જગકલ્યાણે વહી આ અમૂલ્ય 'જ્ઞાનવાણી'

સંપાદકીય

સૂર્યના પ્રકાશને, આકાશની ક્ષિતિજને કે દરિયાની અગાધતાને શબ્દોમાં તો કેવી રીતે વર્ણવી શકાય ? એ જ રીતે પરમ પૂજ્ય ભગવાન (દાદાશ્રી)ની જ્ઞાનવાણીને શબ્દોમાં વર્ણવાનું કેમ કરીને સંભવી શકે ? જગત કલ્યાણ અર્થે વહેલી આ અપૂર્વ વાણી જગતના, ધર્મના કે વ્યવહારના તમામ પ્રશ્નોનું સહજ સમાધાન આપે છે. આપણે જાણીએ છીએ કે જીવન વ્યવહાર માટે કે જ્ઞાન આદાન-પ્રદાન માટે વાણી એક આવશ્યક માધ્યમ છે. એ વાણી દુઃખનું કે વિનાશનું કારણ પણ બની શકે છે કે પછી સુખ, આનંદ કે કલ્યાણનું કારણ પણ બની શકે છે.

જગત કલ્યાણના પરમ નિમિત્ત અક્રમવિજ્ઞાની પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન થકી ઉદ્બોધાયેલ અનુપમ જ્ઞાનવાણી એ આ કાળનું અદ્ભૂત આશ્ચર્ય ગણાય છે. વાણી કેવી હોવી જોઈએ, તેમ જ જ્ઞાની પુરુષની કે તીર્થંકર ભગવંતોની વાણી કેવી હોય તે અંગેનું અદ્ભૂત વર્ણન દાદાશ્રીની વાણીમાં જોવા મળે છે. કોઈપણ શાસ્ત્ર કે પુસ્તકના આધાર વગર, એમણે આપેલા હજારો પ્રશ્નોનું સમાધાન આ જ્ઞાનવાણી દ્વારા શકય બનેલ. કોઈપણ ધર્મનું પ્રમાણ દુભાવ્યા વગર એમની વાણી દરેક ધર્મની વ્યક્તિને માટે સમાધાન આપનારી બની રહે છે.

ભગવાને કહ્યું છે કે 'વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય', 'વીતરાગ વાણી સિદ્ધ વાણી કહેવાય, એ દરેકનો આત્મા કબૂલ કરે, દરેક ધર્મના લોકો કબૂલ કરે, આત્મરંજન કરાવનારી હોય, ક્યારેય વાંચી કે સાંભળી ના હોય એવી અપૂર્વ લાગે, સરળ અને સચોટ સમજણ આપનારી હોય અને વાદી-પ્રતિવાદી પણ કબૂલ કરે. દાદાશ્રીની આ વીતરાગ વાણી ઉપદેશ કે પ્રવચન રૂપે નહીં પણ દેશના રૂપે હતી, તેથી તો અત્યંત ક્રિયાકારી બને છે. તેમના અનુભવ જ્ઞાન અને અનુભવ વાણી એટલા અસરકારક છે કે એક કલાકના ભેદજ્ઞાનના પ્રયોગમાં આત્મા-અનાત્માનું ભેદાંકન કરી સ્પષ્ટ આત્મમાં અનુભવ કરાવી દે છે. જે અકલ્પનીય હોવા છતાં પણ સત્ય હકીકત છે. એનો વિશેષ ફોડ પાડતા દાદાશ્રી કહે છે કે બહાર જે પ્રવચન થાય છે તે ધર્મ છે, સંતવાણી એ ધર્મનો મર્મ છે અને એવો સો ટકા મર્મ થાય ત્યારે જ્ઞાનાર્ક નીકળે અને આ જ્ઞાનાર્ક અમે તમને પાઈ દઈએ છીએ અને તેથી તો આપણને આત્મા અનુભવમાં આવે છે. આ ચેતનને સ્પર્શીને નીકળેલી ડિરેક્ટ વાણી છે, પ્રત્યક્ષ સરસ્વતી છે. જે વાંચતા જ દિલ ઠરી જાય છે, સાંભળતા જ કષાયો મોળા પડવા માંડે છે અને આનંદની અનુભૂતિ થાય છે.

જ્ઞાની પુરુષની વાણી કેવી હોય એની સવિસ્તાર વિશેષ સમજ અનુભવી જ્ઞાની સિવાય કોણ આપી શકે ? તેમની વાણીના અલૌકિક સ્વરૂપોની વિગત તેમની સત્સંગવાણીમાં દ્ષ્ટિગોચર થાય છે. અને તેની અદ્ભૂતતા જાણીએ ત્યારે હ્રદય અહોભાવથી ગદ્ ગદ્ થઈ જાય છે.

એમની વાણી જીવંત, સાક્ષાત્ સરસ્વતી રૂપ, નિર્મમત્વ, નિર્અહંકારી, સ્વ-પર હિતકારી, સ્યાદ્વાદ, અનેકાંત (કોઈપણ ધર્મનું પ્રમાણ ન દુભાય તેવી), નિરાગ્રહી, મીઠી-મધુરી, નિષ્પક્ષપાતી, રાગ-દ્વેષ રહિત, અજાયબ (સરખામણી ના કરી શકાય તેવી), વચન સિદ્ધિવાળી, વચનબળ સહિતની (જે અહંકાર-વિષયનું વિરેચન કરાવનારી હોય), કોઈને પણ દુઃખ ના થાય તેવી સમ્યક્વાણી હોય, કડક પણ પ્રેમમય અને કરુણાસભર હોય, ભૂલ રહિત, અનુભવ સિદ્ધ વાણી ત્રિકાળ સત્ય હોય. સ્વતંત્ર, મૌલિક, પ્યૉર (નિર્ભેળ) હોય. સામાના વ્યવહાર ઉદયાધીન એમની વાણી અનેક જીવોને કલ્યાણ માર્ગે પ્રયાણ કરાવનારી હોય ! આવી અભૂતપૂર્વ, અમૂલ્ય વાણીનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય ?

તે અંગે દાદાશ્રી કહે છે કે આ અપૂર્વ વાણી વાંચતા જ આપણા બધા પર્યાય બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. એમ કરતાં એમ ને એમ સમકિત થઈ જાય કોઈને ! અરે, આ વાણી એક કલાક સાંભળે તો પણ સમકિત થઈ જાય પણ પુણ્ય અને શુક્લ હ્રદય હોવું જરૂરી છે. તેઓની વાણી હિત-મિત-પ્રિત અને સત્ય આ ચાર ગુણાકારવાણી હોય અને તે સામાના હિત માટે જ હોય, પોતાના સ્વાર્થ માટે ક્યારેય ના હોય. તેઓની વાણી આત્માર્થે હોય એટલે એને પરમાર્થ મૌન કહ્યું.

દાદાશ્રી કહેતા કે આ હું વાંચેલું નહીં પણ કેવળજ્ઞાનમાં જોઈને બોલું છું અને તેથી તો તેઓ વાણી દ્વારા કેવળજ્ઞાન સુધીના ફોડ આપી શકયા. તેઓના એક-એક શબ્દોમાં અનંતા શાસ્ત્રો રહ્યા છે અને એ વાણી પરથી લાખો પુસ્તકો ઊભા થાય એવી ક્ષમતા ધરાવે છે. એવી જગતકલ્યાણ અર્થ નીકળેલી એમની આ માલિકી વગરની વાણી માટે કવિશ્રીએ કહ્યું ને કે...

'જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન,

સ્યાદ્વાદ જ્ઞાનદાન, સર્વમાન્ય પરમાણ!'

જગતનો ઉદય સારો હોય ત્યારે જ્ઞાની પુરુષ પ્રગટ થઈ જાય અને એમની દેશના જ શ્રુતજ્ઞાન છે. એમની આ મૌલિક વાણી અજ્ઞાન માન્યતાઓથી મુક્ત કરી, આત્મજાગૃતિ પ્રગટાવનાર અને આત્મામાં સ્થિર કરનાર છે.

આવી આ અભૂતપૂર્વ વાણીને સારાંશ રૂપે સંક્ષિપ્તમાં સંકલિત કરવાનો પ્રયાસ કરેલ છે. આ વીતરાગ વાણી, હ્રદયસ્પર્શી સરસ્વતી આપણા સહુના હ્રદયે ધારણ થાય અને ચારિત્રમાં પણ આવે એવી ભાવના ભાવી કૃતાર્થ થઈએ તે જ અભ્યર્થના.

દીપક દેસા

જગકલ્યાણે વહી આ અમૂલ્ય 'જ્ઞાનવાણી'

સ્વરૂપ, જ્ઞાનીની વાણીનું

પ્રશ્નકર્તા : આપની વાણી સાંભળતા અમને અહો! અહો! થાય છે. કેવી અદ્ભૂત વાણી છે આ ! દાદા, આપની આ વાણીના વિશિષ્ટ લક્ષણો કેવા હોય ?

દાદાશ્રી : અમારી વાણી વીતરાગી હોય, નિર્મમત્વવાળી હોય, નિર્અહંકારી, સ્વ-પર હિતકારી, મીઠી-મધુર હોય, હ્રદયસ્પર્શી, રાગ-દ્વેષ રહિત હોય અને સ્યાદ્વાદ હોય. જેથી સાંભળતા જ લોકોને આનંદ ઉત્પન્ન થતો જાય.

પ્રશ્નકર્તા : દાદા, સ્યાદ્વાદ એટલે શું ?

દાદાશ્રી : કોઇ પણ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી વાણી. આ વાણીને વૈષ્ણવ, જૈન, પારસી, મુસ્લિમ, બધા જ લોકો 'એક્સેપ્ટ' કરે. એ એકાંતિક ના હોય, અનેકાંત હોય.

પ્રશ્નકર્તા : એને નિરાગ્રહી કહેવાય ?

દાદાશ્રી : હા, કહેવાય. એમાં કોઇ પણ પ્રકારનો આગ્રહ ના હોય.

પ્રશ્નકર્તા : નિરાગ્રહી વાણી માટે આપને વિચાર કરીને બોલવું પડે કે નહીં ?

દાદાશ્રી : ના, વિચારથી તો જે બોલે એ નિરાગ્રહી વાણી હોય જ નહીં. 'જ્ઞાની'ની વાણી જાગૃતિપૂર્વકની હોય. તે સામાના હિત માટે જ હોય. કોઇનું હિત સહેજેય ના બગડે, તે પ્રમાણે જાગૃતિમાં રહે જ.

'જ્ઞાની પુરુષ'ની વાણી ઉલ્લાસભેર સાંભળ સાંભળ કરે તેથી તેવી વાણી થતી જાય. ખાલી નકલ કરવાથી કશું વળે નહીં.

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ વાણી ક્યારે નીકળે ?

દાદાશ્રી : બધા જ કર્મોનો ક્ષય થાય; ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય થાય ત્યારે સ્યાદ્વાદ વાણી નીકળે. આખું વીતરાગ વિજ્ઞાન હાજર થવું જોઇએ. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ નીકળે. ત્યાં સુધી બધી બુદ્ધિની વાત, વ્યવહારની વાત ગણાય. સ્યાદ્વાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષ-માર્ગમાં ઉપદેશ આપવો એ ભયંકર જોખમદારી છે.

સ્યાદ્વાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય ? અહંકારની ભૂમિકા પૂરી થાય ત્યારે. જગત આખું નિર્દોષ દેખાય, કોઇ દોષિત દેખાય જ નહીં !

કોઇ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનું નામ સ્યાદ્વાદ વાણી. સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તોય સ્યાદ્વાદ વાણી કોઇની પણ પ્રકૃતિને હરકત ના કરે.

આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ 'હું' બોલતો નથી પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. 'આ' વાણી નીકળે તે થકી 'અમે' જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે ! 'અમારી' વાણી એય રેકોર્ડ છે, એમાં અમારે શી લેવાદેવા ? છતાં 'અમારી' રેકોર્ડ કેવી હોય? સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઇ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી 'આ' સ્યાદ્વાદ વાણી છે.

હું જે બોલું તે સામાનો આત્મા કબૂલ કરે જ. કબૂલ નથી કરતો તે તેની આડાઇ છે. કારણ કે આ વાણી મારી નથી. તેથી તેમાં ભૂલ ના થાય. 'મારી વાણી છે' એવું જ્યાં હોય ત્યાં વાણીમાં ભૂલ થાય.

નિશ્ચયજ્ઞાન પુસ્તકમાં હોતું નથી, એ જ્ઞાનીઓના હ્રદયમાં છુપાયેલું હોય છે. અને એ નિશ્ચયજ્ઞાન જ્યારે આપણે, વાણીરૂપે સાંભળીએ ત્યારે આપણો નિવેડો આવે.

