અહો ! કરુણા, જ્ઞાની તણી

સંપાદકીય

સંસારમાં ધર્મ તો બધા કરતા જ હોય છે પણ તેનો અંતિમ ધ્યેય અથવા તો પરિણામ શું હોઈ શકે ? તેનો ફોડ અનુભવી જ્ઞાની સિવાય કોણ આપી શકે ? વીતરાગોના હ્રદયની વાત જ્ઞાની સિવાય કોણ સમજાવી શકે ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આ અંગેનો સચોટ ફોડ પાડતા કહે છે કે ધર્મની શરૂઆત દયાથી થાય છે અને એનો અંત કરુણાથી થાય છે.

દયા એ દ્વંદ્વ ગુણ છે. દયા હોય ત્યાં નિર્દયતા હોય. દયા કરનાર વ્યક્તિ ક્યારે નિર્દયી વ્યવહાર કરી દે તે કશું કહેવાય નહીં ! ઉંદરને બચાવવાનો પ્રયત્ન કરનારથી બિલાડી પ્રત્યે નિર્દયી વ્યવહાર થઈ જતો હોય છે ને ! અને તેય બન્ને કર્મો, પાછા કર્મબંધના કારણ પણ બનતા જ હોય છે. દયા, અનુકંપા, સહાનુભૂતિ એ પૌદ્ગલિક ગુણો છે અને ગુણ હોય ત્યાં અવગુણ પણ હોય. જ્યારે ગુણ-અવગુણથી પર થાય ત્યારે કરુણા પદમાં આવે, ભગવાન પદને પામે. ભગવાન ગુણ-અવગુણથી પર હોય ને કેવળ કરુણા ને પ્રેમસ્વરૂપ હોય.

છેવટે ખરો ધર્મ જ એ છે કે જે પોતાના આત્મસ્વરૂપનું ભાન કરાવી, પાપ-પુણ્યના કર્મબંધમાંથી છોડાવી મુક્તિપદને પમાડે. એટલે જ દાદાશ્રી કહે છે કે ધર્મ કરતાં કરતાં દયા, સહાનુભૂતિ, અનુકંપા વગેરે ગુણોને ઓળંગી છેવટે કરુણા ભાવમાં આવવાનું હોવું જોઈએ કે જ્યાં વીતરાગો પહોંચી, અનેકોનું કલ્યાણ કરી મુક્તિપદને પામ્યા છે.

દાદાશ્રી પોતે આત્મરમણતામાં રહીને, લોકોના કલ્યાણની ભાવનાથી જે કરુણાસભર વ્યવહાર કરે છે તે ખરેખર અજોડ છે. વીતરાગતા સાથેની વ્યવહાર જાગૃતિ માત્ર જ્ઞાનીપુરુષના નિરપેક્ષ વ્યવહારમાં જ જોવા મળે. તેમની સત્સંગ સરવાણીમાં જુદા જુદા દ્ષ્ટિકોણથી દ્ષ્ટિગોચર થતી ક્ષમા-કરુણા-કારુણ્યતા-પ્રેમની સમજ અદ્ભૂત છે. કોઈપણ જાતના અહંકાર, અંગત સ્વાર્થ કે અપેક્ષા વગર કેવળ લોકોના કલ્યાણ માટે જે કરુણા વહાવી તેનો જોટો મળવો આ કાળમાં મુશ્કેલ છે. કોઈપણ જીવને કિચિંત્માત્ર પણ દુઃખ ના થાય તેવી સતત જાગૃતિ રાખી જગતને જે કારુણ્યતા બક્ષી છે તે આ ધીટ્ કળિકાળની અલૌકિક ઘટના વર્તમાને લોકહ્રદયમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે.

આવા કરુણાસાગર પ્રગટ પરમાત્માની જ્ઞાનભક્તિથી આપણે આપણા ડિસ્ચાર્જ કષાયોને જ્ઞાનજાગૃતિથી ઓગાળી, એમણે રોપેલા જ્ઞાનબીજને અવિરત આજ્ઞાપાલન તથા જ્ઞાનજાગૃતિના સીંચનથી, એમના જગત કલ્યાણના મિશનને સાર્થક કરવાના પુરુષાર્થમાં લાગી જઈ જીવન સાર્થક કરી લઈએ તેજ અભ્યર્થના.

દીપક દેસાઈ

અહો ! કરુણા, જ્ઞાની તણી

પણ અંતે તો કરુણા જ

પ્રશ્નકર્તા : ધર્મના પગથિયાં ત્રણ કહ્યાં છે- અનુકંપા, સહાનુભૂતિ અને કરુણા. કૃપા કરી એના વિશે થોડું જણાવો.

દાદાશ્રી : ધર્મની શરૂઆત દયાથી થાય છે અને અંત કરુણાથી થાય છે. આમાં સહાનુભૂતિ તો કંઈ ધર્મ જ ના કહેવાય. સહાનુભૂતિ તો સંસારમાં અપાય. કરુણા એકલું જ ધર્મનું છે. પણ કરુણા તો આત્મજ્ઞાન થયા પછી હોય. અને અનુકંપા એ દયાની નજીકનો શબ્દ છે. પણ એમાં પોતાને દુઃખ થાય ને ! એમાં શું કાઢવાનું ? એવું તો ઘણાં અવતાર કર્યું છે, અને એનું ફળ આ ભૌતિકસુખો મળ્યાં છે. અને ભૌતિકસુખોની આશા હોય તો આનું આ જ કર્યા કરો. બીજ નાખો અને ફળ આવશે. કરુણા હોય તો વાત જુદી છે. ફક્ત આત્મજ્ઞાનીનાં ઉપરી તીર્થંકરોને કરુણા હોય. બીજા કોઈને કરુણા ના હોય.

આ બીજાં બધાં પગથિયાંનો અર્થ નહીં. આ બધાં પગથિયાં તો ગોથાં ખાઈ ખાઈને મરી ગયેલા. આમાં એક પગથિયું સાચું છે, કરુણા ! પણ તે આપણા હાથમાં આવે નહીં.

પ્રશ્નકર્તા : કરુણા કેમ ના આવે ?

દાદાશ્રી : એ તો વીતરાગતા આવે ત્યારે કરુણા આવે. વીતરાગો જ કરુણા કરે.

દયા એ પૌદ્ગલિક ગુણ

પ્રશ્નકર્તા : પણ સંવેદનશીલતા, દયા એ બધા સારા ગુણ છે ને ?

દાદાશ્રી : એ ગુણ છે ત્યાં અવગુણેય છે. જેનામાં અવગુણ ના હોય, એનામાં ગુણેય ના હોય ને ! મહાવીર ભગવાનમાં એ ગુણેય ના હોય અને અવગુણેય ના હોય. ભગવાનમાં દયા એવો ગુણ જ ના હોય.

પ્રશ્નકર્તા : પણ જેનામાં દયા જ ના હોય, નિષ્ઠુર હોય, એનાં કરતાં દયાવાળો સારો ને ?

દાદાશ્રી : ઘણો સારો. દયા તો ધર્મનો મુખ્ય ગુણ છે. દયાથી તો ધર્મની શરૂઆત થાય છે. પણ છેવટે દયાના પગથિયાં છોડી દઈને ઉપર ચઢવું પડશે. આખો દાદરો જ છોડી દેવો પડશે. કારણ કે દયા જોડે નિર્દયતા અવશ્ય હોય જ. દયા એ દ્વંદ્વ ગુણ છે. પણ દયા ને નિર્દયતા બંને છૂટે ત્યારે કરુણા ઉત્પન્ન થાય. ત્યાર પછી ભગવાન થાય.

પ્રશ્નકર્તા : તો પછી આજ સુધી આ વાત વીતરાગો સિવાય બીજાં કોઈ કેમ નહીં બોલતા હોય ? ને ફક્ત દયાની જ વાત કેમ કર કર કરે છે ?

દાદાશ્રી : દયાના આધારે જ, એ દયાથી જ એમનો ધર્મ ચાલે છે. દયા ના હોય તો એ નિર્દયી થઈ જાયને, તો એમની નિર્દયતા જુએ તો લોકોને ભડક લાગી જાય કે આ માણસ આટલો બધો નિર્દયી છે !

એવું છે, દયા-સહાનુભૂતિ એ બધાં પૌદ્ગલિક ગુણો કહેવાય. એ પૌદ્ગલિક ગુણોનો કોઈ ભરોસો નહીં. ક્યારે સનેપાત થાય અને ફ્રેક્ચર થઈ જાય એ કહેવાય નહીં. એ ગુણો પ્રાકૃતિક ગુણો છે અને પ્રકૃતિ સનેપાતવાળી છે. વાત, પિત્ત ને કફનો વધારો થયો તો સનેપાત થઈ જાય. અને સનેપાત થઈ જાય તો એ પૌદ્ગલિક ગુણો બધા નાસી જાય.

ભેદ, દયા અને કરુણામાં

પ્રશ્નકર્તા : તો દયા અને કરુણાનો હકીકતમાં ભેદ શું ?

દાદાશ્રી : દયા એ દ્વંદ્વ ગુણ છે. દ્વંદ્વ ગુણ એટલે તમે સમજ્યા ને ? નફો ને ખોટ, જો ખોટ છે તો સામો કંઈક બીજો શબ્દ હોવો જોઈએ, નફો. એવું એ દ્વંદ્વ ગુણ છે. દયા એનું નામ કહેવાય કે સામો દ્વંદ્વ હોય જ હાજર ! ભલેને થોડી, બહુ જૂજ, પણ નિર્દયતા હોય જ !! અને નિર્દયતા છે ત્યાં દયા હોય જ. સુખ હોય ત્યાં દુઃખ હોય જ. એ બધાં દ્વંદ્વ ગુણો છે. અને કરુણામાં એવું ના હોય. જ્ઞાની પુરુષને સુખ-દુઃખ, યશ-અપયશ, દયા-નિર્દયતા, એ કોઈ દ્વંદ્વ ના હોય. દ્વંદ્વથી પર થઈ ગયા હોય, દ્વંદ્વાતીત થઈ ગયાં હોય.

એટલે દયા હોય ત્યાં નિર્દયતા હોય એ વાત નક્કી છે. દયા એંસી ટકા હોય તો વીસ ટકા નિર્દયતા હોય. દયા પંચ્યાસી ટકા હોય તો પંદર ટકા નિર્દયતા હોય. દયા નેવું ટકા હોય તો દસ ટકા નિર્દયતા હોય. અને જો દયા સો ટકા થઈ ગઈ તો કરુણા થઈ ગઈ. એ પછી ત્યાં અહંકાર રહે જ નહીં. નિર્દયતા છે ત્યાં સુધી જ અહંકાર રહે.

પ્રશ્નકર્તા : તો દયા થાય એ અહંકારના રૂપમાં નથી આવતી ?

દાદાશ્રી : અહંકાર જ છે એ. એ ખૂલ્લો અહંકાર છે. દયા એ એક જાતનો અહંકાર છે, પણ એ શુભ અહંકાર છે, બહુ હિતકારી છે. પણ એ અહંકારેય જ્યારે ત્યારે છોડવો પડશે. જ્ઞાની થશો ત્યાં દયા ના શોભે.

પ્રશ્નકર્તા : તો પછી એ દયા શું કામની ?

દાદાશ્રી : જ્યાં સુધી અજ્ઞાનતા ગઈ નથી ત્યાં સુધી દયા હોય જ. અને જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી દયાની જરૂર છે. ત્યાં સુધી દયા હિતકારી છે, ફાયદાકારક છે. પણ તેય ભગવાને તો એવું કહ્યું કે સ્થૂળ દયા નહીં, ભાવદયા રાખજો. એટલે એ તો આત્મજ્ઞાનથી નીચલી શ્રેણીમાં દયા હોવી જોઈએ. દયાથી ધર્મ થાય, નિર્દયતાથી ધર્મ ના થાય.

કોઈ એક મોટા સંત મહારાજ અત્યારે બેઠા હોય, ત્યારે એ આપણને એટલા બધા દયાળુ લાગે. એમની દરેક બાબતમાં, હરેક ક્રિયા કરે એમાં દયા, દયા લાગ્યા કરે. પણ કોઈક દહાડો જો શિષ્ય જોડે ભાંજગડ થતાં એ અકળાયા હોય, ને આપણે ત્યાં જઈએ તો આપણા મનમાં એમ થાય કે ઓહોહો, આટલા બધા અકળાયા ! એટલે નિર્દયતા એક ખૂણામાં પડી રહેલી હોય. પેલા સંતનેય એમ જ લાગે કે હું મોટામાં મોટો દયાળુ છું ! ભગવાન જેવો દયાળું છું, એવું લાગે. પણ જ્યારે નિર્દયતા નીકળેને, તે દહાડે એનું મોઢું ઉતરી જાય.

એટલે દયા હોય ત્યાં નિર્દયતા હોય એ વાત નક્કી છે. એ નિર્દયતા એક ખૂણામાં પડી રહેલી હોય. એ ખબરેય ના પડે. એ ધણીનેય ખબર ના પડે કે કયા ખૂણામાં પડી રહી છે ! છતાં દયા રાખવા જેવી છે. સંસારમાં જ્યાં જ્ઞાન નથી, ત્યાં આગળ દયા તો રાખવી જ જોઈએ. દયાથી બધો લાભ સારો થશે. નહીં તો નિર્દયતા કામ કર્યા કરશે. દયા નહીં કરો તો નિર્દયતા ઉત્પન્ન થશે. કારણ કે આપણી આ હિન્દુસ્તાનની દશામાં દયા ના રાખે તો નિર્દયતા ઉત્પન્ન થાય. અને ફોરેનમાં ત્યાંના લોકો દયા ના રાખે તો યે કશો વાંધો નહીં, નિર્દયતા ઉત્પન્ન થાય જ નહીં. એ ફોરેનના લોકો સાહજિક છે.

