યારે મનની ફિલ્મ એન્ડલેસ છે. અને એનો જ્યારે ધી એન્ડ થાય ત્યારે મોક્ષ થાય.

અમે તો મનની ફિલ્મને જોઈએ અને જાણીએ. કયા કયા વિચારો આવ્યા ને ગયા તે જોઈએ અને જાણીએ. અમારે અને વિચારને ખાલી હાથ મિલાવવા પૂરતો જ સંબંધ હોય, શાદી ના કરી દઈએ. મહાવીર ભગવાન પણ તેમ જ કરતા.

મનની લગામ અમારા હાથમાં

અમને જ્ઞાન ન્હોતું તો પણ અમને મનમાં વિચાર આવે ત્યારે હું સમજી જાઉં કે આજે ઊંઘવા દે તેમ નથી. તે હું મનને કહું, 'દોડો, દોડો, બહુ સારું, બહુ સારું, દોડ, દોડ, તું ઘોડો અને હું ઉપર બેસનાર. તારે જે રસ્તે ચાલવું હોય તે રસ્તે ચાલ. તું છે અને અમે છીએ.' તે સવારના સાત વગાડે. આ જગતમાં શું નિયમ છે ? જેને આંતર્યું, જેના પર કંટ્રોલ આણ્યો, તે ઉપર ચઢી બેસે. જેમ ખાંડનો કંટ્રોલ આવે તો ખાંડની કિંમત ઉપર ચઢી બેસે. મનનું પણ તેમ જ છે. મનને જો આંતરવા જશો તો તે બમણા વેગથી દોડશે. માટે મનને આંતરવાનું નહીં. આજ્ઞાધીન મન હોય ને આંતરે તો ચાલે. આજ્ઞાધીન ના હોય તેને તો દોડાવ દોડાવ કરવાનું. તે થાકી જાય, હાંફી જાય, આપણે શું ? લગામ આપણા હાથમાં છે ને ! ત્યારે લોકો શું કહે ? મેલ પૂળો આ મનનો. ઊંઘ નહીં આવે. તે ઊંઘવા માટે મનને દબાવ દબાવ કરશે, આંતર આંતર કરશે. મૂઆ, ઊંઘવાનું મેલને બાજુએ. આ તો ખરું ફાવ્યું છે. મન ઉપર બેસવા મળે છે, તે આવો લાગ ફરી ક્યારે મળશે ? અમે મન ઉપર સવારીઓ કરી ત્યારે તો આ અવિરોધાભાસ જ્ઞાન ઉત્પન્ન થયું છે !

જ્ઞાન પહેલા મનની સામે જાગૃતિના

જ્ઞાનીએ કરેલા પ્રયોગો

અમારે એ સમયમાં ભજીયાં નહિ, પણ બીજી તીખી વાનગી થતી હતી. એનું નામ મને અત્યારે આવડતું નથી. બહુ સરસ આવતી હતી એ ! તે મોટી સારી હોટલમાં એકાદ ડિશ ખવડાવી દઈએ એટલે બસ થઈ ગયું ! ભયો ભયો થઈ ગયો !! તરણતારણ થઈ ગયા જાણે !!! જીભ તો લપલપે ને બધાંયની ! અને જવાનીમાં ખાસ લપલપે. ઘૈડપણમાં જરા ઢીલી પડી જાય.

પ્રશ્નકર્તા : ના, પણ ખવડાવવાનો પ્રયોગ કરવો પડે કે સમજણનો પ્રયોગ કરવો પડે ?

દાદાશ્રી : ખવડાવીએ એટલે ખુશ થઈ જાય. આપણે એને શર્ત કરીએ કે ભઈ, આટલું કરી આપું તો આ ચીજ લઈ આવીએ આપણે જઈને. અને એ કરાવવા મારે બે-ત્રણ દહાડા પહેલેથી તે આપવાનું બંધ કર્યું હોય અને તું આ કરું તો જ તને આ ખવડાવીએ ચાલ. એટલે પેલો બે-ત્રણ દહાડાથી બંધ હોય એટલે કરી નાખે બધું. આ અંદર મન ફિઝિકલ ખરું પણ એ જીવતાં જેવું છે. પાવરવાળું તો છે જ. આમ મરી ગયેલું છે પણ આપણે કહેવાની જરૂર એને. તે લોક રાતે બુદ્ધિને કહે છે ને, કે આજનો દહાડો તું આવીશ નહીં. કાલે બપોરે જમવા આવજે. તે એ કહે છે, તે એવું બને છે પણ પાછું.

પ્રશ્નકર્તા : પણ દર વખતે ખવડાવવાના પ્રયોગ સિવાય પેલું સમજણનો પ્રયોગ કર્યો હશે ને? મનની જોડે સમજણ પાડીને દિશા ફેરવી નાખવાની.

દાદાશ્રી : પણ આપણે જાણીએ નહીં કે આ લાલચુ શામાં છે તે ?

પ્રશ્નકર્તા : હા, એ તો ખબર પડે.

દાદાશ્રી : એટલે લાલચોમાં ઘાલી દઈએ એટલે આવડ્યું.

પ્રશ્નકર્તા : એટલે આ પ્રયોગ પહેલાં કરેલા.

દાદાશ્રી : આવા બધા બહુ પ્રયોગ કરેલા.

પ્રશ્નકર્તા : બીજા કયા ?

દાદાશ્રી : બીજા તો આમ રાત્રે કશું આવ્યું હોય તે ઊંઘવા ના દે. એટલે મેં કહ્યું, સારું હવે તું છું ને હું છું ચાલ. તે એની પર બેસી જઉં. એ દોડે ને હું સવાર. દોડ દોડ દોડ કરાવું ને થકવી નાખું. એટલે એ ઊંઘી જાય તો મને ઊંઘ આવી જાય. પણ હું લાલચ રાખું કે ભઈ, ઊંઘવા દે ને, ઊંઘવા દે ને ! એટલે ઊંઘવા દેતું હશે ? એ તો થકવીએ ત્યારે ઠેકાણે આવે. થાકી જાય એ. 'ચાલ, દોડ !' દોડ દોડ દોડ કરાવું. તેં થકવ્યું નહીં કોઈ દહાડોય ? મેં તો બધા બહુ પ્રયોગ કર્યા'તા અને બધાંય પ્રયોગો સફળ થઈ પડ્યા.