અમારી વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. 'આ' તો આખો 'જ્ઞાનાર્ક' છે. એ પચે અને અજીર્ણ ના થાય. 'જ્ઞાની'ના શબ્દને હલાવવો નહીં, બહુ મોટું જોખમ છે. એક જ શબ્દ જો મહીં પેસી ગયો ને પચન થયો તો મોક્ષે લઈ જાય !

વીતરાગ વાણી વિના, ન કોઈ ઉપાય

ભગવાનને કોઇએ પૂછયું કે, 'મોક્ષે જવાનું સાધન શું ?' ત્યારે તેમણે કહ્યું કે, 'વીતરાગ વાણી વિના, અવર ન કોઇ ઉપાય.' એ વાણી સિદ્ધ વાણી કહેવાય, સામાને ઊગી નીકળે.

પ્રશ્નકર્તા : વીતરાગ વાણીનું પ્રમાણ શું ?

દાદાશ્રી : વીતરાગ વાણી એટલે દરેકનો આત્મા કબૂલ કરે જ, દરેક ધર્મનાં લોક એને કબૂલ કરે. એક આડાઇવાળો જ ના કબૂલે. વીતરાગ વાણી આત્મરંજન કરાવનારી હોય, બીજી બધી વાણી મનોરંજન કરાવે. વીતરાગ વાણી સાંભળતાં જ તદ્ન નવી લાગે, અપૂર્વ લાગે. અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય સાંભળી ના હોય, વાંચી ના હોય એવી વાત હોય. વીતરાગના વચન કોને કહેવાય કે જે વાદી-પ્રતિવાદી બન્ને કબૂલ કરે. પ્રતિવાદી પણ કબૂલ કરે કે, 'વાત ખરી છે પણ અમને આ વાત પોષાતી નથી.'

વીતરાગને ઓળખવાની સાદી રીત એમની વાણી છે. જેટલું તમારું ઝવેરીપણું હશે, તેટલી આની કિંમત થશે.

કલ્યાણકારી, આ વીતરાગ વાણી

વીતરાગ વાણી જ એકલી મોક્ષે લઈ જનાર છે. અમારી વાણી ડિરેક્ટ (પ્રત્યક્ષ) વાણી હોય. શાસ્ત્રમાં જે વાણી હોય તે ઈનડિરેક્ટ (પરોક્ષ) વાણી હોય. ડિરેક્ટ વાણી જો એક કલાક જ સાંભળે તો સમકિત થઈ જાય. અમારી વાણી સર્વ નય સંમત હોય. સર્વ વ્યૂ પોઈન્ટને માન્ય કરે. કારણ અમે પોતે સેન્ટરમાં હોઈએ. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય. હિન્દુ, મુસ્લિમ, પારસી, ખોજા બધા જ અમારી વાણી સાંભળે છે ને તેમને અમે આપ્તપુરુષ લાગીએ છીએ. કારણ અમને ભેદબુદ્ધિ ના હોય. બધાંની મહીં હું જ બેઠેલો હોઉં ને ! બોલનારેય હું ને સાંભળનારેય હું જ.

સંપૂર્ણ રીતે સામાનું આત્મકલ્યાણ કેમ કરીને થાય એ ભાવવાળી વાણી, તે જ વીતરાગ વાણી ! અને એ જ એનું કલ્યાણ કરે, ઠેઠ મોક્ષે લઈ જાય!

આખા જગતનો કાટ કાઢી નાખે એવી વાણી છે આ. તેથી તો નિરંતર, સવારે દાતણ કરતી વખતેય આ ટેપ (ટેપરેકોર્ડર) મૂકવામાં આવે છે. અમે એક શબ્દ બોલીએ, એ આ લોકો છોડતા નથી અને પછી પુસ્તકો છપાય એનાં. આ વાણી વાંચશે તો કલ્યાણ થઈ જાય. આ વાણી વાંચતા જ દિલ ઠરી જાય. આ કાળની મોટામાં મોટી અજાયબી છે ! આ આપ્તવાણી વાંચીને લોક તો આફરીન થઈ ગયા. જગતને બહુ કલ્યાણકારી છે ને ! જગતને હિતકારી છેને !

ચૈતન્યમય વાણી

આ દાદા બોલે છે, તે 'હ્રદયેસ્પર્શી સરસ્વતી' છે. આવું કો'ક જ ફેરો બને.

હ્રદયસ્પર્શી વાણી બોલે, એટલે મારા હ્રદયને સ્પર્શીને નહીં, પણ સામાના હ્રદયને સ્પર્શે છે અને મારા તો આત્માને સ્પર્શીને નીકળે છે. અને હ્રદયસ્પર્શી વાણી હોય એ વાણી બધાને અસર જ કરે. એ વચનસિદ્ધિવાળી વાણી હોય.

એટલે આ વાણી ચૈતન્ય જેટલું બળ આપે. ચેતન જેટલું બળ આપે એટલું જ બળ આ વાણી આપે. કારણ કે ચૈતન્યમય વાણી છે. હવે ચૈતન્યમય વાણી ક્યાંય હોતી જ નથી. પણ આ વાણી ચેતનને સ્પર્શ કરીને નીકળે છે એટલે બધું ચૈતન્યમય લાગે છે.

જે વાણી કોઈને દુઃખ ના આપે, ત્રાસ ના આપે, એ સમ્યક્વાણી કહેવાય અને લોકોને ત્રાસ આપે, એ કઠોર વાણી કહેવાય.

સમ્યક્વાણી એ તો બહુ ખાસ આરાધવા જેવી છે. જેનાથી કોઈને દુઃખ ના થાય એવી વાણી છે અને એ જ ભગવાનની મોટામાં મોટી ભક્તિ છે.

પ્રત્યક્ષ સરસ્વતીના દર્શન અહીં

જ્ઞાની પુરુષની વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી હોય અને તે સાંભળતાં સાંભળતાં બધું આવડી જાય. પ્રત્યક્ષ સરસ્વતીનાં દર્શન કરવાં હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઇ જાય !

જ્યારે વાણી સરસ્વતી સ્વરૂપે થાય ત્યારે લોકોનાં હ્રદયને સ્પર્શે, ત્યારે જ તો લોકોનું કલ્યાણ થાય. હ્રદયસ્પર્શી વાણી વર્લ્ડમાં જડવી મુશ્કેલ હોય. અમારી વાણીનો એક જ શબ્દ જો તમારે સોંસરવો ઊતરી જાય તો એ તમને ઠેઠ મોક્ષે લઇ જાય.

ચારિત્ર બળ ઓળખાય, વાણી થકી

'જ્ઞાની પુરુષ'ની વાણી મીઠી-મધુરી, કોઇને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં એવી હોય. કોઇને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે તો બધું ચારિત્ર જ છે. વાણી કેવી નીકળે છે તેના પરથી ચારિત્ર બળ ઓળખાય. બાકી બીજા કશા પરથી ચારિત્ર બળ ઓળખાય નહીં. જો બુદ્ધિ સ્યાદ્વાદ હોય તો સ્યાદ્વાદ જેવાં લક્ષણ લાગે, પણ એ સંપૂર્ણ ના હોય. જ્યારે જ્ઞાન સ્યાદ્વાદ હોય એનું ચારિત્ર તો વીતરાગ ચારિત્ર હોય. જ્ઞાન સ્યાદ્વાદ દરેક ધર્મના લોકો પ્રમાણ તરીકે સ્વીકારે. એ વાણીમાં જરાય ખેંચ ના હોય.

પ્રશ્નકર્તા : આવી વાણી કોઇને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું ?

દાદાશ્રી : આપણે ભાવથી દરરોજ માંગણી કરવાની કે મારી વાણીથી કોઇનેય દુઃખ ન હો અને સુખ જ હો. એનાં 'કોઝ' સેવવાં જોઇએ તો પ્રાપ્ત થાય.

મનોહારી - વાણી, વર્તન ને વિનય

'જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.'

અમારી વાણી નિષ્પક્ષપાતી હોય, અમારું વર્તન મનોહર હોય ને વિનય તો બહુ ઊંચો હોય.

પહેલી વાણી જોઈએ, પછી વર્તન જોઈએ અને પછી વિનય જોઈએ, આ ત્રણે મનોહર જોઈએ. જ્ઞાની પુરુષનું વર્તન આપણા મનનું હરણ કરે એવું હોય, વાણીય મનનું હરણ કરે એવી હોય અને વિનય પણ મનને હરણ કરે એવો હોય. આવડા મોટા જ્ઞાનીપદમાં છે પણ આપણા કરતાં વધારે વિનય એ રાખે છે. એટલે મનનું હરણ કઈ ચીજ કરે છે ? આ બધું, વાણી, વર્તન ને વિનય છે, એ બધા મનોહર છે. મનનું હરણ કરી લે.

વિનયથી તો માણસ શોભે છે અને વિનય તો મોટું પદ છે. વિનય હોય તો મોક્ષે જવાય, નહીં તો મોક્ષમાં જવાય નહીં. વિનય વગર મોક્ષ નથી.

પછી વાણીય એવી જ જોઈએ. કો'કને ઘા વાગે એવી વાણી શું કામની ?

એટલે ઘરમાં કે બહાર, કોઈનેય ઘા કરે નહીં એવી વાણી જોઈએ. એની વાણીથી ઘરમાં એક માણસને ઘા કરે તો એ બે માણસને ઘા કરે કે ના કરે ? એટલે એની પાસે સામાન છે, એ વાત નક્કી થઈ ગઈ. એવો સામાન જ ના જોઈએ. ત્યારે જ્ઞાની પુરુષમાં એ સામાન ના હોય. વાણી-વર્તન ને વિનય બધું મનોહર હોય.

આ લોક તો ઘણુંય બોલવા જાય પણ સમું (સરખું) બોલાય જ નહીં ! સમું કરી કરીને બોલવા જાય છે પણ બોલી જાય તો પાછો લપકો (ગોટાળાવાળું) બોલી જાય.

પ્રશ્નકર્તા : આવું કેમ થાય ?

દાદાશ્રી : એ આપણી સત્તામાં નથીને ! એ રેકર્ડ છે. એ ગયા અવતારમાં તમે જેવી રેકર્ડ ઉતારી હતી, એવી રેકર્ડ વાગે અને જ્ઞાની પુરુષ તો પોતાની રેકર્ડ ધોતા ધોતા ધોતા ધોતા આવેલા હોય. તે એવી સુંદર રેકર્ડ લઈને આવ્યા હોય કે જગતનું કલ્યાણ કરી નાખે.

જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર હોય, ત્યાં મોક્ષ થાય. જેની વાણીમાં સ્હેજ પણ હિંસા હોય, સ્હેજ પણ પક્ષપાત હોય તો મોક્ષ ના થાય.

ગજબની આ અપૂર્વ વાણી

અમારી વાણી તો કોઇ કાળે સાંભળી ના હોય તેવી ગજબની છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે અને ધારણ રહે એ ટાઇમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે !

હું જે વાણી બોલું છું તે વાણીથી તમારું આવરણ તૂટે ને અંદર લાઈટ થાય (જાગૃતિ થાય) અને તેથી તમને મારું સમજાય. બાકી એક શબ્દ પણ સમજવાનું તમારું ગજું નથી.

'જ્ઞાની પુરુષ' પાસે હિતની વાત હોય. એમની પાસે બે શબ્દ સમજી લે ને, તો બહુ થઈ ગયું ! બે શબ્દ સમજવામાં આવે, ને એમાંથી એક જ શબ્દ જો કદી હ્રદયમાં પહોંચી ને પચી જાય તો એ શબ્દ મોક્ષે લઈ જતાં સુધી એને છોડે નહીં. એટલો વચનબળવાળો હોય ! એટલી વચનસિદ્ધિ હોય એ શબ્દની પાછળ !

વાણી હિત, મિત, પ્રિય અને સત્ય

અમારી વાણી હિત, મિત, પ્રિય ને સત્ય આ ચાર ગુણોવાળી હોય. ગમે તેટલી સત્ય વાણી હોય, પણ તે જો સામાને પ્રિય ના હોય તો તે વાણી શા કામની? આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારેય ગુણાકારવાળી વાણી એક 'જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. 'જ્ઞાની'ને 'પોતાપણું' હોય જ નહીં, જો 'પોતાપણું' હોય તો તે જ્ઞાની ના હોય.

જ્ઞાનીની વાણી પરેચ્છાનુસારી

'જ્ઞાની'ની વાણી પરેચ્છાનુસારી હોય, બીજાઓની ઇચ્છાને આધારે એ બોલે છે. એમને શા માટે બોલવું પડે ? એમની વાણી તો બીજાઓની ઇચ્છા પૂર્ણ થવા માટે નીકળે છે.

