|
અનંત ગુણ સંપન્ન વ્યક્તિત્વ, જ્ઞાનીનું ! સંપાદકીય મોક્ષ અતિ અતિ સુલભ છે પણ 'જ્ઞાની પુરુષ'નો ભેટો થવો અતિ અતિ દુર્લભ છે ! અને તેમની ઓળખાણ પડવી એ તો અતિ અતિ સો વખત દુર્લભ, દુર્લભ, દુર્લભ છે ! જ્ઞાની પુરુષની ઓળખાણ તેમની વીતરાગ વાણી ઉપરથી થઈ શકે. બીજું કોઈ સાધન આ કાળમાં નથી એટલે જ્ઞાનીપુરુષને એમના ગુણોથી ઓળખવા જોઈએ. અનંત ગુણ ધામ એવા જ્ઞાનીની ઓળખાણ સામાન્ય મનુષ્યને કઈ રીતે થઈ શકે ? જ્ઞાનીમાં સૂર્ય ભગવાન જેવો પ્રતાપ હોય, ચંદ્રમા જેવી સૌમ્યતા હોય, સાગર જેવી ગંભીરતા હોય તથા સ્થિરતા, અડગતા તો મેરુ પર્વત જેવી હોય. જ્ઞાની કરુણાના ધામ હોય. જ્ઞાની દ્વંદ્વાતીત હોય. જ્ઞાનીની આંખોમાં નિરંતર અમીવૃષ્ટિ જ હોય. જ્ઞાનીમાં બાળક જેવી નિર્દોષતા હોય. જ્ઞાનીની સરળતા વર્લ્ડમાં સર્વશ્રૈષ્ઠ હોય. સંપૂર્ણ નિર્અહંકારી પદે બિરાજેલા હોય, સંપૂર્ણ નિરાગ્રહી હોય. તેઓ નિરંતર સ્વપરિણતિમાં વર્તે તેથી મુક્ત હાસ્ય સદાય હોય, પોતાપણા રહિત હોય, માન-અપમાનથી પર હોય. મમતા રહિત હોય, માલિકીભાવથી પર હોય, નિર્ભય હોય, નિર્ગ્રંથ હોય. જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. જ્ઞાની પુરુષ નિશદિન આત્માના જ ઉપયોગમાં રહે. તેમને અંતરંગ સ્પૃહા ના હોય, ગર્વ કે ગારવતા ના હોય, આડાઈ ના હોય. શાતા-અશાતાથી પર હોય. દેહાભિમાન રહિત હોય. એવા અનેક ગુણોનો સમન્વય જ્ઞાની પુરુષમાં હોય. એ પોતે તો મુક્ત પુરુષ જ હોય પણ કેટલાયને મુક્તિ આપી શકે તેવા સામર્થ્યવાન હોય ! જ્ઞાની પાસે 'પરમ વિનય' અને 'હું કશું જ જાણતો નથી' આ બે જ વસ્તુ લઈને આવ્યો તો તે અવશ્ય ભવસાગર તરી જાય. જગતમાં 'આપ્ત પુરુષ' તે એકલા જ્ઞાની પુરુષ જ કહેવાય. જ્યાં સુધી પોતાને આત્માની ઓળખાણ થતી નથી ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ પોતાનો આત્મા છે. જ્ઞાની પુરુષ મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ હોય. જ્ઞાની મળે અને તેમની જો કૃપાદ્ષ્ટિ પ્રાપ્ત થાય તો મોક્ષ સહેજે હાથમાં આવી જાય તેમ છે ! એવા કલ્યાણમૂર્તિ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની ૧૦૧મી જન્મજયંતી પ્રસંગે અહો અહો થાય છે કે જગતને આવા અનુપમજ્ઞાનીના 'દર્શન-જ્ઞાન' પ્રાપ્ત થયા. એમના જેવાં ગુણોનો સમન્વય આપણામાં ઉદયમાન થાય તેવી ભાવના સાથે પુરુષાર્થ માંડીએ તેમજ પરમ પૂજ્ય દાદાશ્રીની જગત કલ્યાણની ભાવનાના એક ભાગ રૂપે દાદાના જ્ઞાનથી વંચિત સહુ કોઈ આ અલૌકિક જ્ઞાનને પામે એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવી કૃતાર્થ થઈએ. દીપક દેસાઈ અનંત ગુણ સંપન્ન વ્યક્તિત્વ, જ્ઞાનીનું ! જ્ઞાની પુરુષની ઓળખાણ પ્રશ્શનકર્તા : શાસ્ત્રોમાં એવું કહે છે કે આત્મા પ્રાપ્ત કરવો હોય તો તું જ્ઞાની પાસે જા તો આત્મા પ્રાપ્ત કરાવી શકે એવા સમર્થ જ્ઞાનીને ઓળખવા કેવી રીતે ? એમના કેવા કેવા વિશિષ્ટ લક્ષણો ને ગુણો હોય ? દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાય એવાં હોય. એમની સુગંધી જ ઓળખાય એવી હોય, એમનું વાતાવરણ ઓર જાતનું હોય. એમની વાણી ઓર જાતની હોય. એમના શબ્દો ઉપરથી ખબર પડી જાય. અરે, એમની આંખ જોઈને જ ખબર પડી જાય. બાકી, જ્ઞાની પાસે તો બહુ ખાતરી હોય, જબરજસ્ત ખાતરી ! અને એમનો શબ્દેશબ્દ શાસ્ત્રરૂપે હોય, જો સમજણ પડે તો એમના વાણી-વર્તન ને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. એટલે બધા બહુ લક્ષણો હોય. જ્ઞાની પુરુષમાં બુદ્ધિનો છાંટો ના હોય ! એ અબુધ હોય. હવે બુદ્ધિનો છાંટો ના હોય એવા કેટલાં હોય ? કો'ક ફેરો કો'ક જન્મ હોય એ, અને ત્યારે લોકોનું ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં લાખો માણસ તરી પાર નીકળી જાય. જ્ઞાની, પોતાપણા રહિત આપોપું ગયું, થયો પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રે શું કહ્યું ? કે 'જ્ઞાની પુરુષ' કોણ ? જેને કિંચિત્માત્ર કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી, દુનિયામાં કોઈ પ્રકારની ભીખ જેને નથી, ઉપદેશ આપવાનીયે જેને ભીખ નથી કે શિષ્યોનીયે ભીખ નથી, કોઈને સુધારવાનીયે ભીખ નથી, કોઈ પણ જાતનો ગર્વ નથી, ગારવતા નથી, પોતાપણું નથી એ. એ પોતાપણામાં બધું આવી જાય છે. આ 'વર્લ્ડ'માં કોઈ માણસ એવો ના હોય કે જેને પોતાપણું ના હોય, બ્રહ્માંડમાં બધું જુદી વાત છે. ત્યાં તો બધા તીર્થંકરો છે, બધુંય છે. જ્યારે આપણી દુનિયામાં પોતાપણું ના હોય એવો કોઈ માણસ હોય નહીં. પોતાપણું ના હોય એવા તો ફક્ત તીર્થંકર ગોત્રમાં નાપાસ થયેલા હોય એટલાં જ હોય. જ્ઞાન થતાં પહેલાં મારે પોતાપણું સહન થતું ન્હોતું એક સેકન્ડેય. સુખ હોય કે દુઃખ હોય, એ બળ્યું, કડવું ઝેર જેવું લાગે. જ્ઞાન થયું ને એ ડી ગયું. પોતાનું આપાપણું છૂટી ગયું, અહંકાર ગયો ત્યાર પછી. બાકી, અહંકાર જાય એવો નથી. આ 'અંબાલાલ મૂળજીભાઈ પટેલ' છે ને, એમણે પોતાનું આપાપણું છોડીને ભગવાનને જ સોંપી દીધું છે. તે ભગવાન એમનું બધું સંભાળી લે છે. અને એવું સંભાળે છે ને, ખરેખરું ! આ આપોપું જાય, પોતાપણું જાય એનું ભગવાન ચલાવી લે. પછી શી ભાંજગડ છે ? અમારું આપોપું ચાલ્યું ગયું, પછી બીજું બધું ભગવાન ચલાવી લે છે. મારે ક્યાં આ બધી ભાંજગડ છે ? હેય, ભગવાન ઘોડાં હાંક્યા કરે છે. આપણે તો અંદર બેઠા બેઠા જોયા કરવાનું. એટલે ભગવાન ક્યારે સંભાળી લેશે ? એ તો આપોપું છોડશે ત્યારે. તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે ભગવત્ ભગવત્નું સંભાળી લેશે પણ આપોપું છોડશે તો. આપોપું હોય ત્યાં સુધી ભગવાનની જવાબદારી નહીં. પોતાપણું ના હોય ત્યારે ભગવાનની જવાબદારી. હા, 'ફુલ' જવાબદારી એમની ! (તમારું) આપોપું જતાં ઘણો ટાઈમ લેશે. આ તો બીજાં બધાં બહારનાં પાડોશીઓ જોડે હજુ નિકાલ તો કરો. બાકી, આપોપું જવું અને ભગવાન (પરમાત્મા) થવું એમાં ફેર નથી. છેવટે 'અમારું' આપોપું ગયું એટલે 'ભગવાને' માથે ભાર લીધો. હવે અમને ભાર નથી. અમારું આપોપું ગયું ત્યારથી ભાર એમણે માથે લીધો. ત્યારે જ તો અમે આ લહેર કરીએ છીએ ને ! અને આ તો એવું છે ને, મેં તો ઘણા કાળનું કર્યું હતું ને તમને સહેજમાં થાય છે, એટલે લાભ ઉઠાવી લેવાનો. છેવટે આપોપું જશે ત્યારે કામ થશે. જ્યાં આપોપું ગયું ત્યાં પરમાત્મા સિવાય બીજું કશું છે નહીં. લક્ષણ, પોતાપણા રહિતના આ જે દેખાય છે ને, એ તો 'પબ્લિક ટ્રસ્ટ' છે, 'એ.એમ.પટેલ' નામનું. અને એમને જેને ત્યાં સત્સંગ માટે લઈ જવાના હોય તો લઈ જાય, જેવા સંજોગ બાઝે તેવું લઈ જાય. કારણ કે આમાં 'અમારું' પોતાપણું નથી. મને જ્યાં ચકીને લઈ જાય ત્યાં જઈએ અમે. ઘણી ચીજો અમારે ના ખાવી હોય તોય ખાઈએ છીએ, ના પીવી હોય તોય પીએ છીએ, ના જોઈતું હોય તેય બધું કરવામાં આવે છે અમારે. અને એમાં ચાલે નહીં. ફરજિયાત છે ને ! સામાના 'એન્કરેજમેન્ટ' માટે અમે તમારી ચા પીએ. એ ચા બહુ કડક હોય, પ્રકૃતિને ના ફાવે એવી હોય, તોય તમને આનંદ થાય ને, કે 'દાદા'એ મારી ચા પીધી. તે એટલા માટે અમે એ પી જઈએ. એવું છે ને, હું તો બધાને આધીન રહું છું, એનું શું કારણ ? મારે પોતાપણું નથી. એટલે હું તો બિલકુલ સંજોગોનાં આધીન રહું છું. હું તો તમારે આધીન પણ રહું છું, તો વળી સંજોગોના આધીન તો રહું જ ને ! આધીનતા એટલે સંપૂર્ણ નિર્અહંકારતા ! આધીનતા તો બહુ સારી વસ્તુ છે. અમારી જોડે જે છે એ કહે એવું અમારે કરવાનું. અમારો કોઈ અભિપ્રાય નહીં. અમને એમ લાગે કે હજુ એમની વાતમાં કચાશ છે ત્યારે અમે એમને કહીએ કે, 'ભાઈ, આમ કરો.' પછી અમે આધીન જ રહેવાના નિરંતર. 'જ્ઞાની', નિરંતર સહજ અમારી આ સાહજિકતા કહેવાય. સાહજિકતામાં બધો વાંધો નહીં. ડખલ જ નહીં ને કોઈ જાતની. તમે આમ કહો તો આમ ને તેમ કહો તો તેમ. પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ? અમને તો 'ગાડીમાં જવાનું છે' કહે તો તેમ. એ પાછાં કાલે કહેશે કે 'આમ જવાનું છે' તો તેમ. 'ના' એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત ના હોય, એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું. અમારે સાહજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર નહીં જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહે. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે ઉપયોગમાં રહેવાય. 