અમે તો અમારી જાતને શું માનેલું, અમે જે છીએ એ છીએ, અંતઃકરણમાં બીજા કોઈનું સાંભળેલું જ નહીં. આમાંથી મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર આ બધા બોલે, કોઈનું સાંભળેલું નહીં. ત્યારે સ્થિર રહેલાને !

અમારું મન સ્થિર વેગે ફર્યા કરે, એટલે કે જેમ અહીં બે હજાર માણસો હોય ને આપણે એમને 'શેક હેન્ડ' કરવાના હોય તો તે 'શેક હેન્ડ' કરતા જાય ને આગળ ચાલતા જાય. એવી રીતે અમારા મનના વિચારો 'શેક હેન્ડ' કરી કરીને જાય. કોઇ વિચાર ઊભો ના રહે. એક સેકન્ડ પણ ઊભો ના રહે ! અને તમારે એક વિચાર પા કલાક ઊભો રહે, અડધો કલાક ઊભો રહે. ઊભો રહે કે ના ઊભો રહે ?

પ્રશ્નકર્તા : હા, ઊભો રહે છે.

દાદાશ્રી : અમારેય મન તો ખરું. મન ના હોય તો તો 'એબ્સન્ટ માઇન્ડેડ' કહેવાય. અમારું મન બહુ પ્રખર હોય. ઉપર એટમબોંબ પડે તેવું લાગતું હોય તોય એ હાલે કરે નહીં, ચંચળતા નામેય ના હોય. મન સ્થિર વેગે ફર્યા કરે. અને તમારે તો જેમ આ ગોળનો ટુકડો પડ્યો હોય ને આ માખી એની આજુબાજુ ભમ્યા જ કરે એવું તમારું મન કોઇ ચીજને દીઠું એટલે ભમ્યા જ કરે એની પાછળ.

ન થવાય તન્મયાકાર મન જોડે

ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે ''આગળ 'એક્સિડંટ' થશે તો ?'' તો અમે કહીએ કે તેં કહ્યું તેની અમે નોંધ કરી. પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનના બધા 'ડિસ્ચાર્જ' ભાવો છે. એ 'ડિસ્ચાર્જ' ભાવમાં જો 'આપણે' કદી તન્મયાકાર થઈએ તો 'ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. આપણે 'એલીવેશન' કે 'ડિપ્રેશન' માથે ના લેવું. કશું થવાનું નથી, કશું બગડતું નથી. હું ક્ષણવારેય સંસારમાં રહેતો નથી, તોય કશું બગડતું નથી.

મનનું વિરોધાભાસી વલણ

અમે સાંતાક્રુઝથી અહીં આગળ ટેક્ષીમાં આવતા હોય ને કોઈ જગ્યાએ કોઈ ગાડીઓની અથડામણ થયેલી હોય ને, તો અમારું મનેય કહે કે 'આગળ એક્સિડન્ટ થાય એવું છે.' ત્યારે મેં કહ્યું, 'ભઈ, અમે નોંધ લીધી. તારી વાત બરોબર છે. અમારે જાગૃત રહેવું જોઈએ.' પછી બીજો વિચાર આવે કે 'એવું કશું નથી કે જે તમને એક્સિડન્ટ કરાવે.' ત્યારે આપણે એમ કહેવું કે 'એ અમે નોંધ કરી.' પછી આગળ બીજી વાત કરે.

પ્રશ્નકર્તા : પણ એ જે તમને ઇન્ફોર્મ કર્યું જેણે, કે એક્સિડન્ટ થાય એવું છે, એ મન બોલે છે ?

દાદાશ્રી : એ મન બોલ્યું અને પછી આપણે એક્સેપ્ટ કરીએ કે ભઈ, તારું કહેવું બરોબર છે. એટલે પછી આગળની વાત કરે. આગળ પછી સત્સંગની વાત કરે. એને એવું નથી કે આ તમને ગમતું નથી. એ તો એને જેવું દેખાય એવું બોલી જાય. એટલે આ બધું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (સંયોગી પુરાવા) છે. એટલે એની આપણે નોંધ લેવી જોઈએ. એ ભડકાવે ને આપણે ભડકીએ તો પછી ખલાસ થઈ ગયું ને ! એ તમને ભડકાવવા નથી કરતું. એ તો 'તમે ચેતો, બીવેર (ચેતો),' એમ કહે છે. અમે એવું બીએ નહીં. અજ્ઞાનીને બીવડાવી મારે. 'એક્સિડન્ટ થશે તો', તેટલો વખત તન્મયાકાર થઈ જાય.

અનુભવીને બતાવ્યો આ માર્ગ

હું પોતે આવી રીતે મનને કહું છું, તે જ તમને કહું છું કે ભઈ, આ પ્રમાણે નોટેડ (નોંધ લીધી) કહેજો. તે પછી કશું નહીં. પછી બીજી સારી વાત કરશે. આ શરીરમાં એક જ ચીજ એવી છે જે સંપૂર્ણ વિરોધાભાસી છે. દરેક રીતે વિરોધાભાસી હોય તો મન છે અને એટલે જ મજા આવે છે. કારણ કે જો એક જ તરફી હોય ને, તો મજા ના આવે ને !