અનુભવ 'જ્ઞાન'-'વિજ્ઞાન'

'જ્ઞાની પુરુષે' આત્મા જોયો હોય, અનુભવ્યો હોય, એટલે એ 'જ્ઞાની પુરુષ' પછી જ્યાંથી વાણી બોલે, તે બધું ચોખ્ખું જ હોય !

આ અમારા એક-એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવતારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! તમારા લાખો અવતાર કપાઈ જશે !! આ વિજ્ઞાનથી તો રાગેય ઊડી જાય ને દ્વેષેય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય, અગુરુ-લઘુ સ્વભાવનો થઈ જાય. એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે.

હું જે બોલું છું, એ તો જ્ઞાન છે. પણ જેની બુદ્ધિ જરા સમ્યક્ થયેલી હોય, સમ્યક્ એટલે સારી સુગંધીવાળી, તો તરત મારું જ્ઞાન સમજાય એવું છે. જ્ઞાન બુદ્ધિથી સમજાય ખરું પણ બુદ્ધિથી બોલી શકાય નહીં. બુદ્ધિથી આ વિજ્ઞાન બોલી શકાય નહીં. વિજ્ઞાન એટલે ચૈતન્ય જ્ઞાન જેવું. એની મેળે જ કામ કર્યા કરે.

શુક્લ હ્રદયી સમજે જ્ઞાનીની ભાષા

પ્રશ્નકર્તા : જ્ઞાનીની ભાષા અમુક લોકોને નથી સમજાતી.

દાદાશ્રી : શી રીતે સમજાય પણ ? એ તો મોહ ઓછો હોય તો સમજણ પડે. જ્યાં સુધી મૂંઝાયેલો હોય ત્યાં સુધી સમજણ પડે નહીં. મોહ ક્લિયર થઈ જાય ત્યાર પછી સમજણ પડે. જ્ઞાનીની ભાષા સમજવા આપણું પુણ્ય અને શુક્લ હ્રદય હોવું જોઈએ. હ્રદય શુક્લ હોય તો તરત બધું ઓળખી જાય. પણ હ્રદયમાં જાતજાતના ગોટાળા ભર્યા હોય ને, તે ગોટાળિયું હોય તો સમજાય નહીં. પેલી બાજુનું બીજું બધું સમજાય સંસારી ભાષા બધી સમજી જાય પણ જ્ઞાનીઓની ભાષા સમજવા માટે શુક્લ હ્રદય જોઈએ.

અમારા શબ્દ જો શીખ્યો ને, એના પ્રમાણે ચાલ્યો તો તો કામ જ થઈ ગયું. 'જ્ઞાની પુરુષ'નો એક શબ્દ જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય ! બાકી, થર્ડમાંથી ફોર્થમાં ક્યારે જઈએ ? એનાં કરતાં આ 'દાદા' મેટ્રિકની બહાર 'ફર્સ્ટ ઈયર'માં બેસાડી દે ! પેલા લોકો તો 'ફીફ્થ'માં, 'સીકસ્થ'માં છે ને આપણે જાતે તો થર્ડમાંથી પાસ થવાતું નથી. એનાં કરતાં 'દાદા' કહે છે તે પ્રમાણે હેંડો ને, એટલે ઉકેલ આવી ગયો.

વાણી વચનબળ, સહિતની

'જ્ઞાની પુરુષ'ના એક-એક શબ્દમાં ગજબનું વચનબળ હોય. વચનબળ કોને કહેવાય કે હું કહું કે બધા ઊભા થઇ જાવ, તો બધા ઊભા થઈ જાય. વચન પ્રમાણે બધા માણસો ચાલે, એનું નામ વચનબળ. વચનબળથી વચન સિદ્ધ થયા કરે.

'અમારું' વચનબળ તો અજાયબી કહેવાય ! 'અમારા' શબ્દો કેવા હોય? શાસ્ત્રના શબ્દો ના હોય. શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય અને 'અમારા' પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહીં 'જ્ઞાન' હાજર થઇ જ જાય !!! આત્મા જ પ્રગટ થઇ જાય !!! અને પાછા જરાય વાગે નહીં. જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય ! જબરદસ્ત વચનબળ હોય !! એના એક-એક વચન પર જગત ઊછાળા મારશે ! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઇ જાય. કવિ શું ગાય છે કે,

''જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન

સ્યાદ્વાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ.''

જગતનો ઉદય સારો હોય ત્યારે 'જ્ઞાની પુરુષ' પ્રગટ થઇ જાય અને એમની 'દેશના' જ 'શ્રુતજ્ઞાન' છે. એમના એક જ વાક્યમાં આખાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય !

શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઇ કળજુગી શાસ્ત્રો આપો તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઇ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઇ ગઇ. હવે તો નવી દવા જોઇશે. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઇએ. પછી ભૂલ થાય તો આપણે 'ચંદુલાલ' પાસે પ્રતિક્રમણ કરાવવું પડે. 'અમારા' શબ્દો આવરણ તોડનારા છે. તમને મહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે.

અમારા એક-એક શબ્દમાં અનંતગણું વચનબળ છે, તેથી આ એક-એક શબ્દ ઊગે. બીજી બધી વાણીઓ કશું ઊગે નહીં. આ બધી વાણીઓ અનંત અવતારથી ખેતરમાં નાખ નાખ કરે, પણ એકુય શબ્દ ઊગ્યો નથી.

જ્ઞાની પુરુષનો એક શબ્દ આરપાર નીકળી ગયો હોય, તો તેનો સર્વસ્વ રોગ કાઢી નાખે. આ વાણી અંદર ઉતરી ગઈ હોય, પછી એ નીકળે નહીં. બહુ જબરજસ્ત વચનબળ ! ત્યારે જ આ વગર વાંચે આ બધું કામ થાય છે, એમ ને એમ જ થાય છે ને !

પ્રશ્નકર્તા : દાદા, એવું વચનબળ કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : જેટલું તને સમજાય તેટલું સત્ય બોલજે. ના સમજાય ત્યાં ના બોલે, તેનો વાંધો નથી. તો એટલું વચનબળ ઉત્પન્ન થાય. 'કોઇને દુઃખ થાય એવું નથી બોલવું' એમ નક્કી કરવું ને 'દાદા' પાસે વચનબળની શક્તિ માંગ માંગ કરવી, એનાથી તે પ્રાપ્ત થશે. અમારું વચનબળ અને તમારી દ્ઢ ઇચ્છા હોવી જોઇએ. અમારું વચનબળ તમારા સર્વ અંતરાયો દૂર કરી આપે. તમારી પરીક્ષા થાય પણ પાર ઉતરે.

વાણીથી કેટલાકને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ કર્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું સત્ય જ બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેકચર થઇ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે ! આ 'દાદા'ના જેવું વચનબળ હોવું જોઇએ.

રહસ્ય, વચનબળ તણું

'અમારા' એક-એક શબ્દમાં ચેતન છે. અમારી વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે પણ મહીં પ્રગટ થઈ ગયેલા પરમાત્માને સ્પર્શીને નીકળે છે. તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે ! સામાની ભાવના જોઈએ. અમે બોલીએ કે 'એય કૂદ', તો સામો દસ ફૂટનો ખાડોય કૂદી જાય ! તો કેટલાંક કહે છે કે, 'તમે શક્તિપાત કરો છો.' ના. અમારા વચનમાં જ એવું બળ છે ! કોઈ બહુ ડીપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. 'જ્ઞાની પુરુષ' તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. તમને મહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિસ્મૃત રહે અને તેને જ મોક્ષ કહ્યો છે. વચનબળ હોય તો મુક્તિ આપે.

ઊંડી ભાવના તેથી હિતકારી

અમારા શબ્દમાં એવું વચનબળ છે કે નુકસાન થાય એવું મહીં લાગે ખરું, પણ તે નુકસાન થવા ના દે. અમારું વચનબળ એવું હોય છે. કારણ કે દરેક શબ્દમાં એટલી બધી ઊંડી ભાવના હોય છે કે નુકસાન તો ક્યારેય ન થાય. એટલી શબ્દે શબ્દમાં ભાવના છે. વાંકો શબ્દ પણ સીધો થઈને કામ કરશે.

પ્રશ્નકર્તા : તમે કીધેલું કે આ અમારી એક લીટી જો બરોબર સમજમાં આવી ગઈ તો પાર પડી જાય.

દાદાશ્રી : એ જો ઓગળી ગયું તો કામ જ થઈ ગયું. એટલે એમાં એવડી મોટી દવા છે. એક જ વાક્ય ઓગળી જાય ને, તો કલ્યાણ થઈ જાય. એટલે ઉલ્લાસથી પીવે અને પાચન થઈ જાય, તો કામ થઈ ગયું ને ! ઉલ્લાસ ક્યારે આવે ? ધીમે ધીમે આવે. જેમ જેમ એનો સાર સમજાતો જાય, તેમ તેમ એની કિંમત સમજાતી જાય.

ગજબની શક્તિ, જ્ઞાનીના વચનબળમાં

અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે. એવું આ અમારું વચનબળ છે ! અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્ઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે.

અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શકિત છે કે કામ કાઢી નાખે ! પોતે જો સહેજ પણ ડગે નહીં, તો કર્મ એને નહીં ડગાવી શકે ! કર્મ ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ અને મનોબળને ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે. દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે.

નાદારીમાંથી થાય સાદારી

જેને કંઈ પણ જોઈતું હોય તો તેને અમારા વચનબળથી પ્રાપ્ત થઈ જાય એવું છે. અત્યાર સુધી થયેલા તમામ દોષો હઉ હું ધોઈ નંખાવડાવું. હવે દેવું કાઢી આપતા હોય તો સારું કે નહીં ? પછી નવેસરથી દેવું કરો નહીં, પણ અત્યાર સુધીનું દેવું કાઢી નાખ્યું એટલે બધી ભાંજગડ ઊડી ગઈ ને ! નહીં તો એક ફેર દેવું થાય એટલે એ વધારે ને વધારે દેવામાં ઉતારે. શું કહે કે હશે, આટલાં નાદાર થયા તો આટલાં વધારે. પછી સરવાળે શું આવે ? દુકાન હરાજ થાય.

ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે 'તમે આમ કરો કે તેમ કરો' એવું કશું બોલાય નહીં, પણ આ તો કાળ એવો છે ! આ જીવોનાં ઠેકાણાં નહીં ને ! આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તેય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે 'તમે આમ કરો.' એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી.

જ્ઞાની પુરુષના શબ્દો તો મજબૂત માણસનેય (દોષોનું) વિરેચન કરાવી દે એવા હોય ! પણ પચાવવાની શક્તિ છે ને ત્યાં સુધી એ અધિકારી કહેવાય. પણ પછી એનું પરિવર્તન આવે. મારા શબ્દો એટલે વગર જુલાબે જુલાબ. પણ પેલો નહીં, માનસિક જુલાબ. આ શબ્દો અહંકારનું વિરેચન કરાવનારા છે. વિષયનું વિરેચન કરાવનારા છે, મમતાનું વિરેચન કરાવનારા છે.

વિષયનું વિરેચન કરાવે જ્ઞાનવાણી

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ?

દાદાશ્રી : દહાડે દહાડે વિષય બંધ થતા જાય નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તોય કશું ના વળે.

પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?

દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! જુલાબ આપે એવા શબ્દ હોય, એમ કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !

પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ?

દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય. 'જ્ઞાની પુરુષ'નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ 'જ્ઞાની પુરુષ' જ નથી.

અહો ! કરુણા 'જ્ઞાની' તણી

જેને જે રોગ હોય એ 'જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે એમને પેલાનો રોગ મટાડવો છે. ડૉક્ટર દર્દીનો રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા સારુ કહીએ છીએ ? આ તો તમારા માટે 'સ્પેશિયલી' અને તેય વીતરાગતાથી કહીએ છીએ. એટલે અમે કઠણ બોલીએ, તે શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કઠણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવાં, તે આમ સાંધા તોડી નાખે એવા કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !

કડક પણ વીતરાગ વાણી

જ્ઞાનીના કઠણ શબ્દો શાથી હોય ? કારણ કે તેઓ નિર્ભીકપણે બોલે છે અને આખું જગત બીકનું માર્યું બોલે છે. ઉપર 'બાપો' છે તેની બીક લાગે, કર્મ બંધાશે તેની બીક લાગે ! જ્યારે 'જ્ઞાની પુરુષ'ને તો કોઈ જાતની બીક જ નથી. જેને કર્મ બંધાય તેને બીક. જ્ઞાની તો વર્લ્ડના ગમે તે માણસને જે ફેક્ટ છે તે કહી દે. કારણ કે જેને કશું જોઈતું નથી, પછી શું ? જેને કશું જોઈતું હોય તેને તો લાલચને માટે બીક રાખવી પડે. 'જ્ઞાની'ને તો વર્લ્ડની કોઈ ચીજ જોઈતી નથી, એમને બીક હોતી હશે ? એ તો વર્લ્ડના માલિક કહેવાય !