'ઉદય'માં વર્તતું પોતાપણું 'જ્ઞાની પુરુષ' પોતાનાં ઉદય આધીન જ વર્ત્યા કરવાના. એમાં પોતાપણું ના રાખે. આજુબાજુના સંજોગો બધું શું કામ કરે છે, તે ઉદયના આધીન બધા સંજોગો ભેગા થાય, 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા થાય ને તે આધારે બધું વિચરે. અત્યારે મારી જોડે આપણા સત્સંગ સંબંધી કે બીજાં કોઈ સંબંધી મહીં મોટી લાંબી વાત લઈને આવ્યો હોય તો દોઢ કલાક ભલે ચાલે પણ અમારે ડખોડખલ ના હોય ને ! અને બીજે તો એવું થાય તો મતભેદ હઉ થઈ જાય. સો કલાકનું કામ એક કલાકમાં કરી આપીએ, પણ ડખોડખલ નહીં ને ! કારણ કે અમારે પોતાપણું જ નથી ને ! પ્રશ્નકર્તા : જ્ઞાનીઓ જ ઉદય આધીન વર્તે, તો બીજા બધાંને કેવું હોય ? દાદાશ્રી : બીજાનેય ઉદય આધીન હોય પણ એમને પેલું પોતાપણું મહીં રહે. ઉદયમાં પોતાપણું બધાને વર્તે જ. પણ 'જ્ઞાન' પછી એ પોતાપણું ઓછું થતું જાય, વધે નહીં. ઓછું થતું થતું ખલાસ થઈ જાય. ઉદયમાં પોતાપણું અમને ના હોય. જ્ઞાનીદશાનું પ્રમાણ એવું છે, આ 'જ્ઞાન' લીધું એટલે જે આખું પોતાપણું હતું, તે ધીમે ધીમે ઓગળતું ઓગળતું પછી ધીમે ધીમે ઝીરો થાય. 'ઝીરો' થાય એટલે એ 'જ્ઞાની' કહેવાય. પછી એની વાણીમાં બધો ફેર પડી જાય. પોતાપણું જાય ત્યાર પછી વાણી નીકળે. જેટલું પોતાપણું ઘટે એટલી વાણી ઉત્પન્ન થઈ જાય અને તે વાણી સાચી હોય! હંુ ને પોતાપણું બેઉ જુદા પ્રશ્શનકર્તા : અહમ્પણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ ? દાદાશ્રી : અહમ્ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને એ રહે અને માનેલું તો જતું રહે. 'હું'પણું માનેલું એ જતું રહે, પણ પછી વર્તનમાં રહે ને ! 'હંુ' તો એવરીવ્હેર એડજસ્ટેબલ ને ! પોતાપણું એવરીવ્હેર એડજસ્ટ નહીં થાય. પોતાપણું પોતાપણાને જ એડજસ્ટ થઈ શકે. બીજા કોઈને એડજસ્ટ થાય નહીં. એટલે 'હું' ને 'પોતાપણું' બેઉ બહુ જુદી વસ્તુ છે. એ અમારે પોતાપણું ના હોય. હવે આ જ્ઞાન પછી તમારું પોતાપણું છૂટવા માંડ્યું. પ્રશ્શનકર્તા : દાદા, અજ્ઞાન દશામાં 'ત્યાં' ધર્મભક્તિ કરતા'તા ત્યારે તો પોતાપણાને ગુણ માની લીધો'તો ને ? તો પછી એ એમાંથી છૂટે જ કેવી રીતે ? દાદાશ્રી : માની બેસનાર કોણ ? પ્રશ્શનકર્તા : પોતે. દાદાશ્રી : એ પોતે, એ જ પોતાપણું છે, એ અહંકાર. 'હું' એ પોતાપણું નથી. 'પોતે' એ પોતાપણું. 'હું' તો મને પોલીસવાળો કહેશે કે, 'આ ગાડી આમ કેમ ફેરવાવડાવી ? શું નામ છે ?' તો કહું, 'લખો, હું એ. એમ. પટેલ.' 'ભઈ, ક્યાંના રહીશ છો ?' તો કહું, 'હું ભાદરણનો.' 'કઈ નાતના છો ?' 'પટેલ છું.' શું કહું ? 'હું' તો મારું એડજસ્ટેબલ થઈ ગયું ને ! 'હું' આજે દાદા ભગવાનેય કહી શકંુ, કોઈ જગ્યાએ જ્યાં કહેવાય એવું હોય, નહીં તો 'એ. એમ. પટેલે'ય કહી શકંુ. નહીં તો કન્ટ્રાક્ટરેય કહું અને હીરાબાના ગામમાં જઉં છું ત્યારે લોકો 'ફૂઆ' કહે ત્યારે 'હું ફૂઓ, હા બરોબર.' નહીં ? કોઈ ફૂઆ કહે, કોઈ બનેવી કહે, કોઈ મામા કહે, કોઈ કાકા કહે, એવરીવ્હેર એડજસ્ટેબલ. એ 'હું' કેવું સરસ હશે ! અને 'પોતે' એડજસ્ટેબલ થાય એવો હોત તો તો બહુ સારું કહેવાયને ! ત્યાં બીજે બધે તો પોતાપણું કરે છે. 'હું' વસ્તુ નહીં સમજાવાથી, 'હું'માંથી બીજી વસ્તુમાં આરોપ કર્યો. એટલે વિકલ્પ ભો થયો. એટલે વિકલ્પનો આખો ગોળો એનું નામ પોતાપણું. પ્રશ્શનકર્તા : આ પોતાપણું 'હું'ને લીધે મનાય છે, દાદા ? 'હું' તમે કહ્યુંને, 'હું' એ આ પોતાપણું મનાવડાવે છે ? દાદાશ્રી : 'હું' તો જુદી વસ્તુ છે. 'હું'નો આરોપ કરવો કોઈ પણ જગ્યાએ, 'હું'ને અવળી જગ્યાએ વાપર્યું, એ ઘડીએ પોતાપણું ભું થાય. પ્રશ્શનકર્તા : દાદા, જરા દાખલો આપીને સમજાવોને ! સમજાયું નહીં 'હું' અને 'પોતાપણું', બન્ને ડિફરન્ટ (જુદું) કેવી રીતે ? દાદાશ્રી : મેં દાખલો જ આપ્યા જેવું જ થયું છે ને ! 'હું' એટલે કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં 'હું'નો આરોપ કરવો કે 'હું આ છું. હું આ છું, તે છું' અને તે છો નહીં, છતાંય 'તમે' એમ કહો કે, 'હું આ છું' એટલે આરોપ થયો, એટલે એમાંથી પોતાપણું ભું થયું. હવે એ 'હું' નથી કરતો એવું. પણ 'હું એ છું' એવો આરોપ કર્યો, માટે આરોપ કરનારને પોતાપણું ઉત્પન્ન થાય છે. પ્રશ્શનકર્તા : એ આરોપ કોણ કરે છે ? દાદાશ્રી : એ જ મહીં છે. એને 'અજ્ઞાન' કહેવામાં આવે છે. હવે અજ્ઞાન એ શું, કે 'હું'થી પણ પહેલાંની વસ્તુ છે, 'હું'ને આરોપ કરનારી વસ્તુ જ અજ્ઞાન છે અને 'હું'નું આરોપણ છોડી દે તો એનું બધું ચાલ્યું જાય. 'હું'નું આરોપણ છોડી દીધું, 'હું' શુદ્ધાત્મા થયો, એનો 'અહંકાર' જતો રહ્યો. પ્રશ્શનકર્તા : દાદાનું જ્ઞાન લીધું એટલે ગયું ? દાદાશ્રી : 'એનું' આરોપણ છૂટી ગયું તો સહેલી વાત છે ને ! ક્યાં અઘરી વાત છે ? પ્રશ્શનકર્તા : એટલે તમે જ્ઞાન આપો, ત્યારે આરોપણ છોડાવડાવો છો ? દાદાશ્રી : તો જ છૂટે, નહીં તો છૂટે નહીંને ! અકર્તા ન સત્તા અમારી પ્રશ્નકર્તા : આપ જ્ઞાન અમુક દિવસે આપો, અમુક ટાઈમે આપો, એનું શું કારણ ? દાદાશ્રી : એ સત્તા મારા હાથમાં નથી. એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગાં થાય ત્યારે કાર્ય થાય. હું તો નિમિત્તમાત્ર છું. મારા હાથમાંય સત્તા નથી ને નથી તમારા હાથમાં સત્તા ! બધા સંજોગો ભા થશે ત્યારે કાર્ય થશે. હું કર્તા હોત તો કાલે તમને બધાને બેસાડી દઉં કે બધા જ્ઞાનમાં બેસી જાવ. પણ હું કર્તા નથી. જ્ઞાની પુરુષ નિમિત્ત છે એટલે એ કર્તા નથી. માટે બધું જ કરી શકે. પોતે કર્તા નથી, નિમિત્ત ભાવે ચાહે સો કરે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે તમારા ઉપર કોઈની સત્તા છે, તમને કોઈ પ્રેરણા આપે છે ? દાદાશ્રી : જે સત્તા તમારી પર છે તે સત્તા મારી પર છે. બીજી કોઈ સત્તા નથી. આ દેહની, એ બધાની સત્તા એ મારી સત્તા નથી આ ! મારી સત્તા માત્ર જાણવું ને જોવું, જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદમાં રહેવું અને ધીમે ધીમે (આ સંસારના પઝલોમાંથી બહાર) નીકળી જવું ! આ તો પઝલમાં સપડાયેલા છીએ. હુંય સપડાયેલો છું ને તમેય સપડાયેલા છો ! પણ તમે અંદરેય બંધાયેલા છો, તે આખો દહાડો તમારે ઉપાધિ ઉપાધિ ! અને હું અંદરથી મુક્ત છું. વર્તે સ્વપરિણતિ નિરંતર પ્રશ્નકર્તા : દાદા, તમને જ્યારે જોઇએ ત્યારે આમ મુક્ત જ દેખાઓ છો, 'મૂડ'માં જ દેખાઓ છો, એનું શું કારણ ? દાદાશ્રી : અમે એક ક્ષણ પણ પરપરિણતિમાં નથી રહેતા, સ્વપરિણતિમાં જ હોઇએ. જો એક કલાક જ મને પરપરિણતિ ઉત્પન્ન થાય તો મારા મોઢા ઉપર તમને ફેરફાર દેખાય, 'જ્ઞાની'ને પરપરિણતિ જ ના હોય. નિરંતર સ્વભાવ પરિણતિ હોય. રાત્રે-દિવસે ગમે ત્યારે સ્વભાવ પરિણતિ હોય, પરપરિણામ ના હોય, જેનાં વાણી, વર્તન, વિનય મનોહર હોય. આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન સર્વાંશે ન હોય અને અહંકાર શૂન્ય થવાથી, ટેન્શન નહીં હોવાથી મુક્ત હાસ્ય નિરંતર રહે. આખા 'વર્લ્ડ'ની અજાયબી છે કે નિરંતર તે સ્વપરિણતિમાં રહે છે ! એક ક્ષણ પણ જો કોઇ સ્વપરિણતિમાં આવી ગયો તો તેને શાસ્ત્રકારોએ ઘણું મોટું પદ આપ્યું છે. કૃપાળુદેવે કહ્યું કે, જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે. એટલે તો કહ્યું કે બીજે ક્યાં પરમાત્મા ખોળે છે ! દેહધારી રૂપે આવ્યા હોય તેવા જ્ઞાની પુરુષને ખોળો. દેહધારી પરમાત્મા કોને કહેવાય કે જેને પરપરિણતિ જ ના હોય, નિરંતર સ્વપરિણતિ હોય તે. બે જ પ્રકારની પરિણતિઓ : એક સ્વપરિણતિ ને પરપરિણતિ. પરપરિણતિ અજ્ઞાનીને હોય, સ્વપરિણતિ જ્ઞાનીને હોય. સ્વપરિણતિને ભગવાને મોક્ષ કહ્યો છે. પુરુષાર્થ, સ્વપરિણતિમાં વર્તવાનો ભગવાનને સ્વપરિણતિ રહેતી હતી. અમનેય સ્વપરિણતિ રહે છે. પરપરિણામને પોતાનાં ના કહીએ. તમનેય અમે સ્વપરિણતિમાં જ રહેવા માટે એમ કહીએ કે 'તમારે' 'ચંદુલાલ' જોડે વ્યવહાર સંબંધ રાખવો. બીજા જોડે વ્યવહાર રહ્યો કે ના રહ્યો તોય શું ? જેને આ બહારનાં પરપરિણામ ગમતાં નથી, 'યુઝલેસ' (નકામા) લાગે છે ને તેને પોતાનાં સ્વપરિણામ માનતો નથી તે જ આત્માની હાજરી છે, તે જ સ્વપરિણામ છે. ન કોઈ ઉપરી જ્ઞાનીને જ્ઞાની પુરુષ એકલાને જ કોઈ ઉપરી ના જોઈએ. એનું શું કારણ ? એમને સ્વચ્છંદ જ ના હોય. નિરંતર સ્વપરિણતિમાં રહેતા હોય. એટલે એમને ઉપરી કોઈ જોઈએ નહીં. માણસને ઉપરી ક્યાં સુધી જોઈએ કે જ્યાં સુધી માણસની ભૂલ થાય છે ત્યાં સુધી ઉપરી જોઈએ. ભૂલ ના થાય ત્યાર પછી ઉપરી નહીં રહે. આ 'અંબાલાલ'ની ભૂલ થયેલી હશે, પણ જ્ઞાની તરીકે અમારી ભૂલ ના થાય. દોષો સામે સદા જાગૃત ન કરે રક્ષણ ભૂલોનું જગતના બધા લોકોને ક્રોધ-માન-માયા-લોભ કાઢવાં છે. કોને કાઢવાની ઇચ્છા ના હોય ? એ તો વેરવી જ છે, એવું બધા જાણે છે છતાં રોજ જમાડે છે ને મોટાં કરે છે. પોતાની