આ તો અમે જે અમારી પ્રક્રિયા છે એ તમને કહી દઈએ. અમે કેવી રીતે સ્વતંત્ર થયા છીએ. ભગવાનથી પણ સ્વતંત્ર થયા છીએ. એવું તમારી પ્રક્રિયામાં આવી જાય, પછી તમને વાંધો નથી. જોયેલો માર્ગ છે, અનુભવેલો માર્ગ છે, જાણેલો માર્ગ છે. તમે તમારી મેળે એડજસ્ટ કરો તો થઈ શકે એમ છે. ના થતું હોય તો મને કહો, અમુક જગ્યાએ મારે થતું નથી, તો હું તમને બતાવી શકું છું. બાકી મનને મારીને કોઈ મોક્ષે નહીં ગયેલો.

એટલે મન કાઢી નાખવા જેવી ચીજ નથી. મનને મારી નાખવા જેવી ચીજ નથી. અમે અમારા મનને કોઈ દા'ડો માર્યુ નથી એ બિચારાને ! તે અમારું મન કેવું સરસ છે, તે અમે એને જેમ કહીએ તેમ એ ચાલે.

ને મન થાય એક્ઝોસ્ટ

અમારું મન એક્ઝોસ્ટ થઈ ગયેલું હોય. તમારું એક્ઝોસ્ટ (ખાલી) ના થયેલું હોય. તમને તો એક વિચાર આવ્યો ત્યાં પા-પા કલાક ખસે નહીં અને ગોથા ખાયા કરે. મનના તરંગો ફર્યા કરે. આમ ફર્યા કરે, તેમ ફર્યા કરે.

અમારે મન જુદું રહે. કારણ કે અમારે મન જોડે તન્મયાકારપણું નહીંને !

અભિપ્રાયથી ઊભું મન

આ અભિપ્રાયો જે બાંધ બાંધ કર્યા છે, તેથી મન ઊભું થયું છે. આ સારું છે અને આ ખરાબ છે ને આ નઠારા છે ને આ યુઝલેસ છે, કમાવવા જેવું છે, આમ બધાં જાતજાતના અભિપ્રાયથી આ મન ઊભું થયેલું છે. જો અભિપ્રાય બંધ થઈ જાય તો મન બંધ થઈ જાય. અમને કોઈ અભિપ્રાય રહ્યો નથી, તે અમારું મન કેવું હોય ? કોઈ જગ્યાએ ચોંટે નહિ, એક ક્ષણવારેય ! એ ફર્યા કરે બસ. એક ક્ષણવાર ઊભું ના રહે. એટલે મુક્ત રહીએ. મન પણ અમને બાંધે નહીં. જે રીતે અમે નિર્ગ્રંથ થયા તે રીતે તમને નિર્ગ્રંથ કરીએ. એટલે આ ગાંઠો આપણા મનમાં પડેલી છે ને, એ ફરી પાછી વિલય થાય એવી છે.

મહાવીરનું મન સમયવર્તી

પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીને કેવા વિચાર આવતા હતા ?

દાદાશ્રી : મહાવીર ભગવાનનેય મન હતું પણ એ મન કેવું ? જેમ આ ઘડિયાળમાં મિનિટનો કાંટો હોય છે, એની મહીં પછી સેકન્ડનો કાંટો હોય છે ને, અને એનાથી નાનામાં નાનો સમયનો કાંટો ગોઠવ્યો હોય, એ સમયનો કાંટો ફરે એવી રીતે એમનું મન ફર્યા કરે. એટલે કોઈ જગ્યાએ અટકે નહીં.

એમને એક વિચાર આવ્યો, ગયો. બીજો વિચાર આવ્યો, ગયો. ફરી એનો એ જ વિચાર ના હોય પછી. એ સમયવર્તી કહેવાય. સમયે સમયે પલટાય.

અમને કોઈનો અભિપ્રાય ન હોય ને અમારું મન ખાલી થઈ ગયેલું હોય, એક્ઝોસ્ટ થઈ ગયેલું હોય, છતાં પણ મન ચાલુ હોય. આ પંખો ફરે છે ને એવી રીતે અમારું મન ચાલુ હોય. અમારું મન ભગવાન મહાવીર જેવું ફર્યા કરે. કોઈ પણ જગ્યાએ ચોંટે નહીં. એક સેકન્ડેય એક જગ્યાએ વાર ન લગાડે. ઠેઠ સુધી મન તો ખરું પણ મન બિલકુલ હેરાન ના કરે. તે ભગવાનનું મન સમયવર્તી વર્તતું હતું અને અમારું ક્ષણવર્તી ફર્યા કરે, એટલે જાડું હોય. એનું કારણ કે સંપૂર્ણ કેવળજ્ઞાન નહીં એટલે આટલું જાડું. છેવટે તો પાકું થયે જ છૂટકો છે.

મન રિવોલ્વીંગ (ગતિશીલ) સદા, જ્ઞાનીનું

તમારું મન તો એક જગ્યાએ પા કલાક, દસ મિનિટ ઊભું રહે, એના એ જ વિચાર ચાલ્યા કરે અને અમારે કશે ઊભું જ ના રહે કોઈ જગ્યાએ, ચાલુ જ રહે.

પ્રશ્નકર્તા : તમારું મન એક જગ્યાએ સ્થિર કરો તો થઈ શકે ને ?

દાદાશ્રી : થઈ શકે પણ કરવાની જરૂર નહીં. મનનો સ્વભાવ ફરવું. ફરવું એટલે આમ ફરે નહીં પણ ક્ષણે ક્ષણે એક વિચાર કરીને પાછો બીજો વિચાર, ત્રીજો વિચાર...

પ્રશ્નકર્તા : મન અસ્થિર એટલે શું કહેવા માંગો છો ? મન તો ડિસ્ચાર્જ થતું જ હોય છે ને ? ચાલ્યા જ કરે ને ?