ઘાટ વગરના એક જ વર્લ્ડમાં

આ અમારી વાત તમને જરા કઠણ પડશે પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે. અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઈએ તે પસંદ કરજો.

આવું સાચું કહેનાર કોઈ તમને નહીં મળે કારણ કે અમને સહેજેય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં 'બાપજી બાપજી' કરશે.

બાકી આ કાદવમાં, તેય પાછા ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજા કેટલાંય જીવોનું રાગે પડી જાય ! અને એનું કલ્યાણ થાય એવા ભાવ હોય. તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ, નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ? આ તો સામાના કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા સારુ વઢે. સામાના હિત કરતાં બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ટૈડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે. અને 'જ્ઞાની પુરુષ' સામાના કલ્યાણ માટે વઢે.

આવી કડક વાણી અમને વીતરાગને ન હોય, પણ શું કરીએ ? એમના રોગને કાઢવા ગજબની મહીં વીતરાગતા સાથે સંપૂર્ણ કરુણાભરી વાણી સરી પડે છે ! એમાં એમનોય દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષે જ જવાની છે પણ અણસમજણથી અવળું થાય છે. કાળ જ બહુ વિચિત્ર આવ્યો છે. તેની આંધીમાં બધાં લપટાયાં છે.

ન વઢાય, પ્યૉરિટી વિના

આ જગતમાં કોણ વઢી શકે ? જ્ઞાની પુરુષ જ એવા હોય કે જે બધાને વઢી શકે. જ્ઞાની પુરુષ કોઈની શેહમાં ના હોય. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી કે જેની શેહમાં જ્ઞાની પુરુષ તણાય. કારણ કે જેને આ જગતની કોઈ ચીજ જોઈતી નથી, કોઈ ચીજની ભીખ નથી, એને વળી કોઈની શેહ શું ? તમારી પાસે મારે કંઈ જોઈતું હોય તો મને તમારી શેહ રહ્યા કરે કે 'તમે મને જોઈતું નહીં આપો.' એટલે શેહમાં ના આવે એ જ્ઞાની પુરુષ, એ ચોખ્ખું બોલે.

અમને આ દુનિયામાં કોઈ ચીજ કોઈની પાસે ખપતી નથી છતાં સસ્પૃહ છીએ. અમે નિસ્પૃહ-સસ્પૃહ છીએ. એટલે ભૌતિકમાં, પૌદ્ગલિકમાં નિસ્પૃહ અને આત્મા બાબતમાં સસ્પૃહ. તમારી જોડે અમારે સ્પૃહા ખરી પણ આત્મા બાબતમાં, બીજી અમારે કંઈ લેવાદેવા નહીં. તમારું પુદ્ગલ, તે જાડું હોય કે પાતળું હોય, અમારે કશું લેવાદેવા નથી. અમારે પુદ્ગલનું કામ જ શું છે ? અમે જ પુદ્ગલનો નિકાલ કરી રહ્યા છીએ ને ! છે તેનો જ નિકાલ લાવું છું. વળી તમારા પુદ્ગલ પાસે અમારે શું જરૂર છે ?

જેને કંઈ જરૂર નથી, કોઈ જાતની ભીખ ના હોય ત્યારે એનાં શબ્દો અસર કરે. બાકી ભીખવાળા માણસને માન જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, લક્ષ્મી જોઈતી હોય, સોનું જોઈતું હોય, સ્ત્રીના વિચાર આવતા હોય તો એનાં શબ્દો અસર ના કરે. બધાથી મુક્તપણું હોય ત્યારે ભગવાન પોતાની સત્તા એ જ્ઞાની પુરુષના હાથમાં સોંપી દે છે, બસ !

જેને બદલો લેવાનો હોય, તેના શબ્દો અસર ના કરે. જેને કોઈ પણ પ્રકારનો બદલો લેવાનો નથી, તેના શબ્દો એકદમ ઈફેક્ટિવ હોય. બદલો એટલે એના બદલે કંઈક મેળવવાની ઇચ્છા. અહીં અમને બદલો હોય નહીં ને !

મારી વાત સુંવાળી નથી ને ? જરા કઠણ પડે છે ને ?

પ્રશ્નકર્તા : સુંવાળી હોય તે કામની જ નહીં.

દાદાશ્રી : મારી વાત જરા કઠણ છે, પણ મહીં જુલાબ કરીને બધો રોગ કાઢી નાખે. નર્યો રોગ ભરેલો છે ! પાછા કોઈ સંત પુરુષ પાસે જઈએ ત્યારે કહેશે, 'આવો ભાઈ, આવો શેઠ, આવો આવો.' તે માખણ ચોપડ ચોપડ કરે. અલ્યા, એને શું કરવા ચોપડે છે ? પાછાં ઊંધે પાટે ફેરવી આપે છે ! અલ્યા, પાંસરો રસ્તો દેખાડી દઈએ તો આગળ કોઈ રસ્તો ખોળે ? પણ આ તો મસ્કા ચોપડ ચોપડ કરે ! તમને મસ્કો ગમે કે ના ગમે ? તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંત કાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઈ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને (કડક વાણી બોલીને), મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહીં મૂકાય, પછી 'ઓ ઓ' કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઈએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ ? જે જોઈએ તે અમે આપવા તૈયાર છીએ.

પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઈએ છે.

દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે.

વિરોધી જોડે પણ જુદાઈ નહીં

એક મોટા ઓફીસર હતા, તોય મેં તેમને સત્ય કહી દીધું. કારણ કે અમારે તમારી પાસે કશું જોઈતું નથી. સત્ય સાંભળવું હોય તો સાંભળ અને પછી ગાળ દેવી હોય તે દેજે. તારું મગજ ચઢી જાય તો ગાળ દેજે પણ તું એકવાર સાંભળ. એનું મગજ ખસી જાય ત્યારે આપણે શું કરવાનું ? અને અમારે તો વિરોધી હોય તોય એ જુદો ના લાગે. અમને એકતા લાગે અને પેલો જુદો અનુભવે પણ અમને એકતા લાગે. અમે એ દુશ્મન જોડે જુદું અનુભવીએ તો અમને એની પર અભાવ થાય. અમને અભાવ હોય નહીં. વખતે અમારે મોઢે શબ્દ કડક નીકળે, પણ અનુભવમાં જુદું નહીં. મોઢે શબ્દ નીકળે છે એ પૌદ્ગલિક બાબત, પણ અંદર અમને વીતરાગતા હોય !

તાપ-પ્રતાપ, દાદાનો

આ દાદા ઉપર તો એટલી બધી કૃપા છે કે કોઈથી ત્યાં એમની હાજરીમાં તો બોલાય જ નહીં. અમે ગાળો ભાંડીએ તોય એનાથી સામું ના બોલાય. એટલે દાદા કેવી કૃપા લઈને આવ્યા છે ! કેવી જાહોજલાલી લઈને આવ્યા છે !

નહીં તો સામાને તો સહેજ તુંકારો કર્યો હોય ને તો વેષ થઈ પડે. પોલીસવાળાને બોલાવી લાવે કહેશે, 'મારું અપમાન કર્યું.' અલ્યા, 'તું છે કોણ કે તારા અપમાન કરવાનાં છે ? તું શેમાં છો ? મારે માન શું ને અપમાન શું ? પંૂછડું આવે તો કૂદજે, તારે ફાવે તેટલું !' આવું કહીએ એટલે એનું પાણી ઉતરી જાય ! કોણ બોલી શકે ? કેમ સામા નહીં થતા, બાપજી ? વીતરાગ વાણીને કોઈ સામો ના થાય. હા, ગમે એવી ચોપડીએ તોય વીતરાગ વાણી ! તમે ચોપડવા જાવ તો પોલીસવાળા બોલાવે ને પકડાવી દે.

પ્રશ્નકર્તા : વીતરાગ વાણીને કોઈ સામો ના થાય !

દાદાશ્રી : એનું કોઈ નામ દે જ નહીં ને, વઢતા હોય તોય. એટલા બધા બેઠા હતા, એમની રૂબરૂ ન હોતો બોલતો ? પણ લોકોએ મારો ગુનો ગણ્યો હશે ? 'આ દાદા શું બોલ્યા ? આવું બોલાતું હશે ?' એવું કોઈ કરતા હશે ?

પ્રશ્નકર્તા : ના, કોઈ નહીં.

દાદાશ્રી : શબ્દો આ જે બોલાય છે ને, તે બહુ જોર કરે, કૈડશે રાતે. પાછા વીતરાગતાથી શબ્દો આપેલા. ખોટું લાગે નહીં, રીસ ચઢે નહીં. તમે કોઈને 'અક્કલ વગરનો છું' કહેશો, તો એ પંદર વર્ષ સુધી તમારી જોડે બોલશે નહીં. માટે વીતરાગતા લાવો.

બીજાને કંઈ કહેવાય જ નહીં ને ! અને કહે તો તે સાંભળે નહીં ને ! વીતરાગતાથી કહેવાય. વીતરાગ વચન એટલે સામાવાળીયાનેય પણ સ્વીકાર્ય હોય. એટલું વચનબળ ! સામાવાળીયો હોય તોય સ્વીકાર્ય હોય અને તો જ માણસ ફરે, નહીં તો ફરે નહીં ને ! માણસ ફેરવવો મુશ્કેલ છે. (માણસની) પ્રકૃતિ ફેરવવી બહુ મુશ્કેલ.

પ્રશ્નકર્તા : પણ નવેનવા આપની પાસે આવે તો ખારું લાગે જરા. દાદાનું જેને બહુ ફીટ ના થયું હોય કે દાદા પ્રત્યે જરા થોડું એ હોય, તેને દાદા બહુ કડક લાગે.

દાદાશ્રી : અરે, બહુ કડક લાગે ! અમથો બેઠો હોય ને તોય તાપ લાગે.

ડફોળ કહેતાં, ગઈ ડફોળાઈ

એકવાર અમારાથી એવું નીકળી ગયેલું. તે એક ભાઈને 'ડફોળ છું' એમ બોલાયું, તે પછી એણે મને કહ્યું, 'દાદા, મને તો બહુ ફાયદો થઈ ગયો. દાદાજી, હવે બીજું કંઈક બોલો.' ત્યારે મેં કહ્યું, 'ના, એ મારાથી ના બોલાય.' એ પછી લોભ કરવા ગયો. એની ડફોળાઈ નીકળી ગયા પછી. મારે બીજું કરવાનું હોય કે ના હોય ? અને તું કહે કે 'મને બીજું બોલો.' તો કંઈ હું નવરો છું ? એ તો તારી પુણ્યૈ હતી, તેથી એ શબ્દ નીકળી ગયો, નહીં તો નીકળે નહીં. અમારે મોઢે ખરાબ શબ્દ કેમ કરીને હોય ? અમારી ભાષામાં કોઈને એવો ભારે ખરાબ શબ્દ ના હોય.

ઠપકો પણ તિરસ્કાર નહીં

પ્રશ્નકર્તા : દાદા, આપ ઘણી વાર મૂઆ શબ્દ વાપરો છો ત્યારે તે ઘણો અર્થપૂર્ણ હોય એમ લાગે છે.

દાદાશ્રી : હા, આ અમારા 'મૂઆ' શબ્દનો ગૂઢ અર્થ છે. એમાં ઠપકો ખરો પણ તિરસ્કાર નહીં. બહુ ઊંડો શબ્દ છે. અમારી ગ્રામીણ ભાષા છે છતાં પાવરફુલ છે ! એક-એક વાક્યે વિચાર કરતો થઈ જાય તેમ છે. કારણ કે આ તો જ્ઞાનીની હ્રદયસ્પર્શી વાણી છે, સાક્ષાત્ સરસ્વતી !

વાણી સામાના વ્યવહારાધીન

આ તો જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે, 'તમે મને કેમ નથી વઢતા ?' તો હું કહું કે, 'તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વધારે વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા.' અમારે 'જ્ઞાની પુરુષ'ને કઠણ વાણી જ ના હોય. અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઇએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઇ પણ પ્રકારની કામના નથી, કોઇ ઇચ્છા નથી, કોઇ પણ પ્રકારના રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં કોઇ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય ? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે! કવિ શું કહે છે કે,

'મૂઆ જેને કહે એ તો અજર-અમર તપે;

ગાળ્યું જેણે ખાધી એનાં પૂરવનાં પાપોને વીંધે.'