હવે 'દયા હોય ત્યાં નિર્દયતા ભરી પડેલી હોય' એ વાક્ય બહાર લોકોને કહેવાય નહીં. નહીં તો લોકો દયા યે છોડી દેવા તૈયાર થઈ જાય કે હવે નિરાંત થઈ ગઈ, હવે દયા રાખવાની જરૂર જ નથી. પણ ધર્મનું પહેલું પગથિયું જ દયા છે. પણ એથી આગળ જવાનું છે, છેવટે કરુણામાં આવવું પડશે.

દયા એ શુભેચ્છાથી શરૂઆત થાય છે ને નિરીચ્છક સુધી દયા હોય. પછી દયા ના હોય, પછી કરુણા હોય. એટલે દયાનો ગુણ જરૂરી છે. પણ દયા ધર્મરૂપે હોવી જોઈએ. ને નિર્દયતાનો સ્વભાવ જ નિર્દયતાનો છે. હવે દયા એ ધર્મનો બીજભૂત ગુણ છે. એટલે બીજરૂપે છે, પણ વૃક્ષરૂપે નથી. વૃક્ષરૂપે તો કરુણા હોવી જોઈએ. સર્વ જીવ સમાન ! એટલે દયા એ ધર્મની બિગીનીંગ છે પણ એ દયાનાં 'એન્ડ' ઉપર જ્ઞાન છે, મુક્તિ છે.

#2728;િજ દુઃખ ટાળવા, કરે દયા

પ્રશ્નકર્તા : વ્યવહારમાં દયા કોને કહેવાય એ વિશે સમજાવો.

દાદાશ્રી : એક ભિખારી રોજ આવે છે, એની પર દયા નથી રહેતી એનું કારણ શું હશે ? પછી એ સ્વાભાવિક થઈ ગયેલું હોય કે આ તો રોજ આવે છે. તે પછી એમ કરતાં કરતાં દયા ઊડી જાય.

દયા તો આપણા હ્રદયમાં મહીં દુઃખ થાય. સામાને જે દુઃખ થતું હોય તે આપણાથી જોઈ શકાય નહીં ત્યારે દયા આવે. જેને દુઃખ થયું છે તેને દયા ના આવે, પણ પોતાને દયા આવે. એટલે દયા એટલે શું ? સામાનું દુઃખ જોઈને પોતાને દુઃખ ઉત્પન્ન થવું. પણ પોતાને દુઃખ ઉત્પન્ન થયું છે એ દુઃખ મટાડવા માટે જે પ્રયત્નો કરે છે ત્યારે કહે છે, 'મેં આનું દુઃખ મટાડ્યું.' 'અલ્યા, તારાં દુઃખને જ તેં મટાડ્યું. એટલે તે એનું કર્યું નથી, તે તારું કર્યું છે.' એટલે જેને દયા ઉત્પન્ન થાય છે એ બીજા ઉપર દયા નથી કરતા, પણ પોતાનું દુઃખ ઉત્પન્ન થયું તે મટાડવા હારુ પ્રયત્ન કરે છે. ત્યારે પછી પેલાને પાછો ઉપકાર ગણાવે છે કે, 'જો, મેં તારું કેટલું બધું કર્યું !' 'અલ્યા, તને દુઃખ થતું હતું તેથી તે કર્યું. જો મને દુઃખ થાય છે ? મહાવીર ભગવાનને દુઃખ થતું હતું ?'

એટલે દયા હોય ત્યાં કંઈ પણ નબળાઈ ઊભી થયા વગર રહે નહીં. અને મહાવીર ભગવાનને એવું કંઈ પણ ના થાય, એ તો સર્વશ્રેષ્ઠ પુરુષ થઈ ગયા પચ્ચીસસો વર્ષ પર ! જે દિવ્યાતિદિવ્ય કહેવાય, જે સંપૂર્ણ વીતરાગ કહેવાય ! વીતરાગ કોને કહેવાય કે જે કોઈના દુઃખે દુઃખી ના થાય. વીતરાગને કોઈ દુઃખ દુઃખરૂપે ના દેખાય. વીતરાગમાં કરુણા હોય ! દયાળુ હોય તે દુઃખી થાય, કરુણાવાળો ના થાય.

જરૂર ત્યાં પહોંચવાની

લોકો ધર્મની શરૂઆત દયાથી કરે છે, પણ જો છેવટે દયા રહે તો ધર્મ પૂરો થયો કહેવાય નહીં. કારણ કે દયા હંમેશા પરમાનંદમાં દુઃખ કરે. એટલે ધર્મ પૂરો થતાં પહેલાં દયાનો એન્ડ આવી જવો જોઈએ. નહીં તો દયાનો ગુણ રહે ત્યાં સુધી મહીં દુઃખ થાય હંમેશા. એટલે દયા જ દુઃખદાયી થઈ પડે છે.

પ્રશ્નકર્તા : પણ એને દુઃખ થયા વગર દયા તો નીકળે જ નહીંને ?

દાદાશ્રી : હા, દુઃખ થયા વગર દયા થાય જ નહીં. પોતાને દુઃખ થાય છે તેથી દયા આવે છે. વીતરાગને દુઃખ જ ના થાય. તેથી વીતરાગને તો દયાયે નહીં ને નિર્દયતાયે નહીં, એ દ્વંદ્વ ગુણ હોય નહીં. એટલેે ત્યાં સુધી જવું પડશે. ભલે આપ વીતરાગ ન થયા હોય, તેનો વાંધો નથી પણ છેવટે ત્યાં સુધી જવું પડશે. આપણે રેલવે લાઈનનો માર્ગ બધો જાણવો જોઈએને, કે આ માર્ગ શું કહેવા માગે છે ?

હવે એ દયાની ક્યાં સુધી જરૂર છે ? એ જ્યાં સુધી અધ્યાત્મને પામે નહીં ત્યાં સુધી. અધ્યાત્મને પામ્યા પછી દયાની જરૂર રહેતી નથી અહીં આગળ. 'જ્ઞાની' થતાંની સાથે જ કરુણામાં ભળી જાય છે. કરુણા એટલે પેલો દુઃખી હોય એની પરેય કરુણા અને પેલો દુઃખ દેતો હોય એની પરેય કરુણા ! કારણ કે બેઉ નબળા છે માટે કરુણા.

ફેર, અનુકંપા અને કરુણામાં

પ્રશ્નકર્તા : તો દાદા, અનુકંપા કોને કહેવાય ? અનુકંપા મુખ્ય નહીં ?

દાદાશ્રી : નહીં. અનુકંપા તો નાના છોકરાનેય આવે ને ઘૈડા માણસનેય આવે. અને અમને કરુણા હોય. મહાવીર ભગવાનને કરુણા હોય. આ મહાવીર ભગવાનનો માર્ગ બધો કરુણાનો માર્ગ છે. આત્મજ્ઞાન થયું ત્યારથી કરુણાનો માર્ગ બધો.

પ્રશ્નકર્તા : તો અનુકંપા અને કરુણામાં શું ફેર ?

દાદાશ્રી : બહુ ફેર. અનુકંપા ક્યારે કે મહીં આપણામાં સંવેદન થાય, એ મહીં કંપાયમાન થાય, ત્યારે એ અનુકંપા થાય. અને કરુણામાં કંપાયમાન ના થાય, પેટમાં પાણી ના હલે.

અનુકંપા રૂપી દુઃખ પોતાને થાય એટલે એ સહન ના થાય. પછી એનું દુઃખ કેમ કરીને મટે, એમ અનુકંપા રહ્યા કરે. એનું દુઃખ મટે તો પોતાનું દુઃખ મટે. નહીં તો પોતાનું દુઃખ કેમ કરીને મટે ? સામાનું દુઃખ મટાડે નહીં ત્યાં સુધી પોતાનું દુઃખ મટે નહીં. અને મહાવીર ભગવાન કરુણાવાળા હોય, એમને આ જોઈને દુઃખ જ ના થાય.

ત્યાં ન દયા, પણ કેવળ કરુણા

આ ઉંદર જાય, એની પાછળ બિલાડી જાય, ત્યાં ભગવાન મહાવીર બેઠા હોય તો બેઉને જોયા કરે. ભગવાનને કરુણા આવે. એ કાયદો હાથમાં ના લે. અને પેલી બાજુ કોઈક ઈન્ડિયન (ભારતીય) બેઠો હોય તે ? કાયદો હાથમાં લે કે ના લે ? તરત એનો ન્યાય કરી નાખે. ઉંદરની પાછળ બિલાડી પડી હોય તો ન્યાય કરે કે ના કરે ? શું ન્યાય કરે ?

પ્રશ્નકર્તા : બિલાડીને મારે.

દાદાશ્રી : ભગવાને બચાવવાનું કહ્યું હતું, દયા રાખવાનું કહ્યું હતું, પણ નિર્દયી થવાનું નથી કહ્યુંુ. આ તો તમે ઉંદર ઉપર દયા રાખી અને પેલી બિલાડી ઉપર નિર્દયી થયા.

પ્રશ્નકર્તા : તો શુંુ કરવું ?

દાદાશ્રી : ભગવાને આવું નિર્દયતા રાખવાનું નથી કહ્યું. એ સમજી જાવને, તમે ! ભગવાન એવું કહે ખરા કે એની પર નિર્દયતા રાખજે. ભગવાને શું કર્યું ? કરુણા રાખી. અને આપણા લોકો શું કરે ? અરે ! બિલાડીને એક ઢેખાળો મારે ! મારે કે ના મારે ? તમારી શું માન્યતા છે ?

પ્રશ્નકર્તા : એમ ન કરવું જોઈએ.

દાદાશ્રી : પણ મારેે ખરાંને, આપણા લોક ?

પ્રશ્નકર્તા : મારે.

દાદાશ્રી : એને મારવાની પરવાનગી આપી છે કોઈએ ?

પ્રશ્નકર્તા : એ સહજભાવ છે, સંસારીઓનો.

દાદાશ્રી : હા, સંસારી યોગ છે ને, એ મારી બેસે. એને ભાન નથી કે હું શું કરી રહ્યો છું ! કારણ કે એને શું થાય છે ? બિલાડીને જોતાંની સાથે એના મનમાં એમ થાય છે કે હું આ ઉંદરને બચાવું. તે બચાવવામાં આંધળો થઈ ગયો. તેથી સામાને કેટલું નુકસાન કર્યું કે હું શું જોખમદારી વહોરી રહ્યો છું એનું ભાન નથી રહેતું. અને પાછો આપણને શું કહે ? 'મને દયા બહુ આવી, મને બહુ દયા આવે છે.' અલ્યા, આ તેં દયા કરી કે નિર્દયતા કરી ? તે આ મોટા દયાળુ આવ્યા ! ઉંદર પર સહેજ દયા કરી અને બિલાડીનાં બચ્ચાં બે છે તે ખાધા વગર રખડી મર્યા. આ તેં ભયંકર નિર્દયતા કરી !

અમારામાં દયા ના હોય. દયા એટલે શું ? કે ઉંદર ઉપર દયા કરે. અને દયા એ રાગ છે તો દ્વેષ નામનો ગુણ ઉત્પન્ન થાય. એટલે બિલાડી ઉપર દ્વેષ કરે, નિર્દયતા કરે, એનું નામ દયા. અમારે તો કરુણા હોય. બિલાડી ઉપરેય કરુણા અને ઉંદર ઉપરેય કરુણા !

કરુણા, મહાવીરની

પ્રશ્નકર્તા : બિલાડી ઉંદરને પકડે ત્યારે જો ભગવાન મહાવીર ત્યાં હોય તો એમની બેઉનાં પ્રત્યે કરુણા કેવી હોય ?

દાદાશ્રી : પેલા ગોશાળાએ ભગવાન મહાવીરનાં બે શિષ્યોને બાળી મૂક્યા તોય ભગવાન તો તેવા જ વીતરાગ ! તો આ ઉંદર-બિલાડીમાં હાથ ઘાલતાં હશે ? ત્યારે બીજા શિષ્યોએ વિનંતી કરી કે, 'ભગવાન, આ તમારા જ શિષ્યોને બાળી મૂકે છે.' ત્યારે ભગવાન કહે છે, 'હું જીવનદાતા નથી, હું મોક્ષદાતા છું.' અહીં શિષ્યોમાં ઈમોશનલ નથી થયાં, તો ત્યાં ઉંદરડામાં થતાં હશે ? લોકોએ કહ્યુંયે ખરું, પણ પોતાના બે શિષ્યોને બળવા દીધાં. નહીં તો સહેજ જ એક આંખ મીંચકાર કર્યો હોતને, તો ગોશાળા ને એ બધાં ક્યાંય ઉડી ગયાં હોત ! અગાધ શક્તિ ! પણ ત્યારે તીર્થંકરપણું જાત એમનું. શું ખોઈ નાખત, એની સામે ? પણ ના ખૂએ. બહુ પાકા ! શિષ્યોએ ચઢાવ્યાયે ખરા કે 'ભગવાન, તમારા શિષ્યો, તમારા શિષ્યો.' પણ ભગવાન ચઢે કે ? એ ચઢે નહીં, (અહંકારના) ઘોડા પર બેસે નહીં.

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની કરુણા કઈ રીતે વહે ?