ભૂલ જ દેખાય નહીં પછી માણસ ભૂલોને ખોરાક જ આપે ને ! ભૂલ થઈ હોય, પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું ? અહીં સત્સંગમાં બધા બેઠા હોય ને કો'ક એક જણ આવીને કહે, 'મોટા જ્ઞાની થઈ બેઠાં છો, ચા તો છૂટતી નથી.' એમ બધું બોલેને, ત્યારે હું કહું કે 'મહારાજ, આ આટલી ઘાડી નબળાઈ છે એ હું જાણું છું.' તમે આજ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું છું. જો હું એમ કહું કે, 'અમને જ્ઞાનીઓને કશું અડે નહીં.' એટલે પેલી ચા મહીં અંદર સમજી જાય કે અહીં વીસ વર્ષનું આયુષ્ય આપણું વધ્યું ! કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે. એ એવો હું કાચો નથી. રક્ષણ કોઈ દહાડો નથી કર્યું. સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ ભૂલોના જ્ઞાતા 'જ્ઞાની પુરુષ'માં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના 'અમે' 'જ્ઞાતા-દ્રષ્ટા' રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપું : સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઇક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઇક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં એ દોષો કોઇને નુકસાન કરતા નથી. એવાં સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તેય આ કળિકાળની વિચિત્રતાને લીધે ! ઉપરીનોય ઉપરી જેને જેટલી ભૂલો દેખાય તેનો તેટલો તે ઉપરી. જેને બધી જ ભૂલો ખલાસ થાય તેનો કોઈ ઉપરી જ નહીં. 'મારો કોઈ ઉપરી છે જ નહીં. તેથી હું બધાનો ઉપરી. ઉપરીનોય ઉપરી !' કારણ અમારામાં સ્થૂળ દોષો તો હોય જ નહીં, સૂક્ષ્મ દોષ પણ ચાલ્યા ગયેલા. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય, તેના અમે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. ભગવાન મહાવીર પણ આ જ કરતા. નામેય ચીકાશ ના રહે ત્યારે જ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો દેખાય. અમારામાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ હોય, જે અન્ય કોઈને કિંચિત્માત્ર પણ હરકતકર્તા ના હોય. અમારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દોષો પણ અમારી દ્ષ્ટિમાંથી જાય નહીં. બીજા કોઈને ખબર ના પડે કે અમારો દોષ થયો છે. ઓપન ટુ સ્કાય લોકો મને કહે છે કે 'તમારે તમારા દોષો કહેવાની શી જરૂર ? ફાયદો શો ?' મેં કહ્યું, 'તમને બોધપાઠ આપવા માટે કે તમને આવી હિંમત આવે. હું બોલું છું તે તમને હિંમત કેમ ના આવવી જોઈએ ? હંમેશા જે દોષ થયોને તે ખુલ્લો કરે તો મન પકડાઈ જાય. પછી મન ડરતું રહે કે આ તો ઘાડું કરી દેશે, ઘાડું કરી દેશે. લટું આપણાથી ડરતું રહે. આ તો બહુ ભલા માણસ છે. ઘાડું કરી દેશે. અમે તો કહી દીધું કે અમે બધું ઘાડું કરી દઈશું. ઓપન ટુ સ્કાય (ખુલ્લે આમ) કરી નાખીશું. ત્યારે તો બધા દોષ જતા રહ્યા. જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય ? ગર્વ નથી, ગારવતા નથી નહીં ગર્વ કોઈ ચીજનો હવે જ્ઞાની પુરુષને ગર્વ નથી, એટલે શું ? એ એમના હાથે ગમે એટલી શાંતિ આપે તોય એમને એમ ગર્વ નથી કે હું આ શાંતિ આપું છુ' એવું નથી. એ એમ જાણે કે હું તો નિમિત્ત છું અને એના ઘરની શાંતિ એને ઉઘાડી આપું છું. એટલે કોઈ ચીજનો ગર્વ ના હોય. કારણ કે અહંકાર જ ના હોય તો ગર્વ ક્યાંથી હોય ? જ્યાં અહંકાર હોય, ત્યાં ગર્વ હોય જ. એટલે એમને ગર્વ નથી. ગર્વરસ એટલે 'મેં કેવું સરસ કર્યું, કેવું આમ કર્યું.' જે કામ કર્યું હોય ને, તે 'કેવું સરસ છે' એમ રસ એનો ચાખે, એ ગર્વરસ ! હવે એ ગર્વ અમારી પાસે ના હોય. કોઈ ક્રિયા 'મેં કરી છે' એવું અમારામાં ના હોય. 'જ્ઞાની', ગારવતામાં નથી પ્રશ્નકર્તા : જ્ઞાનીને ગારવતા ના હોય તો તે ગારવતા એવું સમજાવો ને ? દાદાશ્રી : આ ગારવતા એ જુદી વસ્તુ છે. ગારવતા તો ગાયનેય હોય, ભેંસનેય હોય અને માણસનેય હોય. ગારવતા દરેક મનુષ્યને હોય અને આમાં આપણા મહાત્માઓનેય હોય. હજુ તો લોક નરી ગારવતામાં પડ્યા છે. હવે ગારવતા એટલે શું ? ગારવતા પ્રત્યક્ષ જોવી હોય તો પેલાં ખાબડાં હોય છે, તળાવ જેવું, નર્યું ગંધાતું હોય એ. બબ્બે ફૂટનો નર્યો કાદવ હોય ! હવે આ ભેંસો છે ને, તે ઉનાળામાં સખત તાપમાં ઠંડકનો રસ્તો ખોળે છે, ફ્રિજ ખોળે ! એટલે ઉનાળાને દહાડે ભેંસ શોધખોળ કરે કે 'કોઈ જગ્યાએ ઠંડક છે ?' આપણા લોક નથી ખોળતા ? બહુ તાપ લાગે ત્યારે કહેશે, 'હેંડો, કંઈક એરકંડિશન્ડ રૂમમાં પેસીએ.' તે આમ ભેંસને પણ ખબર પડે. એટલે પાણી દેખે ને, ત્યાં પેસે. અને પેસે ને જો કાદવ દેખે, તો બસ ત્યાં એ એનું સ્થાન કરી નાખે. ભેંસને ખાબડામાં જોઈ એટલે ધણીએ જાણ્યું કે આ તો હવે નીકળશે શી રીતે ? પછી ધણી પેલા ઘાસના લીલા પૂળા લાવીને બૂમ પાડે. કિનારે રહીને પેલો કહેશે, 'લે, લે !' ભેંસ આમ કાન માંડે ને આમ જુએ ખરી, પછી મોઢું ફેરવી નાખે. પણ ઠે નહીં. આ ગારવતામાંથી ઠે ત્યારે ને ? કારણ કે ત્યાં જે સુખ પડે છે એવું બીજામાં નથી. એટલે કાદવમાંથી ઠે નહીં. આમ જોઈ લે, પણ કશું હલે કરે નહીં. આમાં દાદ ના દે, જરાય દાદ ના દે. કહેશે, આવું સુખ છોડીને કોણ જાય તે ? એ જ ગારવતા ! આ ગારવતાનું સુખ કહેવાય. એવું જગત આ ગારવતામાં સુખ માની બેઠું છે. તે ગારવતામાંથી ખસતા જ નથી ને ! આ સ્ત્રી-પુરુષો ઠતાં જ નથી ને ! રામ તારી માયા ! ગારવતામાં પડેલાં છે. શી રીતે આ ગારવતામાંથી ઠે ? આને જ ફ્રિજ માન્યું. જ્યારે 'જ્ઞાની પુરુષ' સમજણ પાડે ત્યારે ગારવતા સમજાય. એટલે આ 'એકઝેક્ટ' અર્થ સમજજો હં, કૃપાળુદેવ શું કહેવા માગે છે તે. જે ઠંડક મળી ગઈ એ ઠંડક જોડે સરખામણી કરી છે. આ લોકો સંસારમાં ગારવતામાં જે બેસી રહ્યા છે, તે ઘણાય સત્પુરુષો ને જ્ઞાની કહે કહે કરે છે, પણ કાન હલાવીને પાછા ફ્રિઝની મહીં બેસી જાય છે ! જો ગારવતા ! ભેંસોની ગારવતા પેલી કાદવની અને મનુષ્યોની ગારવતા આ. ભેંસોને તો અમુક જગ્યાએ ગારવતા હોય, પણ મનુષ્યોને તો સ્ત્રીની ગારવતા, એરકંડિશન્ડની ગારવતા ! અને છોકરાનો બાપ, તે મનમાં મલકાયા કરે કે, 'ત્રણ છોકરા છે, તે ત્રણ વહુ આવશે. ત્રણ છોકરા માટે ત્રણ ઘર બાંધવાં છે.' આ બધી ગારવતા ભી થાય. ગંધાતા ખાબડામાં ભેંસ બેઠેલી હોય, એવું આખું જગત ગારવતામાં જ પડી રહ્યું છે. ગંધમાં, નરી વિષયોની ગંધમાં ! વિષયની ગંધના સારુ કકળાટ ભોગવે છે. એટલે આ જગતનાં લોકો રૂપ ગારવતા, વિષય ગારવતા, રસ ગારવતા, મોહની-લોભની ગારવતામાં જ રાચે છે અને તેથી તેમને બહાર નીકળવું ગમતું નથી. એવી ગારવતામાં જ્ઞાની પુરુષ ના હોય. કોઈ જગ્યાએ ફ્રિઝની પેઠે એ બેસી ના રહે. તમે ફ્રિઝમાં બેસાડો તોય એ બહાર નીકળે અને તાપમાં બેસાડો તોય બહાર નીકળે. એમને એવી ગારવતા ના હોય. ઉન્મત્તતા રહિત ત્રણના લોકના નાથ, છતાં નહીં ઉન્મત્તતા પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ઉન્મત્તતા નથી તો ઉન્મત્તતા એટલે શું ? દાદાશ્રી : આ લોકો અહંકાર તો કેવો કરે તે ? અહીંથી આમ જતો હોય ને, ત્યારે સીધો 'સ્ટ્રેઈટ ફોરવર્ડ' જતો હોય, આમ સાહજિક રીતે પદ્ધતિસર ચાલતા હોય અને પાછો આવતો હોય, તે ઘડીએ આપણે જાણીએ કે આ આનામાં કંઈક ફેરફાર થઈ ગયેલો લાગે છે ! આપણને 'ફેસ' બદલાયેલો લાગે. પાછો આવતો હોય ત્યારે રોફભેર આવતો હોય. એટલે આપણે જાણીએ કે આ કંઈ ફેરફાર થયો છે, આને 'ઇફેક્ટ' છે કંઈ. એટલે એને આપણે કહીએ કે, 'આવો આવો, જરા ચા પીને જાવ.' આપણે પેલું તપાસ કરવા માટે ચા પાઈએ છીએ, એમના રોફ સારુ નથી પાતા. ત્યારે એ જાણે કે એનાં રોફને લીધે ચા પાય છે. આપણે ચા-પાણી પાઈને પછી પૂછીએ કે, 'કઈ બાજુ ગયા હતા ?' ત્યારે એ કહે, 'પેલા પાંચ હજાર રૂપિયા લેવાના હતા ને, તે લાવ્યો.' ગજવામાં પાંચ હજાર આવ્યા, તે પાછું આ ચઢ્યું ! ઉન્મત્ત થઈ જાય. એને રોગ પેઠો છે આ, ઉન્મત્તતાનો રોગ ! એટલે એ પાછો 'ટાઈટ' થઈ ગયો ! નહીં તો 'આમ' (ઢીલો) થઈ જાય. બોલો હવે, એ પાંચ હજાર જો માણસને 'ટાઈટ' કરતું હોય, માણસ ઉન્મત્ત થઈ જાય, તો અમને તો, 'જ્ઞાની પુરુષ'ને તો આખા ભગવાન જ વશ થઈ ગયેલા છે ! આખો ત્રણ લોકનો નાથ, જેને વશ થતો હોય તે કેવા 'ટાઈટ' હોય ! પણ તોય ઉન્મત્તતા નથી જરાય. એ અજાયબી જ છે ને ! ખરી લઘુતા ત્યાં જ હોય ! અમે તો નાના બાળક જેવા હોઈએ. માન-અપમાનથી પર અપમાનની નિર્બળતા અમે તો શું કહ્યું છે ? અપમાન ના ગમે તેનો વાંધો નથી પણ માનની ભીખ નથી રાખવાની. 'જ્ઞાની પુરુષ'ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનનાં સુખ એ વિષય સુખ છે. 