કોઇ કહેશે, 'આ ભાઇને દાદા કેમ કઠણ શબ્દ કહે છે ?' એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યા હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે.

કડક શબ્દો, વીતરાગતાથી

પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજા જ્યારે તીર્થંકર ભગવાન પાસે જાય ત્યારે એવી કેવી વાણી નીકળતી હશે કે ચક્રવર્તીના માન ગળાઈ જાય ?

દાદાશ્રી : હા, માન ગળાઈ જાય. ભગવાનની વાણી તો બહુ સુંદર ને ! ભગવાનની વાણીને કેમ પહોંચી વળાય ?

પ્રશ્નકર્તા : અહીયાંય ભલભલાનાં માન ગળાઈ જ જાય છે ને !

દાદાશ્રી : હા, બધાનાં માન ગળાઈ જાય.

પ્રશ્નકર્તા : અહીં પેલા ભાઈ આવ્યા હતા. પહેલા કહે છે, હું પગે ના લાગું પણ છેવટે પગે લાગીને ગયા.

દાદાશ્રી : અને પગે અડીને ગયા ને ઉપરથી પાછું બિરુદ આપતા ગયા, દ્વન્દ્વાતીત.

આ અમારી ટેપરેકર્ડ (વાણી) તો સાંધા તોડી નાખે ! એ તો ઘણાં ફેરો નીકળે છે તે ખૂબ જબરજસ્ત નીકળે છે અને લોકોના રોગોય સપાટાબંધ નીકળી જાયને પાછાં ! એક શબ્દથી કેટલાય જણના રોગ જતા રહે !

ઝાપટ્યા પછી પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યાં પેલા શેઠિયાને ખંખેર્યા હતા. તે વખતે બહુ કડક વાણી નીકળી હતી, તો એનું તમારે શું કરવું પડે ?

દાદાશ્રી : તેય અમારે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે. આપણને એવું બોલવાનો અધિકાર નથી.

પ્રશ્નકર્તા : તો દાદા, જ્ઞાની પુરુષ પેલાને ખંખેરતા હોય ને બીજી બાજુ પ્રતિક્રમણ ઓન ધી સ્પોટ (તરત જ) થતાં હોય ને ?

દાદાશ્રી : તરત ના થાય, બે મિનિટ પછી થાય. ચાલુમાં થાય તો ખંખેરવાનું ના થાય. ચાલુમાં પ્રતિક્રમણ થાય તો ખંખેરવાનું બંધ થઈ જાય. આગળ સિગ્નલ બંધ પડી જાય. પડદો પડી જાય ઊલટો. એ પડદો ના પડવા દઈએ. આખો ખેલ પૂરો કરીએ.

અમે કોઈ માણસ આખા સત્સંગને હેરાન કરતો હોય, તો અમે કહીએ કે 'એય નાલાયક, અહીં નહીં ચાલે તારું.' અહીં સત્સંગની હેરાનગતિને કાપવા માટે અમે આમ વીતરાગતાથી બોલીએ. તોય પછી મહીં તો, 'નાલાયક છે, બહુ જ ખરાબ માણસ છે, એ આમ છે ને તેમ છે' ને બધું તોફાન મહીં ઊભું થાય. એટલે અમે કહીએ કે 'એ ઉપકારી છે', તો ચૂપ. આપણે પહેલાં કહ્યું ને, આપણે જાતે કોઈને ખરાબ કહીએને, એટલે એને જોઈતું હોય, પછી મૂઆ કૂતરાં (જડ ભાવો) ભસાભસ કર્યા કરે. કારણ કે મહીં બધી બાજુનાં કૂતરાં હોય. જગત આખું તેમાં જ મૂંઝાયું છે ને, જડભાવોમાં ! પોતે ચેતન ને જડ ભાવમાં જગત મૂંઝાયેલું છે. તે એમાંથી આપણે મુક્ત કરીએ છીએને !

શબ્દો પાછળ કરુણા જ વહી

આ તો વીતરાગ માર્ગ કહેવાય. બહુ જ જોખમદારીવાળો માર્ગ ! એક શબ્દ પણ બોલવો બહુ જોખમદારીવાળી વસ્તુ છે.

તેથી મારે કહેવું પડ્યું કે ફક્ત સ્વાધ્યાય કરવાનો અધિકાર છે, ઉપદેશ આપવાનો અધિકાર છે નહીં. છતાં જો ઉપદેશ આપશો તો, આ ઉપદેશ કષાયસહિત હોવાથી નર્કે જશો. સાંભળનાર નર્કે નહીં જાય. મારે જ્ઞાની થઈને કડક શબ્દો બોલવા પડે છે, એની પાછળ કેટલી કરુણા હશે ! જ્ઞાનીને કડક થવાની શી જરૂર ? જેને અહર્નિષ પરમાનંદ, અહર્નિષ મોક્ષ વર્તે છે, એને કડક થવાની જરૂર શું હોય ? પણ આવું કડક બોલવું પડે છે કે 'ચેતતા રહેજો, સ્વાધ્યાય કરજો.' લોકોને એવું કહેવાય કે 'હું સ્વાધ્યાય કરું છું, તમે સાંભળો.' પણ કષાયસહિત ઉપદેશ ના અપાય.

અત્યારે ઉપદેશકોને તો બહુ જોખમદારી છે. પણ લોકો સમજતા નથી, જાણતા નથી, તેથી આ ઉપદેશ આપે છે. હવે તમે ઉપદેશક છો કે નહીં, તે તમારી જાતને તપાસી જુઓ. કારણ કે ઉપદેશક આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી મુક્ત હોવો જોઈએ. શુક્લધ્યાન ના થયું હોય તોય વાંધો નથી, કેમ કે ધર્મધ્યાનની વિશેષતા વર્તે છે. પણ પેલા બે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરતાં હોય, તો જોખમદારી પોતાની છે ને ! ભગવાને કહેલું છે કે જો ક્રોધ-માન-માયા-લોભ તમારી પાસે સિલ્લક હોય, ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં.

વિચાર્યા વિના જ વાણી વહી

આ જે બોલાય છે ને, તે બહુ જવાબદારીવાળા વાક્યો છે ! આ વર્લ્ડ ભૂલ ના કાઢી શકે એવાં વાક્ય બોલાય છે. આ તો બધાં શાસ્ત્રો રચાય છે. એક શબ્દ એમ ને એમ ગયો નથી, તો આ જેટલા શબ્દ બોલાય છે એ શું વિચારીને બોલાય છે ?

એક બેન કહે છે કે, 'આ દાદા જે બોલે છે તે, હી થિંક્સ ટુ મચ બીફોર હી સ્પીકસ્'. ત્યારે મેં એને કહ્યું કે, 'મારી વાણીની આટલી કદર કરનાર તું જ નીકળી. બીજું કોઈ નીકળ્યું નહીં.' એ બેનના મનમાં એમ થયું કે 'આ વાણી આટલી બધી સ્પીડી અને આવી અવિરોધાભાસ શી રીતે નીકળે ? એટલે વિચાર્યા વગર આટલું બધું નીકળે નહીં.' ત્યારે મેં કહ્યું, 'તારી વાતની નોંધ કરી. બાકી, ખરેખર અમે તો વિચારતા જ નથી ને ! હું વિચાર્યા વગર જ બોલું છું.' ત્યારે એ કહે છે, 'અરે, એવું કંઈ દુનિયામાં બનતું હશે ? આટલું બધું સરસ બોલો છો, ભૂલ વગરનું ! તમે ખૂબ વિચારો છો ને પછી બોલો છો.' મેં કહ્યું, 'ના, બિલકુલેય વિચારતો નથી ને બોલું છું, તેથી આવું નીકળે છે. અમારે વિચારવાનું હોય નહીં. વિચારવાળો તો હંમેશાં ગૂંચાયેલો જ હોય.' આ તો હંુ કંઈ વિચારીને બોલતો હતો ? ના. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરતી હતી. વિચારીને બોલું તો 'કરવું હતું' તેને બદલે 'કરવી હતી' થઈ જાય, ને પાછું એને સુધારવાનું. તમને આ સમજ પડે ?

વિચાર તો પહેલાં થઈ ગયેલા. પૂર્વભવમાં હિસાબ-બિસાબ, વિચાર-બિચાર બધું થઈને આ ગોઠવાયેલું છે.

ત્રિકાળ સત્ય અહો ! આ જ્ઞાનવાણી !!!

અમારા 'જ્ઞાની'ના પ્રયોગ કેવા હોય કે હરેક ક્રિયાને 'અમે' 'જોઈએ'. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ! આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે 'શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં !' આ એકે એક શબ્દ અમારી જવાબદારી પર બોલીએ છીએ. ત્રિકાળ સત્ય હોય એવું અમારું વાક્ય છે. એટલે જ તો આ બધું ટેપમાં ઊતર્યું છે. એમાંથી આ બધી ચોપડીઓ લખાઈ છે. જોઈ, અનુભવી ને પછી આ વાણી નીકળી છે અને તો જ માણસ સર્વ દુઃખથી મુક્ત થાયને !

અમે વીસ વર્ષ ઉપર બોલ્યા હોઈએ, તેના એકે એક શબ્દનું એકસ્પ્લેનેશન આપવા આજે તૈયાર હોઈએ. અમે જવાબદાર છીએ. છતાંય પણ અમને કેવળજ્ઞાન નથી. અમારું કેવળજ્ઞાન ચાર ડિગ્રી ઊણું છે !

મારી જોડે રહીને ઘણાં સાયન્ટિસ્ટો (વૈજ્ઞાનિકો), અમુક વિચારક માણસો મને પૂછે છે કે 'તમે આ બધું ક્યાંથી બોલો છો ?' મેં કહ્યું, 'આ હું નજરે જોઈને બોલું છું. પુસ્તકનું વાંચેલું બોલતો નથી. હું પુસ્તકના જવાબ નથી આપતો. મારો એક શબ્દેય પુસ્તકનો નથી.' કોઈ પુસ્તકનો આધાર નથી. આ તદ્દન સાચી વાત છે. આ હું જેટલી વાત બોલું છું, એ બધી અપૂર્વ વાત છે. જ્ઞાન તેનું તે જ છે, જ્ઞાનમાં ફેર નથી, પ્રકાશમાં ફેર નથી, વાસ્તવિક સમજાવવામાં ફેર છે. આ વાત માણસને એક્ઝેક્ટ સમજાઈ જાય કે જગતની બાજી આવી છે.

અજાયબી, દાદાવાણીની

પ્રશ્નકર્તા : હા, બરોબર છે. પણ ઘણીવાર દાદા આપના એક્ઝેક્ટ શબ્દો નીકળે છે. જે ગીતામાં લખ્યા હોય કે ભાગવત્માં લખ્યા હોય, એ બરોબર નીકળે છે.

દાદાશ્રી : હા, એક્ઝેક્ટ જ નીકળે.

પ્રશ્નકર્તા : તે વખતે એમ થાય કે તમે ક્યારે વાંચવા ગયા હતા ? કોઈ મને કહે કે દાદાએ વાંચ્યું'તું તો હું માનું નહીં.

દાદાશ્રી : ના, ના, એવું નહીં, બરોબર છે. અને વાંચેલામાં આ વાણી હોયેય નહીં. આ વાણી તો કરેક્ટ વાણી !

પ્રશ્નકર્તા : નહીં, એમ નહીં. તમારું જે બેકગ્રાઉન્ડ, તમારો એ જે જમાનો, એમાં આ વસ્તુ હતી જ નહીં, અવકાશ જ ન હોતો.

દાદાશ્રી : ના, કશું કર્યા વગર થયું. આ તો આ વાણી પરથી લાખો પુસ્તકો ઊભાં થાય !

પ્રશ્નકર્તા : બરોબર છે, જે સ્વયંભૂ હોય છે ! એવી રીતે મેં જોયું, આ આખી જ્ઞાનવિધિને ચાર કલાક થાય છે. ચાર કલાક સતત આપણે જોઈએ છીએ. શિયાળો હોય, ચોમાસું હોય, ઊનાળો હોય, ૭૬ વર્ષની ઉંમરે દાદાને બીજો કોઈ ડીસ્ટર્બન્સ (અવરોધ) નથી આવતો.

દાદાશ્રી : એ નોંધપાત્ર વસ્તુ છે. ત્યારે જ લોકોનું કલ્યાણ થાય ને ! નહીં તો કલ્યાણ થાય નહીં ને !

પ્રશ્નકર્તા : અને આપની જે વાણી છે, એ અનુભવજન્ય છે. તો તે સામાને પછી કયા લેવલે સ્પર્શ કરે ?