દાદાશ્રી : અસ્થિર એટલે માણસનાં મન અસ્થિર, આ ડિસ્ચાર્જ કરતાં કરતાં અસ્થિર થયા વગર રહે નહીં ને, બળ્યા ! ડિસ્ચાર્જ કરતાં કરતાં અસ્થિર થયા કરે. સ્થિરતા ના પકડી શકે. મહીં હાલી જાય. મન સ્થિર અમારા એકલાનું જ રહે. બાકી બીજા કોઈનું મન સ્થિર રહી શકે નહીં.

પ્રશ્નકર્તા : હા, પણ એ કોને સ્થિર કહેવું ?

દાદાશ્રી : સ્થિર કહેવું એટલે કોઈ પણ પર્યાય એને અડે નહીં. વિચારવાપણુંય ના રહે એને. અસ્થિરપણું તો ના રહે, પણ વિચારવાપણુંય ના રહે. આમ કેમ ? એવુંય પછી ના હોય.

પ્રશ્નકર્તા : વિચારે નહીં તો મન જ કહેવાય નહીં.

દાદાશ્રી : મન નથી એટલે એમ નહીં, પણ વિચારે નહીં એટલે એ ગાંઠ જેવું નથી, એનું નામ સ્થિર. આ અમને સ્થિર એટલે ગાંઠ જેવું નથી. એટલે આમ ફર્યા કરે, એક જગ્યાએ અટકે નહીં. બે મિનિટ, પાંચ મિનિટ એક જગ્યાએ અટકે નહીં, ફર્યા કરે, રિવોલ્વ થયા કરે. કોઈ ગ્રંથિ એવી ના હોય કે અટકે એ. એનું નામ સ્થિરતા કહેવાય. અમારે એવું રહે. પણ આવું અમને જ રહે. એ તો મોટી અજાયબી જ કહેવાય ને ! એટલે મૂળ અર્થ એને શાસ્ત્રકારોએ 'પરમાર્થ સ્વરૂપ' કહ્યું. પરમાર્થ ક્યારે થાય ? નિર્ગ્રંથ હોય ત્યારે. નિર્ગ્રંથ ક્યારે થાય ? મનની ગ્રંથિઓ ના હોય ત્યારે.

કેવા કેવા વિચારો લોકોને આવે છે મહીં ! હવે વિચાર એ કંઈ પોતે નથી. એ તો પહેલાં જે અભિપ્રાય ભરેલા તે જ નીકળ્યા કરે છે.

મન બંધાય, જ્ઞાને કરીને

એટલે અમે શું કરીએ, કોઈના માટે ખરાબ અભિપ્રાય નીકળેને, તો અમે એક બાજુ આવું બોલીએ 'બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે.' એટલે પ્લસ-માઇનસ (સરવાળો-બાદબાકી) થઈ ઊડી જાય. કારણ કે ભરેલો માલ આપણો આવો છે. માટે એવો માલ મોકલો કે પેલા માલનું ચાલે નહીં કશું અને એનું સાંભળીએ તો આપણે ગાંડા થઈ જઈએ.

ગમે તે રસ્તે મનને બાંધવું પડે પાછું. નહીં તો મન છૂટું થઈ જાય. હેરાન કરે, બીજું કશું નહીં.

કરે મનનું સમાધાન આમ

પ્રશ્નકર્તા : મનનાં સમાધાન વિશે દાખલો આપી સમજાવો.

દાદાશ્રી : આપણે તો પળે પળે આ મનનું સમાધાન થાય છે. માટે આ જ્ઞાન સાચું છે એવું આપણને ખાતરી થાય.

અમે તૈયાર થઈને બેઠેલા. મેં કહ્યું, 'આજે ગાડી કોની આવવાની છે ?' ત્યારે કહે, 'પેલા ભાઈ આવ્યા છે, તે આવશે બનતાં સુધી.' એટલે પછી અમે બેસી રહ્યા. અમે જાણ્યું કે 'વ્યવસ્થિત' છે. હિસાબ આવ્યો તે ઘડીએ 'વ્યવસ્થિત.' એટલે અમારે મન સમાધાન જ હોય. હજુ સાડા આઠ થાય ત્યાં સુધી અમારે કશું પેટમાં પાણી-બાણી હાલે નહીં. અમે તૈયાર થઈને બેઠા હતા અને આ લોકો નવકાર મંત્ર બોલ્યા કરે. આપણે ટાઈમ નકામો જવા જ ના દઈએ. ગાડી આવે ત્યાં સુધી આપણે નમસ્કાર વિધિ બોલ્યા જ કરવાની.

પછી આ ભાઈ આવ્યો અને એ કંઈક ગયો હશે તે ઉતાવળમાં ને ઉતાવળમાં પેટ્રોલ પૂરાવાનું ભૂલી ગયો. એના મનમાં એમ કે પહોંચી વળાશે, એવું જ લાગે ને ઉતાવળમાં, કે દાદાજીને મોડું થઈ જશે.

એટલે પછી એની ગાડીમાં આવ્યા ને ત્યાં ચાર રસ્તા આગળ પેટ્રોલ ખલાસ થઈ ગયું. એટલે એના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, 'આમાં દુઃખ કરવાનું જ ક્યાં હોય ?' અહીં મારે એક્સપ્લેનેશન (ખુલાસો) જ ના હોય. ગાડી બંધ થઈ, એ આપણે જોવાનું જ નહીં. મેં કહ્યું, 'એ જ વ્યવસ્થિત, એનું નામ જ વ્યવસ્થિત.' પછી કહે છે, 'આપણે ફોન કરીને બીજી ગાડી બોલાવીએ.' મેં કહ્યું 'ના. આ આમ વ્યવસ્થિત છે. હવે હલાવશો નહીં.' અને રીક્ષાય ના મળે તો આ આપણા ચાર છોકરા ઊંચકીને ચાલે નિરાંતે. એટલે આ બધું સમાધાન જ થયા કરે. સેકન્ડે સેકન્ડે 'વ્યવસ્થિત' જ છે, એ નિરંતર સમજવાનું છે. તે આવું તો મારે ઘણા દાખલા બને, મારી અંગત બાબતમાં. મારે પેટ્રોલ ના હોય, તે બીજું હોય.