'મારું માનભંગ થશે' એ ભો જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગ જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને ! પ્રશ્નકર્તા : પણ અપમાનનો ભો એ નબળાઈ તો કાઢવાની જ છે ને ? દાદાશ્રી : એ તો જેમ જેમ અપમાન ખાતા જઈએ તેમ તેમ અપમાનની નબળાઈ ઓછી થતી જશે. જેટલી ધીરેલી, તે પાછી આવી જાય. માનની ભીખનો વાંધો છે. પ્રશ્નકર્તા : આપણું અપમાન ના થાય એ લક્ષમાં રહે, એ શું કહેવાય ? દાદાશ્રી : અપમાન ના થવા માટે જ ત્યાં આગળ ઉપયોગ રહ્યા કરે, સાચવ સાચવ કરે, એ ભીખ કહેવાય. ને નહીં તો ચારિત્ર મોહનીય, એ તો નિકાલી મોહ છે. આવ્યું ને ગયું, કશું લેવા નહીં ને દેવા નહીં. આત્માને, માન-અપમાન ? એટલે આ બધી પુદ્ગલની ભીખ છે. માન ને અપમાન એ બધી પુદ્ગલની ભીખો છે. અમને તો ધોલ મારે તોય વાંધો નહીં. પ્રશ્નકર્તા : આ માન-અપમાનની જે વાત થઈ, એ માન-અપમાનનો ખ્યાલ કોને આવે છે ? એ કંઈ દેહને નથી આવતો, એ તો આત્માને જ આવે છે ને ? દાદાશ્રી : આત્માને માન-અપમાન હોય નહીં. એ ભિખારો નથી કે એને માન-અપમાન હોય. એ તો આખા બ્રહ્માંડનો રાજા કહેવાય, બ્રહ્માંડનો ભગવાન કહેવાય. હવે એ અપમાન કરનારો ઉપકારી જ્યારે ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. કોનું અપમાન કરવાનું ? 'અંબાલાલ મૂળજીભાઈનું' (આપણી ફાઈલનં-૧નું). તારે જેટલું અપમાન કરવું હોય એટલું કર ને ! મારે ક્યાં એમની જોડે સાઢું-સહિયારું છે ? એ મારી જોડેના પાડોશી છે. તે જો રડશે તો હું પાછો છાનો રાખીશ. મમતા રહિત મમતા નામેય નહીં જગતનાં લોક અપેક્ષા વગર હોય નહીં, કંઈ પણ અપેક્ષા હોય. અને આ 'જ્ઞાની પુરુષ' તો નિરપેક્ષ ! એટલે કોઈ પણ પ્રકારનું એમનામાં મમત્વ નહીં કે દેહ મારો છે, કે મન મારું છે, કે ચિત્ત મારું છે, કે આ મારું છે, કે તે મારું છે. એવું કોઈ પણ પ્રકારનું મમત્વ નહીં, તેથી આ અજાયબ વિજ્ઞાન છે. પ્રશ્શનકર્તા : પોતાનો જીવનવ્યવહાર ટકાવવા માટે તો કંઈ કરવું પડેને ? દાદાશ્રી : હા, એ જ મમતા. જ્યાં પોતાનું છે ત્યાં જ મમતા ! અમારે એ હોય જ નહીંને ! મને તો નાનપણમાંય મમતા ન હતી, અહંકાર હતો. નાનપણથી જ કોઈ વસ્તુની મમતા નહીં. મમતાનો અર્થ સમજ્યા તમે ? મમતા શી છે તેય ખબર પડતી નથી. પછી તો લોક જ કહેશે કે, આ ભાઈને કશી મમતા રહી નથી. જગત તો આનું આ જ છે. જેવું મોઢું હોય એવું અરીસો દેખાડે. આમાં અરીસાનો કોઈ દોષ છે ? શું કહો છો ? જગતના હિસાબે તમને ઘણી મમતા ગઈ છે. આ સાધુઓ કરતાં વધારે મમતા ગઈ છે. કશું રહ્યું જ નથી. પણ મૂળ મમતા, હજુ ગીની રહીને, રાખી મેલી છેને ? મમતાનું બીજ જાય નહીં એટલે ત્યાં સુધી ફરી ફૂટી નીકળશે, ક્યારે ફરી નીકળે એ કંઈ કહેવાય નહીં. અમે સુરત ગયા હતા, ત્યાં કોસમાડામાં એક ત્યાગી પુરુષ હતા, બહુ જબરજસ્ત ત્યાગવાળા માણસ, બહુ તપસ્વી માણસ. આજુબાજુના લગભગ ઘણા માણસો એમનાં દર્શન કરે એવા એ માણસ. ત્યાં એમણે આ બધા લોકોને શું કહ્યું ? ''જુઓ, જુઓ, આ 'દાદા' કોણ છે ? મમત્વરહિત પુરુષ જોયા હોય તો આ એકલા જ જોયા. લગભગ બસો માણસોને હું મળ્યો છું, મોટા મોટા માણસોને, સંતોને, પણ એવો મેં એક પણ સંત ના જોયો કે જે કંઈ પણ મમતારહિત હોય. થોડીકેય મમતા હોય એવા મળેલા બધા. જ્યારે આ એક જ પુરુષ, આ દાદા એકલા જ જોયા કે જે મમતારહિત છે. મારી જિંદગીમાં એક જ આ મમતા વગરના પુરુષ જોયા.'' હુંયે સમજું કે ધન્ય છે, તમને આટલી પરીક્ષા કરતાં આવડી. કારણ કે હું મારી જાતને જાણું કે મમત્વ તો છે જ નહીં. નાનપણથી જ મમત્વ નહીં ! એટલે મમતા વગરનો પુરુષ જ દુનિયામાં ના હોય. મમતા વગરનો પુરુષ એટલે અહંકારરહિત પુરુષ. જ્યાં મમતા ના હોય ત્યાં અહંકાર ખોળવાનો હોય નહીં. મમત્વ રહિતની માલિકી જેમ નાટકમાં 'મારી રાણી' કહે અને પછી નાટક પૂરું થાય અને આપણે કહીએ, 'હેંડો ઘેર' તો આવે ? ના આવે, નહીં ? એવું આ થયું છે બધું. આની નાટકની માલિકી એટલે કેવી ? મમત્વ વગરની માલિકી. લોકોને રૂબરૂ દેખાડીએ-કહીએ ખરા કે 'આ મારી પિંગળા ને એમ તેમ', પણ મમત્વ રહિતની, આંકડો નહીં, છૂટો. એ જ્ઞાની પુરુષ પોતે મમત્વ રહિતની માલિકીમાં રહે. બધી માલિકી હોય પણ મમત્વ ના હોય અને તમારે એમને જોઈને એ શીખવાનું. મમતા પણ ડ્રામેટિક આ જગત તો ડ્રામા જ છે. વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ ! આ ડ્રામા થયેલો છે. ડ્રામા ભજવે છે તેમાં મમતા કરે છે. 'આ મારું ને આ તારું !' તે મારું બોલવામાં વાંધો નથી, પણ ડ્રામેટિક રીતે બોલો. દરઅસલ કશું નહીં કરવાનું. બધું ડ્રામા જ છે. આ હું આખો દહાડો ડ્રામા જ કર્યા કરું છુંને ! ડ્રામા એટલે શું ? હું જોનારો રહું છું, હું આમાં જુદો રહું છું. મારે સાઇઠ હજાર માણસ જોડે, બધાં જોડે મમતા હોયને, પણ તે કેવું ? મારાપણું હોય, મમતા હોય પણ નાટકીય ! વર્તે દેહથી ભિન્ન સ્વસ્વરૂપમાં વર્તે સમાધિ 'ચંદુલાલ' (ફાઈલ નં.૧) અને 'આત્મા', બે સાવ તદ્દન જુદા જ છે અને પોતપોતાના જુદા ગુણધર્મ બતાવે છે. એ જો 'જ્ઞાની' પાસેથી સમજી લેવામાં આવે તો સંસારની જવાબદારીઓ સારી રીતે ચાલી શકે અને 'આ' પણ ચાલી શકે. જ્ઞાનીઓ પણ ખાય-પીએ, નહાય-ધૂએ બધું જ કરે. તમારા જેવી જ ક્રિયાઓ કરે, પણ 'હું કરતો નથી' એ ભાન હોય. અને અજ્ઞાન દશામાં 'હું કરું છું' એ ભાન હોય. એટલે ખાલી ભાનમાં જ ફેર છે. મને કોઈ વસ્તુ બાધક થતી નથી. આ જેટલું હું પહેરું છું, બધું મારી પાસે જે છે, તે એમાં મને કોઈ વસ્તુ બાધક નથી. છતાં મને તો કપડાં કાઢી લેને, ખેંચી લે તોય મને વાંધો નથી અને પછી પહેરાવો તોય વાંધો નથી. મને કોઈ જાતનો આમાં વાંધો નથી. જે પ્રમાણે જે ઉદય હોય તે પ્રમાણે આ દેહ ફર્યા કરે છે અને હું એનો જ્ઞાતા-દ્રષ્ટા છું. આ દેહ એ મારો પાડોશી છે, તદ્દન પાડોશી. 'ચંદુલાલ' એ તો વ્યવહારમાં ઓળખવાનું સાધન છે, એનો વાંધો નથી. એ તો હુંય કહું છું. મને કોઈ પૂછે કે, 'તમારું નામ શું ?' તો કહું, 'અંબાલાલ.' પણ 'હું' મારી જાતને 'અંબાલાલ છું' એવું ક્યારેય, સ્વપ્નામાં પણ ના માનું. હું મારા સ્વભાનમાં હોઉ, સ્વ-સ્વરૂપમાં હોઉ, એટલે નિરંતર મને સમાધિ રહ્યા કરે. સ્વ-સ્વરૂપમાં આવવું, એનાથી પરમાત્મપણું પ્રગટ થયા કરે છે, પરમાત્માની શક્તિ વ્યક્ત થાય. શાતા-અશાતા ન્હોય મારું પ્રશ્શનકર્તા : આ જે આયુષ્ય, વેદનીય, નામ, ગોત્ર એ ચાર અઘાતી કર્મો છે એને પોતે એનાલીસીસ કરી કરીને ઘટાડી શકે ? દાદાશ્રી : ઘટાડી શકે એટલે અડે નહીં એવું કરી શકે. શાતા શાતારૂપે ના અડે, અશાતા અશાતારૂપે ના અડે. અમને શાતા વેદનીય હોયને, તો અમે એ ભૂત પેસી ના જાય, એટલા માટે કહીએ, અમે જ્ઞાનમાં હાજર રાખીએ, કે આ સુખ મારું ન્હોય અને સખત તડકામાં હોય, તો આયે ન્હોય અમારું પરિણામ. શાતાવાળું અને અશાતાવાળુંયે અમારું પરિણામ ન્હોય, એવું અમારા જ્ઞાનમાં હાજર થઈ જાય. કેરીનો રસ ખાતા હોય, તે ઘડીએ આ પરિણામ અમારું ન્હોય. એનો જે સ્વાદ આવે છે અને સ્વાદમાં એને શાતા વેદનીય થાય. તીર્થંકરો એકાકાર બિલકુલેય ના થાય, કશામાંય ના થાય. એટલે આત્મા અવ્યાબાધ સ્વરૂપે છે. એના અવ્યાબાધને સહેજ પણ હરકત કરે એ બધું પરભાર્યું. સહેજ હરકત થાય તો 'આ પરભાર્યું છે, મારું ન્હોય, મારું ન્હોય' બોલે તો તરત એને છૂટું પડી જશે. અવ્યાબાધ સ્વરૂપને સહેજ હરકત થાય તો 'મારું ન્હોય' એમ કહી દેવું. એનું અવ્યાબાધ સ્વરૂપ જતું જ નથી એક ક્ષણવારેય. અશાતા વેદનીયથી પર પ્રશ્શનકર્તા : આપ જે કહો છો કે દુઃખનો અનુભવ આપને કંઈ થયો નથી છેલ્લા છવ્વીસ વર્ષથી, તો એ અશાતા વેદનીય કર્મનો ઉદય નથીને, શાતા વેદનીય કર્મનો ઉદય ચાલે છે અને આગળ જતાં અશાતા વેદનીયનો ઉદય કદાચ થાય પણ ખરો, એમ બની શકે ખરું ? દાદાશ્રી : અશાતા વેદનીયનેય હું જાણું છું. બાકી, અશાતા વેદનીય ભી નથી થઈ. આ પગે ફ્રેક્ચર થયું તોય ડૉક્ટરો બધા ભેગા થયા અને જોવા માંડ્યા, મને કહે છે કે આ તમને મોઢા પર આનંદ છે, કેમ તમને દુઃખ નથી થતું ? તમે બહુ સહન કરો છે ! મેં કહ્યું, 'સહનશીલતા મારામાં અંશ ના હોય. સહનશીલતા એ ઇગોઇઝમ (અહંકાર) નો ગુણ છે.' અમારામાં અંશ ઇગોઇઝમ ના હોય. અમારે આ નિર્જીવ (ડિસ્ચાર્જ) ઇગોઇઝમ કામ કરી રહ્યો છે, સજીવ (ચાર્જ) ઇગોઇઝમ નહીં. નિર્જીવ ઇગોઇઝમથી આ ખાવાનું-પીવાનું, હરેક કાર્ય થયા કરે. વેદનીયથી મુક્ત 'જ્ઞાની'ને અહંકાર હોય નહીં એટલે એ દુઃખ ભોગવે નહીં. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે દુઃખતી દાઢના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે 'જ્ઞાની પુરુષ' કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન હોય તે દુઃખને વેદે નહીં, પણ જાણે માત્ર. 