દાદાશ્રી : આ સામાને એટલે આપણું જ્ઞાન લીધેલું હોય તેને તો એડજસ્ટ જ થઈ જાય અને પેલાનેય (જ્ઞાન ન લીધું હોય તેને પણ) ઠંડક તો બહુ વળે, કે વાત સાચી છે. કારણ કે એની પાસે આત્મા છે ને.

પ્રશ્નકર્તા : એ મૂળને સ્પર્શે છે અને જગાડે છે ત્યાંથી ?

દાદાશ્રી : સ્પર્શ્યા વગર રહે નહીં. તેથી લોકો હજુ જ્ઞાન લીધા વગર પુસ્તક લઈ જાય છે ને ! 'બહુ અદ્ભૂત, અદ્ભૂત' બોલે છે. શું આ વાત છે ! ત્યારે કહે, વાણી સ્પર્શી એને. ત્યાર વગર વાત અદ્ભૂત બોલે શી રીતે ?

પ્રશ્નકર્તા : ના બોલાય, દાદા. મને ખુદને જ એ અનુભવ થયો'તો.

દાદાશ્રી : હા, બરોબર છે. અને તમે તો લેખકો, સાહિત્યકારો કહેવાઓ. તમને આવો અનુભવ થાય ત્યારે બીજા લોકોને કેવો થતો હશે ! અણસમજુ હોય ને, તેને વધારે થાય ઊલટો. ડખો નહીં ને !

પ્રશ્નકર્તા : હા, હા, બરાબર છે. અમે તો ડખો કરીએ અંદર.

દાદાશ્રી : હા, તમે તો ડખો કરો. પેલા તો અણસમજુ, ડખો કરે જ નહીં ને ! એને વધારે ઠંડક વળી જાય. જ્યારે તમે ડખામાં આટલું બધું શોધખોળ કરી કે, 'અમને આવો અનુભવ થયો છે !' ત્યારે એ વસ્તુમાં કેટલું તથ્ય હશે ! આ બધું તદ્દન સ્વતંત્ર, મૌલિક, પ્યૉર છે.

પ્રશ્નકર્તા : આ ચાલુ રૂઢી નથી.

દાદાશ્રી : ના, ના. આ અમારો એકેએક શબ્દ મોક્ષે લઈ જશે. આ અનુભવ વાણી છે. પ્રેક્ટિકલ વાણી છે આ. પેલી જે વાણી છે તે 'આમ કરો' એમ કહે છે, એ જ્ઞાન છે. જ્ઞાનથી બીજી વસ્તુ દેખાડે છે એ. અને આ તો મને જે વર્ત્યું, એ કહું છું આ. એટલે સ્વાદ સાથે આવે. એને અનુભૂતિ કહેવાય.

સીંચ્યું, ઉપરથી ઊતરી નીચે

પ્રશ્નકર્તા : દાદાને જે જ્ઞાન થયું છે, એ આખી વસ્તુ આમ ઝીણામાં ઝીણી રીતે વિચાર કરીએ તો પણ એક્ઝેક્ટ પકડાતી નથી.

દાદાશ્રી : એ પકડાય નહીં એટલું બધું ટોપ ઉપર આ જ્ઞાન છે. આ નીચે ઉતરીને વાત કરીએ ત્યારે આ લોકોને આટલી સમજણ પડે છે. તોય હજુ પૂરેપૂરી સમજણ પડતી નથી. ટોપ ઉપરની વાત કહું તો તો અક્ષરેય ના સમજણ પડે.

પ્રશ્નકર્તા : એ તો આપની પાસે આવ્યો ત્યારથી જ ખબર પડી કે બહાર બીજા બધાને જો વાત સમજવી હોય તો જ્ઞાનીના લેવલ સુધી જવું પડે. અને આપની પાસે તો જે માણસ જે લેવલ પર હોય, તે લેવલ પર આવીને આપ વાતની સમજણ પાડો છો.

દાદાશ્રી : હા, તે લેવલ પર આવીએ, નહીં તો માણસ ફ્રેકચર થઈ જાય ને ! અમારી વાણી સમજી ના શકે ને, કોઈ ! અમારી સીધી વાણી સમજી શકે નહીં ને ! આ તો અમે કાઉન્ટર પુલીઓ રાખીને પછી નીચે ઉતરીએ.

પ્રગટ્યા ફોડ, કેવળજ્ઞાન સુધીના

પ્રશ્નકર્તા : દાદા, તમને અમે પ્રશ્નો પૂછીએ છીએ, તેના જવાબ સચોટ ને તત્ક્ષણ આપો છો, પણ તે કોઇ શાસ્ત્રના આધારનું નથી હોતા. તો તે તમે ક્યાંથી જવાબ આપો છો ?

દાદાશ્રી : હું વિચારીને કે વાંચેલું નથી બોલતો, કેવળજ્ઞાનમાં આમ જોઇને બોલું છું. આ તમે સાંભળી રહ્યા છો, જોઇ રહ્યા છો તે કેવળજ્ઞાનનો પ્રકાશ છે. આ બધી વાણી કેવળજ્ઞાનમય છે. કેવળજ્ઞાનનાં અમુક જ જ્ઞેયો અમને દેખાતાં ના હોય. આ તો દુષમકાળનું કેવળજ્ઞાન છે !

અજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીના બધા જ ફોડ નીકળ્યા છે ! કોઇ શાસ્ત્રમાં જડશે નહીં એવી અપૂર્વ વાતો છે. આ બહુ ઝીણી વાતો છે, આ સ્થૂળ નથી. સ્થૂળ વટાવ્યું, સૂક્ષ્મ વટાવ્યું, સૂક્ષ્મતર વટાવ્યું અને આ સૂક્ષ્મતમની વાત છે. માટે કામ કાઢી લો. પ્રત્યક્ષ સાંભળેલું હોય તેને શબ્દ ઊગ્યા વગર રહે નહીં. આ શબ્દો એકેય નકામા જવાના નથી. જેની જેટલી શક્તિ એને એટલું પાચન થઇ જવાનું. આ કેવળજ્ઞાનમય વાણી છે. જ્યાં બુદ્ધિ 'એન્ડ'ને (અંતને) પામે, મતિજ્ઞાન 'એન્ડ'ને પામે, ત્યાં કેવળજ્ઞાન ઊભું રહ્યું છે. એ પ્રકાશ કેવળજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે.

આત્મજ્ઞાન ત્યાં મુનિપણું

આ અમારી આખો દહાડો રેકર્ડ ચાલે પણ છતાંય અમે મૌન છીએ. આત્માર્થ સિવાય બીજા કોઈ અર્થે અમારી વાણી ના હોય. એવું મૌન પાળે તે મુનિ ! બહારનું મૌન પાળે ને મહીં અજંપો રહ્યા કરે છે, તેને મુનિ શી રીતે કહેવાય ? અમે મહામુનિ છીએ ! સંપૂર્ણ મૌન છીએ ! આને પરમાર્થ મૌન કહેવાય છે.

આત્માર્થે બોલે તે મૌન

પ્રશ્નકર્તા : એવું માનવામાં આવે છે કે 'મૌન રાખવું સુવર્ણ છે' અને 'બોલવું' એ શક્તિનો વ્યય થાય છે.

દાદાશ્રી : આ ૭૯મું વર્ષ મને બેસવાનું થયું ત્યારે હું દરરોજેય દસ કલાક બોલું છું. દિવાળીને દહાડે વધારે બોલું છું છતાં આ મૌન કહેવાય છે.

પ્રશ્નકર્તા : એટલે વાણીનો વધુ પડતો ઉપયોગ કરવાથી સર્વાંશ મટીને અંશ થઈ જવાય છે.

દાદાશ્રી : વાણીને આ અનુભવીઓએ, શાસ્ત્રકારો કે જે અનુભવી કહેવાય, એમણે શું કહ્યું, 'આત્માના હેતુ માટે જે બોલાય, તેને મૌન કહ્યું.' અને લોકો આ વાણીને મૌન કહે છે. પણ 'બીજાં કંઈ પણ સંકેત ચાલુ છે, ત્યાં સુધી મૌન નથી.' એમ ભગવાને કહ્યું. બધા અનેક જાતના સંકેત કરે છે ને, એને મૌન ના કહેવાય. આ દાદા આખો દહાડો બોલે તે એને મૌન કહ્યું છે. શાથી એમ ? કારણ કે એમાં સંસારી વાત નથી હોતી. સંસારલક્ષી વાત નથી હોતી. આત્મલક્ષી વાત હોય છે. જે વાતો સંસારને અંગે હોય, તેય પણ છેવટે આત્મલક્ષી હોય છે. માટે એને મૌન કહ્યું. ભગવાને તો અમે બોલ બોલ કરીએ તોય આ વાણીનો સંયમ કહ્યો. અમે બોલીએ તોય મૌન ! ભગવાને શું કહ્યું કે જ્યાં સંસારી વાણી નથી, આત્મા-પરમાત્માની વાણી છે, એને મૌન કહેવું. સંસારી વાણીને વાણી કહેવી. ત્યારે ભગવાન ડાહ્યા હશે કે ગાંડા હશે ? કેવા ડાહ્યા છે ! મહીં આત્મા-પરમાત્મા સિવાય સંસારની વાણી જ ના હોય. એટલે અમે બધું બોલીએ, એ બધું મૌનમાં જાય.

સંસાર હેતુ માટે મૌન લીધું હોય તોય કહે છે કે મૌન નથી, અમૌન છે. આત્મહેતુ માટે ચોવીસેય કલાક બોલે, જે કંઈ પણ બોલે તો એ સંપૂર્ણ મૌન છે. આત્માસંબંધી વાણી બોલવી, એને શાસ્ત્રકારોએ મૌન શાથી કહ્યું ? કે એની દેહ પર અસર જ પડતી નથી. અમે આખો દહાડો બોલીએને, તે દેહ પર અસર પડતી હોય તો ખલાસ કરી નાખે.

સ્વ-પર હિતકારી

પ્રશ્નકર્તા : આત્માની વાતચીત એક અડતાલીસ મીનીટ થઈ જાય તો પછી માણસ હળવો ફૂલ જેવો લાગે.

દાદાશ્રી : પેલામાં તો બહુ શક્તિ વપરાઈ જાય. સંસારી વાણીમાં તો એકદમ શક્તિ ડિસ્ચાર્જ થયા કરે. અને આ શક્તિ ડિસ્ચાર્જ ના કરે અને શરીરનેય અસર ના થાય. કારણ કે આમાં એ પોતાના અંગત સ્વાર્થને માટે હોતી નથી અને સ્વ-પર હિતકારી હોય. આત્મજ્ઞાની પાસે બધી વાત સ્વ-પર હિતકારી હોય. સ્વનું હિત તો કરે જ, પણ પરનુંય હિત કરે.

જ્ઞાનવાણી, 'જ્ઞાનાર્ક' રૂપે

પ્રશ્નકર્તા : મને પ્રશ્ન એ થાય છે કે કેટલાક લોકો પ્રવચન કરે છે, ઉપદેશ આપે છે, ત્યારે આત્મા ઉપરનો એમનો ઉપદેશ હોય અને આપ પણ આત્મા પર વાત કરો છો. એટલે એ ઉપદેશ અને આપના ઉપદેશમાં શું ફરક છે ?

દાદાશ્રી : અમારો આ અનુભવનો ઉપદેશ છે. આ ઉપદેશ જે છે, તે ક્રિયાકારી છે. ક્રિયાકારી એટલે જે સાંભળો છો, તે ક્રિયા અમલમાં આવે. અને બીજા કોઈનો ઉપદેશ ક્રિયા અમલમાં ના આવે. આ ક્રિયાકારી જ્ઞાન છે, એને ભગવાને 'જ્ઞાન' કહ્યું. અને જે ક્રિયાકારી જ્ઞાન ના હોય, એ જ્ઞાનને ભગવાને 'શુષ્ક જ્ઞાન' કહ્યું.

એ જે પ્રવચન છે, એ ધર્મ કહેવાય અને સંતની વાણી એ ધર્મનો મર્મ કહેવાય. એવો સો ટકા મર્મ થાય ત્યારે જ્ઞાનાર્ક નીકળવાનો શરૂ થાય. તે આપણો આ જ્ઞાનાર્ક છે. એથી આગળ કશું જાણવાનું બાકી ના હોય તે.

એ તો હું આ જે વાણી બોલું ને, તે હું ટોપ ઉપરનું બોલું છું. આ હકીકત ક્યાંની ? ટોપ ઉપરની છે આ. નીચેવાળા પૂછે કે શું છે ઉપર ? મારે નીચે ખબર આપવી હોય તો હું ઉપર રહીને બોલું તો સમજાય નહીં. એટલે મારે નીચે આવીને બોલવું પડે. એમની ભાષામાં બોલવું પડે.