આ જ્ઞાન જ એવું છે કે 'દેહાભિમાને ગલિતે, વિજ્ઞાતે પરમાત્મનં, યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય.' પણ એ શાસ્ત્રોમાં લખેલું એ એમ ને એમ જ છે. શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં જ રહ્યું. જ્યાં જ્યાં મન જાય છે ત્યાં સમાધાનને પામે છે, પણ એ ક્યારે કે જેનું દેહાભિમાન ગળી ગયું છે. 'હું કર્તા છું અને આ દેહ હું છું' એ ભાન ઊડી ગયું એટલે દેહાભિમાન ગયેલું કહેવાય. 'દેહાભિમાને ગલિતે, વિજ્ઞાતે પરમાત્મન' એટલે 'હું શુદ્ધાત્મા છું' એ જેણે જાણ્યું, 'હું શુદ્ધાત્મા છું' એની પ્રતીતિ બેઠી. પછી 'યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય.' આવું અમને જ્ઞાન થયું, તેને બીજે દહાડે શરૂ થઈ ગયું હતું. તે જ્યાં મન જાય ત્યાં સમાધાન. ગાળો ભાંડતો હોય ત્યાં સમાધાન, પૈસા ન આપતો હોય તોય સમાધાન, દરેક કામમાં સમાધાન. ત્યારે આપણે સમજી ગયાં કે આ કોઈનાથી કશું થઈ શકે એવું છે નહીં. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના કર્યા સિવાય કોઈ કાર્ય થાય એવું નથી. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બાઝે કે તરત એ પછી કાર્ય થઈ જાય.

ત્યાં જ્ઞાનીને કેવું હોય ?

અમે બપોરે અઢી વાગે સૂઈ ગયા હોઈએ ને સાડા ત્રણ વાગે ઊઠીએ ત્યારે મન મહીં અમને કહે, 'હજુ તો હમણે જ સૂઈ ગયા છીએ ને આ હવે હમણે ને હમણે ઊઠવાનું ?' પણ એનું કશું ચાલે નહીં. 'ગેટ આઉટ. આ જો બૂમ પાડવી હોય તો બીજે ઘેર જાવ.' અમે મનનું સાંભળીએ નહીં. મન ના કહેતું હોય તોય સાંભળવા-કરવાનું નહીં. રેગ્યુલર (નિયમિત) એટલે રેગ્યુલર. તમે તો મનનું સાંભળો ને ? નહીં તો અમને કોણ પૂછનાર છે ? તમને બધાંને પૂછનાર છે, અમને કોણ પૂછનાર છે ? અમે કહીએ કે 'આજે છ વાગે જાવ, (આજે) સત્સંગ બંધ રખાવો.' તો બંધ રહે એ. પણ એવું કશું ચાલે નહીં.

પ્રશ્નકર્તા : બપોરે જો દસ મિનિટ કે પંદર મિનિટમાં ઊઠવાનું હોય તોય આપ તરત ઊઠીને બેઠા થઈ જાવ !

દાદાશ્રી : હંઅ. અને સવારમાં તમને કહ્યું'તું ને કે સાડા સાતે અમને ખબર આપવી તો અમે પોણા આઠ સુધીમાં તૈયાર ! અમે જાગતા જ હોઈએ પણ અમારે વિધિઓ કરવાની હોય, તે સ્પીડીલી (ઝડપથી) કરી લઈએ જરા. નહીં તો અમને સવા આઠ સુધી કોઈ ના પાડતું હતું ? પણ જો જરાય કશો ડખો નહીં, એક્યુરેટ (ચોક્કસ). ઘણા ફેરા એવું અમને થાય કે ના જ ગમે. ખાવામાં અમને ના ગમે. પણ જે આવ્યું તે કરેક્ટ (બરોબર). ત્યારે મન શું કહે છે કે 'સાંજે ફરી કહી દો.' ત્યારે કહે, 'ના. તે કશું કહેવાનું નહીં પાછું. જે બને તે ખાવ. અમારી પાસે ભીખ મંગાવડાવો છો ? એમાં જે બને એ ખાવ. ચૂપ !' નહીં તો અમને કોણ પૂછનાર છે ? અમને જે મંગાવવું હોય તે મંગાવીએ ને અત્યારે આઇસ્ક્રીમ મંગાવીએ તોય કોઈ વાંધો ના ઊઠાવે, કે દાદાજી કેમ આમ કરે છે ? વાંધો ઊઠાવે ?

નથી અહંકાર, મન ને પ્રજ્ઞા વચ્ચે

પ્રશ્નકર્તા : એક બાજુ મન છે ને એક બાજુ પ્રજ્ઞા છે, તો મનનું ચલણ કયા આધારે થઈ જાય છે ?

દાદાશ્રી : અજાગૃતિને લીધે. અજાગૃતિ ને લાલચ. લાલચ તો આપણે કંઈ રહી ગયું હોય ને, કે આ ફલાણું શાક ભાવતું હોય એટલે આપણે મનનું કહ્યું એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ.

પ્રશ્નકર્તા : એ આપણે એટલે મહીં કોણ કરે છે ?

દાદાશ્રી : એ તો મૂળ અહંકાર, બીજું કોણ ? આ હું ઘણી વખત કહું છું ને, જુઓ ને ! આ સરસ નાસ્તો છે તોય મઠિયાં ખાય છે. હું કહુંય ખરો કે ખાવ પણ એ 'પાંચ ખાવાનું કહે ત્યારે બે ખાવા દઉં'.

પ્રશ્નકર્તા : એટલે મન બતાડે કે પાંચ ખાવા છે ત્યારે ?

