જ્ઞાનીની સમજણ, વ્યવસાય સંબંધી

સંપાદકીય

સંસારમાં સામાન્યતઃ એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે સાધુ-સન્યાસી કે જ્ઞાની સંસારથી વિમુક્ત થઈ કેવળ ધર્ર્મસંબંધી પ્રવૃત્તિમાં જ સંકળાયેલા હોય ! પણ આવા વ્યવહારિક સત્યમાંય ક્યાંક અપવાદ તો હોઈ શકે ને ! એવાં જ અપવાદ રૂપ આ કાળના આશ્વર્ય સમ અક્રમવિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન, એક બિઝનેસમેન (વ્યાપારી) તરીકે ગૃહસ્થ વેશે હોવા છતાં જ્ઞાની પુરુષ તરીકે પરિચય પ્રાપ્ત થયો તે કંઈ નાની સૂની વાત છે ?

કેવળ આત્મજ્ઞાની તરીકે જ નહીં પણ એક આદર્શ અને સફળ બિઝનેસમેન તરીકે પણ તેઓનંુ એક આગવંુ વ્યક્તિત્વ તેઓના જીવનમાં ઉપસી આવે છે અને તે ખરેખર પ્રશંસનીય છે. તેઓની નાનપણથી જ ભાવના હતી કે મારે કોઈ ઉપરી જોઈએ નહીં. તેઓને પરવશતા બિલકુલ પસંદ નહતી. સ્વતંત્રતાના ઉપાસક હતા. અને એટલે જ સ્વતંત્રપણે કોન્ટ્રાક્ટનો નગોડ ધંધો કરીને, લક્ષ્મી પ્રત્યેના મમત્વથી અલગ રહી પૂર્ણ વીતરાગતાને પામ્યા. અને એટલે જ તેઓ કહેતા, 'હંુ કંઈ પૈસા કમાવવા નથી બેઠો, હંુ તો આ જગતના ગુહ્ય રહસ્યોનો તાગ મેળવવા આવ્યો છું.' અને એ પ્રાપ્ત કરીને જ રહ્યા.

ધંધો કરતા કરતા વ્યવહાર પૂરતા ૫૦૦ રૂા. ઘરખર્ચ માટે લઈ તેઓની નિઃસ્પૃહતા દેખાડી તો, કુનેહપૂર્વક ધંધો કરી ક્યારેય ભાગીદાર જોડે મતભેદ ના થવા દીધા, શેઠ હોવા છતાં શેઠ ના થયા પણ અંડરહેન્ડને રક્ષણ આપી 'બાપા'નંુ બિરુદ પામ્યા, ચિંતા થવા દીધા વગર ખોટ વખતે સ્થિરતા રાખી. 'ફિકરોની ફાકી કરી' ધંધાકીય ખોટ વખતે સહજ સમાધાનનંુ જૂદું જ ગણિત પ્રગટ કર્યું, ધંધામાં નફો-ખોટ સંબંધી ક્યાંય કશું છૂપાવ્યંુ નહીં, સમજપૂર્વક રેસકોર્સથી દૂર રહ્યા, વિચક્ષણતા અને ઓર્ગેનાઈઝીંગ પાવરથી કેવો સફળતાપૂર્વક ધંધાકીય વ્યવહાર કર્યો, ખોટી લક્ષ્મીથી કેવી રીતે દૂર રહ્યા અને અકસ્માતે આવી તો કઈ સમજણથી તેની પકડમાંથી મુક્ત થયા, ઉઘરાણી બંધ કરી ઉધારીના વ્યવહારથી મુક્ત બન્યા, તો કેવી કળાપૂર્વક સમજીને છેતરાયા વગેરે વિશિષ્ટ ગુણો તેમના વ્યવહારમાં દ્ષ્ટિગોચર થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી સર્વેનો અહમ્ પોષી, સર્વેનો હિસાબ ચૂકતે કરી, ફાઈલોનો સમભાવે નિકાલ કરી છૂટી ગયા અને જગતને એક અભૂતપૂર્વ વિજ્ઞાન આપતા ગયા. જે આપણા માટે તેમજ ભાવિ માટે એક અમૂલ્ય સંભારણું બની રહેશે. તેમના અનુભવોનંુ તારણ ખરેખર અજોડ છે. જો આપણે તેનો તલસ્પર્શી અભ્યાસ કરીશું તો સમજાશે કે કેટલી આદર્શતાથી અને વીતરાગતાથી ધંધો કરી પોતાનું કામ તો કાઢી ગયા પણ અનેકોનો કલ્યાણ માટેના પથદર્શક પણ બની રહ્યા.

આવા કરુણામૂર્તિ દાદા ભગવાનની વિશિષ્ટ સમજણના રાહે નિશ્વિતપણે કદમ માંડી આપણે પણ આપણંુ જીવતર સાર્થક કરી લઈએ તે જ અભ્યર્થના.

દીપક દેસાઈ

જ્ઞાનીની સમજણ, વ્યવસાય સંબંધી

'અમારે ધંધા ઉપર બહુ પ્રીતિ નહીં, મૂળથી જ નહીં ! હું કંઈ પૈસા કમાવવા નથી બેઠો કે આ બધું (સંસારનું) કરવા નથી બેઠો. હું તો એ શોધખોળ કરવા આવ્યો છું, કે આ જગત શું છે ને કેવી રીતે ચાલે છે ? મેં બધી મારી શોધખોળ કરી નાખી. આમાં મારે પોષાય નહીં.'

ધંધો છતાં જ્ઞાની

પ્રશ્નકર્તા : આપશ્રી ભગવાન પ્રાપ્તિના માર્ગે વળી ગયા, સાથે આપ મોટા ધંધાથી પણ સંકળાયા છો, તો એ બન્ને શી રીતે સંભવે ? તે સમજાવો.

દાદાશ્રી : સારો પ્રશ્ન છે કે હસવું ને લોટ ફાકવો, એ બે શી રીતે બને ? આમ છે તે ધંધો કરો છો અને આમ છે તે ભગવાનના માર્ગે છો. આ બે શી રીતે બન્યું ? પણ બની શકે એમ છે. બહારનું જુદું ચાલે એવું છે ને અંદરનું જુદું ચાલે એવું છે. બે જુદા જ છે.

તે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો ભેગો થયો. સંસારમાં ધંધા-રોજગાર ને ઇન્કમટેક્સ વગેરે બધુંય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ, છતાં એમાં અમે સંપૂર્ણ વીતરાગ રહીએ છીએ. એવા વીતરાગ શાથી રહેવાય છે ? 'જ્ઞાનથી'. અજ્ઞાનતાથી લોક દુઃખી થઇ રહ્યા છે. લક્ષ્મી પાપાનુબંધી પુણ્યૈથી હોય પણ વિચારો નર્યા પાપના જ હોય.

અમે ધંધો-વેપાર કરીએ, 'ઇન્કમટેક્ષ'-'સેલટેક્ષ' બધું ભરીએ, સંસારની સેકડો તલવારો નીચે પણ વીતરાગતામાં રહીએ. હાથ કાપી નાખે તોય વીતરાગતા રહે.

અને ધંધો ચાલ્યા કરે પણ ધંધામાં એક ક્ષણવાર છે તે અમારો ઉપયોગ ના હોય. ખાલી નામ હોય એ બાજુ. મહિનામાં એકાદ દિવસ બે કલાક મારે વખતે જવું પડે ને જઈએ પણ તે અમારો ઉપયોગ ના હોય. ઉપયોગમાં ના હોય એટલે શું તે તમે સમજ્યા ? તે કોઈ પાસે દાન લેવા ગયા હોય, આપણે કહીએ ને કે આ સ્કૂલને માટે દાન આપો, તો પેલો એનું મન જુદું રાખે આપણાથી. રાખે કે ના રાખે ?

પ્રશ્નકર્તા : રાખે.

દાદાશ્રી : એવી રીતે આમાં બધું જુદું રહે. એમાં જુદા રાખવાના રસ્તા હોય છે બધા. આત્મા યે જુદો છે ને આ (વ્યવહાર) યે જુદો છે.

હતો લક્ષ્મીનો બોજો અમને

અમનેય નહોતું ગમતું સંસારમાં. મને પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તોય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તોય મહીં બોજો લાગે. લઈ જતાંય બોજો લાગે, લાવતાંય બોજો લાગે.

એટલે ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી. ધંધામાં આખી જિંદગીય ચિત્ત રાખ્યું નથી. ધંધો કર્યો છે ખરો. મહેનત કરી હશે, કામ કર્યું હશે પણ ચિત્ત નથી રાખ્યું. કારણ મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તોય મારે ઘેર જે કોઈ આવ્યો હોય, તે મારા ધંધાની વાત કોઈ જાણતાં જ નહોતાં. ઊલટો હું એને પૂછ પૂછ કરું કે તમે શી અડચણમાં આવ્યાં છો ?

'દાદા'ની હાજરી એ જ શ્રીમંતાઈ

એટલે મારે પોતાને માટે મેં ધંધો કર્યો નથી, કોઈ દહાડોય.

પ્રશ્નકર્તા : પણ તમે જ્યારે આ કોન્ટ્રાક્ટનું કરતા હતા, ત્યારે તો તમારા માટે જ કર્યું ને ?

દાદાશ્રી : મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો'તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, 'તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ મારી પાસે એટલું જ કામ લેતા હતા.

પ્રશ્નકર્તા : પણ તોય ભાગીદારની કંઈક મેળવવાની ગણતરી તો હોય ને ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ?

દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ! એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે 'આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડોય.'

પ્રશ્નકર્તા : આ સુરતમાં જ્ઞાન થયું એ પહેલાંની વાત છે ?

દાદાશ્રી : હા, પહેલાની વાત છે.

પ્રશ્નકર્તા : એ નથી સમજાય એવું.

દાદાશ્રી : એ તો કોઈ કહે ને કે આપનાં પગલાં આવાં છે, કોઈને નથી કહેતા ?

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : એવું અમે લઈને અમે આવ્યા છીએ.

પરવશતા, આઈ ડોન્ટ વોન્ટ

પ્રશ્નકર્તા : દાદા, આપે નોકરી પણ કરી હશે ને ?

દાદાશ્રી : કોઈની નોકરી નહીં કરું એવો પહેલેથી ખ્યાલ ! નોકરી કરવી એ તો મને બહુ દુઃખ લાગ્યા કરે. એમ ને એમ મરી જવું સારું, પણ નોકરી એટલે બોસ મને ટૈડકાવે. એ તો મોટામાં મોટો રોગ. પણ તે એ રોગે મને બહુ રીતે બચાવ્યો ! આ રોગ તો બહુ મોટો રોગ કે નોકરી નહીં કરું. છેવટે એક ભાઈબંધ કહે છે, 'મોટાભાઈ કાઢી મેલશે ત્યારે શું કરશો ?' મેં કહ્યું, 'પાનની દુકાન કરીશ.' તે દશ વાગ્યા સુધી પાન ખવડાવી અને ઘેર અગિયાર વાગે જઈને, ખઈને સૂઈ જવાનું. એમાં ત્રણ રૂપિયા મળે તો ત્રણમાં ચલાવવાનું ને બે મળે તો બેમાં ચલાવવાનું, મને બધું ચલાવતાં આવડે છે, પણ મને આ પરતંત્રતા સહેજ પણ પસંદ નથી. પરવશતા આઈ ડોન્ટ વોન્ટ !

રુ રુ રુ

'ભાગીદાર જોડે અમે પિસ્તાળીસ વર્ષ ભાગીદારી કરી પણ અમારે એક મતભેદ નથી પડ્યો. ત્યારે કેટલી મહીં મુશ્કેલી વેઠતા હોઈશું ? અંદરની મુશ્કેલી તો ખરી કે નહીં ? કારણ કે આ દુનિયામાં મતભેદ એટલે શું કે મુશ્કેલીનો સામનો કરવો.'

આવું હોય પછી મતભેદ ક્યાંથી ?