જ્ઞાનીવાણી જ આધારી

પ્રશ્નકર્તા : મને અહોભાવ થયેલો કે આ એક જ એવા જ્ઞાનીપુરુષ છે, કે પ્રત્યેક વાક્યમાં આધાર છે. જ્યારે જગતમાં જે પણ સંતપુરુષો થઈ ગયા અથવા અત્યારે છે, એના વાક્યમાં કોઈ ઠેકાણે આધાર નથી.

દાદાશ્રી : અત્યારે કોઈ જગ્યાએ એકુંય વાક્યનો આધાર નથી. એ પોતે જ નિરાધાર છે. હું એને કહી દઉં કે તું પોતે જ નિરાધાર છે, તો તારા વાક્યનો શી રીતે આધાર હોય ? એ મને પૂછે કે હું નિરાધાર શી રીતે ? તો હું એને સમજણ પાડી દઉં. એને વળી આધાર શો ? હમણે બે-ચાર ધોલો મારીને પાંચ-સાત ગાળો ભાંડી કે મૂઆ આવી ગયો તારો કિનારો ! પછી ફૂટ્યા વગર રહે કે દીવાસળી ચાંપવી પડે ?

પ્રશ્નકર્તા : ફટાફટ ફૂટે.

અજાયબ વાણી આ કાળની

પ્રશ્નકર્તા : આપ બોલો છો, એ વખતે આવાં જે વાક્યો નીકળી આવે છે, તે વખતે અમે જ્ઞાનીની મુખમુદ્રા જ જોઈએ છીએ....

દાદાશ્રી : તે ઘડીએ દર્શન કરવા. 'આમ' (બે હાથ જોડીને) કરી લેવું એ પૂર્ણ સ્થિતિ ! વાક્ય નીકળેને, તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટારૂપે નીકળે. નીકળ્યા પછી પાછું જરા આઘુંપાછું થાય. ત્યારે એ પૂર્ણ સ્થિતિના દર્શનથી બે આની કાચું રહે.

એટલે અત્યારે સત્સંગ બહુ ઊંચો નીકળે, પહેલાં જેવો. કારણ કે નિર્મળ દેખાય ને ! અને કશીક વ્યવહારિક વાતચીત આવી કે નિર્મળમાં એ થઈ જાય, ઝાંખું દેખાય. એટલે જેવું જોઈએ એવું ફળ આપે નહીં. મને પોતાને મારો આનંદ ઓછો ના થાય પણ સામાને લાભ ના થાય. જેવો જોઈએ તેવો સામાને લાભ કરવો હોય તો અમને નિર્મળ રાખવા પડે. વ્યવહારથી આમ છેટા ને છેટા રાખવા પડે. તે તો કુદરતે છેટા રાખ્યા ને, ઘરથી છેટા રાખ્યા ને ! જો પગે ફ્રેકચર કરીને કુદરતે છેટા રાખ્યા ને !

એ તો શબ્દ જ નીકળે પછી, ઠેઠની વાણી નીકળે. વાણી બહુ ઊંચી જાતની નીકળી છે. આ બધી અત્યારે જે વાણી નીકળી છે, તે ગજબની વાણી નીકળી છે. એક-એક વાક્યમાં તો કેટલાંય લોકોનાં કામ થઈ જાય તેવી !

સરખામણી ન થાય એની કદી

પ્રશ્નકર્તા : દાદા, આ તમારી કરુણા જોઈ અમને થાય કે બસ અહીં જ હવે અનન્યપણું કરી લેવા જેવું છે.

દાદાશ્રી : અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી, અંદર ઊંડા ઊતરી જવું જોઈએ. બીજાની જોડે સરખામણી પણ ન કરવી જોઈએ. સરખામણી કરવાની સહેલી નથી.

એક માણસ અહીં આગળ આવ્યો, તે સાવ સોનાની જણસ લાવ્યો અને બીજો માણસ છે તે રોલ્ડ ગોલ્ડની જણસ લાવ્યો, એ બેઉને સરખું કહે. તો જાણકાર માણસ એને શું કહે ? સરખું દેખાય ખરું બધું, સરખું અનુભવાય ખરું, પણ એમાં કશું વળે નહીં. અને એટલી બધી હદે કાઢતા આવડે નહીં. માણસનું ગજું નહીં. આ દાદાની વાણી જોડે સરખામણી કરવાની શક્તિ કોને છે ? એક પણ માણસ ખોળી લાવો, જેને આ શક્તિ હોય ! આ તો પ્રત્યક્ષ સરસ્વતી છે ! એની શી રીતે સરખામણી કરાય ? આ તો હું જાતે કહું છું. એટલે આ વાણી મારી નથી, ટેપરેકર્ડની વાણી છે. હું એને સરસ્વતી કહું છું. પણ એની સાથે કોઈના એક વાક્યની સરખામણી વર્લ્ડમાં કોઈ જગ્યાએ ના થાય. આ તો અજાયબ વાણી છે.

અહીં એક શબ્દ તોલવા જેવો નથી. તોલે તેની બુદ્ધિ મપાઈ જાય. 'આ પેલા જેવો જ છે,' એ જ તોલ કર્યો કહેવાય ! બાકી શબ્દો તો એમાંના જ હોય. શબ્દ કંઈ બીજી જગ્યાએથી લાવવાના છે ? પણ આ શબ્દ ચેતન શબ્દ છે. દુનિયામાં ચેતન શબ્દ હોય નહીં. આ શબ્દ મરેલાને જીવતો કરે ! એટલે આ એક શબ્દ કોઈની જોડે સરખામણી કરવા જેવો નથી. માટે સરખામણી ના કરશો. પણ હવે આ રોલ્ડગોલ્ડ ને પ્યોર ગોલ્ડ એવું સમજે નહીં ત્યાં સુધી એની જોડે વઢંવઢા તો ના જ કરાય ને ?!

'અક્રમ જ્ઞાની', જીવતું ઉપનિષદ

પ્રશ્નકર્તા : ઉપનિષદની શ્રુતિ મેં વાંચેલી છે. ભગવદ્ગીતા પરની કોમેન્ટ્રી મેં વાંચેલી છે અને સાંખ્ય ભાષ્ય પણ મેં વાંચ્યા છે. પણ દાદાના સત્સંગમાં આવ્યા પછી એ ભાષ્ય પણ કોઈક કોઈક જગાએ ખોટા દેખાય છે. કારણ કે એમાં છે ને પોતાની રીતે જ અર્થ કરી લીધેલો છે.

દાદાશ્રી : એવું છે ને, સહુ સહુની બુદ્ધિથી લખાયેલું છે. આ તો ફ્રેશ જ્ઞાનીની વાણી સાંભળવી એ નવું શાસ્ત્ર કહેવાય.

અમે બોલતું ઉપનિષદ, જીવતું ઉપનિષદ કહેવાઈએ ! પેલું પુસ્તક કહેવાય. એટલે કયું ઉપનિષદ સાચું ? જીવતું ઉપનિષદ સાચું. એટલે અત્યારે અમારા શબ્દો જો સાચા માને તો એનો ઉકેલ આવશે અને પેલા શબ્દો બુદ્ધિથી લખેલા છે અને આ બુદ્ધિ વગરનાં શબ્દો છે.

જ્ઞાની હોય ને ત્યાં શાસ્ત્ર-પુસ્તકનું કશું અવલંબન લેવાય જ નહીં. એ શાસ્તા પુરુષનાં લખેલા છે, તે જ્ઞાની જાતે હાજર ના હોય તો વાંચવા માટે ચાલે. એમાં જ્ઞાન હોય નહીં. એ તો સ્થૂળ વસ્તુ છે. શબ્દો એ શું છે ? શબ્દો સ્થૂળ વસ્તુ છે. ત્યાં સૂક્ષ્મ ના હોય ને સૂક્ષ્મતરેય ના હોય ને સૂક્ષ્મતમેય ના હોય, કશુંય ના હોય. એ તો બધો સ્થૂળ ખોરાક છે. એટલે જ્યારે જ્ઞાની હોય ત્યારે શબ્દ કામ ના લાગે. ચાર વેદ હોય કે જૈનોનાં ચાર અનુયોગ હોય પણ કામ લાગે નહીં. જ્ઞાની એ બધાનાં, વેદના, અનુયોગના ઉપરી કહેવાય. એટલે બધું આ ત્યાં કામ લાગે નહીં. જ્ઞાની પુરુષના શબ્દો એકેએક એક્ઝેક્ટ હોય.

જ્ઞાની પુરુષની સહજ વાણી કહેવાય, દેશના કહેવાય, પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. સરસ્વતી હોય ત્યાં ભૂલ ના હોય. એટલે આ કોઈ શાસ્ત્રની વાત ના કહીએ, તેનું કારણ જ એ ને !

પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ જો હાજર હોય તો પછી સબ્સ્ટિટ્યૂટનો તે વખતે ઉપયોગ નહીં કરવો ?

દાદાશ્રી : ના, ઊલટું આપણે નુકસાન કરીએ છીએ ! એટલે જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ પુસ્તક-બુસ્તક કામ લાગે નહીં ! કોઈ એવું પુસ્તક નથી કે જે જ્ઞાની પુરુષ આગળ કામ લાગે ! જ્ઞાની પુરુષ તો પુસ્તકો સુધારવા માટે એમની વાણી હોય. આ તો બધાં પુસ્તકો રચેલાને તે 'સર્વજ્ઞનું કહેલું હું કહું છું' એવી રીતે લખેલા. એટલે એમાં ચાલે નહીં ને કશું. સર્વજ્ઞનું તો એક વાર કહેલું ધારણ કરવું મુશ્કેલ છે. ધારણ કરેલામાં પાછું એ કહે છે એ સમજવું મુશ્કેલ છે, તો લખનાર પાછો કેવી રીતે સમજ્યો હશે ?

એક ભાઈ મનુસ્મૃતિની વાત કરવા આવ્યા. મને કહે છે, 'મનુસ્મૃતિ તો જ્ઞાની પુરુષના વાક્ય જોડે સરખાવાય ને ?' મેં કહ્યું, 'તમને વાંચતા નથી આવડતું ? મનુસ્મૃતિનો અર્થ શું થાય કે મનુને યાદ રહ્યું એટલું આ છે.' એમાં કેટલું લખ્યું ? મનુને જેટલું યાદ રહ્યું, એનું નામ મનુસ્મૃતિ. આ તો કંઈ ખોરાક ન હોય તો આ બધો દુકાળમાં ખાવાનો ખોરાક, જ્યારે જ્ઞાની પુરુષ ના હોય ત્યારે.

પ્રશ્નકર્તા : આમાં તો આપે બધો ફોડ પાડી દીધો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષ હોય ત્યારે તો બધાં શાસ્ત્રો સુધારી લેવા જોઈએ. હવે અમારી પાસે શાસ્ત્રનો અર્થ કરાવવા માગે, શું થાય ? મને કહે, 'આનાં અર્થ કરો.' તો હું કહેત કે તમારી ભૂલ થાય છે, ના ચાલે. શાસ્ત્ર ચાલતું હશે કે ? શાસ્ત્ર તો શાસ્તા પુરુષોનાં લખેલા, અને આ તો જ્ઞાની પુરુષ એટલે શાસ્તા ઉપરી હોય. તીર્થંકરથી નીચા નંબર અને બધા શાસ્તાપુરુષનાં ઉપરી.

એટલે આમાં અહીં ભૂલ થવાનો સંભવ. પણ છતાં બીજાં લોકોને ઘણું હેલ્પકારક. કારણ કે એ બધાં તો મોટા પંડિતને ! પણ જ્યારે પ્રત્યક્ષ જ દીવો હોય, અજવાળું હોય ત્યારે મીણબત્તીઓ બાળીને શું કામ છે તે ! પ્રત્યક્ષ ના હોય ત્યારે આપણે મીણબત્તીની જરૂર પડે !

પ્રશ્નકર્તા : આ જે આપની વાણી નીકળે એમાં અમારાં ઘણાના, ભલભલાનાં અભિનિવેશો નીકળી જાય.

દાદાશ્રી : શું ?

પ્રશ્નકર્તા : કારણ કે આમ વારંવાર ગમે તેમ કરીએ છીએ, છતાં પાછું એ સોનેરી અક્ષરવાળું પુસ્તક વળી પાછું અમે વાંચવા બેસી જઈએ છીએ.

દાદાશ્રી : ના. એટલે આ મારે ક્યારે કહેવું પડ્યું ? આવું કંઈક હોય ત્યારે. નહીં તો એવું છે ને, પુસ્તકનું અપમાન કરવું તે ગુનો છે. પુસ્તકનું અપમાન કરવું એટલે શ્રુતજ્ઞાનનું અપમાન કરવા બરોબર છે. પણ અમુક ટાઈમે જો આવું ના કરીએ તો તમે અવળે રસ્તે ચાલ્યા જાવ.