દાદાશ્રી : એ કરુણા તે કેવી ? કે બિલાડી ઉંદરની પાછળ પડી હોય તો ઉંદર ઉપરેય કરુણા ને બિલાડી ઉપરેય કરુણા. અને બિલાડીની પાછળ કૂતરું પડ્યું હોય તો તેની ઉપરેય કરુણા. કૂતરાંની પાછળ કોઈ માણસ ડાંગ લઈને પાછળ પડ્યો હોય તો તેની ઉપરેય કરુણા !

એટલે ત્યાં વીતરાગોનો મત શું કહે છે ? વીતરાગો કહે છે, કે અમે કરુણા રાખીએ છીએ. ઉંદર ઉપર શું કરુણા છે ? કે અરેરે બિચારાંને જીવવાની ઈચ્છા હતી છતાં એને આ મારી નાખે છે. એટલે એમને કરુણા આવે છે. ઉંદરને કહેશે, કે 'તું તારી આ દશામાં છૂટે છે. તારો દોષ તને માફ થાય છે. તારો હિસાબ હમણે ચૂકતે થઈ જશે.' અને બિલાડી પર શાથી કરુણા આવે છે ? કે બિલાડી આવો નવો દોષ ઊભો કરી રહી છે તેનું શું ફળ આવશે, એ ફળનું પરિણામ જોઈને એને કરુણા આવે છે. બિલાડીને કહેશે, 'તારી આ દશા થશે.'

હવે આ બિલાડી એનો હિસાબ બાંધે છે, તે ફરી એનું ભોગવવું પડશે. હવે બિલાડી હિસાબ બાંધે છે એટલે એને ચાર્જ થતું નથી. પણ તે ચાર્જ મહીં, ડિસ્ચાર્જરૂપે આવવાનું. અત્યારે તમે વકીલ છો, તો ડિસ્ચાર્જ રીતે કોઈક સારો કેસ લો એટલે તમને એ કેસમાંથી બે હજાર મળવાનાં. એવું એનું કર્યાનું ફળ તો આવેને ?! એ બિલાડીનેય ફળ મળી જાય.

પ્રશ્નકર્તા : કરુણા એટલે કોઈનોય પક્ષ ના લે ને ?

દાદાશ્રી : હા, કોઈનો પક્ષ ના લે. સહુ સહુનું ભોગવશે એમાં એ ડખો ના કરે. એમને વાળે કે એવું તેવું ના કરે. વાળે-કરે એ વીતરાગ ના કહેવાય. આ અક્કલવાળા તો બધા વાળે એવા છે ને ? બિલાડીને મારે હઉ ! અલ્યા, કઈ જાતનો જન્મ્યો ? મોટો દયાળુ ! કેટલા દહાડા તમે ઉંદરને બચાવશો ? એ તો બિલાડીનો ખોરાક છે. પણ એવું કહીને તમારે બેસી ના રહેવાય. ભાવના અંદર એવી રાખવી જોઈએ કે બિલાડી ગુનો ના કરે અને પેલો ઉંદર મરણ ના પામે. બહારમાં તો આપણા હાથમાં અધિકાર જ નથી ને !

અહંકાર ત્યાં ન હોય કરુણા

પ્રશ્નકર્તા : સાચા અર્થમાં દયા કોણ રાખી શકે ?

દાદાશ્રી : જે ક્યારેય નિર્દયી ના થતો હોય તે દયા રાખી શકે. આ તો લોકોને નિર્દયી થતાં વાર નથી લાગતી. દયા તો અહંકારી ગુણ છે ને કરુણા નિર્અહંકારી છે. કોઈક આપણી ઉપર દયા રાખતો હોય તો આપણા મનમાં હિનપણું લાગે, ચિંતા લાગે. જ્યારે કરુણા તો કારુણ્યભાવ છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, ઘણા લોકો કરુણાની વાતો કરે છે અને દયા જ નથી રાખતા.

દાદાશ્રી : કરુણા હોય નહીં. કરુણા હોઈ શકે નહીં. અહંકાર હોય ત્યાં કરુણા ના હોય અને કરુણા હોય ત્યાં અહંકાર ના હોય. કોઈ માણસને કંઈ લેવાદેવા ના હોય અને એમાં પોતાનું એ બધું બગાડતો હોય ત્યારે આપણા લોક કહે છે, 'કરુણા ખાવા જેવું કહેવાય.' પણ એને કરુણા કહેવાય નહીં. તું અહંકારી છે, માટે આ કરુણા નહીં. આ એક પ્રકારની દયા છે.

રાખવી કરુણા જીવમાત્ર પર

પ્રશ્નકર્તા : જે સારો માણસ હોય, એને જાતજાતના વિચારો આવે, મિનિટમાં કેટલાય વિચાર કરી નાખે, કર્મ બાંધી નાખે અને મંદ મગજનાને તો કશી સમજણ જ ના હોય એટલે એને તો કશું હોય જ નહીં, નિર્દોષ હોય ને ?

દાદાશ્રી : એ સમજણવાળા સમજણનાં કર્મ બાંધે ને ના સમજણવાળા ના સમજણનાં કર્મ બાંધે. પણ ના સમજણવાળાનાં કર્મ બહુ જાડાં હોય અને સમજણવાળા તો આમ વિવેક સહિત બાંધે. એટલે પેલો છે એના કર્મ બધાં જંગલી જેવાં હોય, જાનવર જેવાં હોય. એને સમજણ જ નથી, ભાન જ નહીં પછી, એ તો કો'ક દેખે ને ઢેખાળો મારવા તૈયાર થઈ જાય.

પ્રશ્નકર્તા : આપણે એવા માણસની દયા ન રાખવી જોઈએ ?

દાદાશ્રી : રાખવી જ જોઈએ. જેને સમજણ ના હોય, તેના તરફ દયાભાવ રાખવો જોઈએ. એને હેલ્પ કરવી જોઈએ કંઈક. મગજની ખરાબી, એને લઈને બિચારો આવો હોય, તેમાં પછી એનો શો દોષ ? એ ઢેખાળો મારી જાય તોય આપણે એની સાથે વેર નથી રાખતા, એની પર કરુણા રાખવી જોઈએ.

દયા છે અહંકારી ગુણ

પ્રશ્નકર્તા : દયામાં અહંકાર હોય છે ?

દાદાશ્રી : દયા એ ભયંકર અહંકારી ગુણ છે. દયા એ અહંકારી ગુણ શી રીતે ? દયા એ દ્વંદ્વ ગુણ છે. દ્વન્દ્વ ગુણો બધા અહંકારી ગુણો. દ્વૈતેય અહંકારી ગુણ ને અદ્વૈતેય અહંકારી ગુણ. આ લોકો અદ્વૈતની દુકાનો કાઢે છે, એમાં કશું વળે નહીં. કારણ કે એ દ્વન્દ્વ ગુણ છે, દ્વેત-અદ્વૈત. એટલે દયાવાળો હોય, એને નિર્દયતાના વિકલ્પો આવે.

દ્વંદ્વ એટલે દયા હોય તેનામાં નિર્દયતા અવશ્ય ભરી પડી હોય. એ તો નિર્દયતા જ્યારે નીકળે ત્યારે ખબર પડે. ત્યારે તો આખો બગીચો કઢાવી નાખે, બધા જ સોદા કરી દે. ઘર-બાર, બૈરી-છોકરાં બધું જ મૂકી દે. જગત આખું દ્વંદ્વ ગુણમાં છે. જ્યાં સુધી દ્વંદ્વાતીત દશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી જગતને માટે દયાનો ગુણ વખાણવા જેવી વસ્તુ છે. કારણ કે એમનો એ પાયો છે. છતાંય દયા રાખવાની તે પોતાની સેફસાઈડ રાખવા માટે, ભગવાનની સેફસાઈડ માટે નહીં. લોકોની દયા ખાવા જે નીકળી પડે તે તો પોતે જ દયાપાત્ર છે. અલ્યા, તું તારી જ દયા ખાને ! બીજાની દયા શું કરવા ખાય છે ? કેટલાક સાધુઓ સંસારીઓની દયા ખાય છે. 'અરેરે ! આ સંસારીઓનું શું થશે ?' અલ્યા, એમનું તો જે થશે તે થશે પણ તું એમની દયા ખાવાવાળો કોણ ? તારું શું થશે ? હજુ તમારું જ જ્યાં ઠેકાણું નથી પડ્યું, ત્યાં લોકોનું શું ખોળવા જાઓ છો ? આ તો ભયંકર કેફ કહેવાય. તે સંસારીઓનો તો કેફ તેલની અને સાકરની લાઈનમાં આઠ કલાક ઊભા રહીને ક્યાંય ઊતરી જાય છે, પણ આમનો કેફ ક્યાંથી ઉતરે ? ઊલટાનો વધતો જ જાય. નિષ્કેફીનો મોક્ષ થાય એમ ભગવાને કહ્યું છે. કેફ એ તો ભયંકરમાં ભયંકર સૂક્ષ્મ અહંકાર છે. એ બહુ જ માર ખવડાવે. આ સ્થૂળ અહંકારને તો કોઈકેય

દેખાડી આપશે. કો

ઈકેય કહેનારો મળી આવશે કે 'અલ્યા, છાતી કાઢીને શું ફરે છે ? જરા નમને !' એટલે પેલો ઠેકાણે આવશે. પણ આ સૂક્ષ્મ અહંકાર - હું કંઈક જાણું છું, મેં કંઈક સાધન પ્રાપ્ત કરી લીધું છે, હું કંઈક જાણું છું, એવો કેફ તે તો ક્યારેય નહીં જાય. અલ્યા, જાણ્યું કોને કહેવાય ? જ્ઞાનપ્રકાશ થાય ત્યારે. અને પ્રકાશમાં ઠોકર વાગે ? આ તો ડગલે ને પગલે ઠોકરો વાગે છે, તેને જાણ્યું શી રીતે કહેવાય ? પોતે જ અજ્ઞાન દશામાં ઠોકરો ખાતો હોય, તેને બીજાની દયા ખાવાનો શો હક ? જ્ઞાનીપુુરુષમાં દયા નામનો ગુણ ના હોય. એમનામાં અપાર કરુણા હોય.

કરુણા દ્ષ્ટિએ, ભાળ્યું જગત નિર્દોષ

અમને આખા જગતમાં દોષિત કોઈ દેખાય નહીં. મારું ગજવું કાપે તોય મને દોષિત દેખાય નહીં. એના ઉપર કરુણા છૂટે. દયા ના હોય અમારામાં બિલકુલેય ! દયા મનુષ્યોમાં હોય અને 'જ્ઞાનીપુરુષ'નામાં દયા ના હોય, દ્વંદ્વથી પર થઈ ગયેલા હોય ! અમારી દ્ષ્ટિ જ નિર્દોષ થઈ ગઈ હોય, એટલે તત્ત્વદ્ષ્ટિ હોય. આ અવસ્થાદ્ષ્ટિ ના હોય. બધાનામાં સીધો આત્મા જ દેખાય.

એટલે મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને 'તું ખોટો છે' એવું ના કહીએ. કારણ કે એનો એ 'વ્યૂ પોઇન્ટ' છે. ત્યારે લોક એને નાલાયક કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? 'સાવ જુઠ્ઠો કેસ જિતાડી આપીશ' એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદ્ન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનુંય ચાલે છે ને ? કોઇનેય અમે ખોટો ના કહીએ. એ એના 'વ્યૂ પોઇન્ટ'થી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ તું ચોરી કરે છે તેનું ફળ શું આવશે.

કેવળ કરુણા, કલ્યાણ માટે

આપણે તો સામાને પાછો ફેરવવા માટે આવ્યા છીએ. મારે દુનિયામાં કશું જોઈતું નથી. આ તો ક્યાંય ઊંધે રસ્તે ચાલ્યો જાય છે ને તેનાં આટલાં બધાં દુઃખો પડે છે. ઊંધે રસ્તે ચાલવાનું ને પાછાં જવાબદારી લે છે ! દુઃખ ના પડતાં હોય તો તો વાત જુદી છે. સુખ પડીને ઊંધે રસ્તે જતો હોય તો વાત જુદી છે. આ તો દુઃખ આટલાં સહન કરે છે ને ઊંધે રસ્તેની જવાબદારી લે છે. એટલે અમને કરુણા આવે છે કે આ ક્યાં તું ઊંધે રસ્તે ચાલ્યો જાય છે !

કરુણા, કેમ કરીને દુઃખમાંથી છૂટે !

મનુષ્યપણું એટલે મોક્ષે જવાનો ટાઈમ મળ્યો હોય ત્યારે આ તો ભેળું કરવામાં પડ્યો હોય, એ પાપાનુબંધી પુણ્ય છે. એમાં પાપ જ બંધાયા કરે. એટલે એ રખડાવી મારે એવું પુણ્ય છે.

પૂર્વના પુણ્યથી આજે સુખ ભોગવે છે, પણ ભયંકર પાપના અનુબંધ બાંધે છે. અત્યારે બધે પાપાનુબંધી પુણ્ય છે. કોઈ શેઠને એવો બંગલો હોય ત્યારે સુખેથી બંગલે ના રહી શકે. શેઠ આખો દિવસ પૈસાને માટે બહાર હોય. જ્યારે શેઠાણી મોહબજારમાં સુંદર સાડી પાછળ હોય ને શેઠની દીકરી મોટર લઈને ફરવા નીકળી હોય. નોકર એકલા ઘેર હોય અને આખો બંગલો ભેલાઈ જાય. પુણ્યના આધારે બંગલો મળ્યો, મોટર મળી, ફ્રીજ મળ્યું. એવું પુણ્ય હોવા છતાં પાપનો અનુબંધ બાંધે તેવાં કરતૂત હોય. લોભ-મોહમાં સમય જાય અને ભોગવી પણ ના શકે. પાપાનુબંધી પુણ્યવાળા લોકો તો વિષયોની લૂંટબાજી જ કરે છે.