હું ધંધો કરતો હતો, તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોય તે ટાઈમે જેટલો પગાર મળે એટલા પૈસા ઘેર મોકલવા. એથી વધારે મોકલવા નહીં. એટલે એ પૈસા તદ્દન સાચા જ હોય. બીજા પૈસા અહીં ધંધામાં જ રહેવાના, પેઢીમાં. ત્યારે એ મને કહે છે, 'એને શું કરવાના પછી ?' ત્યારે મેં કહ્યું, ઈન્કમટેક્ષવાળો કહે, 'દોઢ લાખ ભરી જાવ. દાદાના નામથી, તે તમારે ભરી દેવાના. એટલે મને કાગળ લખવો નહીં. અગર કંપનીને મોટી ખોટ આવી હોય તોય તમારે મને કાગળ લખવાનો નહીં. એટલે ઉપાધિ જ નહીં ને ! અને એ પૈસા સારા લાગતા હતા પદ્ધતિસર. જો કે અત્યારે તો બધો પૈસો ખોટો છે. સાચો કે ખોટો, મૂળ રકમ જ ૧૯૪૨ પછીનો પૈસો સાચા રસ્તાનો નથી. એટલે સંતોષ નહીં આપે, જેવો જોઈએ એવો. એના કરતાં સારા કામમાં વપરાઈ જાય ને, નિરાંત ! નહીં તો ગટરમાં જતો રહેવાનો.

લક્ષ્મીની ભીડ નહીં, ભરાવો નહીં !

એટલે અમે શોધખોળ કરેલી કે, કેવી લક્ષ્મી સારી, તો કહે, ભીડ નહીં ને ભરાવોય નહીં. તે મારે કોઈ દહાડો (લક્ષ્મીની) ભીડ પડી નથી ને ભરાવોય થયો નથી. લાખ આવતાં પહેલાં તો કોઈને કંઈ બૂમ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડોય અને ભીડ પણ પડી નથી, બાકી કશું દબાવ્યું કર્યું નથી. કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાવાય ને ? એવું અવળું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું !

વચ્ચે એજન્સીઓથી કામ લો

પ્રશ્નકર્તા : દાદા, અંડરહેન્ડ સાથે તમે કેવી રીતે મતભેદ ટાળતા હતા ?

દાદાશ્રી : એવું છે, અમારે કેવું બનેલું તે કહું. અમારો ઓળખાણવાળો અમારે ત્યાં નોકરી કરતો હતો. તે હિસાબ લખવાનો હોય તે બધો ખોટો હિસાબ લખતો હતો. એને ખર્ચના દસ રૂપિયા જોઈએ ને આમ ખર્ચ ચાર આના દેખાડે. એટલે પછી મેં એને કહી દીધું કે, 'ભઈ, જેટલો ખર્ચ થતો હોય, જે તે કર્યું હોય તે આમ લખજે. સીગરેટ લાવ્યો હોય, બ્રાંડી પીધી હોય તે લખજે, ચા પીધી હોય, લોકોને ચા પાઈ હોય તે લખજે. તને છૂટ આપીએ છીએ. ત્યારે પછી એણે લખવા માંડ્યું ત્યારે વાત પકડાઈ બધી. આ તો ભડકના માર્યા લોક લખે શી રીતે ? હિસાબ બધો ચોખ્ખો લખતા નથી, એનું કારણ શું ? વખતે એ ચોખ્ખું લખે તો સાહેબ ડફળાય ડફળાય કરે કે, 'એય તેં શું કર્યું, આટલા બધા પૈસા શેમાં વાપર્યા ? આ તો ચાર આનાની અક્કલ તો છે નહીં ને શેઠ થઈ બેઠા છે !! આ તો એન્કરેજ કરતાં આવડે નહીં, તે પછી નોકરો ડીસ્કરેજ થઈ જાય.

ખરો શેઠ એનું નામ કહેવાય કે કોઈનેય વઢે નહીં. વઢે એને શેઠ કહેવાય જ શી રીતે ? પેલાં બધાં પાછળથી વાત કરે કે આ શેઠ તો આવા છે, એની પાછળ કંઈક નામ આપેલું જ હોય. બધાય નોકરોએ કંઈ ને કંઈ નામ આપેલું જ હોય. આ તો મનમાં માની બેઠાં છીએ કે મને સમજણ પડે છે. એના કરતાં મને કશી સમજણ પડતી નથી, તો કશુંય બગડે નહીં. ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ તો કેવા ઠંડા દેખાય ! તે જોઈને જ લોક ખુશ થઈ જાય. શેઠ આવે તો આખું વાતાવરણ જ ઠંડું થઈ જાય !

અમારે લોખંડનું કારખાનું હતું ને ત્યારે હું જ્યારે કારખાને જતો હતો ને, તે સો એક માણસો 'બાપા આવ્યા, બાપા આવ્યા' કરી મૂકે. તે બસ્સો ફૂટ છેટેથી દેખે તોય બધાં 'બાપા આવ્યા, બાપા આવ્યા' કરીને ખુશ ખુશ થઈ જાય. અને કોઈનેય મારે કોઈ દહાડો એક અક્ષરેય બોલવાનો નહીં. હજાર રૂપિયાનું નુકસાન કરેલું દેખું તોય અક્ષર નહીં કહેવાનો. વખતે કોઈએ કશું કામ બગાડ્યું હોય તોય વઢવાનું નહીં. કોઈ પણ બાબતમાં બૂમ પાડવાની નહીં !

એટલા માટે તો ઘણી જગ્યાએ હું ધંધો કરતો હતો ત્યારે, જોરથી નહોતો બોલતો. મારું જોશથી બોલવું એટલે સામાનો આત્મા નીકળી જાય એવું. એટલે જોશથી ન હતો બોલતો. કંઈક ભાંજગડ થઈ હોય તો સાચવી સાચવીને જવું પડે. જોશથી બોલાય નહીં. તોય પણ એક જગ્યાએ જોશથી બોલી ગયો હતો, એક ભાઈ ઉપર ! બીજા એક ભાઈ હતા, તે કહે, 'ના બોલશો, ના બોલશો.' એ ભાઈને જો જરા વધારે બોલ્યો હોત તો તેનો આત્મા ત્યાં ને ત્યાં નીકળી જવાનો હતો ! ત્યાં આગળ મેં જાણી લીધું કે આનો આત્મા નીકળી જશે તો આપણા માથે પડશે. અમારા કોન્ટ્રાક્ટમાં ચાલીસ હજાર રૂપિયાની આઈટમ એણે અમને આપવાની હતી. પણ તે આખોય ફરી ગયો. બહુ મોટી કંપનીનો માણસ હતો. અમારા કામનું મેનેજમેન્ટ એના હાથમાં હતું. તે બધાંનેય આવું ફસાવ ફસાવ કરે. મેં તેને કહ્યું, 'કઈ જાતનો નંગોડ છું, મૂઆ તું ! તારી કંપનીની આબરૂ બગાડવા આવ્યો છે ?' પછી એ કહે, 'હું બધા પૈસા આપી દઉં પણ દાદાજીને બોલાવો મારી પાસે.' પછી હું ત્યાં ગયો. ત્યારે તેણે કહ્યું, 'મારી ચા પીવો !' 'અલ્યા, હું ચા નથી પીતો !' તોય એ કહે, 'ના, ના, તમે પીવો. હું પૈસા બધા આપી દેવડાવું છું.' એની મેળે જ આપી દેવડાવ્યા.

રુ રુ રુ

'મારી પાર્ટનરશીપનો નકશો હું તમને કહું તો તમને અજાયબી થશે. લાખ-લાખ રૂપિયા જાય તોય અમે જવા દઈએ. કારણ કે રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ.'

ખોટ વખતે સ્થિરતા

ધંધામાં જરાક ખોટ જાય કે માણસ દુઃખી દુઃખી થઈ જાય. ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયા બેસી જાય તો ધંધો બેસી જાય.

અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી, જ્ઞાન થયા પહેલાં. ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે, ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના યે કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉ. અને બધાં બૈરાં-છોકરાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતા જ નથી. હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધીય ! પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં તોય. તે પછી મારામાં અક્કલ આવી ગઈ એટલે ચિંતા કરું નહીં. અરે, એ લોકો ચિંતા ના કરે તો મારે ચિંતા કરવાની શી જરૂર ? મારે તો મારી ફરજ બજાવવાની; ચિંતા-બિંતા કરવાની નહીં. એ નફો-નુકસાન એ બધું કારખાનાનું હોય છે, આપણે માથે નથી. આપણે તો ફરજ બજાવવાના અધિકારી. કારખાનું માથે લઈને ફરીએ છીએ તો રાત્રે ઊંઘ કેટલી આવે ?

ફિકરોની ફાકી કરી, કરે સમાધાન

બાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તોય કહી દઉં ! પણ પણ લોક પૂછે તો જ, નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, 'તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી ?' ત્યારે હું કહી દઉં કે 'એ વાત ખરી છે'. કોઈ દહાડોય અમારા ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું-ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? 'અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.' પણ આ તો આપણે દેવું વધી જાય ને, ચોખ્ખે ચોખ્ખું કહી દો ને, જે થયું હોય કે ભઈ, ખોટ ગઈ છે.

ખોટ ગઈ હોય તોય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય.

એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે !

આપણે તો જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને !

... બેઉને જવાબ જુદા જુદા

એકવાર અમારે કંપનીમાં ખોટ આવેલી તે જરા ઠંડંુ પડેલું, તે વડોદરે જઈએ ત્યારે લોકો પૂછે કે, 'બહુ ખોટ આવી છે ?' ત્યારે મેં કહ્યું કે, 'કેટલી લાગે છે તમને ? ત્યારે કહે કે, 'લાખેક રૂપિયાની ખોટ આવી લાગે છે.' ત્યારે મેં કહ્યું કે, 'ત્રણ લાખની ખોટ ગઈ છે.' હવે ધંધાને અરધા લાખની કે પોણા લાખની ખોટ આવી હોય, પણ હું એને ત્રણ લાખની કહું. કારણ કે પેલો ખોળવા જ આવેલો હોય ! એ શું ખોળવા આવ્યો છે એ હું જાણું, કે આને જો હું લાખની કહીશ તો ખુશ રહેશે ને બિચારાને ઘેર ખાવાનું ભાવશે. એટલે હું કહું કે ત્રણ લાખની ખોટ ગઈ, એટલે તે દહાડે એ જમે નિરાંતે. અને બીજો કો'ક લાગણીવાળો આવે ને પૂછે કે, 'ખોટ બહુ ગઈ છે ?' ત્યારે હું કહું કે, 'ના, પચાસેક હજારની ખોટ ગઈ છે.' 'એટલે એનેય ઘેર જઈને શાંતિ રહે. લાગણીવાળા અને પેલા, બેઉ જાતના લોક આવવાનાં. બેઉને ખુશ કરીને કાઢવાનાં. હું કહું કે, 'ત્રણેક લાખની ખોટ ગઈ છે' એટલે પેલો તો બહુ ઉછાળે ચઢે. એને કહું પાછો કે, 'ચા પીને જાવ ને ?' ત્યારે કહે કે, 'મારે જરા કામ છે.' કારણ કે પેલો આનંદ આવી ગયો ને, એટલે ચા બધું આવી ગયું. એને એનો ખોરાક મળી ગયો, કારણ કે દ્વેષ છે ને !

આ સ્પર્ધા એવી વસ્તુ છે કે સ્પર્ધાના માર્યા ચાહે સો કરી નાખે માણસ. સ્પર્ધા કે, 'મારા કરતાં આગળ વધી ગયો છે ? હવે પાછળ પાડવા જ જોઈએ' એટલે પાછાં પાડવાનો પ્રયત્ન કર્યા કરે. એવાને હું આવું ચોખ્ખું જ કહી દઉંને, કે વધારે ખોટ ગઈ છે. જો એને નિરાંતે ખાવાનું ભાવ્યું ને ! અને આપણે અહીં શી ખોટ જવાની છે ?! આપણને ખોટ ગયેલી જ છે, એનો આપણને વાંધો નથી. પણ લોકોને તો શું છે કે જવાબ તો આપવા પડે ને ! તેને જો કહી દઈએ કે, 'ના, કશી ખોટ નથી ગઈ.' એટલે પેલો વધારે ખોળી લાવે પાછો કે આ તો નન્નો ભણે છે. એટલે એને કહેવું પડે, 'નન્નો નહીં, હા ભણું છું કે ત્રણ ગણી ખોટ ગઈ છે. જેણે તને કહ્યું હોય તેને પૂછી જોજો, તેને પણ ખબર નહીં હોય. પણ મને ખોટ સારાં પ્રમાણમાં ગઈ છે.' પછી થોડા દિવસે પાછો ફરી આવે ને કહે કે, 'તમારે હવે ધંધાનું કેમનું છે ? બંધ કરવું પડશે ?' ત્યારે મેં કહ્યું કે, 'આ તો સાત લાખની મિલકત હતી, તેમાંથી ત્રણ લાખ ઓછી થઈ ગઈ.' એટલે એને નવી જાતનું જ બોલીએ. અલ્યા, તું મને ક્યાંથી પહોંચી વળવાનો હતો ! હું જ્ઞાની પુરુષ છું, તને દુઃખ નહીં આપું, પણ તું આ રીતે ખોળ ખોળ કરીશ નહીં. આ તો વગર કામના પાછળ ફર્યા કરે ! તે આવાં મેં તો બધા બહુ જોયેલાં. જ

ગત છે ને, બધી જાતનાં લોક હોય !

અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે, અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, ના, ના, લો આ રૂપિયા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે આ લોકો તો કહે છે કે ખોટ આવી. ત્યારે હું કહું કે ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો.

અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં જ ઓચિંતો જ એક લાખ રૂપિયાનો નફો મળ્યો ! તે પેલાને ટાઢક થઈ જાય.

ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો

પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઇ ગયું છે.

દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઇ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ના વળે, 'કોન્ટ્રાક્ટ'ની ખોટ કંઇ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય.

આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઇ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે કરવું છે, તે જો ચોખ્ખી દાનત હોય તો દેવું બધું જ મોડું વહેલું ચૂકતે થઇ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. માટે કોઇની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઇએ. આપણી લક્ષ્મી કોઇની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવો જોઇએ કે મારે પાઇ એ પાઇ ચૂકવી દેવી છે. ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. ખેલ ખેલો પણ ખેલાડી ના થઇ જશો. ખેલાડી થઇ ગયા કે તમે ખલાસ !

રુ રુ રુ

'આ તો અનુભવની વાત કરું છું, મને જે અનુભવ થયો છે તે જ ! હું આ સંસારમાં 'રેસકોર્સ'માં પડ્યો નહીં. તેથી મને આ 'ભગવાન' જડ્યા !'

'રેસકોર્સ'થી રહ્યા દૂર

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો (કાયમ માટે) લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી. વગર કામના અહીં દોડધામ કરીએ, એનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને થોડુંક આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું. મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો, બારમો કે સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા આપણે ફીણ કાઢીએ ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચાયે ના પાય પછી. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.

દોડ, દોડ, દોડ પણ શેના હારુ ? નંબર લાગવાનો હોય તો હેંડોને ! દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરેય નહીં, ઈનામેય નહીં, કશુંય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં !

આ ગણિત શીખવા જેવું નથી લાગતું ?

પ્રશ્નકર્તા : અને જે રીતે આપ કહો છો, એ કંઈ વર્ણવવા જેવું જ નથી ! એવું જ થઈ ગયું છે !!

દાદાશ્રી : ઈનામ તો પહેલા નંબરવાળાને જ મળે ! બીજા બધા તો રખડી મરે. હાંફી હાંફીને મરી જાય તોય કશું નહીં. એવા ન્યાયવાળા જગતમાં 'રેસકોર્સ'માં પડાતું હશે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : અને મનુષ્યનો સ્વભાવ સ્પર્ધાવાળો જ હોય. લોકોમાં સ્પર્ધા હોય ને ?

દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હોય જ. અરે, ઘરમાંય જો ત્રીજો માણસ આવ્યો હોય, એ દલીલબાજી કરે એવો હોય, તો ધણી-ધણિયાણીમાંય સ્પર્ધા ચાલે. એટલે આ લોકો સ્પર્ધા કરે છે ને, તેથી દુઃખ આવે છે. આ તો 'રેસકોર્સ'માં ઊતરે છે. આ 'રેસકોર્સ' જે ચાલે છે એને જોયા કર, કે આ કયો ઘોડો પહેલો આવે છે ?! એ જોયા કરે તો જોનારને કંઈ દુઃખ થતું નથી. 'રેસકોર્સ'માં ઊતરે છે તેને દુઃખ થાય છે. માટે 'રેસકોર્સ'માં ઊતરવા જેવું નથી.

રુ રુ રુ

'હું પગલું એવું ભરું કે પસ્તાવો ના થાય. કોઈ પણ વસ્તુનો એક વાર પસ્તાવો થઈ ગયો તો એ ચોકડી, એ લાઈન બંધ, કે ફરી એમાં પસ્તાવો જ ના થાય એવી રીતે પગલા લઉં.'

બોજો ના પોષાય અમને

મને બધા ભાઈબંધો શું કહેતા ? અમે બધા ભાઈબંધો બંગલાવાળા થયા. હવે તમે સારા માણસ થઈ અને તમે બંગલામાં ચાલો. તમારી પાસે શું નથી ? મેં કહ્યું, 'બંગલો લઈશ તેનો મને વાંધો નથી, પણ મને બંગલામાં રાખશો ને તો મને ગમશે નહીં. મને બોજો લાગ્યા કરશે કે ક્યાં આ ઉપાધિમાં પડ્યા પાછા ? એક પલંગ રાખવાની જરૂર. બાકી હું તો સારી નાતવાળા જોડે, સંસ્કારી લોકો જોડે રહીશ અને ભાડાની ઓરડીમાં રહીશ, નહીં તો વેચાતું મળશે તો વેચાતું હું લઈ લઈશ પણ હું ત્યાં રહીશ.' ત્યારે કહે, 'આ તો ત્યાં આપણી વેલ્યુ શું થશે ?' મેં કહ્યું, 'તમારી વેલ્યુ ઘણી છે, મારી વેલ્યુ ઓછી છે પણ મારી આજુબાજુમાં મારી વેલ્યુ છે. એટલે તમારે જો અડચણ આવેને, તો તમે અહીં આ રૂમમાં આવજો ને અહીં અમારી જોડે રૂમમાં સૂઈ રહેજો. મને અડચણ નહીં આવે.'

રડવાનું કામ અમારંુ નહીં

મારે એક મિત્ર હતો તે આવે. તે કહે, 'તમારે બે ભાગીદારને હમણાં ખાસ કમાણી નથી. પહેલાં હતી, પણ અત્યારે તો કંઈ કમાણી દેખાતી નથી. પણ મારો ધંધો સારો ચાલે છે. આ પણ તમે તમારો ધંધો ચાલુ રાખો ને મારે ત્યાં પાર્ટનરશિપ રાખો.' એના મનમાં એમ કે, 'દાદા, ગાડી ના લાવે તો આપણી આબરૂ શું રહે ? આપણી કંપનીના માણસ !' અને ઘેર આવે તે કહે કે, 'તમે મકાન બદલી નાખો. તમે બંગલામાં આવી જાવ હવે. આ પોળમાં અમને બેસવા આવતાંય શરમ આવે. તે પછી મેં કહ્યું, 'આ બદલીશને તો તમારે રડવાની જગ્યા ક્યાં લાવીશું ? તું કોને ત્યાં રડવા જાઉં ? આ તો રડવાની જગ્યા છે બધી. સંતાઈ જવાની જગ્યા.' અડચણ આવે ત્યારે સંતાઈ જવાની જગ્યા જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્નકર્તા : જોઈએ.

દાદાશ્રી : એ મારો મિત્ર હતો ને તે તેંતાલીસની સાલમાં રડી ઊઠેલો. તો એ ત્યાં આવીને રડેલો, પછી '૫૩માં રડેલો. દસ વર્ષે મોઢું ઊંચું થાય ને પાછું દસ વર્ષે બેસી જાય ! પછી રડવાની જગ્યા કંઈથી લાવીશ ?

હવે એ મારો મિત્ર મને શું કહે છે ? મારો ધંધો છે એટલે તમે પાર્ટનરશિપમાં (ભાગીદારમાં) રહો. કારણ કે વહીવટ મારો બહુ સુંદર. ઓર્ગેનાઇઝર (વહીવટકર્તા) તરીકે પાંચ અબજનો ધંધો હોય તો કરી આપીએ. બીજું કશું આવડે નહિ. ઓર્ગેનાઇઝ કરી આપીએ. દર્શન બધું ટોપ ઉપર. એટલે ભાગીદારને ઓર્ગેનાઇઝ કરી આપું. અને તે પ્રમાણે એ ચાલ્યા કરે. અમારે મહેનત કરવી ના પડે.

તે પછી મારો મિત્ર મને કહે, 'બાર મહિને લાખ રૂપિયા મારે તમને આપવા.' અમારા ધંધામાં તે ઘડીએ કમાણી ઓછી હતી. બાર મહિને માંડ પંદર હજાર ભાગે આવે, અમારે બેઉ જણને ! 'તે બાર મહિને લાખ રૂપિયા તો નક્કી જ પાર્ટનરશિપમાં, અને તમારે બેસી રહેવાનું. પાછી ગાડી આપવાની. ખોટ જાય તો મારે માથે. નફો આવે તો તમારો ભાગ અને ખોટ જાય તોય તમારે લાખ લઈ લેવાના.' મેં કહ્યું, 'પણ તારી જોડે રહીને મારી શી દશા ? તમને દરેક સાલ રડવા જોઈએ. તમે તો પાછા રડતા આવો. તમે તો રડવાની ટેવવાળા છો. હું પાછો રડવાની ટેવવાળો થઈ જાઉં. હું તો રડ્યો નથી બા. મારે તો મારા ભાગીદાર સારા. અમે બેઉ નિરાંતે ભાખરી ને શાક ખઈએ એવા છીએ. મારે લાખ-બાખ ના જોઈએ. અમારા ખર્ચા ચાલે છે. અમે ભક્તિ કરીએ છીએ આખો દહાડો. અમારા આવા ભાગીદાર છોડીને હું ક્યાં પાછો તારી જોડે ભાંજગડ કરવા આવું ? તારો પાહ (પાસ) ચઢી જાય તો હું ગાંડો બની જાઉં. રૂપિયા તો આપે પણ પાહ એવો ચઢી જાય ! હિંગ મફત આપે તે કાનમાં પૂમડાં ઘલાય એનાં ? મફત આપે એટલે કાનમાં પૂમડાં ના ઘલાય ? મફત આપે માટે કંઈ આવું થતું હશે ?

રુ રુ રુ

'અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી.'

કાળા બજારની ફસામણ

ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા.

તે એકવાર હું ફસામણમાં આવી ગયો. ૧૯૪૨ની સાલમાં મારું લોખંડનું કારખાનું હતું. એ તો એગ્રિકલ્ચર ઈન્સ્ટ્રુમેન્ટ (ખેતીના ઓજારો) બધાં આપવાનાં. બીટકો એન્જિનિયરિંગ કંપની. તે સરકાર લોખંડ આપે, અગિયાર રૂપિયા હંડ્રવેટથી અને બત્રીસ રૂપિયાનો ભાવ બજારમાં ચાલે. અહીં અમારા ભાગીદાર કંટ્રાક્ટના ધંધામાં સરકારને અમુક આના ફૂટે આપે અને બહાર રૂપિયો ભાવ ચાલે. એટલે આ પાઈપો વેચ વેચ કરે. ધંધાના અંગે આવેલી અને લોખંડ વેચ વેચ કરીએ. કાળો બજાર નહીં કરવાની ઇચ્છા. દાનત ચોર નહીં જરાય. પણ કંઈક બુદ્ધિએ માર ખવડાવી દીધો. શી રીતે માર ખવડાવ્યો ? પેલું લોખંડ તો ભેગું થવા માંડ્યું અને પૈસા આપણી પાસે, રકમ ત્યાં વ્યાજે લાવવા માંડી. ત્યારે એક દલાલ આવ્યો તે કહે 'સાહેબ, આટલો બધો માલ છે, અમને આપતા હોય તો શું ખોટું ?' મેં કહ્યું, 'ભઈ, કાળા બજાર અમારાથી ના થાય.' ત્યારે તેણે કહ્યું, 'કાળા બજાર તમે ના કરતા. મારા જેવાનું પેટીયું રળી આપવાનું કરી આપો.' તે હું ભૂલ ખઈ ગયો ત્યાં આગળ. મેં કહ્યું, 'પણ તે તેને વેચવું પડે ને ?' 'હા, ઓછું લઈને આપો એટલે પેલા પાસે પેટીયું નીકળે. એટલે પછી એમને ૨૫ રૂપિયે આપ્યું. પણ એણે ૩૨ને બદલે ૩૫ લીધા. એટલે પછી અમને ખબર પડી કે આ તો ઊલટું ડબલ ચ

ર, લોકોની પાસે વધારે લૂંટાવડાવ્યું, એનાં કરતાં આપણે સીધું આપો. હવે કહ્યું એમ કરતા કરતા સ્લીપ થતું થઈ ગયું. અને સ્લીપ થઈ ગયા પછી જોઈ લો પરિણામ એનાં ! સારા માબાપનું છોકરું ચોરી કરી લાવે તો કેટલા દહાડા એને ઊંઘ આવે ?! ખૂંચ્યા કરે ને ? રોમે રોમે કૈડવા માંડ્યું એટલે મેં મારા ભાગીદારને કહ્યું, 'આ તમારી પાસે ને મારી પાસે, આ મૂડી જતી રહે, વહેલામાં વહેલી તકે તો સારું ને આવો પૈસો ફરી ભેગો ના કરીએ. પણ તે લક્ષ્મી જતી રહી, ચાલવા માંડી. પુણ્યશાળી લોકો ! પાંચ-સાત વર્ષમાં એ પૈસા જતા રહ્યા.