તેથી મેં કહ્યું ને શાસ્ત્રોનું એક વાક્ય વાંચવાની જરૂર નથી. છતાં તમને ટેવ પડી હોય તો વાંચજો. નહીં તો વાંચવાનું હોતું હશે, જ્ઞાની પુરુષ મળ્યા પછી ? તમામ શાસ્ત્રો, તમામ વેદો, તમામ ઉપનિષદો, બધું આ પાંચ આજ્ઞામાં આવી જાય છે. આ વાત સમજાય એવી છે ને ?

પ્રશ્નકર્તા : હા, પાંચ આજ્ઞામાં બધું આવી જાય છે !

દાદાશ્રી : નહીં તો હું ના વાંચવાનું કહું ! આવાં સરસ વાક્યો, એક-એક વાણી કેવી ! પણ બોધરેશન કરીને શું કામ છે ? એ બધું પારાયણ થઈ ગયું, પૂરું થઈ ગયું અને આવી ગયું. આપણે રસ પી લીધો, પછી હવે રહ્યું મહીં ? આપણે જેનો રસ પી લઈએ, પછી આપણી પાસે કશું રહ્યું નહીં ને !

કપિલમુનિ ને એવાં બધાં મોટાં મોટાં મુનિઓ થઈ ગયેલા પણ ચોખ્ખા બધાં. મેં એમનાં શાસ્ત્રો વાંચેલા. કપિલમુનિએ ચોખ્ખું લખ્યું છે કે 'સર્વજ્ઞનું કહેલું હું કહું છું.' અને પછી (જવાબદારીમાંથી) છૂટી જાય. પોતે બોધરેશન ના લે, જવાબદારી ના લે, એ તો કહે, 'વચ્ચે હું તો લાવનારો છું.' એમની બહુ ઊંચી સ્થિતિ હતી પણ છતાં એ માથે લેતાં નથી. કારણ કે એ ભૂલચૂક થાય તો હું શું કરું ? આ તો નર્કે જવાની નિશાની. આ શબ્દ ચૂંથાય નહીં.

અમેય બોલીએ નહીં, મૌન રહીએ પણ શું થાય ? તમે અવળે રસ્તે ચાલ્યા જાવ અને આ અમને ગમે નહીં. ના બોલવું સારું લાગે. હવે આની પાછળ અમારે પ્રતિક્રમણ વિધિ કરવી પડે, પા કલાક અમે શ્રુતજ્ઞાન ઉપર ઘાત કર્યો, એટેક કર્યો તે વિધિ કરવી પડે. તમને અવળે રસ્તે નહીં જવા દેવા.

નિર્ભેળ સત્યવાણી આ

આપને આ વાત સમજાય છે ? મારી વાત ખરી નથી કરાવવી. આ તમને ખરી લાગે તો સ્વીકારજો. હું કોઈ વાત ખરી કરાવવા માંગતો જ નથી. આપને ઠીક લાગે તો સ્વીકારો ને ના સ્વીકારો તો એય મને વાંધો નથી. મારે તો કોઈ પણ સંજોગોમાં સત્ય બોલવું જોઈએ. નહીં તો આવું બધું જ આ લોકોએ ચલાવી દીધું છે ને !

પ્રશ્નકર્તા : પણ આ તો એમનો વ્યુ પોઈન્ટ છે ને ?

દાદાશ્રી : એ બરોબર છે. પણ આ સત્ય જો હું ઓપન નહીં કરું તો લોક તો આ સત્યને ઢાંકવા ફરે છે અને આ સત્ય કોઈ હિંમતભેર બોલી શકતો નથી. 'આ ખોટું છે' એવું લાગ્યું કે ના લાગ્યું ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : ખોટાનું જ્ઞાન થવું જોઈએ. એક ભાઈએ મને કહ્યું કે, 'આ ખોટું છે' એવું મને જ્ઞાન થઈ ગયું. મારે તો આટલું જ જોઈતું હતું. કારણ કે આ તો અદબદ રહે, શંકા રહે કે આયે થોડું સાચું છે ને આયે થોડું સાચું છે. ત્યાં સુધી તો આમાં કંઈ સ્વાદ નહીં કાઢો. 'આ ખોટું છે' એવું જ્ઞાનથી લાગવું જોઈએ, ત્યાર પછી સારું ચાલે.

એવું છે ને, આ કોઈ બોલે નહીં ને બધાય ચલાવે રાખે. મારા જેવા 'જ્ઞાની પુરુષ' ચોખ્ખું બોલી શકે અને જેમ છે તેમ અમારાથી બોલાય.

આપ્તવાણી, કેવી ક્રિયાકારી !

પ્રશ્નકર્તા : આપની 'આપ્તવાણી' વાંચતાં પરિણામ એટલું સરસ થાય છે કે વાંચ્યા જ કરીએ.

દાદાશ્રી : આ 'જ્ઞાની પુરુષ'ની વાણી છે ને પાછી તાજી છે. હમણાનાં પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. આમ કરતાં એમ ને એમ કોઈને સમકિત થઇ જાય ! કારણ કે આ વીતરાગી વાણી છે. રાગ-દ્વેષરહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. મોક્ષે જવા માટે વીતરાગ વાણી વગર બીજો કોઇ ઉપાય નથી.

ભગવાન મહાવીરની વાણી વીતરાગ હતી, તેની અસર આજ સુધી ચાલે છે. ૨૫૦૦ વર્ષ થયાં તોય તેની અસર થાય છે, તો 'જ્ઞાની પુરુષ'ની વાણીનીય અસર થાય, બે-ચાર પેઢી સુધી તો થાય જ.

પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતા વાંચતા 'દાદા' દેખાય છે !

દાદાશ્રી : હા... 'દાદા' દેખાય, એક્ઝેક્ટ 'દાદા' દેખાય. જ્યાં ઇચ્છા કરે ત્યાં 'દાદા' દેખાય એવા છે અને આપણું ફળ મળે એવું છે.

પ્રશ્નકર્તા : આપ્તવાણીના બધા ભાગ મેં વાંચ્યા. એમાં આખા પુસ્તકમાં ક્યાંય કોઇનું ખંડન કે ટીકા નથી !

દાદાશ્રી : એવું છેને, કે સમકિતી જીવ કોઇનોય વિરોધ ના કરે. એમનામાં ખંડન-મંડન ના હોય. શેને માટે ખંડન-મંડન ? શેને માટે વિરોધ? વિરોધ તો એક જાતનો અહંકાર છે, એ ગાંડો અહંકાર કહેવાય.

ધર્મ તો એનું નામ કહેવાય કે વિખવાદ ના હોય. અમૃતવાદ હોય એ ધર્મ. વિખ એટલે વિષ.

જગત કલ્યાણ અર્થે આ આપ્તવાણી

આ વાણી અઢાર હજાર વર્ષ સુધી હેલ્પ કરશે. મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલશે ત્યાં સુધી રહેશે.

આ આટલા હજારો પુસ્તકો આપ્તવાણીનાં બહાર પડ્યા છે ને તે ઉગશે, પચાસ વર્ષે, સો વર્ષે, ત્યારે હિન્દુસ્તાનની બધી જાહોજલાલી થશે. આનાં શબ્દ ઉપરથી બહુ મોટું 'એ' (વીતરાગ વિજ્ઞાન) જામશે. આ પુસ્તક તો જેમ જેમ લોકોના જાણવામાં આવશે ને તેમ તેમ એની કિંમત સમજાશે.

પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતી વખતે ઘણા લોકોને અનુભૂતિ થાય છે, એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિને કારણે છે કે આપના ગયા પછી પણ એ પ્રમાણે અનુભૂતિ રહેવાની ?

દાદાશ્રી : એ અનુભૂતિ પછી પણ રહેશે જ. કારણ કે પેલાં જે જ્ઞાન હતા એ ક્રમિક જ્ઞાન હતા. ને ક્રમિક જ્ઞાનમાં ચેતન ના હોય. અને આ વિજ્ઞાન છે. એટલે ચેતનવાળું હોય એટલે અનુભૂતિવાળા હોય. એટલે આ પુસ્તક વાંચે, તે એને દાદા આમ દેખાય, બીજું બધું દેખાય, દાદા બોલતા સંભળાય, પછી એને અનુભૂતિ થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું હોતું એમને પણ આપ્તવાણી વાંચીને એવો અનુભવ થાય છે.

દાદાશ્રી : હા. તોય એને અનુભવ થાય છે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે. વિજ્ઞાન સંપૂર્ણ છે, ફૂલ સ્ટોપ છે અને પેલું ક્રમિકનું એ જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન આપણે કરવું પડે. અને આ અક્રમ એ સમજવું પડે. આ સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય.

આ જ્ઞાની પુરુષના વચન છે, તે વચનબળેય કામ કરે અને એમાં હેતુ કામ કરે. આની પાછળ કરુણા યે કામ કરે. આ વચનની પાછળ અમારી કરુણા ઊભેલી છે ! કેવી કરુણા ? લેવાદેવા વગરની. કંઈ માન જોઈતું નથી, તાન જોઈતું નથી. તારી પાસે આ જગતની કોઈ ચીજ જોઈતી નથી. માટે શા હેતુથી છે ? કરુણા હેતુથી છે.

પ્રશ્નકર્તા : ત્યારે કરુણા તો પ્રયાસ વગર હોય ને ?

દાદાશ્રી : હા, મહેનત વગરની. એટલે એને બહુ લાભકારી થઈ પડે.

જગત જેમ છે એમ બધા ફોડ થયાં છે. બધાં ફોડ પડી જવા દો, એકવાર જેટલી વાણી નીકળી જાય ને, એટલી નીકળી જવા દો. લોકો પૂછતાં જશે ને નીકળતાં જશે. રોજ રોજ નીકળવા માંડે છે એ બધું છપાઈ જશે ને ! પછી એનું બધું તારણ કાઢી અને લોકો છે તે પાછાં ફરી જ્ઞાનનું સ્થાપન કરશે.

પ્રશ્નકર્તા : દાદાની આપ્તવાણી વાંચીએ છીએ ત્યારે પુષ્કળ શાંતિ ને બહુ સારું વર્તે છે પણ જ્યારે પછી મૂકી દઈએ છીએ ત્યારે પાછું બધું ફરી વળે છે.

દાદાશ્રી : એ તો જ્યાં સુધી આપ્તવાણી છે તે આપ્તવાણી સ્થૂળ શબ્દ છે. એ તો વાંચો તે વખતે શાંતિ થાય. એ પુસ્તક તો તમને એવું કહેવા માંગે છે કે આમાં વાંચ્યું છે એનો અર્થ કરીને ત્યાં મૂળ પુરુષ પાસે પહોંચી જાવ. તો ત્યાં તમે જે માંગશો એ આપશે. આ વર્લ્ડમાં તમે જે કંઈ પણ માંગો તે આપવા તૈયાર છું, કોઈપણ માણસને !

છેલ્લા સાયન્સની આ વાત

પ્રશ્નકર્તા : બહુ સુંદર વાત કરી. આપની વાણી જે નીકળે છેને, તે લાગે છે કે જાણે એકદમ છૂટા પાડવાની જ વાત હોય, છેલ્લા સાયન્સની વાત હોય.

દાદાશ્રી : હા, છેલ્લું.

પ્રશ્નકર્તા : અહંકારનું સ્થાન, ઉત્પતિ, કઈ રીતે છૂટું પાડવું, પ્રજ્ઞા શું કરે, હવે એથી આગળ દાદા બધા ફોડ પાડતા જાય છે.

દાદાશ્રી : સમજાઈ ગયું છેને ?

પ્રશ્નકર્તા : હા દાદા, તમે બહુ ચોખ્ખા ફોડ પાડી રહ્યા છો. દાદા, હવે ના સમજીએ તો અમારા જેવા મૂર્ખા કોઈ જગતમાં ના કહેવાય.

દાદાશ્રી : નહીં. પછી જડશે જ નહીં આ ! આવડા મોટા સમુદ્રમાં આ રત્ન ફરી જડશે નહીં, ખોવાઈ ગયું તો...

આ શબ્દો તો એના એ જ, પણ આ છેલ્લી વાત છે ! આ પદ્ધતિ ને રીત એક જ વાક્યમાં આવે એવું નથી. અને હું સમજી ગયો છું તે એકઝેક્ટ તે રીતે કહું છું, બેઠો બેઠો જોઈને. અને એ તમને સમજવા માટે કહું છું. અને આ તો જે જોઈ ગયો છું, તે હું તમને કહું છું. એટલે એ પોઈન્ટ સારાં સમજે છે પણ હજુ તો મહીં બહુ સમજવાનું બાકી છે, ઘણું બાકી છે.

- જય સચ્ચિદાનંદ