દાદાશ્રી : એટલે હું ખવડાવું ખરો, 'સારું કરીને ખાવ' કહું. એ જુએ છે ને, ગરમ નાસ્તો હોય તોય. સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ, ટાઢો ના લેશો. ને છતાંય બે મઠિયાં ખવડાવવા. એ કહે, 'પાંચેક મઠિયાં ખાઈએ.' ત્યારે અમે કહીએ, 'ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.' એ હઉ કહું એટલું. આમ તો હું બે મઠિયાં રોજ ખાઈ જઉં છું. સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય ત્યાં આપણે નોબલ રહેવું જોઈએ.

ન તન્મય વિચારોમાં

(આત્મજ્ઞાન થયા પછી) વિચારવું એ જ ગુનો છે. એની મેળે જ વિચાર આવે એટલો જ આપણે ચલાવીએ. પણ તેય ઘણાંય વિચાર આવે પણ આપણે જરૂરિયાત પૂરતું જ લઈ લેવું, બીજું બધું બહારનું. તેમાં પડવાનું નહીં. વિચારવું તેમાં આત્માની શક્તિ ઓછી થઈ જાય, ખલાસ થઈ જાય. આત્મા તે ઘડીએ વિચરે, એટલે નહીં ચરવાનું તે ચરે. અમારે કશુંય નહીં, અમારે વિચાર-બિચાર કશુંય નહીં અને અમારે ડખોય નહીં ને ડખલેય નહીં.

મન વશ તેને જગ વશ

જ્ઞાનીઓએ મન વશ કરેલાં હોય, ચિત્તને વશ કરેલું હોય. ચિત્ત તે કેવું કે સાપ જેમ મોરલી સાંભળે, એવું અમારું ચિત્ત થયેલું હોય, મન વશ થયેલું હોય. અહંકાર તો દેવલોકો પણ દર્શન કરે એવો હોય. નિર્વંશ અહંકાર, જે અહંકારનો વંશ રહ્યો નથી.

અમારી માનેલી વસ્તુ કોઈ હોય નહીં. અમારું મન કશું બોલે જ નહીં. અમને હમણાં ધોલો મારેને તોય કશું નહીં, આશીર્વાદ આપીએ. કોઈ ગાળો ભાંડે તોય આશીર્વાદ આપીએ. જેલમાં ઘાલે તોય આશીર્વાદ આપીએ, પોલીસવાળાને. પોલીસવાળાને શું કહીએ ? ઘેર તો મારે બારણું વાસવું પડતું હતું, આ તમે જાતે વાસી આપશો. છે કશી ભાંજગડ ?

શાસ્ત્રજ્ઞાની હોય, શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું હોય, બધું હોય, પણ બીજા એકુય માણસનું મન વશ એને વર્તે નહીં. કારણ કે એનું પોતાનું જ મન વશ વર્તતું ના હોય ત્યાં સુધી પોતાનો જ ડખો છે હજુ, ત્યાં સુધી બીજાનું મન વશ કેમ વર્તે ?

બીજાનાં મનને વશ કરે એ જ્ઞાની. તે આ વશ શા ઉપરથી ખબર પડે ? તો આપણે પેલાને પૂછીએ, તો એ કહે કે 'મને ચોવીસેય કલાક દાદા યાદ રહે છે.' એનું મન જ્ઞાનીને વશ વર્તે છે. એવું હોય જ નહીં કોઈ જગ્યાએ. તપાસ કરવાનો આ એકલો સહેલામાં સહેલો રસ્તો.

જ્ઞાની પુરુષને તો કેટલાય લોકોનાં મન વશ થઈ ગયેલાં હોય. પછી કામ થઈ ગયું ને ! ઉકેલ જ થઈ ગયો ને !

જ્ઞાનીને તેથી ન મતભેદ

અમારે મન જ નથી, એટલા માટે મતભેદ જ નથી ને !

પ્રશ્નકર્તા : પણ મન ના હોય એટલે મત પણ ના હોય ને ?

દાદાશ્રી : હા, મત જ ના હોય. પણ અમને મત છે જ નહીં હવે. અમારું મન એવા સ્ટેજ ઉપર આવેલું છે કે મત રહ્યો નથી. આ અમારો મત ને પેલો તમારો મત, એવું કશું અમને છે નહીં.

વિચાર તો જુદા હોય. વિચાર તો દ્ષ્ટિભેદ છે, ત્યાં સુધી વિચારભેદ હોય. જ્યાં સુધી સંપૂર્ણ દ્ષ્ટિ, કેવળજ્ઞાનને ના ધારણ કરે, ત્યાં સુધી કંઈ ને કંઈ વિચારભેદ રહે અને કેવળદ્ષ્ટિએ કેવળદ્ષ્ટિ બે મળે પછી વિચારભેદ ના રહે. ત્યાં સુધી વિચારભેદ રહેવાનો. અને વિચારભેદને કંઈ ઝઘડો નથી. વિચારભેદ મનભેદ કરાવતો નથી.

સામાવાળાનું મન તૂટી જાય, એ તો મને પોષાય નહીં. હું કોઈનું મન તોડુંય નહીં અને કોઈ મારું મન તોડેય નહીં. અને જો મારું તોડે તો પણ હું એનું તોડું નહીં. હું જાણું કે એની ભૂલ છે, પણ મારી ભૂલ ના થવી જોઈએ.

અમારું મન બ્રહ્માંડનો ભાર ઊંચકે એવું હોય. અમારી જોડે બેસી રહે તો તમારું મન એવું થઈ જાય. પણ તમે બેસી રહો નહીં ને ! પાકા લોક ! ઘેર ડૉલરની ભીંત ચણવા જાવને ! ડૉલરની ભીંત ચણે. દાદાના મન જેવું મન થઈ જાય ને, તો કામ થઈ જાય. આખી દુનિયાનો ભાર ઝીલે !!!

નિર્વિચાર

વિચારધારાને અડે નહીં એ જ્ઞાની

પ્રશ્નકર્તા : વિચારધારાને 'દાદા' પકડી શકે છે ?