એટલે તો બંગલા છે, મોટરો છે, વાઈફ છે, છોકરાં છે, બધું છે પણ આખો દહાડો હાય, હાય, હાય, હાય, પૈસા ક્યાંથી લાવું ? તે આખો દહાડો નર્યાં પાપ જ બાંધ્યા કરે. આ ભવમાં પુણ્ય ભોગવે છે અને આવતા ભવનું પાપ બાંધી રહ્યો છે. આખો દહાડો દોડધામ દોડધામ અને કેવું ? બાય (ખરીદો), બોરો (ઉધાર લો) એન્ડ સ્ટીલ (અને ચોરી લો). કોઈ કાયદો નહીં. બાય તો બાય, નહીં તો બોરો, નહીં તો સ્ટીલ. કોઈ પણ રસ્તે એ હિતકારી ના કહેવાય.

અત્યારે આજુબાજુ પુણ્ય બહુ મોટું દેખાય છે. એ બધું પાપાનુબંધી પુણ્ય છે. એટલે પુણ્ય છે, બંગલા છે, મોટરો છે, ઘેર બધે સગવડ છે, એ બધું પુણ્યના આધારે છે, પણ એ પુણ્ય કેવું છે ? એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે છે, કે કોનું લઈ લઉં ? ક્યાંથી લૂંટી લઉં ? ક્યાંથી ભેગું કરું ? કોનું ભોગવી લઉં ? એટલે અણહક્કની ભોગવવાની તૈયારીઓ હોય, અણહક્કની લક્ષ્મીય પડાવી લે, એ પાપાનુબંધી પુણ્યૈ !

કેટલાક લોકો તો નાના સ્ટેટના ઠાકોર હોયને એવી જાહોજલાલીથી જીવે છે ! કરોડો રૂપિયાના ફલેટમાં રહે છે. પણ જ્ઞાનીઓ શું જોતા હશે ? જ્ઞાનીઓને કરુણા આવે બિચારાઓ માટે ! જેટલી કરુણા બોરીવલીવાળા ઉપર ના આવે એટલી કરુણા આમની (મલબાર હીલવાળા) ઉપર આવે. શાથી એમ ?

પ્રશ્નકર્તા : કારણ કે આ તો પાપાનુબંધી પુણ્ય છે એટલે.

દાદાશ્રી : પાપાનુબંધી પુણ્ય તો છે, પણ ઓહોહો ! આ લોકોની બરફ જેવી પુણ્યૈ છે. જેમ બરફ ઓગળે એમ નિરંતર ઓગળ્યા જ કરે છે, એ જ્ઞાનીઓને દેખાય કે આ ઓગળી રહી છે ! માછલાં તરફડે એમ તરફડી રહ્યા છે ! એના કરતાં બોરીવલીવાળાની પાણી જેવી પુણ્યૈ, તે વળી ઓગળવાનું શું રહ્યું ? આ તો ઓગળી રહી છે.

એમને ખબર નથી ભોગવનારાને અને તે બધો કઢાપો-અજંપો, ભોગવવાનું રહ્યું છે જ ક્યાં ? અત્યારે આ કળિયુગમાં ભોગવવાનું શેનું આ ? આ તો કદરૂપું દેખાય ઊલટું.

મલબાર હિલ જેવડું પુણ્ય હોય પણ બરફના ડુંગર છે એ પુણ્ય. મોટો મલબાર હિલ જેવડો બરફ હોય પણ તે દહાડે દહાડે શું થયા કરવાનું ? ચોવીસે કલાક ઓગળ્યા જ કરે, નિરંતર. પણ આ મલબાર હિલમાં રહેનારા લોકોને પોતાને ખબર નથી, ટોપ ક્લાસના લોકોને ખબર નથી કે આપણું શું થઈ રહ્યું છે ? દિન-રાત પુણ્યૈ ઓગળ્યા જ કરે છે આ તો કરુણા ખાવા જેવા હાલ છે ! અહીંથી શું ખાતાં ખાતાં, શું ખાવું પડશે, એ ખબર નથી તેથી આ બધું ચાલે છે. આ તો પાપાનુબંધી પુણ્ય છે. કંઈથી પૈસા ભેગા કરું, આખો એમાં જ તાનમાં ને તાનમાં, કંઈથી વિષયોનું સુખ ભોગવી લઉં, કંઈ આમ કરું, તેમ કરું. આખો દહાડોય હાય પૈસા, હાય પૈસા ! અને જો મોટા મોટા ડુંગર પુણ્યના ઓગળવા માંડ્યા છે. એ પુણ્ય ખલાસ થઈ જવાનું, પાછા હતા તે બે હાથે ખાલી ને ખાલી. પછી ચાર પગમાં (જાનવરમાં) જઈને ઠેકાણું નહીં પડે. એટલે જ્ઞાનીઓ કરુણા ખાય કે અરેરેરે ! આ દુઃખોમાંથી છૂટે તો સારું. કંઈક સારો સંજોગ બેસી જાય તો સારું.

અપાર કરુણા, જ્ઞાનીની

અમે તો કહીએ છીએ કે આખાય જગતનાં દુઃખો અમને હો. તમારામાં જો શક્તિ હોય તો તમારાં સર્વ દુઃખો અમારા ચરણોમાં જરાય અંતરપટ રાખ્યા વગર અર્પણ કરી જાવ. પછી જો દુઃખ આવે તો અમને કહેજો. પણ આ કાળમાં એવાય લોકો મને મળ્યા છે કે જેઓ કહે છે કે દુઃખ આપી દઉં તો પછી મારી પાસે શું રહે ? પણ મૂઓ સમજતો નથી કે તું પોતે જ અનંત સુખનો કંદ છું. તે દુઃખ આપી દઈશ તો નર્યું અપાર સુખ રહેશે. પણ કોઈને દુઃખ આપતાંય નથી આવડતું !

'મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ' એવું ક્યાંક લખેલું છે. તે ડરના માર્યા મૃગ શબ્દ વાપર્યો છે. મૂઆ, ૩૨ માર્કે ગધેડો થાય ને ૩૩ માર્કે મનુષ્ય થાય. તે એક માર્ક તો દેહમાં વપરાઈ ગયો તે રહ્યું શું ? ગુણ તો ગધેડાના જ ને ! ફોટો મનુષ્યનો પડે પણ મહીં ગુણો પાશવી હોય તો તે પશુ જ છે. અમે ચોખ્ખું કહી દઈએ. કારણ અમારે ઘાટ નથી, લાલચ નથી. અમારે તારું હિત જ જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય. તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ.

જ્ઞાનીની નિષ્કારણ કરુણા

પ્રશ્નકર્તા : દાદા, એ નિષ્કારણ કરુણા કહેવાય ?

દાદાશ્રી : હા, એ જ. બીજું શું ? આ તો નિષ્કારણ કરુણા ! એના આત્મા ઉપર જ અમારી દ્ષ્ટિ હોય, એના પુદ્ગલ ઉપર દ્ષ્ટિ ના હોય. છતાંય અમે વ્યવહાર સાચવીએ પાછાં કે આ સત્સંગને હિતકારી માણસ છે, એટલે 'આવો પધારો' એમ કહ્યા કરીએ. બીજા લોકોનું હિત કરે એવાં માણસ હોય એને અમે બોલાવીએ. એ વ્યવહાર સાચવવો પડે, એ વ્યવહાર સાચવીએ અમે. અને પેલા તીર્થંકર ભગવાન છે તે એવું ના સાચવે. એમને ખટપટ નહીં ને ! અને આ તો ખટપટ અમારી !!

પ્રશ્નકર્તા : એ ખટપટનો વિભાગ આપનો રહ્યો છે, માટે તો અમે બધાં આમ આપની પાસે આવી શકીએ છીએ.

દાદાશ્રી : હા, તે જ. એને લઈને તો હું અટક્યો છું કે આ લોકોનું મારાં જેવું કેમ કલ્યાણ થાય એટલું જ, એને માટે ખટપટ ! ખટપટેય એને માટે ને ! આ બધો વેપાર જ એનો ને ! અને લોકોનું પણ કલ્યાણ થઈ જાય ને ! લોકોને વીતરાગતા જોવા મળે અહીં આગળ.

હેતુ, જગત કલ્યાણનો

આ જગત આખું શક્કરીયાં ભરહાડમાં મૂકે તેમ બફાઈ રહ્યું છે. ફોરેનવાળાઓ હઉ બફાઈ રહ્યા છે ને અહીંવાળાયે બફાઈ રહ્યા છે. 'શક્કરીયાં બફાઈ રહ્યા છે' એવું એક જણને કહ્યું ત્યારે એ કહે છે, 'દાદા, શક્કરીયાં બફાઈ રહ્યા છે કહો છો, પણ હવે તો સળગવા હઉ માંડ્યા છે. જે પાણી હતું, તે ખલાસ થઈ ગયું ને શક્કરીયાં સળગવા માંડ્યાં છે.' એટલે આ દશા છે ! આપણા સત્સંગનો હેતુ શો છે ? જગત કલ્યાણ કરવાનો હેતુ છે. એ ભાવના કંઈ નકામી જતી નથી.

વીતરાગો પણ કોઈને વઢ્યા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં. એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણે પણ એ જ ધ્યેય છે ને ! આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો આ બધો માલ મૂકી ગયા કે જાવ, પાછળ 'દાદા' થવાના છે ત્યાં જાવ. તે 'અમારા' ભાગે આવ્યું છે. 'અમારો' ઠપકો તો 'કરુણા'નો ઠપકો છે. 'અમારો' સ્વભાવ તો વીતરાગ છે. પણ 'જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે.' જેવો સામે રોગ હોય, તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.

અમારી કારુણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળેય એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે. તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ? આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે !

કરુણાભરી વાણી, કલ્યાણ અર્થે

અમે તો કહીએ છીએ કે તું તારું ભાવમરણ બચાવ. તું તારું ભાવમરણ ઉત્પન્ન ના થાય, ભાવહિંસા ના થાય એ જો. તમે કોઇની ઉપર ક્રોધ કરો તો પેલાને તો દુઃખ થતું થશે, પણ તમારી તો એક વાર હિંસા થઇ ગઇ, ભાવહિંસા ! માટે ભાવહિંસા બચાવો એમ ભગવાને કહ્યું. આટલે સુધી જ કહ્યું છે, આથી વધારે લાંબું કહ્યું નથી. હું શું કહું છું, એ વ્યુ પોઇન્ટ સમજાય છે તમને ? આ બહાર કેટલો બધો કેસ બફાઇ ગયો છે ! હવે આ ક્યારે ઊજળું થાય ? 'કભોઠે' પડી ગયેલાં વાસણને એને કઇ જાતનો એસિડ વાપરવો એ જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં ૫૦૦ વર્ષ સુધી તો સારું રહેલું ને ૨૦૦૦ વર્ષમાં આટલો બધો કાટ ? કૃષ્ણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ! આ અમારે કઠણ શા માટે બોલવું પડે છે ? અમારે 'જ્ઞાની પુરુષ'ને આવી કઠણ વાણી ના હોય; પણ અત્યંત કરુણા હોવાથી સામાના રોગ કાઢવા આવી કરુણાભરી વાણી નીકળે છે.

અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્ષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ ! તાત્ત્વિક દ્ષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી, સંજોગો એવા છે તેથી.

વીતરાગના ચાબખા, કરુણાથી

કોઈ લાલચ હોય એવા તો અહીં આવે ત્યારથી હું એને ચપોડું (ચોપડંુ) કે, 'પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો તોય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે, તો શું કામનું ?' અમારી, 'જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય. એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે પણ દેખાય નહીં.

જ્ઞાનીની કરુણા, કડકાઈમાંય

પ્રશ્નકર્તા : ઘણી વખત આપ અમને કહો છો કે 'તું ડફોળ છે, તારામાં અક્કલ નથી, તું કોથળા જેવો છે, વેંચું તો ચાર આનાયે ન આવે.' ત્યારે અમને એમ લાગે છે કે આપ કરુણા વરસાવી રહ્યા છો.

દાદાશ્રી : એવું છે, કે અમારું મગજ ખરાબ હોય નહીં કે અમારી આવી વાણી નીકળે. આવી વાણી નીકળવા માટે અમારી મહીં બહુ જબરજસ્ત 'એડજસ્ટમેન્ટ' કરવું પડે છે. કારણ કે આ વાણી આવી બોલાય નહીં. છતાં બોલીએ તો સામાનું પુણ્ય હોય ત્યારે અમારાથી બોલાય. ત્યારે અમે તમને કંઈક કડક શબ્દો કહીએ તો એ શબ્દો તમારો રોગ કાઢી નાખે.

ત્યારે કેટલાંક લોક કહે છે, 'અમને કહો, કહો.' અરે, શેનું કહે પણ ? આ ટેપરેકર્ડ બોલે છે. મારા હાથમાં સત્તા જ નથી રહી. કહેવાનું મારા હાથમાં જ ક્યાં છે ?

પ્રશ્નકર્તા : તમે સામાના ઉત્કર્ષ માટે વઢો તો શું ખોટું ?