એ તો એવું બનેલું કે એલેપ્પીમાં અમારી પેઢી હતી. અમારી ને અમારા ભાગીદારની ત્યાં પેઢી હતી ! સૂંઠ ને મરીનો મોટો બિઝનેસ. કાળા બજારનું ધન ભેગું થયું ને, તે ત્યાં ઓફિસમાં નાખ્યું પછી. પણ ત્યાં આ નાણું ગયું. તે આપણે ફાવ્યા. નિરાંત થઈ ગઈ. તે પછી અમારા ભાગીદારનો કાગળ આવ્યો કે ભલે ગયું હશે, પણ હવે ફરી પાછું રાગે પડે એવું મને લાગે છે. માટે હવે છેલ્લા, વધારે નહીં, પણ ચૌદ હજાર તો મને મોકલો. એટલે મેં ૧૯૪૫-૪૬માં ચૌદ હજાર એમને મોકલ્યા અને કાગળમાં જોડે લખ્યું કે આ ચૌદ હજાર જાય તો ચિંતા કર્યા વગર પાછા આવજો. વખતે આ જાય, ધાર્યા પ્રમાણે ના પડે, અને જાય તો એની ઉપાધિમાં પડશો નહીં. પણ આપણે વહેલી તકે પાછા આવો. આપણે છીએ તો વહેલી તકે કમાઈશું. નહીં તો આપણી પર એટેક થાય તો શી દશા થાય ? અને એટલે તો '૪૬ની સાલથી જ ચાલુ થઈ ગયેલા. આ એટેક વધ્યા ક્યારથી ? ૧૯૩૯માં આ હિટલરે વલોણું વલોવ્યું વર્લ્ડનું ત્યારથી એટેકની શરૂઆત થઈ ગઈ. એટલે પછી મને મારા ભાગીદારનો કાગળ આવ્યો, કે હું ધારતો હતો પણ મારું ધારેલું અવળું પડ્યું, અને ચૌદ હજાર ગયા. એટલે આ પૈસા મારે ખાતે, સ્વતંત્ર મારે ખાતે ઉધારજો કે તમે ના કહ્યું છતાં મેં કર્યું, એટલે મેં કહ્યું, 'હવે બીજા કોઈ ભાગીદ

ાર

ને આવું કહેશો નહીં. મને કહો તો મારે એવું કશું કરવાનું નથી. મારે તો તમે બીજા લાખ ખોઈને આવો તોય તમારા ભાગીદારમાંથી મટીશ નહીં. તમે જે કરીને આવો તેમાં હું ભાગીદાર અને નફો આવતાં હું લેત પાછો, નહીં ? ના લેત ? ના કહ્યા પછી એ નફો આવ્યો હોત તો ના લેત હું ?

પ્રશ્નકર્તા : હા, લેત.

દાદાશ્રી : તે પછી તે ન્યાય તરત ના સમજણ પડે આપણને ? મેં કહ્યું, 'તમે જે કરીને આવો છો, તેનો અમને વાંધો જ નથી.' તે પછી એમના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, 'ચૌદ હજારમાં શું બગડવાનું હતું તે ? આપણે તો જીવતા છીએ ! આપણે જીવતા છીએ તો ફરી દુનિયા ઊભી કરી નાખીશું. ગયા પછી નવી દુનિયા થાય એવી ? આપણે જીવતા છીએ, એટલું કહ્યું એટલે રાગે આવી ગયું પછી.

દંડનું ભાન થાય, તો જ ગુનો અટકે

પ્રશ્નકર્તા : પણ અત્યારના કાળમાં થોડું કાળા બજાર, અનીતિ ના કરે, આવું ના કરે તો પેટ ક્યાંથી ભરે ?

દાદાશ્રી : અમનેય એવો ભય લાગતો હતો પહેલાં. આ કળિયુગમાં અમેય જન્મેલાં ને ! તે ૧૯૫૧ સુધી તો એવો ભય રહ્યો હતો. પણ પછી એ ભય છોડી દીધો. કારણ કે આ સિમેન્ટ કાઢી લેવું એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં (શરીરમાં) રહ્યું શું ?

આપણને ચોરી ના શોભે. આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેનાં કરતાં તો ચોર સારાં. આ ચોરીઓ કરે છે તેનાં કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે 'હું આ ગુનો કરું છું', તેનું ફળ શું આવશે, બેભાનપણામાં ભાન વગર જ ગુના કરે છે.

રુ રુ રુ

'કેટલાય અવતાર ટ્રાયલ કરીને જ લાવેલો છું. ત્યારે તો હું તમને આ બધી અનુભવી વાતો કરી શકું છું. અને તો ખુલાસો થાય ને ! ખુલાસા ના થાય તો માણસ ગૂંચાય.'

જ્ઞાનીના અનુભવોનાં તારણો

ધંધો કરતા કરતા હંુ બધા અનુભવના તારણ પર આવેલો. બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો ફૂલિશ (મૂર્ખ) જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે, બળ્યા ! ખોટેય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : અને નફો ?

પ્રશ્નકર્તા : નફોય આવે.

દાદાશ્રી : એટલે હું નાનપણથી સમજી ગયેલો કે આ લમણે લખેલું છે.

આ તો વગર કામનું દળેલાને દળ દળ કરે છે ! આ તો બધું લઈને આવેલા છે. આ વાળ ઊગ્યા કરે છે કે નહીં ? કે ચિંતા ના કરે તોય ઊગે ને ?

પ્રશ્નકર્તા : ઊગે.

દાદાશ્રી : આ આંખોમાં જે અજવાળું રહે છે ને એ જો એમ કહ્યું હોત કે જો તમે પ્રયત્ન કરશો તો અજવાળું રહેશે. તો ત્રણ દહાડામાં આંધળો થઈ ગયો હોત. આ તો કુદરતને આધીન છે ને ! એ જ્ઞાનરસ તો એટલી બધી ઝીણી ઝીણી નસોમાંથી ફરે છે, એ આ અજવાળું રાખે છે તે વાળ કરતાંય પાતળી નસો છે. અને ડૉક્ટરના હાથમાં સોંપે ને તો ત્રણ દહાડામાં આંધળો કરી નાખે. આ કુદરત એટલી બધી સુંદર છે ! આ કુદરતનો આપણે ઉપકાર માનવો જોઈએ.

અને આ વગર કામની પૈસાની હાય હાય શું કરવાની ?! અલ્યા, ખોટ આવે છે, તેય વગર વિચારે જ આવે છે. ત્યારે પેલો નફો કંઈ વિચારીએ ને આવતો હશે ? વિચારવાથી તો ઓછું થાય ઊલટું !

આપણે આપણું કામ કર્યે જાવ. સવારમાં બધા આઠ વાગે દુકાન ઉઘાડે તો આપણે પણ આઠ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે દુકાન નવ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે કંઈ પાંચ વાગે ત્યાં જઈને બેસવાનું નહીં. અને બધાય રાત્રે સાડા દસે સૂઈ જાય એટલે આપણે જાણવું કે બધા સૂઈ ગયા છે, હવે આપણે સૂઈ જવાનું. પછી વિચારવા-કરવાનું નહીં. કાલે શું થવાનું છે એનો વિચાર આજે નહીં કરવાનો. બધા સૂઈ ગયા તે હું એકલો એવો મૂરખ કે જાગ્યા કરું ? બહાર જોઈએ તો એવી સમજણ ના પડે ?

પ્રશ્નકર્તા : સમજણ તો પડે પણ મન કૂદાકૂદ કરતું હોય ને આવતી કાલનું કામ પણ આજે પતાવી દઉં ને ?

દાદાશ્રી : હા, મન કૂદાકૂદ કરે. પણ મનને કહીએ કે જો બધા સૂઈ ગયા છે. તું જો વગર કામનું બૂમાબૂમ કરીશ તો એમાં કશો સ્વાદ નહીં કાઢું. બધા સૂઈ ગયા ને તું એકલો ડહાપણવાળો વગર કામનો ક્યાંથી જગાડે છે ? આ તો રાતે જાગે તોય સવારમાં કશું વધ્યું ના હોય ને ઉલટો મોડો ઊઠે.

આ બધું ઑન ટ્રાયલ મેં લઈ લીધું છે, હોં ! આખી લાઈફ પૂરી ટ્રાયલ લીધી છે. દરેક વસ્તુમાં ટ્રાયલ લઈને જ હું આગળ ચાલ્યો છું. હું એમ ને એમ નથી ખસ્યો.

પુણ્ય-પાપની 'લિન્ક' કેવી હોય ?

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, 'હું ગમે તેટલી માથાકૂટ કરું છું તોય કશું વળતું નથી.' એટલે હું કહું, 'અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.'

અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, 'હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તોય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?' મેં એને કહ્યું, 'એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !' આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછ્યું કે, 'મારે શું કરવું ?' મેં કહ્યું, 'દાદાનું નામ લેજે.' હવે અત્યાર સુધી તારી લિન્ક આવી હતી. લિન્ક એટલે અંધારામાં પત્તા ઊઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઊઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, 'વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.' એવું કરે. તે તને ૧૦૭ સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક તને બુદ્ધુ કહેશે. માટે આ દાદાનું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ.

પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બંનેએ માંકણ મારવાની દવા પી લીધી ! તે દાદાનું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, 'આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.' ત્યારે પછી એણે દાદાનું નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં બધાં પાપ ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું.

'દાદા' બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ તમને અડે નહીં. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ સૂતાં સુધી બોલ્યા અને સવારમાં ઊઠવાની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય.

ત્યાં ટેન્ડર ક્યાં રહ્યું ?

પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય તો પછી ટેન્ડર ભરવાનું ક્યાં રહ્યું ?

દાદાશ્રી : એ ટેન્ડર ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે 'ટેન્ડર' ભરો, પણ હું જાણું કે શેના આધારે 'ટેન્ડર' ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી.

હું ઘણા જણને મારી પાસે 'ટેન્ડર' ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું જે છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા અને થોડું થોડું સાધારણ કામ કર. અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શી છે ? ઘેર બેઠા સામસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : કમાણી ને ખોટ તો ચાલુ જ રહે છે ને !

દાદાશ્રી : ચાલુ જ રહે છે ? તમે નવસારીથી અહીં આવ્યા તોય ત્યાં કમાણી ચાલુ જ રહેવાની ? ભારે અજાયબી છે ને ? દહાડે જમવા બેસીએ તોય કમાણી ચાલુ હોય ને ? અને ખોટવાળાને ખોટ ચાલુ હોય ને ? કેટલી અજાયબી છે ! આ બધાં ચોપડાંનું તારણ કાઢતાં આવડે છે, પણ આ જગતનું તારણ કાઢતાં આવડે તો શું નીકળે ? અમને જગતનું તારણ કાઢતાં આવડેલું ! 'આ' જ્ઞાન થતાં પહેલાં અમે તારણ કાઢેલું કે આ જગતનું સરવૈયું શું ? એટલે આપણે શા માટે આ માથાફોડ કરવાની ? જેને માટે મહેનત કરે છે એ તો બધો તૈયાર જ માલ છે, નહીં તો લાખ મણ મહેનત કરો તોય એ કામની નથી, ઊલટી ખોટ જાય છે.