દાદાશ્રી : વિચારધારાને પકડનારા તો બધા બહુ મેં જોયેલા. વિચારધારાને પકડે એવા હોય છે પણ વિચારધારાને અડે નહીં એ જ્ઞાની. વિચારધારાને પકડવી એ તો એક જાતનું એનું ડેવલપમેન્ટ (વિકાસ) છે. પણ એથી આગળ ઘણું જાય ત્યાર પછી જ્ઞાનીપદ છે. વિચાર કરતાં કરતાં તો જ્ઞાન ભણી જવાનું છે.

વિચારથી (અજ્ઞાનતામાં) મોહ ને બધું ઊડી જાય. મારું બધું વિચારે કરીને ઊડી ગયેલું છે. એટલા બધા વિચાર કરેલાં કે આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે એવું એક પરમાણુ નથી કે મેં એનો વિચાર ના કર્યો હોય ! તે વિચારથી ઊડાડી મેલ્યું બધું.

મને જ્ઞાન થતાં પહેલાં છ-છ કલાક સુધી, એમાં આત્મા પ્રાપ્ત નહોતો થયો તોય એના વિચારમાં જ પડ્યો રહેતો'તો, સંસારમાં નહીં.

નિર્વિચારીપદ, જ્ઞાનીનું

પ્રશ્નકર્તા : માણસ 'થોટલેસ' (નિર્વિચાર) કેવી રીતે થઈ શકે ?

દાદાશ્રી : એવું છે ને, 'આ' ઊંઘમાંથી જાગીએ ત્યારે થોટલેસ થવાય.

નિર્વિચાર એટલે શું ? વિચાર સહિત આત્મદશા, એનું નામ નિર્વિચાર દશા. આ લોકોને વિચારસહિત દેહાધ્યાસ છે. એટલે નિર્વિચાર ખોળે છે એ. પણ વિચારસહિત આત્મદશા એ જ નિર્વિચાર. જ્ઞાની પુરુષ નિર્વિચાર પદમાં રહે, તેથી નિર્ગ્રંથ કહેવાય.

'અમે' વિચરીએ તો વિચાર આવે ને ? અમે વિચરીએ નહીં એટલે એ વિચાર કહેવાય નહીં અને ના વિચરે તો ઊડી જાય.

હું તો કોઈ દહાડો ક્ષણેય વિચર્યો નથી, તો મને વિચાર જ ક્યાંથી આવે તે ? કારણ કે હું તો આ રોગ જ જાણું છું ને ! રોગને કોણ ફરી પાણી પાય ? અને વિચર્યા એટલે પરાધીન થયાં તમે. તમારી સ્વતંત્રતા ખોઈ નાખી.

અમને વિચારવાનું ના હોય. અમારામાં બિલકુલ થિંકિંગ પાવર (વિચાર શક્તિ) ના હોય ! જ્યારે છેલ્લી દશા, પોતાની દશા આવે ત્યાર પછી વિચારશક્તિ ત્યાંથી નિવૃત્ત થઈ જાય છે. સંસારનો એક વિચાર અમને હોય નહીં. વિચાર નામેય ના હોય. ધર્મ સંબંધીય વિચાર ના હોય અને સંસાર સંબંધીય વિચાર ના હોય. અમને સ્ત્રીસંબંધી વિચાર નથી આવતો. જ્યાં જ્ઞાન છે, ત્યાં સંસારનો એક વિચાર ન આવવો જોઈએ. અમને સંસારનો એક વિચાર નથી આવતો.

અમારી નિર્વિચાર દશા હોય. એટલે અમારું કાર્ય શું ? આ જ બધું કાર્ય. જ્યાં જઈએ ત્યાં પાણી છાંટવાનું. જગત પર જે અશાંતિ થઈ છે તે, એમાં પાણી છાંટ છાંટ (શાંતિ થાય એવું) કરવાનું.

ચિત્ત વશ વર્તે

ન ભટકે ચિત્ત જ્ઞાનીનું ક્યાંય

આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ હોય તો ચિત્ત છે. મન તો જાણે કે બહુ ચાલતું હોય તોય કશો વાંધો નહીં ને ના ચાલતું હોય તોય વાંધો નહીં, પણ ચિત્તની જ ભાંજગડ છે બધી ! અમારે તો ચિત્ત વશ રહ્યા કરે, પછી છોને મન કૂદાકૂદ કરે ! ચિત્તની હાજરી વગર કરેલું કોઈપણ કાર્ય નકામું જાય. એને બેચિત્ત કહે છે. અમારું ચિત્ત જ્યાં હોઈએ ત્યાં રહે !

અમારું ચિત્ત ક્યાં ક્યાં ભટકતું હશે ?

પ્રશ્નકર્તા : ક્યાંય નહીં ભટકતું હોય.

દાદાશ્રી : હા, અમારે જ્યાં હોઈએ ને, ત્યાં જ બધું હોય. આઘુંપાછું કોઈ થાય નહીં, કોઈ એકુંય નહીં. જ્યાં હોઈએ ત્યાં બધુંય રાજાય ત્યાં ને લશ્કરેય ત્યાં બધુંય, આઘુંપાછું કોઈ થાય નહીં. અમારી જોડે બેસો એટલે તમારું લશ્કરેય એવું થઈ જાય, વિનયવાળું.

ચિત્તને શાંતિ થાય એવું હોય, એ પછી રખડે નહીં, બહાર ના જાય. ચિત્ત બહાર ન જાય એવું આપણે કરવાનું છે. આ આપણું વિજ્ઞાન કેવું છે કે ચિત્ત આપણી પાસે રહે, ખસે નહીં. ચિત્ત બહાર ગયું એટલે આખું બધુંય હુલ્લડ ચાલ્યા જ કરે. ચિત્ત બહાર ના જવું જોઈએ. જમ્યા પછી થોડા વખત આરામ કર્યા પછી થોડીવાર, અડધો કલાક, બે કલાક આપ્તવાણીનું વાંચન કર્યું હોય તો ચિત્ત ફર્સ્ટ ક્લાસ થાય. એટલે ચિત્તને રાગે પાડવા માટે આવું બધું કરવું પડશે ને ?