'સ્વરૂપ જ્ઞાન'વાળાને દાઢ દુઃખતી હોય તો તે દુઃખ ભોગવે નહીં, પણ એનો એમને બોજો લાગ્યા કરે, પોતાનું સુખ અંતરાય; જ્યારે અમને તો અમારું સુખ અંતરાય નહીં, આવ્યા જ કરે. લોકો જાણે કે આ 'દાદા'ને અશાતા વેદનીય છે, પણ અમને વેદનીય અસર ના હોય ! વ્યવહારમાં વેદનીય ગણાય. પારકી વસ્તુ ન પોતાની આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં. એને કશું થાય નહીં એવો છે. તે આપણે આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે. નહીં તો કામ બધું નકામું. આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં. પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે. હવે દેહને આપણે કહેવું, 'તારે જવું હોય તો જા, અમે અમારા મુકામમાં રહીશું.' એની બહુ હાયવોય ના કરવી. અનંત અવતારથી દેહની સુવાવડ જ કર કર કરી છે. એક અવતાર જ્ઞાની પુરુષને દેહ સોંપી દે અને સુવાવડ ના કરે તો થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. અમે તો આ દેહની એક ક્ષણવાર સુવાવડ કરી નથી. એક ક્ષણવાર આ દેહ અમારો છે, એવું અમને ખબર નથી. આ જ્ઞાન પ્રગટ થયા પછી અમારું છે નહીં, એ પારકી વસ્તુ છે. એ પારકી વસ્તુ આપણા હાથમાં રહે નહીં ને આપણે જોઈતીયે નથી. પોતાની વસ્તુ એ પોતાની, પારકી એ પારકી. જ્ઞાનીને દેહની પ્રીતિ અમારે આ દેહ ઉપર પ્રીતિ કેટલી ? આ દેહે મોક્ષ તો મળ્યો, પોતાનું કલ્યાણ તો થઈ ગયું. હવે લોકોના કલ્યાણ માટે આ દેહ ખર્ચાય એટલા પૂરતું જ એનું જતન, એટલા પૂરતી જ એની પ્રીતિ ! બાકી એય અમે તો એક પાડોશીની જેમ નિભાવીએ છીએ. આ દેહનો અધિકાર આપણા પોતાનો છે જ નહીં. જેનો જેનો હશે તે લઈ લેશે. આપણે તો આ દેહને મિત્ર સમાન ગણીને આપણું કામ કાઢી લેવાનું છે. બાકી આ દેહમાં શું શું થાય તે કશું કહેવાય નહીં. બાકી આપણા પોતાના (શુદ્ધાત્મા) પ્રદેશને કંઈ જ થાય તેમ નથી. જે દેહે મોક્ષે જવાનું છે તે દેહ બહુ મજબૂત હોય, નિર્વાણ પામનારો દેહ 'ચરમ શરીર' કહેવાય. જ્ઞાનીને દેહ પણ બોજારૂપ પ્રશ્શનકર્તા : મોક્ષ પામ્યા એટલે શું ? આત્માનું કાર્ય અહીં પૂરું થયું ? દાદાશ્રી : આત્માનું કાર્ય તો પૂરું જ થયેલું છે. જે બંધાયો હતો ને, તે મુક્ત થયો. જેને દુઃખ પડતું હતું, તે બંધાયો હતો એનું દુઃખ ગયું, એ પોતે મુક્ત થઈ ગયો. જે અહંકાર આત્માથી જુદો પડ્યો હતોને તે અહંકાર પોતાના સ્વરૂપમાં વિલય થઈ ગયો. એટલે કામ થઈ ગયું. જુદો પડ્યો હતો તેથી દુઃખ ભોગવતો હતો. અણસમજણથી જુદાઈ કરી હતી, ભેદ થયો હતો. આ લોકોએ નામ આપ્યું કે ચંદુલાલ, તો એ નામમાં 'પોતે' તન્મયાકાર થઈ ગયો. તેથી જુદાઈ થઈ ગઈ. પછી જ્ઞાન મળવાથી તરત એકાકાર થઈ ગયો. એટલે 'એનું' કામ ખલાસ થઈ ગયું. 'આત્મા'તો અવિનાશી છે. એનું કામ તો થયેલુું જ છે. પણ એ અહીંથી છૂટો ક્યારે થાય ? કે આ ભેદબુદ્ધિ તૂટી જાય એટલે છૂટો થઈ જાય. પ્રશ્શનકર્તા : છૂટો થયા પછી એ શું કરે? દાદાશ્રી : પછી સિદ્ધગતિ થઈ ગઈ. ત્યાં નિરંતર પરમાનંદ રહેવાનો. આ દેહ હોય ત્યાં સુધી બોજો રહ્યા કરે. આ દેહનોય બોજો છે. જે દેહથી સુખ ભોગવવાનું નથી, તે દેહ જ્ઞાનીઓને બોજારૂપ હોય છે. પણ છૂટકો જ નહીં ને ! એની 'ડિસ્ચાર્જ લિમિટ' હોય ત્યાં સુધી છૂટકારો જ ના થાય ને ! માલિકીભાવથી પર સંસારમાં મિલકત હોય તેને એટલી જ મિલકત હોય અને તેય આખી મિલકત ના હોય. અહીં અમુક આટલો જ ભાગ મિલકતનો રહ્યો હોય. અને અહીં (અધ્યાત્મમાં) કોઈ મિલકત નહીં હોય તો આખા બ્રહ્માંડની મિલકત એની પોતાની. એટલે અમારે તો કોઈ મિલકતનો માલિક હું નથી. હીરાબા માલિક, હું નહીં. અમે આ મનના માલિક નથી રહ્યા, આ વાણીના માલિક નથી રહ્યા, આ દેહના પણ અમે માલિક નથી. અમે આખા બ્રહ્માંડના સ્વામી છીએ પણ માલિકીભાવ એકેય પ્લોટમાં અમારો ના હોય. આખા બ્રહ્માંડને ધ્રુજાવે તેવી શક્તિ 'અમારામાં' છે પણ આ અંબાલાલ મૂળજીભાઈમાં શેક્યો પાપડ ભાંગવાનીય શક્તિ નથી ! ન દેહના પણ માલિક 'જ્ઞાની પુરુષ'ને કશું જોઇતુંય ના હોય, એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય, તેમને શેની જરૂર હોય ? 'જ્ઞાની પુરુષ' આ દેહના એક ક્ષણ પણ સ્વામીત્વ ભાવમાં ના હોય. જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય તે આખા બ્રહ્માંડનો માલિક હોય. બહાર ગુરુઓ છે, તેમને તો છેવટે માનનીય સ્પૃહા હોય, કીર્તિની સ્પૃહા હોય. જ્ઞાનીને તો કોઇ પણ પ્રકારની સ્પૃહા નથી. એમને તો તમે આ હાર પહેરાવો છો એનીય જરૂર નથી, એમને લટો એનો ભાર લાગે ને કેટલાંક ફૂલોનાં જીવડાં ઉપર ચઢી જાય, એમને આ બધું શા હારુ ? આ તો તમારા માટે છે, તમારે જરૂર હોય તો હાર પહેરાવો. આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી દૂર થઇ જાય. 'શૂળીનો ઘા સોયે સરે.' અમે એના કર્તા નથી, નિમિત્ત છીએ. 'જ્ઞાની પુરુષ'નાં નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય. દેહાભિમાન, શૂન્યતાને પામેલું અભિમાન તો અમારે કરવા જેવું હોય કે આખા બ્રહ્માંડના ઉપરી અમે કહેવાઈએ. છતાંય પણ અમને તો નાના બાળક કરતાંય ઓછું હોય. અમને તો અહંકાર હોય જ નહીં ને ! અહંકાર હોય તો આ બધું ભેગું થાય જ નહીં ને ! આ દેહનો માલિક ના હોય તે બ્રહ્માંડનો માલિક થઈ શકે. દેહનું માલિકીપણું, મનનું માલિકીપણું ને વાણીનું માલિકીપણું ના હોય, તે બ્રહ્માંડના માલિક થાય ! અમે બ્રહ્માંડના માલિકી વગરના સ્વામી છીએ ! કારણ કે અમે શુદ્ધ ચેતન છીએ, પ્રગટ સ્વરૂપે. સરળ સરળને મોક્ષ સરળ ભગવાને શું કહ્યું ? સરળનું કામ થશે. સરળનો મોક્ષ છે. અસરળનું ત્યાં આગળ કામ ચાલે નહીં. પ્રશ્નકર્તા : આ તો એમ લાગે છે કે કોઈપણ જગ્યાએ જઈએ ત્યાં બધું હશે, પણ સરળતાનો અભાવ હોય છે. દાદાશ્રી : સરળતા હોય જ નહીં ! આટલી વસ્તુ ક્યાંય દેખાય નહીં, સહજ ક્ષમા. તમે એને કશું કહી આવો તો એ નોંધ રાખ્યા વગર રહે નહીં. એ નોંધમાં રાખી મૂકે, છ મહિના સુધી ભૂલે નહીં. નોંધ ના રાખે, એનું નામ સહજ ક્ષમા કહેવાય. પછી બીજું શું હોય ? કઠોરતા હોય. દરેક જાતની કઠોરતા હોય. પછી બધી જાતના આગ્રહ હોય. અને પછી સરળતા એમનામાં ના હોય, એટલે તમે વાળો તો એ વળે નહીં. નમ્રતા તો હોય નહીં, પણ સરળતાયે હોય નહીં. 'ટોપ' પરની સરળતા જોઈએ. પછી 'ટોપ' પરની નમ્રતા જોઈએ. નમ્ર એટલે શું ? કે સામો વેંત નમે ત્યાર પહેલાં એ આખોય નમી જાય. કોઈ અકડાઈ કરે તેની જોડેય આ નમે. બાકી, મનુષ્યનો સ્વભાવ કેવો ? સામો અકડાઈ કરતો હોય, તો એ અકડાઈ કરે, પણ ત્યાંય નમે તો એ મોક્ષે જવાની નિશાની કહેવાય. પછી નિર્લોભતા હોય. લોભે જ પકડી રાખેલાને, લોકોને ! તેથી ભગવાને કહેલું કે જાત્રાએ જઈ આવજો, આમ (ધર્માદા) કરી આવજો ને પૈસા વાપરી નાખજો. એટલે રૂપિયા વપરાય તો પેલી લોભની ગાંઠ ઓછી થઈ જાય. નહીં તો નવ્વાણુંના ધક્કાની પેઠ લોભ વધતો જાય. એટલે આ દુનિયામાં કોઈ ચીજની જરૂરિયાત નથી એવો ભાવ રહેવો જોઈએ. એટલે આ બધા ગુણો આવવા જોઈએ. પેલા બધાં ભૂતાં નીકળી જશે અને સરળ થઈ જશો ત્યારે મોક્ષ થશે. જ્ઞાની સદા સરળ પ્રશ્શનકર્તા : જનરલી બુદ્ધિ વધારે હોય ત્યાં સરળતા ઓછી હોય છે અને સરળતા ઓછી હોય ત્યાં ભાગલા વધુ હોય. દાદાશ્રી : સરળતા ખલાસ કરી નાખે, બુદ્ધિ વધારે હોય તો. આ મારામાં પહેલેથી બુદ્ધિ ઓછી હતી. તે બહુ સારો ફાવ્યો. પહેલેથી બહુ સરળ હતો. મને તો જ્ઞાન થયાને ૨૬ વર્ષ થયાં. આ ૭૬મું વર્ષ બેઠું. જ્ઞાન પછી અભેદ દશા વર્તે. આ ભેદ કોણ કરાવડાવે છે ? બુદ્ધિ. આ મારું અને આ તમારું ! આખી દુનિયા જોડે મારે સહેજ પણ જુદાઈ નથી. જો એમને મારી જોડે જુદાઈ છે, તો એમાં એમનો પોતાનો દોષ નથી. એમની ભેદબુદ્ધિ છે. બુદ્ધિ ભેદ કરાવે છે ને મારે તો આત્મા જોડે જ વ્યવહાર છે. જેમ 'મોટા માણસ'ની સ્થાપના થઈ તેમ નમ્ર વધારે હોય, અકડાઈ ના હોય. અકડાઈ તો હલકા માણસમાં હોય. આ 'જ્ઞાન' મળ્યા પછી અકડાઈ કોને હોય ? હલકા માણસને. નહીં તો અકડાઈ હોતી હશે ? આ અમને કોઈ કહે, 'દાદા, આ બધાંને પગે લાગો.' તો બધાંને પાંચ-પાંચ વખત પગે લાગી આવું. અમે તો નોકરનેય પગે લાગીએ. જે રીતે પગે લાગવું હોય ને, તે રીત અમારી પાસે હોય. એટલે નમ્રતા હોવી જોઈએ. તદ્દન નમ્ર, એવો ઓગળી ગયો પાણીમાં તેનું કલ્યાણ થશે. અને જ્યાં સુધી મહીં ગાંગડું હશે ત્યાં સુધી ઓગળ્યો નથી, ત્યાં સુધી ચક્કર ફર્યા કરશે. આડાઈ રહિત જ્ઞાની બધી રીતે પાંસરા આ જગત શું કરે છે ? મારી મારીને પાંસરો જ કરે છે. જ્યારે ત્યારે તો પાંસરા થયા વગર છૂટકો જ નથી ને ! કડવો અનુભવ થાય ને, પછી આડાઈ એની મેળે જ છૂટી જાય. આ તો આડાઈઓ પાર વગરની છે. કોઈ અવતારમાં કોઈ પાંસરો કરનાર મળ્યો નથી. અને જો મળ્યો હોત તો આમ ભટકત નહીં. એટલે બધું થાય પણ પાંસરો ના રહે. 'જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? જે બધી રીતે પાંસરા થઈ ગયેલા હોય ! તે ગાળો લેવામાંય પાંસરા ને ગાળો આપવામાંય પાંસરા. પણ ગાળો આપતી વખતે તો ગાળો આપે નહીં. કારણ કે પાંસરા થયેલા હોય એટલે આપે જ નહીં ને ! અમે તો પહેલેથી જ પાંસરા થઈ ગયેલા છીએ. અમારામાં આડાઇ જરાય ના હોય. કોઇ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઇએ. કોઇ કહે કે 'આ તમારી ભૂલ છે' તો અમે કહીએ કે, 'હા ભાઇ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.' આપણે તો જાણીએ કે જે ભૂલ આપણને દેખાતી નહોતી, એ ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. 'દાદા' ચોર છે એમ પાછળ લખ્યું હોય તો એ ભૂલ અમારી ! કારણ કે એવું કોણ નવરું હોય આ લખવા ? ને અમારી જ પાછળ કેમ લખ્યું ? એટલે અમે તરત જ ભૂલ એક્સેપ્ટ કરી નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી ! આડાઈ રહિતતાનું પરિણામ જો હું સીધો થઈ ગયો છું, તો છે કશી ભાંજગડ ? કેટલાય અવતારનો માર ખા ખા કરીને આ સીધો થઈ ગયો છું. હવે કશું આડાઈ જ નથી ને ! તમે કહો કે 'નીચે હેંડો' તો નીચે હેંડીએ. અમારે આડાઈ નામ ના હોય. તોય કોઈ કહેશે, 'તમે આવાં છો, તેવાં છો.' પણ એ તો એવો 'જે' છે તેને એ કહે છે. હું પેલાને ખોટોય નહીં કહું કે તું ખોટો છે. અને એ કોને કહે છે તેય હું સમજી જઉં. એ મને કહેતો નથી પણ મારા 'પાડોશી' (ફાઈલ નં.૧) ને કહે છે. પ્રશ્નકર્તા : તમારા પાડોશી કોણ ? દાદાશ્રી : આ 'એ.એમ.પટેલ' ઇઝ ધી ફર્સ્ટ નેબર. મેં તો મારામાં બહુ આડાઈઓ દેખી હતી. અને એ આડાઈઓ બધી ખલાસ થઈ તો હું 'જ્ઞાની' થઈ ગયો. મહીં આડાઈ ના રહે તો જાણવું કે જ્ઞાની થઈ ગયા. જેટલી બુદ્ધિ વધારે એટલી આડાઈ વધારે. સમજદાર માણસો આડાઈ ઓછી કરે. આડાઈનું સ્વરૂપ પ્રશ્શનકર્તા : આડાઈનું સ્વરૂપ શું સમજવું ? દાદાશ્રી : દિલ ઠરે એવી વાત હોય તોય સ્વીકાર ના કરે, પોતાનાં મતે જ ચાલે. અમે કોઈને કશુંય કહીએ નહીં, દબાણ ના કરીએ. છતાં કોઈને કશું કહીએ અને જો કદી એ ના માને તો એને આડાઈ જ કહેવાય ને ? પોતાના મતે જ ચાલવું છે કે 'જ્ઞાની'ની આજ્ઞાથી ચાલવાનું ? પ્રશ્શનકર્તા : ખરેખર 'જ્ઞાની'ની આજ્ઞાથી જ ચાલવાનું છે. દાદાશ્રી : બધી આડાઈ જ હોય. બધે જ્યાં હો ત્યાં આડાઈથી જ બધું ભું રહ્યું છે ને ! ફક્ત અમારામાં આડાઈ ના હોય. અમે આડાઈ શૂન્ય થઈ ગયેલા છીએ. કોઈ દબાણ કરે કે, 'તમારે ફલાણું કામ કરવું જ પડશે, નહીં તો અમે બધાં ઉપવાસ કરીશું.' એ દુઃખમાં પડતાં હોય તો અમે કહીએ કે, 'લે ભઈ, કરીએ પણ ઉપવાસ ના કરશો.' પ્રશ્શનકર્તા : એ આડાઈ ના કહેવાય ? દાદાશ્રી : ના. આડાઈ આ કહેવાય કે 'અમે ઉપવાસ કરીશું.' અહીં જગત આખું અટક્યું છે. પ્રશ્શનકર્તા : અને જ્યારે આપ કહો તો એ વખતે તેવું ના કરવું, એને આડાઈ કહેવાય ? દાદાશ્રી : આડાઈ જ કહેવાય ને ! ત્યારે બીજું શું ? કંઈ 'દાદાજી' એવું કહે ખરાં કે આમ કરી લાવ? કંઈ આપણા હિતનું હોય તો જ કહે ને ? માટે ત્યાં આડું ના થવું. ને તમારેય આડાઈ તો કાઢવી જ પડશે ને ? બધી આડાઈ ક્યાં સુધી ચાલશે તે ? એ તો મહીંથી કોઈક ફેરો નીકળે ત્યારે આડાઈની ખબર પડે. નહીં તો 'જ્ઞાની પુરુષ'ની પાસે આવે ત્યારે ખબર પડે કે 'ઓહોહો, હજુ આટલી આડાઈ ભરાઈ છે !' પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. નિરાગ્રહી ગ્રહ-આગ્રહથી પર આ દુનિયામાં સત્ય વસ્તુ હોતી જ નથી. સત્ અવિનાશી છે. બીજું સત્ હોતું જ નથી. બીજો સાપેક્ષ ભાવ છે બધો. અને એની પકડ પકડી, જુઓને ! હવે સાચી વાત પકડી રાખવી એ જૂઠ છે. સત્યનું પૂછડંુ પકડે એ અસત્ય છે. અને અસત્યેય છોડી દે તે સત્ય છે. પકડી રાખ્યું કે બધું બગડ્યું. અમને સહેજેય ગ્રહ કે આગ્રહ નહીં. કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડેય નહીંને ! આ ખરું છે, આ સત્ય છે, એવોય અમારો આગ્રહ ના હોય. આ જ્ઞાન થયું છે, એય આગ્રહ ના હોય. તમે કહો કે, 'પેલું ખોટું છે' તોય આગ્રહ ના હોય. તે તમારી દ્ષ્ટિથી આવ્યું એ સાચું. નિર્ભય જેનું બધું સાચું એને ભય શો ? જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીનાં કપડાં પહેરાવો તો સ્ત્રીનાં કપડાંય પહેરે અને નાગા કરી નાખો તો નાગા ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય. અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેક્ટ છે. કરેક્ટને ભય શો ? જેનું બિલકુલ કરેક્ટ છે, એને જગતમાં ભય શો ? ભય તો કોને હોય કે મહીં ગોલમાલ હોય તેને ભય હોય, નહીં તો આ જગતમાં ભય શો ? આ ભડકાટ શાને માટે ? પહેલા હું પણ ભડકતો હતો. પછી મેં શોધખોળ કરી કે કશુંય પડ્યું જ નથી, હું વગર કામનો ભડકતો હતો. પછી મેં અંબાલાલભાઈને કહ્યું, મહીં ભગવાનને નહીં, આ અંબાલાલભાઈને કે, 'કોઈ દહાડો કશુંય પડ્યું નથી, વગર કામના ભડક્યા શા માટે કરો છો ? અત્યાર સુધી ભડક્યા તેમાં કશું પડ્યું છે ?' ત્યારે કહે કે, 'ના, કશું પડ્યું તો નથી.' ત્યારે મેં કહ્યું કે, 'તો વગર કામના શું કરવા ભડક્યા કરો છો ? નથી પડવાનું કશુંય, તમે પોતે જ ભગવાન છો; વગર કામના 'હાય હાય, આમ થશે કે તેમ થશે' એવું શાને માટે કરવાનું ? નથી તમને છોકરાં, નથી છોડીઓ, તો શાને માટે આટલી હાય હાય કરો છો ? જો છોડી-છોકરાંઓ હોત તો તમારી શી દશા થાત ? નથી તોય આટલી હાય હાય છે ! નથી તમને પૈસા જોઈતા, નથી ઘરાં જોઈતાં, નથી પોતાને ગાડી-મોટરો જોઈતી, તો શાને માટે ઈન્કમટેક્ષવાળો પડશે ને ફલાણું પડશે, એમ ભડક્યા કરો છો ? પડશે તો આ ભીંત હવે પડશે ને, બીજું શું થવાનું છે તે ? હવેથી એ ના બોલશો, 'આમ પડવાનું છે.' કશી ભડકવાની જરૂર જ શી છે તે ?' 'કરેક્ટ'ને ભય શો ? વીતરાગ થશો તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે, બધાને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઘ ના આવે. એટલો બધો ભડકાટ, ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ? રાતે અંધારામાં જતા હોય ને હવે કોઈ માણસ અમથો જ સામેથી આવતો હોય તો મનમાં એમ લાગે કે આ માણસ લૂંટી લેશે. તમારે એવા વિચારો નથી આવતા ને ? પ્રશ્શનકર્તા : આ ભય લાગે છે ત્યાં સુધી તો નક્કી જ છે ને, કે મંજિલ બહુ દૂર છે. દાદાશ્રી : ના, પણ એ ભય કોઈ કાઢી આપે તો ? તમારો ભય કોઈએ કાઢી આપેલો ? પણ બીજા કોઈનાથીય એ ભય જાય નહીં. એ તો જ્ઞાની પુરુષ કે એમની મહીં જે આત્મા પ્રગટ થયેલો છે, જે પરમાત્મા પ્રગટ થયા છે, એમની સીધી કૃપા ઉતરી તો ભય જાય. મનોહારી, વાણી-વર્તન ને વિનય જ્ઞાની, મનોહર પ્રેમાત્મા પ્રશ્શનકર્તા : જ્ઞાની પુરુષનાં વાણી, વર્તન ને વિનય કેવા હોય ? દાદાશ્રી : એ બધું મનોહર હોય, મનનું હરણ કરે એવાં હોય, મન ખુશ થઈ જાય. એમનો વિનય જુદા પ્રકારનો હોય, એ વાણી જુદા પ્રકારની હોય. વર્તન વિધાઉટ ઈગોઈઝમ (અહંકાર રહિત) હોય. ઈગોઈઝમ સિવાયનું વર્તન જગતને જોવાનું કોઈક ફેરો મળી આવે, નહીં તો મળે નહીં ને ! 'જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.' પહેલી વાણી જોઈએ, પછી વર્તન જોઈએ અને પછી વિનય જોઈએ, આ ત્રણેય મનોહર જોઈએ. જ્ઞાની પુરુષનું વર્તન બધું આપણા મનનું હરણ કરે એવું હોય, વાણીય મનનું હરણ કરે એવી હોય અને વિનય પણ મનને હરણ કરે એવો હોય. આવડા મોટા જ્ઞાનીપદમાં છે, પણ આપણા કરતાં વધારે વિનય એ રાખે છે. એટલે મનનું હરણ કઈ ચીજ કરે છે ? આ બધું, વાણી, વર્તન ને વિનય છે, એ બધા મનોહર છે, મનનું હરણ કરી લે. અને મનનું હરણ કરી ગયું, પછી માણસને હરણ કરવાની જરૂર છે ? વિનયથી તો માણસ શોભે છે. અત્યારે ઉદ્ધતાઈ કરવા જાય કે હું કલેક્ટર છું ને આમ તેમ... તો લોક એને 'ગાંડો છે, ચક્કર છે' કહેશે. અહીં સંસારમાંય ઉદ્ધતાઈ કરવા જેવી નથી. ત્યારે અહીં તો થોડોક મોટો થયો, કલેક્ટર કે ઓફિસર થયો તો કેટલી છાતીઓ કાઢીને ફરે ! એને ઉદ્ધતાઈ કહેવાય. જ્ઞાની પુરુષ ઉદ્ધતાઈ કરે નહીં. વિનય તો મોટું પદ છે. વિનય હોય તો મોક્ષે જવાય, નહીં તો મોક્ષમાં જવાય નહીં. વિનય વગર મોક્ષ નથી. પછી વાણીય એવી જ જોઈએ. કો'કને ઘા વાગે એવી વાણી શું કામની ? આપણે બોલીએ અને જોડેની રૂમમાં બેઠા હોય તેને અહીંથી વાગે. તેના કરતાં પથરો માર્યો હોય તો સારું એવું કહેત. એવું લોકો કહે છે ને કે આવું માર્યું તેના કરતાં પથરો માર્યો હોય તો સારું. પથ્થરનો ઘા રૂઝાય બળ્યો પણ વાણીનો ઘા રૂઝાય જ નહીં. એટલે વાણી ચા