દાદાશ્રી : અમે ઉદય પ્રમાણે ચાલીએ, વઢીએ નહીં.

એ છે જ્ઞાનીની કરુણા

આ જે ટેપરેકર્ડ બોલે છે, એમાં કેટલા રાગ-દ્વેષ હશે ?

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ હોય જ નહીં ને !

દાદાશ્રી : હા. નહીં તો કડક શબ્દ હોય તો એની પાછળ દ્વેષ હોય. મીઠા શબ્દ હોય તો એની પાછળ રાગ હોય. તો આ કડક શા માટે નીકળે ?

પ્રશ્નકર્તા : એનો રોગ કાઢવા માટે, સામાનું કલ્યાણ કરવા માટે.

દાદાશ્રી : એક છે તે મોટા વકીલ હતા. એે શું કહે છે ? આ દાદાને મારે કોઈ પણ જાતનું ઋણાનુબંધ નથી, કોઈ પણ જાતની લેવાદેવા નથી. ધન્ય છે આ દાદાને, કેટલી કરુણા વરસે છે ! મારા હિતને માટે આ શું બોલી રહ્યા છે ! કેટલો મગજ ઉપર બોજો આપી રહ્યા છે ! ત્યારે એ સમજદારને શું કહેવું પછી ? આનું નામ કરુણા કહેવાય. લોકો કેમ કલ્યાણ પામે ? તો તે કઠણ શબ્દથી થાય તો કઠણથી, મોળા શબ્દથી તો મોળાથી, ચીકણા શબ્દ તો ચીકણા, કોઈ પણ રીતે જેનાથી થાય તેનાથી કલ્યાણ કરવું.

પ્રશ્નકર્તા : જે પાણીથી મગ ચડે એ પાણીથી ચડાવો.

દાદાશ્રી : તે તાનસા (નદી)નું પાણી જો આવે તો એનાથી ચડાવો, એ ના મળે તો કુવો હોય તો એનાથી ચડાવો. એ ના મળે તો કો'કનું છે તે ઢોરોને પાણી પાવાનું, તો તે પાંચ-પાંચ દહાડાથી પડી રહ્યું હોય એનાથી ચડાવો. અને તે ના મળે તો ગટરના પાણીથી ચડાવો. કોઈ પણ પાણીથી મગ ચડાવવા સાથે કામ છે. મગ ના પાડે, નહીં ? ત્યારે ઝંઝટ બધી ચડાવનારને છે ને !

એટલે આ કરુણા કહેવાય. એક ખરાબ વિચાર પણ મને નથી, કારણ કે નિર્દોષ દ્ષ્ટિથી જોઉં છું. તમને શિખવાડુંય છું કે નિર્દોષ છે અને એક્ઝેક્ટલી એવું છે જ. કોઈ કહેશે, 'પ્રુફ આપો.' તો સો ટકા પ્રુફ આપવા તૈયાર છું. આ જે એ પોતે આપી શકે એમ છે ત્યારે એમની પ્રતીતિમાં શું હશે ? પ્રતીતિમાં નહીં, વર્તનમાં પણ એવું જ હોય. તે તમને પ્રતીતિ બેસશે તોય બહુ થઈ ગયું. વર્તન નહીં આવે તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : પ્રતીતિ બેસી જ ગયેલી છે, દાદા. બધાને બેસી જ ગયેલી છે. બધાય જાણે છે જગત નિર્દોષ છે, લગભગ.

દાદાશ્રી : એ જ આ હું કહું છું. હું લોકોને સો ટકા પુરાવા આપવા તૈયાર છું. એ પોતે કહે કે 'કમ્પ્લીટ પુરાવો છે આ !' દબડાવીને નહીં. તે ઘડીએ બહુ ડાહી ભાષા વાપરું, કારણ કે પુરાવો આપવાનો છે ને ! એ ભાષાય મને આવડે છે ને આય આવડે છે, બન્નેય આવડે છે. બીજી ભાષા નહીં આવડતી હોય મને, મીઠી ?

પ્રશ્નકર્તા : દાદા, આપને ઘણી મીઠી આવડે છે.

દાદાશ્રી : બધું આવડે. કારણ કે આ મારી વાણી નથી, આ ટેપરેકર્ડ છે !

પ્રરૂપણા, કષાય સહિત

આ વાક્ય સમજવું પડશેને કે 'કષાય સહિત પ્રરૂપણા કરવી એ નર્કની નિશાની છે.'

બહુ સ્ટ્રોંગ વાક્ય બોલું છું પણ આની પાછળ કરુણા છે અમારી ! અરે, આ નર્કે જવાનું ક્યાંથી ખોળી કાઢ્યું ? પ્રરૂપણા કરવા બેઠા (!) જાણે પોતાનું કલ્યાણ થઈ ગયું, તે લોકનું કલ્યાણ કરવા બેઠાં (!) કષાય ખરા કે નહીં ? કષાય છે અને પ્રરૂપણા કરો છો તો નર્કે જશો.

પછી મને કહે છે, 'અમે તો અત્યાર સુધી પ્રરૂપણા કરી.' મેં કહ્યું. 'હવે એની માફી માગી આવો, ભગવાન પાસે જઈને. શું જોઈને પ્રરૂપણા કરો છો ? મહીં ઠેકાણું નથી. મહીં તો બોલતાં પહેલાં છંછેડાઈ જાવ છો.'

હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તોય પણ મારા મોઢા પર જરા ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે-કરે તોય સમતા રાખે અને જોડે જોડે આશીર્વાદ આપે !

કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉપદેશ આપવો એ ગુનો છે. કષાયથી પર તો એકુંય નથી. અડધા કષાય પણ ગયા નથી હજુ. આખા પૂરા કષાય છે, સંપૂર્ણ કષાયી છે. એ તો જ્યારે છંછેડો ત્યારે ખબર પડે. છંછેડો ત્યારે શું દેખાય ?

પ્રશ્નકર્તા : ક્રોધ આવી જાય.

દાદાશ્રી : ને ફેણ માંડે કે ના માંડે ? બધા સાંભળવાવાળા બેઠેલા હોય, તે ભડકી જાય ને ? 'હેય, ફેણ માંડી' કહેશે. એટલે કો'ક ટૈડકાવે તો ફેણ માંડે. જે ફેણ માંડતા હોય, એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? ટૈડકાવે, માર મારે તોય ફેણ ના માંડે, સમતા હોય, ત્યારે એનાથી ઉપદેશ અપાય. આ તો ફેણ માંડે, હું-હું-હું ! જ્યાં સુધી 'હું' ઊભો છે, ત્યાં સુધી એ ઉપદેશ માટે લાયક હોતા હશે ? જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, 'હું' દેખાય નહીં ત્યાં વાત સાંભળજો. તો મોક્ષ થશે, નહીં તો મોક્ષ થવાનો નથી.

એનું નામ કરુણા

અને લોકોને બોલતાં ક્યાં આવડે છે ? બેભાનપણે બોલે. એમાં એમનો ઇરાદો નથી, કશી ઇચ્છા નથી. આ જીવોને ભાન જ નથી હોતુંને, શું બોલવું તે ! પોતાની વહુનું હઉ અવળું બોલે. પોતાનું હઉ અવળું બોલેને ! 'હું નાલાયક છું, બદમાશ છું' એવું હઉ બોલે. ભાન વગરનું બોલે. એને મનમાં જમે નહીં રાખવાનું. 'લેટ ગો' કરીને ચાલવા દેવું. આનું નામ કરુણા કહેવાય. કરુણા કોને કહેવાય ? સામાની મૂર્ખાઈ પર પ્રેમ રાખવો તેને. મૂર્ખાઈ પર વેર રાખે, તે તો જગત આખુંય રાખે છે.

પ્રશ્નકર્તા : બોલતાં હોય ને, ત્યારે એવું લાગે નહીં કે આ મૂર્ખાઈ કરે છે.

દાદાશ્રી : એ બિચારાના હાથમાં સત્તા જ નહીં. એની ટેપરેકર્ડ ગાયા કરે. અમને તરત ખબર પડે કે આ ટેપરેકર્ડ છે. જોખમદારી સમજતો હોય તો બોલે નહીં ને ! અને ટેપરેકર્ડેય ના વાગે.

શબ્દો પાછળ કરુણા જ વહી

બાકી, આ બધા જે ઉપદેશ બોલે છે કે 'આમ કરો, તેમ કરો.' પણ એમના પગ ઉપર આવે તે ઘડીએ ચિડાઈને ઊભા રહે. આ તો ઉપદેશની વાતો કર્યા કરે છે. ખરી રીતે ઉપદેશ આપવાનો અધિકાર કોનો છે ? જે ચિડાતો ના હોય, તેને આ બધો ઉપદેશ કરવાનો અધિકાર ! આ તો જરાક સામું કહ્યું તો તરત ફેણ માંડે, 'મારા જેવો જાણકાર, હું આવો ને હું આવો !' તે ભ્રાંતિમાં જ બોલ બોલ કરે. 'હું, હું, હું, હું.....' તેથી સુધરતું નથી ને !

આ તો વીતરાગ માર્ગ કહેવાય. બહુ જ જોખમદારીવાળો માર્ગ ! એક શબ્દ પણ બોલવો બહુ જોખમદારીવાળી વસ્તુ છે. ઉપદેશકોને તો બહુ જોખમદારી છે અત્યારે. પણ લોકો સમજતા નથી, જાણતા નથી, તેથી આ ઉપદેશ આપે છે. હવે તમે ઉપદેશક છો કે નહીં, તે તમારી જાતને તપાસી જુઓ. કારણ કે ઉપદેશક આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી મુક્ત હોવો જોઈએ. શુક્લધ્યાન ના થયું હોય તોય વાંધો નથી, કેમ કે ધર્મધ્યાનની વિશેષતા વર્તે છે. પણ પેલા બે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરતાં હોય, તો જોખમદારી પોતાની છે ને !

તેથી મારે કહેવું પડ્યું કે આ જે વ્યાખ્યાન બોલો છો, પણ ફક્ત સ્વાધ્યાય કરવાનો અધિકાર છે. ઉપદેશ આપવાનો અધિકાર છે નહીં. છતાં જો ઉપદેશ આપશો તો, આ ઉપદેશ કષાયસહિત હોવાથી નર્કે જશો. સાંભળનાર નર્કે નહીં જાય. મારે જ્ઞાની થઈને કડક શબ્દો બોલવા પડે છે, એની પાછળ કેટલી કરુણા હશે ! જ્ઞાનીને કડક થવાની શી જરૂર ? જેને અહર્નિશ પરમાનંદ, અહર્નિશ મોક્ષ વર્તે છે, એને કડક થવાની જરૂર શું હોય ? પણ જ્ઞાની થઈને આવું કડક બોલવું પડે છે કે 'ચેતતા રહેજો, સ્વાધ્યાય કરજો.' લોકોને એવું કહેવાય કે 'હું સ્વાધ્યાય કરું છું, તમે સાંભળો.' પણ કષાયસહિત ઉપદેશ ના અપાય.

એ વેણ, કારુણ્ય ઝરણામાંથી

કાયદો શું છે કે કોઈપણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો. પણ એ જ્ઞાન ના લઈ શકે એવા હોય, ઠંડા હોય તો તમારે ધીમું મૂકવું, વીતરાગ થવું. પણ આની પાછળ એ કરુણા છે કે 'આ અહીં સુધી આવ્યા છે તો પામો ને અલ્યા ! આ આટલો તાવ છે ને અલ્યા દવા નથી પીતા ! દવા તૈયાર છે.' પણ તે કાયદેસર ના ગણાય. એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાનાં પ્રતિક્રમણ કહ્યાં છે.

અમે તો વીતરાગ જ હોઈએ. અમને રાગ-દ્વેષ ના હોય. અને ભૂલેચૂકે એના તરફ સહેજ અભાવ થઈ જાય તો અમારી પાસે પ્રતિક્રમણની દવા હોય, એટલે તરત જ દવા કરી નાખીએ.

કરુણાના પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : આ કોઈની સાથે ગમ્મત થઈ જાય ત્યાં તમારે પ્રતિક્રમણ તો 'ઓન ધ સ્પોટ' થઈ જતાં હશેને ?

દાદાશ્રી : હા, એમાં મારો ભાવ ખરાબ નહીં. પણ તોય એ હાસ્ય કહેવાય. હાસ્ય નામનો કષાય કહેવાય છે. મશ્કરી કરતા નથી તોય હાસ્ય નામનો કષાય કહેવાય છે. એ બિચારો ભોળો છે ત્યારે એને ગોદા માર માર કરો છો ? પણ અમે પ્રતિક્રમણ કરીએ.

તે ગોદા મારીએ ત્યારે અમનેય ગમ્મત પડે જરા. પણ આ લોકો મજબૂત તો થશે એવું અમે જાણીએ એટલે 'હઉ થશે' કરીને અમે ગમ્મત કરીએ.

પ્રશ્નકર્તા : પણ આ ભાઈને માટે જે હાસ્ય કર્યું, તો એનાં પ્રતિક્રમણ એ કેવું ?

દાદાશ્રી : હા, એ કરુણાનાં પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. આ બીજા અમને રોજ કહે કે 'અમને કેમ કશું કહેતાં નથી ?' મેં કહ્યું, 'તમને ના કહેવાય.' એ વધારવા જેવા છે નહીં, એની મેળે જ વધે એવા છે. એ ડહાપણથી 'ગ્રાસ્પિંગ' (ગ્રહણ) કરી શકે એમ છે. પણ પ્રતિક્રમણ અમારે કરવું પડે ! એ અજાયબી જ છેને !