ધંધો તમે જ ચલાવો છો બધું ?

પ્રશ્નકર્તા : હા, જી.

દાદાશ્રી : ઉપાધિ નથી આવતી પોતાને ?

પ્રશ્નકર્તા : ના, એવું કંઈ નથી આવતું.

દાદાશ્રી : સરસ મજા આવે છે ? આયે પુણ્યૈ જ છે ને કશી મુશ્કેલી વગર !

તેથી અમે કહીએ છીએ કે આપણી પુણ્યૈનું ખાવ. પુણ્યૈ કોનું નામ ? ઘેર સવારના સાડા પાંચ વાગ્યે ઉઠાડે કે 'ભઈ, અમારે બંગલો બંધાવવો છે ને એનો કોન્ટ્રાક્ટ તમને આપવો છે.' આવું 'વ્યવસ્થિત' છે ! જો ધણી દોડધામ ન કરતો હોય તોય 'વ્યવસ્થિત' ધણીને ઉઠાડવા આવે અને ધણી દોડધામ કરતો હોય, બંગલો બંધાવવા સારુ, તો વ્યવસ્થિત શું કહેશે કે 'થાય છે હવે !'

આ 'વ્યવસ્થિત'ની બહાર કશું થાય એવું નથી. છતાં આપણે 'વ્યવસ્થિત'નો અર્થ એવો ના કરવો જોઈએ કે આપણે સૂઈ રહો. બધું થઈ જશે. જો 'વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. છતાં પ્રયત્નો તે તો 'વ્યવસ્થિત' કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી શું ઇચ્છા હોવી જોઈએ ? પ્રયત્ન કરવાની. પછી 'વ્યવસ્થિત' જેટલા કરાવે એટલા પ્રયત્ન. પ્રયત્નમાં પછી, દસ વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા. પેલો ભઈ ભેગો ના થયો, તો પછી બાર વાગ્યે ગયા તોય ભેગો ના થયો, તો પછી ઘેર આવીને ફરી પાછા દોઢ વાગ્યે જઈએ, એવું નહિ કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું પછી ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તો કેટલાય ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો જડે નહીં, પણ આપણે પાછાં આવતાં વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ને થાય. સહેજાસહેજ હિસાબ બધો ગોઠવાયેલો. કારણ કે અમારે કોઈ જાતનો ડખો નહીં ને !

... નફા-ખોટે, હર્ષ-શોક શો ?

ધંધામાં મન બગડે તોય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગડે તોય નફો ૬૬,૬૧૬ રહેશે, તો કયો ધંધો કરવો ?

અમારે મોટા ધંધા ચાલે, પણ ધંધાનો કાગળ 'અમારી' ઉપર ના આવે. કારણ કે ધંધાનો નફો ધંધા ખાતે અને ધંધાની ખોટ પણ ધંધા ખાતે જ અમે નાખીએ. ઘરમાં તો હું નોકરી કરતો હોઉં ને જે પગાર મળે તેટલા જ પૈસા પેસવા દેવાના. બાકીનો નફો તે ધંધાનો ને ખોટ તેય ધંધા ખાતે.

રુ રુ રુ

'નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થયા એટલે હાશ કર્યું ને, તો જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી. કારણ કે 'ટેમ્પરરી' છે.'

ધંધાના કાનમાં ફૂંક

અમે ધંધો કરતાં પહેલાં શું કરીએ ? સ્ટીમર ચલાવવા મૂકી હોય, ત્યાં મહારાજની પાસે સત્યનારાયણની કથા, પૂજાઓ બધી ભણાવી દઈએ, બીજી પૂજાઓ બધું કરીએ. વખતે સ્ટીમરની યે પૂજા કરીએ, પછી અમે સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે, 'તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી !

પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે 'એડજસ્ટમેન્ટ' લઇ લઇએ કે છ મહિના તો ચાલ્યું ! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુદ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.

'અમારી ઇચ્છા નથી !!!' એવું ના કહીએ એટલે પછી નિઃસ્પૃહ થઈ ગયા કહેવાય. તો પછી એ તો ડૂબી જાય. 'અમારી ઇચ્છા નથી' કહ્યું એટલે એની પાછળ બળ કામ કરે છે. અને જો ડૂબી તો આપણે જાણીએ જ ને કે કહ્યું જ હતું ને કાનમાં ! આપણે ક્યાં ન હતું કહ્યું ? એટલે એડજસ્ટમેન્ટ ગોઠવીએ તો પાર આવે એવો છે આ જગતમાં.

ખોટના ઉપાસકને ખોટ ક્યાંથી ?

તે અમેય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે ને આપણો ખોરાક-ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !!

જો રીત જ ગાંડી છે ને ! જીવન જીવવાની રીત ગાંડી છે ને ! અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકુય સુખીયો નહીં. પછી ખોટ જ નહિ આવવાની જિંદગીમાંય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું? (પછી ખોટ આવે તો પણ ખોટ લાગે નહીં એને.)

જે થાય છે એ કાયદેસર થાય છે. માટે એમાં શંકા ના કરશો. હવે આપણંુ જ્ઞાન શું કહે છે કે સાપ પેસી ગયો તો મેલને છાલ ! વ્યવસ્થિત છે, સૂઈ જાને છાનોમાનો. તે આપણંુ જ્ઞાન તો એને નિઃશંક ઊંઘાડે.

જીવવંુ થોડું ત્યાં ઉપાધિ શાને ?

પ્રશ્નકર્તા : અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂબ્યા છીએ.

દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ?! એવું છે. પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એક્સ્ટેન્શન કરી આપે છે ? આયુષ્યમાં એક્સ્ટેન્શન હોતું નથી ને ! તે પછી આપણે શું કરવા ઉપાધિ કરીએ ? સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આ તો એનું કંઈ ઠેકાણું નથી.

રુ રુ રુ

'અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે. એટલે આ પૈસા જતા કરીનેય જો વેર ભંગાતંુ હોય તો ભાંગો.'

ઉધરાણી બંધ તો ઉધારી બંધ

લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી '૪૨ થી '૪૪ સુધી મેં બધાને આપ આપ જ કર્યાં. પછી '૪૫માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે ? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. એના કરતાં ઉઘરાણી કરીએ તો પાંચ હજાર આપીને દસ હજાર લેવા આવે. એના કરતાં આ પાંચ હજાર એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે 'હવે ભેગા ના થાય તો સારું.' અને રસ્તામાં મને દેખે ને, તો પેલી બાજુથી જતો રહે, તે હું પણ સમજી જઉં. એટલે હું છૂટ્યો, મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ મને છોડ્યો !!

હવે એ ટોળામાં શા માટે પેઠો હતો ? માન ખાવા માટે. માન ખાવાનો મહીં મોહ રહેલો એથી માન ખાવા મહીં પેઠેલા. પણ હવે શી રીતે નીકળવું ? પણ મને આ રસ્તો જડી ગયો. જ્યારે જ્યારે મારા મનમાં નક્કી થાય કે હવે શી રીતે નીકળવું ? તે ઘડીએ મને સૂઝ પડી જાય. એટલે મેં નક્કી કર્યું કે આ પૈસા માંગવા નથી, તો કોઈ રસ્તો મળી જશે. એવો સરસ અંત આવી ગયો કે કોઈ આવતું જ બંધ થઈ ગયું. એમાંથી બે-ચાર જણ આવીને આપી ગયા હશે, પછી મેં એમને મોંઢે જ કહી દીધેલું કે, 'ભઈ, હવે તો મેં વ્યવહાર આ હીરાબાને સોંપી દીધો છે. મેં મારા હાથમાં કશું રાખ્યું નથી.' એવું કહી દીધેલું. એટલે ફરી ભાંજગડ જ મટી ગઈને ! હવે મારા હાથમાં કશું નથી, ઘરમાં મારું ચલણ પણ નથી', એવું કહી દીધેલું.

તે રૂપિયા આપ્યા પછી કોઈ ઘેર રૂપિયા પાછા આપવા આવ્યું નહીં, એ '૪૨ની સાલમાં. પહેલાં તો કોઈને આપીએ પછી કોઈ બસ્સો-પાંચસો ના આપે તો ઠીક છે. પણ આ તે બધા ભાઈબંધોને મારી પાસે હતું તે મેં હેલ્પ કરી, તે કોઈ પણ આપવા આવ્યા નહીં. એટલે મહીંથી અવાજ નીકળ્યો કે, 'આ સારું થયું. જો રૂપિયા પાછા ઉઘરાણી કરશો તો ફરી પાછા લેવા આવશે.' ઉઘરાણી કરીએ એટલે કકડે કકડે કરીને પાંચ હજાર આપે ખરા, પણ પાછો દશ હજાર લેવા આવે. એટલે લેવા આવવા બંધ કરવા હોય તો આ રસ્તો સરસ છે ! આપણે અહીંથી જ બંધ કરી દો, તાળાં મારી દો. ઉઘરાણી કરીએ તો આવેને ફરી ! અને એ લોકોએ શું જાણ્યું કે, 'ઉઘરાણી નથી કરતા, હેંડોને ફાવ્યા આપણે !' એટલે પછી એ લોકોએ મોઢું દેખાડવાનું જ બંધ કરી દીધું. અને મારે એ જોઈતું હતુંને ! એટલે 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.' એટલે આ કળા જડી તે ઘડીએ !

ખરીદો અહંકાર, માગે તે આપીને

એક ભાઈ મને કહે છે, 'સગાંવહાલાં આવીને લઈ જાય છે.' ત્યારે મેં કહ્યું, 'કેટલા લઈ ગયા ?' ત્યારે કહે, 'કો'ક સો લઈ જાય, કો'ક પચાસ લઈ જાય છે.' મેં કહ્યું, 'સગાંવહાલાંને તું બોલાવી બોલાવીને આપે છે કે ?' ત્યારે એ કહે, 'એ લેવા આવે છે. બોલાવીને કોઈ આપતો હશે કે ?' મેં કહ્યું, 'તારે ઘેર લેવા આવે છે કે ત્યાં જઈને તું આપી આવે છે ?' એ કહે, 'ઘેર આવે છે.' મેં કહ્યું, 'કેટલા માગે ?' એણે કહ્યું, 'સો.' મેં પૂછ્યું, 'શું સગા થાય ?' ત્યારે એ કહે, 'કાકા સસરાનો છોકરો.' તે આવે છે ને, માટે કંઈ એવિડન્સ છે. 'પણ એમ તો ખાલી થઈ જાયને ?' ત્યારે મેં કહ્યું, 'કંઈ મફત આપવાના છે ?' ત્યારે કહે, 'તે મને શું આપી દીધું ?' ત્યારે મેં કહ્યું, 'એનો અહંકાર વેચે છે, લઈ લેજે.' બે વસ્તુ થાય, કાં તો અહંકાર ગીરવે મૂકીને લઈ જાય, એ પૈસા પાછા આપી જાય અને (અહંકાર) વેચીને (પૈસા) લઈ જાય એ (પાછાં) ના આપે. એટલે મેં તો અહંકાર જ વેચાતો લીધો. આ બધો સામાન ક્યાંથી આટલો બધો ? આ તમેય અહંકાર વેચાતો લીધો. મને દેખાતું હતુંને ! પછી મને કહે છે, 'બધા લોકોને આપ્યા, સગાંવહાલાંને આપ્યા પણ પાછા કોઈએ આપ્યા નહીં.' મેં કહ્યું, 'બહુ સારું થયું. અહંકાર વેચાતા લીધા, તે આજે તમને ખબ

ર પડી ?'

પ્રશ્નકર્તા : હા, આજે ખબર પડી.

દાદાશ્રી : નાનપણમાંથી મને વિચાર આવેલો કે, આનો બદલો શો ? આપણે આપીએ ને જતા રહે છે તો બદલો શો ? ઝાડ નીચે બેસીને બહુ વિચાર કર્યો ત્યાર પછી ખબર પડી કે આ તો એનો અહંકાર વેચવા આવ્યો છે. તે કોણ વેચે ? મને કોઈ પૂછે કે 'તમારે ના હોય તો વેચો ?' ત્યારે હું કહું, 'ના બા.' મેં તો પહેલેથી અમારા મિત્રોની આખી ટોળીને કહી દીધું હતું કે, ભઈ આ હાથ માગવા માટે નથી, આ હાથ આપવા માટે છે. અહંકારે કરીને કહું છું (જ્ઞાન થયા પહેલાં) કે આ હાથ ભગવાન પાસે માગવા માટે નથી. માટે તમારે કોઈએ ભય ના પામવું કે આ દાદા મારી પાસે માગશે અને તમારે જ્યારે જરૂર હોય તો મને રાતે બે વાગે કહેજો. કારણ કે હું અહંકાર વેચનારો નથી, પોતે મહાપરાણે અહંકાર લાવ્યા હોય ! તે કોણ વેચે ?