પ્રકારની આવવી બહુ મુશ્કેલ છે. એવી વાણી તો સાધુ-સંન્યાસીઓનેય ના આવડે. બીજા બધા લોકો જોડે સારી વાતો કરે પણ એના શિષ્યો જોડે કંઈ નવી જ જાતનું વર્તન કરે ! શિષ્ય જોડે ચિઢાય તો આવડું આવડું બોલે. એટલે ઘરમાં કે બહાર, કોઈનેય ઘા કરે નહીં એવી વાણી જોઈએ. એની વાણીથી ઘરમાં એક માણસને ઘા કરે તો એ બે માણસને ઘા કરે કે ના કરે ? એટલે એની પાસે સામાન છે, એ વાત નક્કી થઈ ગઈ. એવો સામાન જ ના જોઈએ. ત્યારે જ્ઞાની પુરુષમાં એ સામાન ના હોય. આ તો ઘણુંય બોલવા જાય પણ સમું બોલાય જ નહીં, બળ્યું ! સમું કરી કરીને બોલવા જાય છે પણ બોલી જાય તો પાછો લપકો બોલી જાય. પ્રશ્શનકર્તા : આવું કેમ થાય ? દાદાશ્રી : એ આપણી સત્તામાં નથીને ! એ રેકર્ડ છે. એ ગયા અવતારમાં તમે જેવી રેકર્ડ ઉતારી હતી, એવી રેકર્ડ વાગે અને જ્ઞાની પુરુષ તો પોતાની રેકર્ડ ધોતા ધોતા ધોતા ધોતા આવેલા હોય. તે એવી સુંદર રેકર્ડ લઈને આવ્યા હોય કે જગતનું કલ્યાણ કરી નાખે. પ્રશ્શનકર્તા : વાણીનું તો કહ્યું, હવે વર્તનનું કહો. દાદાશ્રી : વર્તન તો કેટલાંકનાં સારાંય હોય. વર્તન શેના પર છે કે એને કેવું જોવાનું મળ્યું છે, એના પરથી વર્તન હોય છે. આપણે ઘેર જેવું જોઈએ એવું જ વર્તન એને આવડે. જરાક છણકો કરીને ચાલવાનું બે-ચાર જણનું જોયું હોય, એટલે ઘરનાં છોકરાં પાછાં એય છણકા કરીને ચાલવાનું શીખે. જોયું હોય એવું શીખે. આ વર્તન જોયેલું હોય છે. અને આ નાના છોકરાં મને પગે લાગી જાય છે, તે બીજાનું જોઈ લે, પછી એક્ઝેક્ટ એ પ્રમાણે દર્શન કરે. વર્તન શીખવાડ્યું ના આવડે, જોઈને આવડે. કોઈનું જોવાથી આવડે. આંખે જોવાથી આવડે. એટલે જ્ઞાનીના અભિનયને આમ જોઈએ, એમનું વર્તન જોઈએ, તો એવું બધું આપણું વર્તન ઉત્પન્ન થાય. પણ જ્ઞાની મળ્યા જ ના હોય અને ડફોળ જ ભેગા થયા હોય તો વર્તન કેવું આવડે ? પછી ડફોળ વર્તન થાય. આ જ્ઞાની પુરુષ તો મળે જ નહીં ને ! એટલે લખ્યું છે કે જ્ઞાની પુરુષ મળવા દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ એમ સો વખત દુર્લભ પદ કહ્યું છે. અને કવિએ તો એવું કહ્યું કે સત્યુગમાં જે પુરુષ જડવા મુશ્કેલ છે, જે પુરુષ હોય નહીં, એ આ આવા કાળમાં છે, એય અજાયબી છે. આ વાણી, વર્તન ને વિનય જેનાં મનોહર હોય, ત્યાં મોક્ષ થાય. જેની વાણીમાં સ્હેજ પણ હિંસા હોય, સ્હેજ પણ પક્ષપાત હોય તો મોક્ષ ના થાય. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય, એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. અમારું વર્તન મનોહર હોય ને વિનય તો બહુ ચો હોય. અમારું દ્રવ્યેય ચોખ્ખું હોય બધું. એકુંય ક્રિયા એવી ના હોય કે નિંદ્ય હોય. ટીકાપાત્ર ના હોય ને બધી મનોહર હોય. સામાના મનનું હરણ કરે. અને તો જ આ જગતનો છુટકારો થાય એવો છે. જ્ઞાનીની વાણી, આપે પ્રઁોના ખુલાસા જેની વાણી ઘૈડા, જવાન, બાળકો, સ્ત્રીઓ, બધાંને માફક આવે, એનું નામ જ્ઞાની. ત્યાં વાદ સરખો નથી તે જ્ઞાની. સંવાદ સરખો નથી તે જ્ઞાની. આ બહાર જે સંવાદ-વિવાદ નથી દેખાતા, એ તો આપણા લોકોએ સાયકોલોજિકલ ઈફેક્ટ કહી છે કે (આપણાથી) આમ ના બોલાય. અને હું કહું છું કે બોલ. તોય અહીં બોલતા નથી. બીજે તો કશું (બોલો) તો લોકો માથું તોડી નાખે એવા લોકો છે. હિન્દુસ્તાનના લોકો એવા પ્રઁ પૂછે છે કે માથું તોડી નાખે, એવા બુદ્ધિના એક્કા છે. પ્રઁ પૂછવામાં બહુ જબરાં છે. જેટલી બુદ્ધિ વધીને ત્યાં સુધીના પ્રઁો ભા થાય. બુદ્ધિથી એને એમ સમજાય કે હું જેટલું જોઉં છું એ બરોબર છે. આમાં તમને સમજાય એવી વાત છે ? એટલે એ બધું ફેરફાર થઈ જશે. એટલે ધર્મભાવના લુબ્ધ થઈ જાય છે. હવે વધારે વધશે. આ અમને પ્રઁો પૂછાયા છે તે પહેલાના જમાનામાં આવા પ્રઁો જ ઉદ્ભવતા ન હતા. આ તો લોકો કહે છે કે પહેલાં ધર્મ હતો. અત્યારે રહ્યો નથી. પણ પહેલાં એ ધર્મ જ ન હતો ને ! હું તો ૭૭ વર્ષથી જોતો જોતો આવ્યો છું. અત્યારે જ લોકો જરા બ્રિલિયન્ટ મગજના થયા. ભલે બુદ્ધિ અવળી થઈ ગઈ છે પણ બુદ્ધિ ડેવલપ થયેલી છે. અને પહેલાં બુદ્ધિ ડેવલપ જ નહીં થયેલી ને ! તમે પૂછો તો જવાબ નીકળે. બધાં બહુ લોકો પૂછે છે. હજારો પ્રઁો પૂછાયા હતા, તે મેં તો જવાબ આપેલા. એટલે બધું પૂછો અને ચાખવું હોય તે એક દહાડો ખાંડ મોઢામાં મૂકીશ (આત્માનો અનુભવ કરાવીશ) તો તમારું બધું શાસ્ત્ર આવી ગયું. ભગવાનનાં અડતાલીસેય આગમ આવી ગયા મહીં. સસ્પૃહ-નિસ્પૃહ સત્ પુરુષ એ જ કે જેને... કૃપાળુદેવે તો શું કહ્યું, કે સત્ પુરુષ એ જ કે, નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. એટલે નિરંતર કાયમને માટે ઉપયોગ ચૂકે નહીં, એક સેકન્ડેય ઉપયોગ ચૂકે નહીં, એનું નામ સત્ પુરુષ કહેવાય. પછી શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવી જેની વાણી છે. જેની વાણી નવું શાસ્ત્ર લખાય એવી હોય. જેને નિશદિન આત્માનો ઉપયોગ છે. એનો એક જ શબ્દ સાંભળવામાં આવે તો મોક્ષે ચાલ્યો જાય. કારણ કે વચનબળ સહિત છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો એવાં બધાં અનંત ગુણો છે ! ત્યાં સત્ પુરુષ છે. પ્રશ્શનકર્તા : સ્પૃહા એટલે ઇચ્છા ? દાદાશ્રી : સ્પૃહા એટલે એક જ પ્રકારની ઇચ્છા નહીં, અનેક પ્રકારની, જાતજાતની વિનાશી સુખો ભોગવવાની ઇચ્છાઓ થાય એને સ્પૃહા કહેવાય. જ્ઞાની સસ્પૃહ-નિસ્પૃહ પ્રશ્શનકર્તા : 'જ્ઞાની' નિસ્પૃહી હોય ? દાદાશ્રી : 'જ્ઞાની' નિસ્પૃહી ના હોય. નિસ્પૃહી તો ઘણાય હોય. 'હમકો કુછ નહીં ચાહિયે' એવું ઘણાય કહે, પણ એ નિસ્પૃહનો અહંકાર છે. 'જ્ઞાની પુરુષ' સસ્પૃહ-નિસ્પૃહ હોય, એટલે ભૌતિક સુખોમાં નિસ્પૃહ અને તમારા આત્મા માટે સસ્પૃહ. અમે સસ્પૃહ-નિઃસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિઃસ્પૃહ હતા. તે તેમના ચેલા નિઃસ્પૃહ થઈ ગયા છે ! જરૂરિયાત ભી થાય તે પ્રમાણે કામ લેવું. પ્રશ્શનકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું. દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિઃસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. 'જ્ઞાની પુરુષ' કેવા હોય ? તમારા આત્મા સંબંધી સ્પૃહાવાળા હોય અને બહાર તમારું જે ભૌતિકમાં છે તેના નિસ્પૃહી. ભૌતિકમાં કોઈ ચીજ જોઈતી ના હોય અને એનાં આત્માનું કેમ કલ્યાણ થાય એટલી જ સ્પૃહા હોય. હા, સંપૂર્ણ નિસ્પૃહ નથી. એટલે અમે 'જ્ઞાની પુરુષ' નિસ્પૃહ-સસ્પૃહ છીએ. એટલે શું ? આ કાંઠોય અમારો ન્હોય અને આ બીજો કાંઠોય અમારો ન્હોય. અમે તારાં પુદ્ગલમાં નિસ્પૃહ છીએ અને તારાં આત્માને માટે સસ્પૃહ છીએ. એટલે તું અમને ગાળો ભાંડે તોય અમે તારી જોડે સ્પૃહા રાખીએ. એનું કારણ શું ? કે તારા આત્માને માટે સસ્પૃહ છીએ. એ વાંકું કરે ને એ અપમાન કરે ને, તોય અમે એને માટે રક્ષણ મૂકીએ. મુક્ત હાસ્ય મુક્ત હાસ્ય, એ સાંધો સુખનો જ્ઞાની પુરુષ જેવું હાસ્ય વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય નહીં. એ મુક્ત હાસ્ય હોય, ટેન્શન વગરનું હાસ્ય હોય. વર્લ્ડમાં એક પણ માણસ એવો નથી કે જેને મુક્ત હાસ્ય હોય. જ્ઞાની પુરુષનું ટેન્શનરહિત હાસ્ય, તે સામાનાં સર્વ દુઃખ ભૂલાડી દે. એક વાર દર્શન કરતાંની સાથે જ ભૂલાડી દે ને તે ઘડીએ એને આનંદ થઈ જાય. આખી જે દુઃખની લીંક હતી એ તૂટી જાય. અમને આખું જગત નિર્દોષ દેખાયું. જગત આખું નિર્દોષ દેખાશે ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થશે. એક પણ માણસ દોષિત દેખાયને, ત્યાં સુધી હાસ્ય ઉત્પન્ન જ ના થાય. ભાર વગરનું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય જ નહીં એવો નિયમ છે. અને મુક્ત હાસ્યથી માણસ કલ્યાણ કરી નાખે. મુક્ત હાસ્યના એક ફેરો દર્શન કરેને તોય કલ્યાણ થઈ જાય ! એ તો હવે પોતે તે રૂપ થવું પડશે. તો બધું રાગે પડી જાય. પોતાનું જે ચારિત્ર એ બહુ મોટું કામ કરે. તેથી જ તો શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાની પુરુષ એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ભું રાખે. કરુણા વરસે કરુણા અપાર અમને તો જીવમાત્ર પર અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્ષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ. તાત્ત્વિક દ્ષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી, સંજોગો એવા છે તેથી. આ જગતમાં કારુણ્યમૂર્તિ થવાની જરૂર છે. જો કારુણ્યમૂર્તિ થાય તો મોક્ષ સામો આવે, ખોળવા જવો ના પડે. જ્ઞાનીઓ કરુણા ખાય કે અરેરેરે ! આ દુઃખોમાંથી લોકો છૂટે તો સારું. કંઈક સારો સંજોગ બેસી જાય તો સારું. કેવી કરુણા ! અવિનય સામેય પરમ વિનય પ્રશ્શનકર્તા : દાદા, આ વિનય અને પરમ વિનયમાં શો ફરક છે ? દાદાશ્રી : બહુ ફરક છે. પરમ વિનય તો માણસને ઉત્પન્ન જ ના થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય થાય અને તેનાથી જુદાઈ લાગે જ નહીં. અભેદ દ્ષ્ટિ થાય, અભેદ બુદ્ધિ થાય અને જ્યાં સુધી વિનય છે ત્યાં સુધી 'હું અને ગુરુ મહારાજ' બધા જુદા જ છે. છતાંય એ વિનય 'પરમ વિનય'માં લઈ જનારો છે. એ પણ એક સ્ટેશન છે. 