પ્રશ્નકર્તા : દાદા, પણ એ તો કરુણા ભાવે બોલે છે ને !

દાદાશ્રી : છે કરુણા ભાવે. પણ કરુણા ભાવે પણ આમ ન હોવું ઘટે. આમ અમારી વાણી સ્યાદ્વાદ જ ગણાય. પણ કોઈ ધર્મવાળાને કિંચિત્માત્ર દુઃખ ના થાય, એવું મારું આ વર્તન હોય છે અને પક્ષપાત નહીં કોઈ જગ્યાએ.

હવે આ કોઈ ધર્મ માટે જે કહેવું પડે છે ને, કે આ વાજબી નથી. એવું કહ્યું ત્યાં સ્યાદ્વાદ ચૂકાયો. છતાં વાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે ? કે આય વાજબી છે, પેલુંય વાજબી છે, ચોરે ચોરી કરી તેય વાજબી છે, આનું ગજવું કપાયું તેય વાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને ! 'ઘાલમેલ કરે નહીં ને !' અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગ આ ખટપટ આવી.

પ્રશ્નકર્તા : પણ એય અમારા રોગ કાઢવા માટે ને ?

દાદાશ્રી : હા, તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છે ને ! અમારો હેતુ અમારી જાત માટે નથી, બધાને માટે છે.

આપના પથ્થર, કરુણાસભર

અમે સાધુઓને આ બધી વાત કરતા હતા, જબરજસ્તી કડકાઈથી કહેતા હતા. ત્યારે એક ભાઈએ કહ્યું કે 'આટલું બધું આ દાદા ભગવાન તમને બોલે છે !' ત્યારે એમણે એ ભાઈને કહ્યું, 'એ તમને નહીં સમજાય, એની પાછળ કરુણા છે. કારણ કે જેને કશું લઢવાડ નથી, લેવા નથી, દેવા નથી, મોક્ષના સંપૂર્ણ આરાધક છે. એની પાછળ જબરજસ્ત કરુણા છે !'

પ્રશ્નકર્તા : કેટલી કરુણા હશે એ !

દાદાશ્રી : કરુણાનો જ અવતાર છે આ. કારુણ્યમૂર્તિ છે આ ! હા, જે તે રસ્તે આપણો ઉકેલ લાવવો.

આ તો જેમ છે તેમ કહેવું પડે છે અને તેય અત્યંત કરુણા આવવાથી વાણી નીકળે છે. બાકી અમારે જ્ઞાની પુરુષને તે આવાં કડવા શબ્દો વાપરવાના હોય ? પણ શું થાય ? આ વિચિત્ર કાળને લીધે સાચો માર્ગ મળતો નથી, તે દેખાડવા આવી કડક વાણી નીકળે છે ! બાકી જ્ઞાની પુરુષ તો કરુણાના સાગર હોય.

જ્ઞાની પુરુષની કરુણા ને સમતા

અહીં જે સત્સંગમાં ચોંટી રહ્યો, એને કૃપા કામ કર્યા વગર રહે નહીં એવો આ કરુણામય માર્ગ છે. કેવો માર્ગ છે ? પોતાનું બગાડીનેય પણ કરુણામય માર્ગ છે. પોતાની કમાણી ભલે ઓછી થાય, પણ એને સાચવીને, એની કમાણી શરૂ કરાવીને, દુકાન ફરી ચાલુ કરી દેવડાવી આપે.

જુઓને ! તમને મારા માટે કેટલી બધી ભક્તિ છે, એ બધું હું બહુ સારી રીતે ઓળખું, પણ છતાંય તમને મહીં કો'ક દહાડો દેખાડે કે આ 'દાદા' આવા છે.

પ્રશ્નકર્તા : અરે, દાદાને ગાળો હઉ ભાંડું. દાદાને નહીં, અંબાલાલ પટેલને !

દાદાશ્રી : એ બધાની મને ઘેર બેઠાં ખબર પડે. પણ તમને 'ક' (લોભક, ક્રોધક, મોહક વગેરે કષાયો) કેવા ફસાવે છે ને કેવો માર ખવડાવે છે ! તે અમે તમારી ઉપર કરુણા રાખીએ કે આ માર ખાતાં ખાતાં કો'ક દહાડો ડાહ્યા થશે. કો'ક દહાડો ખબર પડશે. આ માર શું કરવા ખવડાવતા હશે ? મારે શું લેવાદેવા ? દાદાને શી લેવાદેવા ? મેં આવાની ક્યાં મિત્રાચારી કરી કે અમને માર ખવડાવે છે. એવો કો'ક દહાડો તમને અનુભવ થાય.

પ્રશ્નકર્તા : દાદા, તે અનુભવ થયો. અનુભવ કેવો કે મને એમ થતું હતું કે આ ડોસો (દાદાશ્રીને) હેરાન કરે છે. પણ તે બધું એ ડોસાએ જ સુધારી કાઢ્યું ! દાદા, બાકી મેં તો તમને એટલી બધી ગાળો ભાંડી હતી કે કંઈ બાકી જ રાખ્યું નહોતું. તોય પાછું અંદરખાને એવું થયા કરે કે 'આ દાદા છે, એ તો સાચા છે.'

દાદાશ્રી : તે અમેય ઘેર બેઠાં જાણીએ બધું. તે એક ફેરો તો મેં તમને કહ્યું પણ હતું કે તમે આડુંઅવળું બોલોને તોય તેનો મને વાંધો નથી. તમે તમારી મેળે અહીં આવ્યા કરજો. કો'ક દહાડો બધું ધોવાશે ! તમે આડુંઅવળું બોલો તેની અમને કિંમત ના હોય. અમે તો તમારું કેમ કરીને શ્રેય થાય, એ જ જોયા કરીએ. તમારું, તમારાં ઘરનાંનું, બધાંનું શ્રેય જોયા કરીએ. તમે તો તમારી પ્રકૃતિ પ્રમાણે બોલો છો. તમારી દ્ષ્ટિ ખરેખર એવી નથી. તમારી દાનતેય એવી નથી, તમારા વિચારોય એવા નથી, એ બધું જ અમે જાણીએ.

અમે આડાઈઓ દેખીએ ત્યાં કરુણા રાખીએ. એમ કરુણા રાખતાં રાખતાં આડાઈઓ ધીમે ધીમે ખસેડાય. ત્યાં માથાકૂટ વધારે કરવી પડે.

વિરાધક ઉપરેય કરુણા

પ્રશ્નકર્તા : જ્ઞાનીની વિરાધના પૂર્વભવમાં કરી હોય તો એનું પરિણામ શું આવે ? આ બધાં લક્ષણો મારામાં છે તો એને ક્ષમા આપી શકાય કે એ ભોગવવું જ પડે ?

દાદાશ્રી : જ્ઞાની પોતે તો એમની બધી દવા કરી જ દે. જ્ઞાની તો કરુણાળુ હોય. એટલે એ પોતાના હાથની સત્તાની હોય એટલી દવા તો બધાને પાઈ જ દે. પણ એમના સત્તાની બહારની વસ્તુ તો ભોગવ્યે જ છૂટકો છે. કારણ કે વિસર્જન કુદરતના હાથમાં છે.

પ્રશ્નકર્તા : વિરાધનાનો પસ્તાવો થયા કરે છે.

દાદાશ્રી : એનો પસ્તાવો થાય, દુઃખ વેદે, ભોગવવું પડે, અસમાધિ થયા કરે, એનો પાર જ ના આવે. એ છોડે જ નહીં ને !

પ્રશ્નકર્તા : એનો પાર જ નહીં આવે એમ, દાદા ?

દાદાશ્રી : પાર નહીં આવે એનો અર્થ એ કે એ કંઈ બે-ચાર દહાડામાં ખાલી થઈ જાય એવી વસ્તુ ના હોય. કોઈ માણસની આ રૂમ જેવડી ટાંકી હોય ને કોઈની આખા 'બિલ્ડિંગ' જેવડી ટાંકી હોય, એમાં શું ફેર નહીં હોય ?

પ્રશ્નકર્તા : પણ દાદા, એ ખાલી તો થશે જ ને ?

દાદાશ્રી : ખાલી થશે. ખાલી થશે એમ માનીને આપણે ચાલ્યા કરવાનું, પણ ફરી એવી ભૂલ થવી ના જોઈએ. નહીં તો એ પાઈપ બંધ થઈ જશે. (કર્મો રૂપી ટાંકી ખાલી નહીં થાય.) ફરી જો ભૂલ થવાની હોય તો ત્રણ ઉપવાસ કરવા પણ વિરાધના ના થવા દેવી.

અહોહો ! જ્ઞાનીની કરુણા

એક ફેરો 'જ્ઞાની પુરુષ' પાસે જે પેઠો અને પછી એનામાં જો કદી અહંકારથી ગાંડપણ ઊભું થાય તો તો એ માર્યો જ જાય ને ! નહીં તો અહીં પેસીશ જ નહીં, વીતરાગ રહેજે, છેટો રહેજે. છેટાવાળા બોલે તેને બહુ જોખમ નથી આવતું, પણ અહીં પેસીને અવળું બોલે તેને ગાંડો અહંકાર કહેવાય. એ ગાંડો અહંકાર પોતાને બહુ માર ખવડાવે, છતાંય અમે એને બચાવ બચાવ કરીએ ! એક જ ધાર રાખીએ, કરુણા જ રાખીએ એના ઉપર !!!

અમે કરુણા રાખીએ, તેય સમજીને કરુણા રાખીએ. અમે જાણીએ કે આ આડું રાખે છે, કારણ કે એની શક્તિ વધારે હોય નહીં, માટે આડું કરે છે એ ! પણ તેય સમજીને કરુણા રાખીએ.

સેફસાઈડની બાઉન્ડ્રી

પ્રશ્નકર્તા : અમારે જાણવું છે કે વ્યવહારમાં અમારી સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ?

દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદા માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે બુદ્ધિના આધીન છે. એટલે જુદા માને ને ? આપણે બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા !

પ્રશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ?

દાદાશ્રી : એ સારું ઊલટું. એ તો એને બુદ્ધિ છે એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ?

પ્રશ્નકર્તા : તો આપણે કઈ રીતે અભેદતા રાખવી એની જોડે ?

દાદાશ્રી : પણ એ કરે છે એ તો પરવશ થઈને કરે છે ને બિચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવા.

પ્રશ્નકર્તા : એના પર થોડીવાર કરુણા રહે. પછી એમ થાય કે, 'આના પર તો કરુણા રાખવા જેવીય નથી' એવું થાય.

દાદાશ્રી : ઓહો ! એવું તો બોલાય જ નહીં. આવો અભિપ્રાય તો આપણને બહુ ડાઉન લઈ જાય ! આવું ના બોલાય.

પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી એ ડબલ અહંકાર કહેવાય ?

દાદાશ્રી : અહંકારનો સવાલ નથી, 'કરુણા રાખવા જેવી નથી' એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઊલટાં પાછા કહે, 'ઓહોહો ! મોટા કરુણા રાખવાવાળા આવ્યા !' એટલે એ બધું ખોટું.

પ્રશ્નકર્તા : કરુણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ?

દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એના રીએક્શનમાં 'નથી રાખવા જેવું' થયું ને ?

દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી. કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુદ્ધિની બહાર જાય ત્યારે કરુણા કહેવાય.

કરુણા, દયા-નિર્દયતાથી પર

પ્રશ્નકર્તા : એ કરુણા શા આધારે રહે ?

દાદાશ્રી : દયા-નિર્દયતા જતી રહે ત્યાર પછી કરુણા આવે.

મહાવીર ભગવાનને દેવોએ આવડા આવડા માકણ નાખ્યા, પણ માંસની પથારી કરી હોત તોય પાસાં ફેરવીને સૂઈ જાત. છતાં ઈમોશનલ ના થાય. અને અમનેય માંસની પથારીમાં સૂવાડેને, તોય કશું નહીં, ઈનિફેક્ટિવ !

દયામાં તો સેન્સિટિવ થઈ જાય. કરુણામાં એ બધા દુઃખો જુએ, પણ કરુણા રાખે એટલું જ. પણ સેન્સિટિવ ના થાય, જરાય ઈમોશનલ ના થાય. મહાવીર ભગવાન ઈમોશનલ ના થાય. એમના બે શિષ્યો બાળ્યાં તોયે જોતા કરતા હતા, તો એ સ્થિરતા કેવી હશે ? એ જ્ઞાનસ્થિરતા કહેવાય. ત્યારે બીજા શિષ્યોએ કહ્યું કે, 'સાહેબ, અમારા શિષ્યોમાંથી બેને બાળી મેલ્યા.' ત્યારે ભગવાન કહે છે, 'હું તો મોક્ષનું દાન આપવા આવેલો છું. હું શરીરનો રક્ષક નથી. અને આ અમારા હાથમાં નથી.' એમને તો બાળનાર ઉપરેય એટલી કરુણા હતી ને બળતા હતાં તેની પર પણ એટલી જ કરુણા હતી. બાળનાર પર કરુણા એટલા માટે હતી કે આનું પરિણામ તું ભોગવીશ અને એ હું જોઉં છું કે કયા પરિણામ આવશે ! એના પર કરુણા છૂટે છે કે અરેરે ! આની શી દશા થશે, બિચારાની ! અને આ બે શિષ્યોએ આવા પરિણામ ભોગવ્યા એમેય કરુણા હોય.