જોવાનો તો દરેકને અધિકાર છે પણ ચિંતનનો નથી. તેમાં તન્મય થવાનો નથી. જુએ તો જ્ઞાની પુરુષેય પણ ચિંતનમાં ફેર છે. આ મોહમયી નગરીમાં (મુંબઇમાં) બધાય ફરે છે ને જ્ઞાની પુરુષ પણ ફરે છે પણ કોઇ વસ્તુમાં તેમને ચિંતન ના હોય ! ક્યાંય તેમનું ચિત્ત ના જાય !

અમારું ચિત્ત કોઈ જગ્યાએ જવાનું જ નહીં. એવી કોઈ ચીજ નથી કે ચિત્તને ખેંચે. આ તો બધું કચરો માલ છે, રબીશ માલ છે. આ તો મહીં ભ્રાંતિ બધું ફસાવે છે. દરેક સાઈડના ચિત્ત ન વિખરાવાનું જુદું વાક્ય હોય. 'મારાથી કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર અહમ્ ના દુભાય, ના દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય', આ બોલ્યા એટલે હવે પછી અહમ્ દુભાવવાને માટે જે ચિત્ત જતું હતું તે બંધ થઈ જાય એવી આ નવ કલમો છે.

ચિત્ત પ્રસન્નતા

ત્યાં સદા ચિત્ત પ્રસન્નતા

અમારું ચિત્ત કેવું હશે ? એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી ! અમે બોલીએ ત્યારે નિરંતર આમ ડોલ્યા કરે. ત્યારે ચિત્ત પ્રસન્નતા ઊભી થાય. નહિ તો મોઢું ખેંચાઈ ગયેલું હોય, જીભેય ખેંચાઈ ગયેલી હોય. લોકો તો આંખો વાંચીને કહી દે કે આ ખરાબ દ્ષ્ટિવાળો છે. ઝેરીલી દ્ષ્ટિ હોય, તેનેય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે, એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે, પણ ખાઈને વિચારે તો ! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે.

જ્યારે અમે બોલીએ ને, તે અમારું ચિત્ત બસ એને સાંભળ્યા જ કરે. ખુશ ખુશ ખુશ થયા કરે. અમારું ચિત્ત તો સાપની પેઠે મોરલી સાંભળીને નાચે એવી રીતે નાચ્યા કરે. બહાર ભટકવા શાનું જાય તે?

ધન્ય છે 'આ' (દાદાની) ચિત્તવૃત્તિઓને ! આ અમારા જેવી ચિત્તવૃત્તિ થવા માંડી ! સત્યાવીસ વર્ષમાં કોઈ દહાડોય અમારું ચિત્ત આઘુંપાછું નથી થયું, મન આઘુંપાછું નથી થયું.

હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો, કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ના કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી. એટલે પછી મારી જાતને હું સમજી ગયો, તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું.

ચિત્તવૃત્તિઓ ના વિખરાય તો ?

અમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ રહે, એટલે પછી કશું અડેય નહિ ને નડેય નહિ.

મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે, તમારી વિખરાઈ ગયેલી છે. તમારી વિખરાઈ ગયેલી નથી ? બસ આટલો જ આમ તાત્ત્વિક દ્ષ્ટિએ ફેર છે. વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો, ધીમે ધીમે, તો તમે મારા જેવા જ થઈ જાવ.

જેટલી ચિત્તવૃત્તિ વિખરાય એટલું ઐશ્વર્ય ઓછું થતું જાય. અને જેટલું મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ થઈ જાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થયું, સંપૂર્ણ ઐશ્વર્ય ! ગુરુપૂર્ણિમા, જન્મજયંતિ ને બેસતું વર્ષ, આ ત્રણ દહાડે 'અમારાં' તો સંપૂર્ણ દર્શન થાય. તેથી બધાંને દબાણ કરીએ કે આડે દહાડે દર્શન ન કરીશ તો ચાલશે, પણ તે દહાડે દર્શન કરી જા. કારણ કે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થયેલું હોય. ચિત્તવૃત્તિ આખી સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈને એટલે સંપૂર્ણ ઐશ્વર્ય ઊભું થયેલું. એ ઐશ્વર્યના દર્શન કરીએને, તે આપણું ઐશ્વર્ય પ્રગટ થાય !

સચ્ચિદાનંદ સ્વરૂપ

પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ કોને કહેવાય ?

દાદાશ્રી : જેનું ચિત્ત નિરંતર પોતાના આત્મામાં રહે છે એ સચ્ચિદાનંદ. જેનું ચિત્ત સહેજે આઘુંપાછું ભટકે નહીં, ગાળ દે તોય ભટકે નહીં, માર મારે તોય ભટકે નહીં, દુનિયાની કોઈ અસર ચિત્તને થાય નહીં, એ છે સચ્ચિદાનંદ.

સાચા સચ્ચિદાનંદવાળા તો કો'ક, વર્લ્ડમાં એકાદ હોય, બેય હોય નહીં. અજોડ હોય, એની જોડ ના હોય. એટલે મુક્ત હાસ્ય એ સિવાય, બીજી બધી બહુ ચીજો હોય ! દરેક પ્રકારનું, તમે માગો એ મળે, તમે જે માગોને એ બધી મળે.

આ જોઈ લો સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ !! આ સચ્ચિદાનંદ મુક્ત હાસ્યથી માલુમ પડે. હાસ્ય વિધાઉટ એની ટેન્શન, ત્યાં સચ્ચિદાનંદ પ્રગટ થાય !

- જય સચ્ચિદાનંદ