'જ્ઞાની પુરુષ' તમારા અવિનયની નોંધ ના કરે. તમારે સમજી લેવાનું કે મારે શું વિનય કરવો ને શું નહીં ? અને તમારી ભૂલ થાય એવું અમે જાણીએ અને આ દુષમકાળમાં અવિનયની તો નોંધ જ ના થાય ને ? ચોથા આરામાં અવિનયની નોંધ કરવી પડે. અત્યારે તો 'લેટ ગો' કરવું પડે. લટું, અવિનય કરે તેને આશીર્વાદ આપવો પડે ! આ તો ક્યાંય ધે રસ્તે ચાલ્યો જાય છે ને તેનાં આટલાં બધાં દુઃખો પડે છે. ધે રસ્તે ચાલવાનું ને પાછાં જવાબદારી લે છે ! તે અમને કરુણા આવે છે. અમારે દુનિયામાં કશું જોઈતું નથી. આપણે તો સામાને પાછો ફેરવવા માટે આવ્યા છીએ. શુદ્ધ પ્રેમ શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા એટલે પ્રેમ 'જ્ઞાની પુરુષ'નો જ જોવા જેવો ! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજેય પ્રેમરહિત થયો નહીં હોય. અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુદ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. કારણ કે વાતાવરણ એટલું બધું સુંદર હોય ! એ પ્રેમથી જીવી રહ્યા છે બધા. પ્રશ્શનકર્તા : એ તો બહુ અઘરું છે. દાદાશ્રી : પણ તે અમારામાં આ પ્રેમ પ્રગટ થયેલો છે. તે કેટલાય માણસ અમારા પ્રેમથી જ જીવે છે. નિરંતર દાદા, દાદા, દાદા ! ખાવાનું ના મળે તો યે કશો વાંધો નહીં. એટલે પ્રેમ એવી વસ્તુ છે આ. હવે આ પ્રેમથી જ બધાં પાપો એમનાં ભસ્મીભૂત થઈ જાય. નહીં તો કળિયુગનાં પાપ શું ધોવાનાં હતાં તે ? 'જ્ઞાની પુરુષ'નો શુદ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુદ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં, ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂક્ષ્મ પરમાત્મા, એ સમજતાં વાર લાગે. એટલે પરમાત્મા બહાર ખોળવા જવાના નથી. બહાર તો આસક્તિ છે બધી. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે !!! અભેદતા અભેદતા, આખા વિશ્વ સંગે અહીં તો અભેદભાવ છે. તમે ને હું બધા એક જ છીએ આપણે. મને તમારા કોઈથી જુદાઈ લાગતી જ નથી. અને આ આટલા પચાસ હજાર માણસો છે છતાં તેમની જોડે ય મને જુદાઈ નથી ને આ દુનિયા જોડે ય મને જુદાઈ લાગતી નથી. આ તો તમને જુદાઈ લાગે છે. એટલે હું એક તો, આ પચાસ હજાર માણસો છે તેમાં અભેદ રહું છું અને 'સેકન્ડરી', આખા જગત જોડે અભેદ રહું છું. મારે બીજી કોઈ જગ્યાએ ભેદ નથી, કોઈ જોડે. એટલે પેલું 'સેકન્ડરી' અભેદ છું અને આ 'ફર્સ્ટ' અભેદ આટલો છું. મારે બીજું કશું જોઈતું નથી. મારે બુદ્ધિ જ નથી. એટલે અમને અભેદ લાગે, બધું પોતાનું જ લાગે. બુદ્ધિ હોય ત્યાં સુધી જ ભેદ પડે. બાકી બુદ્ધિ નહીં, ત્યાં ભેદ શો ? બુદ્ધિ તો ભેદ પાડે, દેખાડે જુદાઈ કે 'આ મારું ને આ તારું.' જ્યાં બુદ્ધિ જ નથી, ત્યાં 'મારું-તારું' રહ્યું જ ક્યાં તે ? આ તો ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે - 'હું જુદો ને આ જુદો.' સાચી રીત, અભેદ થવાની એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ બધે આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં અભેદતા હોય. એટલે જગત જોડે અભેદતા ક્યારે કહેવાય ? કે પ્રેમસ્વરૂપ થાય તો. આખા જગત જોડે અભેદતા કહેવાય. એટલે ત્યાં આગળ બીજું કશું દેખાય નહીં, પ્રેમ સિવાય. આપણે પ્રેમ સ્વરૂપ થઈએ ત્યારે સામાને અભેદતા હોય. બધા અમારી જોડે એ રીતે અભેદ થયેલા છે. આ રીત અમે ખુલ્લી કરી નાખી. આ તમને દોષિત દેખાય છે એનું શું કારણ છે કે તમારી દ્ષ્ટિ વિકારી થયેલી છે. મારા-તારાની બુદ્ધિવાળી છે. આ મારું ને આ તારું એવા મારા-તારાના ભેદવાળી છે ! જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી. અમને કોઈની જોડે જુદાઈ નથી. અભેદ દ્ષ્ટિ થઈ એ ભગવાન કહેવાય. સહજતા દાદાની અનોખી સાહજિકતા એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી સહજતા ! કેવી નિર્મળ સહજતા છે, કેટલાં નિર્મળ ભાવ છે ! અને અહંકાર વગરની દશા કેવી હોય, બુદ્ધિ વગરની દશા કેવી હોય, એ બધું જોવાનું મળે. એ બે દશાઓ તો જોવાની મળે જ નહીં ને ! અહંકાર વગરની દશા ને બુદ્ધિ વગરની દશા જોવાની ન મળે. જ્યાં ને ત્યાં બુદ્ધિશાળીઓ ! તે આમ વાત કરે ને, તો ય નાક આમ ચઢેલું હોય ! કશું સહજ ના હોય. ફોટો પાડેને તે ઘડીએ નાક ચઢી જાય ! અને ફોટાવાળા અમને જુએ તો એને ફોટો ના લેવાં હોય તો ય લઈ લે, કે આ ફોટો પાડવા જેવા છે ! એ સહજતા ખોળે. નાકની કડકાઈ દેખે તો ફોટો સહજ ના આવે. અમને સાહજિક જ, જેવા દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેનાં તે જ સ્વભાવના દેખાઈએ. સાહજિકતામાં ફેર ના પડે. વાણીની સહજતા, મનની સહજતા, શરીરની સહજતા, ત્યારે જ આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતો છૂટતો છૂટતો સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ છે જ અને દેહની સહજતા આવી ગઈ. સહજાત્મ સ્વરૂપ છેલ્લું પદ, સહજ સ્વરૂપ. સહજાનંદ, વગર પ્રયત્નનો આનંદ, સહજ આનંદ, અપ્રયત્ન દશા ! શીલવાન લક્ષણો, શીલવાનના પ્રશ્નકર્તા : શીલવાનના શા શા લક્ષણ છે, એ જાણવા છે. દાદાશ્રી : શીલવાનમાં મોરાલિટી, સીન્સીયારિટી, બ્રહ્મચર્ય એ બધું હોય. એ શીલવાનને સ્ત્રીનો વિચાર પણ ન આવે. પછી સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે. સહેજ જ સામાનાં આગળ નમ્ર થઈને જ બોલે. પછી સહજ સરળતા હોય. સરળતા કરવી ના પડે. જેમ વાળો તેમ વળે. એનો સંતોષ સહજ હોય. આટલો જ ભાત ને કઢી આપણે ધરીએને તો એ ચું જુએ નહીં. સહજ સંતોષ ! એની ક્ષમા પણ સહજ હોય. એનો અપરિગ્રહ-પરિગ્રહ બન્ને સહજ હોય. ચારિત્રના પાયા ઉપર મોક્ષમાર્ગ ભો રહ્યો છે. 'જ્ઞાની પુરુષ'ના આધારે ચારિત્ર એ તો મોટામાં મોટી વસ્તુ છે. જ્યારે 'જ્ઞાની પુરુષ'નું ચારિત્ર તો બહુ જ ચું હોય, મન પણ કોઈ દહાડો બગડે નહીં. ચારિત્ર તો બ્રહ્મચર્ય એકલાંને નથી કહેવાતું. ચારિત્ર તો શીલવાન હોય ત્યારે ચારિત્ર કહેવાય. એટલે શીલનું તો બહુ માહાત્મ્ય છે. શીલમાં તો બ્રહ્મચર્ય સહિત આટલાં ગુણો હોવા જોઈએ. એટલે કે જેની વાણીથી કોઈને દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય. જેનું મન કોઈને માટે ખરાબ વિચારે નહીં, એવો શીલવાન માણસ હોય. ચારિત્રવાન કોને કહેવાય ? જે કોઈને ક્રોધથી પણ દુઃખ કરતો નથી, કોઈને લોભે કરીને દુઃખ કરતો નથી, કોઈને માને કરીને તિરસ્કાર કરતો નથી, કોઈને કપટે કરીને દુઃખ આપતો નથી, એ ચારિત્રવાન કહેવાય. ચારિત્રવાનની તો બહુ કિંમત ! પણ આ તો પોતે પોતાની બધી નાદારી કાઢી છે અને એનું દુઃખ છે. નાદારી કાઢે છે ને માણસો ? ક્રોધે કરીને, લોભે કરીને, કપટે કરીને, માને કરીને નાદારી કાઢે છે. એટલે પછી ચારિત્ર ખલાસ થઈ જાય. નાદારી કોઈ રીતે નીકળે નહીં તો તે ચારિત્રવાન કહેવાય, શીલવાન કહેવાય. શીલવાન માણસને જોતાં જ આનંદ થાય. પ્રશ્નકર્તા : પણ એ શીલવાન પુરુષ મોક્ષે જાય ખરો ? દાદાશ્રી : એ જ મોક્ષ બીજાને આપી શકે ! અજોડ-અનુપમ ન કોઈ તુલના, જ્ઞાનીની જ્ઞાની પુરુષ તો આખા વર્લ્ડની અજાયબી કહેવાય, કો'ક ફેરો અપવાદરૂપે હોય છે. અને તે અજોડ કહેવાય છે. એમની જોડી નથી હોતી. એમની સ્પર્ધા કરવાવાળો બીજો કોઈ હોતો નથી. કારણ કે એમનો અહંકાર શૂન્ય થઈ ગયો છે. જ્ઞાની પુરુષની તુલના કોઈની પણ સાથે ના કરી શકાય. એ તો અનુપમ છે. એમની ઉપમા નથી. એમની તુલના કોઈની સાથે ના કરશો. તુલના કરવાથી જ્ઞાની પુરુષને નુકસાન નથી, તુલના કરવાવાળાને નુકસાન થાય છે. કારણ કે કોઈ ઝવેરી નથી થઈ ગયું. એટલે હીરો પણ સારો છે અને કાચ પણ સારો છે, એવું બોલે છે. એટલે એની જવાબદારી થાય છે. જ્ઞાની પુરુષ તો તરણતારણ હોય છે, મોક્ષદાતા હોય છે. એમનું કલ્યાણ થઈ ગયું છે અને અનેકોનું કલ્યાણ કરે છે. જે જ્ઞાની પુરુષ એક જ કલાકમાં મોક્ષ આપે છે, એની ઉપમા કોની સાથે કરશો ? એમની વાણી પણ અનુપમ હોય. એક-એક શબ્દમાં અનંતાઅનંત શાસ્ત્રો લખ્યા હોય એવા શબ્દો હોય. વર્તન પણ અનુપમ હોય. એમનું બધું જ અનુપમ હોય. આવાં જ્ઞાની જો મળી જાય તો આપણું કામ થઈ જાય, નહીં તો કામ થાય એવું નથી. - જય સચ્ચિદાનંદ |