મારી પાસે તો પૈસા આવે તો બીજા દહાડે રહે નહીં. એક લાખ હોય તો બે-ત્રણ દહાડા પછી દસેક હજાર પડ્યા હોય ! એટલે ભાગીદાર સમજી ગયેલા કે આમની જોડે પૈસા હાથમાં રહેતા નથી. પૈસાનો વહીવટ બધો અમે અમારા ભાગીદારને સોંપી દીધેલો.

આપવા પણ ગયા સમજીને

જો આપણે કોઈને રૂપિયા આપ્યા હોય, બે ટકાના વ્યાજે કે દોઢ ટકાના વ્યાજે કે પછી ત્રણ ટકાના વ્યાજે, પણ ફરી કોઈ દહાડો દેખાવાના નથી એવી રીતે આપવા. એટલે જ્યારે પછી પાછા આવે ત્યારે નફો જાણવો. એક વખત રૂપિયા અપાઈ ગયા પછી એની ચિંતા-ઉપાધિ કરવાની ના હોય, કારણ કે તમારા હાથમાં સત્તા જ નથી. આ મનુષ્યોના હાથમાં જીવવાની યે એક ઘડીવાર સત્તા જ નથી. કઈ સેકન્ડે મરી જશે એનું ઠેકાણું નથી ને રૂપિયાની ચિંતા કર્યા કરે છે. અલ્યા, રૂપિયાની ચિંતા થતી હશે ?

જગતવ્યવહાર હિસાબ માત્ર

કેટલાક લોક કહે છે કે, 'અમે કો'કને પૈસા ધીર્યા છે તે બધા ઘલાઈ જશે.' ના, આ જગત બિલકુલેય એવું નથી, કેટલાક કહેશે, 'પૈસા આપે તો ઘલાય જ નહીં.' એવુંય જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે.

મનમાં એમ થાય કે, 'કોઈ ચોર પકડશે તો શું થશે ?' એવું કશું બને એવું નથી. અને જે પકડાવાના છે તેને કોઈ છોડવાના નથી. તો પછી ભડકવાનું શેને માટે ? જે હિસાબ હશે તે ચૂકતે થઈ જશે. અને આમાં હિસાબ નહીં હોય તો કોઈ કશું નામ દેનારાં નથી. હવે આમાં નીડરેય નથી થઈ જવાનું કે મારું નામ કોણ દે ? એવું પાછું બોલાય જ નહીં. એ તો બીજાને પડકાર આપ્યો કહેવાય. બાકી મનમાં ભડકશો નહીં. ભડકવા જેવું આ જગત નથી.

ત્રણ હજારનું આપણું ઘડિયાળ હોય અને ફોર્ટ એરિયામાં પડી ગયું હોય. ફોર્ટ એરિયા એટલે તો મહાસાગર કહેવાય, તે મહાસાગરમાં પડેલું કંઈ ફરી જોડે નહીં. આપણે આશાયે રાખીએ નહીં. પણ ત્રણ દહાડા પછી છાપામાં જાહેરખબર આવે કે જેનું ઘડિયાળ હોય તે, એનો પુરાવો આપીને અને જાહેરખબરનો ખર્ચ આપીને લઈ જાવ. એટલે આવું આ જગત છે, બિલકુલ ન્યાયસ્વરૂપ !! તમને રૂપિયા ના આપે તેય ન્યાય છે, પાછા આપે તેય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો. એટલે રૂપિયા ના આપે એમાં એનો કોઈનો દોષ નથી. એવી રીતે પાછા આપવા આવે છે એમાં એનો ઉપકાર શો ? આ જગતનું સંચાલન તો જુદી રીતે છે !

ઉઘરાણીની અનોખી રીત

ટૂંકી વાત, જે બન્યું એ ન્યાય છે. બીજો ન્યાય ખોળશો નહીં. જગતનો સ્વભાવ શું ? ન્યાય ખોળે. મેં એને સો રૂપિયા આપ્યા હતા અને ખરે ટાઈમે મેં પાંચ રૂપિયા માગ્યા તોય આપતો નથી. અલ્યા, નથી આપતો એ જ ન્યાય છે. આપણાથી એને અન્યાય શી રીતે કહેવાય ?

બુદ્ધિ તો માર તોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે ? માલ લઈ ગયા છે ને ?' આ 'શા બદલ' પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી. કહેવું, 'અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે'. પછી પાછા આવી જવું. 'પણ શા બદલ ના આપે એ ?' કહ્યું એટલે પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી !

જે બન્યું એ 'વ્યવસ્થિત' કહીએ ! જે બન્યું એ ન્યાય કહીએ એટલે બુદ્ધિ જતી રહે. જે બને છે એ ન્યાય છતાંય વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહિ. એના પર ચિઢિયાં ના ખાય અને આપણને અકળામણેય થાય નહીં. જાણે નાટક કરતા હોય ને, એમ ત્યાં બેસીએ, કહીએ કે, 'હું તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો, પણ આપણે ભેગા થયા' એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ. 'અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, 'તમને શું મુશ્કેલી છે ?' ત્યારે કહીએ, 'મારી મુશ્કેલીઓ તો હું જ જાણું. પૈસા ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો.' કહીએ. આમ તેમ વાત કરીને કામ કાઢવું. લોકો તો અહંકારી છે, તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએને, તો બધું કરી આપે. પાંચ-દસ હજાર અપાવડાવો કહીએ તોય, 'હા અપાવડાવું છું.' કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવા જોઈએ. સો ધક્કા ખાય ને ના આપ્યું તો કંઈ નહીં, 'બન્યું તે જ ન્યાય' કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે ?

પ્રશ્નકર્તા : ના, ના, બધા ધંધાવાળાને હોય.

દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી, ઉઘરાણીથી સપડાયું છે. તે મને કહે કે, 'મારી ઉઘરાણી દસ લાખની છે, તે આવતી નથી. પહેલાં ઉઘરાણી આવતી હતી.' કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા, હવે કહેવા આવે છે.

ઉઘરાણીનો શબ્દ તમે સાંભળેલો કે ? એ કોની રાણી છે વળી ?

પ્રશ્નકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે એ ઉઘરાણી જ છે ને !

દાદાશ્રી : હા, ઉઘરાણી જ છે ને ! એ ચોપડે તે ખરેખરી ચોપડે. ડિક્ષનરીમાં ના હોય એવો યે શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં. એવા મગજ ફરેલા હોય છે. પણ એમની જવાબદારી પર લાવે છે ને એમાં જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે.

ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય આ મેં શું બગાડ્યું છે તે મારું બગાડે છે.

ને એ ભૂત વળગે કેમ પોષાય ?

અમે નક્કી કરેલંુ કે ઉઘરાણીમાં કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોયને ના આપતો હોય તો પછી ઠેઠ સુધી એની પાછળ હેંડ હેંડ ના કર્યા કરવું. એ વેર બાંધે ! ને જાય ભૂતમાં તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો એમાં એનો શું ગુનો બિચારાનો ? હોય ને નથી આપતા એવા લોકો હોય ને ?

પ્રશ્નકર્તા : હોય ને ના આપતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : હોય ને ના આપે તેનેય શું કરીએ આપણે તે ? દાવો માંડીએ બહુ ત્યારે ! બીજું શું ? એને મારીએ તો પોલીસવાળા આપણને પકડી જાય ને ?

નહીં તો છોડી દઈએ કે ભઈ, હશે તો આવશે, નહીં આવે તો ગયું. તો આ વકીલનું ભૂત તો ના ઘાલવું પડે ને !

પ્રશ્નકર્તા : પણ આપણે છોડાતું નથી. સામો માણસ એવી રીતે ફરતો જાય કે આપણને છોડી દેવાનું મન ના થાય.

દાદાશ્રી : મન ના થાય તો વકીલનું ભૂત ઘાલે પાછું અને વકીલ કહેશે, 'હંઅ, સાડા નવે કહ્યું હતું તે પાછા પંદર પંદર મિનિટ મોડા થયા ? અક્કલ વગરના છો, ગધેડા છો, કૂતરા છો ! મેર ચક્કર, ફી આપણે આપવાની ને ઉપરથી ગાળો ભાંડે !

એટલે આપણે ગભરાવું નહીં. અને તે ઘડીએ આપણે વકીલને શું કહેવું જોઈએ કે સાહેબ, તમારે ને મારે કંડિશન ફીની છે. હું તમને ફી આપું ને તમે દાવો લડો. બીજી કોઈ કંડિશન ગાળની નથી. આ એકસ્ટ્રા આઈટમ કરો છો તેનો દાવો માંડીશ, એવું કહીએ. એક્સ્ટ્રા આઈટમ કહેવાય.

પ્રશ્નકર્તા : ના જવું એ જ વધારે સારું !

દાદાશ્રી : કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાહ્યો માણસ હોય તે કોર્ટમાં ના જાય. મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવાં ભૂતાંને પાછાં ના બોલાવે. વગર કામનાં ભૂતાં પજવ પજવ કરે. હજુ જીતવાનું તો જીતાશે ત્યારે પણ તે પહેલાં તો 'અક્કલ વગરના છો, ગધેડા !' કહેશે. આ અક્કલના કોથળા ! અને આ માણસ ! ગધેડો નહીં ! બધે આવું બોલાય ? આપણે ત્યાં પેલા ભક્ત છે ને, વકીલ, તે કહે છે, અમેય એવું બોલીએ છીએ. અલ્યા, કઈ જાતના નંગોડ છે તે ! એ તો સારું છે, બિચારા માણસો સુંવાળા તે સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને, તો શું કરો ?

અમારા ભાગીદાર એક વકીલને ત્યાં ગયા હતા. તે એમનો કેસ જલદી ચલાવ્યો નહીં, પણ પૈસા આપી આવેલા. ત્યારે કહે, સાહેબ, પૈસા મને પાછા ન આપશો. પણ મારો કેસ પાછો આપો ત્યારે પેલાએ શું કહ્યું ? કૂતરું કૈડાવીશ, જો ફરી આવ્યા છો તો ? શું થાય તે ? તે પછી મહાપરાણે સમજાવી-પટાવીને કેસ લઈ આવ્યા પાછા. એની પાસેથી પૈસા ના લીધા. પાછા બીજા વકીલને કેસ આપ્યો. એ જૈન હતા ને મોટા પ્રખર હતા. ત્યાં આગળ કેસ આપી આવ્યા. ત્યાં આગળ નવને બદલે સવા નવ થયા ત્યારે વકીલ કહે છે, 'તમે કૂતરા જેવા છો, ગધેડા જેવા છો, મારો ટાઈમ બગાડ્યો.' ત્યારે આ ભાઈ કહે છે, 'તમે જૈન થઈને આવું બોલો છો ? તો બીજા લોકો શું બોલશે ? આવી શર્ત છે ?' વકીલ કહે, 'તમે મને જગાડ્યો. જૈન થઈને ના બોલાય મારાથી. પણ આ તો બોલી દેવાય છે મારાથી.' અમારા ભાગીદારે એવું કહ્યું, કે 'આવું શું બોલો છો આ તમે ? જૈનનાં આવાં લક્ષણ હોય ? જૈન તો કેવી ડહાપણવાળી વાણી બોલે ? એમ કૈડવા જાય ?' આ તો બાયડી જોડે વઢવાડ થાય, તેમાં મારી ઉપર શું રીસ કાઢે છે ? વઢવાડ બાયડી ઉપર અને રીસ આપણી ઉપર કાઢે !

રુ રુ રુ

'આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ. એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછાં હોય ને ?'