પ્રશ્નકર્તા : તો મોશન અને ઇમોશનલ, એમાં ફરક શું ?

દાદાશ્રી : આ અમે બધી વાત કરીએ, એ અમે મોશનમાં હોઈએ અને તમે ઈમોશનલ થઈ જાવ. હવે ગાડી મોશનમાંથી ઈમોશનલ થાય તો શું થાય ? આ ટ્રેન ઈમોશનલ થઈને આમ કૂદતી કૂદતી જતી હોય તો મહીં શું થાય ? એવું આ ક્રોધ-માન-માયા-લોભ જે હોય, એ બધા ઈમોશન હોય. જેને કિંચિત્માત્ર દયા હોય તે પણ ઈમોશનલ હોય, અનુકંપા હોય તે પણ ઈમોશનલ હોય. મહાવીર ભગવાનમાં નામેય દયા ના હોય. અનુકંપા જેનામાં ના હોય, કરુણા જ હોય. કેવળ કરુણામૂર્તિ !

પ્રશ્નકર્તા : તો કરુણાની આપણે વ્યાખ્યા શું કરીએ ?

દાદાશ્રી : નિર્દયતા અને દયા બને ના હોય ત્યારે કરુણા કહેવાય. તેથી ભગવાનને લોકો કહે છે, કે કેવળ કરુણામૂર્તિ છો ! કરુણા એ દ્વંદ્વ ગુણ નથી. કરુણા તો સામુદાયિક ભાવ છે, પ્રેમભાવ છે, એ પ્રેમ જેવું જ છે, એક જાતનો પ્રેમ જ કહેવાય.

સદા પ્રેમસ્વરૂપ જ્ઞાની

પ્રશ્નકર્તા : હવે કરુણામાં દયાનું સ્થાન જ નથી પણ પ્રેમ છે !

દાદાશ્રી : અમે એ પ્રેમ સ્વરૂપમાં છીએ. અમારે કોઈની જોડે મતભેદ નથી. મને ગાળો ભાંડે તોય મારે મતભેદ નથી.

પ્રશ્નકર્તા : એ શું ભાવ કહેવાય ? એને કરુણા કહેવાય કે દયા કહેવાય ?

દાદાશ્રી : દયાનું સ્ટેજ પૂરું થયું. દયા હોયને ત્યાં નિર્દયતા હોય. તે નિર્દયતા ભગવાન મહાવીરમાં નથી, નિર્દયતા છૂટી ગઈ. દયા છૂટી ગઈ ને કરુણા આવી.

પ્રશ્નકર્તા : તે કરુણામાં પણ અહંકારનો ભાગ રહ્યો ખરો ?

દાદાશ્રી : ના, અહંકાર નહીં.

પ્રશ્નકર્તા : પ્રેમ અને કરુણામાં ફેર કેમ રહ્યો ?

દાદાશ્રી : પ્રેમ તો હજુ આગળનું સ્વરૂપ છે.

પ્રેમ અને કરુણા

પ્રશ્નકર્તા : પ્રેમ અને કરુણામાં શો ફેર ?

દાદાશ્રી : પ્રેમમાં અદ્વૈતભાવ હોય ને કરુણામાં ભેદ હોય.

એ કરુણા અમુક દ્ષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય. અને અમુક દ્ષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું ? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો વિટામીન કહેવાય. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મવિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ? એનામાં આત્મવીર્ય પ્રગટ થાય, ઐશ્ચર્યપણું પ્રગટ થાય.

પ્રશ્નકર્તા : કરુણા અને ઘાટ વગરનો પ્રેમ એ બે કોના ભાવ છે ?

દાદાશ્રી : એ બધા પ્રજ્ઞાશક્તિના જ ભાવ છે. અજ્ઞાશક્તિનાં એથી વિરુદ્ધના ભાવ હતા બધા.

અજ્ઞાશક્તિમાં દયા હોય છે. પ્રજ્ઞાશક્તિમાં કરુણા હોય છે. એનો એ જ ભાવ, પણ પ્રજ્ઞાશક્તિમાં કરુણા ઉત્પન્ન થાય છે. કરુણા એ અહંકાર રહિતનો ભાવ છે અને દયા એ અહંકારવાળો ભાવ છે. અજ્ઞાશક્તિ નાશ થઈ એટલે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. એકનું નાશ થવું ત્યારે બીજું ઉત્પન્ન થાય. આ નાશ ના થાય ત્યાં સુધી પેલું ઉત્પન્ન ના થાય. હવે એવું પણ બને કે આ પ્રજ્ઞાશક્તિ થોડી થોડી ઉત્પન્ન થાય એટલે પેલી અજ્ઞાશક્તિ થોડી થોડી નાશ થતી જાય. એવું પણ બને છે, પણ તે ક્રમિક માર્ગમાં બને છે.

ક્ષમા અને કરુણા

પ્રશ્નકર્તા : કરુણાને આત્માનો મૂળ ગુણ કહી શકાય ?

દાદાશ્રી : આત્માનો ગુણ જ ન્હોય એ કરુણા. પણ કરુણા એ છેલ્લામાં છેલ્લો ભાવ છે. કરુણા તો આત્મા પ્રાપ્ત થયો છે, એ વીતરાગ થયા છે એનું લક્ષણ છે. લક્ષણ ઉપરથી શું વસ્તુ છે એની ખબર પડે આપણને. આ ક્રોધ એ મૂળ ગુણ નથી આત્માનો, ચેતનનો અને જડનોય મૂળ ગુણ નથી. એ વ્યતિરેક ગુણ છે. ત્યારે એનો સામો પ્રતિપક્ષ એ ક્ષમા પણ આત્માનો ગુણ નથી. ક્ષમા ઉપરથી તમે જાણી શકો કે આ વીતરાગ થયેલા છે. ક્ષમા પણ સહજ ક્ષમા હોવી જોઈએ. ક્રોધ જેને ઉત્પન્ન થાય નહીં તેને સહજ ક્ષમા કહી, 'અમે તમને ક્ષમા આપીએ છીએ' એવું નહીં. તેય ક્ષમા માંગવીય ના પડે, આપ્યા જ કરે. એટલે આટલાં ગુણો સહજ હોય. સહજ વિનમ્રતા હોય, ક્ષમા સહજ હોય, સરળતા સહજ હોય. સરળતા કરવી ના પડે. પછી સંસારમાં સંતોષ સહજ હોય. એટલે બધાં સહજ ગુણો ઉત્પન્ન થયેલાં હોય. પણ એ આત્માનાં ગુણો નથી. આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા આટલે સુધી પહોંચ્યો. આત્માના ગુણો નહીં. આત્માના ગુણો પોતાનાં ત્યાં ઠેઠ જાય છે એ બધાં ગુણો આત્માનાં. અને વ્યવહારમાં આ આપણે કહેલાં તે લક્ષણ છે એનાં. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામો હસે, ત્યારે આપણે જાણીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે વાત બરોબર છે.

પ્રશ્નકર્તા : ક્ષમાભાવથી ક્રોધ નાશ પામે ?

દાદાશ્રી : ના. ક્રોધ ના આવ્યો એનું નામ ક્ષમા કહેવાય. ક્રોધ ગેરહાજર રહ્યો એનું નામ ક્ષમા. ક્રોધ કરવાની જગ્યાએ ક્રોધ ગેરહાજર રહેવો એનું નામ ક્ષમા. આપણે સળી કરીએ અને એને ક્રોધ ના આવ્યો એનું નામ ક્ષમા છે. ક્રોધ છે તો ક્ષમા નથી ને ક્ષમા છે તો ક્રોધ નથી, એ નક્કી થઈ ગયું.

પ્રશ્નકર્તા : કરુણાની જેમ વીતરાગતા પણ લક્ષણ જ કહેવાયને ?

દાદાશ્રી : વીતરાગતા એ લક્ષણ કહેવાય. એનો ગુણ નથી. રાગ-દ્વેષેય એનો ગુણ નથી અને વીતરાગતા ય એનો ગુણ નથી. આ તો વ્યવહારને લઈને લક્ષણ ઊભાં થયાં. કારણ કે ત્યાં શબ્દરૂપ કશું છે નહીંને ! આ શબ્દ છે ત્યાં સુધી વ્યવહાર છે. એ શબ્દવાળા ગુણ જ નથી ત્યાં.

વીતરાગતા પછી કરુણા

પ્રશ્નકર્તા : વીતરાગતા અને કરુણા વચ્ચે સંબંધ શું ?

દાદાશ્રી : વીતરાગતા ઉત્પન્ન થયા પછી કરુણા હોય. કરુણા ઉત્પન્ન થયા પછી વીતરાગતા ના હોય. એટલે કરુણા પહેલી ના હોય. વીતરાગતા એનું કારણ છે.

પ્રશ્નકર્તા : કરુણાવાળાનો વ્યવહાર કેવો હોય ?

દાદાશ્રી : એનાં વ્યવહારમાં છે તે પોતાના દેહનું માલિકીપણું ના હોય, વાણીનું માલિકીપણું ના હોય અને મનનું માલિકીપણું ના હોય, ત્યારે કરુણા ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : અમે મૂર્તરૂપે આપનામાં કરુણા જોઈએ છીએ, વીતરાગતા જોઈએ છીએ.

દાદાશ્રી : હા, પણ તે જેનામાં આ દેહનું માલિકીપણું જશે એટલે કરુણા ઉત્પન્ન થયા વગર રહે નહીં. કારણ કે પોતાનાં દેહમાં જ્યાં સુધી માલિકીપણું કંઈક છે, વધારે નહીં તો કંઈક પણ, ત્યાં સુધી કરુણા ઉત્પન્ન ના થાય.

કરુણાની પરાકાષ્ઠા ક્યાં ?

પ્રશ્નકર્તા : સંપૂર્ણ વીતરાગ એવા તીર્થંકરોની કરુણા અને ખટપટીયા વીતરાગ એવા સજીવનમૂર્તિ દાદાની કરુણા વચ્ચે શું ફેર ?

દાદાશ્રી : અહીં વ્યક્તિગત થઈ જાય. પેલું સામાન્યપણે સરખું હોય બધું. આ તો ફલાણા આવ્યા, પેલાં આવ્યાં, તે વ્યક્તિગત થઈ જાય. પેલું વ્યક્તિગત ના હોય, સરખું સમાન. તેમની દીકરી આવે કે બીજું કોઈ પણ આવે તોય સમાન.

પ્રશ્નકર્તા : એનાં પરિણામ અને આના પરિણામ કંઇ ફેર પડે ખરો?

દાદાશ્રી : પરિણામ તો એક જ પ્રકારના. પરિણામમાં ફેર ના પડે. પણ આમ દેખાવમાં આવું આવે, વર્તનમાં. પરિણામ ચોખ્ખા હોય પણ વર્તન આવું આવે. વર્તન તો પહેલાં જે પ્રતિતી હતી તેનાં આધારે છે. એટલે થોડો ફેર દેખાય આમાં.

વીતરાગોને તો સહેજેય રાગ-દ્વેષ નહીં. એટલે એમનામાં કરી શકવાની શક્તિ નહીં અને અમારે તો સ્હેજ આ ચાર ડિગ્રી ઓછી છે એટલે અમારામાં કરી શકવાની શક્તિ. એટલો જ ફેર. આ કામ ફુલ કરે.

આ અમારે તો હજુ એક-બે અવતાર બાકી હોય એટલે ખટપટીયા હોઇએ, ખટપટીયા વીતરાગ ! અમે તો કહીએ, પેલા ભઇને અહીં તેડી લાવજો. આમ કરજો, તેમ કરજો અને એ વીતરાગ તો કશુંય નહીં. એમના દર્શનથી જ આપણું કલ્યાણ થઇ જાય. કેવું કે સાચાં દર્શન થઇ ગયા, દર્શન કરતાં આવડવા જોઇએ. જેવું જેને આવડે એવો એને લાભ. બસ, એ વીતરાગની વીતરાગતાને જેણે ઓળખી, એના બાપની વીતરાગતા. જેટલી જેટલી ઓળખી એટલો એને લાભ. એ પોતે કશું આવી બાબતમાં હાથ ઘાલે નહીં. વાણી સહજ ભાવથી નીકળ્યા કરે, બસ. એટલે એ ખટપટીયા નહીં. અમે ખટપટીયા, કે આમને તેડી લાવજો. કારણ કે અમે જાણીએ છીએ કે અમારો છેલ્લો અવતાર નથી. એટલે અમારાથી આ બધું બોલાય અહીં આગળ. અને એ એવું ના બોલે કે તમારો કોઇ ઉપરી નથી કે તમારામાં કોઇ આંગળી ઘાલી દે એવું નથી. એવું તેવું ના બોલે. કારણ કે એમને તો જે મોક્ષમાં જવાના હોય તે દર્શન કરીને પામો, ન જવાના હોય તે ન પામો, પોતે વીતરાગ. અને અમારે આટલો આગ્રહ હોય. હજુ અમે ખટપટ કર્યા કરીએ.

પ્રશ્નકર્તા : એ તો દાદા, જે આપની પાસે આવે અને સમજે તો એનો મતભેદ જાય, પણ ન આવે એને તો મતભેદ રહેને ? તીર્થંકરોના વખતમાં પણ એવું જ હશેને ?

દાદાશ્રી : એ બરોબર છે, પણ એ ખટપટ ના કરે ને અમે ખટપટ કરીએ ને ! અમે તો આમથી બચાવી લઈએ ને આમથી આમ બચાવીએ. પેલા તો બોલે એટલું જ. ના ઠીક લાગે તો જતો રહે. અમારે તો ખટપટ, એટલે બેસાડી બેસાડીને બોલ બોલ કરીએ.