છેતરાયા પણ કષાય ન થવા માટે

અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, 'તમારા ભોળપણનો લોકો લાભ ઉઠાવી જાય છે.' ત્યારે મેં કહ્યું કે, 'તમે મને ભોળા કહો છો, માટે તમે જ ભોળા છો, હું સમજીને છેતરાઉં છું'. ત્યારે એમણે કહ્યું કે, 'હવે હું આવું ફરી નહીં બોલું.' હું જાણું કે આ બિચારાની મતિ આવી છે, એની દાનત આવી છે, માટે એને જવા દો, લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ.

પ્રશ્નકર્તા : સાચી વાત છે, દાદા.

દાદાશ્રી : નાનપણથી મારો 'પ્રિન્સિપલ' એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી. આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ ઉપર પહોંચી ગયું, મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. જજો હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા. અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય. પણ જોજે, તું આવો પ્રયોગ ના કરીશ. આપણે તો જ્ઞાન લીધું છે ને ? આ તો જ્ઞાન ના લીધું હોય ત્યારે આવો પ્રયોગ કરવાનો.

છૂટ્યા કરી 'સમભાવે નિકાલ'

આ તો જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું. અમારેય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા રાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરાં. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. તે પછી અમે તો કોઈ દહાડો માંગીએ નહીં. પછી મને અમારા મહેતાજીએ એક દહાડો કહ્યું, 'આ આના બે-એક વર્ષ થયા, તે આ ભઈને કાગળ લખું ?' ત્યારે મેં કહ્યું, 'ના, કાગળ ના લખશો. એમને ખોટું લાગે' અને મને એ રસ્તામાં ભેગા થયા. ત્યારે મેં કહ્યું, 'મહેતાજી કાગળ લખવાનું કહેતા હતા. પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.' ત્યારે કહે, 'કયા પાંચસોની તમે વાત કરો છો ?' ત્યારે મેં કહ્યું, 'તમે બે વર્ષ પહેલાં ન્હોતા લઈ ગયા ? તે વખતના ચોપડામાં જોઈ જાવ.' 'એ મેં તમને આપેલા, તમે આ તો ભૂલ ખઈ ગયા છો' કહે છે. મેં જાણ્યું કે આવી ડિઝાઈન આખી જિંદગીમાં ફરી જોવા-જાણવા નહીં મળે. માટે આપણે આ ધન્યભાગ્ય આજે, મોટામાં મોટો ઉપદેશ આપવા આ માણસ આવ્યો. એટલે મેં એને શું કહ્યું ? આ મારી ભૂલ થઈ હોય વખતે, આજ બપોરે તમે ઘેર આવો. પછી ચા-પાણી પઈને પાંચસો આપી પાવતી લખાવી લીધી. આવો માણસ ફરી આખી જિંદગીમાં મળવાનો નથી. તે મૂઆ પાંચસો નહીં ને હજાર ગયા, પણ આટલો ઉપદેશ મળ્યોને ક

ે આવાં પણ માણસ હોય છે ! માટે આપણને જરા ચેતીને ચાલવાનો ભાવ થાયને ! પણ તે કેવો માણસ મને મળી ગયો! આપણે સ્વપ્નામાંય કલ્પના ના કરી હોય ! ઉપકાર તો ક્યાં ગયો ?

એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી પાવાં કે, 'ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે પાછા આવીને રૂપિયા આપી ગયા, નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.' એ કહે કે, 'વ્યાજ નહિ મળે.' તો કહીએ, 'મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !' સમજાય છે ? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ સુખી ? અને છે 'વ્યવસ્થિત' ! નથી આપતો તેય 'વ્યવસ્થિત' છે અને ડબલ આપ્યા તેય 'વ્યવસ્થિત' છે.

પ્રશ્નકર્તા : આપે બીજા પાંચસો કેમ પાછા આપ્યા ?

દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા. એ કહેશે કે, 'મારાથી અપાય એવા નથી, તો માંડવાળ કરજો.' તો એને પહોંચી વળાય ને ફરી આવતા અવતારમાંય ભેગો થાય તો વાંધો નથી ! પણ આવા માણસ તો કોઈ અવતારમાંય દર્શન ના થવાં જોઈએ. અમારી નાતને તો અડે જ નહીં તો સારું. અમારી નાતમાં ક્યાં સુધી અડે કે એ કહે કે, મારી પાસે સગવડ નથી તો તમે માંડવાળ કરો.' ત્યાં સુધી અમારી નાતને અડે પણ જે આવુું બોલે તે તો અમારી નાતને અડેય નહીં. કામ જ ના ચાલે ને ! અમારી નાત જોડે લેવાદેવા જ નહીં ને !! ફરી ભેગો જ ના થાય તો સારું, ફરી એનાં દર્શન જ ના થશો. પેલો જાણે કે, 'હું ફાવ્યો' અમે કહીએ કે, 'તું ફાવ્યો છું અને અમારી ઇચ્છા હતી, મારો મોટો હિસાબ પતી ગયો ને ! તું ફાવ !!' આ ક્વૉલિટીને તો કેવી રીતે પહોંચી વળાય ? હવે આને તો ન્યાય કહેવો કે અન્યાય ?! કોઈ કહેશે કે, 'તમે ન્યાય કરાવીને પાછા રૂપિયા લો.' મેં કહ્યું કે, 'ના, આ તો હવે ઓળખાણ પડ્યું કે આવી ક્વૉલિટી હોય છે. માટે આ જ્ઞાતિથી તો છેટા, બહુ છેટા જ રહો અને આમની જોડે તો ખરા ખોટાનો ન્યાય કરતાં તો તલવારો ઊડે એટલું થાય.'

હવે ત્યાં આગળ તમે કહો કે સમાધાન વૃત્તિ, ત્યાં શી રીતે મેળ પડે ?! અમે નિકાલ કરી નાખીએ, સમભાવે નિકાલ. તમને સમજાયુંને, હું શું કહેવા માગું છું તે ? આફ્ટર ઓલ આપણે આ ભાંજગડોમાં પડી રહેવું નથી અને પાછું એ પાંચસો જે લઈ ગયો તે કો'કના હાથની સત્તા નથી, એ વ્યવસ્થિતની સત્તાના આધારે એ નિમિત્ત છે. એને આવો વ્યાપાર કરવો છે એટલે આ વ્યવસ્થિત એને ભેગો કરી આપે છે, એની દાનત આવી છે એટલે અને આપણા હિસાબમાં જવાનું હોય. અને આપણને બોધપાઠ મળે છે. તમે જિંદગીમાં જોયેલો ના હોયને આવો ?!

તે ઘડીએ તમારા મનમાં કેટલા બધા ડિસ્કરેજ થઈ જાવ, આ પાંચસોની બાબતમાં ! આમ આપણે હોટલમાં પાંચસો રૂપિયા ખર્ચી નાખીએ. ખર્ચીએ કે ના ખર્ચીએ ? મુંબઈ ગયા હોય અને સારી હોટલ હોય તો બે દહાડા રાખીને પણ પાંચસો રૂપિયા ખર્ચી નાંખીએ. અને આમ પાંચસો ગયા તે આપણને છાતીએ ઘા લાગે. કારણ કે પેલું આપણે સમાધાન વૃત્તિ ખોળીએ છીએ ! કોઈ દહાડો સમાધાન ના થાય, કેમ થાય ?! આ સાવ આવું ઊંધું જ બોલે તેને ! એટલે સમભાવે નિકાલ કરી નાખો. ખરું કે ખોટું પણ કેસ ઊંચો મૂકી દેવાનો ! વેર ના બાંધે ને કશુંય નહીં ! ઊંધો ચોંટી પડે તો ઊંધો ચોંટી પડ, છતો તો છતો ચોંટી પડ ! અમે લોભિયો હોયને ત્યાં છેતરાઈને એને ખુશ કરીએ ! માની માણસ હોય તેને માન આપીને ખુશ કરીએ. જેમ તેમ ખુશ કરીને આગળ જઈએ ! અમે આ લોકોની જોડે ઊભા ના રહીએ. એડજસ્ટ એવરીવ્હેર, એવી કોઈ જગ્યા નથી કે અમે એડજસ્ટ ન થઈએ.

પ્રશ્નકર્તા : આવી રીતે જ્યાં એડજસ્ટ થવા જઈએ, ત્યાં વ્યવહાર શુદ્ધિ રહે ખરી ?

દાદાશ્રી : ચોક્કસ રહે. વ્યવહાર શુદ્ધિ એટલે શું ? કોઈને દુઃખ ન થાય, એનું નામ જીવન. કંઈ ન્યાય તોળવો, એનું નામ વ્યવહાર શુદ્ધિ નથી. અને ન્યાય-અન્યાય કરવા ગયા તો એકને દુઃખ થાય ને એકને સુખ થાય. સમાધાન વૃત્તિ અને સમભાવે નિકાલ, એને એક્ઝેક્ટ હું શું કહેવા માગું છું એ સમજાઈ ગયુંને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બસ, બસ. સમાધાન વૃત્તિ તો ક્યારેય ના થાય. સમાધાન ખોળ ખોળ કરુંને તો દસ જગ્યાએ થાય ને બે જગ્યાએ ના થાય, આપણું મન પાછું એ ફ્રેક્ચર કરી નાખે.

અમારા મનને એક ડાઘ નથી પડ્યો. કો'ક હમણે કહે કે બદમાશ માણસ છો. હું કહું કે ભઈ, બરોબર છે. તારે બીજું કશું કહેવાનું છે ? શાના આધારે તું કહું છું બદમાશ, એ મને સમજાય હવે. ત્યારે કહે, 'તમારા કોટની પાછળ લખ્યું છે, બદમાશ છે !' ત્યારે કહે, બરોબર છે.

જાણીને છેતરાય તે મોક્ષે જાય

તમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. એનું તો 'સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે' એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને ! આપણને આવો-પધારો કહે તો એનું પ્રિપેમેન્ટ હોય છે.

એટલે 'લોભિયાથી છેતરાય' એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષે જવું છે. હું અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો અને હું એમેય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં.

હું ઓળખું કે આ માની છે એટલે એને માન આપી અને આપણે આપણું કામ કાઢી લેવાનું.

અને લોભિયો હોય ત્યાં છેતરાવાનું થોડીવાર. એ આપણને છેતરે એટલે એ જાણે કે આપણું કામ થઈ ગયું. પણ આપણે તો 'મને આ ધર્મ કરવા દે છે કે નહીં ?' એટલું જ જોવાનું, નહીં તો લોભિયાથી છેતરાય નહીં તો લોભિયો ધર્મ કરવા દે નહીં.

લોભિયાથી છેતરાયો એનું નામ જ ઊંચામાં ઊંચો માણસ. ત્યારે આપણા લોક શું કહે ? 'એ મને છેતરી ગયો નથી. એનું શું ગજું છે ?' અલ્યા, એનો છેતરવાનો ધંધો છે. એનો ધંધો કરવા દેને, ધંધો ચાલવા દેને ! તમારો ધંધો ક્યાં છેતરવાનો છે ? એના બિઝનેસને કંઈક હેલ્પ તો કરવી જ જોઈએને ? એનો બિઝનેસ ચાલતો હોય તેમાં હેલ્પ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ?

પ્રશ્નકર્તા : હા, હેલ્પ થવા દો.

દાદાશ્રી : એ બિઝનેસ એને કરવા દે, હા. નહીં તો આપણને કોચ કોચ કર્યા કરશે.

હું ભોળપણથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણીને છેતરાય એ ભોળા હોય?