ચારિત્રમોહમાંય કેવળ કરુણાભાવ

પ્રશ્નકર્તા : હવે આપ કહો છો એ પ્રમાણે આપનેય ચારિત્રમોહ ને અમારેય ચારિત્રમોહ, પણ એમાં ફેર પડી જાયને ?

દાદાશ્રી : ફેર તો પડી જાયને ! તમારે તો બેંકમાં વીસ હજાર ગણવા જવું છે, પછી ઓબેરોય હોટેલમાં જરા નાસ્તો કરવા જવું છે. મારે એવું કશું છે ? પેલો બોજાવાળો ચારિત્રમોહ, નર્યો બોજો. અમારે ચારિત્રમોહનો બોજો ના હોય, હલકાં હોય ! બાકી મોહ તો ખરો જ. મોહ વગર કોણ પીડા વહોરે ? કંઈ પણ મોહ કહેવા યોગ્ય છે, પણ મોહ કયો ? ચારિત્રમોહ. જે મોહથી ફરી નવો મોહ બંધાતો નથી અને જે મોહની સંવરપૂર્વક નિર્જરા થઈ જાય છે. તમારે હઉ એવું છે. પણ તમને બોજો હોય, બોજો રહ્યા કરે. વીસ હજાર રૂપિયા પાછા મૂકવા ને લાવવા, ને વીસ હજાર કોઈએ ઉછીના માંગ્યા તો ઉપાધિ.

પ્રશ્નકર્તા : દાદા, એ ચારિત્રમોહ આપે જે કીધું, પણ એ જ્ઞાનીનો કરુણાભાવ ના કહેવાય ?

દાદાશ્રી : કરુણાભાવ જ છે એ. પણ એક પ્રકારનો મોહ કહેવાય.

પ્રશ્નકર્તા : કરુણાભાવમાંય પણ એ ચારિત્રમોહ છે ?

દાદાશ્રી : મોહ વગર તો કોઈ હોય જ નહીંને !

પ્રશ્નકર્તા : દાદા, આ તીર્થંકરોને કલ્યાણની ભાવના હોય, એ પણ તીર્થંકરોનો ચારિત્રમોહ ખરો કે નહીં ?

દાદાશ્રી : બધો ચારિત્રમોહ. કેવળજ્ઞાન થયું તે પહેલાં. બારમા ગુંઠાણા સુધી ચારિત્રમોહ હોય. અને ચારિત્રમોહ ખલાસ થયો કે કેવળજ્ઞાન થયું.

કરુણા સહજ સદા

પ્રશ્નકર્તા : આપ કહો છે કે જ્ઞાનીની સહજ કરુણા હોય, ડિસ્ચાર્જ કર્મ તરીકે નહીં, તો તીર્થંકરો તીર્થંકર ગોત્ર બાંધે છે તે ભાવકર્મથી કે સહજ રીતે ?

દાદાશ્રી : ભાવકર્મથી બાંધે છે. પણ કરુણા તો એમની સહજ હોય. કરુણાનો સ્વભાવ તે સહજ હોય, એમાં ક્રિયા ના હોય, કરનાર ના હોય. ભાવકર્મથી કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : તીર્થંકરોને જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ એ આ ભાવકર્મ બાંધે છે ને ?

દાદાશ્રી : એ ભાવકર્મ છે તે આત્મજ્ઞાન થયાં પછી ખરું, પણ સમકિત થયા પછીનું ભાવકર્મ છે. સમ્યક્ત્વ થયા પછી જે સુખ હું પામ્યો એ સુખ લોકો પામે, એ આ ભાવકર્મ છે. એ તીર્થંકર ગોત્ર બાંધે છેે. એટલે અમારેય એ જ હોય, કે જે સુખ હું પામ્યો છું, એ લોકો કેમ પામે એનાં માટે અમારી ભાવના હોય. અને કરુણા એ તો સહજ ભાવ છે.

અને કરુણા છે તે સહજ જ હોય. એમ ને એમ, સહજ કરુણા. કો'ક ગાળ બોલે ને, તો સહજ ક્ષમા હોય. ક્ષમા એ સહજ કરુણા જ છે. એટલે કરુણા એ સહજ ગુણ છે અને દયા એ ભાવકર્મનું ફળ છે. અને તીર્થંકરને તો ભાવકર્મ હોય જ નહીં ને, તીર્થંકર થયા પછી ! ભાવકર્મ તો પહેલાં થયેલાં. આ ભાવકર્મ અમને ખરું હજુ આ આટલું, કે લોકોનું કલ્યાણ કેમ કરવું તે ! એમણે તો કલ્યાણ કરવાના ભાવ કરેલા, તે દહાડે જ છે તે આ તીર્થંકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ જ થયા કરે. એટલે એમને કેવળ કરુણા ! નિરંતર કરુણા જ હોય. જ્યાં સુધી ભાવકર્મ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહીં.

જ્ઞાનીની નિષ્કામ કરુણા

પ્રશ્નકર્તા : પણ દાદા, એ આપણને જે ગરજ થઈ છે એ તો નિષ્કામ કરુણાને ?

દાદાશ્રી : નિષ્કામ કરુણા પણ એ કરુણા પણ ગરજ છેને ! એ પદ આવ્યા પછી છે તે પેલું પદ આવે. આ પદ આવવાથી જે છેલ્લું પદ આવે છે તે જગત ખુશ થઈ જાય એવું આવે છે. એ તીર્થંકર પદ છે. લોકોના કલ્યાણ માટે જ જીવે એ. પોતાના માટે જીવતા ન હોય. થોડું સમજાયું હું શું કહેવા માગું છું ? 'જ્ઞાની પુરુષ'ની કરુણા 'વર્લ્ડ વાઈડ' હોય, જીવમાત્ર પર હોય !

અંતિમ પેમ્ફલેટ, કરુણા

પ્રશ્નકર્તા : વીતરાગોને રહેતી હતી તે કરુણા અને ક્ષમા, એ બધા ગુણો કયા સ્ટેજમાં અને કઈ રીતે વર્તે ?

દાદાશ્રી : ક્ષમા એ કોઈ વસ્તુ જ નથી. ક્ષમા એટલે તો ક્રોધનો અભાવ !

અને કરુણા એ સહજ વસ્તુ છે. એ ગોઠવેલી થાય એવી વસ્તુ નથી. કશી ક્રિયા વગર સહેજે કરુણા રહે. અને કરુણાના ભાવ તો, એમાં તો કરુણા રાખવી જોઈએ કે એવા ભાવ કરો.

પ્રશ્નકર્તા : તો પછી કરુણા એ પરિણામ છે?

દાદાશ્રી : કરુણા જ આ જગતનું છેલ્લામાં છેલ્લું પેમ્ફલેટ છે.

પ્રશ્નકર્તા : એ છેલ્લા અવતારમાં પ્રગટ થાય?

દાદાશ્રી : એ તો છેલ્લા અવતારમાંય થાય કે એક-બે અવતાર પહેલેથી યે થાય. એમાં કરુણાનો કંઈ એવો નિયમ નથી. પણ કરુણા એ તો છેલ્લામાં છેલ્લી વસ્તુ છે, તેય સહજ કરુણા !

પ્રશ્નકર્તા : જ્યાં કરુણામાં આવી ગયો ત્યાં તો પછી આ પ્રતિક્રમણ ને આ બધા સ્ટેજ પાછળ જ રહી જાયને ?

દાદાશ્રી : કરુણામાં આવી ગયો એટલે થઈ ગયું. પણ એ કરુણા ઉત્પન્ન થવી મુશ્કેલ છે. એટલે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાના. તમારે અત્યારેય જે કરુણા લાગે છે ને, એ દયા નામનો ગુણ છે, લાગણીઓ છે. એ ન હોય કરુણા. કરુણા તો કેવી હોય ? ભવ્ય હોય ! કરુણાનો દરવાજો ભવ્યતાનો જોયો હોય તો આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ એવો દરવાજો ના હોય. એને કારુણ્યતા નામનો ગુણ કહ્યો. એ સહજ હોય.

કેવળીને કરુણા કેટલી ?

પ્રશ્નકર્તા : આ કેવળી થઈને મોક્ષે જાય છે, એ લોકોને કારુણ્યતા પ્રગટ થાય કે ના થાય ?

દાદાશ્રી : કેવળીને તો કરુણા કે કશું હોતું નથી. એકલું કેવળજ્ઞાનમાં જ રહેવાનો સ્વભાવ હોય છે. કોઈ એક જીવને શીખવાડે નહીં. એનાં ઘરનો માણસ જ રખડી મરે ને ! એ તો તીર્થંકર ગોત્ર નહીં. એ તો તીર્થંકર ગોત્ર બાંધે એવાં જ્ઞાની પુરુષ હોય કે જેને આખા જગતનું કલ્યાણ કરવાની ભાવનાઓ જાગી છે, દબાવ દબાવ કરે તોય એ ભાવના જાગી છે.

પ્રશ્નકર્તા : અને એ ભાવનાનાં હિસાબે જ કરુણા હોય ને ?

દાદાશ્રી : એ ભાવના કેટલોય કાળ સુધી રહે ત્યાર પછી એનું પરિણામ કરુણા ઉત્પન્ન થાય. ઘણા કાળ સુધી એવી ભાવના રહે ત્યારે કરુણા ઉત્પન્ન થાય ને કરુણા એ છેલ્લી દશા કહેવાય. બાકી કોઈને કરુણા ઉત્પન્ન થાય નહીં. કરુણા તો, કોઈ જીવને કોઈ પણ કામમાં લેવાની ઈચ્છા ના હોય ત્યારથી જ કરુણા ઉત્પન્ન થાય. જ્યાં સુધી એને બીજાનું કામ પડે છે ત્યાં સુધી કરુણા ઉત્પન્ન ના થાય. પરસ્પર આધાર છે ત્યાં સુધી કરુણા ના હોય. એક જીવનો આધાર હોય, એક જ માણસનો આધાર હોય તોયે પણ કરુણા ના હોય. આધાર-આધારી ના હોવું જોઈએ. હા, એ કોઈકના આધાર થાય ખરાં, પણ કોઈના આધારી ના હોય !

પ્રશ્નકર્તા : એ ભાવથી ના હોય કે દ્રવ્યથી યે ના હોય ?

દાદાશ્રી : કોઈ રસ્તેય ના હોય. દ્રવ્ય ને ભાવ એવી વસ્તુ જુદી હોતી જ નથી. આધાર જ ના હોય. એ નિર્ભય થઈ ગયેલા હોય. કોઈ કહેશે કે 'આ ઘરની બહાર નીકળી જાવ' તો કશુંય નહીં. આધારી ના થાય કે આ હોય તો જ મારું ચાલે. તેમાં મિશ્રચેતનનો બિલકુલ આધાર ના રહેવો જોઈએ. 'ઘર'નો આધાર તો હોય. એ અજીવ છે તો દાવો ના માંડે પણ મિશ્રચેતન તો દાવો માંડે !

કરુણા ને કારુણ્યતા

કરુણા એ સામાન્ય ભાવ છે. એ બધે કરુણા વર્ત્યા કરે. કેમ કરીને આમના દુઃખ જાય, આ સાંસારિક દુઃખોથી જે આખું જગત બળ્યું છે તે કેમ કરીને આમનાં દુઃખો ઉપશમે, શાંતિ થાય, જાય એવી ભાવના એ કરુણા ભાવના !

પ્રશ્નકર્તા : હવે કરુણા ને કારુણ્યતા સમજાવો.

દાદાશ્રી : કરુણા તો ઘડીમાં ઉપજે ને પછી કશુંય ના હોય. કરુણા એ બિગિનિંગ છે અને કારુણ્યતા પરમેનન્ટ છે, કાયમને માટે. કરુણા આવે એટલે એમને દયા યે ના હોય. કારણ કે દયા હોય તો નિર્દયતા જોડે હોય. એટલે કરુણા શબ્દ મૂક્યો કે જે શરૂઆત છે છતાં એ કારુણ્યતા નથી.

બહુ શબ્દોમાં ન પડીએ. એ તો સમાધાન માટે છે. કરુણા શબ્દ જુદો છે ને કારુણ્યતા શબ્દ જુદો છે. શબ્દને ના વળગી રહેવાય. નહીં તો બધી ગાડીઓ ઊભી રહેશે.

એ જ કારુણ્યતા છે અમારી

મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ 'જ્ઞાન' પ્રગટ થાય. કારુણ્યતાનું બીજ પડ્યું છે, તેને 'જ્ઞાન' પ્રગટ થયા વગર રહે જ નહીં.

સ્વચ્છ આંખો ના થાય ત્યાં સુધી સામાનું કલ્યાણ ના થાય. તેથી જ તો 'હું' બધાંને દર્શન કરાવું છું. સ્વચ્છ આંખો એ જ કારુણ્યતા, બીજો કોઈ ભાવ નહીં.

આ જગતમાં કારુણ્યમૂર્તિ થવાની જરૂર છે. એક ચિત્ત થયા પછી જ કારુણ્યમૂર્તિ થવાય. જો કારુણ્યમૂર્તિ થાય તો મોક્ષ સામો આવે, ખોળવા જવો ના પડે. વિરોધીની સામેય કરુણા હોય !

આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને 'ઇમોશનલ'પણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો, અને એ જ કારુણ્યતા છે અમારી !

- જય સચ્ચિદાનંદ