ચોરીઓ થવા દીધી, હિસાબ ચૂકવ્યા

અમારે કામ પર એવું થતું હતું ને, કે જેને રાખીએ તે જ ચોરીઓ કરાવડાવતો હતો. પછી એકને બદલે બે માણસ રાખ્યા. એક રાતનો અને એક દહાડાનો, એમ બે માણસ રાખ્યા. તો તેય ચોરી કરાવતો હતો, બીજે-ત્રીજે દહાડે ચોરીઓ થયા જ કરે. હું સમજી ગયો કે, આ બધું બરાબર છે, આ હિસાબ બધો ચૂકવી દેવાનો થયો છે. આ ગામમાં ચોરીઓનો હિસાબ ચૂકવવા આવ્યા છીએ, તે બધો હિસાબ ચૂકવાઈ જાય એટલે ઉકેલ આવી ગયો. ચોર ચોરીઓ કરે ને અમારે સવારમાં જાણવાનું. જાણીને પાછું ઠંડંુ પાડી દેવાનું ને જે સ્પેરપાર્ટ ચોરી ગયો હોય એ પાછા બીજા મંગાવી લેવાના ને કામ ચાલુ રાખવાનું, એટલું જ કામ કર્યા કરવાનું. પાછું સાત દહાડે પોલીસવાળાને ખબર આપવાની. એ ખાતર પાછળ દીવો ! એમ કેમ કરવાનું ? ના, એય નાટક કરવું પડે. નાટક ના કરીએ તો પછી ખોટું ઠરે. પાછો ફોજદાર આવે, એ ફોજદાર પૂછે કે, 'શું શું ગયું ?' ત્યારે હું કહું કે, 'આ આ ગયું છે, અમુક સામાન બધો ગયો છે, તમે એક વાર બધાને દબડાવો.' તે પછી એ બધાને દબડાવી આવે કે, 'હેય, આમ કેમ ? હેય, આમ કેમ ? હું આવ્યો છું.' આપણે જાણીએ કે કાલથી પાછી ચોરીઓ ચાલુ થઈ જવાની. આપણે એ જ્ઞાન જાણતાં જ હોય. ફોજદાર દબડાવે, પેલા ચોરી કરે, આપણે આ બધું કર

ાવડાવીએ, એમ બધું ચાલ્યા કરે ! પણ 'વ્યવસ્થિત'ની બહાર કશું થઈ જવાનું નથી. બાર મહિના સુધી ચોરી થઈ, પણ અમારે ત્યાં કોઈને પેટમાં પાણી હાલેલું નહીં. રોજ ચોરીઓ થયા કરે, આપણે જાણ્યા કરવાનું કે ભઈ, આજ આટલી ચોરી થઈ.

રુ રુ રુ

'જે બન્યું એ ન્યાય છે. બીજો ન્યાય ખોળશો નહીં. આ તો આપણા ન્યાયથી છે. આ સાચું ને ખોટું નેચરલ ન્યાયથી હોવું જોઈએ. નેચરલ ન્યાય શું કહે છે કે જે બન્યું એ કરેક્ટ, જે બન્યું એ જ ન્યાય. જો તમારે મોક્ષે જવું હોય તો બન્યું છે એ ન્યાય સમજો.'

બન્યું એ જ કુદરતનો ન્યાય

મારી ૪૫ વર્ષની ઉંમર હતી. ત્યારે જ્ઞાન નહીં થયેલું. થયું એવું કે આપણું લોખંડનું કારખાનું હતું. તે કારખાનામાં અમારા ગામનો એક જણ હતો. તે મને કહે, 'મારે કારખાનામાં પતરાં મૂકવાં છે. મારે હમણાં ગાડું લઈ જવાનું સાધન નથી.' મેં કહ્યું, 'ક્યાંથી લાવ્યો આ ?' ત્યારે એ કહે, 'કંટ્રોલમાંથી લાવ્યો છું.' ત્યારે મેં અમારા ભાગીદારને ચિઠ્ઠી લખી આપી કે એને બિચારાને પતરાં મૂકવા દેજો. છ પેટી પતરાં હતાં. એક પેટીમાં છ-છ નંગ હોય, સાત-આઠ નંગનીય હોય. પછી છ મહિના, બાર મહિના થયા, પણ પેલો લેવા આવેલો નહિ. પછી કાગળ આવ્યો એનો, પછી એ જાતે આવ્યો ને કહે કે, 'આજે અમે ગાડું લઈને લેવા આવ્યા છીએ. 'હવે એ પહેલાં અમારે ત્યાં સરકારના માણસો આવી ગયેલા. તેમણે પૂછ્યું, 'તમારે ત્યાં પતરાં ક્યાંથી લાવ્યા છો ?' મેં કહ્યું, 'બહારગામવાળાનાં છે, અમારે ત્યાં મૂકી ગયા છે ખાલી.' ત્યારે સરકારવાળા કહે, 'અમે જપ્તીમાં લઈએ છીએ. આ કંટ્રોલનું લાવ્યા ક્યાંથી ?' મેં કહ્યું, 'લો જપ્તીમાં, મારે શું ?' હવે પેલા લોકો આવ્યા તે, 'અમે એ લોકોને પરમીટ દેખાડી આવ્યા કે હવે માલ લેવા દો.' મેં કહ્યું, 'આ ઝઘડો થયો, એ લોકો પરમીટ ખોળતા હતા.' ત્યારે એમણે કહ્યું, 'એ તો અમે દેખાડી આવ્યા હવે માલ

લેવા દો.' મેં કહ્યું, 'હા, ત્યારે લઈ લો.' ને અમારા ભાગીદારે માલ લેવા દીધો. પછી પેલા સરકારના માણસો આવ્યા, એ અમને કહે કે, 'તમે માલ વેચી દીધો ?' અલ્યા ભઈ, અમે વેચતા જ નથી. અમે જાણતા જ નથી. આ તો પેલા માણસો લઈ ગયા.' ત્યારે એમણે કહ્યું, 'પણ અમે તમને ના કહ્યું હતું ને ? આ જપ્તીમાં લીધેલા છે ને ? આ સરકારી માલ છે. એ કેમ વેચાય ? તમારાથી અપાય કેમ કરીને ?' મેં કહ્યું, 'ભઈ, એ તો પરમીટ બતાડીને લઈ ગયા !' ત્યારે એ કહે, 'એણે ખોટું કહ્યું, આ તો તમને એણે ફસાવ્યા.' ત્યારે મેં કહ્યું, 'ભાદરણમાં અમુક નામ છે...' એ ખબર આપી. તે લોકોએ તપાસ કરી. મામલતદારે પેલા લોકોને ટૈડકાવ્યા. તો તે કહે છે, 'અમે લાવ્યા જ નથી ને !' એટલે મામલતદારે અહીં કહેવડાવ્યું. એટલે પછી આ સરકારના લોકો કહે છે કે આ લોકોએ વેચી ખાધાં !

એટલે અમારી ઉપર વોરંટ કાઢ્યું. મુખ્ય ભાગીદાર તરીકે તો અંબાલાલ મૂળજીભાઈ પટેલને ત્યાં પોલીસવાળો આવ્યો. હું અંદર બેઠેલો. પોલીસવાળો કહે છે, 'અંબાલાલ મૂળજીભાઈ છે ?' મેં કહ્યું, 'હા, હું છું.' સાંજના સાડા પાંચ વાગેલા. હું તો ગયો એની જોડે ત્યારે ત્યાં ફોજદાર નાની ઉંમરનો બેઠેલો. તે મને કહે છે, 'તમે કેમ ફસાઈ ગયા છો ?' મેં તેમને કહ્યું, 'તમને શી રીતે ખબર પડી કે હું ફસાયો છું ?' ત્યારે એ કહે, 'અમે તમને ના ઓળખીએ ? બિલાડીને ઉંદરની ગંધ આવે કે ના આવે ?' 'આવે.' 'તેમ અમને ચોરની ગંધ આવે.' એવું એણે કહ્યું. 'તમે ચોરી નથી કરી. તમે ચોરી કરી હોય તો અમને ગંધ આવે કે આ માણસે ચોરી કરી છે !' મેં કહ્યું, 'પણ સાહેબ અમે ફસાયા છીએ. શું થાય તે ?' ત્યારે એ કહે, 'પણ સાહેબ શું વાંધો થયો ? તમે થોડીવાર બેસો. તે પછી તેમણે ચા મંગાવી. ચાના પૈસા મેં આપવા માંડ્યા ત્યારે એ કહે, 'તમારે નહિ આપવાના.' મેં કહ્યું, 'સાહેબ, કામ મારું ને ઊલટાં તમે મને ચા પાઓ છો ?'

પછી એ કહે, 'તમે ફસાયા છો એવું મને લાગ્યું, માટે હવે કંઈ રસ્તો કરી આપું.' 'તમે રસ્તા કાઢો છો ?' ત્યારે એ કહે, 'સીટી મામલતદારને ખબર આપો કે તમે ફોજદાર પાસેથી આ બિનવારસી મિલકત મંગાવી લો. તો પછી એની પાસે કેસ બધા જાય. પછી આ ફોજદારી ગુનો ઊડી જાય તમારો !' મિયાંભાઈને મેં કહ્યું, 'તમને હું ચોર નથી એ શી રીતે ઓળખાણ પડી ? કો'કે મારા ગજવામાં વીંટી નાખી હોય તો તમે શું કરો ?' ત્યારે એ કહે, 'અમે તરત જાણી જઈએ કે તમે ચોરી નથી કરી. આ કો'કે નાખેલી છે. ડાકુ જેવી આંખ ઓળખતા નહિ હોય લોક ? આની આંખ ડાકુ જેવી છે, આની આંખ છે તે ચારિત્ર્યનો ફેલ છે, એવું નથી ઓળખાતું ?

અને અમારી આંખમાં વીતરાગતા દેખાય. બધા જુએ ને કે કોઈની પર રાગેય ના થાય ને દ્વેષેય ના થાય.

પ્રશ્નકર્તા : પછી આગળ શું થયું ?

દાદાશ્રી : પછી એવું થયું કે હું ઘેર આવ્યો. ત્યાં એક અંબુભાઈ પાઠક કરીને ભાઈ આવલો. તે ડીપ્લોમા થયેલો, તે મારી પાસે કોન્ટ્રાક્ટના અનુભવની લાઈન શીખતો હતો. એટલે એ રોજ આવે. તે આવીને બેઠેલો. મેં એને કહ્યું, 'કેમ પાઠક કેમ ? ક્યારના આવ્યા છો ?' એણે મને કહ્યું, 'તમે ક્યાં ગયા હતા ?' મેં કહ્યું, 'આવી ફસામણ હતી, તે ત્યાં ગયા હતા. હવે અહીં સીટી મામલતદારને ત્યાં જવું પડશે.' તે પાઠક મને કહે, 'મારા કાકા પરમ દા'ડે જ નવસારીથી અહીં મામલતદાર તરીકે આવ્યા. શું કામ છે તમારે ?' મેં કહ્યું, 'આવું કામ છે.' ત્યારે એ કહે, 'એ તો કરી આવીશ, તમારું કામ !' મેં કહ્યું, 'અલ્યા, આ તો બહુ ગોટાળિયું કામ છે, મને જાતે આવવા દે.' 'ત્યારે એ કહે, 'ગમે તેવું ગોટાળિયું કામ હશે તોય હું કાકાને કહી દઈશ.' ને એણે તો એના કાકાને કહી દીધું કે કંઈક રસ્તો કાઢો ! જેટલા હજાર-બારસો ભરવાના હશે તો ભરી દઈશ.' ત્યારે એના કાકા કહે, 'ચાર આનાય નહીં !' ને એમણે કેસ જ કાઢી નાખ્યો ! એમને બધું આવડે.

એ તો આપણો ગુનો હતો જ નહીં ને આવો તો અહંકાર કર્યો કે લો, અમારા કારખાનામાં પતરાં મૂકો. કશો વાંધો નહીં. એના આ ધક્કા ખાવા પડ્યા. કંઈ દાનત ખોરી ન હતી.

પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ આપણી પાસે આવી રીતે હેલ્પ માંગવા આવ્યા કે ભાઈ, આ અમને હેલ્પ કરો, મૂકવા દો, તો તેને મૂકવા દેવું કે નહિ ?

દાદાશ્રી : અરે, મૂકવા દેવું હોય તો બોંબ મૂકીને જાય, અત્યારે તો ! મને હઉ લોકો કહે છે કે બોંબ મૂકી જાય, પણ મેં કહ્યું, 'ભાઈ, હવે મૂકી જાય એનું શું થાય તે ? જે થશે એ ખરું ! છેવટે કર્મના ઉદય હશે તો જ મૂકાશે ને ! આ કંઈ દુનિયામાં ન્યાય છે કે અન્યાયમાં ?

પ્રશ્નકર્તા : ન્યાયમાં.

દાદાશ્રી : એટલે ગભરાવું નહિ. તેમ મૂકવા દેવું એવોય નિશ્ચય નહિ રાખવો અને નહિ મૂકવા દેવું એવોય નિશ્ચય નહિ રાખવો અને પેલો નિશ્ચય કરીએ તો આ બાજુ પડીએ અને આ નિશ્ચય કરીએ તો પેલી બાજુ પડીએ ! વચ્ચે મોક્ષનો માર્ગ !

- જય સચ્ચિદાનંદ